Larger Than Life - Mahatma books and stories free download online pdf in Gujarati

લાર્જર ધેન લાઈફ – મહાત્મા

લાર્જર ધેન લાઈફ – મહાત્મા

રંગ દે બસંતી” ફિલ્મના છેલ્લા સીનમાં રેડીયો સ્ટેશન પરથી અમીરખાન ચોટદાર વાત કરે છે: જીંદગી જીને કે દો હી તરીકે હોતે હૈ; એક – જો હો રહા હૈ, હોને દો, બર્દાશ્ત કરતે જાઓ. યા ફીર, જિમ્મેદારી ઉઠાઓ ઉસે બદલને કી. Choice is yours. લાઈફના દરેક તબક્કે ઉપલબ્ધ ઓપ્શનમાંથી કોઈ એક પસંદગી ફરજિયાત કરવી પડતી હોય તો બેસ્ટ ઓપ્શન શા માટે ન પસંદ કરવો! Life is a chance and you have to prove your chance. લાર્જર ધેન લાઈફ એ આપણા જેવા સામાન્ય જનમાંથી જ ઉપર ઉઠતું વ્યક્તિત્વ છે. દિલમાં એકવાર કીક વાગી જાય પછી આખુંય આયખું એના નશામાં નીકળી જાય. બીલકુલ આપણા જેવો એકદમ સામાન્ય માણસ કેવી રીતે અચાનક લાર્જર ધેન લાઈફ બની જાય એની વાત કરવી છે, એક ગુજરાતીની વાત કરવી છે. વીસમી સદીના મહાનાયકની વાત કરવી હોય તો એક જ નામ યાદ આવે અને એ છે મહાત્મા ગાંધી.

મહાન ઋષિ આલબર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિરૂપે અર્પણ કરેલા શબ્દો કઈક આવા હતા, “આવનારી પેઢીઓને એ વાતનું આશ્ચર્ય થશે કે હાડચામનો બનેલો આવો માણસ પણ પૃથ્વી પર ચાલતો હતો!” માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા જેવા એ સમયના મહાન સમકાલીનોએ જેમના ચરિત્રમાંથી પ્રેરણા લીધી હતી એ ગુજરાતી ગાંધી ગ્લોબલ આઈકોન બની ગયા, લાર્જર ધેન લાઈફ બની ગયા. ચન્દ્રકાન્ત બક્ષી કહેતા કે, “ગાંધીની સૌથી વધુ અવગણના ગુજરાતીઓએ જ કરી છે. આવી એલફેલ વાતો શિવાજી કે કોઇ બીજા વિશે કરી હોય તો કદાચ જીવી પણ ન શકાય.” જો કે એનાથી કઈ ગાંધીની બ્રાંડ વેલ્યુમાં ઘટાડો નથી થતો. વિશ્વમાં એવો ભાગ્યે જ કોઈ દેશ હશે જે ગાંધીજીથી સાવ અજાણ હોય! એક લીડરમાં કેવા ગુણ હોવા જોઈએ એના અભ્યાસ માટે ગાંધીજી શ્રેષ્ઠ ઉદાહરણ બની શકે તેમ છે. બહોળા વર્ગને પોતાના પ્રભાવ નીચે લાવવામાં સફળ રહ્યાં હતાં અને હિંદુસ્તાનની બહુમતી પ્રજાના પ્રતિનિધિ હતા.

મોહન (મોહન કરમચંદ ગાંધી) અને માધવ (કૃષ્ણ વસુદેવ યાદવ) ની સરખામણીની લાલચ અહીંયા ટાળી નથી શકતો. બંનેએ આજીવન લોકકલ્યાણ માટે જીવન સમર્પિત કર્યું. બંનેએ આસાનીથી મળતા સિંહાસનને લાત મારી અને જ્ઞાનની ઉપાસના કરી. મોહન પોતાના પુત્ર હરિલાલને અને માધવ પોતાના પુત્ર સામ્બને સુધારી ન શક્યા. બંનેએ જીવનના અંત સુધી સત્યની સાધના કરી અને આજીવન એમાં કોઈ જ બાંધછોડ ન કરી. મોહનનું સત્ય ‘અહિંસા થકી જનકલ્યાણ’ હતું જ્યારે માધવનું સત્ય ‘પરીત્રાણાય સાધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્’ હતું. કોમ્યુનિકેશન સ્કિલ બંનેની જોરદાર હતી જેનો એ સમયના સંગઠનોને ભરપૂર લાભ મળ્યો. કૃષ્ણ સુદર્શન ચક્ર રાખતા અને મોહન રેટીયો ચક્ર રાખતા. કૃષ્ણએ તીરથી અને ગાંધીએ ગોળીથી દેહ છોડ્યો. ગાંધીજીએ સત્યની સાધનામાં હંમેશા શુદ્ધ સાધનનો આગ્રહ રાખ્યો હતો જ્યારે કૃષ્ણે સ્થળ-કાળ પ્રમાણે માનવકૃત નિયમોની ક્યારેક અવગણના કરીને ય ધર્મની રક્ષાનો પ્રયાસ કર્યો.

