Nokrani books and stories free download online pdf in Gujarati

નોકરાણી

નોકરાણી

રોહિત અને પલ્લવી, પતિ પત્ની ડોક્ટરને મળીને ઘરે આવ્યા ત્યારે એમના મન માં એક આશા સાથે નવી મુંજવણ હતી.

રોહિત એક લિમિટેડ કંપની માં નોકરી કરતો હતો, મહિને આરામ થી ખાઈ પી શકાય એટલો પગાર તો હતો જ,પણ કોણ જાણે જિંદગી ના આંકડા બરોબર બેસતા ન હતા, લગ્ન ને આઠ વર્ષ વીતી ગયા છતા પણ ઘર માં સંતાન સુખ નહોતુ.

સંતાન માટે એમણે જેણે જે કહ્યુ એ બધુ જ કર્યુ હતુ- અખતરા,ઉપચાર,દોરા ધાગા, માતા મહાદેવ, શહેર ના ટોપ નર્સિંગ હોમ અને ડોક્ટર ની મુલાકાત લીધી હતી. પણ બાળક ન થવાનું કારણ કોઈ બતાવી શક્યુ નહી. બંને શારીરિક રીતે તંદુરસ્ત હતા. પલ્લવી ને ગર્ભ રહેતો હતો પણ બે-અઢી માસ પછી તૂટી જતો હતો. આવુ ચારેક વાર થયુ હતુ, પલ્લવી ના બધા જ રિપોર્ટ કરાવ્યા પછી પણ આનુ કારણ કોઈ ડોક્ટર જણાવી શકતો ન હતો.

આડોશ પાડોશ ના બાળકો ને જોઈ ને પલ્લવી ઉંડા નિસાસા નાખતી. રોહિત આગળ બળાપો ઠાલવતી, રોહિત પલ્લવી ની હાલત સમજતો હતો. રોહીતે શહેર ના અનાથાશ્રમમાં થી બાળક, છોકરો કે છોકરી દત્તક લેવાની વાત પણ પલ્લવી ને કરી હતી, પણ પલ્લવી નો આગ્રહ પોતાના જીન્સ અને રંગસૂત્રોવાળુ બાળક મેળવવાનુ હતુ અને એ લગભગ અશક્ય હતુ.

આજે તેઓ શહેર માં ફોરેન થી આવેલા ગાયનેક ડોક્ટર મિસીસ ભટ્ટ ને મળવા ગયા હતા. તેમના વિશે રોહીતે સાંભળ્યુ હતુ કે એ સ્ત્રી રોગ ના બહુ મોટા નિષ્ણાત છે અને શહેર માં એમની સારવાર થી બીજા ઘણા પરિવારને સંતાનસુખ મળ્યુ હતુ. પલ્લવી એ એમની સમસ્યા ડોક્ટર ને જણાવી. ડોક્ટરે એમના બધા જૂના રિપોર્ટ જોયા અને પછી કહ્યુ

"તમારુ ગર્ભાશય અવિકસિત છે, આથી વિકાસ પામતા ગર્ભ ને અમુક સમય પછી પૂરતી જગ્યા મળતી નથી. તેથી ગર્ભ તૂટી જાય છે, આથી તમને બાળક થવાની શક્યતા નથી."

"પણ ડોક્ટર મેડમ, અમે બાળક ની આશા એ તમારી પાસે આવ્યા છીએ, લગ્ન ને પણ આઠ વર્ષ વીતી ગયા છે, બાળક વગર મારી પલ્લવી કાયમ ટેન્શન માં રહે છે" રોહીતે કહ્યુ.

"તો તમારી પાસે બીજો પણ વિકલ્પ છે, શહેર ના અનાથાશ્રમમાંથી તમને પસંદ પડે એવુ બાળક દત્તક લઈ લો." ડોક્ટરે કહ્યુ.

"ના.... ડોક્ટર !" પલ્લવી તરત બોલી, "દત્તક લેવુ હોત તો ક્યારનુ ય લઈ લીધુ હોત પણ અમારે અમારા જીન્સ નુ અને અમારા જ રંગસૂત્રો વાળુ બાળક જોઇએ છે."

"તો પછી થોડો ખર્ચો કરવાની તૈયારી હોય તો હજુ એક ઉપાય છે", ડોક્ટર ઉવાચ.

