Pranay Bhang - 5 books and stories free download online pdf in Gujarati

પ્રણય ભંગ - 5

પ્રણય ભંગ. . . . 5.

"કુછ સિતારે ઐસે ભી હોતે હૈ

જિન્હે ચમકના નહી આતા,

કુછ દિવાને ઐસે ભી હોતે હૈ

જિન્હે પ્યાર કરના નહી આતા. . "

સોરી સર. .

તમને આઈ લવ કહ્યું એમાં મારો જરાય દોષ નહોતો. પણ તમારા પ્રત્યેની મારા હ્રદયની ચાહતભરી લાગણીથી પ્રેરાઈને મે કહ્યું હતું.

સર,હું અમસ્તા જ ઈંટરવ્યુ આપવા આવી હતી. પણ એ દિવસે આપને જોયા બાદ તમને જોઈને મારી આંખો,મારુ હૈયું તમારા પર પ્રેમ બનીને વરસી ગયું ને હું તમને ઉરના અનંત ઊંડાણથી ચાહવા લાગી. અને એ ચાહતમાં આંધળી કે ઘેલી જે કહો તે બનીને મે નોકરી કરવાનું નક્કી કર્યું. તમારાથી પ્રેમભરી લાગણી બંધાયા બાદ મે વિચાર્યુ કે હું અહીં આવીશ તો મારા બે કાર્ય સરળતાથી પૂર્ણ થશે. એક તો મારો પરિવાર બે પાંદડે થશે અને બીજું તમારા પ્રત્યેનો મારો પ્રેમ. આ વિચારથી મેં નોકરી ચાલુ રાખી. કિન્તું મારા પ્રત્યેનો તમારો પ્રેમ ગઈકાલે મે જોઈ લીધો. હવે આજથી હું મારા નોકરી છોડવાના નિર્ણયને અમલી બનાવું છું. આમેય તમે મને નોકરીએ નહી આવવાનું જ કહ્યું છે ને!

અને છેલ્લે સર,મને ખબર હોત કે તમે મારા પ્રેમના એકરારનો આવો જ જવાબ આપશો તો હું તમને કહ્યા વિના જ મનોમન તમને ચાહીને ખુશ રહેત. જેથી કદાચ મારા પરિવારને રાહત તો થાત. હવે જે થયું તે બરાબર. . . . ! અલવિદા સર. . . . !

પત્ર વાંચ્યા બાદ સૂરજનો માહ્યલો બરાબરનો હલબલી ઊઠ્યો.

પોતે ઘેર જ રહેવાની વાત કરીને જાણે મોટો ગુનો કર્યો હોય એમ અપરાધીની માફક એ ક્યાંય લગી ચિઠ્ઠીને તાકી રહ્યો.

વિચાર આવ્યો જે માર્ગે ફક્ત વિટંબણાઓ જ મળી હોય એ માર્ગે હવે જવું કેમ!? શું યુવતીઓ મને વેરાન-વેરવિખેર કરવા જ મારી જીંદગીમાં આવે છે? ચાલ, અવિ, આને પણ અજમાવી જોઈએ! કદાચ જીવનભર સાથ નિભાવી જશે તો ભવ સુધરી જાશે. નહીતર દગાઓ ખાતા આપણને ક્યાં નથી આવડતું!આખરે મથામણભરી લાંબી ગડમથલને અંતે એણે ઉર્વશીને ઉરઉદધિમાં આશરો આપ્યો.

ઉર્વશી એટલે સ્વર્ગની અપ્સરા જાણે. . . .

એકવાર મજાકની વેળાએ ઉર્વશીએ અવિનાશને કહ્યું હતું:'અવિનાશ,હું તને છોડીને ક્યાંક જતી રહું તો. . ? '

'મને કોઈ જ ફેર નહી પડે. . માત્ર જખમોમાં વધારો થશે. . . '

સાંભળીને ઉર્વશી ચોંધાર આંસુએ રડી પડી હતી. જે જોઈને અવિનાશને વિશ્વાસ બેઠો હતો કે ઉર્વશી એનાથી ક્યારેય અળગી નહી જાય. . .

પણ એ ગઈ. . . ! ભયંકર આઘાત આપીને ગઈ. . . . . !!

ઉર્વશી એટલે અનારકલી જાણે. અવિનાશે પહેલીવાર જ્યારે જોઈ હતી ત્યારે મનમાં બબડ્યો હતો:'આ છોકરી કોઈની ધડકનોનો ભોગ લેશે શાયદ!'

