Aandhado Kuvo books and stories free download online pdf in Gujarati

આંધળો કુવો

આંધળો કુવો

કાઝીસાહેબ ની ઓફીસ ના વેઈટીન્ગ રૂમ માં બેસીને હું વિચારી રહ્યો હતો કે છ મહિનામાં આ મારો કેટલામો ધક્કો હતો... આજે તો તલાકની શરતો પર સહમતી થઇ જ જવી જોઈએ, હું કંટાળી ગયો હતો, ભલે થોડું વધારે આપવું પડે, પણ આજે તો પૂરું કરી જ દેવું છે.

હજુ સોળ મહિના પહેલાતો અમે એક-બીજાને ઓળખતા પણ નહોતા, ને આજે??? આમ તો શાદી પછી જ મને લાગતું હતું કે આ સંઘ કાશી એ નહિ પહોંચે, પણ હું મારી જવાબદારી, ફરજો નિભાવતો હતો ને જીંદગી ભર નિભાવતો જ રહેતો, જો તે અઝીમ અપરાધ ના કરતી તો.…

આમ તો હું ને મારી ફેમીલી ખુબ ખુલ્લા વિચારોવાળા ને બધું જતું ને માફ કરવાવાળા છીએ, પણ તેણે જે ગુનો કર્યો તે બિલકુલ માફી ને લાયક નહોતો, કમસે કમ મારા માટે તો તેને માફ કરવી શક્ય જ નહોતી.

હું દુબઇ હતો ને ઘરવાલા એ બધું ગોઠવી કાઢ્યું, અલબત્ત, મારી મરજી થી જ... જોકે મેં કહ્યું ય ખરું કે શું ઉતાવળ છે? હું આવું પછી... ઘરવાળાઓને ચિંતા એ હતી કે હું મહિનાની રજા પર આવીશ તો પછી ક્યારે છોકરી શોધીશું, ને તે પછી તાત્કાલિક લગન કેવી રીતે લેવાય? એટલે અત્યારથી શોધીને સગાઇ કરી રાખી હોય તો હું જાઉં કે તરત લગન થઇ જાય. અને વાત સાચી પણ હતી, એટલે મેં હા ભણી દીધી.

ફોન પર વાતો કરી, વિડિઓ કોલ કર્યા, ને અમે સગાઇ કરી નાખી. વિડિઓ કોલ કરવાનું પછી બંધ કર્યું, કારણકે અવાજ પણ બરાબર આવતો નહોતો ને વીડિઓની ફ્રેમ્સ પણ અટકી અટકીને આગળ વધતી હતી. તે મને તમે કહીને બોલાવતી, જે મને ગમતું નહિ, પણ તે માની નહિ, મરજી તેની...મને કોઈ ફરક પડતો નહોતો.

છોકરી કેવી હોવી જોઈએ? મારી અપેક્ષા બિલકુલ ઓછી હતી, દેખાવ સામાન્ય ચાલશે, કશું આવડતું ના હોય તે પણ ચાલશે, બસ ભણેલી હોવી જોઈએ, કમસે કમ ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ. અને શમીમ, હા તેનું નામ શમીમ હતું. શમીમ તો પોસ્ટ ગ્રેજ્યુએટ હતી અને દેખાવમાં પણ ઘણી સારી હતી. જે મારા માટે બોનસ હતું.

તે વહોટ્સ-એપ પર ઇંગ્લીશમાં લાંબા લાંબા મેસેજીસ કરતી, હું એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપતો. મને તે વાંચવાનો સખત કંટાળો આવતો ને ચીડ ચઢતી. એવું નથી કે મને ઇંગ્લીશ નથી આવડતું, પણ બંને ગુજરાતી હોય ને ઇંગ્લીશમાં વાત કરે તે મને હાસ્ય-સ્પદ લાગતું.

