Fafda to maanas jeva sidha hoy books and stories free download online pdf in Gujarati

ફાફડા તો માણસ જેવાં સીધાં હોય....!

ફાફડા તો માણસ જેવાં સીધા હોય....!

હાળું હમજાતુ જ નથી કે, ફાફડા જલેબીને, આ દશેરા સાથે લેના-દેના શું ....? નહિ ભજીયા, નહિ બટાકાવડા, નહિ પાઉં-વડા, નહિ લોચો, નહિ ખમણ નહિ ઢોકળા, ને માત્ર ફાફડા- જલેબી જ કેમ...? શંકા તો એવી જાય, કે ક્યાંક રાવણનો જ તો આ રૂચિકર નાસ્તો તો નહિ હોય...? દશેરો ઉગે એટલે લોકોમાં ફાફડા જલેબીનો એવો જુવાળ ઉઠે કે, જાણે ઘરે સ્વયં રાવણને પરોણા નહિ બોલાવ્યા હોય....?

ફાફડા જલેબીમાં પાછો ‘ ડીફરન્સ ‘ એવો કે, ફાફ્ડો બિચારો માણસ જેવો સીધો, ને ટેસ્ટી પણ ખરો. જીરૂ મીઠું ભભરાવવા પણ દે. ત્યારે જલેબી જરા ગૂંચવાડા વાળી...! ક્યાંથી શરુ થાય, ને ક્યાં પૂરી થાય એમાં ભલભલા હજી ગોથા ખાય છે. છતાં જેમ શ્રી રામ સાથે સીતાજી જ ઝામે, એમ ફાફડા સાથે જલેબી જ ઝામે....! બાકી ફાફડા જલેબીને તો હજીયે ખબર નથી કે, ભાઈ તમારો ભાવ પેલી ચટણીને લીધે આવે છે. ખબર નહિ કેમ પણ અમુકને તો ચટણીના ચલણમા જ વધારે દિલચશ્પી...! ફાફડા જલેબી વિના ચટણી કોઈ આપે નહિ, એટલે ચટણી માટે જ ફાફડા જલેબીનો ઉપાડ કરનારો એક વર્ગ ખરો....! જે હોય તે, વિદ્યાર્થીના રોકી રાખેલા રીઝલ્ટ જેવું આ રહસ્ય છે કે, ફાફડા જલેબીને દશેરાના ‘ રાવણ ‘ સાથે શું મેળાપીપણું છે....! અત્યારે તો આપણે એટલું જ માની લેવાનું કે, ભગવાન રામ સાથે જેમ સીતાજી ગયેલાં, એમ ફાફડા સાથે જલેબી આવી હશે, બીજું શું....? કોણ ભેજું ઘસે યાર....?

ઓહોહોહો....! દશેરા ઉપર ફાફડા જલેબીનો શું ક્રેઝ હોય છે.....? ફરસાણવાળાને ત્યાં લાગેલી લાંબીલચક લાઈનમા ઉભેલાનું બારીકાઈથી નિરીક્ષણ કરો તો, એવું લાગે કે, જાણે નોટબંધીની લાઈનમાં નહિ ઉભો હોય....? આમ તો દશેરાના દિવસે ભગવાન શ્રી રામના મંદિરે લાઈન લાગવી જોઈએ, એના બદલે ફરસાણવાળાને ત્યાં મદારીનો ખેલ ચાલતો હોય એમ બધાં ઉભેલા જોવા મળે. દશેરાએ ભગવાન શ્રી રામના પગલા પાડવાને બદલે, ફાફડા જલેબીના પગલા પાડે. ફાફડા જલેબી હાથમાં આવવા જ જોઈએ, જાણે રાવણ હાથમા આવ્યો હોય એમ એનો ખુરદો-ખુરદો બોલાવી દે....! એવાં ઝાપટે કે જ્યાં સુધી ફાફડા-જલેબી પેટમાં નહિ પડે, ત્યાં સુધી ‘ જય શ્રી રામ ‘ નો ઢેકાર જ નહિ આવે....!

