Maro prempatra books and stories free download online pdf in Gujarati

મારો પ્રેમપત્ર... - Letter to my Valentine - Competition

મારો પ્રેમપત્ર... …

દક્ષેશ ઈનામદાર. ”દિલ”..

મારી પ્રિયતમા, આસ્થા,

પ્રિયે તને શું કહીને બોલાવું ? પ્રિયતમા, પત્નિ, સાથી, અર્ધાંગિની, મિત્ર? બધાંજ રૂપમાં મને મારી પ્રિયતમા દેખાય. બધાંજ ઉદબોધનમાં તારીજ તસ્વીર દેખાય.

પત્રલેખન કરવાં કારણ મળી ગયું. કારણ વિના ક્યાં કંઈ બને છે જો.. વેલેંટાઈન ડે આવી ગયો. પ્રેમી હૈયાનાં મિલનનો દિવસ. પ્રેમનાં એહસાસથી એહસાસ કરવાનો દિવસ. કેટલાંય આવીને ગયાં વેલેંટાઈન ડે.. મારે તો તારી સાથે રોજે રોજ વેલેંટાઈન ડે. રોજ પ્રેમમિલન પામવા પૂર્ણતાનો દિવસ.

આશુ મારી પ્રિયે, ક્યાં કારણસર તારે પિયર જવું પડ્યું?. તું મારાથી રિસાઇને તો નથી ગઈ ને?. માંડ માંડ દિવસો પસાર કરું છું. પળ પળ યુગોની જેમ વિતાવું છું. માઈલોની દૂરી સ્થૂળ શારીરિક છે પરંતુ અંતરમનમાં એકજ છીએ. દિલમાં તારી યાદ એટલી તાજગીભરી છે કે ક્યારેક નથી અંતર અનુભવાતું કે ના દૂરી... ક્યારેક દિલ સૂનમૂન થઈ જાય છે.. ત્યારે વિરહની પીડા મને કોરી ખાય છે. તારાં પ્રેમનો એહસાસ એટલો પ્રગાઢ છે કે દિલ મનને આશ્વાસન આપે છે. રેડીઓ પર ગીત ગુંજે .... લો આ ગઈ ઉનકી યાદ વો નહીં આયે... મારું મન કહે.. તું જહાઁ જહાઁ ચલેગા મેરા સાયાં સાથ હોગા...

સવારનો સૂરજ ઊગે.. આથમે.. બસ સતત તારી યાદો સાથે સમય વિતે છે. આશુ .. નાહી ધોઈ પરવારી મંદિર જાઉં ત્યાંય તારી ખોટ સાલે છે. ગઈકાલે વસુંમાં મળી ગયેલાં મને કહે “ અરે આજે અર્ધનારીશ્વરમાં શિવ કેમ એકલાં?. પાર્વતી ક્યાં?. મને સાંભળવું એટલું સારું લાગ્યું .. આપણાં પ્રેમની સહુ નોંધ લે છે. મેં કીધું “ આસ્થા પિયર ગઈ છે.. મને કહે અરે વિશુભાઈ તમારાં નામમાંજ એનો સાથ છે .. આતો આસ્થાને હમણાંથી જોતી નથી એટલે પૂછાઇ ગયું. મેં કીધું આસ્થામાં જ વિશ્વાશ સમાયો..

મંદિરમાં આપણાં એકસાથે હાથથી વગાડતો ઘંટ જાણે નિર્જીવ લાગ્યો. માંબાબાને પ્રણામ કરવામાં તારાં હાથની ખોટ વર્તાઈ. તારો અને મારો એક એક હાથ મેળવી નમસ્કાર કરતાં અભિભૂત થતાં... આંખો મારી નમ થઈ ગઈ. હું તારો બાવરો તારાં વિના સાવ અધૂરો..

પત્ર દ્વારા સંદેશ આપું છું મોબાઇલનાં જમાનામાં... એટલું સારું લાગે છે કે.. મારો પ્રેમ વ્યક્ત કરવાં લાગણીઓ શબ્દોમાં પરોવું છું. શબ્દોની શું વિસાત કે મારો પ્રેમ વર્ણવે.. લખે ?. શબ્દો થાય પરવશ વિવશ એ શું લખે મારો પ્રેમ કેવો લાખેરો.. શબ્દો એમની પરિસીમામાં સીમિત થઈને રહી જાય છે.

