Shivtatva - 5 books and stories free download online pdf in Gujarati

શિવતત્વ - પ્રકરણ-5

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૫. શિવ અને શંકર વચ્ચે શો તફાવત છે ?

ઘણી વખત લોકો પ્રશ્ન ઊભો કરે છે કે શિવ અને શંકર એ બંને એક જ છે કે જુદા-જુદા ? અમુક ધર્મ અને પંથના લોકો પણ શિવ અને શંકરના રૂપમાં ભેદ બતાવે છે. અમુક લોકો કહે છે કે શિવ એ નિરંજન નિરાકાર છે, જ્યારે શંકર આકારી છે. શિવ એ કલ્યાણકારી છે, જ્યારે શંકર વિનાશકારી છે, શિવ પરમધામ નીવાસી છે, જ્યારે શંકર કૈલાસનિવાસી છે. શિવ એ જ પરમ પિતા છે અને પુરાણોએ જે શંકર, મહાદેવ, પાર્વતીપતિ, ઉમાપતિ, કૈલાસનિવાસી વગેરે નામોથી જે વાત કરી છે તે શિવથી જુદા છે. શિવલિંગ સ્વરૂપે પૂજાય છે અને શંકર મૂર્તિમંત સ્વરૂપે.

અમુક લોકો પુરાણોના આધારે પણ શિવ અને શંકરના રૂપમાં ભેદ કરે છે. તેઓ કહે છે લિંગપુરાણની કથા અનુસાર નારાયણ અને બ્રહ્માને પોતાના મહિમાનું દર્શન કરાવવા એક તેજપુંજ સ્વરૂપ લિંગની ઉત્પત્તિ થઈ. જે એટલું વિરાટ હતું કે બ્રહ્મા અને નારાયણ તેનો તાગ લેવા માટે ઉપર અને નીચે તરફ ગયા.પરંતુ સો વર્ષ પણ તે લિંગનો તેઓ ક્યાંય અંત પામ્યા નહીં. આખર શિવે પ્રગટ થઈ બંનેને પોતાના અનંત સ્વરૂપનું જ્ઞાન આપ્યું. તે શિવ જ આદિ અનાદિ પરમેશ્વર છે. શિવ એકમાત્ર બ્રહ્મ સ્વરૂપ છે, જેનો કોઈ આકાર, આદિ, મધ્ય કે અંત નથી. ‘‘શિવૈકો બ્રહ્મરુપત્વ નિષ્કલહ પરિકિર્તીત.’’

ઘણા લોકો વિષ્ણુપુરાણની કથાના આધારે કહે છે કે બ્રહ્માએ સૌ પ્રથમ સૃષ્ટિ સર્જન માટે ચાર પુત્રોને પોતાની માનસિક શક્તિથી ઉત્પન્ન કર્યા. જે સનતકુમારો તરીકે પ્રસિદ્ધ છે. તે ચારે પુત્રોને બ્રહ્માએ સૃષ્ટિસર્જન માટે આજ્ઞા કરી, પરંતુ તેઓ બ્રહ્મઉપાસના સિવાયના કોઈ કર્મમાં પડવા માગતા ન હોવાથી તેમણે સૃષ્ટિસર્જન અને વિસ્તાર માટે ના કહી. જે સમયે બ્રહ્માની આજ્ઞાનું ઉલ્લંઘન થતાં તેમને ક્રોધ ઊપજ્યો અને તેમના તે ક્રોધમાંથી રુદ્ર દેવોની ઉત્પત્તિ થઈ. જે ભવ, શર્વ, ઈશાન, ભીમ, પશુપતિ, ઉગ્ર અને મહાદેવ નામથી વિખ્યાત થયા.

