Prem Parakh books and stories free download online pdf in Gujarati

પ્રેમ પરખ

પ્રેમ પરખ...

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

કરિશ્મા દેખાવમાં રૂપરૂપના અંબાર સમી હતી. કોલેજનો દરેક યુવાન એને “આહ” ભરેલી નજરે જોતો. એનું એ યૌવનથી ધગધગતું શરીર, માખણની પિંડ સમો દેહ, દૂધ જેવો ગોરો વાન. કોઇપણ યુવકને ઘાયલ કરવા માટે પુરતો હતો. કરિશ્મા એ સાચે જ કુદરતનો અજાયબ કરિશ્મો હતો કે જેને જોઈ ખુદ કામદેવ પણ વિચલિત થઇ જાય. એકવાર કરિશ્માની નજર કોલેજની કેન્ટીન પાસે ઉભેલા શેખર પર પડી, શેખર દેખાવમાં એવો સોહામણો હતો કે પહેલી નજરમાં જ એ કરિશ્માના હૃદયમાં વસી ગયો. તેનું એ શરીર સૌષ્ઠવ, રૂવાબથી બાઈક પર બેસવું. પવનમાં લહેરાતા એના કેશો. ટાઈટ જીન્સ પેન્ટ અને સફેદ ટીશર્ટમાં એ સુંદર દેખાતો. કરિશ્મા મનોમન એને ચાહવા લાગી. ઉઠતા, બેસતા અને ખાતાપીતા એને ચારેતરફ બસ શેખર જ દેખાતો હતો. તે શેખર સિવાય એકપળ પણ જીવવા માંગતી નહોતી.

કરિશ્માની એક સહેલી માધુરી કોલેજની તેજસ્વી છોકરી હતી માધુરીનું શેખરના એક મિત્ર ઘનશ્યામ સાથેનું પ્રેમ-પ્રકરણ આખાય કોલેજમાં ચર્ચાતું કારણ માધુરી હોશિયાર હોવા સાથે દેખાવે ખૂબ સુંદર હતી જયારે ઘનશ્યામ થોડો કદરૂપો અને એક પગેથી લંગડાતો ઉપરાંત તે આખો દિવસ આવારાની જેમ શેરો – શાયરીઓ બોલતો રહેતો. આજ કારણે બધા તેને “લંગડો ગાલીબ” કહીને ચીઢવતા.

ક્યારેક કરિશ્મા અકળાઈને માધુરીને કહેતી પણ ખરી કે “બકા, તને આ લંગડામાં એવું તે શું દેખાયું કે તુ એની પર મોહી પડી?”

ત્યારે માધુરી હસીને કહેતી કે “ઘણીવાર યુવતીઓ યુવકના બાહરી દેખાવથી પોતાનો નિર્ણય લેતી હોય છે. જેના કારણે તે યુવકની અંદર છુપાયેલા આંતરિક ગુણો કે અવગુણો જોઈ શકતી નથી! સમજી? અને હું એ સામાન્ય યુવતીઓ જેવી નથી...”

કરિશ્મા મજાક ઉડાવતા કહેતી “ભલે.. ભલે....”

***

એક દિવસ વાતો વાતોમાં કરિશ્મા માધુરીને બોલી કે “માધુરી, મેં શેખરને જોયો છે ત્યારથી એના પ્રેમમાં પાગલ થઇ ગઈ છું. તારો ઘનશ્યામ એ શેખરનો સારો મિત્ર છે. તેના થકી મારા પ્રેમપ્રકરણની ગાડીને આગળ ધકેલવામાં મને મદદ કરીશ?”

આ સાંભળી માધુરી બોલી:” કરિશ્મા તું મારી બહેનપણી છું એટલે તને સાવધ કરવી એ મારી ફરજ છે. શેખર તારા લાયક નથી. તું એની આગળ પાછળ લટ્ટુ બની ફરવાનું છોડી દે. એમાં જ તારી ભલાઈ છે.”

માધુરીનો આવો તોછડો જવાબ સાંભળી કરિશ્મા હેબતાઈ ગઈ. એ તાડૂકીને બોલી. “માધુરી લાગે છે કે તારું મન શેખરને જોઈને પલટાઈ ગયું છે?”

માધુરી: “એટલે?”

કરિશ્મા: “એટલે કે તારું મન હવે એ લંગડાથી ભરાઈ ગયું છે એટલે તુ મને ગેરમાર્ગે દોરી એ શેખર સાથે ટાંકો ભીડાવાની ફિરાકમાં છું.”

