Nasib - 10 books and stories free download online pdf in Gujarati

નસીબ - પ્રકરણ - 10

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ - ૧૦

‘‘વેલકમ... વેલકમ... મી. ખન્ના..’’ વિમલરાયે ઉભા થઈને પોતાના બન્ને હાથ પહોળા કરીને ખન્નાને પોતાના સ્યૂટમાં દાખલ થતા જ આવકાર્યો. આર.કે. ખન્ના મુસ્તાદીથી, રૂઆબદાર ચાલે ચાલતો વિમલરાયની બાહોમાં સમાયો... એક તદ્દન વિરોધાભાષી દ્રશ્ય એ કમરામાં રચાયુ. સિંહે શીયાળ સાથે દોસ્તી કરી હોય એવો નજારો હતો. ભારતના રાજકારણમાં નેતાઓ અને મિલીટરી અફસરો બે અલગ ધ્રુવમાં વસતા પ્રાણીઓ જેવા હંમેશા રહ્યા છે... અંગ્રેજો એ ખાલી કરેલુ સ્થાન વિમલરાય જેવા લુચ્ચા શિયાળ જેવા નેતાઓએ બખુબીથી ભર્યુ હતુ. અમૂક ખંધા નેતાઓની આ હરામખોર જમાતે સામાન્ય પ્રજાનું લોહી ચૂસવામાં કોઈ કસર છોડી નહોતી... જ્યારે એનાથી તદ્દન વિરુધ્ધ ભારતીય લશ્કરની ત્રણેય પાંખના ઝાંબાઝ અફસરોએ અને અદ્દના સિપાહીઓએ પોતાના લોહીથી ભારતની આઝાદીને સીંચી હતી. નેતાઓનો અને મિલીટરી અફસરોનો એક મંચ પર ભેગા થવાના ભાગ્યે જ સંયોગો રચાતા... કારણ કે એ બન્નેની વિચારસરણી અને કાર્ય પધ્ધતીમાં જમીન-આસમાનનો તફાવત હતો... જ્યારે અહી વિમલરાયના એરકન્ડીશન્ડ કમરામાં એ અલગ ધ્રુવો એકબીજાના ગળે વળગી રહ્યા હતા. એ દ્રશ્યનો નજારો અલગ હતો. રાજકુમાર ખન્ના, એટલે આર.કે. ખન્ના વજનદાર વ્યક્તિત્વનો માલિક હતો. એકદમ મજબુત અને ખડતલ શરીર, પુરા છ ફુટની ઉંચાઈ, ભરાવદાર ખભા, મજબુત સ્નાયુઓ ધરાવતા ઘુંટણસુધી આવતા લાંબા હાથ, સખ્ત હટચપી આંખોની ગીધ્ધ જેવી દ્રષ્ટી, કાળી ભ્રમર ભરાવદાર જાડી મુછો... તે લગભગ પચાસની ઉંમરે પહોંચેલો ચકોર અને ખંધો અફસર હતો... આર.કે.ખન્નાની જો કુંડળી લખવા બેસીએ તો એની એક આખી અલગથી કહાની લખાઈ જાય એવા અને એટલા કારનામા તેણે કર્યા હતા... તેનો વર્તમાન પણ એટલો જ દિલચસ્પ હતો... એક ભયાનક, ખતરનાક કાવતરાને અંજામ આપવા માટે એ બન્ને આજે ભેગા થયા હતા. વિમલરાયના સ્યૂટમાં અત્યારે તેઓ વચ્ચે એની જ ચર્ચાઓ શરૂ થઈ...

‘‘ભુપતે શું લોચો માર્યો છે...?’’ ખન્નાએ પુછ્યુ તેને બધી માહિતી મળી હતી છતા તે વિમલરાયના શબ્દોમાં સાંભળવા માંગતો હતો. તેણે ખંધાઈથી વાત ચાલુ કરી હતી. તે વિમલરાયને અજયના મામલામાં મળેલી નામોશી યાદ દેવરાવી તેને નીચુ જોવરાવવા માંગતો હતો.

‘‘અજય તેના હાથમાંથી છટકી ગયો છે...’’

‘‘છતાય તે ભુપતને હજુ સુધી સંઘરી રાખ્યો છે...?’’

‘‘હા... કારણ કે તે વર્ષોથી મારી સાથે છે. આ પહેલા ક્યારેય તેણે હાર ખાધી નથી...’’ વિમલરાયે વ્હિસ્કીનો ગ્લાસ ખાલી કરતા કહ્યું. ‘‘તે મારો વિશ્વાસુ છે.’’

‘‘વિમલરાય... માણસ ગમે એટલો વિશ્વાસુ હોય, પરંતુ એ જ્યારે ફેલ જાય તો એને બદલી નાખવામાં જ મજા... આપણા ધંધામા આ અનુભવ સીધ્ધ હકીકત છે. એક નાનું છીંડુ ભારે તારાજી લાવે છે... અને આપણે જે કામ પાર પાડવુ છે એમા આપણે સક્ષમ અને પાવરફુલ વ્યક્તિઓની જરૂર છે આવા નિષ્ફળ માણસોની નહિ... આ પહેલા એક વખત આપણે નિષ્ફળ રહી ચૂક્યા છીએ. પણ હવે કોઈ જોખમ લેવુ નથી. આ છોકરાઓની રમત થોડી છે કે ભૂંસીને ફરીથી માંડી શકાય...’’ ખન્નાએ તંગ ચહેરા સાથે કહ્યુ એક ઘુંટડામાં તેણે વ્હિસ્કીનો ગ્લાસ ખાલી કર્યો. તેની આંખોમાં લાલાશ તરી આવી... આગળ નમીને તેણે ફરીથી પોતાનો ગ્લાસ ભર્યો. એવું નહોતુ કે વિમલરાયના ભેજામાં ખન્નાની વાત નહોતી ઉતરતી. એ પણ જમાનો ખાઈ ચૂકેલ ચાલાક અને ખુર્રાટ માણસ હતો. અમથો તે કંઈ ગૃહમંત્રીની ખુરશી નહોતો સંભાળતો... પરંતુ એ છતા તેને ભુપત ઉપર ગળા સુધીનો ભરોસો હતો કે તેને જે કામ સોંપવામાં આવ્યુ છે એ તે પુરુ કરશે જ... હાર-જીત કઈ જગ્યાએ નથી મળતી. દરેક વખતે ભુપત ચૂકે એ શક્ય નહોતુ. ભુપત તેનો સૌથી જુનો અને સૌથી વફાદાર માણસ હતો. એટલે અત્યારના સંજોગોમાં તેને હટાવીને નવા માણસને કામ સોંપવુ હિતાવહ નહોતુ. અને બીજી પણ એક સમસ્યા હતી... તે આ સનકી કર્નલ ખન્નાને સારી રીતે ઓળખતો હતો. ખન્નાની ખુરાફી ફીતરત તે જાણતો હતો. જો ભવિષ્યમાં ખન્નાના કારણે કોઈ સમસ્યા સર્જાય તો એનું પરિણામ વિમલરાયને પોતે પણ ભોગવવું પડે. એવા સમયે જો ભુપત જેવા વિશ્વાસુ માણસો સાથે હોય તો ઘણો ફાયદો થાય. આવી ગણતરી તેના મનમાં રમી રહી હતી... એટલે હાલ પુરતુ તો એ ખન્નાને ભુપતવાળી બાબતમાં મગનું નામ મરી પાડવા માંગતો નહોતો. તેણે વાત ટાળવા માટે ખન્નાને અધ્ધરતાલ જવાબ આપ્યો.

