લે બૂધુ,
કર સીધું !
-ઃ લેખક :-
મુર્તઝા પટેલ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
આડા પાટે ગયેલી વેપારીક ગાડીને
સીધાં પાટે લાવતી એક
સેમી-સાચી ઘટના...
લે બૂધુ, કર સીધું!
જુના લત્તામાં તો તેમનું માનવંતુ અસલ નામ તો કરીમજી બાકીર. પણ આ નવા લત્તામાં આવ્યા પછી તે નામ બાકીરમાંથી કરીમ બખીલ(કંજૂસ) બની ગયું. આવા બદલાવ પાછળ કોઈ ખાસ કારણ, સમય તો ન હોઈ શકે. પણ એમ માની શકાય કે એના હજુ સુધી ન ઓળખી શકાયેલા એટીટ્યુડ (દ્રષ્ટિકોણ) અને વર્તનથી એ લોકોએ જ આવુ નામ પાડી દીધું હશે..
કરીમ બાકીર આ શહેરમાં હજુ નવો નવો જ આવ્યો હતો. પોતે જે નાનકડા શહેર(ટાઉન)થી આવ્યો હતો ત્યાં હજુ થોડાં દિવસો પહેલાં જ તેના પિતાજીનું અવસાન થયું હતું. એટલે આ શહેર તેના માટે ભલે નવું હોય પણ પિતાના વારસા સાથે અપાયેલી તબિયત અને તરબિયતમાં રહેલાં પ્રાણ અને પ્રકૃતિ તો હજુ એવા ને એવાજ ઝ્રઙ્મટ્ઠજજૈષ્ઠ હતા.
પિતાની અપાયેલી અપાર મોહબ્બતની યાદગીરી અને તેમણે શીખવેલી પ્રેક્ટિકલ છતાં હજુયે અધૂરી લાગતી તાલીમના ગમથી છુટવા કરીમે પોતાનો વારસાગત કારોબાર-વ્યવસાય તે નાનકડા શહેરમાંથી છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. બસ એનું ટ્રાન્સફોર્મેશન કરવું બાકી હતું. આમ તો સ્વભાવે તો શાંત પણ અન્યાય વખતે અને ખોટા કારણસર દિમાગ ખોટકાય ત્યારે કોઈની સાડા-બારી ન રાખે તેવા આ કરીમને શબ્દોનું ‘ક્રિમ’ લગાડવું પસંદ ન હતું. તેની દરેક બાબતો સ્પષ્ટ, સરળ રહેતી.
આ મોટા શહેરમાં આવ્યા પછી સ્થાઈ થવાની નિયત સાથે સૌથી પહેલું કામ તેણે સમૃદ્ધ લાગતા વિસ્તારમાં બરોબર રહી શકાય તેવા મકાનની ખરીદ કરવાનુ કર્યું. મકાનના અંદરની હવા-ઉજાશ સાથે આજુબાજુ કેવા લોકો રહે છે, નજીકમાં જ જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે તેવી દુકાનો, માર્કેટ-મોલ્સની સહુલિયાતો પણ નજરમાં રાખી હતી.
જે વિસ્તારમાં તે રહેવા આવ્યો ત્યાંના એ ઘરથી થોડેક જ નજીક એક સુપર-સ્ટોર હતો. વિસ્તારમાં બીજી કેટલીક નાનકડી દુકાનો તો હતી જ પણ એક જગ્યા પર જ રોજીંદી જરૂરિયાતની દરેક વસ્તુઓ હાથવગી મળી રહેતી હોય એવો આ એક માત્ર સ્ટોર. તેમાં વળી, મેટ્રો-સ્ટેશન અને બસ-સ્ટેશન પણ નજીક-નજીક હોય ત્યારે તો દેખીતું છે કે વિસ્તારમાં મસમોટી ભીડ રહેતી હોય.
પણ કેમ જાણે આવી ‘હોટ’ જગ્યા હોવા છતાં આ સુપર-સ્ટોર્સ માટે તેની સુપર વાત અને સ્ટોર્ડ માલ... બંનેમાં ‘માલ’ ન હતો. આવો સુપર-સ્ટોર દેખાવમાં ભલે મોટો હતો પણ ઘણી બાબતોમાં ખોટો સાબિત થઈ રહ્યો હતો. આવી ચહેલપહેલવાળી જગ્યામાં ગ્રાહકોની ખોટ વર્તાતી હોય....ત્યારે સ્ટોરની પ્રોફીટનું શું હશે?
