Hu ane tu.. books and stories free download online pdf in Gujarati

હું અને તું...

હુ અને તુ....

રોહિત સુથાર

આકાશ સાંજે ૭:૩૦ વાગ્યે ઘરે આવ્યો, દરવાજે તાળુ મારેલુ હતુ. “ઓહ....શિટ....એક તો નોકરીએથી થાકીને આવ્યો છુ અને આ ગુંજનને કઇ ખબર પડે છે કે નહી?” આકાશ ચિડાઇને મનમા બોલ્યો. તેણે બે-ત્રણ ફોન કર્યા પણ ગુંજને કૉલ રિસિવના કર્યો. અંતે કંટાળીને તે હિચકા પર જ બેસી ગયો.

લગભગ રાતે ૯ વાગ્યે ગુંજન આવી, તેના હાથમા શોપિંગના બેગ્સ જોઇને જ આકાશ સમજી ગયો કે મેડમ કયા ગયા હતા. આકાશનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો હતો. ઘરમા પ્રવેશતાની સાથે જ તેણે ઝઘડો શરૂ કર્યો.

ગુંજને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો કે આવતા અઠવાડિયે મેરેજ ફંકશનમા જવાનુ હોવાથી તે શોપિંગ માટે ગઇ હતી અને તેની એક્ટીવામા પંચર પડી ગયુ હતુ એટલે આવવામા વાર થઇ હતી, પણ આકાશ માને તો ને? એને તો બસ એનુ જ દેખાતુ હતુ. રાતે ૧૧ વાગે માંડ સમાધાન થયુ હતુ.

સવારે ગુંજને એણે ખરીદેલી સાડી આકાશને બતાવી. સાડી તો સારી હતી પણ એની સાથેનુ બિલ જોતા જ આકાશને પરસેવો થવા લાગ્યો.

“આટલી મોંઘી સાડી....પંદર હજાર રૂપિયાની, તને કઇ ભાન પડે છે કે નહી? મારી મહિનાની પગાર તે એક સાડીમા જ ઉડાવી દિધી?” આકાશે ગુસ્સામા કહ્યુ.

“અરે આ તો મારી સેવિંગ્સમાથી લીધી છે, તો તને શુ વાંધો છે?” ગુંજન ખિજાઇ ગઇ.

“હા તો પણ આટલી મોંઘી ના લવાય ડફોળ....”

“મારી બહેનના લગ્ન છે અને હજી તો ઘણી શોપિંગ બાકી છે.”

“બસ હવે, જ્યારે તને ખબર છે કે મારી સેલેરી ઓછી છે તો એ પ્રમાણે જ ખરીદી કરાય.”

“જ્યારે તારી ઓકાદ જ નહતી તો મારી સાથે લગ્ન કેમ કર્યા, ઝખ મરાવા?” ગુંજન ચીડી ગઇ.

આકાશેક્રોધાવેશમા આવીને ગુંજનને લાફો માર્યો. ગુંજન પણ પાછી ન રહી, તેણે પણ સામે લાફો જડી દિધો.

રડતા રડતા પોતાની બેગ્સ પેક કરીને ગુંજન તેના પિયર જતી રહી, આકાશે પણ તેને રોકવાની કોશિષ ના કરી.

***

ગુંજનની બહેનના લગ્ન પુર્ણ થયા બાદ તેણે ઘરમા બધી વાતની ફોડ પાડી. “બસ હવે મારે એની સાથે નથી રહેવુ, મારે હવે ડિવોર્સ જોઇએ છે.” ગુંજને એનો નિર્ણય ઘરમા સંભળાવી દિધો. તેના મમ્મીએ સમજાવવાની કોશિષ કરી, પણ ગુંજન માને તો ને?

આકાશ અને ગુંજન એક જ કોલેજમા હતા. પહેલા દોસ્તી અને પછી પ્રેમ ક્યારે થયો તેની ખબર જ ન પડી. ગુંજન ધનાઢય પરિવારની દિકરી હતી, જ્યારે આકાશ મધ્યમ વર્ગીય કુટુંબનો દિકરો હતો.