‘‘ઠીક છે... એ વીશે વિચારીશું. પરંતુ પહેલા આપણે આજે જેના માટે મળ્યા છીએ એ પ્લાનતો ફાઈનલ કરી નાખીએ... આ આપણી છેલ્લી રૂબરૂ મુલાકાત છે. હવે પછીનો આપણે કોન્ટેક ફોન દ્વારા જ શક્ય બનશે. કારણ કે આજે ૨૩ તારીખ છે. આપણા પ્લાન ૨૫મી તારીખે ફાઈનલ છે. તો વચ્ચેના બે દિવસ ઘણા વ્યસ્ત જવાના છે.’’

‘‘હમ્‌...’’ ખન્નાએ હુંકારો ભણ્યો. ‘‘યુ આર રાઈટ... માલની ડીલીવરી લેવા માટે ખુદ જવુ પડશે. માલ સાથે હાજી-કાસમ આવવાનો છે. તેને રૂબરૂ મળી માલનો હવાલો સંભાળીશ અને માલને આગળ મોકલવાની વ્યવસ્થા કરી નાખીશ...’’

‘‘હાજી કાસમ આવે છે...? એ ઉલ્લુનો પઠ્ઠો શા-માટે જાતે આવે છે...’’ વિમલરાયના કાન હાજી-કાસમનું નામ સાંભળીને તંગ થયા. તેના ચહેરા ઉપર ભારે આશ્ચર્ય ઉભરાયું.

‘‘હાજી કાસમ શું કામ આવે છે...? તેનું આવવુ ક્યારે નક્કી થયુ ખન્ના... અને તેં મને કહ્યુ કેમ નહિ...?’’ વિમલરાયના હ્ય્દયમાં ધ્રાસકો પડ્યો હતો. હાજી કાસમ માલની સાથે સાથે એ બાબત ખરેખર ગંભીર હતી. જે પેટીઓ આવવાની હતી એ હાજી કાસમ જ પાકિસ્તાનથી મોકલવાનો હતો, પરંતુ આ કામ તો તેના માણસો કરવાના હતા. એમાં અચાનક હાજી કાસમે જાતે આવવાની શું જરૂરીયાત ઉભી થઈ હતી. અને આવુ તો કંઈ નક્કી થયુ નહોતુ. અને આ નિર્ણય ક્યારે લેવાયો એની જાણ પણ વિમલરાયને કરાઈ નહોતી એટલે તેને ચીંતા થવી સ્વાભાવિક હતી.

‘‘મને પણ ક્યાં ખબર હતી. આજે સવારે તેનો મેસેજ મને મળ્યો કે તે જાતે માલની ડીલીવરી આપવા આવે છે. તારી જેમ આશ્ચર્ય તો મને પણ થયુ જ હતુ... પરંતુ, પછી મને થયુ કે ભલે ને તે આવતો... આપણને તો આપણી ડીલ સાથે મતલબ છે. ભલેને પછી ગમે તે વ્યક્તિ એની ડિલીવરી પહોંચાડે...’’

‘‘ખન્ના... ખન્ના... આ હાજી કાસમ ગમે તે વ્યક્તિ નથી... એ હાજી કાસમ છે, હાજી કાસમ... તાલીબાનનો સેકન્ડ લેફ્ટનન્ટ કમાંડર...? અને એ તું મારી કરતા વધુ સારી રીતે જાણે છે, તને આની ગંભીરતા સમજાતી નથી...? વિમલરાયે અકળાઈને કહ્યુ. તેના ગળે આ વાત ઉતરતી નહોતી. તે વ્યગ્ર થઈ ઉઠ્યો. હાજી કાસમનું નામ સાંભળીને જ તે સતર્ક બની ગયો હતો. વારે-વારે તેના મનમાં સવાલો ઉઠતા હતા કે શા માટે એ ખતરનાક વ્યક્તિ ભારત આવે છે...? તેના દિમાગમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી. તેનું હ્ય્દય કંઈક વધુ જોરથી ધબકતુ હતુ. તેણે શંકાશીલ નજરે ખન્ના તરફ જોયું... ક્યાંક આ ખન્નાની તો ચાલ નથીને...?’’