મારી લાગણીઓનો મહાસાગર હિલોળા લે છે એ અમાપ પ્રેમ કરવાં તત્પર છે. પ્રેમનદી બની આવીજા મારાં અફાટ પ્રેમસાગરમાં આવી સમાઈ જા. વિયોગમાં તારાં જોને વહાલનાં મોજાં કિનારે આવી માથાં પછાડી પછાડી આંસુ સારે છે તને બોલાવે છે. હું બાંહોં પ્રસારી તારી રાહ જોઉં છું.

આશુ .. દિવસ રાત તારાં પ્રેમમાં હું સંમોહિત રહું છું. મારાં દિલની ધડકનનાં ધબકારમાં તારું નામ સાંભળું છું. દૂર દૂર નજર પાથરીને તારાં આગમનની વાટ જોઉં છું. હરઘડી હરપળ તારી યાદમાં ઝુરુ છું.

વિરહનું શૂળ હ્રદયમાં ખૂંપે છે .. અસહ્ય વેદના આપે છે. પળપળનો વિરહ મને ઝેરી નાગની જેમ ડશે છે. અંધારી કાળી રાતમાં મારો ઉપહાસ કરે છે. એકલતાનું ઝેર મને રોજ મારી રહ્યું છે.. આશુ નથી સેહવાતો વિરહ તારો આવીજા. યાદ આવે છે મને રામાયણનો પ્રસંગ ... જ્યારે સીતાહરણ પછી શ્રીરામનું અસહ્ય અરુણય રુદન... કૃષ્ણનાં વિયોગમાં ગોપીઓનું આક્રંદ.. શકુંતલા દુષ્યંતનું મિલન અને વિયોગ.. આશુ આપણાં પ્રેમનું પણ પ્રિયે .... અનોખું છે આખ્યાન..

રાત્રે નીંદર વેરાન બને.. અવકાશમાં ઉજળી ચાંદની રાતમાં ચાંદમાં તારો ચેહરોં જોયા કરું. ભીની આંખે વિવશતાને શ્રાપ આપ્યાં કરું. નમ થતી આંખે જોઉં શીતળ ચાંદની પણ અંગ દઝાડે છે. દોડી આવું મળવા તને પ્રેમની પાંખે.. પરાકાષ્ઠા ઓળંગી ગયો છું હું દિલની વાટે.. પ્રિયે.. તે કાયમ મારાં પગલામાં પગલું ભર્યું છે. મારાં હરએક પગલાંની છાપમાં તારી છાયા છે. મિલનની ઘડીઓની મધુર મીઠી યાદો છે. દિલનાં ઉમંગથી વ્હાલનાં વાદળ મોકલું છું તને પ્રેમથી ભીંજવી દેશે, ઉભરાતી આંખે તને દૂરથી વહાલ કરી લઊઁ છું. ચેહરો તારો સામે આવતાજ સ્મિત રેલાઈ જાય છે.. ઊર્મિ ભર્યા પ્રેમ સ્પંદનો રસભીના હોઠોથી ચુંબન કરવાં તરસે છે. સાંનિધ્યમાં તારાં તને લાડ કરવાં તરસું છું.

સવારનો ચા નાસ્તો બપોર સાંજનું જમણ બધું તારાં વિના ફિક્કું છે. આવીને રાંધી જતો મહારાજ વિસ્મય થતો મને અધૂરું જમણ છોડતાં જોઈ રહે છે. સાથે બેસી જમવાની રંગત ગુમાવું છું .. તું ક્યારે આવી તારાં હાથે પ્રેમથી જમાડે એની રાહ જોઉં છું.

જીવનના ઘણાં બીજા છે રંગ .. પણ તારાં રંગીલાને બસ પ્રેમરંગનોજ નાદ છે. પ્રેમપત્ર સતત લખ્યાં કરવાનું મન છે ક્યારેય ના આવે અંત એટલો તારો એહસાસ છે.

રાત વીતતી નથી દિવસ કપાતો નથી . નીંદર વેરાન બને ત્યારે પ્રેમ જુમલો કરે છે. પ્રબળ વેગે પ્રેમ શમણાંમાં સજાવી પ્રેમની વાતો કરી લઊઁ છું. અંધારી રાતે નિશબ્દ નભ પણ મારાં આંસુઓનો સાક્ષી બને છે. મૌન રહેતો સમય મને બધું કહી જાય છે.

આશુ મારી પ્રિયે તને શું લખું?. એક એક શબ્દ પત્રલેખનનો તારી સાથેજ જોડાયો છે. તારો પ્રેમનાં એહસાસમાં પરોવાયો છે. એહસાસમાંથી બની તર્જ એક ધુન એક કવિતા .....

“ શબ્દોમાં પરોવી પ્રેમ કાવ્ય રચી કવિ બની જાઉં...