દશેરામાં ફાફડા જલેબીનું રહસ્ય જાણવા, આખ્ખું રામાયણ ફેંદી નાંખ્યું. પણ, મહર્ષિ વાલ્મીકી કે સંત તુલસીદાસે ફાફડા જલેબીના કાંડ વિષે ક્યાંય કોઈ ફોડ પાડ્યો હોય, એવું દેખાયું નહિ. પછી મનમાં એવાં તરંગ ચાલે કે, કદાચ એવું તો નહિ હોય કે, જે દિવસે રાવણ હણાયો, તે દિવસે યુદ્ધભૂમિ ઉપર ફાફડા જલેબીની જિયાફત ઉડી હોય....! ક્યાં તો પછી, શ્રી રામ જ્યારે યુદ્ધ કરવા લંકા આવ્યાં, ત્યારે કદાચ શ્રી રાવણે, ‘ ફાફડા-જલેબી ‘ નું વેલકમ સ્ટાર્ટર આપ્યું હોય....! ખબર નહિ પડતી કે, દશેરાના દિવસે મારાં હાળા આ ફાફડા જલેબીનો ચટાકો લાઈવું કોણ...? બોલો, પીએચડી કરવા જેવો આ મુદ્દો છે કે નહિ...? બાકી પીએચડી માટે ટ્રાય મારવા જેવી ખરી. બે ફાયદા, ફાફડા જલેબી પણ ખવાય, ને પીએચડી પણ થવાય....!!

દશેરાનો સુરજ જ્યારે ઉગવાનો હોય ત્યારે ઉગે, એ પહેલાં તો લોકો, ફાફડા જલેબી માટે ‘ ઓન લાઈન ‘થઈને ઉભાં હોય. જો નોટબંધી વખતે લાઈનમાં ઉભાં રહેવાની પ્રેકટીશ ના પડી હોત, તો પડાપડીમા આ ફાફડાની પાપડી, ને જલેબીની બુંદી-બુંદી થઇ જાત ...! પણ લોકોનો દશેરામાં બે જ મુદ્દાનો કાર્યક્રમ, સવારે ફાફડા-જલેબી ઠોકવાના ને રાતે રાવણને બાળવાનો, એટલે દશેરો પૂરો....! ધત્ત્ત તેરીકી....!!

ગોકુળ અષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રગટ કરવાના, ને દશેરાએ રાવણને સળગાવવાનો...! એક ના ફાફડા જલેબી ખાવાના, ને બીજાની પંજેરી ઝાપટવાની. સાડા પાંચ હજાર વર્ષથી આ કાર્યક્રમ ચાલુ છે. ને રાવણ બળતો હોય, ત્યારે એના દશ માથા તો એવાં, જોતાં હોય કે, જાણે ટોળામાંથી એકાદ રામ દેખાય છે....? ને નહિ દેખાય ત્યારે એને એવું ચચરી આવે કે, આ તો મારાં હાળા બધાં મારાં સગાવ્હાલાં જ લાગે છે....!