તરુણ વયમાં કુતૂહલ વૃત્તિથી જુગાર અને માસ-મદિરા પર હાથ અજમાવી ચૂક્યા હતા. વેશ્યાના કમરાની અંદર સુધી પણ ભાઈબંધોને લીધે પહોચી ગયા હતાં. (જો કે ધક્કા મારીને બહાર કાઢી મુકાયા હતાં.) સામાન્યથી ય ઉતરતા લાગતા આવા માણસને જર્મનીના બર્લીનમાં રેડીયો સ્ટેશન પરથી સુભાષચંદ્ર બોઝે મહાત્માનું સર્ટીફીકેટ આપ્યું. ૧૯૩૯ માં સુભાષચંદ્ર બોઝ સળંગ બીજી વાર ગાંધીજીના ઉમેદવારને હરાવીને કોગ્રેસ પ્રમુખ બનેલા અને બાદમાં વિરોધને લીધે રાજીનામું આપીને ફોરવર્ડ બ્લોકની રચના કરી હતી. આવા મતભેદો હોવા છતાં ૧૯૪૩ માં મહાત્માનું સર્ટીફીકેટ આપવું એ સમજણ વગરના કહેવાતા ગાંધીદ્વેષીઓના ગાલ પર કચકચાવીને મારેલો તમતમતો લાલચોળ તમાચો છે.

દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરીયા જતી ટ્રેનમાં ગોરાએ મારિત્ઝબર્ગ સ્ટેશન પર ગાંધીજીને સામાન સાથે લાત મારીને બહાર ફેકાવી દીધા. એકદમ નેગેટીવ લાગતી ઘટનામાંથી પોઝીટીવ પાવરનો ફોર્સ ધરાવતો એક માણસ ઊગી નીકળ્યો. આવી અપમાનિત ક્ષણોમાં સત્યાગ્રહીનો જન્મ થાય છે અને ત્યાંના હિંદી વિરોધી કાયદાને રદ કરાવે છે. સરકારનો વિરોધ કરવાનો પણ પલટવાર નહિ કરવાનો. એક નવા જ પ્રકારના શસ્ત્રનો આવિષ્કાર થયો. અહિંસા નામક શસ્ત્રને પહેલી વાર આટલી ઘાતકી રીતે પણ ઉપયોગ કરી શકાય એવો ખ્યાલ લોકોને આવ્યો. વકીલાત જેવા પ્રોફેશનમાં પણ પ્રમાણિકતાનું કેવી રીતે બ્રાન્ડીંગ કરી શકાય તેનો દાખલો બેસાડ્યો. કોઈપણ કેસ વકીલ તરીકે લડતા પહેલા અસીલની ઉલટ તપાસ કરતા અને સાચો કેસ લાગે તો જ લડતા અને જો અધવચ્ચે ખોટી માહિતીનો ખ્યાલ આવે તો કેસ પડતો મુકવાની લટકતી તલવાર તો ખરી જ. શરૂઆતમાં ગણ્યાં-ગાઠ્યાં હિંદી જ ગાંધીજી પાસે આવતા. ગાંધીજીની ચોકસાઈને લીધે ચુકદાઓમાં વિના કારણે થતો વિલંબ ટળવા લાગ્યો અને રીઝલ્ટ ફેવરમાં આવતા થયાં. આથી ગોરાઓ પણ ગાંધીજી પાસે આવવા લાગ્યાં. શરૂઆતમાં તકલીફો સહન કરવી પડી પણ પ્રમાણિકતાને વળગી રહેવાથી અલગ પ્રકારની ઈમેજ ઊભી કરીને ફેમસ થઈ ગયા.