બીજાં અન્ય સુપર-સ્ટોરમાં તો સામાન્યતઃ દરેક વસ્તુઓ પર પ્રાઈસ-ટેગ લાગી હોય છે પણ એવું અહીં ન હતું. એટલે ઘણી બધી વસ્તુઓનો ભાવ પૂછવા વારંવાર ગ્રાહકને કેશ-કાઉન્ટરના સ્કેનર પર નિર્ભર રહેવું પડતું. કિંમત પૂછવામાં આવે ત્યારે ઘણી વાર ગ્રાહકને ખૂંચે તેવો સવાલ કરાતોઃ “તમને લેવાનું છે?...કેટલું લેવાનું છે?...આને બદલે બીજી કોઈ વસ્તુ ન ચાલે....વગેરે...વગેરે”
એમાં વળી કોઈકવાર ૨૫-૩૦ કસ્ટમર્સ એક સાથે આવી જાય ત્યારે પણ ત્રણ કેશ-કાઉન્ટર્સ વચ્ચે માત્ર એકજ કેશિયર બેસતો. બાકીના ખાલી પડી રહેતાં. કેશનું કામ જલ્દી આટોપી લેવાય એવી સલાહ માટે કેટલાંક ગ્રાહકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ મળતો કે “બીજા કેશિયર જરા બહાર કામે ગયા છે. બસ હમણાં થોડી જ વારમાં આવવા જોઈએ.” અને એ ‘થોડી’ કહેવાતી વાર કલાક-દોઢ કલાકે આવતી.
માત્ર બેબી-ડાઈપરનું પેક ખરીદ કરનાર પણ આવી હાલતમાં કપાળે પરસેવો લુંછવા હાથનું વાઈપર ફેરવી લેતો. કેટલીયે વાર પરચૂરણના અવેજમાં છુટ્ટાં પૈસાને બદલે ન જોઈતી હોય તેવી ચોકલેટ, ચ્વીન્ગમ કે નાનકડાં બિસ્કિટ્સનું પેકેટ થમાવી (પધરાવી) દેવામાં આવતું. જે વસ્તુઓ બહાર બીજી દુકાનોમાં બેસ્ટ-સેલિંગ ગણાતી હોય એવી વસ્તુઓની અહીં વારંવાર અછત રહેતી.
કેવા લોકો સ્ટોર્સમાં આવે છે, કોની સાથે આવે છે, શું શું લઈને આવે છે, ક્યારે વધારે આવે છે. કેટલો સમય પસાર કરે છે......જેવા કઠિન ‘સર્વે’ દ્વારા આ બધું ઓબ્ઝર્વેશન કરીમભાઈ લગભગ આંતરે દિવસે આવીને કરી લેતા. એની નોંધ લઈ લેતા. એમને હમેશાં ખુંચતું કે આવા ભરચક વિસ્તારમાં આ સ્ટોર પોતાનીજ ડી-વેલ્યુએશન (અવમૂલ્યન) કરી રહ્યું છે. કરીમને આ બાબત ઘણી આશ્ચર્યજનક લાગતી.
વેપારી દિમાગ હમેશાં દોડાવતા કરીમને કાંઈક થવું જોઈએ. કોઈ ઉપાય કરવો જોઈએ. એવા સુવિચાર પણ અણગમા સાથે તેની ખરીદી પણ લગભગ નહીવત રહેતી. એટલે જ એમના આ ‘સર્વે’ દરમિયાન સ્ટોરના કેટલાંક સેલ્સમેન એકબીજાને ન સંભળાય એ રીતે અંદરો-અંદર મજાક કરી લેતા કે “આ તો સાવ બખીલ (કંજૂસ) છે...કાંઈ લેવું-કરવુ તો હોતું નથી ને...ખાલીપીલી ટાઈમ પાસ કરવા આવે છે.”
હવે તો આ શહેરમાં જ ‘બસ કુછ અલગ કરના હૈ...ઔર આગે બઢના હૈ!’ ના સૂત્રને પોતાના દિલમાં સમાવી ચુકેલા કરીમને આ સ્ટોરમાં કાંઈક વધારે ‘માયા’ લાગી ગઈ. આવુ એટલા માટે કે એક મસમોટા વેપારની શરૂઆત કરવાની ગડમથલ તેના મગજમાં દિવસે દિવસે વધી રહી હતી. વેચાણના આ પેશનને પકડવાની તક લઈ લેવાનો અનોખો અવસર પણ કુદરતે તેને જલ્દી આપી દીધો.
એકાદ-બે મહિનાના આવા સતત ચક્કર બાદ તે દિવસે કરીમભાઈ ફરીથી એક વાર એમની આદત મુજબ સુપર-સ્ટોરમાં પ્રવેશી ગયા. (કમ)નસીબજોગે ત્યાં એક નવીજ પ્રોડક્ટનું લોંચિંગ થઈ રહ્યું હતું. કેશ-કાઉન્ટરની બાજુમાં એક ફૂલ-ફટાકડી સેલ્સગર્લ ડેમો આપી રહી હતી. સેલ્સગર્લ કાંઈ પૂછવા જાય એ પહેલા કરીમભ’ઈ એ નવી પ્રોડક્ટને હાથમાં લઈ જોવા લાગ્યો. સેલ્સ-ગર્લ તો ચૂપ રહી પણ પાછળથી કર્કશ લાગે એવો અવાજ સંભળાયો.
“શું આજે પણ આમ જ ભાવ પૂછવો છે યા પછી કંઈક ખરીદવાનું પણ છે?” -
સ્ટોરનો બ્લ્યુ એપ્રોન પહેરેલા એક સેલ્સમેનનો આવો અચાનક થયેલો સવાલ થોડી સેકન્ડસ માટે કરીમના દિલમાં ફરતા લાલ લોહીને સફેદ બનાવી ગયો. કેશિયર, સેલ્સ-ગર્લ તેમજ બીજાં સહકર્મચારીઓ અને તેની આજુ-બાજુ ઉભેલા કેટલાંક ગ્રાહકોમાં ખંધુ સ્મિત આવી ગયું. થોડાં લોકોને સમજ પડી ન પડી.. જ્યારે કેટલાંકે કરીમની સામે રહીમ નજરે જોયું. ’બખીલ’ સાબિત થયેલો કરીમ બિચારો કરે પણ શું? સમય અને સંજોગોને સંભાળીને આજુબાજુ નજર કરી ભારેલા ગુસ્સા સાથે પ્રોડક્ટને ત્યાંજ ફેંકી કાચી સેકન્ડમાં સ્ટોરની બહાર નીકળી ગયો. શક્ય છે...કદાચ આંખની અંદર જ ઙ્ઘદબાઈને બહાર આવી રહેલાં એક આંસુને છુપાવવા જ સ્તો!
સેલ્સમેનોમાં જાણે આ ફટાકડી સેલ્સ-ગર્લ આગળ કરીમ બાબતે મીર માર્યો હોય એવી લાગણી ફેલાઈ ગઈ. સસ્તી મસ્તી કરવાનો એક મોકો મળી ગયો. કેમ કે આવી મજાક માટે રોક-ટોક કરનારૂ તો કોઈ ન હતું. વધુમાં જે ‘બોસ’ હતા તે (કમ)નસીબે સ્ટોરમાં હાજર ન હતા. માની શકાય કે તેઓની પાસે આવી સિરિયસ બની જતી મજાકો જોવાનો-સાંભળવાનો ‘ટાઈમ’ ન હતો. કરીમ જેવા એવા તો સેંકડો ગ્રાહકોની છુટ્ટી આ રીતે થઈ ચુકી હતી. કોણ કરે ફરિયાદ? એ લોકોને પાછા આવવાનું મન હોય તો ને?
બે દિવસ પછી રવિવાર હતો. બપોર બાદ શોપીંગની ચહલપહલ અંદર અને બહાર બંને બાજુ દરરોજની જેમ સામાન્ય હતી. પાર્કિંગ-પ્લોટ આમ તો બસ સ્ટેન્ડની પાછળ થોડે દૂર હતો. પણ સુપર સ્ટોરના મુખ્ય દરવાજે માત્ર મીની ટ્રક-વેનને માલ ડીલીવર કરવા માટે પરવાનગી અને જગ્યા મળતી. મેનેજર કે ‘બોસ’ પણ પોતાની ગાડી ત્યાં પાર્કિંગ એરિયામાં મુકીને આવતાં. ત્યાં અચાનક જ એક બ્લેક મર્સીડીઝ સ્ટોરના નાનકડાં પટ્ટા જેવા ફૂટપાથને કિનારે આવીને ઉભી રહી ગઈ. દેખીતું બન્યું કે ટ્રકની જગ્યાએ આવી સોફિસ્ટિકેટેડ ગાડી આવીને ઉભી રહે ત્યારે લોકોની આંખો ચાર થાય.....બે સવાલો થાય...
“કોણ હશે આ ગાડીમાં અને ડાઈરેક્ટ શું કામ સ્ટોરને કિનારે જ આવી હશે?!?!”
આવી અટકળો વચ્ચે સૂટ-બૂટ અને બ્લેક ગોગલ્સમાં સજ્જ એવા એ મર્સ્િાડિઝ-માલિક કરીમશા’બ માટે શોફરે જલ્દીથી બહાર આવી પાછલો દરવાજો ખોલી આપ્યો. ફિલ્મી હીરો રાજકુમારના ‘જાની’તા અંદાઝમાં કરીમે હળવેકથી ક્રીમ કલરના શૂઝ પહેલા બહાર કાઢી પછીથી ઝડપ વધારી સ્ટોરના મુખ્ય દ્વાર તરફ ડગ માંડયા. સુપર-સ્ટોરના સ્ટાફ લોકોએ આ ‘કરીમ બખીલ’ને ક્યારેય એવા સુપર હાલમાં જોયો ન હતો. ક્યાંથી જુએ?....એ લોકોને એટલો અંદાજ પણ કેમ આવી શકે કે અચાનક આવનાર આ ‘ત્સુનામી’ શું તબાહી મચાવનાર છે?!?!?!
“ઓયે! તારા બોસ ને બોલાવ!....હમણાંજ.” - ત્સુનામીનું પહેલુ મોજું ઉછળીને સીધું કેશિયર પર પડયું.
“પ્પ્પ્પ્પણ સાહેબ આજે તો રવિવાર છે ને સર તો.....” કેશિયરની કેશ હાથમાંજ રહી ગઈ.
“વેલ! મને ખબર છે. લે આ મોબાઈલ ને કર એમને ફોન. કહી દે કે મને હમણાંજ મળવું છે.”
“જજ્જ્જ્જ્જ્જી સાહેબ! પણ...રવિવારે તો એમણે કોઈનેય ફોન કરવાનું ના કહ્યું છે. જો કરીશ તો તેઓ બહુ ગુસ્સે થઈ જશે ને..કદાચ મારી નોકરી પણ જશે સા’બ!”
“હું પણ એમ ઈચ્છું છુ કે એવું જ થાય.” - કરીમભાઈની કાતર કેશિયરના મોં પર ફરી ગઈ. કેટલાં ટુકડા થયાં એ તો એ કેશિયર જ જાણે પણ સેલ્સમેનોને તો આખે-આખા વેતરાઈ જવાનો વખત નજીક દેખાવા લાગ્યો. કેટલીક મિનીટો પછી માંડ-માંડ લાગેલા બોસના કોલ કનેક્શનમાં કેશિયરને ખુદનો જ કોન્ટેક્ટ જાણે ગુમાઈ ગયેલો લાગ્યો.
“હ્હહ્હલો જમાલ સર! ....સ્સ્સ્સ્સસોરર્ર્ર્ર્ર્ર્રી.....પણ કોઈ આપને મળવા માંગે છે. હમણાં જ..અહીં......યા...”
“મિસ્ટર જમાલ! અસ્સલામો અલયકુમ!...હું કરીમ બાકીર શિરાઝી છું. તમારા સ્ટોરની બાબતે મારે તમને મળવું છે...અર્જન્ટ!...હમણાંજ...અત્યારે જ. હું અહિયાં તમારી રાહ જોઈ રહ્યો છું.” કરીમે કેશિયરના હાથમાંથી પોતાનો મોબાઈલ ઝૂંટવી ડાઈરેક્ટ ઓર્ડર ફેંક્યો.
“!!!?????!!!!????!!!!!????!!!” ઓકે. કરીમભાઈ, ૧૦ મીનીટમાં જ હું ત્યાં પહોચું છું.” - જમાલ સરે કોઈ પણ પ્રકારનો સવાલ ફોન પર ન પૂછી જાતે સીધા મુદ્દા અને મકાન પર આવવું મુનાસીબ માન્યું.
૧૦ મીનીટની અંદર એક લાલ વેગનર પહેલી વાર મર્સીડીઝની પાછળ આવીને ઊંભી રહી. દુકાનમાં દરેક ખૂણે સોંપો પડી ગયો. સફેદ લોહી જાણે હવે આ સ્ટાફના લોકોમાં દોડવા લાગ્યું.
“જી બોલો કરીમભાઈ! હું જમાલુદ્દીન. શું ખિદમત છે?”- સ્ટોરના માલિક જમાલુદ્દીન ઈલાહીને કેશ કાઉન્ટર પર દાંતની વચ્ચે ગોગલ્સની દાંડી દબાવી ઉભેલા મી. કરીમને ઓળખવામાં કોઈ મુશ્કેલી ન પડી. સાહેબ-સલામ કરી વાતમાં મોણ નાખ્યા વગર કરીમ સાહેબે તૈયાર રાખેલી શબ્દોની મશીનગનમાંથી પહેલી બુલેટ છોડી.
“તમારી આ સ્ટોરની હાલમાં કિંમત શું છે?” -
સમજોને કે આ જબરદસ્ત ત્સુનામીનું સૌથી ઊંંચું મોજું સ્ટોર પર આવીને પડયું. આમ તો નાનકડી વસ્તુઓના ભાવ માટે હંમેશા જવાબો આપવા ટેવાયેલા કેશિયર માટે આવો મોટો સવાલ કદાચ પહેલી વાર આવ્યો હશે. પણ આ વખતે બોસ હાજર છે એવી ધરપત થતા તેના સીવાયેલાં હોઠના ટાંકાને ન તોડવામાં જ તેને વધારે હિત લાગ્યું.
“જમાલભાઈ, મને તમારો આ સ્ટોર આજે ને આજે જ ખરીદવો છે.” -
આ બાજુ ખાસ તો પોતાના સર પર જ છૂટેલી આવી નોન-ટેગ સવાલની અણધારી બુલેટે એક સાથે ‘જમાલભાઈ શ્ કંપની’ના બધાં માથાઓને ઘાયલ કરી દીધા. કાઉન્ટર પાસે ઉભેલાં કેટલાંક કસ્ટમર્સ પણ હવે ખરીદેલા સામાનને શોપિંગ-કાર્ટમાં જ રાખીને શરૂ થયેલા આ શોપિંગ-કોર્ટના તમાશાને જોવામાં મશગૂલ થઈ ગયા. પણ ‘કરીમ-જમાલ શિખર પરિષદ’માં કોને એમને શું ટપ્પો વાગે? આવી પડેલી પરિસ્થિતિનો તાગ સમજી લઈ જમાલભાઈએ કરીમભાઈનો પણ હાથ પકડી લીધો. અને બંને મેનેજરની કેબિન તરફ ચાલી નીકળ્યા.
“કરીમભાઈ, આપ અમારી કેબીનમાં અંદર આવો અને પછી માંડીને વાત કરો કે મુશ્કેલી શું અને ક્યાં ઉભી થઈ છે?”
ત્યાર પછીની ૨૧ મિનીટ દરમિયાન સ્ટોરની અંદર આવેલા જમાલ સરની કેબીનના બંધ બારણાંમાં શું વાતો થઈ...કેવી વાતો થઈ? તોફાનની શું અસર થઈ, કોણ કેવું અને કેટલું ભીંજાયું તે વિષે કોઈ પણ અટકળ કરી શક્યું નહિ. બધાંની નજર સામે સર્જાયેલા કરીમ નામના આ સુ‘નામી’માં કોણ કોણ લેવાઈ ગયું તેનું પણ કોઈને ભાન ન રહ્યું.
અંદર કરીમભાઈએ શું કરામત કરી, જમાલભાઈએ શું અને કેવો નિર્ણય લીધો? જેવા મુખ્ય સવાલો પર પણ એનાલિસીસ કરવાનો મોકો આ લોકોને ન મળ્યો. જે લોકો પાછા હોશમાં આવ્યાં ત્યારે તેમની સામે બોસ તરીકે જમાલ સરની બદલે હવે કરીમ સર ઉભા હતાં....
“દોસ્તો, આજ પછી આ દુકાનના માલિક કરીમભાઈ છે. કમનસીબીની વાત એ છે કે આપણા સ્ટાફના વર્તનથી તેઓ ઘણાં નાખુશ થયા છે. એટલે તેમણે આ સ્ટોરને ખરીદી લઈ તેને નવેસરથી રી-લોન્ચ કરવાનો પ્લાન કર્યો છે. હવેથી સ્ટોરની બાબતે તેઓ જે પણ નિર્ણય લે તેને ઉપાડવાની જવાબદારી આપ લોકોની રહેશે.” જમાલ ઈલાહીએ તેમની છેલ્લી અને ટૂંકી સ્પિચ સ્ટાફને આપી દીધી.
જી હા! સુપરસ્ટોર એની મૂળ ખરીદ કિંમત કરતા ત્રણ ગણા ભાવમાં વેચાઈ ચુકયો હતો. જમાલભાઈ ના(ખુશ) હાલમાં કરીમભાઈનો ચેક અને જલાલ બંને જોઈ રહ્યાં હતાં.
“કરીમભાઈ હવે જે વાત તમે મને અંદર જણાવી તે આ લોકોની વચ્ચે જણાવો અને કહો કે એવું શું બન્યું કે આ સ્ટોરને મારી મોં-માંગી રકમમાં ખરીદી લેવાનો નિર્ણય આમ અચાનક લેવો પડયો?”
“જમાલભાઈ, માફી ચાહું છું. પણ સીધી વાત કરૂં છું કે... આ સ્ટાફને બોલવાનું ભાન નથી..કસ્ટમર-સર્વિસના નામ પર મીંડાની પ્રોફિટ કરે છે.... શું જોઈને બિઝનેસ કરે છે?... ફક્ત વેચવું જ એમનુ કામ છે?... મને કે મારા જેવા કસ્ટમર્સને શું જોઈએ છે એની કોઈ વખતે ખબર લીધી છે?.... આવનાર મુફલીસ દેખાતો માણસ પણ તેમને કરોડપતિને બદલે તો રોડપતિ દેખાય છે.... ગ્રોથ શું ખાક કરવાના છે? આટલાં દિવસો મેં અહીં આવીને જખ નથી મારી જમાલભાઈ! તમારા સ્ટોરનો ટોટલ સ્ટડી કરીને આજે આ ડીશીઝન લીધું છે. સુપર-સ્ટોર સુપર કઈ રીતે ચલાવાય એ હવેથી તમે જોશો.”
ત્સુનામીની આવી ગયેલી તબાહી પછીના ધોવાણ બાદ સાતમાં દિવસે જ ‘જમાલી સુપર-સ્ટોર’ના દરવાજા જુના ટોટલ સ્ટાફ માટે બંધ થયા ને ‘કરીમ સર’ માટે ‘શિરાઝી સુપર ૧-માર્કેટ’ના નવા ગેટ્સ નવા સુપર સ્ટાફ સાથે ઓપન થયા.
દોસ્તો,
તમને આ કહાની કેવી લાગી? -તમારો ભાવ, પ્રતિભાવ મને ફેસબૂક પર કે ઈમેઈલ દ્વારા જણાવી શકો તો આવી બીજી ઘણી ‘સંતાયેલી’ ઘટનાઓ દ્વારા આપણે સૌ કાંઈક નવું શીખતા રહીશું.
સંપર્કસૂત્ર
ફેસબૂક પર : https://www.facebook.com/MurtazaPatel.vepaar.net
ટ્વિટર પર : https://twitter.com/netvepaar
ઈમેઈલ : netvepaar@gmail.com
વોટ્સએપ : +20 122 2595233