છતાં બળતા બળતા કહે, “ ચાલો બાળવાનું પતી ગયું હોય તો, ઘરે જઈને ફાફડા જલેબી ઝાપટી લો. એમ નહિ માનતા કે, હું બળી ગયો છું. તમે તો માત્ર મારૂ શરીર બાળ્યું. જે મારાં શ્રી રામે મને ભેટમાં આપેલું. મારાં દુર્ગુણોને ક્યાં બાળ્યા છે....? બાળતાં પહેલાં અને પૂછો તો ખરા કે, મારો ગુન્હો શું છે...? છે કોઈ તમારામાં મારાં જેવો શિવજીનો પ્રખર ભક્ત....? છે કોઈ તમારામાં મારાં જેવો પંડિત....? જેને તમે મારૂ ઘમંડ માનો છે, એ મારૂ ઘમંડ નથી, પણ રાક્ષસ કુળના જીવે મેળવેલું ગૌરવ છે. તમારા ધર્મગુરુઓની માફક, મેં ક્યારેય ધર્મના નામે ધતિંગ કરવાનો દેખાડો નથી કર્યો. ભગવાનના નામો ધારણ કરીને, અનાચાર, દુરાચાર કે અત્યાચાર નથી કર્યા. યે બાત સહી હૈ કી, મૈ સીતાજીકો ઉઠાકે લે ગયા થા. લેકિન કયું“....? મૈને સીતા હરી થી, મેરે હરિ કે લિયે....! મારે રાક્ષસોને મોક્ષ અપાવવો હતો. ને એ માટે મને ભગવાન શ્રી રામની જરૂર હતી. પણ ભગવાન શ્રી રામ એ માટે સહેલાયથી આવે તેવા ન હતાં. એટલે થયું કે, હું મારી મા ને જ ઉઠાવી લાવું, તો એની પાછળ મારો બાપ પણ લંકા સુધી આવશે...! આ પાંડિત્ય હતું. ધર્મની ઘોર ખોદનારાને બાળવા,માટે શું તમારા કેલેન્ડરમાં કોઈ દશેરા આવતાં જ નથી....? કેમ તમને કંસ નથી દેખાતા....? કેમ તમને હિરણ્યકશ્યપ નથી દેખાતા...? આ તો બધા અદેખાઈના અગનખેલ છે ભાઈ...! તમને અદેખાઈ આવી કે, રાક્ષસ કુળના માણસ પાસે તે વળી સોનાની લંકા હોય...? રાક્ષસ કુળનો રાવણ તે વળી શિવનો પરમ ભક્ત હોય...? રાક્ષસકુળનો માણસ તે વળી પંડિત હોય...? બાકી બાળવી જ હોય, તો તમારી આ બળતરાને પહેલાં બાળો. બાકી મારી પાસે તો સોનાની લંકા હતી, એટલે અભિમાન હતું. શિવજીનો પરમ ભક્ત ને પંડિત હતો, એટલે અભિમાન હતું. તમારી પાસે છે શું ....? તમે રાક્ષસકુળમાં જન્મીને મારી જેમ એક વિભીષણ, એક ઇન્દ્રજીત, કે એક કુંભકર્ણ તો ઉભો કરી બતાવો...? તમે તો કારણ વગરના ઘમંડી. છો...? પણ તમે કરો એ લીલા, ને હું કરું એ રાવણલીલા....! આ તો મારો ખુદનો ભાઈ વિભીષણ ફૂટી ગયો એટલે....! બાકી મારો વધ કરવાની તો શ્રી રામમાં પણ ક્યાં તાકાત હતી....? પણ, આ તો “ એક ભાઈને ભાઈકો મરવાયા હૈ...! “ દશેરામાંથી જો શીખવું હોય તો, ફાફડા જલેબી ઝાપટવાને બદલે, ભાઈને સાચવતાં શીખો....! જેમ આ વિશ્વમાં શ્રી રામનું અસ્તિત્વ છે. એમ મારું પણ છે. હું હજી પણ જીવું છું, માત્ર મારા નામ બદલાય, ઠામ બદલાય, ને સ્વરૂપ બદલાય...! આ આતંકવાદ, ભ્રષ્ટાચાર, ખુનામરકી, બળાત્કાર....એ મારી જ રાવણલીલા છે....! સાડા પાંચ હજાર વરસ પછી હવે મારાં દશને બદલે અનેક માથા વધ્યાં. મંડળની માફક એનું પણ વિસ્તરણ થયું. આજે હું વિદ્યાલયોના મેનેજમેન્ટમાં છું. રાજકારણીઓના કાવાદાવામાં છું. બની બેઠેલાં બાવાઓ ની જમાતમાં છું, અને ભયના ઓથાર હેઠળ ધ્રુજતા ચમચાઓમાં પણ હું છું. તમામ ક્ષેત્રના ગરબડ ગોટાળા એ મારી જ રાવણલીલા છે. મારો કોઈ અંત જ નથી. હું અનંત છું. માટે બાળવો જ હોય તો મને નહિ, મારા દુર્ગુણોને બાળો. તો માનીશ કે, તમે દશેરો ઉજવ્યો....! પૂંઠાના રાવણને બાળવા લાકડા બગાડવાથી દશેરો નહિ આવે. ફાફડા જલેબી ઝાપટવાથી દશેરો નહિ આવે. ને ગલગોટાને બદલે બારણે ફાફડા-જલેબીના તોરણ બાંધવાથી દશેરો નહિ આવે...! આવતાં વરસે ફરી મળીશું ત્યાં સુધી સૌને, જયશ્રી રામ....!

***