હાજી કાસમ અને તેમની વચ્ચે સોદો ફક્ત પેટીઓમાં સંઘરેલા માલ પુરતો જ મર્યાદીત હતો. એ માલ હાજી કાસમ ‘થ્રુ’ અફઘાનીસ્તાનથી પાકિસ્તાન, અને ત્યાંથી ભારત લાવવામાં આવવાનો હતો. એ માલની ડીલીવરી પાકિસ્તાનથી આવનારી બોટમાં મીઠાપુર પાસેના અખાતમાં દોલુભા એન્ડ કંપની પોતાની બોટમાં ટ્રાન્સફર કરવાની હતી. મીઠાપુરના અખાતમાં મધદરીયે દોલુભા એ માલ ભરેલી પેટીઓનો હવાલો સુરતના દરીયા કાંઠે હિંમતસીંહ દરબારને સોંપી પાછો ફરી જાય એવુ નક્કી થયુ હતુ... ત્યારબાદ હિંમતસિંહ દરબાર એ પેટીઓ પોતાની ટ્રક દ્વારા ગુજરાતના અલગ-અલગ ભાગમાં ડિલીવર કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ હતી... તમામ પ્લાનીંગ આગઉથી જ નક્કી હતુ. આમાં હાજી કાસમે જાતે આવવાની જરૂર જ નહોતી... છતા તે આવી રહ્યો હતો. અને આ બાબત વિમલરાયને ખટકી હતી. વિમલરાય સારી રીતે જાણતો હતો કે આ હાજી કાસમ કઈ બલા છે. હાજી કાસમ કટ્ટર તાલીબાની નેતા હતો. અફઘાનીસ્તાનમાં અમેરીકી સેના ઉપર તેણે રીતસરનો હાહાકાર વર્તાવ્યો હતો. તેની રગ-રગમાં ઝનુન વહેતુ... ધર્મના નામે તેણે ચારે બાજુ કાળો કેર વર્તાવ્યો હતો... અમેરીકી સરકારની ભીંસ વધતા તે અફઘાનીસ્તાન છોડીને પાકિસ્તાનમાં સંતાયો હતો. અને તેણે પાકિસ્તાનથી જ એક નવી ગતીવીધીનો આરંભ કર્યો હતો... એ કાર્યવાહી હતી હિન્દુસ્તાનમાં ભારે માત્રામાં અરાજકતા પ્રસરાવવાની... જોઈએ એટલા શસ્ત્રો, દારૂગોળો તે અફઘાનીસ્તાનથી લાવી શકતો. એ શસ્ત્રો મેળવીને ભારતમાં ઘુસાડવાની શરૂઆત તેણે કરી હતી. હિન્દુસ્તાનમાં તેના મતના, તેના વિચારોને સમર્થન કરવાવાળા વ્યક્તિઓ તેને મળી રહ્યા હતા. એ લોકો દ્વારા જ તેણે પોતાનું મીશન ભારત ચાલુ કર્યુ હતુ અને એમાં તે ઘણે અંશે સફળ પણ થઈ રહ્યો હતો... તે ક્યારેય જાહેરમાં આવતો નહિ, કે કોઈ કામગીરીમાં શામેલ થતો નહિ... છતા, આ વખતે તે ખુદ સામે ચાલીને ભારત આવી રહ્યો હતો... આ બાબત ખરેખર ખરતનાક હતી અને એટલે જ વિમલરાય સતર્ક બન્યો હતો.

‘‘ખન્ના... મને આ ઠીક નથી લાગતુ...’’

‘‘કેમ...?’’

‘‘તુ સારી રીતે સમજે છે કે કેમ...? છતા પ્રશ્ન કરે છે...?’’

‘‘હાજી કાસમ આવે એમાં મને કોઈ તકલીફ નથી...’’

‘‘પણ મને છે... તું અત્યારે જ તેની સાથે વાત કર. તે ભારત ન આવે એવો બંદોબસ્ત કરાવ... જો ભારતીય ઈન્ટેલીજન્સ બ્યુરોને જાણ થશે તો એ લોકો આકાશ-પાતાળ એક કરીને પણ એ કાસમના બચ્ચાને પકડ્યા વગર નહિ રહે. અને જો એક વખત કાસમ એમના હાથમાં આવી ગયો તો પછી તું અને હું બન્ને જેલના સળીયા પાછળ હોઈશું. તું સમજે છે મારી વાત...?’’

‘‘હંમ્‌... ખન્ના વિચારમાં પડ્યો. વિમલરાયની વાતમાં તે ન સમજે એટલો બેવકુફ તે નહોતો.’’ હું વાત કરુ છુ...

‘‘કોઈપણ ભોગે તેને આવતો રોક...’’

‘‘જો એ નહિ માને તો...?’’

‘‘તો... જરૂર ઉપાદી થશે. આ સામાન્ય બાબત નથી...’’

‘‘પણ, આપણે કામ પણ ક્યાં સામાન્ય કરવું છે. ભયાનક ધમાકો કરવાનો છે... તો પછી ભલેને એ ધમાકો કાસમના નામે થતો...’’

‘‘નહિ... કાસમ આવે છે તો કંઈક મકસદ લઈને જ આવતો હશે તને લાગે છે કે એ વગર વિચાર્યે કંઈ કરે...?’’ વિમલરાયે પુછ્યુ. ‘‘અને આપણે જે ધમાકો કરવાના છીએ ત્યારે આખી વાત અલગ હશે. આપણે જાતે તો એ કરવાના નથી. ધમાકો બીજા માણસો કરશે... આપણે દુર રહીને ફક્ત તમાશો જોવાનો છે... એમાં તારુ કે મારુ નામ ક્યાંય નહિ આવે. પણ જો કાસમ આમાં ઈન્વોલ્વ થશે પછી આપણે બધા છાપરે ચડીશું...’’

‘‘હંમ્‌... હું વાત કરી જોઉ છું... પણ મને નથી લાગતુ કે એ કોઈ વાત સમજે. છતા કોશીષ કરીશ...’’

‘‘તું મીઠાપુર જવા ક્યારે નિકળીશ...?’’

‘‘વહેલી સવારે...કેમ...?’’

‘‘એ પહેલા તું હાજી કાસમ સાથે ચર્ચા કરી લેજે... અને હોંશીયાર રહેજે...’’

‘‘ઓકે... હું ધ્યાન રાખીશ.’’

એ વાર્તાલાપ ત્યાં જ સમાપ્ત થયો. ખન્ના અને વિમલરાય વચ્ચે સ્ટ્રેટેજી ગોઠવાઈ ચૂકી હતી. ફરીથી સમગ્ર પ્લાનની ચર્ચા કરવી જરૂરી નહોતી. કોણે... ક્યાં... શું... કરવાનું હતુ એ એક મીલીટરી એક્શનથી પ્લાન ગોઠવવામાં આવ્યો હતો. તમામ ગણતરીઓ, સરવાળા અને બાદબાકીની સંભાવનાઓની શક્યતાઓ તપાસી મોડી રાત્રે તેઓ બન્ને છુટા પડ્યા હતા. ખન્ના પોતાના કમરામાં ચાલ્યો ગયો. વિમલરાયે પોતાનો વ્હિસ્કીનો આખરી પેગ ખતમ કર્યો. ઉભો થયે અને બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ આવ્યો. તેની આંખો ઘેરાવા લાગી હતી એટલે તે બેડરૂમના સુંવાળા સફેદ ગાદલા પર પથરાયો. ઘેરાતી આંખોમાં સાત વર્ષ પહેલાના દ્રશ્યો કોઈ ચલચિત્રની માફક ઉમટી આવ્યા. તે લગભગ તંદ્રા અવસ્થામાં પહોંચી ચૂક્યો હતો... શું હતુ આજ થી સાત વર્ષ પહેલા તેની પાસે...

