Ariso books and stories free download online pdf in Gujarati

અરીસો.

અરીસો.

(નીલેશ મુરાણી)

સવારે ઓફીસ જવા નીકળતો જ હતો ને મારી બેનએ પૂછ્યું,

“ભાઈ પહેલીવાર જીન્સ ટીશર્ટ લાવી છું, જુઓ તો કેવા છે?”

“ઓહ, તો આ ટૂંકી બાયનું ટૂંકું ટીશર્ટ તું પહેરીશ એમ?”

“મને ખબરજ હતી કે, તમને નહી ગમે, આમ મોઢું નાં બગાડો પાછા આપી આવીશ,”

“કોલેજમાં બધી છોકરી પહેરે એટલે એના રવાડે તારે પણ ચડવાનું?”

હજુ ઓફીસમાં પહોંચ્યો જ હતો ને, સંગીતાએ પૂછ્યું,

“કેમ લેઇટ થયો? ”

“તું મારી બોસ છે? કે મને આમ પૂછે છે,”

“મિસ્ટરસંજુ, હું મીસીસ સંજુ બનીને તારા ઘરમાં આવી જઈશ તો બોસને પણ પાછળ મૂકી દઇશ,”

“હા ચાર મહિનામાં મને ઓફીસમાં બદનામ કરી નાખ્યો છે, હવે તને ગળે બાંધવીજ પડશે,”

“બીજો કોઈ વિકલ્પ છે?” મારી કમરમાં ગલગલીયા કરતા સંગીતાએ કહ્યું,

“ખુબ મહેનત કરી છે તને પામવા હવે વિકલ્પ કેવો?” એમ કહીને મેં સંગીતાને કમરમાં હાથ નાખી મારી છાતી સમી ભીંસી લીધી,”

“છોડ સંજુ કોઈ આવી જશે, અને આમ કંટ્રોલ ન થતો હોય તો જલ્દી બેન્ડવાજા ની તૈયારી કર,”

“ઓફીસમાં છું એટલે છોડી દઉં છું,”

“અરે હા, સંજુ તને કંઈ નવાઈ ન લાગી?”

“હા જોયું, ટૂંકા સ્કર્ટ અને ટૂંકા ટોપમાં સેક્સી લાગે છે તું,”

“મતલબ તને ગમ્યું એમ ને?

“હા, સ્કર્ટથી ઉપર દેખાતો કમરનો ભાગ તારી સુંદરતામાં ચારચાંદ લગાવે છે,”

“ઓહ સંજુ, હાઉ સ્વીટ યુ આર,” એમ કહીને સંગીતા તેની કેબીન તરફ જતી રહી, હું પણ મારા કામમાં વ્યસ્ત થયો.

સાંજે ઓફીસથી છૂટી બસ સ્ટેન્ડ પર આવ્યો,બસ મળી ગઈ, પાછલી સીટમાં જગ્યા મળી ને બેસી ગયો, આમતેમ નજર કરી તો મારી નજર આગળની સીટ પર પડી, હું જે જોઈ રહ્યો હતો તે દ્રશ્ય મને ઉકાળી રહ્યું હતું, મારી બેન આગળની સીટ પર બેઠી હતી, કોઈ છોકરો તેના ખભા પર હાથ રાખી મારી બેન સાથે મસ્તી કરી રહ્યો હતો, હું ઉભો થયો એ છોકરા ને ઢસડી બસથી નીચે ઉતાર્યો, ઢોર માર માર્યો અને મારી બેનને લઇને ઘરે જતો રહ્યો, રસ્તામાં મારી બેન ન બોલવાનું બોલવા માંડી.”

“શું જરૂર હતી રાજુને મારવાની? એ એકજ તો મારો ફ્રેન્ડ છે, એ એક તો મારો સારો મિત્ર છે.”

