Vruddhashram books and stories free download online pdf in Gujarati

વૃદ્ધાશ્રમ

આજે ભગવાનભાઈની વર્ષગાંઠ હતી.ચાર વર્ષ અગાઉ સુરજ અને વંદનાએ તેમને બધાના હિતમાં (?) વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા. પછી, દરવર્ષે, દિવાળી અને ભગવાનભાઈની વર્ષગાંઠ એમ બે પ્રસંગોએ સુરજ મિઠાઈ લઈને વૃદ્ધાશ્રમમાં આવતો. આજે વર્ષગાંઠ હતી એટલે ભગવાનભાઈ વૃદ્ધાશ્રમને ઓટલે બેસી સુરજની ખુબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

ઉચ્ચ હોદ્દાની સરકારી નોકરીમાંથી ભગવાનભાઈ છ વર્ષ પૂર્વે જ રીટાયર થઇ ચૂક્યા હતા. રીટાયર થવાના ચાર જ મહિનામાં તેમના પત્ની સરલાબેનનું અવસાન થઇ ગયું હતું. નવરંગપૂરાના વૈભવી વિસ્તારમાં તેમનો ચાર રૂમનો આલિશાન બંગલો હતો. કાલે ઉઠીને પંડને કાંઈ થાય તો મિલકતની ટ્રાન્સફર-વિધિ સુરજને ફાવે કે ન ફાવે, તેવી ગણતરીથી એમણે તે બંગલો સુરજ અને વંદનાના નામે કરી દીધો હતો. હિતેછુઓએ તેમ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. પણ-‘ મને મારા લોહીમાં અને સુરજમાં ખુદ મારી જાત કરતા વધારે વિશ્વાસ છે’-તેવું ધ્રુવ વાક્ય તેઓ દરેક મિત્ર સાથેની ઉગ્ર ચર્ચાને અંતે બોલતા. અને મિત્રો- હિતેચ્છુઓ ઝંખવાઈ જતા.

સુરજ તેમનો એકનો એક દીકરો. એમ.બી.એ. થયા પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં ફાયનાન્સિઅલ ડાયરેક્ટર બન્યો. સુરજને તેની બાની તો ખુબ માયા હતી, પણ રાધીકાબેનના અવસાન પછી કોણ જાણે કેમ સુરજ અને ભગવાનભાઈ વચ્ચે અંતર વધતું જતું હોવાનું ભગવાનભાઈ અનુભવ્યું હતું.

રીટાયરમેન્ટના વર્ષોમાં દર વર્ષે એક નવલકથા લખવાનો ભગવાનભાઈને ઉમળકો હતો. નોકરી સાથે પણ તેમના બે નવલકથા અને ત્રણ નવલિકા સંગ્રહો બહાર પાડ્યા હતા. પણ વૃધ્ધાશ્રમની એકલતાએ તેમની લેખક તરીકેની સર્જનશીલતા ખૂંચવી લીધી હતી. લખવાનું તો ઠીક, પણ છેલ્લા કેટલાક સમયથી આંખે ઝાંખું દેખાતું થયું હોવાથી,ન છૂટકે વાંચવાનું પણ બંધ કરવું પડ્યું હતું. તેમની આંખ હવે માત્ર રડવાના કામમાં જ આવી શકે તેમ હતી. હજી સરલાબેન હોત તો વાત જુદી હતી, તેમના અતિ વાચાળ સ્વભાવ અને ભગવાનભાઈની ઝીણામાં ઝીણી બાબતની કાળજી લેવાના તેમના સ્વભાવને કારણે ભગવાનભાઈને વૃધ્ધાશ્રમમાં રહેવું ખટકતું નહીં