તે એક સામાન્ય કક્ષાનો કાર્યકર્તા હતો. પોતાની પાર્ટી માટે ગ્રાઉન્ડ લેવલની દોડાદોડી તે કરતો... અજયના પીતા મોહન જોષી પી.એમ.ની બાજુમાં બેસી શકે એટલી વગદાર વ્યક્તિ હતા એ સમયે... મોહનબાબુ મુખ્યમંત્રીના અંગત સલાહકારની પોસ્ટ સંભાળતા હતા. વિમલરાયે મોહનબાબુનું પડખુ સેવવાનું શરૂ કર્યુ હતુ... વિમલરાય પોતે બહુ જ મોટી મહત્વકાંક્ષી આદમી હતો. તેની ઈચ્છાઓ ગુજરાતના મુખ્યમંત્રી બનવા સુધી લંબાઈ હતી. તેને એ વાતનો ખ્યાલ હતો કે આ કોઈ રમત વાત નહોતી. તે જેટલું વિચારે છે એટલું સરળ નહોતુ. જો એ સરળ હોત તો કોઈપણ વ્યક્તિ મુખ્યમંત્રી બનીને રાજ કરતો હોત. રાજકારણમાં પડ્યા એટલે રાજરમત રમતા શીખી લેવી જરૂરી છે. ખટપટ, કાવાદાવા, દાવપેચ ખેલવા એ પણ એક કળા છે. અને એ કળા વિમલરાય ધીમે ધીમે હસ્તગત કરતો જતો હતો. નાના કાર્યકરમાંથી શરૂ થયેલી કારકીર્દી શામ-દામ-દંડની નીતિઓ અપનાવીને તેણે મોહનબાબુના કેમ્પમાં ઘુસવામાં સફળ થયો હતો. વિમલરાયે મોહનબાબુનો અપરંપાર સ્નેહ અને વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી હતી. થોડા સમયમાં જ તેની ગણતરી મોબનબાબુના ખાસમખાસ માણસ તરીકે થવા લાગી હતી. કોઈને પણ ઉપર સુધી પોતાની ઓળખાણ પહોંચાડવાની હોય કે પછી સરકારી ઓફીસમાં ધુળ ખાતી પોતાની ફાઈલો આગળ વધારવી હોય તો એવા કામ માટે લોકો વિમલરાયનો સંપર્ક સાધતા થયા હતા. વિમલરાય પણ એમની પાસેથી તગડી રકમ લઈને એમનાકામ સરળતાથી કરાવી આપતો. ધીમે ધીમે પણ મક્કમતાથી વિમલરાયે પોતાનું સામ્રાજ્ય વિકસાવવાનું અને વિસ્તારવાનું ચાલુ કર્યુ હતુ. ખૂબ જ ટુંકા સમયમાં તેણે સારી એવી સફળતા હાંસલ કરી લીધી હતી. તેના બોલનું વજન પડવા લાગ્યુ હતુ. જો કે એને લીધે તેનું પોતાનું જ ગુમાન વધતુ ગયુ. એવુ મહેસુસ કરવા લાગ્યો કે એ જ આ પ્રદેશ ઉપર રાજ્ય કરવાને લાયક છે. અને આમ પણ તેની દિલની ઈચ્છા હતી જ કે એક દિવસ તે ગુજરાતનો મુખ્યમંત્રી બને. તેની વધતી જતી મહત્વતાએ એની ઈચ્છાઓની આગને હવા દેવાનું કાર્ય કર્યું હતુ અને પછી એક દિવસ સાવ અચાનક જ તેનો ખન્ના સાથે ભેટો થયો...

ખન્ના કલાકાર આદમી હતો. ભારતીય લશ્કરમાં તે કર્નલ હતો અને તેની ખુદની મહત્વકાંક્ષાઓ પણ આભને આંબતી હતી. કોઈક એક સમારંભમાં વિમલરાય અને ખન્નાની પહેલીવાર મુલાકાત થઈ. મહત્વાકાંક્ષાની ખીણમાં ખદબદતા એ બન્ને કિડાઓને જાણે કે ઉપર ચડવા માટે એકબીજાના સહારારૂપી દિવાલ મળી ગઈ. વિમલરાયનું શેતાની દિમાગ એ ખન્નાનું વિસ્તૃત ફેલાયેલુ નેટવર્ક, જબરદસ્ત રીતે એ સંયોજન ગોઠવાયુ. ખન્નાને મબલખ રૂપીયા જોઈતા હતા અને વિમલરાયને સી.એમ.ની ખુરશી... આ બે વસ્તુઓ મેળવવા એ લોકો કોઈપણ હદ સુધી જવા તૈયાર હતા... અને આખરે એ લોકોના હાથમાં હાજી કાસમ નામનો શખ્સ અલ્લાદીનના જાદુઈ ચિરાગની જેમ આવી પડ્યો... એક મહાકાવતરામાં જે સામગ્રી વપરાવવાની હતી એ સરંજામ મેળવી આપવાની જવાબદારી કાસમે ઉઠાવી હતી અને એના બદલામાં ચૂકવવાના થતા નાણાની વ્યવસ્થા વિમલરાય અને ખન્નાએ કરવાની હતી... ખુબ ટુંકા ગાળામાં, ઝડપથી તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ ચૂકી હતી. અને એ કામગીરી પાર પાડવાને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા કે અચાનક... મોહનબાબુને આ વાતની ભનક લાગી ગઈ... મોહનબાબુ નખશીખ ઈમાનદાર વ્યક્તિ હતા. એમણે તાબડતોબ વિમલરાયને બોલાવીને આ વાતની ચોખવટ માંગી... ત્યાં જ એ ભુલ કરી બેઠા... મોહનબાબુનો પ્રકોપ જોઈને વિમલરાય થડકી ઉઠ્યો. તેના મોતીયા મરી ગયા. તેને લાગ્યુ કે હવે એનો તમામ ખેલ ખલાસ થઈ જશે. વર્ષોની મહેનત અને ચતુરાઈથી જે ઈજ્જત એણે રાજકીય વર્તુળમાં મેળવી હતી એ ધુળધાણી થતા એ જોઈ રહ્યો. વાત નાની સુની નહોતી કે તે હાથપગ જોડીને મોહનબાબુને મનાવી શકે... જે ઘડીએ મોહનબાબુને એ ષડયંત્રની ખબર પડી તે જ ઘડીએ એનો અને ખન્નાનો ખેલ ખતમ થઈ ગયો હોત... પરંતુ... ખન્નો ખતરનાક માણસ નિકળ્યો... તે લશ્કરનો માણસ હતો. હાર માનવી તેના સ્વભાવમાં નહોતુ. દુશ્મનોનો ખાતમો બોલાવી નાખવો તેના માટે રમતવાત હતી... તેણે જ મોહનબાબુને રસ્તામાંથી હટાવી નાખવાનો તખ્તો તૈયાર કર્યો હતો...

