Kadi raat ane safed kaar books and stories free download online pdf in Gujarati

કાળી રાત અને સફેદ કાર

કાળી રાત અને સફેદ કાર

“જવા દે મને, જવા દે, નહિતર હું તને મારી નાખીશ, જવા દે”, મીનલનો વ્યવહાર આચાનક જ બદલાઈ ગયો. આવું તે તેના પતિ ને જ મોટી મોટી આંખો કરી કહી રહી હતી. મીનલના પતિ રસ્મીનના અચરજનો પાર ન હતો તેની પાસે કોઈ જવાબ ન હતો કે મીનલ આવું વર્તન શું કામ કરે છે, આ શું બોલે છે?

રસ્મીન ચાર વર્ષ પહેલા કેમિકલ ઈન્જીનયર થયો, બે વર્ષ પહેલા પતિ અને ત્રણ મહિના પછી પિતા બનવાનો હતો. રસ્મીન મીઠાપુરમાં જૉબ કરતો હતો અને સાથે તેની પત્ની મીનલ પણ મીઠાપુરમાં જ સાથે રહેતી હતી. રસ્મીન પોતે રાજકોટનો હતો તેના માતા-પિતા, મિત્રો બધા રાજકોટ જ રહેતા હતા. એટલે જ તહેવાર તો રાજકોટમાં જ કરવાના. આજે પણ બંને દિવાળી કરવા જ રાજકોટ જતા હતા. વધુ પડતા કામને લીધે રસ્મીન ને વધારે રજા ન મળી અને આજે પણ નીકળવાનું સહેજ મોડું થયું ગયું પણ ઘરની કાર હતી અને ઘરે જ જવાનું હતું એટલે રસ્મીન અને મીનલ મીઠાપુરથી રાજકોટ જવા રાત્રે 10 વાગ્યે નીકળી પડ્યા.

મીનલના આવો વ્યવહાર જોઇને એક મિનિટ માટે રસ્મીનને તેની મમ્મી યાદ આવી. તેનો સવારના જ ફોન આવ્યો હતો અને તેને ચેતવ્યા પણ હતા કે, “રાત્રે બહુ મોડું થાય તો ન આવતા વહેલી સવારે આવજો, આજે કાળી ચૌદસ છે મને ખબર છે તું મારું નહિ માન મને જુનવાણી અને અંધશ્રધ્ધાળુ માનીશ, પણ મહેરબાની કરીને આજે રાત્રે ન આવતા.”

રસ્મીનને મમ્મીનું ન માન્યું અને જલદી ઘરે પહોચી જવાની લાલચમાં રાત્રે પત્ની મીનલ સાથે મીઠાપુરથી નીકળી ગયા. બાર વાગ્યા સુધીમાં સો એક કિલોમીટર તો કપાય ગયું એક દમ શાંતિથી, કારમાં ધીમાં ધીમાં ગીતો વાગી રહ્યા હતા. દિવાળી અને નવા વર્ષમાં શું શું કરશું, ક્યાં ક્યાં જશું એનું પ્લાનિંગ ઉત્સાહ અને ઉમંગથી ચાલતું હતું. ૧ વાગે મીનલને ઊંઘ આવતી હોય એવું લાગ્યું. મીનલે ગીત બંધ કર્યું અને પાછળથી સાલ લઈ ઓઢી લીધી અને આંખો બંધ કરી દીધી. દશ – પંદર મિનિટ જેવું માંડ થયું હશે ત્યાં જ પાછળથી એક વ્હાઈટ સ્વીફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી અને રસ્મીનની કારને ઓવરટેક કરી જતી રહી. ત્યાં જ મીનલ એ બૂમ પાડી,” ડ્રાઈવર વગરની કાર, એ કારમાં કોઈ ન હતું. રસ્મીન તે જોયું?” થોડીક વાર માટે રસ્મીન પણ ડઘાઈ ગયો અને મીનલને પૂછવા માંડ્યો શું થયું છે? મીનલ ઊંઘમાંથી પૂરે પૂરી જાગૃત થઈ ગઈ હતી અને ફરી પાછું તેને જે જોયું હતું તે કહેવા માંડી,” તે કાર કોણ ચલાવતું હતું?, તે માણસ વગરની એક દમ ખાલી કાર હતી.” રસ્મીને વ્હાઈટ સ્વીફ્ટ ફૂલ સ્પીડમાં આવતા અને ઓવરટેક કરી જતા તો જોઈ હતી પણ અંદર કોઈ છે કેમ તેવું સરખી રીતે ધ્યાન પડ્યું ન હતું. થોડીક વારમાં જ એ કાર પુર પાટ વેગે અંધારાંમાં નજરથી દૂર, અદ્રશ્ય થઈ ગઈ હતી. કાળી ચૌદસની બિહામણી કાળી રાત હતી. અંધારું આમ પણ હાઈવે પર ભય જનક લાગે.