પ્રેમરંગે રંગાઈ ચિત્ર દોરી તારું ચિત્રકાર બની જાઉં..

પ્રેમ મુદ્રા રચી દર્શાવી આકર્ષી ન્રુત્યકાર બની જાઉં...

કંડારું તને પ્રેમથી શિલ્પમાં હું શિલ્પકાર બની જાઉં...

પ્રેમ તર્જ બનાવી ધુન વગાડી સંગીતકાર બની જાઉં..

પ્રેમ સ્તુતિ ગાઈ તને દિલથી પુકારું ગાયક બની જાઉં

પ્રેમાગ્નિમાં તપી પ્રેમ કરી તને સમર્પિત થઈ જાઉં..

પ્રિયે મારો પ્રેમ એટલો પ્રબળ પાષાણમાં પ્રાણ પૂરી જીવિત કરી દઊ. તારાં પ્રેમમાં એટલો બાવરો હું પ્રેમ કરી ઈશ્વર પામી જઉં.

ઈશ્વરને કરું પ્રાર્થના કે સદેહે આ પ્રુથ્વી પર તારો મેળાપ કરાવ્યો. મ્રુત્યુ પછીની શ્રુષ્ટિમાં પણ બસ તારોજ સાથ રહે. મારાં પ્રેમ,સુખ, દુખ, કર્મ, શ્રધ્ધા, ભક્તિ, શક્તિ, લક્ષ્મી, પાપ, પુણ્ય બધામાં તારોજ સાથ રહે ભાગીદારી રહે. એક અપ્રતિમ પ્રેમબળથી બધાંજ સંજોગ, સ્થિતિનો સામનો કરી અપાર પ્રેમ કરીએ.

મારી પ્રિયે આસ્થા, તારાં પ્રેમમાં મારે રોજ તહેવાર છે. મારાં માટે અનોખો અવસર છે. તન મન ધન ઓરાથી તારાથી જોડાયો.. તારામાજ જીવ્યો જીવીશ. જીવનની દરેક ક્રિયા ક્રીડામાં આનંદ સુખ સાથે જીવ્યો જીવીશ. તારાં વિરહમાં તારી સાથેનાં બધાંની ઈર્ષા થાય છે. તારાં મુખ પરનો ચાંલ્લો તને સ્પર્શે છે. તારાં હોઠ પરની લાલી મને આકર્ષે છે. તારાં આંખોનું કાજળ આંખોનો શણગાર બન્યું છે. વહેતો પવન તને સ્પર્શી જાય છે. ઈર્ષા અને તારું મારી લાગણીઓમાં બંધાવું એક સાથે મને સ્પર્શી રહ્યું છે.

પ્રિયે દૂર રહીને પણ તને શબ્દોથી શણગારી સજાવું છું. આંખોનાં ખૂણા તારી યાદમાં ભીનાં થાય છે છતાં તને મનચક્ષુઑથી નીરખતો રહું છું. તારાં દિલ પર રાજ કરું છું. તારાં રતુંબડા હોઠને મીઠાં ચુંબન કરી લઊઁ છું. તને મારું સર્વસ્વ લૂંટાવી તને પ્રેમથી લૂંટી લઊં છું. તારી સાથે સ્વર્ગની સ્વર્ગીય અનુભૂતિ કરું છું.

ઈશ્વરને ઈર્ષા આવે એવો અનોખો અદભૂત પ્રેમ કરું છું. પ્રભુનો ઉપકાર છે મને તારાં જેવી ખૂબ સુંદર સમજુ પવિત્ર અને ગુણિયલ પ્રિયતમા પત્ની આસ્થા તું મળી છે. આસ્થા વિના વિશ્વાશ અને વિશ્વાશ વિના આસ્થા અધૂરી છે.

પ્રિયે સદાય તારો સાથ નિભાવીશ, અંત સમય આવ્યે ત્યારે તન અગ્નિશૈયા પર હશે પાન દિલ જીવ હૈયું તારામય હશે. જીવથી જીવન બંધાયો આ શ્રુષ્ટિથી બીજી શ્રુષ્ટિની સફરમાં તારોજ સાથ હશે.

આપણો પ્રેમ જોઈ જગતે પ્રેમની પરાકાષ્ઠાની વ્યાખ્યા ફરીથી લખવી પડશે.

આજે પ્રેમપત્રનાં સંયોગે આસ્થા તારાં વિશ્વાશે દિલની બધીજ વાત કહી દીધી... કબૂલી લીધી.

એજ.. તારો.. આસ્થાનો વિશ્વાશ.

.... સંપૂર્ણ...