નસીબ - પ્રકરણ - 2

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

 

પ્રવિણ પીઠડીયા

 

પ્રકરણ -

 

‘‘મુંઉઉઉ...મ્‌...મ્‌...મ્‌...’’ એંશી નેવુ...સો...એકસો દસ...એકસો વીસ... સ્પીડોમીટરનો કાંટો એકસોવીસની સ્પીડ દર્શાવી રહ્યો હતો. યામાહાની લેટેસ્ટ મોડેલની બાઈક નેશનલ હાઈવે નં.૮ ઉપર રોકેટગતીએ દોડી રહી હતી અને તેની ઉપર સવાર હતો ‘પ્રેમ’... બાઈકની ઝડપ પ્રેમના જમણા હાથના હલ્કાસા ઈશારાએ સતત વધ્યે જતી હતી અને એ તેજ ગતીનો નશો પ્રેમના દિલો-દિમાગ ઉપર કોઈ રોમાંચક થ્રીલર રાઈડની જેમ છવાયો હતો. પ્રેમને તેજગતીએ બાઈક ચલાવવાનો ગાંડો કહી શકાય એવો શોખ હતો. આલ્ફાટના સપાટ કાળા રસ્તાઓ ઉપર દોરેલા વાઈટકલરના પટ્ટાને બાઈક નીચેથી જબરદસ્ત રફતારે પસાર થતા જોઈ તેના મનમાં એક અજીબ આનંદ છવાઈ જતો હતો અને તેના હાથની ભીંસ આપોઆપ એક્સિલેટર પર વધતી જતી હતી. પ્રેમ માટે સ્પીડ રેસીંગ એ એક શોખ કમ નશો હતો. અત્યારે પણ પ્રેમ ભયાનક સ્પીડે નેશનલ હાઈવે નં.૮ પર બાઈક ભગાવી રહ્યો હતો. રસ્તા વચ્ચે આવતી ટ્રકો, બસ, જીપની સાઈડ કાપતો એ દમણની દિશા તરફ જઈ રહ્યો હતો. હમણા જ તેણે વલસાડ વટાવ્યુ હતું અને તેની આગળની મંઝીલ વાપી હતું. બાઈક રેસીંગનો તે અવ્વલ નંબરનો ખેલાડી હતો. ફાસ્ટ ડ્રાઈવીંગનું એમ સમજોને કે વળગણ હતું તેને... એ જ્યારે ડ્રાઈવીંગ કરતો હોય ત્યારે તેના સમગ્ર શરીરની રીધમ એવી પરફેક્ટ રીતે ચાલતી કે તેની સાથે ‘રેસ’ લગાવતા તેના કોલેજીયન મિત્રો પણ તેની ટેકનીક પર આફરીન પોકારી જતા. તે હજુસુધી ક્યારેય કોઈ રેસ હાર્યો ન હતો. અત્યારે પણ એ બખુબીથી પોતાની નવી નક્કોર લેટેસ્ટ મોડેલની યામાહા બાઈકને છેલ્લા ગીયરમાં ફુલસ્પીડમાં રીતસરનો હાથમાં ઉડાવતો વાપી-દમણની દિશામાં આગળ ધપી રહ્યો હતો... પ્રેમના અંગે-અંગમાં ઉમંગની હેલી રક્ત બનીને સમગ્ર શરીરમાં છવાતી જતી હતી... અને કેમ ન હોય, તે તેની આરાધ્યમુર્તી, સૌંદર્યમુર્તી પ્રીયતમાને જો મળવા જઈ રહ્યો હતો...

‘સુમી’ લાડમાં પ્રેમ તેને આ નામે જ બોલાવતો. નામ તો તેનું સુસ્મીતા હતુ પણ તે બોલીવુડની હિરોઈન સુસ્મીતા સેન કરતા પણ વધુ સુંદર હતી. પ્રેમની નજર સમક્ષ અત્યારે પણ એ ચહેરો છવાયેલો હતો. કાળા, લીસા ઘનઘોર ઘટા જેવા વાળમાં તેનો શીલ્પાકાર ગોરો ચહેરો કોઈ સિધ્ધહસ્ત શિલ્પીએ પથ્થર કંડારીને ખૂબસુરત શિલ્પ બનાવ્યું હોય એટલો સોહામણો લાગતો. તે એટલી ખૂબસુરત હતી કે તેનું નામ સાંભળવા માત્રથી યુવાન કે બુઢ્ઢા માણસના દિલમાંથી એક હાયકારો નીકળી જતો. તેને જોવા માટે, પામવા માટે કંઈ કેટલાય લોકોએ ચાન્સ લીધા હતા. અવનવા ગતકડા કરી તેની નજરોએ ચડવા તેને પોતાની બનાવવા યુવાનોમાં રીતસરની હોડ લાગી તેની પાછળ દિવસોના દિવસો ફિલ્ડીંગ ભરી હતી અને તેને પોતાની પ્રેમીકા બનાવવા નીત નવા ગતકડાઓ રચ્યા હતા. પરંતુ... તે કોઈ સામાન્ય યુવતી તો હતી નહિ કે જેવા-તેવા મજનુઓની બેવકુફીભરી હરકતોથી અંજાઈને તેની પાછળ દોડી જાય...