કરિશ્મા પોતાનું વાક્ય પુરું કરે એ પહેલાં માધુરીએ તેના ગાલ પર જોરદાર લાફો ચોડી દીધો. “ભાનમાં આવ કરિશ્મા....”

કરિશ્મા વિલાપ કરતી અને મનોમન માધુરીને કોસતી ઘરે આવી પરંતુ તે હિંમત હારી નહોતી. બીજા દિવસે તે કોલેજમાં સીધી શેખરની બાજુમાં જઈ બેઠી. કરિશ્માને આમ પોતાની પાસે બેઠેલી જોઈ શેખર અચંબો પામી ગયો પણ બીજી ક્ષણે એનું રૂપ યૌવન જોઈ એ અંજાઈ ગયો. હિંમત કરી શેખરે વાતની પહેલ કરી, કરિશ્માએ એની પહેલને પ્રેમપૂર્વક પ્રોત્સાહન આપ્યું, પછી વાતોનો દોર, મુલાકાતોમાં અને મુલાકાતો પ્રેમમાં પલટાઈ, તે હવે શેખરની બાઈકની પાછળ બેસી લોંગ ડ્રાઈવ પર જતી. કોલેજના પાછળ આવેલા બગીચામાં કલાકો એની સાથે બેસતી. કોલેજના અંતિમ સત્રો પૂર્ણતાના આરે હતાં ત્યારે એક ખુશનુમા સાંજે કરિશ્માએ શેખરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “શેખર, આપણે આપણા આ પ્રેમને પરિણયમાં ફેરવી દઈએ તો? હું તારી પ્રેમિકા મટી તારી પત્ની બનવા માગું છું.”

શેખર ખુશ થઇ ગયો અને બન્નેએ વૈદ મંદિરમાં લગ્ન કરી લીધા. બન્નેના માતાપિતાએ શરૂઆતમાં વિરોધ કર્યો પણ છોરું કછોરું બને પણ માવતર ક્યારે પોતાની મમતા છોડે? તેના માતાપિતાઓએ પણ સમય જતાં એમના લગ્નસંબંધને સ્વીકારી લીધો.

માધુરીએ પણ કોલેજ પૂર્ણ થતાં ઘનશ્યામ જોડે લગ્ન કરી લીધા છે એવી માહિતી ઉડતી ઉડતી કરિશ્માના કાને પહોંચી ત્યારે તે મનોમન ખુબ હસી હતી.

***

પળો દિવસોમાં પલટાયા અને દિવસો વર્ષોમાં!....

થોડા વર્ષ બાદ.....

બહાર જવાની ઉતાવળમાં માધુરી તૈયાર થઇ રહી હતી ત્યાં અચાનક દરવાજાની ઘંટી વાગી... અણીના સમયે કોણ આવી ચડ્યું તે જોવા માધુરીએ થોડાક રોષમાં દરવાજો ખોલ્યો.

સામે એક તરુણી ઉભી હતી. યુવતીએ પહેરેલ કપડા સાદા હતાં ચહેરો ફિક્કો હતો. માધુરીને જોતા જ તે બોલી ”માધુરી....મને માફ કર...”

પરિચિત એ અવાજને જાણે ઓળખી ગઈ હોય તેમ માધુરી અચંબામાં બોલી, “કરિશ્મા તું...... શું થયું તને?”

આંખોમાંથી નિરંતર અશ્રુઓનો પ્રવાહ વહેવડાવતા કરિશ્મા બોલી, “માધુરી તેં સાચું કહ્યું હતું કે શેખર મારા લાયક નથી. પણ એ સમયે મારા આંખો પર પ્રેમની પટ્ટી બંધાયેલી હતી. તેથી શું સારું કે શું નરસું એનું મને ભાન જ નહોતું. તે મને સાવધ કરી હતી પણ મેં એનો મતલબ બીજો કાઢ્યો. મને માફ કર....”

માધુરી: “બેસ, કરિશ્મા બેસ.... શાંતિથી કહે શું થયું?”

કરિશ્મા બોલી, “માધુરી શેખરે મને ફસાવ્યો, કોલજમાં તેના જે ઠાઠમાઠથી હું અંજાયેલી હતી એ બધા બનાવટી હતા! તે જે ઘરમાં રહેતો હતો તે ભાડાનું હતું. તેની બાઈક તેના મામાની હતી, કપડા દોસ્તોના પહેરતો હતો. કોઈ નોકરી પર ટકતો નથી અને હવે તે દારૂના રવાડે પણ ચડ્યો છે.”