અને વૃદ્ધાશ્રમના કંપાઉંડમાં એક નવી નક્કોર એસ્ટીમ કાર પ્રવેશી. “હજુ સુરજ આવ્યો નહી”- એવો વિચાર ભગવાનભાઈને આવ્યો, તે સાથે જ, કાર ઓટલા પાસે આવી ને ઉભી રહી. “આસમાની રંગના સૂટમાં અને નેવી બ્લુ રંગની ડીઝાઈનર ટાઈમાં સુરજ કેવો શોભે છે!”-ભગવાનભાઈ જાણે ફરી એક વખત પોતાની ત્રીસીમાં ફરી આવ્યા. ગાડીમાંથી ઉતારવાની કોઈ ચેષ્ટા સુરજે ન કરી એટલે, ભગવાનભાઈ સામે ચાલીને કારના દરવાજા પાસે ગયા. સુરજે બારીનો કાચ અર્ધો ઉતાર્યો, ધુમાડાથી બચવા નાક-મો પાસે રૂમાલ ધરી રાખ્યો અને ઔપચારિક રીતે જ પૂછ્યું –“ કેમ છો પપ્પા, મઝામાં ને? તમારા જન્મ દિવસે તમને અમારા સૌ તરફથી પ્રણામ!”- પગે લાગવાની કોઈ ચેષ્ટા હાથમાં રૂમાલ સાથે, નાક- મોઢું ઢાંકવાની ક્રિયા સાથે ન થઇ શકે અને ન થઇ. જો કે, વૃધ્ધ માણસને આવી બાબતોમાં ઓછું આણવાનો અધિકાર જતો રહે છે- તેના અનુભવો રમણીકલાલે પુરતા પ્રમાણમાં કરી લીધા હતા.

ેટા સુરજ…” આગળ બોલવું કે કેમ તેની અસમંજસ ભગવાનભાઈ ભોગવતા હતા, તે છાનું ન રહ્યું. ગળે ભેરવેલી પોતડીના છેડા કાંડે વીંટાળી- છોડી, વીંટાળી-છોડી, સુરજની સામે જોયા વગર જ તેઓ બોલવા લાગ્યા… “ હું જાણે એમ કહેતો હતો કે- હા, પણ તને અનુકુળતા હોય તો જ, હં કે…” એમ કહેતાં સુરજની કારના કાચ ઉપર તાજી જ પડેલી કબુતરની ચરક તેમણે પોતડી થી લૂછી નાંખી.

બાપુ, ભૈ શા’બ,તમને લાંબી લાંબી પ્રસ્તાવના કરવાની ખોટી ટેવપડી ગઈ છે. મારે હજુ સત્તર કામ પડ્યા છે. અને તમે ય તે જાણે વાર્તા લખવાના મૂડમાં હોવ તેમ…” ભગવાનભાઈના એક માત્ર શોખને વખોડતો હોય તેમ સુરજ દાઢમાં બોલ્યો અને ઉમેર્યું, બોલો શું કહેતા હતા? જલ્દી! ”

ભૈ, મને આ આંખે લગીર ઝાંખ વળે છે, તે તુ નવરો પડે તો કોઈ દાક્તરને બતાડી દઈએ. તું તો જાણે છે મને વાંચવા- લખવાનો કેટલો શોખ છે તે. હા, અને ઘરડા-ઘરના બીજા સભ્યોએ ભેગા થઈને આજે મારી વર્ષ-ગાંઠ નિમિત્તે સત્યનારાયણની કથા રાખી છે, તે પ્રસાદ લેવા રોકાય છે ને, ભૈ? પારુલ અને સૌમ્યને લાવ્યો હોત તો ! કેટલાય દિવસથી છોકરાંવ ને જોયાં નથી અને વંદના વહુ…”

વંદના અને બાળકો પરેશ ને ત્યાં ગયાં છે. બે દિવસ ત્યાં જ રહેવાના છે. પરેશની કાવેરી ની બર્થડે પાર્ટી છે એટલે. અને ખરું કહું, બાપુ ,બાળકોને અહીંના વૃધ્ધ વાતાવરણમાં, અહીંના નેગેટીવ વાઈબ્રેશનમાં લાવવાની મારી સ્હેજે ઈચ્છા નથી. અહીંના વૃધ્ધોને જીવન જીવવા કરતાં નવા-નવા પ્રશ્નો ઉભા કરવામાં જ રસ છે. તમે ય તે આ આંખની બાબત…ઠીક છે, કાલે રોટરી ક્લબ તરફથી નેત્ર –યજ્ઞ છે. નાથુ ને કહીશ તો તમને આવી ને લઇ જશે. આમ પણ, આ ઉમરે હવે વાંચશો-લખશો નહીં તો કાંઈ આસમાન તૂટી પડવાનું નથી ને? સમજ્યા તમે?” છેલ્લું વાકય જો કે સુરજ ધીમે થી બોલ્યો હતો, પણ ભગવાનભાઈ સાંભળ્યું.