દમણના દરીયાકિનારે, વિશાળ જગ્યામાં પથરાયેલી હોટલ ‘બ્લ્યૂ હેવન’ની એકની એક વારીસ હતી... માલીક હતી તે... ‘બ્લ્યૂ હેવન’નો તમામ કારભાર તે એકલે હાથે બખૂબીથી ચલાવતી હતી. ધન-દોલત, સુખ-સાહ્યબીની છોળોમાં ઉછરેલી સુસ્મીતા કોઈ અલેલટપ્પુને કે પછી બાપના પૈસે તાગડધીન્ના કરતા નબીરાને પોતાના જીવનમાં પ્રવેશવા દે એવો તો કોઈ ચાન્સ જ નહોતો... સાવ અચાનક જ... અણધારી રીતે પ્રેમ તેને મળ્યો હતો. અને પછી એ સીલસીલો લંબાયો હતો... પ્રણયના બીજે ક્યારે ઘનઘોર ઘટાદાર વૃક્ષનું રૂપ ધરી લીધું એ તે બન્ને પણ નહોતા જાણતા. તેઓ એક-બીજાના ગળાડુબ ‘પ્રેમ’માં પડી ચૂક્યા હતા. અને અત્યારે પ્રેમ પોતાની એ સુંદરતમ્‌ પ્રેમિકાને મળવા જઈ રહ્યો હતો.

સવારના અગીચારનો સમય થવા આવ્યો હતો. સુસ્મીતા ‘બ્લ્યૂ હેવન’ના ત્રીજા માળે આવેલા પોતાના કાયમીના ફેવરીટ ‘સ્યૂટ’ની બાલ્કનીમાં સ્ટીલની રેલીંગ પર હાથ ટેકવીને, સામે જ દેખાતા સમુદ્રના ઉછળતા પાણીને અવીરત પણે નીરખી રહી હતી. તેણે ફુલ ઘેરનો લોંગ સ્કર્ટ અને તેની ઉપર એકદમ હળવું તદ્દન વેસ્ટર્ન સ્ટાઈલનું ટોપ પહેરેલુ હતુ. દરીયા કિનારેથી ચળાઈને આવતો મંદ મંદ શીતળ પવન તેના મુલાયમ રેશમી વાળની લટોને એના ગૌરવર્ણી ખૂબસુરત ચહેરા પર રમાડી રહ્યો હતો. હળવે રહીને સુસ્મીતાએ પોતાના હાથની નાજુક આંગળીઓથી ચહેરા પર આવેલી વાળની લટોને એક ખૂબસુરત અંદાજથી પોતાના કાનની પાછળ સરકાવી તેની યાદોમાં અત્યારે પ્રેમ છવાયેલો હતો. હમણા થોડીવાર પહેલા જ એનો ફોન આવ્યો હતો કે તે સુરતથી દમણ આવવા નીકળી ચૂક્યો છે. લગભગ હંમેશાની જેમ તે આજે પણ પોતાની બાઈક લઈને આવવાનો હતો. સુસ્મીતાએ ઘણીવાર તેને વાર્યો હતો પણ પ્રેમ આ એક જ બાબતમાં તેનું કહ્યુ માનતો નહિ... સુસ્મીતાની નજરો સામે પ્રેમનો ચહેરો તરવરી ઉઠ્યો. કેટલો સોહામણો હતો પ્રેમ... સુસ્મીતાને એ દીવસ યાદ આવ્યો જ્યારે તેની અને પ્રેમની પહેલી મુલાકાત થઈ હતી... કોઈ ચિત્રપટની જેમ દ્રશ્યો તેની નજરો સામે ઉભરાયા...

તે દિવસે લગભગ સાંજના સમયે સુસ્મીતા પોતાના અંગત ભવ્યસ્યૂટમાં એકલી-એકલી બોર થતી હતી એટલે થોડીવાર બીચ પર ટહેલવામાટે એ બહાર નીકળી હોટલમાં સાંજની ઝાકમઝોળ પથરાયેલી હતી. અને બહાર ખૂલ્લા આકાશમાં ચાંદની પોતાનો જાદુ પાથરવા તૈયારી કરી રહી હતી. સુસ્મીતાને આવી અજવાળી ચાંદની રાતમાં બીચ પર ખુલ્લા પગે ચાલવુ ખૂબજ ગતુ અને એટલે જ કંઈક એવા વિચારો સાથે તે નીચે હોટલના રીસેપ્શન કમ ફોયરના ખુલ્લા હોલમાં આવી. વિશાળ જગમગતા વેલકમ હોલમાં આ સમયે શાંતી પથરાયેલી હતી. રીશેપ્શન ડેસ્ક પાછળ જુલી, વંદના અને પીન્ટો હમણા જ દાખલ થયેલા બે નવા કસ્ટમરોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતા એટલે એમને દુરથી જ ‘હલો’ કહીને સુસ્મીતાએ હોટલની બહાર નીકળતા મેઈન ગેટ તરફ પગ ઉપાડ્યા...