ઘેર પહોંચી મારી બેનને પણ બે લાફા ચોડી દીધા અને સ્પષ્ટ શબ્દો માં કહી દીધું,

“કાલથી કોલેજ જવાનું બંધ એટલે બંધ કોઈ દલીલ ન જોઈએ, ઘરના કામમાં માંને મદદ કર, બહુ ભણી લીધું”

***

આજે સંગીતા ઓફીસમાં ન હતી, મેં બોસ ને પણ પૂછ્યું પણ કંઈ જાણવા ન મળ્યું, ફોન કર્યો, નો રીપ્લાય આવ્યો, આમને આમ ચાર દિવસ વીતી ગયા, મારી મુંજવણ વધવા લાગી, પાંચમાં દિવસે સંગીતાના ઘેર જવાની હિમ્મત કરી, એના ખડુસ બાપની બહુજ બીક લાગતી, તેના ઘેર જવા બસ-સ્ટેન્ડ પર આવી અને હજુ ઉભો જ હતો અને સંગીતાનો ફોન આવ્યો.

“અરે સંગીતા બકા ક્યાં છે તું?”

“સંજુ હું અહીજ છું, સીટી હોસ્પિટલમાં આવ અને હા દસ હજાર રૂપિયા લેતો આવજે પ્લીઝ બાકી હોસ્પિટલ આવ પછી વાત કરીએ,” ટુ.....ટુ.....ટુ....

“હેલ્લો, હેલ્લો... હેલ્લો..” હું એ.ટી.એમ તરફ ઉતાવળા પગે ચાલવા લાગ્યો, સીટી હોસ્પિટલમાં ક્યાં? ક્યાં રૂમમાં? શું થયું છે?, ઘણાબધા પ્રશ્નો મારા દિમાગમાં દોડતા. હું એ.ટી.એમ માંથી કેશ કઢાવી રીક્ષા પકડી સીટી હોસ્પિટલ આવ્યો, સંગીતા મારી રાહ જોઈને રિસેપ્શનિસ્ટ પાસે ઉભી જોઈ મને ધરપત થઈ કે સંગીતાને કશું નથી થયું, મેં ખિસ્સા માંથી દસહજાર રૂપિયા કાઢી સંગીતાને હાથમાં આપતા પૂછ્યું,

“શું થયું છે?,”

“અરે યાર કોઈ મવાલી એ મારા ભાઈને એવો માર માર્યો છે કે હાથ અને પગમાં ચાર ફ્રેકચર થયા છે,”

“ઓહ નો! કોણ છે એ નાલાયક? સાલાની ખબર લઉં.,”

“એ બધું પછી કરજે પહેલા ચાલ મારી સાથે ભાઈને હમણાં ડીસ્ચાર્જ કરવાના છે, બાકીનું બીલ ચૂકવવાનું હતું એટલે તને બોલાવ્યો, મમ્મી ડેડી સવારેજ બહાર નીકળી ગયા,”

મને તેના ભાઈના રૂમ તરફ લઇ ગઈ, તેના ભાઈને હું પહેલી વાર મળવાનો હતો, તેનો ભાઈ મને જોઈને ધ્રુજવા લાગ્યો અને સંગીતાને પૂછવા લાગ્યો,

“આ સંજુ છે?”

“હા કેમ શું થયું?”

“સંગીતા તું બે મિનીટ બહાર જા તો, મારે સંજુ સાથે બે મિનીટ વાત કરવી છે,”

“શું વાત કરવી છે? જે કહેવું હોય તે મારી સામેજ કહે,”

મેં સંગીતાને બહાર જવા ઈશારો કર્યો, સંગીતા બહાર જતી રહી,

સંગીતાના ભાઈએ તેના મો પર લાગેલું માસ્ક હટાવતા પૂછ્યું,

“સંજુ, હવે ઓળખાણ પડી!!”

“ઓહ તું?..સંગીતા નો ભાઈ?”