માધુરી, “દારૂના રવાડે તો એ પહેલેથી હતો.”

અવાચકપણે કરિશ્મા બોલી: “તેં મને કહ્યું નહિ?”

માધુરી: “હું તો કહેવા જતી જ હતી પણ તારી આંખો પર તો પ્રેમની પટ્ટી હતી.”

કરિશ્મા: “ખેર, મારા આંખો પર તો પ્રેમની પટ્ટી હતી તેથી શેખરના આંતરિક અવગુણો દેખાયા નહિ પણ તુ તો સમજુ હતી ને તો તેં લંગડા ઘનશ્યામ જોડે લગ્ન કરી કેમ પોતાનો ભવ બગાડ્યો?”

જવાબમાં માધુરી હસી, “ચાલ મારી જોડે...”

આમ બોલી એણે કરિશ્માનો હાથ ખેંચ્યો. “અરેરેરે... પણ ક્યા?”

આમ બોલતા તે પણ માધુરીની પાછળ પાછળ ધસડાઈ ગઈ.

***

તે બન્ને થોડા સમય બાદ બન્ને એક આલીશાન હોલની સામે ઊભા હતાં. ગેટની સામે જ બે ચોકીદારો ઊભા હતાં. જેમણે પાસ દેખાડી માધુરી હોલમાં પ્રવેશી. એની પાછળ પાછળ કરિશ્મા પણ અંદર ગઈ. અંદરની જાહોજલાલી જોઈ કરિશ્મા ધીમેથી માધુરી પાસે જઈ બોલી, “કરિશ્મા આ તું મને ક્યાં લઇ આવી? અહીં તો બધા ફિલ્મી સિતારાઓ ભેગા થયા છે!”

માધુરી બોલી:”કરિશ્મા નોર્મલ બીહેવ કર નહિતર ચોકીદારો તને બહાર કાઢી મુકશે...”

બન્ને સીટ પર ગોઠવાઈ ગયા.

કરિશ્મા: “આપણે અહીં કાર્યક્રમ જોવા આવ્યા છીએ?”

માધુરીએ ટૂંકમાં કહ્યું: “હા, બોલીવુડનો ઇનામવિતરણ કાર્યક્રમ છે.” સ્ટેજ પરથી અવાજો આવતા હતાં “એન્ડ એવોર્ડ ગોસ ટુ.....” “નો અધર....” વગેરે વગેરે... અવાજો વચ્ચે અચાનક એક એનાઉન્સમેન્ટથી કરિશ્મા ઝબકી “એન્ડ ધ બેસ્ટ મેલોડીસ્ટ એન્ડ પોયેટ એવોર્ડ ગોસ ટુ “મિસ્ટર... ઘનશ્યામ મહેરા..”

આતિશબાજીઓ વચ્ચે એક યુવક સ્ટેજ પર આવ્યો. જેને જોઈ કરિશ્મા ડઘાઈ ગઈ “અરે! આ તો ઘનશ્યામ છે.”

માધુરી ગર્વભેર બોલી: “હા મારો ઘનશ્યામ... જેના રૂપને નહી પણ આંતરિક ગુણોને મેં પારખ્યા હતા.”

ઘનશ્યામ એવોર્ડ હાથમાં લઇ બોલ્યો, “ડીઅર ફ્રેન્ડ્સ.... હું તો એક મામુલી માણસ હતો. શાયરીઓ કાગળ પર લખી એના વિમાન બનાવી ઉડાવનાર એક આવારા લફંગો... જેને કોલેજમાં બધા લંગડો ગાલીબ તરીકે ચીઢવતા. પરતું મારી પત્ની માધુરીએ મારી અંદર છુપાયેલો શાયર જોયો. તેની પ્રેરણાથી હું ગઝલો અને ગીતોની રચના કરવા લાગ્યો. જેનું પરિણામ આજે મારા હાથમાં છે.” એવોર્ડ બધાને દેખાડતા ઘનશ્યામ બોલ્યો, “મારી વહાલી પત્ની માધુરીને હું સ્ટેજ પર આવવા વિનંતી કરૂ છું.... માધુરી આઈ લવ યુ....”

કરિશ્મા અવાચક નજરે તાળીઓના ગડગડાટ વચ્ચે માધુરીને સ્ટેજ પર જતા નિહાળી રહી.