અચાનક તેના કાનમાં હોલની ડાબી તરફ આવેલા પાર્ટી હોલમાંથી આવતો શોર-બકોર અને એકદમ લાઉડ મ્યુઝીકનો અવાજ ગુંજી ઉઠ્યો. અનાયાસે તેના પગ પાર્ટી હોલ તરફ વળ્યા. પાર્ટી હોલના બંધ દરવાજાને હળવો ધક્કો મારી તેણે અંદર પગ મુક્યો. ત્યાં કોઈકની પાર્ટી ચાલી રહી હતી. કોઈની બર્થ-ડે પાર્ટીમાં હોય એવી તમામ સજાવટ સમગ્ર હોલમાં કરવામાં આવી હતી. વિશાળ પાર્ટી હોલમાં એ.સી.ની જબરદસ્ત ઠંડક વચ્ચે લોકો ઝુમી રહ્યા હતા. જબરદસ્ત શોર અને લાઉડ મ્યુઝીક હોલના વાતાવરણને આનંદ, ઉલ્લાસ અને ખુશીઓથી ઝુંઝાવા મજબુર બનાવતુ હતુ... લાગતુ હતુ કે કોઈ બેચલરની પાર્ટી હોવી જોઈએ કારણ કે પાર્ટીમાં શામેલ તમામ લોકો યુવાન વયના છોકરા-છોકરીઓ હતા. તેઓ પાત પોતાની મસ્તીમાં ઝુમી રહ્યા હતા... તેમાં પણ એ.સી.ની ઠંડી હવા, ઓછી પીળી રોશનીમાં હોલના વાતાવરણને વધુ રોમાન્ટીક અને જવાન બનાવી રહ્યુ હતુ. સુસ્મીતા ત્યાં જ દરવાજા પાસે થોડી અંદર ચાલીને ઉભી રહી સમગ્ર માહોલનો જાયજો લઈ રહી હતી. કદાચ બર્થ-ડેની કેક કપાઈ ચૂકી હતી એટલે એક તરફ ડીનર ચાલી રહ્યું હતું તો બીજી બાજુ એક નાનકડા ખૂણામાં કોઢવાયેલા બારમાં જુવાનીયાઓ શેમ્પેનની મજા માણવામાં વ્યસ્ત હતા તો ત્રીજી તરફ ડીસ્કોથેક પર રોક મ્યુઝીકના સથવારે એક-બીજાને ચપોચપ ચોંટીને જુવાન હૈયાઓ ઝુમી રહ્યા હતા.

પાર્ટીના મદમસ્ત અને નશીલા વાતાવરણમાં સુસ્મીતાને પણ થોડીવાર માટે તો બહાર ટહેલવા જવાનું ભુલાઈ ગયુ. ઘડીભર તેના મનમાં વીચાર આવી ગયો કે તે પણ આ પાર્ટીમાં શામીલ થઈ જાય... પરંતુ કોઈ અજાણ્યા ઈસમની પાર્ટીમાં વગર આમંત્રણે શામીલ થવુ થોડુ અજુગતુ હતુ. પછી ભલેને તે આ હોટલની માલીક હોય...