પરંતુ... કુદરત ભારે ફાંટેબાઝ હોય છે. ઈશ્વરને કંઈક ઓર જ મંજુર હતુ... બ્લ્યુ હેવનના ભવ્ય એ.સી. સ્યૂટમાં આરામદેહ સુંવાળા ગાદલામાં સુતેલા વિમલરાયને એ દિવસ યાદ આવ્યો જ્યારે તે મોહનબાબુને છેલ્લા દાવ તરીકે મોટી રકમની ઓફર લઈને એકલા બેઠા હતા. બપોરનો સમય થવા આવ્યો હતો. વિમલરાયે ઓફીસના બારણે ટકોરા માર્યા અને પછી અંદર ઘૂસ્યો...

‘‘નમસ્તે બાબુજી...’’ વિમલરાયે બે હાથ જોડીને કહ્યું. ઉંમરમાં તે મોહનબાબુથી ખાસ્સો દસ વર્ષ નાનો હતો એટલે તે હંમેશા મોહનબાબુને બાબુજી કહીને જ સંબોધતો.

‘‘આવ વિમલ... હું તારી જ રાહ જોતો હતો... બેસ...’’ મોહનબાબુએ કહ્યું. વિમલરાયનો પક કયા કુંડાળામાં પડ્યો છે એનો મોહનબાબુને પુરેપુરો ખ્યાલ નહોતો એટલે તેઓ હજુ સુધી ખામોશ હતા. આજે તેમણે વિમલરાયને એ બાબતનો ખુલાસો કરવાજ બોલાવ્યો હતો.

‘‘મારે થોડા ખુલાસાઓ જોઈએ છે...’’

‘‘શેના ખુલાસા બાબુજી...’’

‘‘વિમલ... તું એટલો તો ના સમજ નથી કે હું શું પુછી રહ્યો છુ એ તને સમજાય નહિ... છતા તું પુછી રહ્યો છે એટલે તને જણાવુ... આ ખન્ના સાથે તારે શેના સંબંધ છે...? તમે બન્ને ભેગા થઈને શું ખીચડી રાંધી રહ્યા છો...? મારે સાચો ઉત્તર જોઈએ વિમલ... કારણ કે ખોટુ બોલીશ તો મારાથી એ બર્દાસ્ત નહિ થાય...’’

‘‘ઓહ... તમે ખન્નાનું પુછો છો...’’ વિમલરાયે જાણે સાવ અજાણ્યા બનતા ઉત્તર આપ્યો. તે તમામ ગણતરીઓ કરીને પુરી તૈયારી સાથે આવ્યો હતો. તેને ખબર હતી કે મોહનબાબુ ઘણુ ખરુ જાણે છે અને હવે ભડકો થયા વગર રહેવાનો નથી... ખન્ના મારો જુનો મિત્ર છે. મિત્ર હોવાના નાતે અમે મળીએ છીએ... બસ એટલું જ. બાકી કોઈ વાત નથી...

‘‘તું મને ઉઠા ન ભણાવ વિમલ... હું જાણુ છુ કે તું કયા ચક્કરમાં છો. તું મારો પ્રીય વ્યક્તિ છો એટલે તને ખુલાસા કરવા અહી બોલ્વ્યો છે. નહિતર તું અત્યારે અહી ન બેઠો હોત, મારી જગ્યાએ પોલીસ તને આ પ્રશ્ન પુછી રહી હોત. હું તદ્દન સત્ય જાણવા માગુ છું. વાતને આડી અવળી ઘુમાવ્યા વગર બકી નાખ કે તમે શેની ફિરાકમાં છો... સમજાય છે મારી વાત...?’’ મોહનબાબુની ભ્રકુટીઓ તંગ થઈ.

‘‘બાબુજી, તમને મારા ઉપર વિશ્વાસ નથી ! હું શું કામ તમારી પાસે જુઠુ બોલુ. આપે મને અદના કાર્યકરમાંથી આપનો પ્રીયપાત્ર વ્યક્તિ બનાવ્યો. આપના કારણે જ લોકો મને ઈજ્જતથી જુએ છે. મને માન આપે છે. અને આપને ખુદને જ મારા ઉપર વિશ્વાસ નથી...?’’

‘‘વિમલ... નાટક કરવાનું રહેવા દે. તારા કરતા વધુ દિવાળીઓ મેં જોઈ છે. સામેવાળાનો ચહેરો જોઈને એનું ઈમાન પારખતા મને આવડે છે. હું જાણુ છુ કે તારી મહત્વાકાંક્ષા શું છે...? અને એ બનવાની તારામાં લાયકાત પણ છે, પરંતુ એના માટે તારે ખોટા રસ્તે જવાની જરૂર નથી. તું જે બનવા ધારે છે એ જો તારા નસીબમાં લખાયેલુ હશે તો તું બનીશ જ... સમયને સમયનું કામ કરવા દે... સમય, સંજોગો વગર કંઈ શક્ય નથી... તને આજ સાંજ સુધીનો સમય આપુ છુ. તારી તમામ બે નંબરી પ્રવૃત્તિઓ સંકેલી લેજે નહિતર કાલે બાજી મારા હાથમાં નહિ રહે... અને તું ક્યાંયનો નહિ રહે... પછી મને કહેતો નહિ...’’ મોહનબાબુએ કરડાકીથી તેને ધમકાવ્યો. વિમલરાય ચોંકી ઉઠ્યો. આજ પહેલા તેણે ક્યારેય મોહનબાબુને ગુસ્સે થતા કે ઉંચા અવાજે બોલતા સાંભળ્યા નહોતા. તેઓ ક્રોધથી રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. એટલે પણ ગંભીર બની ગયો. એ જે કંઈપણ કરવા ધારતો હતો એ સામાન્ય વાકીયાત નહોતી. જો એ રાઝ મોહનબાબુને સમજાઈ જાય તો તેઓ બરાબદ થયા વગર ન રહે... વર્ષોની તપસ્યા અને કોઠા કબાડા કરતો અહી સુધી પહોંચ્યો હતો. ઘણા અપમાન, તિરસ્કાર સહન કર્યા હતા. અરે... મોટા-મોટા દિગ્ગજ ગણાતા નેતાઓના રીતસરના તળીયા ચાટ્યા હતા. એમના માટે એક સામાન્ય નોકરથી પણ હલકા કામો કર્યા હતા. આ મુકામે પહોંચવા ઘણા ભોગ આપ્યા હતા... અને હવે જો તેણે અહીથી પાછુ ફરવુ પડે તો એ તેના માટે ભયાનક નાલોશી, અપમાન જનક બાબત બની જાય... વિમલરાય હલબલી ઉઠ્યો... નહિ... નહિ... હું આવુ ગમે તે કરવુ પડે. હું હવે કોઈ જિલ્લત બરદાસ્ત નહિ કરી શકું. હું મારુ ધાર્યુ કરીને જ રહીશ... મને મોહનબાબુતો શું, આ દુનિયાની કોઈ તાકાત અટકાવી નહિ શકે, કોઈ જ નહિ અટકાવી શકે મને... તેના દાંત ભીંસાયા, જડબા સખ્ત થયા, હથેળીમાં ગરમાવો ઉભર્યો, ભયાનક ગુસ્સાથી તેની કાયા કાંપી ઉઠી. ઓફીસની હવામાં અચાનક પલટો આવ્યો...

