Pranay Bhang - 3 books and stories free download online pdf in Gujarati

પ્રણય ભંગ - 3

પ્રણય ભંગ. . . 3

છંછેડાયેલ નાગણની જેમ અક્ષરાએ શબ્દઝેર કાઢવા માંડ્યું:'બેશરમ! દગાબાજ! કેટકેટલા લફરા કરતો ફરે છે તું? અરે, મને ભોળીને શું ખબર કે તું આવો લફરાબાજ અને કામી છે? નહી તો હું તારા પનારે શાની પડું? '

પોતાને બાઘાની માફક તાકી રહેલ અવિનાશને વધારે સંભળાવતી ફરી એ બોલી, 'અરે, આમ પડ્યો છે શુ? ચાલ ઊભો થા અને ભાગ! હવેથી કદી તારૂ આ થોબડું ન બતાવતો મને!'

પોતાની ડોકમાં રંગીન દોરીથી બાંધી રાખેલ કૉડીને જોઈને બોલતી અક્ષરાના આ ભયંકર રૂપના ભયંકર શબ્દો સાંભળતો અવિનાશ કૉડી પર લખેલા ના પર આંગળી ફેરવતા- ફેરવતા ચાલી નીકળ્યો. જેના પર લખ્યું હતું:'આઈ લવ કમલી. '

કેટલી કાતિલ છે શંકાશીલ નજર!

ભાગેલા ભૂતકાળે ફરી હ્રદય ભંગાવ્યું!

3. પ્રેમની સજા. .

'અહાહા. . અવિનાશ! શું માનવ મહેરામણ ઊભર્યું છે!' ચકડોળ જરા ઊંચે ચડ્યો ત્યા તો સાનંદાશ્ચર્ય સાથે નયનોને વિસ્ફારિત કરીને હરમકન બોલ્યો.

'તે ઊભરાય જ ને ! યુવાન પ્રેમી હૈયાઓને મળવનો આ જ તો સુઅવસર છે. 'મેળાની ચોફેર નજર ફેરવતા અવિનાશે ઉમેર્યું.

ગુજરાતની ઉત્તર સરહદે રાજસ્થાનને અડીને એક ગામ આવેલ છે. અહીં દર વરસે જન્માષ્ટમીનો મહામેળો ભરાય છે. મેળો હોય અને માણહ ન મ્હાલે તો એ મેળો શાનો. અહીના આ મેળામાં લોકો સવારથી જ સહકુંટુંબ આવી ચડે છે. અવિનાશને પણ નાનપણથી જ મેળાનો જબરો શોખ હતો. કિન્તું છેલ્લા ત્રણેક વરસ બાદ એ પ્રથમ વખત ફરી આ મેળામાં આવ્યો. આજેય જો કે એની તો ઈચ્છા નહોતી જ. પણ મિત્ર હરમકનના હઠાગ્રહને લીધે આવવું પડ્યું.

અવિનાશ અને હરમકનને ચકડોળની મજા માણવાનો જબરો શોખ! ભલે મેળામાં બીજી મજા ન માણે પણ ચકડોળમાં બેઠા વિના તો એમને ચાલે જ નહી. અને મેળામાં આવ્યા એવા ચખડોળે ચડ્યા.

'પણ અવિનાશ એવું નથી કે મેળામાં પ્રેમી હૈયાઓ જ મળે. મેળામાં આબાલવૃધ્ધ સૌ આવે. વળી યુવાન તો આપણેય છીએ. આપણે કેમ કોઈને બાથમાં ભરીને મળતા નથી!' પછી અવિના ખભે હાથ મૂકીને આગળ ઉચ્ચાર્યું, 'તારી વાત સાચી છે હો અવિનાશ!આપણે બેય ફૂટ્યા હૈયાના છીએ. નહી તો હાલ આપણેય કો'કને મળતા હોત!'

'એકલા રહેવામાં જ મજા છે , હરમન!'અવિનાશ લાડમાં એને હરમન જ કહેતો. પછી હરમનની આંખોમાં આંખ ભરાવી એણે ઉમેર્યુ, 'પણ હરનિયા મારે આજે બે કામ કરવાના છે!'

