Love without you books and stories free download online pdf in Gujarati

લવ વિધાઉટ યુ - Letter to your valentine...

લવ વિધાઉટ યુ

રોહિત સુથાર

માય સ્વીટેસ્ટ શ્રેયા,

હેપ્પી વેલેન્ટાઈન ડે, આઈ લવ યુ સો મચ માય જાન. હું તારો ઉર્વીશ જીવનના અંતિમ શ્વાસ સુધી માત્ર ને માત્ર તને જ ચાહતો રહીશ. આ મારું વચન છે. હું જાણું છું કે પ્રેમમાં કઈ કહેવાની જરૂર નથી પડતી, એકબીજા પ્રત્યે મનમાં જે લાગણીઓ ઉદભવે છે એના થકી જ ખબર પડી જાય છે. જુના જમાનામાં પતિ-પત્ની એકબીજાને ક્યાં કઈ કહેતા હતા, તે છતાંય ગાઢ પ્રેમ તેઓ વચ્ચે જોવા મળતો હતો. એકમેકને કઈ પણ કહ્યા વગર મનની વાતો જાણવામાં જાણે તેઓ જાદુગર હતા. પરંતુ તે છતાંય શબ્દોની અભિવ્યક્તિ દ્રારા પ્રેમ વધુ નિખરી ઉઠે છે, એમ મારુ માનવું છે. ઓહ! સોરી, આપણું. કેમ કે પ્રેમની તમામ ઊર્મિઓ અને અહેસાસ તારી પાસેથી જ તો શીખ્યો છું.

કોઈના પ્રેમમાં હોવું પણ કેટલી સુંદર ફીલિંગ્સ હોય છે, નહીં? જાણે આખી દુનિયાથી વિખુટા પડીને એકમાત્ર પ્રેમીની સાથે જ જોડાયેલા રહેવું. આ ફીલિંગ્સથી તો તારો ઉર્વીશ પણ દૂર ના રહી શક્યો. જે ક્યારેય પ્રેમમાં નહોતો પડવા માંગતો. જ્યારે તને પહેલી વાર કોલેજમાં જોઈ હતી, એ જ ક્ષણે મારા હ્રદયે જીવનના તમામ ધબકારાઓ તારા નામે કરી દીધા હોય એવી લાગણી થઈ રહી હતી. તારા સુંદર ચહેરાને કોણ જાણે કેટલા સમય સુધી હું ઘુરતો રહ્યો હતો, એ તો મને આજદિન સુધી ખબર નથી. કદાચ કારણ એ હોઈ શકે કે મારો સમય અટકી પડ્યો હતો.

તારા મળતાવડા સ્વભાવને કારણે દોસ્તી કરવી તો ખૂબ સરળ રહી. પણ મુશ્કેલી તો એના બાદ શરૂ થઈ. મારા મનના વિચારો બે ભાગમાં વિભાજીત થઈ ગયા હતા. એક વિચાર એ હતો કે તને પ્રપોઝ કરી જ દઉ અને જો તું હા પાડે તો...? ઓહ! એ ખુશી તો શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. પણ...જો તું ના પાડે તો? આપણી દોસ્તી તૂટવાનો પણ ભય હતો. એ મનોસ્થિતિ તો મારા માટે ખૂબ કઠિન હતી. તારા પ્રેમને પામ્યા વિના જીવી નહિ શકું એવો ખ્યાલ દરરોજ મને આવતો હતો. સૂકા રણપ્રદેશમાં એક તરસ્યો મુસાફિર જેમ પાણી માટે તડપે છે, ઠીક એમ જ હું તારા પ્રેમ માટે તડપતો હતો.

આખરે મારા પ્રથમ વિચારની જ જીત થઈ. જો રહેવું છે તો તારા પ્રેમને પામીને જ, એવો મક્કમ નિર્ધાર હું કરી ચુક્યો હતો. વેલેન્ટાઈન ડે ના દિવસે તને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું. એના અઠવાડિયા પહેલાથી જ તને શું કહેવું એની તૈયારી કરી રહ્યો હતો. વીસથી વધારે કાગળ હું ફાડી ચુક્યો હતો. પણ તને ક્યાં અંદાઝમાં પ્રપોઝ કરવું એ શબ્દોની લાગણીઓને મારા વિચારમાં નહોતો લાવી શકતો. આખરે પ્રેમના થોડા ઘણા શબ્દો કાગળ પર કંડારવામાં હું સફળ થયો. હકીકતમાં પ્રેમ છે જ એવો, જેટલી લાગણીઓ આપણા સાથીને જણાવો ઓછી જ પડે. આ અનંત છે, બસ સમય સાથે લોકોના વિચારો બદલાતા રહે છે તે વાત અલગ છે.

મનમાં આશા અને ડરથી ભીંજાયેલી મારા પ્રેમની લાગણીઓને લઈને તારી સામેં આવ્યો. વિચાર્યું તો હતું કે તરત જ તને પ્રપોઝ કરી દઈશ, પણ તને સામે જોઇને ફરી ડર મારા પર હાવી થતો ગયો. આ કારણે અડધો કલાક તો મતલબ વિનાની વાતો તારી સાથે કરતો રહ્યો. મારી બકવાસ વાતોને પણ તું કેટલું ધ્યાનથી સાંભળી રહી હતી, એ દિવસને યાદ કરીને આજે પણ હસું છું. તું કેટલી પ્યારી છો?

