Dost sathe Dushmani - 7 books and stories free download online pdf in Gujarati

દોસ્ત સાથે દુશ્મની-૭

દોસ્ત સાથે દુશ્મની

ભાગ-૭

(અત્યાર સુધીના ભાગમાં આપણે જોયું કે MKC માં થયેલો બોમ્બ બ્લાસ્ટની તપાસ માટે ઇન્સ્પેકટર કુલાડી અંશુ ના ભૂતકાળમાં ડોકિયું કરે છે અને એમને એકબીજાના જીગરજાન મિત્ર એવા અંશુ અને હાર્દિક વચ્ચે દોસ્તીના ફૂલ ખીલેલા જોવા મળે છે અને છેલ્લા ભાગમાં કઈ રીતે અંશુ, હાર્દિકની એક ભૂલના લીધે મુસીબતમાં આવી જાય છે એ જોયું, હવે આગળ... )

અંશુ ના રજા પરથી આવ્યાના બે દિવસ પછી એક બીજી ઘટના બની:-

અંશુ યુટીલીટી પ્લાન્ટથી બહાર નીકળીને ડીપાર્ટમેન્ટ તરફ આવતો હતો. ત્યારે જ એકદમ એની ઉપર થી પસાર થતી લાઈન માંથી કોઈ લોખંડ ની વસ્તુ એની બાજુમા આવીને પડી. અંશુ જરા માટે બચી ગયો, નહી તો આજે એની ખોપરી જ તૂટી જાત. અંશુને આ વાત થી બહુ ગુસ્સો આવતો કે એમને કંપની તરફથી સેફટી તરીકે બૂટ, હેલ્મેટ કે ગ્લોવ્સ એમ કઈ જ મળતું નથી. અંશુકંપની જોઈન કર્યાના બીજા જ અઠવાડી માં સેફટી ટ્રેનીંગ લીધી હતી તેથીઘટનામાં શું કરવું એની માહિતી હતી. દરેક ડીપાર્ટમેન્ટ માં આ માટે “nearmiss”(થોડા માટે બચી જઉં- નિયરમિસ ) ફોર્મ હોઈ જ છે એ ફોર્મ મેનેજર પાસે થી લઇ ને એમાં ભરવામાં માંગતી વિગતો જેવી કે, ક્યાં થયું? શુંયું? (કઈક પડ્યું, કઈક વાગ્યું હોઈ કે દાઝ્યું હોઈ તો ક્યાં અંગો ને નુકશાન થયું ), ક્યાં સમયે થયું? મટીરીયલ હો તો એ કયું મટીરીયલ હતું? વગેરે વગેરે. આવા સાડી સત્તર પ્રશ્નોના જવાબ આપીને સેફટી ડીપાર્ટમેન્ટ મોકલી આપવાનું ત્યાર પછી સેફટી ડીપાર્ટમેન્ટ એના ઉપર તપાસ કરીને જરૂરી પગલા લે. જોકે એ તપાસ તો ઢોંગ માત્ર જ હતો અને વળી શટડાઉન સમયે તો કોઈ આ વાત ને ધ્યાન માં પણ ના લેતું.

અંશુ આ ફોર્મ ભરીને સેફટી ડીપાર્ટમેન્ટમાં આપી આવ્યો પણ જયારે એક અઠવાડિયા પછી એના ઉપર શું કામ થયું એ પૂછતા સંતોષકારક જવાબ ના મળ્યો અને હજી થોડા દિવસ પછી ફરી તપાસ કરવા આવવાનું કહ્યું. અંશુ આ વાત થી એકદમ નાખુશ હતો. અને ત્યારે જ અંશુ એ મનોમન એક નિર્ણય લઇ લીધો જે ત્યાર પછી એના જીવનમાં મોટું પરિવર્તન લાવવાનો હતો.