ખૈર, જયારે ખરેખર જવાનો સમય થયો ત્યારે નવા કોન્ટ્રાક્ટમાં મારી માંગેલ સેલરી ના હોવાથી મેં કંપની છોડી દીધી, ને કાયમ માટે ઇન્ડિયા આવી ગયો. ને અમે ગોઠવેલી તારીખ મુજબ જ પરણી ગયા. અમે હનીમૂન પર પણ જઈ આવ્યા. મને કામ-ધંધાની જરાય ચિંતા નહોતી. હું વિદેશ પણ પૈસા માટે નહિ પણ રખડવા, ફરવા, નવું-નવું જોવા જાણવા અને અનુભવો કરવા માટે જ ગયો હતો. હવે હું ફરીથી અમારી ફેક્ટરી ભાઈ, પપ્પા ની સાથે સંભાળી લેવાનો હતો.

ધીરે-ધીરે મને સમજાતું ગયું કે તેના અને મારા વિચારો, માન્યતાઓ, બે અલગ-અલગ ધ્રુવ પર હતા, તેનું જનરલ નોલેજ અને બુદ્ધિનું લેવલ આશ્ચર્યજનક રીતે તળિયે હતું, તેની દુનિયા ગલી, મોહલ્લા પુરતી જ સીમિત હતી. મને ઘણીવાર શક થતો ને હું મજાક માં તેને કહેતો કે હવે તારી માં ના ઘેર જાય તો તારી M.com ની ડીગ્રી લેતી આવજે, મારે જોવી છે.…

તેના પર તેની માં નો ખુબ પ્રભાવ હતો, દિમાગ ચલાવવાનું, વિચારવાનું કામ તેના વતી તેની માં કરતી, નાની સાદી-સીધી વાત નો જવાબ પણ તે માં ને ફોન કર્યા વગર કે પૂછ્યા વગર આપતી નહિ. અરે, મને કહેતા પણ શરમ આવે છે, પરંતુ અમે બહાર જમવા જતા તો તે ઓર્ડર આપવા માટે પણ માં ની સલાહ લેતી. અમારા ઘરની કે અમારા બે વચ્ચે થયેલી રજે રજ વાત તે પોતાની માને કહેતી, ને તેની માં મને બોલાવીને શિખામણો ને દુનિયાદારી ના પ્રવચન કરતી. ને મારે મારા ભાઈ-ભાભી સાથે, માં-બાપ સાથે કેવા સબંધ રાખવા, કઈ રીતે મિલકતો નો બટવારો કરાવી લેવો, વગેરે સમજાવતી. ''કબીરભાઈ, જિંદગીનો ભરોસો નથી, બાપ હયાત છે ત્યાં સુધી બધું લખાણ, વહેંચણી, વગેરે કાયદેસર કરાવી લો, આ જમાનો ખરાબ છે, ભાઈ ભાઈ નો કે કોઈ કોઈનું નથી, અમે તો તમને ખુબ હોશિયાર ને ઇન્ટેલીજન્ટ સમજતા હતા, હવે બાળકબુદ્ધી છોડો, મારી દીકરી અને તમારા ભવિષ્યનું તો વિચારો...''હું સાંભળતો, ગુસ્સો ય આવતો, પણ હું તેમની ઈજ્જત રાખતો ને કશું બોલતો નહિ.તેને માટે તેની માની કહેલી વાત પથ્થર ની લકીર જેવી હતી, તેના પોતાના સ્વતંત્ર વિચારો કે માન્યતાઓ જેવું કશું નહોતું. ટીવી સીરીઅલ સિવાય તેને કશામાં રસ નહોતો. વર્તમાન પત્રો, મેગેઝીન્સ, વગેરે બધા વાંચી લે તે પછી બધા રૂમ માં ફરીવળીને બધા છાપાના પાના ભેગા કરતી, નંબરથી ગોઠવીને, ચીવટથી વાળીને મારે માટે સાચવી રાખતી ને સાંજે મને આપતી, બસ એટલો જ તેનો વાંચવા સાથે સબંધ હતો. બેડરૂમ માં હું તેની સાથે એકલો પડતો ને હું ગૂંગળાવા લાગતો, તેની સાથે શું વાત કરવી? તેની સિરિયલોમાં મને રસ નહોતો, ને તે સિવાયની બીજી વાતોમાં તેને રસ નહોતો. હું કઈ પણ તેને કહેતો તો તે અવિશ્વાસભરી આંખે મને જોયા કરતી, શક્ય હોય તો ત્યારે જ ફોન કરીને માં ને જણાવતી, અને તેની માનો જવાબ સાંભળીને પછી જ મને પ્રતિભાવ કે જવાબ આપતી.