આ વાતની જાણ ગુંજનના પરિવારને થતા એના બે ભાઇઓએ આકાશને ખુબ માર્યો હતો. ગુંજનના પરિવારને આ સંબંધ મંજુર નહતો. અંતે બંનેએ ભાગીને કોર્ટ મેરેજ કર્યા હતા. આઠ મહિના બાદ ગુંજન અને એના પરિવાર વચ્ચે સમાધાન થયુ હતુ.

લગ્ન કર્યે હજુ પ્રેમી પંખીડાને બે જ વર્ષ થયા હતા અને એક સામાન્ય બાબતે બંને વચ્ચે ઝઘડો થઇ ગયો, આ પહેલી વાર નહતુ, લગ્ન કર્યાના છ મહિના બાદથી જ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઇ ગયા હતા, પણ આ વખ્તે ગુંજન રિષાઇને પિયર જતી રહી. એક સામાન્ય કારણ એ હતુ કે આકાશ ગુસ્સાવાળો હતો જ્યારે ગુંજન જિદી હતી, પૈસા ખર્ચવામા પાછળ ન રહેતી.

***

એકાદ મહિના તો બંને વચ્ચે ગુસ્સો રહ્યો, પણ ત્યાર બાદ બંને મનોમન એકબીજાને ખુબ યાદ કરતા હતા. ગુંજનનુ જ્યારે માથુ દુખતુ, એની કમર કે પગ દુખતા, એને આકાશની ખુબ યાદ આવતી, કેમ કે આકાશ જ એને બામ લગાઇ આપતો, તેલથી માલિશ કરી દેતો. હવે એના પિયરમા કોઇ હતુ નહી, બધુ જાતે કરવુ પડતુ. એના પિતા અને ભાઇઓ બિઝનેસમા વ્યસ્ત રહેતા અને એની મમ્મી કીટી પાર્ટીઓમા વ્યસ્ત રહેતી. હવે એને અહી ગમતુ નહતુ, એકલતા કોરી ખાતી હતી.આકાશની સાથે દરરોજ રાતે આઇસ્ક્રીમ ખાવવી, દર રવિવારે બહાર ફરવા જવુ, એકબીજા સાથે મોડી રાત સુધી વાતો કરવી, એ બધુ યાદ આવવા લાગ્યુ હતુ, પણ જે પ્રમાણે આકાશે એની સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ કારણે ફરી એને ગુસ્સો આવી જતો.

આકાશ પણ ગુંજનને ખુબ યાદ કરતો. સવારે નાસ્તો અને ટિફિન બનાવવુ, દિવસમા દસ વાર એના ફોન આવવા, સાંજે સાથે જમવુ, એકબીજા સાથેનો પ્રેમ અને મસ્તી બધુ એને યાદ આવતુ. ગુંજનને લાફો મારીને એ હવે મનોમન પછતાઇ રહ્યો હતો.

***

એક વૈભવી જીવન જીવવાવાળી, ચોવીસ કલાલ એસીમા રહેવાવાળી, દરરોજ હજારો રૂપિયા ખર્ચનારી, ઔડી કારમા ફરવાવાળી ગુંજને આ બધાનો ત્યાગ કરીને પંખા નીચે જ સુવાની ટેવ પાડી, તમામ ખર્ચાઓ પર કાપ મુક્યો, આકાશ સાથે બસ અને રિક્શામા જ ફરવા લાગી. ગુંજનના પિતા આ વાતથી ઘણા દુખી થતા, એ તો પહેલેથી જ આ સંબંધની વિરુધ્ધ હતા. પોતાની દિકરીનુ જીવન સુખી બને એ માટે આકાશ નામના કાંટાને ગુંજનના જીવનમાથી હંમેશા માટે કાઢી નાખવા માટે હવેપ્રયાસો શરૂ કર્યા હતા.

રમેશભાઇએ ગુંજનને ડિવોર્સ લેવા માટે ઘણી વાર કહ્યુ, પણ ગુંજન દરેક વખતે ના પાડી દેતી, અંતે એમણે બંનેને અલગ કરવા એક યુક્તિ વિચારી લીધી.

