Nail Polish - 10 books and stories free download online pdf in Gujarati

નેઈલ પોલિશ

નેઇલ પોલિશ

પ્રકરણ – ૧૦

થોડી વાર પછી કૃતિ નાહીને બહાર આવી અને શોભરાજને નાહી લેવા કહ્યું. નાના સ્મિતે પણ પપ્પા સાથે નાહવાની જીદ પકડી અને બંને નાહવા ગયા. કૃતિ હવે બહાર બેસી વાળ સુકવી રહી હતી અને એની નજર ઓરડામાંથી બહાર આવી રહેલાં બોલ ઉપર પડી. આખા બંગલામાં ત્રણ શિવાય કોઈ હતું નહિ, તો આ બોલ ઓરડામાંથી બહાર કેવી રીતે આવ્યો એ જોવા એ ઓરડા તરફ જતી હતી અને રવજી એ પૂછ્યું – “બેન નાસ્તો અને ચા લઇ આવું ?”

કૃતિએ કહ્યું - "એક દસેક મિનિટ પછી લાવશો તો ચાલશે, સાહેબ નાહવા ગયા છે".

“સારું” - એમ કહી રવજી ત્યાંથી જતો રહ્યો.

કૃતિએ ફરી પાછી પોતાની નજર એ ઓરડા તરફ કરી તો ત્યાં બોલ હતો જ નહિ.

પોતાને કેમ આવી ભ્રાંતિ થઇ રહી છે એની ગડમથલમાં પડી અને ખુદ જોડે જ વાત કરવા લાગી. જો કોઈ અપશુકનિયાળ જગ્યા હોત તો રાત્રે હેરાન થાત, બીક લાગત, પરંતુ એવું તો રાત્રે કઈ બન્યું નહિ... અરે મુંબઈ કરતા અહીં સારી ઊંઘ આવી. ચાલો હશે એમ કહી તે બંગલાની બીજી દિશામાં ફરવા લાગી. કેટલીક છબીઓ જોવા લાગી. કેટલાક ઓરડાઓને તાળું મારી બંધ રાખેલ હતા. એકંદરે બંગલો આલીશાન અને ભવ્ય હતો. આખો બંગલો જોવામાં ખાસ્સો સમય જાય એવું હતું.

નાસ્તા બાદ ત્રણે જણા મુખ્ય એન્ટ્રસ તરફ ફરવા નીકળ્યા. ગેટ પાસે આવ્યા ને જોયું તો એક સાધુ પોતાનો સમાન એકઠો કરી ત્યાંથી નીકળવાની તૈયારીમાં હતો. શોભરાજને જોઈ ઉભો રહ્યો.

“બેટા, રાતકો હમ યહી બરગત કે પેડ કે નીચે સોયે થે. બહોત પવિત્ર જગહ હૈ ! વનદેવીકા વાસ હૈ યહાં ! સાક્ષાત પ્રકૃતિ કે દેવિકા સ્થાન હૈ. મનકી મુરાદ પુરી હોગી. તેરા કલ્યાણ હોગા”.

સાધુના શબ્દો સાંભળી બંને એ સાધુને નમસ્કાર કરવા નીચે વળ્યાં અને નજર ઊંચી કરી તો સાધુ ત્યાં હતો જ નહિ. ખરેખર ચમત્કાર હતો. આમતેમ જોયું, પણ પલકવારમાં કોઈ ગાયબ શી રીતે થઇ શકે ? જે હોય તે એમ કરી કંઈક પોઝિટિવ આશીર્વાદ કે સમાચાર આપતા ગયા, સત્ય જણાવતા ગયાં. કંઈક નિરાંત અનુભવાઈ. ત્યાંથી બહારના અને આજુબાજુનો નજારો સ્કેચ સાથે સરખાવી, બપોરે જમવા માટે બંગલામાં પરત ફર્યા.

જમીને કૃતિ અને સ્મિત સુઈ ગયાં. શોભરાજ દીવાનખંડમાં સ્કેટચની સ્ટડી કરી અમુક બાબતોને ચકાસી રહ્યો હતો અને પાછું સવારની જેમ એની પાસેથી કોઈ પસાર થયું અને સવારે સાંભળેલ શબ્દો અને એજ અવાજ કાને પડ્યો.

"મારો કેમેરો જુઓને ...." મારો કેમેરો જુઓને...!”