મેં કોઈ દિવસ તેના ફોન ને હાથ લગાડ્યો નહોતો, મને એવી આદત જ નથી, પણ તે હું જેવો ઘેર આવું કે પહેલા મારો ફોન લઇ લેતી, ને કોણ જાણે શું જોયા કરતી. મને જરાય ગમતું નહિ. હું રોજ પેટર્ન બદલી કાઢતો, પણ તે પેટર્ન બતાવવા માટે મારી પાછળ પડી જતી, અરે હું નહાઈને નીકળું એટલી રાહ પણ તે જોતી નહિ, ને બાથરૂમમાં આવીને પેટર્ન પૂછી જતી. આ બધી ખામીઓ મારે મન ગૌણ હતી, મને વિશ્વાસ હતો કે થોડો સમય જતા જ તે અને બધું સેટ થઇ જશે ને અમે બંને એકબીજાને સમજી શકીશું ને તે તેની માં ના પ્રભાવ થી બહાર આવી જશે.

અને તે દિવસે મને લાગ્યું કે હવે મારી બધી સમસ્યાઓ, તકલીફોનો અંત આવી ગયો છે, હું હવામાં ઉડવા લાગ્યો, ને નક્કી કર્યું કે બસ, આજ થી નવી શરૂઆત કરીએ, બધું ભૂલી ને....હું બાપ બનવાનો હતો..…

અમે બંને એ નક્કી કર્યા મુજબ ત્રણ મહિના સુધી કોઈને કહ્યું નહિ, ત્રણ મહિના પછી પાર્ટીઓ માંગવામાં આવી, મીઠાઈઓ વહેંચવામાં આવી, મારા ઘરવાલાઓનો પણ તેના પ્રત્યે જોવાનો એન્ગલ બદલાઈ ગયો.... હવે તેને ઘરમાં સ્પેશીઅલ ટ્રીટમેન્ટ મળવા લાગી, તેના ભાગ નું કામ મારી ભાભી કરી લેતી, તેને વજન ઉચકવા દેતા નહિ, તેને લોટ બાંધવાની ને કપડા ધોવાની મનાઈ કરવામાં આવી. અમે બધા ખુશ હતા, હું તેને ચાહતો હતો કે નહિ તે ખબર નથી, પણ તે મારા બાળકની ''માં'' બનવાની હતી તે કારણે મને તેના માટે માન હતું.

અને તેના એક ફોન માત્ર થી હું બરબાદ થઇ ગયો, બધું જ પતિ ગયું, દીવાલ સાથે માથા અફ્લાવ્યા, તે જો સામે હોતી તો મારાથી તેનું ખૂન થઇ જતું..…

'' હું મમ્મી ના ઘેર જાવ છું, પરમ દિવસે રાત્રે તમે મને લેવા આવજો'' ''સારું''

એક દિવસ પછી બપોરે તેનો ફરી ફોન આવ્યો '' રાત્રે મને લેવા આવશો નહિ, ડોકટરે આરામ કરવાનું કહ્યું છે એટલે કાલે આવીશ''

મારા પેટમાં ફાળ પડી, તે પ્રેગ્નન્ટ હતી એટલે હું અધીરો થઇ ને પૂછવા લાગ્યો ''શું થયું? કેમ આરામ કરવાનું કહ્યું? બધું બરાબર છે ને?