દુરથી જ એ પાર્ટીની મજા માણતી થોડીવાર ત્યાં જ ઉભી રહી અને પછી પાછા વળીને હોલમાંથી બહાર નીકળવા એ ઘુમી કે અચાનક કોણ જાણે ક્યાંથી નશામાં ઝુમતો એક યુવાન છોકરો હાથમાં શેમ્પેનની બોટલ લઈને સુસ્મીતા તરફ આગળ વધ્યો અને મોઢામાંથી ચીચીયારીઓ પાડતા તેણે શેમ્પેનની બોતલ બે હાથ વડે હલાવી આખી બોતલ સુસ્મીતાના શરીર પર ખાલી કરી નાખી... હુજ તો સુસ્મીતા કંઈ સમજે એ પહેલા તો એ શેમ્પેનના ફુવારામાં માંથાથી પગ સુધી નાહી ઉઠી. પેલો યુવાન આ જોઈને લથડતા પગે ખાલી બોતલ માથા પર મુકી સુસ્મીતાની સામે જોઈ નાચવા લાગ્યો. તે નશામાં હતો. તેને પોતાને પણ ભાન નહોતુ કે તેણે શુ કરી નાખ્યુ હતુ. અને સુસ્મીતાતો ડઘાઈને પોતાની જગ્યાએ એકદમ સ્થીર ઉભી રહી ગઈ હતી. આશ્ચર્ય અને આઘાતથી તેનું મોં ખુલ્લુ જ રહી ગયુ હતુ. તેને આવુ કંઈક બનશે એની બિલકુલ અપેક્ષા નહોતી. તે પોતાના સ્વીટમાંથી એકદમ હળવા સીંગલ પીસ પીંક કલરના આછા નાઈટડ્રેસમાં બહાર આવી હતી. તેની ઈચ્છા દરીયા કિનારે ખુલ્લા વાતાવરણમાં થોડી ટહેલવાની હતી એટલે જ તેણે બીજુ કંઈ પહેર્યું નહોતું... અને અચાનક પરીસ્થીતીએ પલટો ખાધો હતો. શેમ્પેનની છોળોથી ભીંજાઈને તેણે પહેરેલોે પીંક નાઈટ ડ્રેસ તેની સંગેમરમરસા સુંવાળા અને ખુબસુરત બદન પર ચપોચપ ચોંટી ગયો હતો. જેના કારણે તેના શરીરના માદક વળાંકો અને ઉભારો ઉજાગર થઈ ઉઠ્યા હતા. એ ક્ષોભજનક પરીસ્થીતીમાં મુકાઈ ગઈ હતી. પેલો યુવાનતો હજુ પણ પોતાની મસ્તીમાં ઝુમી રહ્યો હતો. ધીરે ધીરે કરતા હોલમાં હાજર હતા એ તમામ લોકોનું ધ્યાન સુસ્મીતા તરફ વળવા લાગ્યુ હતું. સુસ્મીતા સાવ અવાચક બનીને ઉભી હતી. તેને સમજ નહોતુ આવતુ કે શું કરવું ? ઘડીભર પછી જ્યારે તેને પરીસ્થીતીનું ભાન થયું ત્યારે તેને જબરદસ્ત ગુસ્સો આવ્યો. તેણે દાંત ભીસીને કચકચાવીને પેલા યુવકના ગાલે એક તમાચો ચડાવી દીધો. સમગ્ર હોલમાં એ તમાચાની ગુંજ ફેલાઈ. જેમનું ધ્યાન આ આખી ઘટના તરફ નહોતુ તેમનું ધ્યાન પણ એ અવાજના કારણે સુસ્મીતા તરફ ખેંચાયું. સુસ્મીતા હાલ પુરતુ ત્યાંથી નીકળી જવુ જ હિતાવહ લાગ્યુ. ભયાનક રોષ અને અપમાન સાથે તે પાર્ટીહોલનો દરવાજો ખોલી બહાર નીકળી અને રીશેપ્શન કાઉન્ટર પહોંચી.

‘‘જુલી...’’ સુસ્મીતા પોતાનો ગુસ્સો કન્ટ્રોલ નહોતી કરી શકતી. તેણે કાઉન્ટર પાછળ ઉભેલી રીસેપ્શનીસ્ટ જુલીને ઉદ્દેશીને કહ્યું... ‘‘કયા બદતમીઝની પાર્ટી ચાલે છે અંદર...? મારે એ વ્યક્તિને મળવું છે. તું એનો હિસાબ બાકી રાખજે અને કાલે સવારે તેને અહીં બોલાવી લેજે...’’ આટલું કહીને તે લીફ્ટ તરફ ઘસી ગઈ.

જુલી, વંદના અને પીન્ટો અવાક બનીને સુસ્મીતાનું એ રૌદ્ર સ્વરૂપ જોઈ રહ્યા. તેમને સમજમાં ન આવ્યું કે અચાનક શું થયું...? પીન્ટોએ તેની નજરો ઝુકાવી લીધી હતી કારણ કે તેની મેજમે પહેરેલો નાઈટવેર સંપુર્ણ રીતે ભીનો થઈને એમના ગોરા લીસા ખુબસુરત દેહ સાથે ચીપકી ગયો હતો જેના કારણે તેમણે અંદર પહેરેલા આંતરવસ્ત્રો સ્પષ્ટ પણે દેખાઈ રહ્યા હતા. સુસ્મીતા માટે આ પરીસ્થીતી ખરેખર ક્ષોભજનક હતી એટલે એ લગભગ દોડતા જ પોતાના કમરામાં ઘુસી ગઈ હતી.