એ કામ કાલે કરજે યાર. . આજે ને અત્યારે તો મેળાની મોજ માણી લે. '

"યાર, આજે મેળામાં જ પૂરા થાય એમ છે!"કંઈક વિચારતો હોય એમ અદાથી અવિનાશ બોલી ગયો.

' તો પછી ઝટ તારા એ કામ બોલ જેથી જલ્દી પાર આવે. ' જરા કંટાળાજનક વાણીમાં હરમને કહ્યું.

તો સાંભળ હરમુ. . . . એનો હાથ હાથમાં લેતા અને એક નજર મેળા ઉપર નાખી અવિનાશે વાત શરૂ કરી. .

એક કામ તો એ કે બીજીવાર મારી જીંદગીમાં આવીને ગયા ઉનાળે જ ચડતા વૈશાખે ચૉરીના ચાર ફેરા ફરીને મને સાવ-સાવ જ તરછોડી દીધો છે એવી મારા મનની માનેલી ટશકીને મારે ચાંદલો આપવો છે. એ બિચારીનો મારા પર બહું જ ઉપકાર છે. અને બીજું કામ એ કે ગયા ઉનાળામાં જ એ જ ઉતરતા વૈશાખે મારી આંખો વાટે દિલમાં ઊતરી જનાર આરજુના મનનું સમાધાન. કરવું છે કે ક્યા કારણથી મે લગનની ના પાડેલ છે.

અવિનાશ માંડ આટલું બોલી રહ્યો કે તરત જ હરમને કહેવા માંડ્યું - તારૂ એકેય કામ નથી થવાનું, જા મારો શાપ છે. ' ને પછી બંને જોશભેર હસી પડ્યા.

ચકડોળ ધીરે ધીરે ધીમો પડી રહ્યો હતો. મેળાના લોકોનો શોરબકોર આખા ગામને ગજવી રહ્યો હતો. ચકડોળ આગળ ચકડોળ પ્રેમીઓની હકડેઠઠ્ઠ ભીડ જામી ચૂકી હતી. ઉપર ચકડોળમાં બેઠેલા કઠટલાંક મોજીલા યુવાનો કિકિયારીઓ પાડીને મેળાની મજા ગજવે કરી રહ્યા હતા.

ચકડોળથી ઊતર્યા બાદ એ બંનેએ ટશકી અને આરઝુને ગોતવાની મથામણ આદરી. આવા વિશાળ મેળામાં એ બેયને શોધી કાઢવા એ સાગરમાંથી મોતી ખોળી કાઢવા જેવી વાત હતી. છતાંય પ્રયાસ ચાલું થયા.

અચાનક સવા બે વાગ્યાની આસપાસ મંદિર તરફ જતાં માર્ગમાં જ આરઝુનો ભેટો થઈ ગયો. એને જોતાં જ અવિનાશની આંખો ખુશમિજાજ બની ગઈ. પછી દિલમાં ઉઠેલ લાગણીના ઉમળકાને હોઠ પર લાવીને એણે સ્નેહના ફુંવારા ઉડાડતા અવાજ સાથે આરઝુંનું અભિવાદન કર્યું, 'હાય. . . આરઝુ. . . !' અને પછી એકટસ બનીને આરઝુના ચહેરાના બદલાતા ભાવોને વાંચી રહ્યો.

'અરે જા, આરઝુવાળા જા. તારો રસ્તો પકડ. 'પછી ચહેરા પર અપાર ગુસ્સો લાવતા અવિનાશ સામે હાથ કરતી કહેવા માંડ્યુ:'અવિનાશ, જોઈ લીધો મે તારા બનાવટી પ્રેમને. ખબર નથી કેટલા છે તારા જેવા આ દુનિયામાંં જે પ્રેમના નામે લગનના વાયદા આપીને ફરી જાય છે. આવા લફરા કરતા તને જરાય શરમ ન આવી? 'લગભગ બે માસથી દિલમાં સળગતી વેદનાનો ઊભરો ઠાલવીને એ ભીડમાં ખોવાઈ ગઈ.