શોભરાજ પાછો પોતાના કામમાં પરોવાયો. થોડાક મિનિટો બાદ એની સામેથી એક બોલ પસાર થઇ પાછળના ઓરડાના દરવાજા પાસે અટકી ગયો. એ ઓરડા તરફ ગયો. ઓરડો ખુલો હતો. થોડોક જૂનો સામાન પડ્યો હતો. દરવાજાની બાજુમાં એક ટેબલ હતું. શોભરાજે આમતેમ જોયું પણ ખાસ કઈ હતું નહિ. એ અંદર ગયો ... ટાઇલ્સ ઉપર કંઈક લોહીનાં સુકાઈ ગયેલાં ડાઘાં હતા. બહાર નીકળી રહ્યો હતો ને એ જ અવાજ હવે કોઈ રડતાં રડતાં બોલાતું હોય તેમ સંભળાયો.

"ઉ...ઉ.… મારો….. કેમેરો… જુઓને ...." મારો…… કેમેરો… જુઓને...!”

હવે શોભરાજ ખરેખર ચમક્યો. એણે હિમ્મતથી ઓરડામાં ફરવા માંડ્યું. આમતેમ નજર દોડાવી કે અહીં કોઈક કેમેરો છે અને એણે શોધવાનો છે. લગભગ બધું જોઈ લીધા પછી પણ કંઈ મળ્યું નહિ અને એ રવજીભાઈ ને બોલાવવા જતો હતો ને એનો પગ ટેબલના એક પાયામાં ઠોકાયો. નીચે વાળીને જોયું તો ટેબલના પાયાની તદ્દન અંદરથી કેમેરો ગળામાં લટકાવામાં વપરાતી લેસ (Strap) દેખાઈ, એની ચાલાક નજરોએ લેસના આધારે કેમેરો અંદર હશે એ નક્કી કરી નાખ્યું. લેસ ઉપર Nikon લખેલ હતું. નીચે વળીને જોયું તો ટેબલના પાયાના દીવાલ તરફના એક ખૂણામાં એક કેમેરો પડ્યો હતો. એના ઉપર ધૂળ જામી ગયેલ હતી.

કેમેરો બહાર કાઢી જોયો તો એ ખુબ જ નાનો પણ લેટેસ્ટ કેમેરો હતો. એણે તરતજ કેમેરો બહાર આવી પોતાની બેગમાં છુપાવી દીધો. એની નજીકથી પાછી એક હવાની લહેર પસાર થઇ અને જાણે કાનમાં કહેતી ગયી....થેંક્યુ… થેંક્યુ વેરી મચ !

હવે શોભરાજનું હૃદય જોર જોરથી ધબકતું હતું. કારણ જેટલા પણ શૂટિંગના કે ફોટોગ્રાફીના શોટ બિલીપત્ર ફાર્મ ઉપર લીધા હતા, એમાં નવીનતા હતી, કંઈક ચમત્કારિક હતું. છેલ્લી વડની શૂટિંગ પણ અજાયબી હતી એના માટે. તેમાં વળી પાછો આ કેમેરા ? કેમેરો અત્યારે ચાલુ કરી શકાય એવો નહોતો. કેમેરો કૃતિને બતાવવો નહિ એવું નક્કી કર્યું. શોભરાજે કેમેરાવાળા સપનાની વાત આજ સુધી કૃતિને કરેલ નહોતી. મનમાં ખુબ તાલાવેલી હતી.

શોભરાજે હવે લગભગ પોતાનું કામ આટોપી લીધું હતું. કૃતિ અને સ્મિતની ઊંઘ પુરી થઇ અને તેઓ બહાર આવ્યા. શોભરાજે પોતાનો સ્ટડી પુરી થયાની વાત કરી અને નીકળવા માટે પેક અપ કરવા કહ્યું. બંને બેડરૂમમાં સામાન પેક કરતા હતા અને બહાર નાનો સ્મિત એની નવી ફ્રેન્ડ જોડે રમી રહ્યો હતો. હસવા કુદવાનો અવાજ આવ્યો અને રવજીભાઈ રસોડામાંથી દીવાનખંડમાં બે બાળકો જોઈને દંગ થઇ ગયા.

રવજીભાઈને બાય બાય કરી શોભરાજની ગાડી બિલીપુડી ફાર્મથી બહાર નીકળી.