''રઘવાયા નાં થાવ, કહું છું, મમ્મી ને આ ઘણું વહેલું લાગતું હતું, શાદી થવાને સમય કેટલો થયો? તે કહેતી કે હજુ એક-બે વર્ષ પછી બાળકનું વિચારાય... હમણાં તો તમારા હરવા-ફરવાના દિવસો છે. મને તેની વાત ધ્યાનમાં આવી ને આજે સવારે એબોર્શન કરાવી દીધું... હવે મજા કરશું ને આવતા વરસે પ્લાન કરીશું, બરાબર ને ડાર્લિંગ?''

''-------''

બસ, તે દિવસ પછી તેણે મારા ઘરમાં પગ મુક્યો જ નથી, હું ઉદાસ રહેવા લાગ્યો, મને ઊંઘમાં મારા બાળકની ચીસો સંભળાતી, સપનામાં તે મારી સોડમાં સુતેલા બાળકને ખેંચી કાઢતી ને તેના શરીર પર છરી થી ઘા કરતી..… હું માનસિક રીતે તૂટી ચુક્યો હતો.

જબરદસ્તી પપ્પા અને ભાઈ એ મને ફરી દુબઇ મોકલી દીધો કે મહિનો ફરી આવ, ફ્રેશ થઇ જઈશ.ફરી ઇન્ડિયા આવ્યા પછી તેના ફોન આવતા પણ હું વાત કરતો નહિ, તે મને બે-ત્રણ વાર મળવા પણ આવી, વચેટિયાઓ પણ સમાધાન ની કોશિશ કરતા હતા, જે થયું એ થયું, બધું ભૂલી જાવ...છેવટે તેઓએ સમાજ માં ફરિયાદ કરી કે છોકરીને તેડી જતો નથી....મને બોલાવીને મોલવીએ રીતસર ખખડાવી નાખ્યો ''શું સમજો છો? શાદી કરી છે, મજાક સમજો છો? તમે જવાબદારીથી ભાગી નથી શકતા.''

''પણ તમે કારણ તો પૂછો...''

'' સંસાર છે, નાના-મોટા કલેશ તો ચાલતા જ રહે...બધું થઇ રહેશે, હમણાજ તમે તેને ઘેર લઇ જાવ''''તે ખૂની છે, તેણે પોતાના બાળકનું ખૂન કર્યું છે, તે પણ કોઈને કહ્યા વિના.... '' હવે તે લોકો ફરિયાદી મટી ને બચાવ પક્ષમાં આવી ગયા.

પછી તો મિટિંગ... ફરી મિટિંગ.....સમાધાન ની કોશિશો....ભૂલી જાવ, ક્યાં મિયાં મરી ગયા ને રોઝા ખૂટી ગયા, ની શિખામણો....વગેરે ચાલતું જ રહ્યું....

મને ખબર હતી કે જ્યાં સુધી સમાધાન ની શક્યતા છે ત્યાં સુધી જ તેની માં ની જીભ કાબુ માં છે, તે પછી તો તેના અધમ અને નીચ આરોપો માટે હું માનસિક રીતે તય્યાર જ હતો.અને એવું જ થયું.

'' અરે સા'બ, ગર્ભપાત કરાવ્યો નથી પણ આ રાક્ષસ, કુતરા એ મારી દીકરીના પેટ માં લાત મારી હતી તેને લીધે ગર્ભપાત થઇ ગયો.....''

'' શું ?''