અવિનાશ પોતાની ચોતરફ ટોળે વળેલા લોકોના ચહેરા તાકી રહ્યો હતો . જ્યારે હરમકન અવિનાશના વિષાદભર્યા વદનને.

'અવિનાશ!' કહેતાંકને હરમકન હસી પડ્યો. પછી આગળ બોલ્યો: 'તો અવિનાશ, તારુ એક કામ તો પતી ગયું ને? '

જવાબમાં અવિનાશે જોરથી હકારમાં માથું હલાવ્યું.

'તો ચાલ, હવે બીજું કામ પણ પતાવી દઈએ. 'કહેતો હરમકન અવિનાશને મંદિર તરફના રસ્તે ખેચી ગયો. જાણે બીજુ કામ પણ આ જ રસ્તે પૂરું થઈ જવાનું હોય એમ.

અવિનાશના એક ગાલે આરઝુના શબ્દોથી ઉદાસી ચડી બેઠી હતી તો વળી બીજા ગાલે આરઝુને મળી જવાની હળવી ખુશી મલકતી હતી. હવે એની આંખોમા ટશકીને ખોળી કાઢવાની તાલાવેલી રમતી હતી.

મહાદેવના મંદિરના પાછળના ભાગે પહોંચતા અવિનાશે પાંચ-છ જણના ટોળામાં ટશકીને ઊભેલી જોઈ. એના અંતરમાં થોડી રાહત થઈ. અને આંખોમાં રોશની ઝબકી. હરમકનનો હાથ ઝાલીને અવિનાશ દૂરથી ટશકીની નજર પોતાની નજરને મળે એની રાહ જોતો ઊભો હતો.

ઘડીકવારના વિમાસણભર્યા ઈંતજાર બાદ બંનેની નજરો એક થઈ. આનંદના અતિરેકથી અવિનાશે ટશકીને પોતાની જોડે આવવાનો ઈશારો કર્યો. પ્રત્યુત્તરમાં બે જ સેકંડમાં એની સન્મુખ આવીને એ ઊભી રહી.

હરમકન અવિનાશનો હાથ છોડાવીને એકબાજું ઊભો હતો. એ વારે વારે અવિનાશ અને ટશકીના ચહેરા પર મીટ માંડીને તમાશો જોઈ રહ્યો હતો.

અવિનાશે કંઈક બોલવા હોઠ ખોલ્યા, કિન્તું અચાનક આરઝુના શબ્દો સાંભરી આવ્યા. જેથી એણે ચુપકીદી ધરી. આસપાસના માહોલને નજરમાં રાખીને ટશકી પોતાના ગુસ્સાને દિમાગમાં ખાળી રહી હતી. ત્યારની એકટશ પોતાને તાકીને ઊભી રહેલી ટશકીના ચહેરાના બદલાતા ઉગ્ર રંગોને જોઈ અવિનાશે હરમકન તરફ જોયું. પણ બદનસીબે બેયની આંખો મળી શકી નહી. કારણ કે હરમકન ટશકીના ચહેરાના કાચિંડાની જેમ બદલાતા ભાવો જોવામાં મશગુલ હતો.

મંદિરમાં ઘંટનાદ અને જયજયકાર સંભળાયો. પેલા પાચ-છ જણના જે ટોળામાંથી ટશકી ટપકી હતી એમાંનો એક યુવાન અવિનાશ અને ટશકી પરથી નજરો હટાવતો નહોતો.