"પૈસા તો ખર્ચીએ, પણ ઉપાય તો બતાવો", રોહીતે થોડી અસમંજસ ની સ્થિતિ માં પુછ્યુ

"જુઓ, હવે ના સમય માં વિદેશોમાં 'સરોગેટ મધર' ની પધ્ધતિ થી બાળક મેળવનાર દંપતીઓની સંખ્યા વધી છે, એમા તમારે કોઈ સ્ત્રી ને તૈયાર કરવી પડે કે જે તમને તેનુ ગર્ભાશય ભાડે આપે, તો તમને તમારી ઇચ્છા પ્રમાણે નુ, તમારા જીન્સ અને રંગસૂત્રો વાળુ બાળક મળી રહે", ડોક્ટરે સમજાવ્યુ.

"પણ ડોક્ટર, ગર્ભાશય ભાડે આપવા કોણ તૈયાર થાય ? " રોહીતે પુછ્યુ.

"જુઓ આમા કશી શરમ જેવુ કંઈ નથી, આર્થિક મુશ્કેલી માં ઘણા લોકો કીડની કે લોહી નુ દાન આપે છે, એ જ રીતે કોઈ ગરીબ સ્ત્રીઓ પોતાનુ ગર્ભાશય ભાડે આપે છે, અમુક સમય સુધી આ સ્ત્રીઓને બંધિયાર હાલત માં રહેવુ પડે, પણ એના બદલા માં એને પાઁચ લાખ રૂપિયા સુધી મળી જાય અને આ પધ્ધતિ થી કેટલાય દંપતી એમની શારીરિક ખામી ને કારણે, કોઈ પણ રોગને કારણે, વિશેષ સ્ત્રી ગર્ભ ધારણ ના કરી શકતી હોય કે તમારી માફક મિસકરેજ થઈ જતુ હોય ત્યારે આ ફોર્મુલા થી બાળક મેળવે છે, મારી પાસે ગર્ભાશય ભાડે આપે એવી સ્ત્રીઓ ની લાંબી યાદી છે, તમને ગમે તો આમાની બે ચાર સાથે મુલાકાત ગોઠવીએ " ડોક્ટરે કહ્યુ.

ડોક્ટર ની વાત સાંભળીને રોહિત અને પલ્લવી આનંદીત થઈ ગયા, ઘણા વર્ષો પછી એમને એમનું પોતાનુ બાળક મળશે એવી આશા બંધાઈ, ઘેર આવ્યા પછી પણ એમની વચ્ચે એ જ ચર્ચા ચાલી અને છેલ્લે ગર્ભાશય ભાડે લેવા કેવી સ્ત્રી પસંદ કરવી એની ચર્ચામાં બંને આડા પાડ્યા અને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર ના પડી, કદાચ આજે પહેલી વાર તેઓ મીઠી નિંદ્રા માણી રહ્યા હતા.

સવારે નોકરાણી કાન્તા વહેલા આવી જતી હતી, અને બધુ જ કામ સાત વાગ્યા સુધીમાં પતાવીને ચા બનાવતી અને પલ્લવી ને જગાડતી, રોજ ની જેમ આજે પણ કાન્તા એ પલ્લવી ને જગાડી અને ચા આપી, ચા પીતા પીતા પલ્લવી ને મગજમાં ચમકારો થયો, એ કાન્તા ને જોતી રહી, કાન્તાની ઉમ્મર લગભગ 23 વર્ષ આસપાસ હશે, સહેજ ભીનેવાન પણ કામ કરી કરી ને આખુ શરીર આ ઉમ્મર માં પણ ઘસાઈ ગયેલું, કાન્તા લગભગ એક વર્ષ થી પલ્લવી ને ત્યા કામ કરતી હતી.

કાન્તાના ગયા પછી રોહિત ઉઠ્યો ત્યારે પલ્લવી એ સૌથી પહેલા રોહિતને કાન્તા વિશે વાત કરી કે "આપણે કાન્તાને જ સરોગેટ મધર બનવાની વિનંતી કરીએ તો ? "

રોહીતે થોડો વિચાર કરી ને કહ્યુ કે "એ માનશે ખરી ? "

"અરે માને કેમ નહી ? આપણે એને કેટલી બધી મદદ કરી છે, રહેવા માટે નીચે એક ખોલી આપી છે, ઉપરાંત આપણે એને પૈસા આપીશું આ કામ માટે, જેવી રીતે ડોક્ટરે આપણને સમજાવ્યા એ રીતે એને સમજાવીને તૈયાર કરવી પડશે" પલ્લવી એ કહ્યુ.