બીજા દિવસની સવારે પણ સુસ્મીતાનો ગુસ્સો કમ થયો નહોતો. તે પોતાની ભવ્ય એ.સી. ઓફીસમાં બેઠી હતી. તેને એ વ્યક્તિનો ઈંતેજાર હતો જેની પાર્ટી ગઈકાલે રાત્રે પોતાની હોટલના પાર્ટી હોલમાં ચાલતી હતી અને જેના કારણે તે પોતાની જીંદગીમાં પહેલીવાર ક્ષોભજનક પરીસ્થીતીમાં મુકાઈ હતી. ગઈકાલ રાતની ઘટના વાગોળતા તેનો ક્રોધ વધતો જતો હતો. તેણે હમણા જ પીન્ટોને રીશેપ્શન પર ફોન કરીને પૃચ્છા કરી હતી કે તે વ્યક્તિ તેનું બીલ ચુકવવા આવી કે નહિં... સુસ્મીતા મનોમન પૂર્ણ તૈયારી કરીને બેઠી હતી કે જેવો એ વ્યક્તિ અહીં આવે કે તરત જ તેને ખખડાવી નાખવો કે જેથી તેને એની ભુલનો અહેસાસ થાય અને બીજીવાર તે ધ્યાન રાખે... તે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દેવા માગતી હતી કે... ‘‘આવા લોફર જેવા, શરમ વગરના મિત્રોને લઈને ફરી ક્યારેય આ હોટલ તરફ રુખ કરવી નહિં...’’ મનોમન ઘુઘવાતી તે બેઠી હતી કે ઓફિસના દરવાજે ટકોરા પડ્યા અને પછી હોટલનો એક ચપરાશી અંદર દાખલ થયો. તેની પાછળ બીજી બે વ્યક્તિ પણ હતી. ચપરાશી એમને મુકીને ફરી બહાર ચાલ્યો ગયો. સુસ્મીતા પેલા બે નવા આગંતુકોને જોઈ રહી. એકને તો એ તરત ઓળખી ગઈ. એ પેલો રાતવાળો યુવક જ હતો. જેણે તેની ઉપર શેમ્પેન ઢોળ્યો હતો. તેને જોતા જ સુસ્મીતાની ભ્રકુટીઓ તંગ થઈ ગઈ અને આવશમાં પોતાની ચેરમાંથી ઉભી થઈ ગઈ. ગુસ્સાથી તેના લમણાની નાજૂક નસો ખેંચાઈને ઉપસી આવી હતી. તે ગુસ્સામાં વધુ રૂપાળી લાગતી હતી.

‘‘હાઉ ડેર યુ કમ ઈન માય ઓફિસ...? તને અંદર કોણે આવવા દીધો...’’ એ.સી. ઓફિસમાં સુસ્મીતાના ગુસ્સાએ ગરમાવો પ્રસરાવી દીધો.

‘‘બ્યુટીફુલ...વેરી...વેરી...બ્યુટીફુલ...’’ અચાનક જે યુવકને સુસ્મીતા ઘાંટા પાડીને ખખડાવી રહી હતી તેની સાથે આવેલો બીજો યુવક બોલી ઉઠ્યો. સુસ્મીતા બોલતા અટકી અને તેનું ધ્યાન એ સોહામણા યુવક તરફ ખેંચાયું. તેને સમજ ન આવ્યુ કે તે શું બોલ્યો...?

‘‘વોટ...?’’

‘‘તમે ખરેખર ખુબજ સુંદર છો...’’ તે યુવકે દોહરાવ્યુ અને તે થોડો વધુ નજીક સરક્યો.

‘‘વોટ ડુ યુ મીન...?’’ સુસ્મીતાને ખરેખર આંચકો લાગ્યો હતો. તે ગુસ્સામાં પેલા યુવકને ખરી-ખોટી સંભળાવવા માંગતી હતી જ્યારે અહીં તો કંઈક અલગ વાત ચાલુ થઈ...

‘‘આઈ મીન ટુ સે, યુ આર સો બ્યુટીફુલ એન્ડ ક્યુટ... કહો તો કાગળમાં લખીને સમજાવું...’’ પેલા યુવકે સુસ્મીતા જે ટેબલ પાછળ ઉભી હતી એ ટેબલની ધારે આવતા કહ્યું.

‘‘વોટ નોનસેંન્સ...’’

‘‘નો મેમ... ઈટ ઈઝ ઈન સેંન્સ. તમે ક્યારેય તમારી જાતને આઈનામાં નીરખી છે...? જો નહિ તો આજે જ તમે શાંતીથી નીરખજો. તમને ખુદ તમારી સુંદરતાનો અંદાજો આવી જશે.’’ તે યુવક સુસ્મિતાને એકીટશે નીરખતા એકધારુ બોલ્યે જતો હતો. સુસ્મીતા અકળાઈ ઉઠી.