'' હા, એ તો અમારી ખાનદાની છે કે આટલા સમયથી તેના એબ ઢાંકી રાખ્યા હતા, પણ હવે પાણી નાકથી ઉપર થયું છે, ને એકવાર નહિ પણ સેંકડોવાર મારી ભોળી દીકરી પર હાથ ઉપાડ્યો છે આ કુતરાએ '' કાઝી એ મને ઇસ્લામમાં સ્ત્રી સમ્માન વિષે ને સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્તન કરવું અને પતિ ની શું શું ફરજ અને જવાબદારીઓ છે, ને તે બધું ક્યાં લખેલું છે તે ભાષણ આપ્યું.મેં કહ્યું, '' સાહેબ, લખેલું છે તે સારી વાત છે, પણ જો ના લખ્યું હોય તો પણ મને કોઈ ફરક પડતો નથી, હું કોઈ સ્ત્રી તો શું, પણ કોઈ પર પણ હાથ ઉપાડી શકું જ નહિ, મારામાં એટલું જીગર જ નથી.''

'' શું તમે કુરાન શરીફ હાથ માં લઈને ત્રણ વાર કસમ ખાઈ ને આ વાત કહેવા તૈય્યાર છો?'''' નાં, વાહિયાત વાતો ના કરો, શું કસમ ખાઈ લઈશ તો હું સાચો સાબિત થઇ જઈશ? એના કરતા હું જેને રોજ ફટકારતો હતો તેને જ બોલવા નું કહો ને...''

શમીમને બોલાવી ને મારી બાજુની ખુરશી પર બેસાડી. આલીશાન ટેબલ અને તેની બીજી તરફ કાઝી બેઠા હતા. કાઝીએ તેને પૂછ્યું, બોલવાનું કહ્યું, તે નજર ઉઠાવતી નહોતી કે કશું બોલતી પણ નહોતી, વારેઘડી પૂછવા છતાં તે કશું પણ બોલી નહિ. હવે તેની માં મેદાનમાં આવી ને તે તેની દીકરીને હચમચાવવા લાગી ને –

"બોલ, મારી લાડલી બોલ, ડરીશ નહિ, આવા કુતરાઓ, દરિંદાઓ ને તો ઉઘાડા પાડવા જ જોઈએ.''

તોયે તે કશું બોલી નહિ કે નજર ઉઠાવી નહિ, હવે તેની માએ પેંતરો બદલ્યો, તેની માં જોર થી ભેંકડો તાણી ને રડવા લાગી ને દિકરી નું મો પોતાની છાતીમાં છુપાવી ને રડતા રડતા બોલી ''સાહેબ, તમે જુઓ છો ને? આ રાક્ષસ-દરીંદા થી મારી દીકરી કેટલી ડરી ગઈ છે ને ગભરાઈ ગઈ છે કે તેના મો માંથી કશું બોલાતું પણ નથી...''

'' હા હા, મને બધું જોવાય છે, તમે બધા હવે જઈ શકો છો, બાકી વાત આવતા રવિવારે આગળ વધારીશું.''

મને રોકી રાખ્યો, બધા ગયા પછી કાઝી બોલ્યા '' મારી વાત માનો તો તમારે સમાધાન વિષે વિચારવું જોઈએ...છોકરી ના દિલમાં હજુ પણ તમારે માટે પ્રેમ અને ઈજ્જત છે.'' હું હસ્યો, ''જે વસ્તુ મને દસ મહિનામાં ના જોવાઈ તે તમને દસ મિનીટ માં જોવાઈ ગઈ.....''

'' જુઓ, તે બધા તેને શીખવાડીને લાવ્યા હશે કે શું બોલવું, પણ તેણે ચુપ રહેવાનું પસંદ કર્યું, તમારી વિરુધ એક શબ્દ પણ બોલી નહિ કે ઝૂઠા આરોપ લગાવ્યા નહિ, તેનો મતલબ તમને સમજાતો નથી મિસ્ટર???''

''તમે કે બીજું કોઈ પણ મારા દુશ્મન પર ખોટો આરોપ લગાવે તો હું તરત તમને રોકું ને કહું કે નાં, આ ખોટું છે, તેણે આવું કર્યું નથી... એનો મતલબ એ નથી કે હું મારા દુશ્મન ને પ્યાર કરું છું...ને જે વ્યક્તિ પોતાના બાળકને મારી શકે તે કઈ પણ કરી શકે છે, તેની સાથે સમાધાન નો તો સવાલ જ નથી.''છેવટે અમે છુટા થઇ ગયા, જોકે તલાક મને આર્થિક રીતે ખુબ મોંઘી પડી.