આ રીતે ઘણી વખત પોતાના પંથ-સંપ્રદાયોની માન્યતાઓ મુજબ અને ઘણી વખત પુરાણોમાં કહેવાયેલી કથાઓના આધારે લઈને શિવ અને શંકર વચ્ચે ભેદ કરવામાં આવે છે. પરંતુ મારા મતે આ પ્રકારનો ભેદ કરવો ઉચિત નથી. આ પ્રકારના ભેદો શાસ્ત્રોનું તાત્પર્ય નહીં સમજી શકવાના કારણે છે. કોઈ વાસ્તવિક નથી. શિવ અને શંકરના ખરા સ્વરૂપને નહીં ઓળખનારા લોકો આવી વાતો કરી રહ્યા છે. જે શિવ-શંકરની ભક્તિ કરનારા ભક્તજનો માટે ભ્રમમાં નાખનારી છે. જેને શાસ્ત્રોના અસલ તાત્પર્ય સાથે ઓળખી લેવી જરૂરી છે. જો પુરાણો શિવ અને રુદ્રના રૂપમાં કોઈ ભેદ માનતા હોત તો શિવપુરાણમાં રુદ્રસંહિતાનું અલગ-અલગ ખંડોમાં વર્ણન કરવામાં આવ્યું ન હોત, પરંતુ શિવપુરાણે વિવિધ ખંડોમાં રુદ્રસંહિતા વર્ણવી છે.

વળી જો શિવ અને શંકરે એ બંને અલગ વ્યક્તિત્વ કે અલગ ભગવાન હોત તો શિવસહસ્ત્ર નામાવલીમાં શિવ, હર, મહાદેવ, ત્રિલોચન, રદ્ર, પુષ્કર, પુષ્પલોચન, નિલકંઠ, ચંદ્રમૌલિ, મહેશ્વર, ઉપાપતિ વગરે જેવા નામોનુ વર્ણન કરવામાં આવ્યું ન હોત તેમ જ શિવને પ્રસન્ન કરવા વેદોએ રૂદ્રીની રચના ન કરી હોત અને બ્રાહ્મણો રૂદ્રી કરાવતા ન હોત.

જે લોકો કહે છે કે શિવ નિરંજન નિરાકાર છે અને શિવની પૂજા શિવલિંગથી જ થાય છે, તેમ જ શિવલિંગની પૂજા એ મહાદેવની પૂજા નથી, તેમણે સમજવું જોઈએ કે લિંગ પણ એક આકાર છે. સ્થૂળલિંગ જ નહીં સૂક્ષ્મલિંગ પણ એક આકારિત છે. લિંગનો અર્થ જ આકાર અથવા દેહ થાય છે. માણસમાત્રમાં પણ સ્થૂળદેહ સિવાયના સૂક્ષ્મદેહની ગણતરી કરવામાં આવી છે, જે રીતે મૂર્તિ કે દેહ કોઈ આકારની અભિવ્યક્તિ કરે છે તે રીતે લિંગ પણ આકારની જ અભિવ્યક્તિ કરે છે. આકારની કલ્પના કર્યા વગર પૂજા ન થઈ શકે તેમ જ આકારની કલ્પના કર્યા વગર કોઈ સ્મરણ પણ ન થઈ શકે પરા પૂજા સ્તોત્રમાં શંકરાચાર્યજી લખે છે :

‘‘સ્થિતેદ્વિતીયભાવેકસ્મન્કથં પૂજા વિધિયતે.’’

દ્વૈત અને આકારની કલ્પના વગર પૂજા શક્ય નથી. કોઈ પૂજ્ય હોય અને કોઈ તેનો પૂજક હોય ત્યારે જ પૂજા અસ્તિત્વમાં આવે છે. પૂજ્ય-પૂજકના દ્વૈત વગર પૂજા શક્ય નથી.

જે લોકો કહે છે કે શિવ કલ્યાણકારી છે અને શંકર વિનાશકારી, તેમણે સમજવું જોઈએ વિનાશ અને સંહાર પણ કલ્યાણકારી હોઈ શકે છે. મૃત્યુ વગર નવો જન્મ ન થઈ શકે. કાલની વિદાય વગર આજ ન સંભવી શકે. જૂનાનો નાશ કર્યા વગર તેની જગ્યાએ નવું ન બની શકે. દરેક વિનાશ અકલ્યાણકારી હોય છે તેમ માનવું પણ ખરું નથી. મહાદેવના હાથે જે વિનાશ થાય છે તેનાથી કલ્યાણકારી તો બ્રહ્માનું સર્જન પણ નથી. દુઃખ વિપત્તિ, આતંક, અત્યાચાર, શોક, ઘડપણ, રોગ વગેરે બધું જ વિનાશ થાય તેમાં જ કલ્યાણ રહેલું છે. મહાદેવના હાથે જે કલ્યાણ સંહાર થાય છે તેથી જ તેઓ શિવ કહેવાય છે.

