Nail Polish - 2 books and stories free download online pdf in Gujarati

નેઈલ પોલિશ

નેઇલ પોલિશ

પ્રકરણ - ૨

મુંબઈ પહોંચીને પત્ની કૃતિ અને પુત્ર સ્મિત સાથે ડિનર લીધું. આજે કૃતિ ખુબ ખુશ હતી. આઠ દિવસનો વિરહ આજે પૂરો થયો હતો. બીજી સારી વાત એ હતી કે શોભરાજ આજે પહેલીવાર પ્રોમિસ કરેલા સમયાનુસાર ઘરે આવ્યો હતો. પુત્ર સ્મિત સાથે રમતા રમતા અને વાતો કરતા કરતા આખું પરિવાર ક્યારે નિંદ્રાધીન થયું એ ખબર જ ના પડી.

આજે શોભરાજ રોજ કરતા વહેલા ઉઠ્યા. ઓફિસ વહેલા પહોંચીને ગઈ કાલના ફોટોશૂટ નું એ નિરીક્ષણ કરવા માંગતો હતો. ગઈ કાલની એક એક ઇન્સ્ટ્રક્શન અને ગાઈડન્સ ના શબ્દો એના કાનમાં પાછા ગુંજવા લાગ્યા અને ખાસ એ જ કારણથી એ ફોટાઓને ઓબઝર્વ કરવું જરૂરી હતું. ગઈ કાલે પહેલી વાર એના અહંકારને ઠેસ લાગી હોય એવું એને થતું હતું કારણ બેસ્ટ ફોટોગ્રાફર તરીકે એનું નામ હતું. બીજા સારા સારા એ ધંધાના જાણકારો પણ એને ચેલેન્જ કરી શકતાં નહોતા. કોઈને એને ગાઈડ કરવાની હિમ્મત નહોતી.

કેમેરાઓને સિસ્ટમ સાથે જોડી દરેક વિડિઓ અને ફોટાઓને ડાઉનલોડ કરી રહ્યો હતો. એની ફોટો લેબ એક લેટેસ્ટ લેબ હતી. ઈમ્પોર્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી સજ્જ હતી. સૌથી પહેલા તો એને ગઈ કાલે છેલ્લે લીધેલા શૂટ જોવા હતા, ઓબઝર્વ કરવા હતા કે એવું તે શું થયું કે એને કોઈક અદૃશ્ય અપરિચિત અવાજને સરેન્ડર કરી ફોટો શૂટ કર્યું હતું.

એક એક ફોટો બહુજ અદભુત રીતે શૂટ થયો હતો. વાહ ! ક્યા બાત હૈ, Excellent જેવા શબ્દો શોભરાજથી બોલાઈ રહ્યાં હતાં. આસિસ્ટન્ટ શાંતિથી પાછળ ઉભો જોઈ રહ્યો હતો. એનાથી પણ અનાસયે બોલાઈ ગયું Extraordinary sir !

આજે પહેલીવાર એણે એવા અદભુત ફોટાઓ જોયા હતાં. કામ ભલે એણે કર્યું હતું, પણ આઈડિયા તો ચોક્કસ બીજાનો હતો એનો એણે એહસાસ થયો. આપણાં કરતા પણ કોઈ શ્રેષ્ઠ ફોટોગ્રાફર છે એ વાત માની ગયો.

પણ એ કોણ હતું ? તદ્દન અપરિચિત, અદૃશ્ય ? શું હતું એ ? કોઈની પ્રેરણા ? મનની ભ્રાંતિ ? ના ભ્રાંતિને અવાજ ક્યા હોય ? ઈલ્યુઝન તો ના જ હોઈ શકે. કોઈ રૂહ તો નહિ હોયને ? ઘણા બધા પ્રશ્નો એના મગજમાં ઉછળી રહ્યાં હતાં. મુખ્ય પ્રશ્ન હતો કોણ હતું એ ? એની મદદ કરવા પાછળ કે ગાઈડ કરવા પાછળ શું હેતુ હતો ?

બિલીપત્ર ફાર્મ માં લીધેલા બધા ફોટો શૂટ અને વિડિઓ શૂટને પોતાની અદ્યતન લેબ કોમ્પ્યુટર્સમાં ડાઉનલોડ કર્યા બાદ આગળના કામની શરૂઆત કરવાની હતી. પોતાના ટેકનિકલ સ્ટાફ જોડે મિટિંગો થઇ અને લીધેલ પ્રોજેક્ટને કેવી રીતે સુંદર ઓપ આપવો એનો દોર ચાલુ થયો. કામ સંપૂર્ણ ક્રિએટિવિટી માંગી લે એવું હતું. કોઈ પણ બાંધછોડ કરવી નહિ એ નક્કી થયું અને દરેક ટિમ શોભરાજના ગાઈડન્સ અનુસાર કામે લાગી.