***

આજે તે વાતને લગભગ બે વર્ષ જેવા થયા, તેની શાદી બીજે થવાને વરસ થયું છે, તે પતિ સાથે જામનગર રહે છે, તેનો પતિ રિલાયન્સ માં બહુ મોટી પોસ્ટ પર છે.

જ્યાં સુધી તેની બીજી શાદી ના થઇ ત્યાં સુધી હું અપરાધભાવ ફીલ કરતો રહ્યો. તેણે ગુનો કર્યો હતો છતાં મને લાગતું રહેતું ને હું વિચારતો રહેતો કે મેં કશું ખોટું તો નથી કર્યું ને? કોઈ ની જિંદગી તો બરબાદ નથી કરી નાખી ને?

આ આખા એપિસોડ દરમ્યાન મારી માનો કડક હુકમ હતો કે કોઈએ પણ તેમના વિરુદ્ધ એક શબ્દ પણ બોલવો નહિ, કે તેમનો વાંક બતાવવો નહિ, બસ નથી ફાવતું, એટલું જ કહેવું.

તેની શાદી થઇ ત્યારે મારા દિલમાં અજબ શાંતિ થઇ, બહુ મોટો બોજો ઉતર્યો હોય ને હું કોઈ શ્રાપમાંથી મુક્ત થયો હોય એવું અનુભવવા લાગ્યો. હવે મારા દિલમાં તેને માટે કડવાશ રહી નથી, અરે કોઈ પણ જાતની લાગણી રહી નથી.

આજે પણ હું મારા રોજના નિત્યક્રમ મુજબ પાર્કના છેલ્લા ખૂણાની અમારી ફિક્સ બેન્ચ પર જઈને બેઠો, અને કાગળના કોન માંથી ખારી-શીંગ એક એક મોં માં ફેંકીને ખાવા લાગ્યો. ફોનમાં સમય જોયો, હજુ તેની ડ્યુટી પુરી થવાને ઘણી વાર હતી, પણ વાંધો નહિ... આજના મારા બધા કામ પતાવી ને જ હું આવ્યો હતો, હવે તેને મળવા અને તે પછી ઘેર જવા સિવાય બીજું કશું કામ નહોતું. ત્રણ-ચાર મહિનાથી આજ અમારો નિત્યક્રમ હતો, જે વહેલું આવતું તે બીજાની રાહ જોતું.

અચાનક પાછળથી એક સ્ત્રી મારી સામે આવીને ઉભી રહી, ને બોલી ''હાઈ ! કેમ છો?''

મેં ઊંચે જોયું ને ચમકી ગયો, તે શમીમ હતી. પણ મોં પર કશા ભાવ લાવ્યા વિના નિર્લેપતા થી અંગુઠો ઊંચો કરી ને ઈશારા થી જ મજામાં નો જવાબ આપ્યો.

તે બોલી ''ગઈકાલે જ જામનગર થી આવી, કેમ ફોન નંબર બદલી નાખ્યો છે? તમારા દોસ્ત પાસે માંગ્યો પણ આપ્યો નહિ, કહ્યું કે તમને પૂછીને આપીશ.''

''કેમ?? શું કામ હતું?''

''કશું નહિ...બસ એમ જ..વાતો કરવી હતી, ને ખાસ તો છેલ્લે છેલ્લે જે કાંઈ થયું, ગંદી ગાળો, ગંદા આરોપો વગેરે ની માફી માંગવી છે.''

''હવે? હવે યાદ આવ્યું?''

''હા, ઘણા અનુભવો થયા પછી જાણ્યું કે હું શું છોડી આવી છું...''

''કશું છોડી નથી ગઈ, બધું જ લઇ ગઈ છે…. માફી માંગવા તારી માં ને પૂછીને આવી છે? વાત સાંભળી છે કે તારી માં હજુ જીવે છે? ખરું કે'વાય, નહિ???''

''લો હસી લીધું, બસ? નહિ તો તમે પાછા કહેશો કે તારામાં સેન્સ ઓફ હ્યુમર નથી...

''હું સિરિયસ છું, ને તને હ્યુમર લાગે છે, પહેલા હ્યુમર ને તું સિરિયસલી લેતી હતી, આ પણ એક મોટું હ્યુમર છે, નહિ? માફી નહિ માંગે તો ચાલશે, જો તું મારી પાસેથી લિધેલાંમાંથી અડધું પાછું આપી દે તો.....''

તે હસી પડી, ને બોલી ''તમારી આ જ વાત મને ગમે છે. તમારી ઉંટ-પટાંગ, બકવાસ અને મોં-માથા વગરની વાતો ને હું હજુ પણ મિસ કરું છું. મારી ઈચ્છા છે કે આપણને દોસ્તીના સબંધ તો રાખવા જ જોઈએ, જો ના રાખો તો કમ સે કમ બોલ-ચાલ તો રાખજો જ.''

'' બોલ-ચાલ ! હાલ આપણે બોલી રહ્યા જ છે ને... ને તું હવે જા, તને કોણે કહ્યું કે હું અહીં છું? હું અહીં એક ખાસ વ્યક્તિ ની વાટ જોઈ રહ્યો છું.''

''તે આવશે કે તરત જ હું જતી રહીશ, કોણ છે? ફોનમાં ફોટો તો હશે ને? હું અહીં બેસી જાઉં?''

હું સહેજ ખસ્યો, તે બેસી ગઈ. આમ તો હું એક સામાન્ય અને નોર્મલ માણસ છું, જો તેની જગ્યાએ કોઈ બીજી હોતી તો જરૂર હું તેની કંપની માણતો, મને તેની સાથે બેસવાનું, વાતો કરવાનું ગમ્યું હોત, પણ શમીમ સાથે..?

બે વર્ષ માં તેનું વજન વધ્યું હતું. તે ટિપિકલ ગુજરાતી, સુખી-સંપન્ન, ગૃહિણી લગતી હતી. તેને ચુડીદાર ડ્રેસ પહેર્યો હતો.

તે બોલી '' બે વર્ષમાં તમે જરાય બદલાયા નથી, ફક્ત વાળ ઓછા થયા છે.''

''હુંહ્હ્હ ''

''મને પણ ખારી-શીંગ ખાવી છે.''

મેં કાગળનો કોન તેની તરફ કર્યો, તો તેને બે હાથ ભેગા કરીને ખોબો બનાવીને ધર્યો. મેં તેના ખોબામાં કોન ની બધી શીંગ ઠાલવી દીધી, ને કહ્યું '' બધું જ લઇ લેવાની તારી આદત ગઈ નહિ.''

તે હસતા હસતા બોલી '' હજુ જોઈશે, પુરી થાય તો બીજી લાવજો..છોડો, બીજી વાત કરીએ, હવે તો તમે ઘણા ખુશ અને સુખી હશો, ખરું ને?

''હા'' અને સામે મેં પણ વિવેક કર્યો ''તું?''

''મને જોઈને તમને શું લાગે છે?''

''કડવું બોલવાનું બંધ કર્યું છે, તેની જગ્યાએ હવે હું ચૂપ રહું છું.''

તેણે પોતાનો જમણો હાથ મારા મોં સામે લહેરાવ્યો ને, બોલી ''જોઈ આ ચાર બંગડી? પાંચ તોલાની છે, આ ચેઇન-લોકેટ, આ ઘડિયાળ કાર્ટીયરની છે, અને આ હેન્ડ બેગ D&G ની અને ફોન એપલનો છે, હજુ શું સાબિતી જોઈએ??''

''હા, તું એટલી સુખી છે કે તને બધાને કહેવું અને બતાવવું પડે છે.''

તે અચાનક જ ઉદાસ થઇ ગઈ, તેની દુખતી નસ પર મારો હાથ પડ્યો હતો.

તે પછી તે બોલતી, વાતો કરતી રહી. જરૂરી લાગ્યું ત્યાં ત્યાં હું ટૂંકા જવાબ આપતો રહ્યો ને ટૂંકા સવાલ કરતો હતો.

તે ખસીને નજીક આવી અને મને અડીને બેઠી, ને મારી જાંઘ પર હાથ મુક્યો, ને પછી મારો હાથ પકડ્યો. મારી હોજરીનું પ્રવાહી ઉછળીને મારા મોં માં આવી ગયું ને મારુ મોઢું ખાટુ થઇ ગયું. મને લાગ્યું કે મને વોમિટ થઇ જશે... હું સડાક કરતો ઉભો થઇ ગયો. તેણે બે-ત્રણ વાર સોરી બોલીને અને કાકલુદી કરીને મને ફરી બેસાડ્યો.

પરણેલી છે, મારો હક નથી, મારાથી આવું ના થાય, વગેરે જેવા ઠાલા આદર્શો મને નડતા નથી. બીજી કોઈ હોતી તો જરૂર મને ગમતું, અને હું પણ તેનો સંગાથ માણતો.. પણ શમીમ?? તે મને અડી તો સાંપને હાથ લગાડતા જેવી થાય એવી જુગુપ્સા મને થઇ,

તેની વાતોથી મને એટલું જાણવા મળ્યું કે તે માં બની નહોતી, કે હવે ક્યારેય બની શકવાની નહોતી. હવે તે ચૂપ અને નીચું માથું કરીને બેઠી હતી. થોડીવારે તે સ્વગત બબડતી હોય તેમ બોલી ''જયારે નસીબમાં હતું ત્યારે મારી નાખ્યું, અને હવે હું વલખા મારુ છું. ઉપરવાળાએ બરાબર ન્યાય કર્યો છે.''

''ઉપરવાળો? એ કોણ? તેમાં તેનો કોઈ ન્યાય કે રોલ કે વાંક નથી, તેં ડોક્ટર ગમાર પકડેલો, કે જેને કાચું કાપ્યું અને તારા ગર્ભશયમાં ઇન્ફેક્શન થઇ ગયું. અને છેવટે છ મહિનામાં જ તને ગર્ભાશય કઢાવીને ફેંકી દેવું પડ્યું. પણ હજુ ય માં બનવાના બીજા વિકલ્પ છે, જો તું ધારે તો બાળક દત્તક લઇ શકે છે.''

તેનું માથું નીચું હોવાને કારણે મને તેની આંખો જોવાઈ નહિ, પણ તે રડતી હતી. થોડીવારે તે સ્વસ્થ થઇ, અને રૂમાલથી મોં સાફ કરીને મારી સામે જોયું. હું બોલ્યો '' તારા પતિ ને તો ખબર છે ને?''

''ના''

હું આશ્ચર્ય અને આઘાત થી તેની સામે તાકી રહ્યો. ''તારા શરીરમાં ગર્ભાશય નથી, અને તે વાત તારા પતિને ખબર નથી? ખબર પડશે તો? ફરી તલાક? તમે લોકો પેદાઈશી જ ક્રિમિનલ અને ચીટર છો?''

''ખબર નહિ પડે, સિવાય કે તમે કહો. અને અમે ચીટર નથી, લગન પહેલા અમે ખુલાસો કરીએ તે પહેલા તેણે જ એવી વાત કરી દીધી કે પછી અમને કશું કહેવાની જરૂર જ રહી નહિ, ને અમને ભાવતું મળી ગયું.''

''તેણે શું કહ્યું? બાયલો છે?''

''ના, સ્પર્મ કાઉન્ટ ઓછું છે, બાપ બનવાની શક્યતા નહિવત છે.''

----- સમાપ્ત.