મિસ વર્લ્ડ વખતની એશ્વર્યાનેય શરમાવે એવી લાવણ્યમયી એનામાં સુંદરતા હતી . આજની કેટરીનાને ટક્કર મારે એવી એની લવચીક અને લોભામણી અદાઓ હતી. વાળ અને વાળની સ્ટાઇલ તો એવી કે આજની વિશ્વ સુંદરીઓ જ એને જોઇને ગાંડી ગાંડી થઇ જાય. આંખોમાં ગજબની રોનક હતી. ચહેરામાં ગજબની ખુમારી હતી . અને હોઠો ઉપર સંગેમરમરી લાલીમાં હતી. એની ચાલ તો એવી કે એને ચાલતા જોઇને મુંબઈ જેવું ધમધમતું શહેર પણ ઘડી ભર તો થોભી જાય!કુદરતે એનામાં શકુન્તલા જેવી સુંદરતા, ઉર્વશી જેવી કમનીયતા, મેનકા અને રંભા જેવી મોહકતા તથા દિવ્યતા ઠાંસી ઠાંસી ને ભરી હતી.

દુનિયાના ઇતિહાસની ,વર્તમાનની અને ભાવિની શ્રેષ્ઠ સુંદરતા, મોહકતા, માદકતા, રોનકતા અને અપ્રતિમ દિવ્યતા એનામાં ભરેલી હતી. એને જોઇને એમ જ લાગે કે જાણે શાક્ષાત અપ્સરા !

અવિનાશને હોશમાં લાવતા ઈન્સપેક્ટરે બનેલ ઘટનાની જાણ કરતા કહેવા માંડ્યું:'અવિનાશ! આપ જે ઉર્વશીને બેશુમાર પ્રેમ કરતા હતા એ જ ઉર્વશી તમને પાયમાલ કરીને ગઈ છે. એ કોઈ સામાન્ય યુવતી નહોતી. એ એક ચોર અને ઠગ માણસોના ટોળાની સભ્ય હતી. તમારા જેવા શ્રીમંતોને પ્રણયજાળમાં ફસાવીને પૈસા કમાવવા એ જ એનો મુખ્ય ઉદેશ્ય હતો. પ્રેમના નામે આપને ભોળવીની તમારી સઘળી સંપતિ એના નામે કરીને એ તમને જ મોતને ઘાટ ઉતારવાની તૈયારીમાં હતી. જે દિવસે તમે તમારી સર્વ સંપતિની માલિકી ઉર્વશીને સોંપી હતી. એના બીજા જ દિવસે તમારું મર્ડર થવાનું હતું. પણ આ બાબતની જાણ અવંતીને થતાં જ એણે અવંતીનો કાંટો કાઢવાની કોશિશ કરી અને એ એમાં સફળ પણ થઈ.

અવંતીના રૂમની શોધખોળ વખતે એના પલંગ નીચેથી એક ડાયરી મળી આવી હતી. જેમાં અવંતીએ લખ્યું હતું :'ઉર્વશી ફ્રોડ છે. એણે અવિનાશ સર સાથે પ્રેમનું નાટક રચેલ છે. એ નાટકમાં એનો ઈરાદો સરની સંપતિ હડપવાનો છે. ગઈ કાલે સંપતિ પોતાને નામે લખાવી લીધા બાદ એ એના કોઈ સાગરીત સાથે મળીને અવિનાશ સરનું ખૂન કરવાનુ કાવતરું ઘડી રહી હતી. જે હું સાભળી જતા ઉર્વશીએ મને મારી નાખવાની ધમકી આપી છે. હુ એની ધમકીથી ડરતી નથી. હું મારા સરને બચાવવા મારી જાન પણ આપી દઈશ. '

'પણ સર, એ ડેડબોડી તો ઉર્વશીની જ હતી ને?

અવિનાશ. . . !દિલથી નહી દિમાગથી વિચરો. . !

'પણ સર એ કેવી રીતે શક્ય બને? ? !

'જુઓ અવિનાશ. . અવંતી તમારે અહી નોકરી માટે આવી ત્યારે જ એણે તમને એના પિતાજીની કીડનીની બિમારી વિશે જણાવ્યુ હતુ ખરૂંને! આ અવંતિએ એની ડાયરીમાં નોધેલું છે. હવે અવંતિ નોકરી લાગ્યા બાદ એના પિતાની કિડની સાવ ફેઈલ થઈ હતી. જીવવાના કોઈ સંકેત હતા નહી. હા, કોઈની એક કિડની મળી જાય તો એ થોડું જીવી શકે એમ ડોક્ટરે કહ્યું કે તરત જ અવંતીએ પોતાની એક કિડની પિતાને આપી દીધી!