જે લોકો કહે છે કે શિવ પરમધામનિવાસી છે અને મહાદેવ કૈલાસનિવાસી તેમણે એ વાતને સમજી લેવી જોઈએ કે કૈલાસ અને શાસ્ત્રોએ ઊંચાઈ અને પવિત્રતાના પ્રતીકરૂપે મહાદેવનું નિવાસસ્થાન કહ્યું છે. શાસ્ત્રોએ આપેલા રૂપક દૃષ્ટાંતને સમજ્યા વગર આપણે તેને ભૌગોલિક બનાવવાનો પ્રયાસ કરવો ઉચિત નથી. જે મહાદેવને પુરાણો સર્વ વ્યાપક કહે છે, ભક્તોના હૃદયમાં રહેનારા કહે છે તેને ફક્ત કૈલાસ પૂરતા સિમિત બનાવવા યોગ્ય નથી.

વળી જે લોકો પુરાણોની વાતોને લઈને ભેદ કરે છે તેમણે સમજવું જોઈએ કે વિવિધ પુરાણોએ અલગ-અલગ સમયે વિવિધ તત્ત્વોનું મહત્ત્વ સમજાવવા જે વાત કરી છે તેના યોગ્ય તાત્પર્યને સમજવામાં ન આવે તો અખો કહે છે તેમ ‘‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’’ જેવા જ હાલ થાય છે. વિષ્ણુપુરાણ કહે છે કે બ્રહ્માની ઉત્પત્તિ નારાયણની નાભિથી ઉત્પન્ન થયેલા કમળથી થઈ. જ્યારે વરાહપુરાણની કથા છે કે હિરણ્યાક્ષ પૃથ્વીને લઈને સમુદ્રમાં જતો હતો ત્યારે પૃથ્વીની રક્ષા માટે ચિંતિત બ્રહ્માની નાસિકાથી વરાહની ઉત્પત્તિ થઈ. વરાહ એ નારાયણનું રૂપ છે. નારાયણનો જ અવતાર છે. બ્રહ્માની નાસિકાથી જન્મ લેવાના કારણે વરાહ નાના અને બ્રહ્મા મોટા અથવા તો વરાહ નિમ્ન અને બ્રહ્મા ઉચ્ચ તેવી કોઈ વાત શાસ્ત્રોએ નથી કરી. શાસ્ત્રો તો કહે છે કે પોતાની જ નાસિકાથી ઉત્પન્ન થયેલા વરાહની બ્રહ્મા પૂજ્યભાવે સ્તુતિ કરે છે.

તેવી રીતે રીતે બ્રહ્માથી ઉત્પન્ન થવાના કારણે રૂદ્ર એ બ્રહ્માથી નાના અને નિમ્ન કોટીના દેવ છે તેમ સમજવું પણ યોગ્ય નથી. આદિ, અનંત અને અજન્મા મહાદેવનાં ઘણાં રૂપ છે. શિવ પણ એ જ છે અને શંકર પણ એ જ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તેનાજ જ રૂપો છે. સમગ્ર વિશ્વ તેનું જ રૂપ છે. ‘‘એકમેવા અદ્વિતીયં બ્રહ્મ’’ એક જ બ્રહ્મ છે તેવી વેદવાણી છે. ત્યારે ખોટા તર્ક-વિતર્કથી શિવ અને શંકર વચ્ચે ભેદ કરવો ઉચિત નથી. વિવિધ રૂપમાં ઐક્યભાવનું દર્શન કરવું અને ઐક્યભાવમાં જ વિવિધ રૂપોને જોવાં તે ભારતનું અભેદ દર્શન છે. ત્યાં ભેદ દર્શનને કોઈ સ્થાન નથી.