અંશુ એ એક પત્ર લખ્યો. એની એક ઝેરોક્ષ સેફટી ડીપાર્ટમેન્ટ ના HODને, એક HR ડીપાર્ટમેન્ટમાં અને એક કંપની ના પ્રેસિડેન્ટને મોકલી અને એમાં પોતાની ઓળખ છુપાવતા પોતાનું નામ ના લખ્યું.

to,

VP ઓફ MKC- મિસ્ટર કુમાર,

HR ડીપાર્ટમેન્ટ મેનેજર,

સેફટી મેનેજર

વિષય : આપણી કંપની માં કામ કરતા લોકો ની સેફટી વિશે

ગુડ મોર્નિંગ, સર! આ પત્ર યોગ્ય વ્યક્તિઓ ના હાથ માં જ આવ્યો હશે એમ માનું છું. અહિયાં મારી ઓળખ છુપાવવી જરૂરી લાગી એટલે નામ લખવાની જગ્યા એ MKC પરિવાર નો જ સભ્ય છું એમ જ માત્ર કહીશ.

આપણી કંપનીમાં સેફટી ડીપાર્ટમેન્ટ અલગ હોવા છતાં એમના કામ વિષે મને સમજ નથી પડતી. પ્લાન્ટમાં જ્યાં જોવ ત્યાં દરેક માણસ સેફટી ના એક પણ સાધન વગર જ કામ કરતી દેખાય છે. મીકેનીકલ ડીપાર્ટમેન્ટ માટે સેફટી બુટ, હેલ્મેટ અને ગ્લોવ્સ ખુબ જ જરૂરી હોવા છતાં એની સંખ્યા ટોટલ કારીગરોના પાંચમાં ભાગ કરતા પણ ઓછી છે. કંપનીમાં મોટા ભાગના વર્કરો સેફટી બુટ પેહર્યા વગર જ કામ કરે છે. ઉપરાંત સેફ્ટી ડીપાર્ટમેન્ટ પણ આના માટે કોઈ પગલા નથી ભરતી એ ખુબ ખરાબ બાબત કહેવાય.

થોડાક દિવસો પેહલા જ ઇન્સટ્રુમેન્ટ માં નવો જોઈન થયેલા છોકરાનો “nearmiss” વિષે સાંભળ્યું. એ જરાક માટે બચી ગયો. એણે ફોર્મ ભર્યું હોવા છતાં અત્યાર સુધી એના ઉપર કોઈ કામ નથી થયું. હજી થોડોક તૂટેલો ભાગ જે ઉપર જ લટકે છે તે ક્યારેય પણ બીજા કોઈ પણ કોઈ વ્યક્તિ ઉપર પડી શકે એમ હોવા છતાં એને હજી ઉતારવામાં નથી આવ્યો. સેફટી ડીપાર્ટમેન્ટ નું કામ કેટલું ઢીલું છે એ આ વાત પરથી જ ખબર પડે છે.

આ પત્ર લખવાનો મુખ્ય હેતુ માત્ર તમને જાણ કરવા માટે જ છે કે સેફટી ને બાયપાસ કરીને પ્રોડક્શન વધારવું એ કોઈના હિત માં નથી. તો આપ સૌને વિનંતી છે કે, પ્લાન્ટ માં દરેક વ્યક્તિ પાસે સેફટી ના સાધનો પૂરતા પ્રમાણમાં હોય અને તેને બધા ફરજીયાત ઉપયોગ કરે અને સેફ્ટીના બધા નિયમોનું કડક પાલન પણ કરાવે. અને સાથોસાથ કંપની ના દરેક વર્કર ને સેફટી ની તાલીમ આપવામાં આવે.

લી. MKC પરિવાર નો એક સભ્ય

અને

આપનો શુભચિંતક.

અંશુ એ આ પત્ર બીજા દિવસે કોઈને ખબર ના પડે એમ HR ડીપાર્ટમેન્ટ માં મેનેજર ના ડેસ્ક ઉપર એની 3 ઝેરોક્ષ મુકતો આવ્યો.