“હા ભાઈ છું, અને દોસ્ત પણ છું, મેં મારી બેન સાથે દોસ્તીના સંબંધ પણ કેળવ્યા છે, તારી એક એક વાત મારી બેન મને કહે છે, સંજુ આજે ફલાણો શર્ટ પહેરી આવ્યો હતો, આજે કોફી પીવડાવી, આજે ડીનર કરાવ્યું,, આજે મુવી જોવા ગયા હતા, તારી બેન ને તું જીન્સ ટીશર્ટ પહેરવા નથી દેતો, ખાલી તારી બેનના ખભા પર હાથ મુક્યો તેમાં તે મારી આ હાલત કરી, અને હા અમારી વચ્ચે મિત્રતા સિવાય કશુજ નથી, કોલેજમાં આવ્યા પછી એકલું એકલું ફિલ કરતી હતી સામેથી આવી ને દોસ્તી નો હાથ લંબાવ્યો, હું કોલેજમાં પણ કોઈ છોકરી સાથે દોસ્તી નથી કરતો, ત્રીજા વર્ષમાં છું અને છેલા બે વર્ષ થી ટોપર છું, દોસ્તી કરવા છોકરીઓની લાઈન લાગે છે, પણ તારી બેન નિખાલસ છે નિર્દોષ છે એટલેજ તેણી સાથે દોસ્તી કરવી ગમે છે, હવે જો હું સંગીતાને કહીશ કે મારી આ હાલત નો જિમ્મેદાર તું છે, તો મારા તો ચાર ફ્રેકચર થયા છે, એ તારા બધા હાડકા ગણી ને હાથમાં આપી દેશે, એટલે હવે મહેરબાની કરીને સંગીતા સામે આ વાતનો ઉલ્લેખ ન કરજે અને મને ઉભો કર, સંગીતા રીક્ષા લેવા ગઈ છે, મેં બહાર જવાનું કીધું તો ના ગઈ પણ તે ઈશારો કર્યો એટલે મને રીક્ષા લેવા જાઉં છું એવો ઈશારો કરીને ગઈ,”

મારે કશું બોલવા જેવું ના રહ્યું સાલાએ મારી આંખ ખોલી, મને હલાવી નાખ્યો, જાણે હોસ્પિટલમાં મારું ઓપરેશન થયું હોય એવું ફિલ થવા લાગ્યું, આખે રસ્તે ચુપ રહ્યો સાલો,ઘેર પહોંચતા સંગીતાને ચાય બનાવવા કહ્યું સંગીતા રસોડામાં જતી રહી અને એ બોલ્યો,

”જો તારી બેન માટે તું મારી આ હાલત કરી દેતો હોય તો મારી બેન તને સોંપવામાં ભાઈ તરીકે હું જરા પણ વિચાર નહી કરું, પણ હા માનસિકતા બદલો મારા ભાવી બનેવી બનવું હોય તો.”

સાલાએ મારા મગજનું ઓપરેશન કરી નાખ્યું, એ મારો ભાવી સાળો ન હોત તો હજુ બે ચાર ફ્રેકચર કરી નાખત, બહાર નીકળી મારી બેનને ફોન કર્યો અને મોલમાં બોલાવી,

તેની પસંદના ચાર જોડી જીન્સ ટીશર્ટ લીધા અને એ ખુબ ખુશ થઇ ગઈ, ટ્રાયલ રૂમ માં જઈ એક જોડી તો પહેરી આવી અને મારી સામે લાગેલ અરીસા સામે ઉભી રહી મને પૂછવા લાગી, “

“ભાઈ કેવી લાગુ?”

“મારી બેન ઢીંગલી લાગે,”

રાજુ માટે એક બુકે લીધું, મારી બેનને સંગીતાના ઘેર લઇ ગયો.

રાજુએ લંગડાતા પગે દરવાજે આવી સ્વાગત કર્યું અને કહ્યું, ”વાહ રાજુ ખુશ હુઆ”

સમાપ્ત.