Mai fir bhi tumko chahunga books and stories free download online pdf in Gujarati

મૈં ફિર ભી તુમકો ચાહુંગા... મૈં ફિર ભી તુમકો ચાહુંગી...

મૈં ફિર ભી તુમકો ચાહુંગા... મૈં ફિર ભી તુમકો ચાહુંગી...

રાકેશ ઠક્કર

કોલેજના સૌથી જાણીતા પ્રેમી પંખીડા દર્વીન અને નર્તના આગામી વર્ષે પરણી જવાના હતા. કોલેજના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. અંતિમ વર્ષમાં બંને એકબીજાની વધુ નજીક આવ્યા હતા અને સહજીવન માટે સંમત થયા હતા. તેમની સમાંતર બીર્વાન અને જતનાની મૂંગી લવસ્ટોરી ચાલી રહી હતી તેનો બંનેને જરા પણ અણસાર ન હતો.

દર્વીનનો ખાસ ફ્રેન્ડ બીર્વાન તેના પડછાયાની જેમ સાથે જ રહેતો હતો. જ્યારે નર્તનાની બાળ સખી જતના પણ તેના પાલવને અડીને જ ચાલતી હતી. એ કારણે બીર્વાન અને જતનાની આંખો મળી ગઇ હતી. બંને વધુ પડતા શરમાળ હતા. બીર્વાન તો છોકરો થઇને છોકરી કરતાં વધુ શરમાળ હતો. જ્યારે જતના છોકરીઓ કરતાં વધુ શરમાળ હતી. અને આજ કારણે છેલ્લા બે વર્ષથી બંને એકબીજા સામે અસંખ્ય વખત આવ્યા હોવા છતાં પ્રેમને દિલમાં ભંડારીને બેસી રહ્યા હતા. બંનેના શરમાળ સ્વભાવને કારણે દર્વીન અને નર્તનાએ કલ્પના પણ કરી ન હતી કે તેમના પ્રેમના વૃક્ષ નીચે બીજી એક પ્રેમની વેલ ઉગી નીકળી હતી. બંને બિંદાસ હતા. કોલેજમાં અભ્યાસ વખતે સહાધ્યાયી બની રહેતા અને ક્લાસમાંથી બહાર નીકળી કેમ્પસમાં આવ્યા પછી પ્રેમીપંખીડા બની જતા. ક્યારેક કલાકો સુધી એકબીજાની સામે જોઇ રહેતા અને વાતો પણ કરતા. બીર્વાન અને જતના તેમને ખલેલ ના પહોંચે એટલે કોલેજ છૂટતી વખતે જ મળતા હતા. અને એ બહાને તેમની પણ આંખો ચાર થઇ જતી હતી. એ નયનસુખ માટે બંને આખો દિવસ રાહ જોતા હતા.

બીર્વાને શરમાળ સ્વભાવને કારણે દર્વીન સમક્ષ જતના પ્રત્યેના પ્રેમની વાત ક્યારેય કરી જ નહીં. દર્વીન જાણતો હતો કે બીર્વાન પૈસાદાર બાપનો પુત્ર હોવાથી કોઇ મોટી પાર્ટીની છોકરીને પરણી જવાનો હતો. એટલે એ વિશે ચર્ચા કરતો ન હતો. આ તરફ જતનાને નર્તના પાસેથી વાતવાતમાં જાણવા મળ્યું હતું કે બીર્વાન કરોડપતિ બાપનો દીકરો હોવાથી કોઇ હીરોઇન સાથે લગ્ન કરી શકે છે. અને જતના ગરીબ પિતાની એકની એક દીકરી હોવાથી મોટા ઘરની વહુ બનવાનું વિચારી શકે એમ ન હતી. તેને એટલી સમજ પણ હતી કે કોઇ કરોડપતિ પિતા તેના ઘરમાં સુદામા જેવા માણસની પુત્રીને લાવે નહીં.

કોલેજના છેલ્લા દિવસે દર્વીન અને નર્તના બધા દોસ્તોને મળ્યા અને લગ્નનું આમંત્રણ મળે એટલે અચૂક આવવાનું વચન મેળવી છૂટા પડ્યા હતા. ત્યારે બીર્વાન અને જતના પણ વિચારી રહ્યા હતા કે કાશ તેઓ પણ તેમના લગ્નમાં આવવાનું આમંત્રણ આપી શક્યા હોત. કોલેજકાળ દરમ્યાન હાય- હેલોથી વધુ વાત કરી ન શકેલા બીર્વાન અને જતનાને આ ઘડી વસમી લાગી રહી હતી. બંને મનોમન મૂંઝાતા હતા. કોઇ રીતે કંઇક વાત કરવી જોઇએ એવું દિલમાં થતું હતું. પણ બંનેના દિલની વાત હોઠ પર ના આવી તે ના જ આવી.