ભારત આવીને ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ પ્રમાણે ભારત ભ્રમણ કર્યું અને દેશની દારુણ દુર્દશા જાતે નિહાળી. ગાંધીની વિચક્ષણ નજરે પારખી લીધું હતું કે અત્યાર સુધીની કોગ્રેસ માત્ર અમુક વર્ગ પુરતી જ સીમિત હતી. ગરીબો અને વંચિતોના પ્રશ્નોને કોઈ સ્થાન જ નહોતું. ચંપારણ સત્યાગ્રહ વખતે એમણે જોયું કે લોકોને ગંદકીમાં રહેવાનું કોઠે પડી ગયું છે જેથી અનેક રોગોને અકારણ આમંત્રણ આપે છે. ગાંધીજીએ રીતસરનું સ્વચ્છતા માટે અભિયાન ચલાવ્યું. ખાલી ફોટા પડાવવા માટે નહીં પણ રોજ જાતે સફાઈ કરીને શ્રમયજ્ઞનો મહિમા કર્યો જે આજીવન જાળવી રાખ્યો. એટલે આજે પણ સ્વચ્છતા અભિયાનના તેઓ બ્રાંડ એમ્બેસેટર છે. અગ્રેજો સામેના સત્યાગ્રહ એ સામાજિક સુધારણા આંદોલન વધું લાગતા હતા. એ સમયમાં કેટલાય પ્રકારના ભેદભાવો હતા. જાતિ, છૂત-અછૂત, જમીનદાર-ગણોત વગેરે… અસ્પૃષ્યતા નિવારણ માટે સૌથી મોટું યોગદાન ગાંધીજીએ આપ્યું હતું. એ સમયમાં જ્યારે સવર્ણો અછૂતના પડછાયાથી પણ દૂર ભાગતા હતા ત્યારે હરિજન એવું નામ આપી લક્ષ્મી નામની તેમની દિકરી દત્તક લઈ સામાન્ય પ્રવાહમાં જોડવાનો નવેસરથી પ્રયોગો ચાલું કર્યા અને તે અમુક અંશે સફળ પણ રહ્યાં.

અસહકાર પહેલાની લડત સ્થાનિક અને પ્રાયોગિક હતી. સરકાર સામેના ચંપારણ અને ખેડા સત્યાગ્રહ સફળ રહ્યાં હતાં. શસ્ત્ર હતું અહિંસા. આને કાયરતા બીલકુલ ન ગણી શકાય. વિરોધ કરવાનો પણ શસ્ત્ર વગર. લાઠી મારે કે ગોળી, ચુપચાપ સહન કર્યે જવાનું. અસહકાર આંદોલન શહેરમાંથી ઉડીને ગાંમડા સુધી વાયુવેગે ફેલાયું હતું. કારણ એક માત્ર હતું કે ગાંધીનો પ્રભાવ દેશવાસીઓના દિલ સુધી પહોચ્યો હતો. શહેરની ચળવળ ગાંમડા સુધી પહેલી વાર આગની જેમ ઝડપથી પ્રસરી હતી. અગ્રેજોએ પોતાને સહાયક થવા માટે કારકુન બનાવતી ફેક્ટરી સમાન શિક્ષણ પદ્ધતિનો ઉલાળીયો કરી સ્વદેશી સ્કૂલ અને કોલેજો ચાલું કરી અને સાથે-સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપી ભાષાની અણમોલ સેવા કરી. સ્વદેશી વસ્તુ અપનાવવાની ઝુંબેશ ચલાવીને દેશીઓને ઉત્પાદન માટે પ્રોત્સાહન આપી સ્વાવલંબી બનાવ્યાં. ચરખા ચક્રથી ખાદી કાંતીને સમગ્ર દેશમાં ક્રાંતિની આગ વાયુવેગે ફેલાવી. ડરેલા, લાચાર, આત્મવિશ્વાસ વગરના હિંદીઓમાં પહેલી વખત ખુમારીનું તેજ પ્રગટ થયું. જમીનદારો અને પોલીસથી શોષાતી પ્રજાએ ડરનો અંચળો ફેકી દિધો અને અંતરમાં અભયનો દીવો પ્રગટાવ્યો. હવે જેલમાં જવાનો કોઈ જ ભય નહોતો. જેલમાં જવું એ ગૌરવ ગણાવા લાગ્યું. ખુલ્લે આમ સરકાર વિરુદ્ધ બોલવાનું ચાલું થયું હતું. અગ્રેજો પણ ગભરાયેલા હતા. આવો વિરોધ પહેલી વખત જોયો હતો. કોઈ જ પ્રતિકાર નહિ કરવાનો અને વિરોધ પણ કરવાનો.