રસ્મીન અને મીનલ વેલ એજ્યુકેટેડ અને ધાર્મિક દંપતી હતા, પણ ભૂત પ્રેતમાં માનવાનો કોઈ સવાલ ન હતો. પણ રસ્મીન ને મીનલની વાત સાંભળીને હવે બીક તો લાગવા જ માંડી હતી. દશેક કિલોમીટર પછી એક મોટી હોટેલ આવી ત્યાં ફ્રૅશ થવા અને ચા-પાણી પીવા રસ્મીન એ કાર ઊભી રાખી. મીનલ ગાડીમાં જ બેઠી હતી રસ્મીન ચા- લઈને આવ્યો. હોટેલમાં બીજી પણ દશ – પંદર ગાડીઓ હતી અને રાત્રિના સમયમાં ભીડ પણ સારી એવી કહી શકાય એટલી હતી. થોડીક ચા થી અને માણસોની વસ્તીથી રસ્મીન અને મીનલ સ્વસ્થ અને રેલેક્ષ ફીલ કરવા લાગ્યા. રસ્મીન એ ચા ના પૈસા આપ્યા અને એક સિગરેટ માંગી. કારમાં બેઠાં બેઠાં જ મીનલ એ આંખના નેણ અધર કર્યા અને મોઢું બગડ્યું એટલે રસ્મીન એ સળગાવેલી સિગરેટ ફેંકી દીધી. તે હોટેલ વાર કાકા ને પૂછવા લાગ્યું,” કાકા આ રોડ પર કઈ ભૂત-બુત જેવું થાય છે?” કાકા એ રસ્મીનની એક દમ પાસે આવી ને કહ્યું,”ભૂતની તો ખબર નથી પણ લોકો કહે છે એક સફેદ કલરની ગાડી દેખાય છે એ પણ ડ્રાઈવર વગરની, સાચું ખોટું ભગવાન જાણે મેં કોઈ દિવસ જોઈ નથી, બાકી આ રોડ નો ઇતિહાસ છે અહિંયાં છેલ્લા ૧૫ વર્ષથી એક પણ એક્સીડેન્ટ નથી થયું અને આ રોડ એક દમ સેફ છે. હા થોડુંક અંધારું વધારે છે અને વચ્ચે પાંચ-સાત કિલોમીટર ઝાડ-પાન અને જંગલ જેવો વિસ્તાર આવતો હોવાથી આવું અંધારું વધારે ભયાનક લાગે બાકી બીજું કઈ ડરવા જેવું કે ચિંતા કરવા જેવું નથી.” રસ્મીનને એક વાતનો સંતોષ થયો કે અહિંયાં છેલ્લા ૧૫ વર્ષથી કોઈ દુર્ઘટના નથી બની પણ એ વાતની ચિંતા પણ વધી ગઈ કે અહીંના લોકો એ પણ એ ડ્રાઈવર વગરની કારની વાતો કરે છે. રસ્મીન કાકાને આવજો કહીને જતો જ હતો ત્યાં કાકાએ રસ્મીન ને પાછો બોલાવ્યું,” એ ભાઈ એક બીજી વાત, આ વાત તમને કહેવી જરૂરી છે કે નહિ એ ખબર નહિ પણ આ રોડ પર એક એક્સીડેન્ટ ૧૫ વર્ષ પહેલા થયું હતું. તેમાં ત્રણ જણ અને એક બૈરું મારી ગયું હતું. જે ત્રણ જણ હતા તે બૈરાને અપહરણ કરીને જતા હતા એટલી મને ખબર છે .” રસ્મીન ઠીક છે ઠીક છે કહીને પોતાની કાર તરફ ચાલતો થયો. રસ્મીન એ ગાડી ચાલુ કરી અને એસી ફૂલ કર્યું. એસી ફૂલ હોવા છતાં રસ્મીનના માથા પર પરસેવો હતો અને જે એક્સીડેન્ટ ૧૫ વર્ષ પહેલા થયું હતું તેની કલ્પના કરવા માંડ્યો અને મનોમન બબડવા લાગ્યો,”કેવી રીતે થયું હશે એક્સીડેન્ટ? તે સ્ત્રીનું શું થયું હશે? જો બધા મારી જ ગયા તો હવે આ ડ્રાઈવર વગરની કાર નો શું મતલબ?”

