Kaalratri - 8 books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-8

(આગળના પ્રકરણમાં આપણે વાંચ્યું કે કેવી રીતે લેખક અને તેમના પિતા છેલ્લી ઘડીએ મોતના મુખમાંથી પાછા આવ્યા. હવે આગળ વાંચો...)

અમારા માંથી ઘણા અમારી વચ્ચે નહોતા. તે અમને છોડી ચુક્યા હતા. તેમની સાથે શું થયું હતું એ અમને ખબર હતી. અમારા પેહલા અહીં આવેલા લોકોએ શું ભોગવ્યું હતું એ અમને ખબર નોહતી. અમને હવે એમની પરવાહ પણ નોહતી. અમે અમારું આત્મ સન્માન ખોઈ ચુક્યા હતા. અમારા અને પશુઓ વચ્ચે બહુ ઓછો ભેદ હતો. અમે જાણે મોક્ષની આશામાં ભટકતી આત્માઓ જેવા બની ગયા હતા.

આશરે સવારે પાંચ વાગ્યે અમને ફરી બેરેકની બહાર કાઢવામાં આવ્યા. બેરેકના ઇન્ચાર્જ કેદીઓ અમને મારવા લાગ્યા. અમેં હવે કોઈ જાતની પીડા અનુભવી રહ્યા નોહતા. અમે ફરી નગ્ન અવસ્થામાં અમારા બુટ અને બેલ્ટ હાથમાં લઈને ઉભા હતા. શિયાળાનો કાતિલ ઠંડો પવન અમને વીંટી વળ્યો હતો. અમને આદેશ મળ્યો કે,"દોડો."

અને અમે દોડ્યા. થોડી મિનિટો પછી અમે ફરી એક નવા બેરેક બહાર ઉભા હતા. બેરેકની બહાર એક ગંધાતા કેમિકલ ભરેલું પીપ હતું. તે જંતુનાશક કેમિકલ હતું. દરેક વ્યક્તિને એ કેમિકલથી નવડાવીને ગરમ પાણીના ફુવારા હેઠળથી જલદીથી પસાર કરવામાં આવ્યા. અમને નહાવાના બેરેકની બહાર નીકળતા જ ફરી દોડાવવામાં આવ્યા. ફરી એક બેરેકમાં અમને દોડાવીને લઈ જવામાં આવ્યા. એ સ્ટોરરૂમ હતો. ત્યાં લાંબા લાંબા ટેબલો સામેથી અમને દોડાવવામાં આવ્યા અને અમારા પર કપડાના ઢગલા પરથી ઉઠાવીને કપડાઓ ફેંકવામાં આવ્યા. પેન્ટ, શર્ટ અને જેકેટ અમારી પર ફેંકવામાં આવી રહ્યા હતા. થોડીવારમાં અમે જોકરોમાં ફેરવાઈ ગયા. એક બહુ કદાવર માણસના ભાગે નાના છોકરાના કપડાં આવ્યા જયારે કેટલાક પાતળા માણસોના ભાગે જાડા માણસોના કપડાં આવ્યા હતા. બધા ઝડપથી એક બીજા પાસેથી પોતાના માપના કપડાઓ લેવા લાગ્યા.

મેં મારા પિતા તરફ નજર કરી એમનો દીદાર ફરી ગયો હતો. તેઓ એકદમ અલગ વ્યક્તિ લાગી રહ્યા હતા. મને તેઓ અચાનક વૃદ્ધ થઇ ગયા હોય એમ લાગ્યું. મારે તેમને કઈંક કહેવું હતું પણ મને યાદ ન આવ્યું.

એ રાત પસાર થઇ ગઈ હતી. સવારનો સુરજ આકાશમાં દેખાઈ રહ્યો હતો. મારી સાથેના બીજા લોકોની જેમ જ હું પણ બદલાઈ ચુક્યો હતો. હું હવે વિદ્યાર્થી નોહતો રહ્યો. મારી ઈશ્વર પ્રત્યેની આસ્થા પેલી આગમાં ખાખ થઇ ચુકી હતી. મારૂ બાળપણ તે આગમાં નષ્ટ પામ્યું હતું. હું મારી પોતાની ન ઓળખાય એવી છબી બની ગયો હતો.

થોડા કલાકોમાં ઘણું બની ગયું હતું. ઝુંપડપટ્ટીઓ, ટ્રેન અને પેલી આગ-બધું કેટલા સમય પેહલા બનેલું એ મને યાદ ન આવ્યું. અમે કેટલા સમયથી અહીંયા હતા એ પણ મને યાદ ન આવ્યું. અમે આ ઠંડા પવનમાં કેટલા સમયથી ઉભા હતા એ પણ હું ન કહી શક્યો.

સાચે જ એ એક સપના જેવું હતું.

અમારાથી થોડે દૂર કેટલાક કેદીઓ ખાડાઓ ખોદી રહ્યા હતા અને કેટલાક તેમાંથી માટી સારી રહ્યા હતા. આસપાસ કોઈ સૈનિક ન હોવા છતાં તેઓ ચુપચાપ કામ કરી રહ્યા હતા. મારી પાછળ રહેલા લોકો એકદમ ધીમા અવાજે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. કાળો ધુમાડો અને વાસમાં જોરથી બોલવું અઘરું પડી રહ્યું હતું.

અમને ફરીથી એક નવી બેરેકમાં ભેગા કરવામાં આવ્યા અને પાંચ પાંચના ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. અમારી નવી બેરેકમાં ઉપર છત નોહતી. નીચે કાદવ હતો. અમે બધા કાદવમાં ઉભા હતા. અમારા પગ કાદવમાં ખૂંચેલા હતા. ફરીથી મને ઉભા ઉભા ઊંઘ આવી ગઈ. મને હું પથારીમાં છું અને મારી માં મારા માથા પર હાથ ફેરવી રહી હોય તેવું સપનું આવ્યું. થોડી વારમાં હું જાગી ગયો. હું હજુ ત્યાં જ બીજાઓ સાથે કાદવમાં ઉભો હતો. કેટલાક લોકો થાકી ગયા અને કાદવમાં પડ્યા. ઉભેલા તેમના પર ગુસ્સો કરતા,"ઉભા થાવ. તમારે લીધે અમારે મુસીબતમાં નથી મુકાવું." જાણે અમારી મુસીબતો ઓછી હોય.

થોડી થોડી વારે અમારી બેરેકનો નિરીક્ષક કેદી જેને અમે "કાપો" કેહતા અમારું નિરીક્ષણ કરવા આવતો. અમે ત્યારે સતર્ક થઇ જતા. તે કોઈની પાસે નવા બુટ હોય તો લઇ લેતો. કોઈ વિરોધ કરે તો તેને માર મારવામાં આવતો.

મારા બુટ પણ નવા હતા પણ તે કાદવથી ખરડાયેલા હતા એટલે બચી ગયા. એ ઠંડા કાદવમાં બુટ વગર ઉભા રેહવું દુષ્કર કામ હતું.

અચાનક એક એસ.એસ. નો ઓફિસર અમારી બેરેકમાં આવ્યો. તે આશરે ત્રીસેક વર્ષનો હશે. તેના ચહેરા પર તેનું પિશાચી વ્યક્તિત્વ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. તેણે કરેલા પાપ જાણે તેના ચેહરા પર લખાયેલા હતા. તેણે અમને બેરેકની વચ્ચે ભેગા કર્યા અને બોલ્યો,"તમે બધા ઓસ્ટચવિત્ઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં છો."

એ પોતાના શબ્દોની અમારા પર અસર જોવા થોડીવાર થોભ્યો. અમે તેને મરવા પડેલા કૂતરાઓની જેમ દયામણી નજરે જોઈ રહ્યા.

"યાદ રાખજો કે તમે ક્યાં છો. આ કોઈ સામાન્ય કેમ્પ નથી. તમારે અહીં દિવસ રાત કામ કરવું પડશે. જો તમે કામ નહિ કરો તો તમને ચીમનીઓમાં બાળવા માટે મોકલી દેવામાં આવશે. પસંદગી તમારે કરવાની છે. ચીમની કે કામ." તેણે ઉમેર્યું.

અમે એ રાતે ઘણી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચુક્યા હતા. અમે ઘણું જોઈ ચુક્યા હતા તેમ છતાં "ચીમની" નામ સાંભળતા જ અમારા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. બહારની દુનિયા માટે "ચીમની" એ એક સામાન્ય શબ્દ હતો. જયારે કેમ્પમાં "ચીમની" શબ્દએ અલગ જ અર્થ ધરાવતો હતો. "ચીમની" એ એક માત્ર સત્ય હતું. તે બોલીને બહાર નીકળી ગયો. અમારી બેરેકનો નિરીક્ષક કેદી અંદર આવ્યો અને બરાડ્યો," જે લોકો કોઈ પણ જાતના કારીગર જેવા કે સુથાર, ઇલેક્ટ્રિશિયન, લુહાર અને બીજા કોઈ પણ કારીગરી કામના જાણકાર એક તરફ આવી જાવ."

અમારા જેવા બાકી રહેલાઓને ફરી બીજી બેરેકમાં મોકલી દેવામાં આવ્યા. એ બેરેકનો વડો એક જીપ્સી કેદી હતો. એ બેરેક પથ્થરની બનેલી હતી. ત્યાં અમને બેસવાની પરમિશન મળી.

મારા પિતાને અચાનક પેટમાં ચૂંક આવવાની શરૂ થઇ. તેમને ઉભા થઈને પેલા જીપ્સીને પૂછ્યું,"અહીં ટોઇલેટ ક્યાં છે?"

પેલા એ એક ક્ષણ માટે મારા પિતા સામે જોયું અને પછી એક જોરદાર તમાચો તેમના ગાલ પર ઝીંકી દીધો. મારા પિતા તે પ્રહારને કારણે બેવડ વળી ગયા.

હું ચુપચાપ આ દ્રશ્ય જોતો રહ્યો. મારી નજર સામે મારા પિતાને મારવામાં આવ્યા અને હું કંઈ જ ન કરી શક્યો. કદાચ બીજી કોઈ જગ્યા હોત તો મેં ઉભા થઈને પેલાનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો હોત. હું મારી પોતાની જાત પ્રત્યે ધૃણા અનુભવી રહ્યો.

મારા પિતા મારા વિચારો પામી ગયા અને બોલ્યા,"મને નથી વાગ્યું."

તેમના ગાલ પર પેલાની આંગળીઓની લાલાશ પડતી છાપ ઉપસી આવી હતી.

(ક્રમશ:)