અંશુ બપોર ની શિફ્ટમાં આવ્યો ત્યારે હાર્દિક એ એને આ પત્ર વાળી વાત જણાવી કે કોઈ એ પરાક્રમ કર્યું છે અને આવો છુટ્ટો પત્ર પહોચાડ્યો છે. આ વાત જાણીને અંશુ મનોમન ખુશ તો થયો કે હાશ પત્ર યોગ્ય વ્યક્તિને તો પહોચ્યો છે. હવે એને માત્ર ઇંતેજાર હતો તો રિએકશન નો. શિફ્ટ માં આવતી વખતે પણ એને કંપનીના બે વર્કરોને આ વિષે કઈ બોલતા સાંભળ્યા હતા. પણ અંશુ ને એ વાત ની ખબર નહોતી પડતી કે આ વાત બહાર કઈ રીતે પહોંચી, એણે પત્ર તો માત્ર મેનેજર ના ડેસ્ક પર જ મુક્યો હતો. અંશુ ને થોડી ગભરાટ પણ થઇ કે ક્યાંક આ પત્ર કોને લખ્યો છે એ ખબર ના પડી જાય. એટલે અંશુ જ્યાં પણ આ વાત ની ચર્ચા કોઈ કરતું હોય તો ત્યાં ઉભો રહીને સાંભળતો અને વર્કરોના આ વિષે શું પ્રતિભાવ છે એ પણ. મોટાભાગના વર્કરો આ પત્ર ની વાત થી સહમત હતા કે કંપની આપણને પગાર સિવાય બીજું કઈ આપતી નથી. અને છેલ્લા થોડા સમયમાં “nearmiss ” ના બનાવો પણ વધતા ગયા હતા તો એને અટકાવવા માટે કંપની એ કોઈ વિશેષ પગલા તો લેવા જ જોઈએ. પરંતુ આ બધી ચર્ચા ના અંતમાં આ એક જ સવાલ રહેતો કે આ પત્ર લખ્યો કોણે હશે.

HR મેનેજર સવારે કામ પર આવતાની સાથે જ એમના ડેસ્ક પર પડેલ આ પત્ર અને એની 3 ઝેરોક્ષ જોયા અને વાંચ્યા. એમણે તરત જ સેફટી માં HOD ને ફોન કરીને તાત્કાલિક એમની ઓફીસમાં બોલાવી લીધા અને આ વિષે વાઈસ પ્રેસીડેન્ટ ને જણાવવું કે નહિ એના વિષે ચર્ચા કરી. આ પત્ર “suggestion box” માં આવવાની જગ્યા એ સીધો ડેસ્ક પર કેમ આવ્યું એ એમને સમજ ના પડી.

MKC માં આમ તો ચાર જગ્યાએ “suggestion box” મુક્યા છે. પરંતુ આજ સુધી એમાં એક પણ પત્ર આવ્યો નથી અને સૌથી પેહલા તો એ “suggestion box” ને જોઇને જ એક “suggestion” આપવાની ઈચ્છા થાય કે આને પણ કોઈ વાર સાફ કરાવો ,એટલું તો ધૂળિયું એ બોક્ષ રહેતું.

HR મેનેજર અને સેફ્ટીના HOD એ મીટીંગ કરી આ પત્ર નું શું કરવું એ વિચાર્યું. વાઈસ પ્રેસીડેન્ટના નામ નો પત્ર પણ ત્યાં જ હતો મતલબ કે આ વાત એમના સુધી પહોચી નથી પરતું લખવાવાળા ના કહેવા પ્રમાણે એમણે જ આ પત્ર એમના સુધી પહોચાડવાનો હતો. થોડીક ચર્ચા ના અંતે તેમણે વિચાર્યું કે. આ વાતને અહિયાં જ ડામી દેવી જોઈએ. પરંતુ પત્ર કોણે લખ્યો છે એ પણ જાણવું જરુરી હોવાથી એની છુપી રીતે તપાસ પણ કરવી પડશે. સેફટીના HOD આ જ કંપનીમાં વર્ષોથી હોવાના લીધે એમના માટે આ વાત મોટી નહોતી, પરંતુ HR મેનેજર આ વાત થી થોડા ચિંતિત હતા. અને એમાં જ એમણે એક ભૂલ કરી નાખી અને આ વાત આખા પ્લાન્ટમાં પ્રસરી ગઈ. એમના હેલ્પર ને આ પત્ર કોણ મૂકી ગયો એ પૂછવાના ચક્કર માં એમણે આખી વાત હેલ્પર ને કહી દીધી અને હેલ્પર દ્વારા વાત આખા પ્લાન્ટ માં ફેલાઇ ગઈ.