અવંતીની ડાયરીની આ વિગત જાણ્યા બાદ અમે ફોરેન્સિક લેબમાં ફરી એ ઉર્વશીની માનેલી ડેડબોડીને ચેક કરી તો જાણવા મળ્યું કે ડેડબોડી પરના તમામ નિશાન જે ઉર્વશી હોવાની સાબિતી આપતા હતા એ બધા તાજા જ હતા! મતલબ કે અવંતીનું ખૂન કરતા પહેલા ઉર્વશીએ ચાલાકીથી પોતાના શરીર પરના બધા જ છુંદણાના નિશાન અવંતીના શરીર પર કોતરાવી દીધા હતા. અને પછી ચાલાકીથી અવંતિને બેભાન બનાવીને ટ્રેનના પાટા પર એવી રીતે સુવડાવી દીધી કે એના માથાનો અને મોઢાનો કચ્ચરઘાણ નીકળી જાય જેથી એને બરાબર ઓળખવામાં થાપ ખવાઈ જાય અને એ ઉર્વશીની બોડી માનીને આપણે ઉર્વશીને ભૂલી જઈએ અને એ અજાણી જગ્યાએ જઈ તમારી સંપતિથી મોજ માણી શકે. . . હા અવિનાશ ઉર્વશી હાલ ગમે ત્યા તમારી સંપતિથી મોજ માણી રહી હશે,પણ પોલીસથી એ બચી નહી શકે. . . !!

આટલું કહી ઈન્સપેક્ટર ચાલી નીકળ્યા.

અવિનાશ ચોંધાર આંસુએ નાહી રહ્યો હતો.

5. છળતી છાયા

'અવિનાશ,તને માઠું ના લાગે તો મારે મારી ખુશીને ખાતર માઠા સમાચાર કહેવા છે!' શિયાળાની થીજેલી રાત્રે થીજેલ અવાજે સંકોચવશ છાયાએ પૂછ્યું.

'અરે,આમ કાચબાની માફક સંકોચાય છે શું કામ? આમ ફોન પર વાત કરતી વખતે તો જે કહેવાનું હોય એ બેધડક કહી દેવું જોઈએ. સામેવાળા પર શું અસર થાય છે એ આપણે ક્યા જોવાના છીએ તે આટલો ગભરાટ રાખવાનો? 'અવિનાશે ઉત્તર વાળ્યો.

'પણ અવિનાશ,મારા તરફની તારી અપ્રતિમ પ્રેમાળ લાગણી મને આવું કહેતા લજવે છે. '

'મારી લાગણીની ફિકર કર્યા વિના તું તારી માગણીની વાત કર. 'સામેથી કંઈ જવાબ ન મળતા અવિનાશે ફરી ઉચ્ચાર્યું,'સાભળ,છાયા. . ! હું મારી લીલી લાગણીને ઊની આંચ નહી આવવા દઉં. કારણ કે અનેક સંજોગોએ મને શીખવાડી દીધું છે કે લાગણી અને માગણી કાબૂમાં કેમ રાખવી. '

'તો સાંભળ અવિનાશ,'થોડીવારે રોકાઈને ગળું ખોંખાર્યા બાદ છાયા પોતાનો એ મુદો અવિનાશના કાનમાં રમતો મૂક્યો:'બકા અવિનાશ,ગઈકાલે અચાનક મારૂ વેવિશાળ ગોઠવાઈ જતાં અત્યારે બાર વાગ્યા પહેલા હું આપણા મધુરા અને હવે અધુરા રહશે એવા પ્રણયસંબંધમાં પ્રેમાળ પૂ્ર્ણવિરામ મૂકવા માગું છું. '

આ સાંભળતાં જ અંધારામાં અવિનાશની આંખો આગળ રમતી છાયા અદશ્ય થઈ ગઈ. . !!!

મોટા ભૂપ્રપાતને વેઠી ચૂકેલ અવિનાશને આ નાનકડા ભૂસ્ખલને હચમચાવી નાખ્યો. તેમ છતાંય એણે પોતાના કોમળ કાળજા પર હિમશિલા મૂકી દીધી. ઊંચે આભ તરફ જોઈ મનમાં બબડ્યો,'હે કિરતાર,હજી તું મને આવા કેટલા ભૂપ્રપાત ભેટ આપીશ!'

પછી ભીની આંખોના મોંઘેરી મિરાત સમાં આંસુઓને લૂંછતા બોલ્યો,છાયા! તારુ વેવિશાળ અને લગ્નજીવન અખંડ રહો એવી દિલી મુબારકબાદી. 'રુમમાં વ્યાપી ગયેલી ઉગ્રતાને બહાર કાઢવા દરવાજો ખોલતા એ ફરી બોલ્યો:'સાંભળ છાયા. . . મારા કહેવાથી તેમ છતાંય તારી અપાર ઈચ્છાથી તું મારા જીવતરનું મોંઘેરુ મહેમાન બની હતી. હવે હું આજે તારા કહેવાથી મારી આનંદિત મરજીથી તને તારા ભરથાર તરફ વિદાય કરુ છું. જો કે મારો કોઈ જ અધિકાર નથી બનતો કે તને રોકી શકું!અને શાયદ,રોકવાની ચેષ્ટા કરીશ તોય તું રોકાવાની નથી જ. કારણ કે તારે ક્યા અને કોની સંગે જીવવું અને ખુશ રહેવું એ તારા હાથની વાત છે. ' પછી થોડો રોકઈને આગળ ઉમેર્યું,'પણ,છાયા. . . . !!

ક્રમશ: