Shivtatva - 4 books and stories free download online pdf in Gujarati

શિવતત્વ - પ્રકરણ-4

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૪. શિવ પરિવારનો પરિચય

શિવનો પરિવાર જગતનો સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. શિવ પરિવારમાં શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને પુત્રી અશોકસુંદરીનો સમાવેશ થાય છે. શિવ પરિવાર સુખી છે તેનું કારણ પણ અદ્દભૂત છે. જો કોઈ સુખી શિવ પરિવારને તેનાં કારણો સહિત જાણીને શિવ પરિવારનું ચિંતન-મનન કરે તો તેવો પરિવાર પણ શિવ પરિવારની જેમ સાચો સુખી બની શકે.

શિવ કૈલાસ પર રહે છે ત્યાં કોઈ ભવન બનાવવામાં આવ્યું નથી. ન કોઈ છત, ન કોઈ દીવાલ અને ન કોઈ દરવાજા. તેમ છતાં કૈલાસ જેવું શાંત, રમણીય અને પવિત્ર નિવાસસ્થાન અન્ય કોઈ દેવનું નથી. તેનો અર્થ એ થાય કે જ્યાં શાંતિ છે, જ્યાં કુદરતની રમણીયતાઓ રહેલી છે અને જ્યાં પવિત્રતા છે તેનાથી સુંદર અન્ય કોઈ નિવાસ સ્થાન ન હોઈ શકે.

શિવ એ સમગ્ર જગતનો આત્મા છે. પાર્વતી એ પ્રકૃતિ છે, શિવના તેજથી અને પાર્વતીના ગર્ભથી જન્મેલ તથા જન્મતાંની સાથે જ જે ગર્ભના છ ટુકડાઓ કરવામાં આવ્યા હતા તે ષડ્‌વદન કાર્તિકેય સાક્ષાત્‌ કર્તવ્યકર્મોનું સ્વરૂપ છે. માણસનું કર્તવ્ય શરીરથી, મનથી, વાચા, ઈન્દ્રિયોથી, બુદ્ધિથી અને છઠ્ઠી ચેતના શક્તિથી નભે છે તેથી તે ષડ્‌વદન કહેવાય છે વળી કાર્તિકેયનું ગર્ભાવસ્થાથી જ શિવ પાર્વતીથી અલગ પડીને કૃતિકાઓના હાથે પાલન-પોષણ થાય છે તે કથા દર્શાવે છે કે કર્તવ્ય પ્રકૃતિ અને પુરુષથી જન્મ્યા પછી પણ તેને કર્મપ્રધાન કૃતિકાઓના હાથે જ સંસ્કારિત થવું પડે છે. શિવપુત્ર કાર્તિકેયના જીવનની સમગ્ર કથાઓ કર્તવ્યપરાયણ છે. કર્તવ્યને શું-શું સહેવું પડે છે અને કર્તવ્યનું કેમ વહન થઈ શકે છે તે કથાને વિસ્તારથી જોવા માગતી વ્યક્તિએ સ્કંદપુરાણમાં આપેલી કથાઓને તેના તત્ત્વાર્થ સાથે સમજવી જોઈએ.

શિવ જ્યારે ધ્યાનાવસ્થામાં અંતર્મુખી બન્યા અને કાર્તિકેય પોતાના કર્તવ્યમાં વ્યસ્ત થયા ત્યારે ફરી એકલી પડેલી પાર્વતી ખિન્ન અને ઉદાસ હતી. કૈલાસ પર નીરવ શાંતિ હતી. જે દીર્ઘકાલીન શાંતિથી કંટાળેલા ઋષિઓ અને દેવતાઓની પ્રાર્થનાથી પાર્વતીએ મૂર્તિ રૂપે એક રચના કરી અને કલ્પવૃક્ષથી તેમાં પ્રાણ પૂર્યા. આ રીતે શિવપુત્રી અશોકસુંદરીની ઉત્પત્તિ થઈ, પરંતુ ન તે શિવના તેજથી પેદા થઈ છે કે ન તો શિવના વીર્યથી, અશોકસુંદરીની ઉત્પત્તિમાં શિવનું અનુમોદન માત્ર છે, પ્રયાસ નહીં. ઋષિએ અશોકસુંદરીને આશાનું પ્રતીક ગણાવી છે. જ્યારે આત્મા અંતરાભિમુખ હોય અને કર્તવ્ય તેના કર્મમાં વ્યસ્ત હોય ત્યારે નિરસ થયેલી પ્રકૃતિમાં આશાઓ નવો ઉમંગ જગાડે છે. શિવપુરાણ અને સ્કંદપુરાણમાં વર્ણવાયેલ અશોકસુંદરીનું ચરિત્ર જો આશાઓ અને કામનાઓ સાથે જોડીને જોવામાં આવે તો તેમાં રહેલું તત્ત્વ સમજી શકાય તેમ છે.

શિવપુત્ર ગણેશની તત્ત્વાર્થ ચર્ચા અગાઉના પ્રકરણમાં કરવામાં આવી છે. જે મુજબ ગણેશ એ ગુણો અને જ્ઞાનના અધિપતિ છે.

શિવપુત્રી અશોકસુંદરીનાં લગ્ન નહુષ સાથે થતાં તે તેના પતિગૃહે જતી રહી છે. પરંતુ ગણેશ અને કાર્તિકેય શિવ-પાર્વતીની સાથે કૈલાસ પર નિવાસ કરે છે. આશાઓ તો માણસમાં આવે છે અને જાય છે. આશા માણસને નવો ઉમંગ આપે છે, પણ સદા સાથે નથી રહેતી. જ્યારે જ્ઞાન અને કર્તવ્ય સદા માણસની સાથે રહે છે.

શિવના સેવકોમાં નંદી અને શિવગણો સિવાય કૈલાસ પર કોઈ અન્ય સેવકોને રાખ્યા નથી. આપણી કહેવત છે કે ‘‘ઝાઝા રસોઈયા રસોઈ બગાડે’’ તે રીતે ઝાઝા સેવકો પણ ઝાઝી પરેશાની ઊભી કરે. પોતાના આપ્તજનો સિવાયના વધુ લોકો વચ્ચે પરિવારનું સુખ ન રહે.

શિવ પરિવારના દરેક સભ્યો પોતપોતાનાં કર્તવ્યોને સારી રીતે નિભાવે છે. શિવ જગતના દુઃખ દૂર કરવા માટે હરહંમેશ તેના તપમાં તત્પર રહે છે. પાર્વતી શિવસહિત પરિવારની સેવામાં રહે છે. ગણેશજી જગતનો જ્ઞાનપથ ઉજ્વલિત કરવા શાસ્ત્રો લખે છે અને જ્ઞાનથી જગતને રિદ્ધિસિદ્ધિ આપતા રહે છે. કાર્તિકેય દેવ સેનાના સેનાપતિ પદે રહીને પોતાની શસ્ત્રવિદ્યાથી સત્કર્મોનું રક્ષણ કરતા રહે છે. જ્યારે નંદી સહિતના શિવગણો શિવ પરિવાર અને કૈલાસની સેવામાં રત રહે છે. જે બતાવે છે કે પોત પોતાના કર્તવ્યમાં રત રહીને જીવતો પરિવાર જ સુખી રહી શકે.

કૈલાસ પર નિત્ય ધ્યાન અને સત્સંગ થાય છે. શિવ જ્ઞાનસભામાં વિવિધ વિષયો ઉપર પોતાનું જ્ઞાન વહેંચતા રહે છે અને સહુને માર્ગદર્શિત કરતા રહે છે. પરિવારના મોભી પાસે જે જ્ઞાન હોય તેનો પોતાના પરિવાર સાથે વાર્તાલાપ અવશ્ય કરવો જોઈએ. રોજ નહીં તો મોકો મળે ત્યારે પણ પરસ્પરનો સત્સંગઅને સારા વિષય ઉપરની ચર્ચાઓ પરસ્પર સ્નેહ વધારતી રહે છે.

કૈલાસ પર ભોજન માટે સહુ સાથે બેસે છે. કોઈના પંક્તિભેદ કે ભોજન-ભેદ કરવામાં નથી આવતો. એકસાથે બેસીને જમી શકે તે પરિવારમાં જ સહુ એકબીજાને પરસ્પર ગમી શકે. એકપંગતે બેસીને કરવામાં આવતું સાદું ભોજન પણ એકબીજા વચ્ચે જેટલી આત્મીયતાને વધારે છે તેટલી આત્મીયતા અલગ અલગ બેસીને ખવાતા પકવાનો ક્યારેય નથી આપતા.

કૈલાસ પર પહોંચનાર દરેક અતિથિનું સમગ્ર શિવ પરિવાર દ્વારા સ્વાગત કરાય છે. અતિથિ સ્વરૂપે આવેલા કોઈનું ક્યારેય પણ અપમાન કે તિરસ્કાર થતા નથી. ઘરના આંગણા સુધી આવેલ દરેકને યથાયોગ્ય રીતે આવકારી શકે તેવો પરિવાર સહુનું આદરમાન મેળવીને સુખેથી જીવી શકે.

આપણા પરિવારો પાસે સુવિધાનાં ભૌતિક તમામ સાધનો છે. સુંદર ભવનો વગરે બધું જ છે છતાં શિવ પરિવાર જેવાં સુખશાંતિ નથી. માત્ર સાધન સુવિધાઓથી સુખી થવાતું નથી. સુખનું સાચું કારણ પારિવારિક જીવનમાં પરસ્પરનો સ્નેહ, પ્રેમ, આત્મીયતા, પવિત્રતા, કર્તવ્યભાવ અને સમર્પણ હોય છે, પરંતુ આપણી મુશ્કેલી એ છે કે આપણે સાધનો અને સુવિધાઓ તો ખરીદી શકીએ છીએ. પરંતુ સ્નેહ-પ્રેમ ક્યાંય રેડીમેઈડ વેચાતા મળતા નથી. તે તો ત્યારે જ સંભવે છે જ્યારે જ્ઞાન અને કર્તવ્ય સહિત માણસની પ્રકૃતિ શિવરૂપી આત્માની સાથે નિવાસ કરતી હોય.

જે પરિવાર શિવનું તેના પરિવારસહિત સ્મરણ-પૂજન કરે છે તે પરિવાર ‘કિટભ્રમરન્યાયે’ સ્નેહ-પ્રેમ, પવિત્રતા, કર્તવ્યભાવ વગેરે જેવા ગુણો સહજતાથી મેળવે છે. શિવજીને તેના પરિવારસહિત યાદ કરે તે પરિવાર અવશ્ય સુખશાંતિ મેળવે છે. તેનાં ક્લેશ-કંકાસ અને દુઃખ-દારિદ્રયનો નાશ થાય છે.

Share

NEW REALESED