જ્યારે તું જવા લાગી ત્યારે નાછૂટકે બધી હિંમત ભેગી કરીને ગુલાબનો ફૂલ આપતા માત્ર ચાર જ શબ્દ બોલી શક્યો, "આઈ લવ યુ, શ્રેયા." મારા શબ્દો સાંભળીને અડધી મિનિટ સુધી તો તું મારી સામે અચરજભરી નજરે આંખો પહોળી કરીને જોતી રહી. એક એક ક્ષણ મને કલાકો સમાન મહેસુસ થઈ રહી હતી. હૃદયના તેજ ધબકારા અને હાથ-પગમાં થતી ધ્રુજારીના કંપન સાથે તારા પ્રતિભાવની રાહ જોઈ રહ્યો હતો.

બે ક્ષણ માટે તારા હાથને હોઠ આગળ મૂકીને તે હળવું સ્મિત ફરકાવ્યું ત્યારે જઈને તને પામવા માટેની મારી આશાઓને જાણે ઓક્સિજન મળ્યું. મારુ ફૂલ હાથમાં લઈને જ્યારે તે કહ્યું, "આઈ લવ યુ ટુ." એ ક્ષણે મને દુનિયા ખૂબ જ સુંદર લાગવા લાગી. કેમ કે મારી દુનિયામાં એક ખુબસુરત પરી આવી ગઈ હતી. આપણા હોઠ ચૂપ અને આંખો વાતો કરવા લાગી. ઓહ!!! કેટલો પ્યારો હતો એ અહેસાસ.

આપણો પ્રેમ વસંતઋતુની જેમ પૂરબહારમાં ખીલી રહ્યો હતો. દિવસ દરમિયાન તો તું મારી સાથે રહેતી, જ્યારે રાતોના સપનાઓમાં પણ મારી સાથે તું જ રહેતી. તારું મારી પાસે હોવું એ જ મારા અસ્તિત્વનો અહેસાસ છે, આ વાત હું જાણી ગયો હતો. મને જીવનમાં એકમાત્ર વ્યસન થયો, "તારા પ્રેમનો" જે હંમેશા રહેશે.

ઓહ! તારી સાથે પ્રેમના આ સફરમાં કેટલું સરળતાથી બધું પસાર થઈ રહ્યું હતું. તારી સાથે થતી રોજની મીઠડી વાતો, એ પ્રગાઢ આલિંગન, ચુંબનો દ્રારા થતો પ્રેમનો વરસાદ, કોલેજ પુરી થવી, મને બેંકમાં જોબ મળવી, અને પરિવારને મનાવીને આપણી સગાઈ. તારા પ્રેમથી મળેલી પાંખોને સહારે હું સાતમા આસમાને ઉડી રહ્યો હતો. પણ હું ભૂલી રહ્યો હતો કે સુખ અને દુઃખના તાંતણાઓમાં ગૂંથાયેલી આ જિંદગીમાં માત્ર સુખ જ કોઈને ક્યાં મળે છે? તારો એ અકસ્માત અને હોસ્પિટલમાં મારી બાહોમાં જ તારું અંતિમ શ્વાસ લેવું. આજે પણ એ ઘટના રોજ મારી આંખોની સામે તરવરે છે.

આ દસ વર્ષોમાં મેં તને એક દિવસ પણ યાદ નથી કરી. હવે નારાજ ના થઈશ, કારણ કહું? તું મારી અંદર જ વસે છે. હૃદયના દરેક ધબકારા મને અહેસાસ કરાવે છે કે તું મારી એકદમ પાસે જ છે.

મારી આસપાસ હંમેશા તું રહે છે. સવારે છ વાગ્યે મારા કપાળે ચૂમીને તું મને પ્રેમથી જગાડે છે. મોંર્નિંગ વોકમાં મારો હાથ પકડીને મારી સાથે દોડે છે. તારા સુંદર સ્મિતથી મારી દરેક સવાર મહેકી ઉઠે છે. જો તું મારી સાથે ન હોય તો હું શૂન્ય પણ નથી યાર. રાતે મને ચુંબનોથી નવડાવ્યા બાદ મારી છાતી પર માથું ઢાળીને જ્યારે તું ઊંઘે છે ને ત્યારે જ મને પણ ઊંઘ આવે છે. વાહ! આપણા બન્નેનું કેટલું પ્યારું જીવન, નહિ? અને આ લોકો અમસ્તા જ કહે છે કે તું મારી સાથે નથી. હું પાગલ થઈ ગયો છું. મને સ્કિઝોફ્રેનિઆ નામની બીમારી છે. હવે એ લોકોને તું નથી દેખાતી એમાં હું શું કરી શકું. મારા પરિવારવાળા પણ મને નવા નવા ડોકટરો પાસે લઈ જાય છે કે મારો ઈલાજ કરે અને તું મને મારી આસપાસ ન દેખાય, પ્રેમ ન કરે. પણ હું તને વચન આપું છું કે એવું કદી નહિ થાય. હું તને આખરી શ્વાસ સુધી નહીં ભૂલી શકું. અને તું પણ મને વચન આપ કે તું મારી આસપાસ જ રહીશ. કેમ કે તને જોઈને જ તો મને ચેન મળે છે, મારુ આ દિલ ધબકે છે. મારા જીવવાનું કારણ પણ માત્ર તું જ તો છે.

આ પત્ર વાંચીને જ્યારે તું મારી છાતીએ માથું ઢાળીને સુવા આવે ત્યારે જણાવજે કે આ પત્ર તને કેવો લાગ્યો. ઓકે...અને હા જલ્દી આવજે, તારી કિસ વિના મને ઊંઘ નહીં આવે. એકવાર ફરી આઈ લવ યુ માય જાન.

માત્ર તારો,

ઉર્વીશ

રોહિત સુથાર "પ્રેમ"