‘‘મોહનબાબુ... તમારી ધમકીઓથી ડરીને હું મારુ કામ બંધ રાખી દઉ એ વાતમાં દમ નથી... અને હું ધમકીઓ સાંભળવા ટેવાયેલો પણ નથી... બોલો, શું કિંમત છે તમારા ઈમાનની...? અબઘડીએ એ તમને મળી જશે. હું એ આપવા તૈયાર છું. તમારે ફક્ત તમારુ મોં બંધ રાખવાનું અને ચુપચાપ તમાશો જોયે રાખવાનો. બદલામાં તમે માંગશો એ મળશે. તમારી સાત પેઢીઓ તરી જશે... અને હાં, બીજી એક વાત, હું જે કરવા ધારુ છુ એમાં તમને પણ આડકતરો ફાયદો તો મળશે જ...’’

‘‘હરામખોર... તું... તું... મને... મોહન જોષીને ખરીદવાની કોશીષ કરે છે...? તારી આ ઓકાત...? મેં તને એક ઈમાનદાર વ્યક્તિ સમજીને મારી સાથે રાખ્યો અને આજે તું મને ઓફર આપે છે...? મોહનબાબુ બરાડી ઉઠ્યા. ગુસ્સાથી એમનું દિમાગ ફાટી પડ્યુ. એ નાનકડી અમથી ઓફિસમાં અચાનક જાણે કે જ્વાળામુખી ફાટ્યો...આવતી કાલે સાંજ સુધીનો સમય છે તારી પાસે, તારા જે પણ ગોરખધંધા હોય તે સંકેલી લેજે. નહિતર, પરમદિવસની સવારે તું અહી નહિ બેઠો હોય... સમજ્યો...’’

‘‘સમજી ગયો...’’ વિમલરાય પણ ગાંજ્યો જાય એવો નહોતો. ‘‘પરંતુ, મોહનબાબુ, કાલ કોણે જોઈ છે...? મારું તો હું ફોડી લઈશ, પણ તમે સંભાળજો, કાલે કદાચ તમે આ દુનિયામાં ન પણ હોવ...’’ તેણે ખુલ્લી ધમકી આપી દીધી.

વિમલરાયની ધમકી સાંભળીને મોહનબાબુ ગુસ્સામાં ખુરશીમાંથી ઉભા થઈ ગયા. તેમના ચહેરા પર અગનજ્વાળાઓ છવાઈ ગઈ અને કંઈક કહેવા એમણે મોઢુ ખોલ્યુ કે... સાવ અચાનક જ એના ચહેરા પર મુસ્કુરાહટ ઉભરી આવી. હસતા હસતા તેઓ ફરી પાછા ખુરશીમાં ગોઠવાયા. વિમલરાય હેરત ભરી નજરે જોઈ રહ્યો.

‘‘વિમલરાય... તું જે સ્કૂલમાં ભણ્યો છે ને, એ સ્કૂલનો હું હેડમાસ્તર છું. તું મને મારી નાખવાની ધમકી આપે છે પરંતુ તારી ચોટલી મારા હાથમાં છે... પુછ કેમ...?’’ જાણે વિમલરાય સાથે રમત કરતા હોય એમ મોહનબાબુએ તેને કહ્યું.

‘‘કેમ...?’’

‘‘એ એમ કે જે ઘડીએ મને કાંઈપણ થશે એ જ ઘડીએ તું બરબાદ થઈ જઈશ. તારી વિરુધ્ધના તમામ પુરાવાઓ મારી પાસે છે જે મેં અજયને આપી રાખ્યા છે. તેને ખબર નથી કે એ કાગળીયા શેના છે, પણ જે સમયે મારુ મોત આવશે એ જ સમયે એ કાગળીયા શહેરના પોલીસ કમીશનરના ટેબલ પર હશે... માટે તારા માટે એ જ બહેતર છે કે તું તારુ નેટવર્ક સંકેલી લે... અને આ રાહત પણ તને એટલા માટે મળે છે કે એક સમયે તું મારો સૌથી વધુ પ્રિયપાત્ર વ્યક્તિ હતો...’’ મોહનબાબુ એક જ શ્વાસે બોલી ગયા. જો કે એમણે જે કહ્યુ એ સરાસ ખોટુ હતુ. તેમણે કોઈ જ કાગળીયા અજયને આપ્યા નહોતા. તેમણે તો ખાલી વિમલરાયને બિવડાવવા જ કહ્યુ હતુ... પરંતુ, અજયનું નામ લઈને એણે મહાભયંકર ભુલ કરી હતી. તેઓ હજુ વિમલરાયને પુરેપુરો ઓળખી શક્યા નહોતા. મોહનબાબુની ભુલનું પરીણામ ઘણુ ભયાનક આવવાનું હતુ. વિમલરાય કઈપણ બોલ્યા વગર ત્યાંથી રવાના થઈ ગયો...

ત્યારબાદની ઘટનાઓ ખુબ જ ઝડપથી બની હતી... વિમલરાયે બહાર નીકળીને સૌથી પહેલા ખન્નાને ફોન કર્યો અને તેને આ ઘટનાથી વાકેફ કર્યો. સાંજ પડતા સુધીમાં ખન્ના ઉડીને વિમલરાય પાસે પહોંચી ગયો... અને મોહનબાબુને રસ્તામાંથી હટાવવાની સ્ટ્રેટેજી ઘડાણી... વિમલરાયે એ સ્ટ્રેટેજી પ્રમાણે મોડીરાત્રે એના વિશ્વાસુ માણસ ભુપતને ફોન કર્યો હતો અને તેણે શું કરવાનું છે એ સમજાવ્યુ હતુ. ભુપત તરત જ કામે વળગ્યો હતો...