કોલેજ પૂરી થઇ ગઇ. બધા વિખેરાઇ ગયા. બીર્વાન અને જતના હવે એકબીજાને યાદ જ કરી શકતા હતા. બંનેનું મળવાનું બંધ થઇ ગયું હતું. હવે દર્વીન અને નર્તનાના લગ્નમાં મળવાની એક જ તક મળવાની હતી. પણ એ બંનેના લગ્ન લંબાઇ ગયા હતા. તેમણે સગાઇ કરી લીધી હતી પણ વધુ ભણવાના હોવાથી બે વર્ષ પછી લગ્ન કરવાના હતા. બીર્વાનને તો પિતાનો બીઝનેસ હોવાથી એમાં જોડાઇ ગયો હતો. અને જતનાએ પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ઘરનું ગાડું ચલાવવા એક કંપનીમાં નોકરી સ્વીકારી લીધી હતી.

દર્વીન ક્યારેક બીર્વાન સાથે અને નર્તના વારતહેવારે જતના સાથે મોબાઇલ પર વાત કરી દોસ્તીને ટકાવી રહ્યા હતા. વ્યસ્તતાને કારણે તેઓ ખાસ મળી શકતા ન હતા.

દર્વીન અને નર્તના એકબીજાને મળતા ત્યારે બીર્વાન અને જતના વિશે સામાન્ય ખબર મેળવતા.

એક દિવસ દર્વીને કહ્યું કે બીર્વાન છોકરીઓ જોઇ રહ્યો છે. તેના પિતાએ અનેક છોકરીઓ બતાવી પણ તે કોઇને હા પાડી શક્યો નથી. આપણે તેને મળવું પડશે.

થોડા દિવસ પછી દર્વીન અને નર્તના બીર્વાનની ઓફિસ પર પહોંચી ગયા. બીર્વાને તેમને આવકાર આપ્યો. કોલેજની યાદોને વાગોડીને થોડી દેશ-દુનિયાની વાતો કર્યા પછી બીર્વાને માહિતી આપતાં કહ્યું કે આવતીકાલે પપ્પાએ એક છોકરી જોવાનું ગોઠવ્યું છે પણ તેને કોઇ રસ નથી. અને તે પિતાને નારાજ કરી શકે એમ ન હોવાથી છોકરીઓ જોવાનું ચાલુ રાખવાનો છે. તે હજુ પણ એટલો અંતર્મુખી હતો કે જતના વિશે વાત કરી ના શક્યો. ત્યારે દર્વીને કહ્યું કે જો તેને યોગ્ય લાગે તો પોતે નર્તના સાથે હાજર રહેવા માગે છે. બીર્વાન આ જાણીને ખુશ થઇ ગયો. તેણે કહ્યું :"તારી કંપની હશે તો મને રાહત રહેશે. મારી એટલી ફેવર કરજે કે હું ના પાડું તે કારણ ખોટું હશે પણ સાચું હોવાનું સાબિત કરવા સાથ આપજે. હું નથી ઇચ્છતો કે મારી મરજી વગર કોઇ છોકરી સાથે લગ્ન કરી તેની જિંદગી બગાડું."

બીજા દિવસે દર્વીન અને નર્તના સમય પહેલાં તેના ઘરે પહોંચી ગયા. બીર્વાને પિતા સાથે બંનેની ઓળખાણ કરાવી. થોડીવાર પછી છોકરીવાળા આવ્યા. બીર્વાનના કેટલાક સગાંને એ વાતની નવાઇ લાગી કે કન્યા સાડીમાં હતી અને અડધું મોઢું ઢંકાય એટલો ઘૂંઘટ હતો.

બીર્વાનના કાકાના છોકરાએ તેને મજાકમાં કહ્યું પણ ખરું કે આ તો તારાથી પણ શરમાળ લાગે છે. પણ બીર્વાને તેને કાનમાં ફૂંક મારી દીધી. "જો આ વખતે પણ હું આને ના જ પાડવાનો છું. સારું છે કે ચહેરો જોવાની ઝંઝટ જ ના રહી."

બંને પરિવારના સભ્યોએ સામાન્ય વાતચીત કર્યા પછી છોકરા-છોકરીની મુલાકાત કરવાનું ગોઠવ્યું. દર્વીન બીર્વાનને લઇ ઉપરના માળ પરના હોલમાં ગયો. નર્તના છોકરીની સાથે ત્યાં આવી અને કહ્યું કે બંને વાત કરી લો. અમે થોડીવાર પછી આવીએ છીએ.