ઠીક! ભાઈ! કથામાં તો રોકાય છે ને?”- પિતાનું હૃદય પૂછ્યા સિવાય ન રહી શક્યું.

ાપુ, સત્યનારાયણ ની કથા કે પ્રસાદ કશા માટે રોકાવાય એવું નથી. અને તમે તો જાણો છો કે હું આવી બધી વેવલાશમાં માનતો નથી.” પછી ડ્રાઈવર તરફ ફરીને તેને ઉદ્દેશીને સુરજ બોલ્યો- “અરે રહીમ, હજુ સુધી જલેબીનો કરંડિયો ઉતારીને રસોડામાં મૂકી આવ્યો નથી? બહુ ઠંડો છે, ભાઈ તું તો! અહીંથી મારે ઓફિસમાં જઈને એક વાગ્યા પહેલા પરેશને ત્યાં પહોંચવાનું છે. લંચ માટે. ક’મોન, હરી અપ”

ડ્રાઈવર રહીમ ગાડીની ડીકીમાંથી જલેબીનો કરંડિયો ઉતારી, લગભગ દોડતો જઈ વૃદ્ધાશ્રમના રસોડે મૂકી આવ્યો. પાછા વળતાં ભગવાનભાઈનો ચરણ સ્પર્શ કરીને ‘સલામ માલિક’- બોલીને ગાડીમાં આવી બેઠો અને ગાડી ચાલુ કરી.

ઓફીસ પહોંચીને તરત જ સુરજે ઇન્ટરકોમ ઉપર સંદેશો આપ્યો- નાથુ કો ભેજો.” ભૂલી જવાય તે પહેલાં જ સુરજ નાથુ ને કાલે, ભગવાનભાઈને નેત્ર-યજ્ઞમાં લઇ જવાનું કામ સોંપી દેવા માંગતો હતો.

સર, નાથુ આજ નૈ આયા, ઉસકા મમ્મીકુ આજ કેટરેક્ટ કા ઓપરેશન હૈ”- સામે છેડેથી સ્ટેનોગ્રફરે જવાબ આપ્યો સુરજે ગુસ્સામાં ટેલીફોન પછાડ્યો અને બબડ્યો- “આ સા..પટાવાળાની જાત! આખ્ખી જીંદગી પટાવાળો રહેવા જ સર્જાયો છે. સાલ્લી કોઈ સિન્સીયારીટી જ નહિ, હં …”

અને લંચ ટાઈમે પરેશને ત્યાં જવા સુરજે ગાડી કાઢી. ઓફિસની બહાર નીકળતાં જ વળાંક પાસે નાથુ દેખાયો. ફૂટ-પાથ ઉપર, કોઈ વૃદ્ધને બે હાથે ઊંચકી ને જતો હતો. સુરજે કાર ઉભી રાખી અને હોર્ન મારી ને નાથુ નું ધ્યાન ખેંચ્યું. ચમકી ને નાથુ પણ ઉભો રહી ગયો. અને સુરજને જોતાં જ, હાથમાંના વૃધ્ધ ને ખુબ પ્રેમથી બાજુના ઓટલા ઉપર બેસાડી, ગાડી પાસે આવ્યો, ‘સલામ સાહિબ” કહીને ઝૂકીને ઉભો રહ્યો.