વિમલરાયે આપેલી જાણકારી પ્રમાણે ભુપત અને તેના સાથીદાર મંગાએ અજયની પ્રેયસી અને તુલસીની નાની બહેનને ટાર્ગેટ બનાવી હતી. તેનું અપહરણ કરાયુ હતુ. તુલસીની બહેન સીમાનો ઉપયોગ લીવર તરીકે કરાયો હતો. ભુપતે જ્યારે તુલસીને ફોન કરીને એની જાણ કરી ત્યારે તુલસી ઉપર આભ ફાટી પડ્યુ... સીમાના છુટકારા બદલ તે લોકોએ એક થેલો અજય સુધી પહોંચાડવાની માંગણી મુકી... તુલસીને એ થોડુ અજુગતુ લાગ્યુ પરંતુ ફોન ઉપર સીમાનો ગભરાયેલો અવાજ સાંભળીને તે ભાંગી પડી અને તેણે એ કામ કરવાનું સ્વિકાર્યું હતુ.

એક બાજુ મંગા તુલસીને ભીંસમાં લીધી હતી, તો બીજી તરફ ભુપત મોહનબાબુના કાર્યાલયે જઈ ચડ્યો... વિમલરાયે ભુપતને માહિતી આપી હતી કે મોહનબાબુ હંમેશા સવારના અગીયાર વાગ્યા સુધી પોતાના કાર્યાલયમાં એકલા જ બેઠા હોય છે. અગીયાર વાગ્યા બાદ જ બિજા કાર્યકર્તાઓ આવે છે. ભુપતે એનો ભરપુર ફાયદો ઉઠાવ્યો. ધારણા પ્રમાણે જ મોહનબાબુ એકલા જ એમની કેબીનમાં બેઠા હતા એટલે ભુપતે બહુ જ આસાનીથી પોતાનું કામ પાર પાડ્યુ હતુ... અને ત્યાંથી સફતતાથી સરકી ગયો હતો. આ ઘટનાની બરાબર અડધા કલાક બાદ અજય તુલસીને મળવા ગાંધીસ્મૃતી ભવને આવી પહોંચ્યો હતો. તુલસીને જોઈને એ બાવરો બનીને એની પાસે પહોંચ્યો ત્યારે તુલસીએ મંગાને આપેલી બેગ અજયને આપી હતી અને ત્યાંથી પોતાની સ્કુટી તરફ ચાલી હતી... તુલસી રોડ ક્રોસ કરતી હતી એ દરમ્યાન જ થોડે દુર ટ્રકમાં બેઠેલા મંગાએ ટ્રક ચાલુ કરી ભયાનક રફતારે તુલસી તરફ ભગાવી હતી... માતેલા સાંઢની જેમ ધસમસતી ટ્રક નીચે તુલસીને કચડીને મંગો ટ્રક ત્યાંજ મુકી ફરાર થઈ ગયો હતો...

બનાવના બીજા દીવસે લગભગ તમામ અખબારોમાં મોટા-મોટા અક્ષરોએ પાના ભરાઈ-ભરાઈને એ ઘટનાઓની વિગતો છપાઈ હતી... મોહન જોષીના પરીવારમાં ધરતીકંપ... મોહનબાબુનું હાર્ટ એટેકથી મોત... અજયની પ્રેમિકા તુલસીનું એક્સિડન્ટ કે પછી ખુન...? વગેરે સમાચારોએ શહેર માથે જાણે બોમ્બ ફેંક્યો હોય એવી સનસનાટી મચાવી મુકી હતી.

તંદ્રામાં સુતેલા વિમલરાયને તે દિવસે ઘટેલી ઘટનાઓ થીયેટરમાં કોઈ ફીલ્મ ચાલતી હોય એમ દેખાઈ રહી હતી. તેણે પડખુ બદલ્યુ એટલે એ સીલસીલો તુટ્યો. તેની ઉંઘ ઉડી ગઈ હતી. ભુતકાળના બિહામણા પડછાયાથી તે કંપી ઉઠ્યો હતો. અચાનક એ.સી.ની ફુલ ઠંડકમાં પણ તેને ધામ થઈ આવ્યો. તે ઉભો થયો અને સ્યૂટની બાલ્કનીમાં આવ્યો. બાલ્કનીમાંથી બહાર, સામેની બાજુ ઘુઘવાટા મારતો સમુદ્ર દેખાઈ રહ્યો હતો. કુદરતી તાજી હવાથી ઉંચે ચેડેલો જીવ નીચે બેઠો હોય એવુ તેણે મહેસુસ કર્યું... થોડીવાર માટે તે ત્યાં જ બાલ્કનીની રેલીંગના કઠેડા ઉપર હાથ રાખીને ઉભો રહ્યો. બેઘડી સમુદ્રની લહેરોને દ્રષ્ટીમાં ભરીને તે પાછો ફરવા જતો હતો કે અચાનક તેની નજર નીચે સ્વીમાંગપુલ પાસે એટકી... તે સહસા ચોંકી ઉઠ્યો... ‘‘અજય...’’ તેના હોઠોમાંથી અનાયાસે શબ્દો સર્યા... અને આશ્ચર્યથી તે ઝડપથી ચાલીને અંદર આવતા અજયને જોઈ રહ્યો. ઘડીભર માટે તેને લાગ્યુ કે કદાચ એ તેનો દ્રષ્ટીભ્રમ હોઈ શકે... પરંતુ... નહિ... તેણે ચોક્કસ અજયને સ્વીમીંગપુલ તરફથી હોટલના ફોયર તરફ જતા જોયો હતો... તેના મનમાં સવાલો ઉઠ્યા... અજય અહિં ક્યાંથી હોય...? અજય અહી છે...? આ હોટલમાં રોકાયો છે...? હા, એમજ હોવું જોઈએ... અને અચાનક તેના ચહેરા પર રહસ્યમય મુસ્કાન ઉભરી આવી. તેણે બે વત્તા બેનો સરવાળો ચાર કરી નાખ્યો. અજય ભુપતના હાથમાંથી છટકીને સીધો અહી જ આવ્યો હોવો જોઈએ. અને જો અજય અહી છે તો એનો મતલબ કે પેલો બીજો છોકરો પણ તેની સાથે હોવાનો. વિમલરાયે ચપટી વગાડી અને ઝડપથી રૂમમાં ઘુસ્યો તે રૂમના બેડ પાસે ટીપોઈ ઉપર મુકેલા પોતાના મોબાઈલ તરફ લપક્યો. ફોન ઉઠાવી તેણે ફોન લગાવ્યો.