બીર્વાન તો મોં બીજી દિશામાં રાખી બેસી ગયો. છોકરીએ ધીમેથી કહ્યું:"મારું મોં પણ નહીં જુઓ?"

"માફ કરજો, હું લગ્ન કરવા માગતો નથી. મારા પિતાના આગ્રહને લીધે છોકરીઓ જોઉં છું."

"હું પણ તમારા પિતાના આગ્રહને લીધે જ તમને જોવા આવી છું." છોકરીની આ વાત સાંભળી બીર્વાનને નવાઇ લાગી.

"મારા પિતાએ નહીં મારા કાકાએ આ જોવાનું ગોઠવ્યું છે." બીર્વાને ખુલાસો કર્યો.

"તમારા કાકા અમને તો ઓળખતા જ નથી." છોકરીએ બીર્વાનને ગુંચવ્યો.

છોકરીએ ઘૂંઘટ ઊંચો કરી હર્ષથી કહ્યું:"દર્વીન અને નર્તના જ અમને ઓળખે છે."

બીર્વાને ચોંકીને યુવતી તરફ જોયું અને એ જોતો જ રહી ગયો. સામે તેની પસંદ જતના બેઠી હતી. જતનાને જોઇને તેના દિલની સિતારના તાર રણઝણી ઉઠ્યા.

"જતના! તું અહીં કેવી રીતે?" બીર્વાન તેને જોઇને ખુશીથી પાગલ થઇ ગયો.

"સાંભળો ! તમને આખી વાત કહું. આપણે મનોમન એકબીજાને ચાહતા હતા. પણ શરમાળ સ્વભાવને કારણે એકબીજાને તો ઠીક આપણા ખાસ મિત્રો દર્વીન અને નર્તના સમક્ષ પણ આપણા પ્રેમની વાત ઉચ્ચારી શક્યા નહીં. જ્યારે દર્વીને જાણ્યું કે તમે છોકરીઓ જોઇને નકારી રહ્યા છો ત્યારે તેને થયું કે તમે જરૂર કોઇને ચાહતા હશો. અને તમારા મોબાઇલની કોલરટ્યુન "મૈં ફિર ભી તુમકો ચાહુંગા...." સાંભળ્યા પછી તે તર્ક સાચો લાગ્યો. જેવી આ વાત દર્વીને નર્તનાને કરી કે તેણે પણ યાદ કરી કહ્યું કે જતનાની મોબાઇલ કોલર ટ્યુન " મૈં ફિર ભી તુમકો ચાહુંગી...." છે. નક્કી તે પણ કોઇને ચાહે છે. અને કોલેજના સમયમાં આપણું મળવાનું થતું હતું એ યાદ આવી ગયું. નર્તના મને મળવા આવી અને મારી પાસેથી તમારા પ્રત્યેના ચાહતની માહિતી મેળવી લીધી. તમે શરમાળ પ્રકૃતિના હોવાથી કંઇ કહી શક્યા નહીં અને હું ગરીબ ઘરની હોવાથી તમારા વિશે વિચારી શકી નહીં પણ મનોમન તમને ચાહતી રહી હતી. મારી પાસેથી બધું જાણ્યા પછી બંને તમારા પિતાને મળ્યા. તેઓ તો તમારી પસંદગીને માન આપતા હતા. તેમને અમારી આર્થિક સ્થિતિનો કોઇ વાંધો ન હતો. પછી તો તમને સરપ્રાઇઝ આપવાનું નક્કી થયું...."

"ઓહ! તો તમારા બધાનું આ પ્લાનિંગ હતું!" કહી બીર્વાન હસતો હસતો નીચે ઉતર્યો. જતના પણ તેની પાછળ નીચે ઉતરી.

બંને નીચે આવ્યા પછી દર્વીન કહે:"તમે તો છુપા રુસ્તમ નીકળ્યા!"

બીર્વાન કહે:"તમે પણ ઓછા છુપા રુસ્તમ નથી."

નર્તના કહે:"જુઓ, તમારા મિલન માટે "હાફ ગર્લફ્રેન્ડ"ના ગીતની એક કોલરટ્યુન નિમિત્ત બની છે પણ હવે લગ્ન પછી તમારી કોલરટ્યુન બદલી કાઢજો. કેમકે આ ચાહતમાં હવે મરવાનું નથી જીવવાનું છે."

દર્વીને હસીને કહ્યું:"હવે "આશિકી-૨" ની "તુમ હી હો" કોલરટ્યુન રાખજો."