‘‘તમે બન્ને ખરેખર મેનરલેસ વ્યક્તિઓ છો. આ બબુચકે કાલે મને ક્ષોભજનક સ્થિતિમાં મુકી હતી અને અત્યેરે તમે લોકો એ હરકતની માફી માંગવાના બદલે મારી જ ઓફિસમાં મારી સાથે બદતમીઝી કરી રહ્યો છો.’’ તે એકદમ પેલા બન્ને યુવકો ઉપર ઉકળી પડી. પરંતુ સામે ઉભેલા બીજા યુવક પરતો જાણે સુસ્મીતાના ગુસ્સાની કોઈ અસર જ ન થઈ હોય તેમ એ મુસ્કુરાઈ રહ્યો હતો.

‘‘બદતમીઝીની વાત છે જ નહિ મેડમ...હું તો ફક્ત હકીકત બયાન કરી રહ્યો છું. મેં આજ પહેલા તમારા જેટલી ખુબસુરત અને નાજુક યુવતી ક્યારેય જોઈ નથી. તમને જોઈને ખ્યાલ આવે છે કે શા માટે લોકો પહેલી નજરે કોઈના દિવાના બની જતા હશે... અને રહી વાત માફી માંગવાની. તો એમાં ભુલ તમારી હતી. છતા અત્યારે અમે અહી તમને સોરી કહેવા જ આવ્યા છીએ. કંઈક લાપરવાહીથી એ યુવકે કહ્યું.’’

‘‘મારી ભુલ હતી...? વોટ નોનસેન્સ... આણે બધાની સામે મારી ઉપર શેમ્પેન ઉડાડ્યો એમા મારી ભુલ ક્યાંથી થઈ...?’’ સુસ્મીતાએ યુવકની વાતો સાંભળીને પોતાનો દિમાગ કન્ટ્રોલમાં નહોતી રાખી શકતી. સામે પેલો તો સાવ બેફીકરાઈથી એને કંઈક ગર્વથી પોતાની જભ ચલાવ્યે જ જતો હતો.

‘‘કેમ...? શું એ તમારી ગલતી ન કહેવાય કે તમે આમંત્રણ વગર અમારી પાર્ટીમાં આવ્યા હતા. શું અમે તમને આમંત્ર્યા હતા...?’’

‘‘શટ અપ... આ મારી માલીકીની હોટેલ છે. હું આ હોટેલની ઓનર છું. સમજ્યા તમે...’’

‘‘તો...?’’ ગમે ત્યાં ઘુસી જવાનું ? કોઈ કપલ અહી હનીમુન મનાવા આવ્યુ હોય તો પણ તમે આ હોટેલ તમારી હોવાના નાતે એમના બેડરૂમમાં ઘુસી જશો...! પ્રેમે કહ્યું.

સુસ્મીતા એ યુવકની દલીલ સાંભળી સહમી ગઈ વાત તો સાચી હતી. ફક્ત હોટલ પોતાની હોવાના નાતે તેને એવો કોઈ અધીકાર મળતો નહોતો કે જેથી તે બીજાની મસ્તીમાં દખલ કરી શકે. એ થોડી શાંત પડી. છતા પણ તેનો ગુસ્સો હજુ ઓસર્યો નહોતો.

‘‘માઈન્ડ યોર લેંગ્વેજ મીસ્ટર...?’’

‘‘પ્રેમ... પ્રેમ નામ છે મારુ’’ એ યુવકે કહ્યું.

‘‘પ્રેમ ચોપડા ! અચાનક સુસ્મીતાથી બોલાય ગયું. તેના જહેનમાં પ્રેમ નામ સાંભળીને હિન્દી ફિલ્મોનો મશહુર વિલન પ્રેમ ચોપડા યાદ આવ્યો અને અનાયાસે તે બોલી પડી. અને ફછી તેનાથી હસી પડાયું...’’

‘‘થેંક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ...’’ કંઈક અદાથી નીચે જુકીને પ્રેમે કહ્યું. ‘‘હું ફક્ત પ્રેમ છુ... પ્રેમ... સમજ્યા મીસ સુસ્મીતા સેન...’’