આખરે અવિનાશે ઊંડો નિશાશો નાખ્યો. પછી પૈૈસા કાઢવા પેન્ટના ખીસ્સામાં હાથ નાખ્યો. એવામાં ટશકી ગરમ થયેલ મિજાજમાંથી શબ્દો ટપક્યા:'અવિનાશ, એ વહેમને ભૂલી જા કે હું તને પ્રેમ કરતી હતી!એ પણ વીસરી જા કે તારી બાહુપાશમાં રહીને તને પંપાળતી હતી. મને ખબર છે કે તું મને બેશુમાર પ્રેમ કરતો હતો અને શાયદ કરી રહ્યો હશે. કિન્તુ સત્ય હકીકત એ છે કે મે તને ક્યારેય પ્રેમ કર્યો જ નથી! તારી સાથેનો મારો એ સંબધ માત્ર ને માત્ર મારી ગોજારી એકલતા અને ઈચ્છાઓ સંતોષવાનું માત્ર નર્યુ નાટક હતુ નાટક!તારી સાથેના મારા એ સંબંધમાં મારો સ્વાર્થ હતો અને એ સ્વાર્થનો મારી સગાઈ સાથેના લગન થવાથી અંત આવતા જ તારી સાથેના નાટકને મે લગ્નમંડપની આગમાં સળગાવી દીધુ છે. '

ટશકી લાલચોળ ચહેરે બોલી રહી હતી. પેલા બેય મિત્રો એકમેકના ચહેરો જોતા મંદ-મંદ મુસ્કરાઈ રહ્યા હતા. મંદિર પર ફરકતી ધજાનો ફરફરાટ આખા મેળાની પ્રદૂષિત હવાને પવિત્ર કરી રહ્યો હતો.

પેલો એક યુવાન ક્યારનોય અવિનાશને તાકી રહ્યો હતો. અવિનાશે હરમકન પરથી નજરો હટાવીને એ યુવાન તરફ જોવા માંડ્યુ. પછી તત્કાળ ટશકી ભણી જોયું. એની આંખોમાં આંખ ભરાવી. અવિનાશનુ ધ્યાન પોતાના પર આવેલ જોઈ ટશકીએ ફિલ્મી વિલનની અદાઓથી આગળ વધાર્યુ: 'અવિનાશ, તારુ કુશળ ઈચ્છતો હોય તો મારા તારી સાથેના નાટકને અને તારા મારા તરફના પ્રેમને આ મેળામાં વિખેરીને ધૂળમાં ભેળવી નાખ. નહીતો એ બાજૂ જો. . 'અવિનાશને તાકીને ઊભેલ યુવાન ભણી આંગળી ચીંધતા બોલી, 'પેલા બ્લ્યુ કલરના જીન્સ અને સફેદ શર્ટમાં શોભતા મારા પ્રિયંવરને જોઈ લે! એમની જોડે તારા એવા તો હાલ કરાવીશ કે થોડા દિવસ સુરત જવાનું ભારે પડી જશે!'

અવિનાશ આછું-આછું મલકાઈ રહ્યો હતો. હરમકન હાસ્યની છોળો ઉડાડતો અવિનાશની હાલત માણી રહ્યો હતો. અને ટશકી આટલું સંભળાવીને હોઠ પર હાસ્યની લાલિમાં લગાવીને ચાલતી થઈ.

સાંજે પાંચ વાગ્યાને સુમારે અવિનાશ અને હરમકન ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. એ વેળાએ માર્ગમાં રિતું અને રહીશ નામના બે મિત્રો મળી ગયા. અવિનાશને જોતા જ એ બંનેએ એકસામટો સવાલ કર્યો: 'યાર, અવિનાશ. . . તું તો મેળામાં આવવાની કસમ ખાઈને ના પાડતો હતો ને? કે પછી અમને ઉલ્લું બનાવતો હતો? '

એમના જવાબમાં અવિનાશ અજાણ્યા હાવભાવથી માત્ર હસ્યો. જ્યારે એનું મન મનમાં જ બબડી રહ્યું હતુ:"યાર દોસ્તો. . . . ! હું તમોને બેવકુફ શું બનાવું? બેવકુફ તો આજે હું ખુદ બની ગયો છું, મારા પ્રેમની સજા ખુદ ભોગવીને. . !"

એની આંખે આંસુ બનીને ટશકીની પહેલી મુલાકાત ઊભરી આવી.

અવિનાશ સદંતર એને નહોતો ઓળખતો છતાંય એણે બાથમાં લઈને અવિનાશને કહ્યું હતું. . . ડાર્લિંગ. . ! તે અને તારા અસ્તિત્વે મને. . . .

ક્રમશ: