Kaalratri - 11 books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-11

(લેખક અને તેમના પિતાને ઓસચવિત્ઝના કેમ્પમાંથી બુનાના લેબર કેમ્પમાં મજૂરીકામ માટે લઇ જવામાં આવ્યા. ત્યાં પરિસ્થિતિ તેમના માટે થોડી અનુકૂળ હતી. હવે, આગળ વાંચો...)

બીજા દિવસે સવારે અમારું મેડિકલ ચેકઅપ કરાવામાં આવ્યું. મેડિકલ ચેકઅપ માટે ત્રણ ડોકટરો હતા. અમારે વારાફરતી તેમની પાસે જવાનું હતું. પેહલા ડોકટરે મને માત્ર મારી તબિયત સારી છે કે નહીં એટલું જ પૂછ્યું.

આખા કેમ્પમાં કોઈ એવું નહિ હોય જે આ પ્રશ્નના જવાબમાં ના કહે.

બીજો ડોક્ટર ડેન્ટિસ્ટ હતો. તે બધા દર્દીઓમાં વધુ રસ લેતો હતો. તેણે મને મોઢું ખોલવા કહ્યું. તેને મારા મોઢામાં સડો છે કે નહીં તે જાણવામાં રસ નોહતો. તે માત્ર સોના મઢેલા દાંતની શોધમાં હતો. જે લોકોના દાંત સોના મઢેલા હતા તેમના નંબરની નોંધ કરવામાં આવતી. મારો એક દાંત પણ સોના મઢેલો હતો. મારો નંબર નોંધવામાં આવ્યો.

કેમ્પમાં પેહલા ત્રણ દિવસ શાંતિથી પસાર થયા. ચોથા દિવસે સવારે મજૂરી કામ માટેની ટુકડીના બે પ્રમુખો અમારી પાસે આવ્યા. તેઓ આંગળી ચીંધીને પશુઓના ટોળા માંથી પશુઓ પસંદ કરતા હોય તેમ અમારામાંથી પોતાની ટુકડી માટે પસંદગી કરવા લાગ્યા.

હું અને મારા પિતા બન્ને એક ટુકડી માટે પસંદ થયા. એ ટુકડી સંગીતકારોની ટુકડી હતી. તેઓ બધી ટુકડીઓ રવાના થાય ત્યાં સુધી લશ્કરી ધૂન વગાડતા અને છેલ્લે પોતે પણ રવાના થતા. એક પછી એક ટુકડીઓ કામ માટે શિસ્તબદ્ધ રીતે રવાના થતી. દરેક બહાર નીકળતા વ્યક્તિનો નંબર નોંધવામાં આવતો. આખું દ્રશ્ય વિચિત્ર લાગતું.

અમારી ટુકડી છેલ્લે રવાના થઇ. અમે અમારા નવા સંગીતકાર સાથીદારો સાથે વાતચીત શરૂ કરી. તેમાંથી મોટાભાગના યહૂદી હતા. કોઈ પોલૅન્ડથી હતું તો કોઈ ચેકોસ્લોવાકિયાથી. લુઈસ એક પ્રખ્યાત વાયોલિનવાદક અને પોલેન્ડનો વતની હતો. તેણે ફરિયાદ કરી કે તે બિથોવનની ધૂનો નથી વગાડી શકતો. યહૂદીઓને જર્મન સંગીત વગાડવાની મનાઈ હતી.

જુલેક, જે પોલેન્ડનો હતો, તેણે અમને જણાવ્યું કે અમારી ટુકડી ઇલેક્ટ્રોનિક સ્પેર પાર્ટસ જોડવા માટેના કારખાનામાં કામ કરવા જઈ રહી છે. કામ બહુ સરળ હતું. અમારે માત્ર અમારી ટુકડીના વડા આઈડેકની નજરમાં નોહતું આવવાનું. આઈડેક ક્યારેક કારણ વગર તેની નજરમાં આવનારને પાશવી રીતે મારતો.

દસ મિનિટ પછી અમે એક ગોડાઉન સામે હતા. એક જર્મન કર્મચારી ગોડાઉન માંથી બહાર આવ્યો. તે કોઈ વેપારી પોતાને મળેલા ખરાબ સમાનને જોતો હોય તેમ અમને જોવા લાગ્યો.

અમારા સાથીઓ સાચા હતા, અમને મળેલું કામ એકદમ સરળ હતું. અમારે માત્ર ઇલેક્ટ્રોનિક પાર્ટસ જેવા કે બલ્બ, બોલ્ટ વગેરેની ગણતરી કરવાની હતી. આઈડેકે અમને કડક ભાષામાં કામની સમજણ આપી. તેને ચેતવણી પણ આપી કે કોઈ પોતાનું કામ સરખી રીતે નહીં કરે તો તેના ગુસ્સાનો શિકાર બનશે.

ત્યાં ઘણા પોલેન્ડના કારીગરો પણ કામ કરી રહ્યા હતા. કેટલીક ફ્રેન્ચ સ્ત્રીઓ પણ કામ કરી રહી હતી.

ફ્રેન્ક અમારી પાંચ વ્યક્તિની ટુકડીનો વડો હતો. તેણે મને એક ખૂણાની જગ્યા કામ માટે ફાળવી અને બોલ્યો,"ખુશ થા છોકરા, તું સારી ટુકડીમાં આવ્યો છે. પેલા આઈડેકથી બચજે."

"મારે મારા પિતા સાથે રેહવું છે." મેં તેને કહ્યું.

તેણે મારા પિતાને પણ મારી સાથે મુક્યા.

અમારી સાથે ચેકોસ્લોવાકિયાથી આવેલા બે ભાઈઓ-યોશી અને ટિબી પણ હતા. તેમના માતા-પિતા ચીમનીની આગને હવાલે થઇ ગયા હતા. બન્ને હવે એકબીજા માટે જ જીવતા. અમે થોડીવારમાં જ મિત્રો બની ગયા.

તેમને ઘણા યહૂદી લોકગીતો આવડતા. તેઓ કામ દરમ્યાન એ લોકગીતો ગણગણતા જેમાં જેરૂસલેમ અને જોર્ડન નદીની વાતો આવતી. તેમના માતા-પિતાએ પણ મારા માતા-પિતાની જેમ બધું વેચીને ભાગી જવાના બદલે દેશ નહિ છોડવાનો નિર્ણય લીધો હતો. જેની કિંમત તેમણે ચૂકવી હતી.

અમે ત્રણેય એ નક્કી કર્યું કે જો અમે અમારી મુક્તિ સુધી જીવતા રહેશુ તો સાથે જેરૂસલેમ જઈશું. આ રીતે અમારૂ રોજનું મજૂરી કામ શરૂ થયું.

અમને અમારી બેરેક માંથી સંગીતકારોના બ્લોકમાં ફેરવવામાં આવ્યા. દરેકને એક ધાબળો,એક વાટકો અને એક સાબુની ગોટી આપવામાં આવી. અમારો બ્લોક પ્રમુખ એક યુવાન જર્મન યહૂદી હતો. એક યહૂદી બ્લોક પ્રમુખ નીચે જીવવું આસાન હતું. તે કોઈપણ ભોગે પોતાના બ્લોકનું રક્ષણ કરવામાં માનતો. તે અશક્ત અને દુર્બળ કેદીઓ માટે વધારાના સૂપની પણ વ્યવસ્થા કરતો.

એક દિવસ જયારે અમે કામ પરથી પાછા ફર્યા ત્યારે પેલા જાડા બ્લોક સેક્રેટરીએ મને બોલાવ્યો.

"નંબર A-7713 તું છે?" તેણે મને પૂછ્યું.

મેં હા પાડી.

"તારે જમ્યા પછી ડેન્ટિસ્ટ પાસે જવાનું છે."

"પણ મને દાંતમાં કોઈ જ તકલીફ નથી."

"યાદ રાખજે, જમ્યા પછી, ભૂલ્યા વગર."

હું જયારે ડેન્ટિસ્ટની ઓફિસે પોહચ્યોં ત્યારે આશરે વીસેક કેદીઓ બહાર લાઈનમાં ઉભા હતા. મને થોડી જ વારમાં ત્યાં બોલાવવાનું કારણ જાણવા મળ્યું. મારો સોનાનો દાંત મુશ્કેલીમાં હતો. સોનાનો દાંત ધરાવતા બધા જ કેદીઓના દાંત તે ડેન્ટિસ્ટ કાઢી લેતો. ડેન્ટિસ્ટ પોતે એક જર્મન યહૂદી હતો. તેના પોતાના દાંત સડેલા હતા. તે જયારે મોઢું ખોલતો ત્યારે ભયાનક દેખાતો.

"સાહેબ, તમે શું કરવાના છો?" મેં તેને ખુરશીમાં બેસતા પૂછ્યું.

"હું તારો સોનાનો દાંત કાઢી લેવાનો છુ." તે કોઈ પણ જાતની શરમ વગર બોલ્યો.

"મારી તબિયત આજે ઠીક નથી મને તાવ જેવું લાગે છે." મેં બહાનું કાઢ્યું.

તેણે મારી નાડી તપાસી. તેને મારી વાત પર વિશ્વાસ આવ્યો.

"કોઈ વાંધો નહિ. એક અઠવાડિયા પછી પાછો આવજે અને યાદ રાખજે મારે તને બોલાવવો ન પડે." તે બોલ્યો.

એક અઠવાડિયા પછી હું ફરી તેની પાસે ગયો અને એ જ જૂનું બહાનું કાઢ્યું. તેને આ વખતે મારી વાત પર વિશ્વાસ ન કર્યો પણ હું જાતે કોઈના બોલાવ્યા વગર તેની પાસે હાજર થયો તે વાતથી તે ખુશ થયો. તેણે મને ફરી એક અઠવાડિયાની મોહલત આપી.

થોડા દિવસો પછી તેનું ક્લિનિક બંધ કરી દેવામાં આવ્યું. સોનાના દાંત જર્મનોથી છુપાવીને બહાર વેચવાના ગુના માટે તેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. મને તેની જરાય દયા નોહતી આવી. હું ખુશ થયો કે મારો સોનાનો દાંત બચી ગયો હતો. હું તેને ગુમાવવા નહોતો માંગતો. શું ખબર ક્યારે બ્રેડ કે મારી જિંદગી ખરીદવા તેની જરૂર પડી જાય? ત્યારે મારા માટે એક વાટકો સૂપ અને સડેલી બ્રેડના ટુકડા સિવાય બીજી કોઈ જ વાતનું મહત્વ નોહતુ. બ્રેડ અને સૂપ જ મારી જિંદગી હતા. હું એક શરીર સિવાય બીજું કશું નોહતો. એક શરીરથી પણ ઓછો...હું માત્ર એક ભૂખ્યું પેટ હતો. એક ભૂખ્યું પેટ જે સમય પસાર કરી રહ્યું હતું.

(ક્રમશ:)