***

આજે આકાશને ગુંજનની ખુબ યાદ આવતી હતી, નોકરીથી છુટયા બાદ તે એજ ગાર્ડનમા ગયો જ્યા બંને હંમેશા જતા હતા. આકાશ ત્યા એક બેંચ પર બેસ્યો અને ગુંજનની મીઠી યાદોને એ વાગોળવા લાગ્યો. છેલ્લા એક અઠવાડિયામા તેણે ગુંજનને કેટલાય કૉલ્સ અને મેસેજિસ કર્યા હતા, પણ રિષાયેલી ગુંજને એક પણ રિપ્લાય ન કર્યો.

ગુંજનની નાદાનિયતભરી હરકતોને યાદ કરી આકાશ હસી પડ્યો ત્યા જ અચાનક પાછળથી કોઇ યુવતી એને ગળે મળીને એનુ માથુ આકાશના ખભે મુક્યુ અને ગાલ પર ચુંબન કર્યુ.આશ્ચર્યચકિત થઇને એણે પાછળ જોયુ, કોઇ અજાણી યુવતી હતી.

“ઓહ...સોરી...સોરી...મને લાગ્યુ કે મારો બોયફ્રેંડ છે.” યુવતીએ દિલગીરી વ્યક્ત કરી.

“ કોઇ વાંધો નહી, ક્યારેક એવુ થઇ જાય છે.” આટલુ કહીને આકાશ ત્યાથી જતો રહ્યો.

***

“તને આકાશ પ્રત્યે બહુ પ્રેમ હતો ને, લે આ ફોટા જો, કોઇની સાથે એનુ લફરુ ચાલે છે.” આમ કહી રમેશભાઇએ ગુંજન સામે બે-ત્રણ ફોટા મુક્યા.

ગુંજન તો એ ફોટા જોઇને દંગ રહી ગઇ. આકાશની પાછળથી કોઇક યુવતી એને ગળે મળેલી હતી, જ્યારે બીજા ફોટામા એને ચુંબન કરી રહી હતી. આકાશ મંદ સ્મિત કરી રહ્યો હતો.

ગુંજનબેવફાઇની આગમા બળી ઉઠી, આગમા ઘી નાખવાનુ કામ એના પરિવારે કરી દિધુ. એના પિતાએ ડિવોર્સના પેપર રેડી કરાવ્યા. ગુસ્સામા આવેલી ગુંજને એ પેપર સાઇન કરી દીધા. આકાશને મળવુ કે એક વાર વાત કરવી પણ એને મુનાસિબ ન લાગ્યુ.

રમેશભાઇએ ડિવોર્સ પેપર આકાશને મોકલાવી દીધા. અંદર ગુંજનની સહી જોઇને એનુ મન હચમચી ઉઠયુ. ગુસ્સામા આવીને એણે પણ પેપર સાઇન કરી દીધા. જિદી ગુંજનને મળવુ એને અયોગ્ય લાગ્યુ.

બંનેએ ડિવોર્સ લઇ લીધા અને એક નવા જીવનની શરૂઆત કરી.

***

એ વાતને પાચ વર્ષ વીતી ગયા. પરિવારે બીજા લગ્ન માટે ગુંજનને ખુબ સમજાવી, પણ જિદી ગુંજન ન માની. એ હજુ પણ આઘાતમાથી બહાર આવી ન હતી. ગુંજને એના પિતાની કંપની જોઇન કરી હતી, વ્યસ્ત બનીને પોતાના દુખ ભુલવાની કદાચ કોશિષ કરતી હતી.

એકવાર કંપનીના કામથી ગુંજન મુંબઇ ગઇ. જરૂરી કામ પત્યા બાદ તે શોપિંગ માટે મૉલમા ગઇ. કદાચ બે પ્રેમી પંખીડાને એક કરવા માટે આ જાણે કુદરતની જ ઇચ્છા હતી.

ગુંજને મૉલમા એ જ યુવતીને જોઇ જેને તેણે આકાશ સાથેના ફોટામા જોઇ હતી. અમુક મનના વિચારો બાદ તેણે એની સાથે વાત કરવાનુ વિચાર્યુ.

“હાય....આકાશ કેમ છે.” આકાશ વિશે જાણવાના ઉદેશથી ગુંજને પુછ્યુ.

“કોણ આકાશ?” પેલી યુવતીને આશ્ચર્ય થયુ.

“તો હજુ પણ આકાશ સાથે રિલેશનશિપમા છો કે પછી....” ગુંજને ટોંટ માર્યો.