"ઠીક છે, મને કોઈ વાંધો નથી, પણ યાદ રાખજે પલ્લવી, આપણે કોઈની સાથે પણ જબરજસ્તી કરવી નથી, ડોક્ટર પાસે પણ આવી ઘણી સ્ત્રીઓ નુ લિસ્ટ હશે જે કુખ ભાડે આપવા તૈયાર હશે, ભલે એમા થોડો ખર્ચો વધારે થશે, પણ આપણે જો કાન્તા માનવા તૈયાર થાય તો જ એને પસંદ કરીશું " રોહિત ઉવાચ.

"ભલે " પલ્લવી સંકોચ સાથે રૂમ ની બહાર નિકળી અને કાન્તા ને સાદ પાડ્યો.

પલ્લવીએ કાન્તાને બેસાડી ને બધી વાત કરી, એને સમજાવી અને એમના બાળક ની માં બનવા કુખ ભાડે આપવા વિનવણી કરી, કાન્તા તૈયાર થઈ ગઈ. પછી તો રોહીતે ડોક્ટર ને વાત કરી અને કાન્તા ને ડોક્ટર પાસે લઈ ગયા, બધી તબીબી ચકાસણી કરી ને ડોક્ટરે કહ્યુ કે " તમારા બાળક ની માં બનવા માટે આ છોકરી એકદમ યોગ્ય છે " આ સાંભળીને પલ્લવી ગડગદ થઈ ગઈ, આંખ માં થી ખુશી ના આંસુ ટપકી પડ્યા.

અગાઉ થી ડોક્ટરે રોહિત ના શુક્રાણુ અને પલ્લવી ના બીજ ને ખાસ પધ્ધતિ થી ટેસ્ટટ્યુબ માં ફણગાવી તૈયાર રાખ્યા હતા, એને કાન્તાના ગર્ભાશય માં આરોપી દીધા.

કાન્તા હવે માં બનવાની હતી, દિવસે ને દિવસે એના માં અસાધારણ ફેરફાર થતો જોઈ ને પલ્લવી ખૂબ ખુશ થતી, એની કમર ને ઘેરાવો વધતો જોઈ ને એ આવનાર બાળકના સ્વપ્ન માં ખોવાઈ જતી.

એક રાત્રે કાન્તા ને પ્રસવ પીડા શરૂ થઈ, પૂરા બે કલાક ની વેદના પછી કાન્તા એ એક હુષ્ટપુષ્ટ દીકરા ને જન્મ આપ્યો, નવજાત ના રડવાનો અવાજ સાંભળીને પલ્લવી નુ હૈયું જાણે ધડક્વાનુ ચૂકી ગયુ, કાન્તા ના પડખામાં પડેલા બાળક ની સુંવાળી હથેળી ઉપર એણે સ્પર્શ કર્યો અને એ સ્પર્શે એનામા એક સંવેદના પ્રગટાવી, કાન્તાની જાગ્યા એ પોતે બાળક ને ગોદ માં લઈ ને સૂવાની ઇચ્છા થઈ આવી, જે એક ઉંડા નિશ્વાસ સાથે એણે દબાવી દીધી.

બીજા દિવસે સવારે કાન્તા માટે ચા અને નાસ્તો લઈ ને જાતે પલ્લવી આવી, છોકરો પથારી માં એકલો હતો, કાન્તા ન હતી, છોકરો રડ્તો હતો, તરત પલ્લવીએ છોકરા ને ગોદ માં લઈ ને છાતી સરસો દબાવ્યો અને છાનો રાખવા આવડે એવા વાલા કરવા લાગી પણ છોકરો શાંત થવાને બદલે વધુ રડવા લાગ્યો.

"કયા ગઈ આ?, છોકરો રડવા ચડ્યો છે " એણે નર્સ ને પુછ્યુ.

"કોણ, આ બાળક ની મમ્મી ? " નર્સે સામે પુછ્યુ, નર્સ ના શબ્દો પલ્લવી ના કાળજે ઘા જેવા વાગ્યા, એટલામાં કાન્તા બાથરૂમ નો દરવાજો ખોલી ને આવી, છોકરા ને હાથ માં લીધો, રડ્તો છોકરો તરત જ શાંત થઈ ગયો, પલ્લવી ફાટી આંખે જોઈ રહી, એનો ચહેરો ઉતરી ગયો.