થોડાક દિવસોમાં કાચી પ્રિન્ટ એપ્રુવલ માટે તૈયાર કરાઈ. તે અંગેનું પ્રેઝન્ટેશન શોભરાજે જાતે તૈયાર કર્યું, કારણ શોભરાજનો લંડનની વિદેશી કંપની સાથેનો આ પહેલો પ્રોજેક્ટ હતો. શોભરાજનું કામ જો એમને ગમી જાય તો બીજા ઘણાં ઓર્ડર મળી શકે એમ હતું કારણ એ મલ્ટીનેશનલ કંપની હતી.

સમયસર થઇ રહેલા કામથી અને ઉત્તમ ક્વાલિટીના કામ થી શોભરાજ આજકાલ ખુબ જ આનંદમાં રહેતો હતો એટલે આજે રોજ કરતાં વહેલો ઘરે ગયો. પત્ની કૃતિ ખુશ હતી. રાત્રે ડિનર બાદ શોભરાજે બિલીપત્ર ફાર્મના સુંદરતાની તથા શૂટિંગની વાત કૃતિને કરી. કૃતિ પણ એક સુંદર શિક્ષિત ક્રિએટિવ થીંકીંગવાળી સ્ત્રી હતી. મોડેલિંગ અને ડિઝાઇનિંગ એની હોબીઓ હતી. શોભરાજ અને કૃતિ ઘણીવાર ચર્ચાઓ કરતા અને શોભરાજને પણ એની ટિપ્સ ગમતી. બિલીપત્ર ફાર્મની વાતથી કૃતિને એ જોવાની ઈચ્છા થઇ. સુંદર જગ્યાઓ એને ગમતી. સુંદરતા, સુંદરતા ઉપર વારી ગઈ ! એમનો દિકરો સ્મિત જયારે પપ્પા-મમ્મી વાત કરતા ત્યારે ખુબજ ધ્યાનથી સાંભળતો. સ્મિતને એ વાર્તાઓ જેવું લાગતું. વેકેશનમાં બિલીપત્ર ફાર્મની એક અચૂક મુલાકાત લેવી એવું નક્કી થયું.

શોભરાજ અને એની ટિમ તૈયાર કરેલ પ્રિન્ટ અને પ્રેસેંટેશન સાથે લંડન રવાના થઇ. શોભરાજના પ્રેસેંટેશન, વિડિઓ અને ફોટોશૂટથી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ખુબ જ ખુશ થયા. ચીફ એક્ઝિક્યુટિવ ઉમરવાળી અનુભવી વ્યક્તિ હતી. શોભરાજના કામથી પ્રભાવિત થઇ પચાસ ટકા પેમેન્ટ તાત્કાલિક કરવાં કહ્યું. શોભરાજનું કામ જોઈને એમને વીતી ગયેલ વર્ષોના કંપની માટે ઉત્તમ ફોટોગ્રાફર તરીકે કામ કરી ગયેલ ફેમસ ડિનો ઉર્ફે દિનકરરાય અને જોશ ઉર્ફે જયનું સ્મરણ થયું. ભૂતકાળમાં આ બંને ઇન્ડિયન બાપ દિકરાએ વિદેશની ભૂમિ ઉપર પોતાનું અને ઇન્ડિયાનું નામ રોશન કર્યું હતું. આવનાર બીજા પ્રોજેક્ટનું કામ પણ શોભરાજને મળશે એવું પ્રોમિસ પણ કર્યું. ફાઇનલ પ્રિન્ટ્સ વહેલી આપવા કહ્યું જેથી એમની પ્રોડક્ટ લોન્ચ કરી શકાય.

લંડનથી પાછાં ફરી શોભરાજે ખુબ જ ઝડપથી પ્રોજેક્ટ ઉપર કામ શરુ કરી દીધું. દરેક નાની મોટી હકીકતો કાળજી પૂર્વક પ્રેઝન્ટ કરી, પ્રોજેક્ટનું કામ ફાઇનલ થયું અને લંડનના કંપનીને પણ જાણ કરાઈ. એમની પ્રોડક્ટ લોન્ચ થવાં એક દિવસ આગળ શોભરાજની ટિમ પહોંચી જશે જેથી ફાઇનલ પ્રિન્ટ પણ એ જોઈ શકશે અને પ્રોડક્ટ લોન્ચ વખતે શોભરાજની હાજરી હોવી એ લોકો માટે જરૂરી હતું.