“હુ જેને જાણતી જ ના હોઉ, એની સાથે રિલેશનશીપ....?, અને તમે છો કોણ, આટલી બધી પંચાત કેમ કરો છો?” પેલી યુવતી ખિજાઇ ગઇ અને ત્યાથી જવા લાગી.

ગુંજનને થોડી નવાઇ લાગી. આજે પણ એણે આકાશના ફોટા મોબાઇલમા સેવ રાખ્યા હતા. પેલી યુવતીને આકાશનો ફોટો બતાવીને પુછ્યુ, “ શુ તમે આને નથી ઓળખતા?”

માત્ર બે ક્ષણ જ ફોટો જોઇને એણે મોઢુ બગાડ્યુ, “નો વે....કોણ છે આ લંગુર?” એ હસી પડી.

“આ એ જ લંગુર છે જેનુ મોઢુ તુ એ દિવસે ગાર્ડનમા ચાટતી હતી.” આમ કહી તેણે એનો અને આકાશનો એ ફોટો બતાવ્યો, જેમા તે પાછળથી એને ગળે મળી અને ગાલ પર ચુંબન કર્યુ.

અચાનક એને એ વાત યાદ આવી, “ઓહહ...કમ ઓન....આ મારો કોઇ બોયફ્રેંડ નથી.”

“તો.....” ગુંજનને નવાઇ લાગી.

“હુ એક થિએટર કલાકાર છુ, એક અંકલે મને આ નાટક કરવા માટે પૈસા આપ્યા હતા, બસ...ધેટસ ઇટ, નો અફેયર બીટવીન મી એંન્ડ આકાશ,ઓકે...”

“શુ તમે એમને ઓળખો છો?”

“ના, પણ એ લગભગ પચાસ...પંચાવન વર્ષના અંકલ હતા.”

ગુંજનના દિમાગમા અચાનક કઇક આવ્યુ અને તેણે એના પિતાનો ફોટો એ યુવતીને બતાવ્યો, “શુ આ જ હતા?”

એ યુવતીએ થોડુક યાદ કરીને હકારમા માથુ ધુણાવ્યુ.

સત્ય ઘટના જાણીને ગુંજનની આંખોમા આંસુ આવી ગયા. એને આકાશની ખુબ યાદ આવવા લાગી, તો બીજી તરફ એના પિતા પ્રત્યે નફરત થવા લાગી.

ગુંજન વિમાનમા બેસીને વહેલી તકે અમદાવાદ આવી પહોચી, તે સીધી જ તેના પોતાના ઘરે (આકાશના ઘરે) ગઇ. બારણે તાળુ હતુ એટલે તેણે આસપાસ પુછ્યુ, આકાશ ગામડે એના માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો છે, એમ જાણવા મળ્યુ.

ગુંજન બસમા બેસીને ગામડે જવા નિકળી પડી. લગભગ ચાર કલાકના રસ્તામા દરેક ક્ષણે તે આકાશને જ યાદ કરતી રહી. શરૂઆતમા લગ્ન કરીને ગુંજન આકાશના ગામડે જ રહી હતી. એ ઘર, એ ખેતર, બધુ એને યાદ આવવા લાગ્યુ. આ મુસાફરી તેને ખુબ લાંબી લાગી રહી હતી. અંતે તે એની મંજિલ સુધી પહોચી ગઇ.

સાંજના સાત વાગ્યા હતા. આકાશના મમ્મી પપ્પા ઘરે હતા, ગુંજન બંનેને પગે લાગી અને ક્ષમા માંગી અને આકાશ વિશે પુછ્યુ.

“ આકાશ કેમ છે,શુ એણે બીજા લગ્ન કરી લીધા?” આટલુ પુછતા એનુ હૈયુ જાણે એક જ ક્ષણમા સો વાર ધબકી ગયુ હતુ.

“ આકાશ હજુ પણ તને જ ચાહે છે બેટા, એણે બીજા લગ્ન નથી કર્યા.” એની સાસુએ કહ્યુ.

ગુંજનના ચહેરા ઉપર ખુશી છવાઇ ગઇ. એનુ દિલ આકાશને મળવા માટે બેચેન થઇ રહ્યુ હતુ.