રાત્રે સપનામાં શોભરાજે વડનું જે શૂટિંગ કર્યું હતું, તેમાં એક સુંદર સ્ત્રી દેવી સ્વરૂપમાં દેખાઈ હતી તે સ્ત્રીએ કહ્યું "હું વનદેવી છું. મારો પવિત્ર વાસ આ વનમાં છે આ જગ્યાએ છે. સવારે સાધુના રૂપે મેં જ તમને આશીર્વાદ આપ્યા. વનમાં સતત ફરતી રહેતી એક નાની બાળકી રોજ મારા સ્થાન પર દીવો કરે છે”

શોભરાજના એક શંકાનું રહસ્યનું નિરાકરણ થયું. તે પોતાને તદ્દન હળવો ફૂલ જેવો મહેસુસ કરી રહ્યો હતો.

શોભરાજ સવારે એકદમ ફ્રેશ ઉઠ્યો. બીજા દિવસે સવારે શોભરાજે પોતાના સ્ટુડિયો પહોંચી કેમેરાને રિચાર્જ કર્યો અને પોતાના રૂમમાં જ એના ફોટાઓ જોવાનું નક્કી કર્યું. કેબીનને બંધ કરી સેક્રેટરીને કોઈ ડિસ્ટર્બ ના કરે એવી સૂચના આપી. કેમેરાના ફોટાઓ મોનીટોરમાં જોયા તો એરકન્ડિશન કેબિનમાં પણ એ પસીને રેબઝેબ થઇ ગયો. એ અત્યંત વિચલિત કરે એવા ફોટાઓ હતા. ફોટાઓમાં કોઈક રહસ્ય કે અઘટિત ઘટના ઘટી હોય એવું લાગતું હતું.

ઉર્મિબેનને તાત્કાલિક મળવા માટે ફોન કર્યો. રાત્રીના ફ્લાઈટની ટિકિટ પણ મળી ગયી. બીજા દિવસે ઉર્મિબેનને મળ્યો અને એણે એ કેમેરો ઉર્મિબેનના હાથમાં મુક્યો. ઉર્મિબેન કેમેરો ઓળખી ગયા. એમનાથી એક જોરદાર ડૂસકું લેવાઈ ગયું. આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા.

શોભરાજે આજ સુધી એની સાથે ઘટિત બધી વાતો કરી. કેમેરાના ફોટાઓની વાત કરતાજ એમની આંખોમાં એક જીજ્ઞાશા દેખાઈ. એમણે શામજીભાઈને ફોન કરી બોલાવ્યા.

આજ સુધી શોભરાજ દિનકરરાય ને મળી શક્યો નહોતો, કારણ એ અંગે ઉર્મિબેને ક્યારેય કોઈ વાત કરી નહોતી. હવે વાત કરવી જરૂરી લાગ્યું. એમણે દિનકરરાય પથારીવશ છે એ વાત કરી અને પછી એમની જોડે મુલાકાત કરાવવાની વાત કરી.

શામજીભાઈ તરતજ દોડતા આવ્યા. શોભરાજને જોઈ તેઓ અચાનક વિસ્મયમાં પડ્યા. કંઈક બોલે તે પહેલા ઉર્મિબેને આંખનો ઈશારો કર્યો અને બેસવા કહ્યું. શામજીભાઈનો પરિચય કરાવતાં ઉર્મિબેને કહ્યું આ શોભરાજ. ઈન્ડિયાથી આવ્યા છે કંઈક કામ અંગે. ઉર્મિબેને શામજીભાઈને બધી હકીકતથી વાકેફ કર્યા અને ત્રણે જણા એક કોમ્પ્યુટરવાળા રૂમમાં કેમેરાના ફોટા જોવા માટે હાજર થયા. ફોટા જોતા ઉર્મિબેન અને શામજીભાઈ ગળગળા થઇ ગયા. ગુન્હેગારને પકડવા માટે કેમેરાના ફોટોગ્રાફ લંડન પોલીસને આપવા પડશે એવું નક્કી કર્યું. ચાલાક શોભરાજે કેમેરાના બધા ફોટો રૂમના કોમ્પ્યુટરમાં કોપી કરી લીધા. કેમેરો પોલીસને આપવાનું નક્કી થયું. શામજીભાઈએ પોલીસને ફોન કર્યો.

(ક્રમશઃ)