‘‘પ્રેમ ચોપડા અને સુસ્મીતા સેન જોડી સારી જામશે...’’ અચાનક અત્યાર સુધી ખામોશ ઉભેલો પ્રેમનો મિત્ર બોલી ઉઠ્યો અને ‘‘હુઉઉઉ...’’ કરીને હસવા લાગ્યો. પ્રેમ પણ તેને જોઈને મુસ્કુરાઈ ઉઠ્યો. તે ખરેખર સુસ્મીતાની ખુબસુરતી જોઈને ઘાયલ થઈ ગયો હતો. સુસ્મીતા પણ થોડુ શરમાઈ હતી. તેનો ગુસ્સો તો પ્રેમનું નામ સાંભળીને જ ક્યારનો વરાળ બનીને ઉડી ગયો હતો. તેને સમજમાં આવતુ હતુ કે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો હતો એમા તેનો પોતાનો જ વાંક હતો. તે દરીયા કિનારે ઠંડી હવામાં થોડીવાર ટહેલવાના ઈરાદા સાથે નીચે ઉતરી હતી પરંતુ જઈ ચડી એક અજાણ્યા ઈસમની પાર્ટીમાં. પેલા યુવકે તો નશાની હાલતમાં તેના પર શેમ્પેન ઢોળ્યો હતો. એને ક્યાં કશુ ભાન હતુ. તે કદાચ સુસ્મીતાને ઓળખતો પણ નહોતો... અને અત્યારે એ સામેથી માફી માંગવા આવ્યા હતા તો તેમને માફ કરી દેવામાં જ ભલમનસાઈ હતી એ તેની સમજમાં આવી રહ્યું હતું.

‘‘ઠીક છે... તમારી માફી હું સ્વિકારુ છું. પરંતુ સાવ આસાનીથી હું તમને જવા નહિ દઉં. ગઈકાલે રાત્રે મારી જે હાલત થઈ હતી એની કંઈકતો સજા તમને મળવી જોઈએ...’’ સુસ્મીતાએ કંઈક વિચારીને કહ્યું.

‘‘આસાનીથી કે મુશ્કેલીથી... અહીંથી જવુ જ છે કોને...? આ ખુબસુરત મગરૂબ હસીનાને મુકીને જાય એ બીજા...’’ પ્રેમ મનોમન બોલ્યો. તેના હ્ય્દયમાં સુસ્મીતા વસી ગઈ હતી. અને તેને અત્યારે મજા પણ આવી રહી હતી. અને સુસ્મીતા કંઈ બોલે એ પહેલા તેણે કહ્યું.

‘‘ઠીક છે ત્યારે... સજારૂપે તમે અમને બન્નેને એક-એક કપ કોફી પીવડાવી શકો છો.’’ તેણે ગરીબડુ મોં બનાવ્યુ અને રીવોલ્વીંગ ચેરને પોતાની તરફ ખેંચી બેઠક જમાવી.

સુસ્મીતા તો આભી બનીને જોઈ જ રહી હતી. એક તો ચોરી ઉપરથી સીનાજોરી. પરંતુ અંદરખાને તેને પણ મજા આવી રહી હતી. મનોમન તે પ્રેમના વ્યક્તિત્વથી તેના વાણી વર્તનથી પ્રભાવીત થઈ ચૂકી હતી. તેણે ઘણા યુવકોનો પનારો પડ્યો હતો પરંતુ તેમાંથી એક પણ યુવક આટલો નિખાલસ અને સોહામણો નહોતો. સુસ્મીતાએ પોતાની મુલાયમ લેધર ખુરશીમાં બેસતા ત્રણ કોફીનો ઓર્ડર ઈન્ટરકોમ પર ચપરાશીને આપ્યો.

પવનની એક જોરદાર લહેરખીએ સુસ્મીતાને પાછી વર્તમાનમાં લાવી દીધી. તેણે પોતાના નાજુક હાથની કલાઈ પર બાંધેલી રીસ્ટવોચમાં સમય જોયો. પ્રેમને યાદકરતી એ લગભગ અડધા એક કલાકથી બાલ્કનીમાં ઉભી હતી. તે દિવસ બાદ તેની અને પ્રેમની દોસ્તી થઈ હતી. એ મિત્રતા ધીરે ધેરે ચાહતમાં ફેરવાઈ હતી. અત્યારે પણ એ અહી બાલ્કનીમાં ઉભા ઉભા પ્રેમના આગમનની જ પ્રતિક્ષત્રા કરી રહી હતી. તેને ખબર હતી કે પ્રેમને બાઈક ચલાવવાનો ગાંડો શોખ છે એટલે એ બાઈક ઉપર જ છેક સુરતથી દમણ આવતો હશે. તે ઘણીવાર પ્રેમને ટોકતી કે તારી પાસે ઘણી બધી કારો છે તો શા માટે તું હાઈવે પર બાઈક ચલાવવાનું જોખમ ખેડે છે. તો પ્રેમ હસીને કહેતો કે જે થ્રીલ અને રોમાંચ આ બે પૈડાના બાઈક ચલાવવામાં છે એ મજા એરકન્ડીશન કમ્ફર્ટેબલ કારમાં નથી. આ શબ્દો બોલતી વખતે તેની આંખોમાં જે ચમક ઉભરતી એ જોઈને સુસ્મીતા તેને વધુ કંઈ કહેવાનુંમ માંડી વાળતી.