આજ ઓફીસ કો ક્યોં …”સુરજનો પ્રશ્ન પૂરો થાય તે પહેલા જ નાથુ બમ્બૈયા હિન્દીમાં બોલ્યો – “મૈ જોશી સા’બ કો બોલા થા. આજ અપુન કાબાપુ કા જનમદિન હૈ, સા’બ. ઇસકે વાસ્તે સુબહમે સત્યાનારાયણ કા પૂજા રખ્ખા થા. ઔર અભી બાપુકો ભદ્દરકાલી કે દરસન કુ જાનેકું મંગતા થા તો વહીં લે કે જાતા હું. આજ મેરી માં કુ મોતિયા કા ઓપરેસન કા વાસ્તે હોસ્પિટલ કુ લે ગએલા હૈ. ઇસ લિયે મૈ કલસે ડ્યુટી પર આજાએગા. સા’બ ગલતી માફ કરના”

એટલું કહી ને નાથુએ તેના બાપુને ઉઠાવ્યા અને ચાલવા માંડ્યું ભદ્રકાળીના મંદિરની દિશામાં. નાથુના મો ઉપર સામાન્ય થાક સિવાય ચીડ કે ગુસ્સાનો કોઈ ભાવ ન હતો તે સુરજે નોધ્યું. નાથુના બાપુનું મોં બોખું હતું, અશક્ત હતું. પણ તેને પોતાનું આવું જીવન પણ સાર્થક લાગતું હતું.

સુરજે કારમાં બેઠા બેઠા જ પરેશના ઘરનો નંબર જોડ્યો. સામે છેડે વંદના હતી, અને ગુસ્સામાં હતી, તે તેનું ‘હેલ્લો’ સાંભળતાં જ સુરજ જાણી શક્યો. સુરજે કહ્યું-“હં, વંદના, સાંભળ, ધ્યાનથી સાંભળ. વચ્ચે બીજા કોઈ પ્રશ્નો પૂછીશ નહી. મારે કશું સાંભળવું નથી. હું અત્યારે જ બાપુને લઈને ડોક્ટર કુલકર્ણીની આંખની હોસ્પીટલમાં જાઉં છું. હજુ હું વૃધ્ધાશ્રમ જઈશ, બાપુ તૈયાર થશે. પછી નીકળીશું. સાંજે આવતા મોડું થઇ શકે છે. કેક વા મારી રાહ જોવાની જરૂર નથી. અને હા, પરેશને સોરી કહેજે. હું તેને મોડેથી ફોન તો કરીશ જ.”- એટલી ટૂંકી વાત સાથે તેણે ફોન બંધ કર્યો.

અને વૃધ્ધાશ્રમ ખાતે આવી ને, કાર લોક કરવાની પણ દરકાર ન કરતાં સુરજ ભગવાનભાઈના રૂમમાં ગયો. ભગવાનભાઈ કશું સમજી શકે તે પહેલાં જ, ભગવાનભાઈનો ચરણસ્પર્શ કરીને સુરજ બોલ્યો-“ બાપુ, ઝટ તૈયાર થઇ જાવ. આંખની હોસ્પીટલમાં જઈ જ આવીએ. અને હા, સત્યનારાયણની કથા થઇ ગઈ હોય તો મારો પ્રસાદ રાખ્યો છે કે નહિ? મને ભૂખ પણ લાગી છે.”

કેળના પાનમાં પીરસાએલો સોડમદાર શીરો ખાતાં-ખાતાં સુરજે વિચાર્યું- “નાથુની જેમ હું મારા બાપુ ને ઊંચકી શકું કે નહિ?” તૈયાર થઇ ને આવેલા ભગવાનભાઈને ઊંચકી જોવાનો પ્રયત્ન કરતાં સુરજ બોલ્યો- “બાપુ તમારું વજન થોડુંક જ ઓછું હોત તો હું તમને ઊંચકી ને જ દવાખાને લઈ જાત, બોલો!”

આટલું નાટકીય રીતે વર્ત્યા છતાં, મહાબોળે રોકેલો ડૂમો સુરજના ગળે બાઝ્યો. ઉપલો હોઠ નીચલા હોઠ નીચે દબાવીને તેણે રડવા ઉપર માંડ કાબુ મેળવ્યો. આ "વૃદ્ધાશ્રમ" માં આજ સુધી ના જોયેલું હોય એવું દ્રશ્ય જોવા મળ્યું. અત્યાર સુધી છોકરાઓ માબાપ ને મુકવા આવતા હતા , પણ આજે સુરજ એના બાપુ ને લેવા આવ્યો હતો.

ભગવાનભાઈની આંખે આમે ય ઝાંખ વળતી હતી. પણ આજે આંસુ ને કારણે પણ ઝાંખ વળી.