‘‘ભુપત...’’ તેનો ફોન લાગ્યો અને સામેની બાજુએ ભુપતનો ઉધરેટી અવાજ સંભળાયો એટલે તેણે સીધી જ વાત શરૂ કરી... પેલુ પંખી... જે તારા હાથમાંથી છટકી ગયુ હતુ તે આ જ હોટલમાં છે. જરા તપાસ કર એ કઈ રૂમમા છે. અને મને લાગે છે કે તેની સાથે પેલો બીજો છોકરો પણ જરૂર હશે, જેણે તમને ઠમઠોર્યા હતા... વિમલરાયની વાત સાંભળીને પળવારમાં ભુપતનો નશો ઉતરી ગયો.

‘‘બોસ... તમને આ બાબતની ક્યાંથી ખબર...?’’

‘‘હમણા બે મીનીટ પહેલા જ મેં અજયને હોટલમાં એન્ટર થતા જોયો. હવે સમય ન બગાડ અને જલ્દી તપાસ કર. આ વખતે ધ્યાન રાખજે. બિલકુલ ગફલત ન થવી જોઈએ. એ છોકરો સળગતી આફત છે એટલે તેને પીંજરે પુરવો જરૂરી છે...’’

‘‘શું વાત છે બોસ...? તમે કહેતા હો તો કાયમના માટે એને સુવડાવી દઉ ?’’

‘‘એ બધી પંચાત છોડ અત્યારે એને પતાવવાનું પછી વિચારીશું. સૌથી પહેલા તો તું એનો પત્તો મેળવીને જલ્દીથી મારી રૂમમાં આવ, આગળનો પ્લાન અહી બેસીને વિચારીશું.’’ કહીને વિમલરાયે ફોન મુક્યો. આ ભુપત જરૂર ઉપાદી કરાવશે... તેણે વિચાર્યું... કમબખ્ત અડધી રાત્રેય સવાલો પુછે છે... અને કમબખ્ત પેલો મોહનબાબુ... એ તો મરતા મરી ગયો પરંતુ તેના આ સાપોલીયાને મારા ગળે વિંટાળતો ગયો. કોને ખબર મોહનબાબુએ મારા વિરુદ્ધ શું મસાલો ભેગો કર્યો હશે...? વિમલરાય સ્યૂટમાં આંટા મારતો વિચારે ચડ્યો.

જો મોહનબાબુએ મારી વિરુધ્ધના પુરાવાઓ એકઠા કરીને અજયને ન આપ્યા હોત તો મારે આ મામલામાં અજયને ફસાવવાની માથાકુટ ન કરવી પડત. પરંતુ તે દિવસે જ્યારે હું મોહનબાબુને સમજાવવા ગયો ત્યારે તેણે જ કહ્યું હતુ ને કે ‘‘તારી વિરુધ્ધના તમામ પુરાવાઓ મેં એકઠા કર્યા છે અને એ પુરાવાના કાગળીયાઓ મેં મારા છોકરા અજયને આપી રાખ્યા છે. એટલે મને જો કંઈ થયુ તો એ પુરાવાઓ પોલીસ કમીશનરને પહોંચી જશે...’’ અને એટલે જ મારે મોહનબાબુની સાથે સાથે આ અજયની પણ વ્યવસ્થા કરવી પડી. અજયને ફસાવવા જતા પેલી બીચારી તેની પ્રેમિકાનો જીવ પણ લેવો પડ્યો... ખરેખર એ બહુ ખોટુ કાર્ય થયુ... પરંતુ શું થાય... તેના નસીબમાં એ રીતે મરવાનું લખાયુ હશે એટલે એ મરી... મેં તો ફક્ત મારા બચવાની પેરવી જ કરી હતીને... એ બધા કમબખ્તોના કારણે જ તે સમયે હાજી કાસમ સાથેની અમારી ડીલ કેન્સલ થઈ હતી. જો એ ડીલ એ સમયે પાર પડી હોત તો આજે હું આ સ્ટેટનો ગૃહમંત્રી નહિ. ચીફ મીનીસ્ટર હોત... અને કરોડો, અબજો રૂપીયામાં આળોટતો હોત... વિમલરાય મનોમન ઘુંઘવાઈ ઉઠ્યો.

આજે જ્યારે સાતવર્ષ બાદ ફરીથી હું મુખ્યમંત્રી બનુ એવા સંજોગો ઉભા થયા છે ત્યારે ફરીપાછો એ જ જોષી પરીવાર મને નડી રહ્યો છે. જોષી પરીવારનો એ સાપોલીયો અજય ખરા સમયે મારી વ્યુહરચના ધુળધાણી કરવા જેલમાંથી બહાર આવ્યો છે. મેં તો જનતાની નજરોમાં મારી છબી સુધારવા માટે જ અજયની રીહાઈના કાગળો ઉપર દસ્તખત કર્યા હતા... અને તેના અપહરણની સાજીસ પણ મેંજ ઘડી હતી કે જેથી જેલમાંથી તે સીધો જ મારી ગીરફતમાં આવે. તેને એકપણ એવો મોકો ન મળે કે જેથી મારા વિરૂધ્ધતે કોઈ કાર્યવાહી કરી... એક કેદમાંથી છોડાવીને બીજી કેદમાં નાખાવાની વ્યુહરચના મેં આબાદ રીતે ગોઠવી હતી... પરંતુ એ વ્યુહરચના પેલા કમબખ્ત અજાણ્યા યુવાનને લીધે છીન્ન ભીન્ન થઈ ગઈ. ભુપત અને મંગો પણ સાવ માયકાંગલા નીવડ્યા. એક નાનકડા છોકરડાના હાથે તેઓએ શિકસ્ત ખાધી... ખેર હજુ પણ કંઈ નથી બગડ્યુ. જો અજય અહી હોય તો ફરીપાછો હું તેને કબજે કરીને તેની પાસેથી એ ફાઈલ હું મેળવી લઈશ. જે ફાઈલ તેનો બાપ તેને આપતો ગયો છે. રૂમમાં ઘવાયેલા સિંહની માફક આંટા મારતો વિમલરાય ખુદ તેની જાત સાથે વાતો કરતો બબડી રહ્યો હતો.

***