પ્રેમના પરીવારમાં આવ્યા બાદ સુસ્મીતા પ્રેમ વીશે જાણતી થઈ હતી. પ્રેમ ખુદ અઢળક સંપતિનો માલીક હતો. સુરતમાં તેની ત્રણ મોટી ડાઈંગ પ્રીન્ટીગ મીલો હતી. વાપીમાં પણ તેના પ્લાસ્ટીક મેન્યુફેક્ચરીંગના યુનીટો ધમધમતા હતા. કરોડોનો કારોબાર હતો જેનો એકમાત્ર વારસદાર પ્રેમ હતો. તે અવાર-નવાર વાપી પોતાના પ્લાસ્ટીક યુનિટોની વીઝીટે આવતો. અને ત્યાંથી તે દમણ જતો. દમણમાં તેના બે-ત્રણ મીત્રોના રેસ્ટોરન્ટ અને બાર હતા જ્યાં પ્રેમના ક્લાયંટોની મિટીંગો થતી. વાપીથી દમણનો ફાસલો માત્ર પંદર-વીસ મીનીટનો હતો જે પ્રેમ માટે ફાયદેમંદ સાબીત થયો હતો. સુસ્મીતા પ્રેમને એવી જ એક પાર્ટી દરમ્યાન મળી હતી. એ દિવસ તે બન્ને માટે કોઈ ઉત્સવથી કમ નહોતો. હોટેલ ‘બ્લ્યુ હેવન’ સુસ્મીતાના પીતાએ બનાવી હતી. એ ‘બ્લુ હેવન’ જ પ્રેમ સુસ્મીતાના મિલનની સાક્ષી બની રહી હતી... સુસ્મીતાને પ્રેમનો નિખાલસ ઘમંડ રહીત સ્વભાવ પસંદ આવ્યો હતો. તે જાણતી હતી કે તેની ‘બ્લ્યુ હેવન’ જેવી કેટલીય હોટેલો ખરીદી શકે એટલી સંપતિ પ્રેમ પાસે છે. પરંતુ એ સંપત્તિનો નશો કે ઘમંડ પ્રેમના સ્વભાવમાં કે વર્તનમાં ક્યારેય દેખાતો નહી. એક તો એ એટલો હેન્ડસમ હતો અને ઉપરથી સાવ બાળક જેવો નિખાલસ. બસ, સુસ્મીતા એ ગુણોના કારણે જ પ્રેમ તરફ વધુ ખેંચાઈ હતી.

સામેની બાજુ પ્રેમને પણ સુસ્મીતા પહેલી જ નજરમાં ગમી ગઈ હતી. તે એની સહેજ કથ્થઈ આંખોની ગહેરાઈમાં ખોવાઈ ગયો હતો. એકદમ ઊંચી પાતળી અને ટટ્ટાર દેહાકૃતી. સીલ્કી કાળા વાળ, તેના વાળના જથ્થાનો ગ્રોથ ખૂબ સારો હતો જેના કારણે તેનો પાતળો ચહેરો વધુ ખુબસૂરત અને ભરાવદાર લાગતો. તેના ચહેરાની ત્વચા એકદમ ગુલાબી હતી જાણે કે દુધમાં હલ્કુસુ કેસર ભેળવ્યુ હોય. પરવાળાશા કોમળ ગુલાબના અર્કને ઘોળીને બનાવ્યા હોય એવા ગુલાબી હોઠ અને એ હોઠોની વચ્ચે દેખાતા સફેદ મોતીના દાણા જેવા એક સરખી લાઈનમાં ગોઠવાયેલા દાંતોની પંક્તિ. સુસ્મીતાનો ચહેરો જેટલો સુંદર હતો એટલોજ ખુબસુરત તેનો દેહ હતો. જ્યારે એ ચુસ્ત ફીટીંગનું ટોપ પહેરતી ત્યારે એના ઉન્નત ભરાવદાર ઉરોજોનો શેપ ભલભલા મુનીઓના દિલો-દિમાગમાં હાહાકાર મચાવી મુકવા સર્જાયા હતા. એકદમ લીસુ પેટ અને થોડા ભરાવદાર નિતંબો. એ નિતંબોની હલકારીએ કંઈ કેટલા યુવાનો મરી પડતા હતા. તે સંપૂર્ણ આબેહુબ કોઈ દૈવી અપ્સરાજેવી સુંદર અને લાવણ્યમયી હતી. પ્રેમના મિત્રો તેની ઈર્ષા કરવા લાગ્યા હતા કે પ્રેમને આટલી ખુબસુરત યુવતી પ્રેમિકા તરીકે મળી હતી.

***

***

Rate & Review

Aarti Dharsandia

Aarti Dharsandia 3 weeks ago

Dilip Bhappa

Dilip Bhappa 1 month ago

Hema Patel

Hema Patel 1 month ago

Hardika

Hardika 2 months ago

Suresh Prajapat

Suresh Prajapat 2 months ago