પ્રોડક્ટ લોન્ચ થઇ અને એની ખુબ વાહ વાહ થઇ સાથે સાથે શોભરાજે પ્રોડક્ટની જે એડ બનાવી હતી તેની ખુબ પ્રશંસા થઇ. શોભરાજની સાથે એની પત્ની કૃતિ પણ ખુબજ ખુશ હતી. સમારંભમાં આવેલા કંપનીઓ સાથે પણ મળવાનું અને મિટિંગો કરવાનું નક્કી થયું.

બીજા દિવસે ત્યાંના છાપાઓમાં શોભરાજના ફોટાઓ પણ છપાયા હતા. વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલ સ્વર્ગસ્થ દિનકરરાય ઉર્ફે ડિનો ના પત્ની ઉર્મિબેન ટી વી ઉપર એ નવી જાહેરાત જોઈ બહુજ ખુશ થયા, કારણ એ એડમાં એમનું ફાર્મ - બિલીપત્ર ખુબ સરસ ઝળકતું હતું. બે ત્રણ દિવસ બાદ ઉર્મિબેને શોભરાજને ખુબ ખુબ બધાઈ આપી. આજ સુધી શોભરાજ જોડે ફક્ત વાત જ થઇ હતી પરંતુ છાપામાં છપાયેલા શોભરાજના ફોટાએ ઉર્મિબેન ને બધાઈ આપવા મજબુર કર્યા. એની પાછળ ભૂતકાળનું ખાસ મોટું રહસ્ય હતું.

હવે ઉર્મિબેન જોડે શોભરાજ વાતચીત આસાનીથી કરી શકે એવો માહોલ તૈયાર થયો હતો. એક દિવસ પોતાની પત્ની કૃતિને બિલીપત્ર ફાર્મ ની મુલાકાત લેવી છે એ માટે પરમિશન માંગી તો ઉર્મિબેને હસતા હસતા બહુજ સહજ રીતે હા પાડી દીધી અને એના ફોટાઓ પણ ખાસ મોકલવા વિનંતી કરી.

એક દિવસ શોભરાજ, કૃતિ અને સ્મિત બિલીપત્ર ફાર્મ પહોંચી ગયા. આખો દિવસ ફાર્મના ખૂણે ખૂણે ખુબ ફર્યા. ફરતાં ફરતાં બંનેએ ઘણા ફોટાઓ લીધા - પોતાની મેમરી માટે અને ઉર્મિબેનને ખાસ મોકલવા માટે. આ વખતે એમની નાસ્તા તથા જમવાની વ્યવસ્થા બંગલાના નોકરે કરી હતી. કદાચ ઉર્મિબેને નોકરને વાત કરી રાખી હશે. પરંતુ આ વખતે પણ બંગલો લોક કરેલ હતો. શોભરાજે આ વખતે બંગલો જોવાની ઉત્સુકતા નહિ બતાવી. સાંજે થાકીને પાછા ફર્યા. બંગલાનો નોકર એમના માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવા ગયો તે દરમિયાન શોભરાજે એના શૂટિંગના ઓટો કેમેરા પેલા બંને વડનાં શૂટિંગ માટે ચુપચાપ સિફતથી ગોઠવી દીધા હતાં એ જાણવા કે ત્યાં સાંજ પહેલા દિવા કોણ કરે છે અને બંગલાનો નોકર મેઈન ગેટ બંધ કરી ત્યાંથી છટકી જવા કેમ માંગે છે ? શોભરાજ એ રહસ્ય જાણવા ખુબ ઉત્સુક હતો જે એના મગજમાં ઘુમરાયા કરતુ હતું.

શોભરાજની ફેમિલી માટે બિલીપત્ર ફાર્મ ની મુલાકાત ખુબજ આનંદદાયક હતી. કૃતિ તો ત્યાંનું સૌંદર્ય જોઈને એમ કહેતી હતી કે હું તો જાને સ્વર્ગ ફરી આવી. કૃતિ માટે આ એક યાદગાર પ્રવાસ હતો. ઘરે આવીને એમણે ફક્ત ડિજિટલ કેમેરાથી લીધેલા ફોટાઓ જ જોયા. ફોટાઓ જોતા કૃતિ ક્યારે સુઈ ગયી એની ખબરજ ના પડી, પરંતુ શોભરાજને કંઈક તાલાવેલી હતી કે ઓફિસમાં જઈ એ છુપાવીને લીધેલ વડના ઝાડની વિડિઓ શૂટિંગ જોવાની ! આ શૂટિંગ અંગે એને કૃતિને જરા પણ જાણ થવાં દીધી ના હતી. એટલે એને એ વિડિઓ ઘરે ન જોવો એવું નક્કી કર્યું હતું.

(ક્રમશઃ)