કાર થોડીક આગળ ચાલી ત્યાં જ મીનલ એ પૂછ્યું,” શું આટલી વાર એ કાકા સાથે વાતું કરતા હતા એ પણ અડધી રાત્રે?” રસ્મીન એ કહ્યું,” કઈ નહિ એમ જ દિવાળી વિષે પૂછતો હતો એ ભાઈ પણ રાજકોટ બાજુ ના હતા એટલે થોડીક વધારે વાત કરી” રસ્મીન થી તાત્કાલિક જેટલું ખોટું બોલાય શક્યું એટલું બોલી નાખ્યું અને વ્હાઈટ સ્વીફ્ટ વાડી વાત અને તેનો ઇતિહાસ પોતાના મનમાં દબાવી દીધો. કાર થોડીક જ આગળ ગઈ હશે ત્યાં જ કારમાંથી અવાજ આવ્યો. રસ્મીન અને મીનલ બંને નું ધ્યાન સાથે પડ્યું. ગદાધરી હનુમાનની કારમાં લટકતી મૂર્તિ નીચે પડી ગઈ હતી. રસ્મીન એ મૂર્તિ ઉઠાવા જતો હતો ત્યાં જ મીનલ બોલવા માંડી.

“જવા દે મને, જવા દે, નહિતર હું તને મારી નાખીશ, જવા દે”, રસ્મીન ની પત્ની મીનલ અત્યારે અલગ જ સ્વરૂપમાં હતી. તેના પર ખૂન સવાર થયું હોય એવું લાગ્યું. તેની ભાષા અને શબ્દો પણ એક દમ વિચિત્ર હતા અને એક દમ વિચિત્ર રીતે બોલતી હતી. રસ્મીન એ ગાડીની સ્પીડ વધારી દીધી હતી સાથે સાથે મીનલને જોઇને બોલતો પણ જતો હતો કે, “મીનલ શું થયું તને, આ શું બોલે છે? હું રસ્મીન છું, રસ્મીન તારો રસ્મીન, તારો હસબન્ડ” આગળ વન્ય પ્રાણીની અવરજવરનો વિસ્તાર ચાલુ થતો હતો તેનું સાઇન બોર્ડ જોઇને રસ્મીન એ ગાડી થોડી સ્લો કરી પણ મીનલ નું બોલવાનું એક દમ જોરથી ફાસ્ટ ચાલુ જ હતું, “ જવા દે મને, હું તને છોડીશ નહિ, જવા દે મને, નહિતર હું તમને બધાને ખતમ કરી નાખીશ”, મીનલ આટલું બોલ્યે જતી હતી. મીનલનું આવું રૂપ રસ્મીન એ ક્યારે ય જોયું ન હતું. મીનલના વાળ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા તેમાં કોઈ આત્મા એ પ્રવેશ કર્યો હોય તેવું લાગતું હતું. રસ્મીન ને મીનલની અને તેના પેટમાં રહેલા સંતાનની ચિતા થવા લાગી.