આંખા પ્લાન્ટ માં વાત ફેલાઈ જવાને કારણે જ્યાં જુવો ત્યાં આ જ વાત ની ચર્ચા ચાલતી. આ વાત વાઈસ પ્રેસીડેન્ટ ને જો બહારથી મળે તો એમની મુશ્કેલીમાં વધારે થાય અને પોતે પણ વાંક માં આવે એ વિચારીને HR મેનેજર અને સેફટી HOD એ ખુદ જ આ પત્ર વાઈસ પ્રેસીડેન્ટને પહોચાડવાનો કપરો નિર્ણય લીધો. સાથે સાથે આ પત્ર કોણે લખ્યો એના વિષે તપાસ પણ ચાલુ કરી દેવાઈ. એમાં શરૂઆત અંશુ થી જ થઇ. કારણ કે આખા પત્રમાં માત્ર એક જ કડી હતી અને એ હતી અંશુ. કારણ થોડાક દિવસ પહેલા થયેલો “nearmiss” નો કેસ અંશુ જ હતો, જેનો આ પત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ વાત ના બે દિવસ પછી અંશુ ને રજા હતી અને હાર્દિક પણ થોડી ખરાબ તબિયતના લીધે કંપની નહોતો ગયો. એટલે બંનેએ થોડી હવા ફેર માટે દમણ જવાનું વિચાર્યું અને બાઈક લઈને ઉપડી ગયા. બંને દમણ જઈને એક-એક બીયર ની બોટલ લઈને દરિયાકિનારે બેઠા હતા ત્યાં અંશુ એ હાર્દિકને પૂછ્યું. કે શું લાગે છે આ પત્ર કોને લખ્યો હશે. હાર્દિકે કીધું કે, એ તો ખબર નહિ, પણ જેણે લખ્યો છે એની વાત તો એકદમ સાચી. એ દિવસે તું પણ માંડ જ બચ્યો છે. અંશુ એ હાર્દિક ને પૂછ્યું કે એને ખબર પડે કે આ પત્ર કોણે લખ્યો છે તો એ શું કરે. હાર્દિક ને અંશુ આ સવાલ કેમ પૂછે છે એ સમજ ના પડી કે એને કોઈ શું કામ કહે કે કોણે પત્ર લખ્યો છે.

આખરે અંશુ એ હાર્દિક ને કોઈ ને નહિ કહેવાની શર્તએ એણે કરેલા પરાક્રમ વિષે જણાવ્યું. અંશુ ની વાત સાંભળીને હાર્દિકના મોઢામાં ભરેલી બીયરનો કોગળો થઇ ગયો. થોડી સેકન્ડ સુધી હાર્દિક કઈ ના બોલ્યો. અંશુ એ એને ફરી યાદ કરાવ્યું કે આ વાત આપણા બે સિવાય બીજા કોઈને ખબર નથી અને પડવી પણ ના જોઈએ.

આ બાજુ પત્ર લખનારની તપાસ અંશુની આસપાસ ના લોકોની ચાલતી હતી. એમાં HR મેનેજર ને જયારે યાદ આવ્યું કે, હાર્દિક નવો જ છે અને અંશુ જ એને લઈને આવ્યો છે, વળી નવો જ છે એટલે ઉકળતું લોહી છે અને પોતાના મિત્ર સહેજ માટે બચી ગયો છે એ ખબર પડી તો કદાચ એણે જ આ પત્ર લખ્યો હોઈ સકે. હજી નવા હોવાના કારણે કંપનીમાં શું કરવું, કેવી રીતે કરવું એની પણ બહુ સમાજ ના હોય તો આ પત્ર હાર્દિક એ લખ્યા હોવાની શક્યતા બનતી હતી. HR મેનેજર એ આખો પત્ર ફરી વાંચ્યો ત્યારે બીજી એક અગત્યની વાત ધ્યાન માં આવી કે આખો પત્ર ફાંકડું અંગ્રેજી માં લખ્યો છે અને પ્લાન્ટમાં આટલું સારું અંગ્રેજી લખી-વાંચી શકતા તો આંગળી ના વેઢે ગણાય એટલા હશે. વળી, પત્ર પણ એકદમ વ્યવસ્થિત રીતે લખ્યો હતો એટલે મેનેજર ને હાર્દિક ઉપરની શંકા બેવડાઈ.