“ આકાશ ક્યા છે?”

“એ આપણા ખેતરમા કામ કરતોહશે, હવે આવતો જ હશે.” એની સાસુએ કહ્યુ.

ગુંજન આખાય દિવસથી આકાશને મળવા બેચેન હતી, હવે એક ક્ષણ પણ તે વધુ રહી શકે એમ નહતી. એ ઉતાવળા પગે ઘરની બહાર નિકળી અને ખેતરની દિશામા દોડવા લાગી.

***

“ આકાશ....આકાશ....” ની ઝીણી ઝીણી બુમો આકાશને ક્યાકથી આવવા લાગી. એણે એ દિશા તરફ જોયુ. કોઇક યુવતીની આછી આકૃતિ એને દેખાવા લાગી, જે ઝડપથી એની નજીક આવી રહી હતી. આકાશ ઓળખી ગયો, એ ગુંજન હતી જે દોડીને એની પાસે આવી રહી હતી.

ગુંજન દોડીને આકાશ પાસે આવી ગઇ, બે ક્ષણ જોઇને એ આકાશને ભેટી પડી. આકાશે પણ ખુબ ખુશીથી ગુંજનને પોતાની બાહોમા ભરી લીધી. બંનેના મનમા એવો અહેસાસ થયો જાણે કે બંનેના દિલ વર્ષો બાદ આજે ફરી ધબકી રહ્યા છે.બંનેની આંખોમા ખુશીના આંસુ હતા, બંનેએ એકબીજાના આંસુ લુછ્યા. એકબીજા ઉપર ચુંબનોનો વરસાદ વરસાવી દિધો. અનહદ ખુશીના કારણે આકાશે ગુંજનના કમર ફરતે હાથ વીંટાળીને એને ગોળ ગોળ ફેરવવા લાગ્યો.

અચાનક આકાશને એ બધુ યાદ આવ્યુ અને એ ગુંજનથી દુર થઇ ગયો. એના ચહેરા પર થોડો ગુસ્સો હતો.

“સોરી....સોરી....” ગુંજને કાન પકડીને કહ્યુ. બાદમા તેણે સંપુર્ણ હકીકત જણાવી. આકાશ હજુ થોડો ગુસ્સે હતો.

“મને જિદી લોકો પસંદ નથી.” આકાશે કહ્યુ.

“હુ જિદ છોડી દઇશ.” ગુંજને કહ્યુ.

“મને ખર્ચાળ લોકો પસંદ નથી.” આકાશે કહ્યુ.

“ઠીક છે, હુ હવે વધારાના ખર્ચા પણ નહી કરુ.” ગુંજને કહ્યુ.

“મને કોઇ ખુબ પ્રેમ કરે તો જ હુ એની સાથે રહુ.” આકાશે કહ્યુ.

“હુ તને મારી જાનથી પણ વધારે પ્રેમ કરીશ.” ગુંજને મનાવતા કહ્યુ.

આકાશે હસીને પોતાના બંને હાથ પહોળા કર્યા, તેને એમ કે હવે ફિલ્મી અંદાજમા ગુંજન એની બાહોમા આવી જશે.

આ વખ્તે ગુંજને મોઢુ બગાડતા કહ્યુ, “વાતે વાતે ગુસ્સો કરવા વાળા લંગુર મને પસંદ નથી.”

“ઠિક છે, હુ હવે ક્યારેય ગુસ્સો નહી કરુ.” આકાશે કહ્યુ.

“હવે ક્યારેય મારી સાથે ઝઘડો કરીશ?” ગુંજને પુછ્યુ.

“ક્યારેય નહી, હુ તને ખુબ પ્રેમ કરીશ સ્વીટુ.” આટલુ કહીને આકાશે હસીને એની ગુંજનને એની બાહોમા ભરી લીધી.

સંધ્યાનો સમય હતો. સુર્યાસ્તનો એ સમય ખુબ સુંદર લાગી રહ્યો હતો. ઢળતી સાંજે એકતરફ સુરજ ડુબી રહ્યો હતો,તો બીજી તરફ બે પ્રેમી પંખીડાઓ માટે એક નવો સુરજ ઉગી રહ્યો હતો.

***સમાપ્ત***