સાંજે પલ્લવી રોહિત સામે તાડૂકી " ના સમજણો એના વગર રહેતો નથી, પછી સમજણ આવશે ત્યારે તો આપણી પાસે આવશે ય નઈ, પેલી નર્સે ય કાન્તાને એની માં કહી"

રોહીતે એને સમજાવવાની કોશિશ કરી પણ હવે પલ્લવી કાન્તાને છોકરા થી અલગ કરવાની વાત કરતી હતી " હુ એને બોટલ નુ દૂધ આપીશ, મારી પાસે સુવડાવીશ પણ આટલા વર્ષે આવેલુ ખૉવુ નથી"

હોસ્પિટલ થી ઘરે આવી એટલે પલ્લવી છોકરા ને કાન્તા થી દૂર રાખવા લાગી, પ્રથમ દિવસ થી જ એણે બાળક ને ખોળા માં લઈ ને બોટલ થી દૂધ આપવાની કોશિશ કરી, પણ બાળકે દૂધ ના પીધું અને ભૂખ્યૂ હતુ એટલે રડવા લાગ્યુ, કાન્તા લાચારી થી પલ્લવી ના બધા ખેલ જોઈ રહી હતી, એની છાતી એ પાનો ચડ્યો હતો, એણે બાળક ને કાલાવાલા કરી ને પલ્લવી પાસે થી બાળક લીધુ અને ગોદ માં સુવડાવીને સ્તનપાન કરાવવા લાગી. બાળક નુ રુદન તરત જ બંધ થઈ ગયુ, સ્તનપાન કરાવતી વખતે કાન્તા બાળક ના આખા શરીરે હાથ ફેરવતી અને પપ્પી ભરી રમાડવા લાગી, પારકી પોતાનાને વહાલ કરતી એ જોઈ ને પલ્લવી ડઘાઇ ગઈ.

"આ છોકરી મારા છોકરા ને લઈ ને ભાગી જશે તો ?, અને ભાગી ન જાય તો પણ આ છોકરો મોટો થઈ ને તો એને જ મમ્મી કહેશે ને ? " પલ્લવી ના મન માં શંકા સળવળી અને એ હતાશ થઈ ગઈ, ઘર ની નોકરાણી ને એના છોકરા ની માં બનાવવા બદલ પસ્તાવો થયો, એ પોતાની જાત સાથે લડવા લાગી, અત્યારે કાન્તા એને સ્વાર્થી,ચાલાક અને નગુણી લાગતી હતી.

રાત્રે રોહિત ઘરે આવ્યો ત્યારે પલ્લવી ગુસ્સા માં ને ગુસ્સામાં આડી પડી હતી, એને તાવ ચડ્યો હતો, બામ ની શીશી લઈ ને કાન્તા એની પાસે ગઈ ત્યારે એણે હડ્સેલો મારી ને એને દૂર ખસેડી હતી, પલ્લવી નુ આવુ બદલાયેલા વર્તન થી ડઘાયેલી કાન્તા નિરાશ થઈ ને પાછી ફરી હતી. રોહિતને આવતા તરત જ કાન્તા એ પલ્લવી બિમાર હોવાની વાત કરી એટલે રોહીતે એના ફેમિલી ડોક્ટર ને બોલાવી લીધા અને પલ્લવી નુ ચેકઅપ થયુ, પલ્લવી ના શરીર માં બ્લડ પ્રેશર વધી ગયુ હતુ, એને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામા આવી.

કાન્તા આખી રાત પલ્લવીની સાથે જ હતી. મોડી રાત્રે પલ્લવી ને "સનેપાત" થઈ ગયો, હોસ્પિટલ ના બેડ ઉપર જ પલ્લવી બબડવા લાગી,

" મારા દીકરા ને બચાવી લો..., પેલી ડાયણ મારા દીકરા ને લઈ જશે..., પેલી કાન્તાડી મારા દીકરાને ભરખી જશે..., બચાવો..., મારા દીકરા ને બચાવો..."

કાન્તા આખી પરિસ્થિતી પામી ગઈ, પોતે પલ્લવી અને રોહિત માટે કેટલું કેટલું કર્યુ, અરે નવ નવ મહિના સુધી એના બાળક ને પેટમાં રાખી ને જણ્યુ, અને પલ્લવી પોતાને માટે આવુ વિચારતી હતી ? કાન્તા એક ક્ષણ માટે સમસમી ગઈ.

પણ તરત જ એણે નિર્ણય કરી લીધો અને પોતાની પાસે રહેલા બાળક ને છેલ્લી વાર ચુમીને પલ્લવી ની પાસે સુવડાવીને એ "નોકરાણી" હોસ્પિટલના પાછળ અંધારામાં અદ્રશ્ય થઈ ગઈ.

- અમિત ગાબાણી