હાર્દિક અને અંશુ હમણાં જ કામ નીપટાવીને ડીપાર્ટમેન્ટમાં આવી ને ચા પીતા હતા ત્યાં આનંદભાઈ એ હાર્દિક ને HR ડીપાર્ટમેન્ટમાંથી એના માટે ફોન આવ્યો હતો અને ત્યાં બોલાવ્યો હોવાનું જણાવ્યું. હાર્દિક ચા પીને સીધો ત્યાં ગયો. ત્યાં પેહલેથી જ HR મેનેજર અને સેફ્ટીના HOD હતા જ, એમણે હાર્દિક ને શાંતિથી બેસાડી, એને અહિયાં કંપની માં ફાવે છે કે, શીખવા મળે છે,એવા થોડા આડા-અવળા સવાલ પૂછ્યા. પછી ધીરે રહીને આ પત્ર વિષે પૂછ્યું. હાર્દિક પહેલા તો આ સવાલ થી થોડો મુંઝાઇ ગયો પણ પછી એણે એકદમ નોર્મલ થઈને અંશુ નું નામ ના આવી એ રીતે જવાબ આપ્યો.

HR મેનેજર એ એમનો અત્યાર સુધીનો અનુભવ કામે લગાડીને હાર્દિક ને એક પછી એક સવાલ પૂછીને ગૂંચવી નાખ્યો એટલે છેલ્લે હાર્દિક થી અંશુ નું નામ બોલાઈ ગયું. મેનેજર પોતાને મળેલી સફળતાથી ખુશ તો હતા પરંતુ અંશુએ આ પત્ર લખ્યો હશે એવી એમને અપેક્ષા નહોતી. એટલે એમણે હાર્દિક ને અંશુ એ જ કર્યું હોવાનું કઈ રીતે માને એ સમજાવવા કીધું. હાર્દિકે કાલે જ અંશુ એ એને કીધેલી બધી વાત મેનેજર ને કહી. અને જો વધારે જાણવું હોય તો ખુદ અંશુ ને જ પુછવા કીધું. થોડી ગડમથલના અંતે બંને મેનેજર એ અંશુ ને પણ ફોન કરીને ત્યાં બોલાવી લીધો.

અંશુ ના ત્યાં પહોચતા જ HR મેનેજર એ અંશુ ને કંપની ના રુલ્સ પૂછ્યા અને કીધું કે, તને યાદ તો હશે જ કે તું અને હાર્દિક અહિયાં બોન્ડ ઉપર છે, જો તમે એક વર્ષ ની અંદર કંપની છોડશો તો તમારે એક લાખ રૂપિયા કંપનીને આપવા પડશે અને તમને experience certificate પણ નહિ મળે. અંશુ એ કીધું કે એને બધું ખ્યાલ છે પણ હમણાં આ વાત કરવાનો શું અર્થ અને પોતાને ત્યાં કેમ બોલાવ્યો છે. HR મેનેજર એ સીધી વાત કરતા આ પત્ર એણે કેમ લખ્યો છે એ જણાવવા કહ્યું. અંશુ એ ગુસ્સામાં હાર્દિક સામે જોયું. હાર્દિકે કાન પકડીને સોરી કહ્યું પરંતુ અંશુના આ હાવભાવથી મેનેજરને સ્પષ્ટ થઇ ગયું હતું કે આ પત્ર અંશુએ જ લખ્યો હતો.

( તો મિત્રો અંશુએ કરેલી બધી મહેનત ઉપર ફરી હાર્દિક એ પાણી ફેરવ્યું, શું અંશુ હાર્દિકએ કરેલી બીજી ભૂલ ને માફ કરશે? શું અંશુ નો આ કંપની માં છેલ્લો દિવસ હશે? શક્યતા ઘણી બધી પરંતુ એનો જવાબ માત્ર ને માત્ર દોસ્ત સાથે દુશ્મનીના આગળના ભાગમાં.....)

વાંચક મિત્રો, કોઈ પણ પ્રકારના વિચારો આવકાર્ય છે, આપ મને મારા email id jay.shah0908@gmail.com or whatsapp number-9429548477 પર મોકલી શકો છો.

***