પરસેવો તો પહેલે થી છૂટતો હતો રસ્મીન ને હવે તે રોવા પણ લાગ્યો હતો. થોડીક વાર પછી રસ્મીન એ ગાડી ઊભી રાખી સાલ થી મીનલના બંને હાથ બાંધી દીધા અને ફરીથી ગાડી ચાલુ કરી પુર-પાટ વેગે ભગાવી. મીનલનું ભયાનક અને વિચિત્ર વર્તન ચાલુ જ હતું, વધુ પડતી ચીસોને લીધે હવે મીનલનો અવાજ બેસી ગયો હતો. મીનલ બેસેલા અવાજે પણ રસ્મીન તરફ જોઇને ચીસો પાડ્યા જ રાખતી હતી.” હાથ ખોલો મારા, જવા દે મને, જવા દે.” મીનલના હાથ બધાયેલા હોવાથી તે ચીસો અને બુમો પાડવા સિવાય કઈ કરી શકે એવી પરિસ્થિતિમાં ન હતી. હવે મીનલ એ પોતાના માથું ગાડીમાં જ આમ તેમ ભટકાડયું અને તેના માથામાંથી થોડુંક લોહી વહવા લાગ્યું. આટલાં પરિશ્રમથી મીનલ થાકી ગયી હોય એવું લાગ્યું અને તેની મોટી મોટી આખો હવે ઘેરાવા લાગી હોય અને આખું શરીર પરસેવાથી નીતરતું હોવા છતાં થાક ને લીધે તે ધીમે ધીમે સૂઈ ગઈ. રશ્મીન હજી તણાવ અને ચિંતામાં જ હતો ત્યાં જ રોડ પર તેને વાંચ્યું રાજકોટ હવે ૩૦ કિલોમીટર જ દૂર હતું. તેના જીવમાં જીવ આવ્યો. અને ગાડી ની સ્પીડ હજી વધારી દીધી. બીજી કોઈ નવી સમસ્યા વિના રસ્મીન અને મીનલ રાજકોટ તેના ઘરે પહોચી ગયા. રાત્રે મીનલને ઉપાડીને જ તે ઘરમાં લઈ ગયો અને બેડ પર સુવડાવી દીધી.

ભયાનક રાતના ઉજાગરાથી, તણાવ અને ચિતામાંથી સવારમાં જ્યારે રસ્મીન મોડેથી ઊઠ્યો ત્યારે મીનલ ડ્રેસિંગ ટેબલ પાસે પોતાના માથા પર કંઈક લાગવાનું નિશાન જોતી હતી. રસ્મીન ઊઠીને મીનલ પાસે ગયો અને પાછળથી ગળે વળગી ગયો. મીનલે પૂછ્યું,” રાત્રે શું થયું હતું, આપણે અહીં ક્યારે પોહ્ચ્યા?” રસ્મીન એ પોતાના ફોન કાઢીને એક ૧૫ વર્ષ જુના એક્સીડેન્ટના સમાચાર દેખાડ્યા અને ધીમે ધીમે આખી વાત કહેવા લાગ્યો. તે સ્ત્રી તેનું અનુભવેલું દર્દ બીજા ને કરાવે છે અને છોડી દે છે. આવો અનુભવ ઘણા લોકોને આ રસ્તા ઉપર છેલ્લા ૧૫ વર્ષમાં થયો છે.

રસ્મીનની આંખમાં ગઈ કાલની રાતનો થાક અને બીક હજી લાગતી હતી. આ બધું સાંભળીને મીનલ હસવા માંડી અને એ મીનલ ને જોઇને રસ્મીન પણ હસવા માંડ્યો અને ફરી પાછો મીનલને ગળે વળગી ગયો. ત્યાં જ બહારથી રસ્મીનના મમ્મીની બૂમ આવી. ચાલો હવે બપોરના ૨ વાગ્યા જમવાનો સમય થઈ ગયો છે. આટલું સાંભળી મીનલ રસ્મીન સામે જોઈ ને કહેવા લાગી, ”જવા દે મને જવા દે મને...” અને પછી બંને એક સાથે હસી પડ્યા.