સત્યાગ્રહનો મુખ્ય પાયો અહિંસા હતો. ચૌરાચોરીમાં પોલીસકર્મીઓને જીવતા સળગાવીને હિંસાની ચરમસીમા વટાવી ચૂકેલા લોકો અહિંસાનું મૂલ્ય નહોતા સમજ્યાં એટલે આ લડત પાછી ખેંચવાની ગાંધીજીને ફરજ પડી. આનો વિરોધ એ સમયે પણ હતો અને આજે પણ છે. શુદ્ધ ઉદ્દેશ (આઝાદી) પ્રાપ્ત કરવા સાધન (અહિંસા) પણ શુદ્ધ હોવુ જોઈએ. હિંસા આચરીને મૂળભૂત સિદ્ધાંતમાં બાંધછોડ કરવા સામે એવું પણ જોખમ રહે કે સ્વદેશી સરકાર સામે ય હિંસાના શસ્ત્રનું ચલણ કાયમી બને અને લોકશાહી જોખમાય. આ પછીના ‘ના-કર’ અને ‘ભારત છોડો’ સત્યાગ્રહમાં પણ સુધારણા કાર્યક્રમ ચાલું રહ્યાં. ભારતને આઝાદી મળી ત્યારે સત્તાને લાત મારીને કલકત્તામાં હિન્દુ મુસલમાનના દંગાને રોકવા ઉપવાસ પર બેઠા હતા. ગાંધીજી ભારતમાંથી અલગ પાકિસ્તાનના સખ્ત વિરોધી હતા પણ સરદાર પટેલે સમજાવ્યાં કે નિર્બળ અખંડ ભારત કરતા વહેંચાયેલું સબળ અને સુખી ભારત વધારે સારું. આજની પરિસ્થિતિ જોતા એ વાત સાચી પણ લાગે છે. અમુક નિર્ણયો આજે કદાચ ખોટા લાગતા હોય તો પણ ગાંધીજીના યોગદાનને ન તો અવગણી શકાય કે ન તો ગાંધી વગરના ભારતની કલ્પના કરી શકાય.

ગુજરાતની બ્રાંડ, ગાંધી લોકલ મટીને ગ્લોબલ બની અને તેના પ્રકાશને અજવાળે લોકશાહી એટલી પુખ્ત બની કે આજે ય ટકી રહી છે. ગુજરાતી તરીકે ગ્લોબલ ગાંધી પણ ગુજરાતી હતો એનો ગર્વ છે. સામાન્ય માણસમાંથી ઉપર ઉઠીને શ્રેષ્ઠતા પામવાનો અધિકાર ગાંધીજીનો સુવાંગ થોડો છે! આપણો પણ એટલો જ છે. બેક સ્ટ્રીટ બોયઝના ઈગ્લીશ ગીતના શબ્દો દિલમાં ઉતારવા જેવા છે, “તું કીચડમાં ભલે હોય પણ ઉપર ઉઠવાનો પ્રયાસ તો કર; તારી આસપાસ પરિસ્થિતિ ખરાબ હોય તો તેને સુધારવાનો પ્રયત્ન તો કર; જો એ પ્રયત્ન કરી શકે તો તું જ ‘લાર્જર ધેન લાઈફ’ છે.”

બર્નીંગ થોટ્સ:

ભારતે ગાંધીને દક્ષિણ આફ્રિકામાં મોકલ્યા,દક્ષિણ આફ્રિકાએ તેમને મહાત્મા બનાવીને પાછાં મોકલ્યા. (નેલ્સન મંડેલા)

વિનીંગ શોટ:

બાબુમોશાઈ, જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહિ. (આનંદ ફિલ્મ)

***