Dost sathe Dushmani - 8 books and stories free download online pdf in Gujarati

દોસ્ત સાથે દુશ્મની-૮

દોસ્ત સાથે દુશ્મની

ભાગ-૮

(અત્યાર સુધીના ભાગમાં જોયું કે અંશુ અને હાર્દિકની ગાઢ મિત્રતામાં એક ખાઈ પડી ગઈ છે, કંપનીના સેફટી રૂલ્સ ને લઈને લખેલો અને ખુબ ચર્ચિત થયેલો પત્ર અંશુ એ જ લખ્યો છે એ વાત હાર્દિક કંપનીના વાઈસ પ્રેસીડન્ટ સામે કબુલ કરી ચુક્યો છે, તો હવે આ ભાગમાં વાંચો કે વાઈસ પ્રેસીડન્ટ અંશુ સામે શું પગલા લેશે અને હાર્દિકની કબુલાત નો અંશુ શું જવાબ આપશે....)

અંશુ એ જ આ પત્ર લખ્યો છે એ વાત જો કંપની માં પ્રસરી જાય તો અંશુ બધા માટે હીરો બની જાય અને કદાચ વર્કર યુનિયન એનો ફાયદો ઉઠાવીને હડતાળ પર પણ ઉતરી જઈ સકે. એટલે આ વાત ને અહિયાં જ પતાવવા માટે વાઈસ પ્રેસીડેન્ટએ અંશુ સાથે એક ગુપ્ત મીટીંગ કરી. ગુપ્ત એટલા માટે કે આ વાત ની કંપનીમાં કોઈને જાણ નહોતી. વાઈસ પ્રેસીડેન્ટએ હાર્દિક અને અંશુ ને સ્પષ્ટ શબ્દો માં કીધું કે આ વાત ની કોઈને કાનોકાન ખબર ના થવી જોઈએ.

વાઈસ પ્રેસીડેન્ટએ અંશુને એકદમ શાંતિ થી પરંતુ કડકાઈ થી પૂછ્યું કે એને આવું કરવાની જરૂર કેમ પડી. અંશુ પાસે હવે બચવાનો કોઈ ઉપાય નહોતો. અને આ જ એક માત્ર ખુલીને બોલવાનો મોકો સામેથી મળ્યો હતો અને અંશુ એ આ મોકા નો લાભ બંને હાથે લેવાનું વિચાર્યું અને પોતાની સાથે બનેલી nearmiss ની ઘટના અને કઈ રીતે આ પત્ર લખી HR મેનેજર ના ડેસ્ક સુધી પહોચાડ્યો એ આખી વાત ડીટેઈલમાં કીધી. અંશુ ની વાત સાંભળીને વાઈસ પ્રેસીડેન્ટને આશ્ચર્ય થયું કે કેટલી સરળતાથી અંશુ એ આખું કામ પૂર્ણ કર્યું.

અંશુની nearmiss ઘટનામાં સેફટી ડીપાર્ટમેન્ટ તરફથી કોઈ પગલા ના લેવાયા અને કારણ માટે સેફ્ટીના HOD સામે જોયું ત્યારે એ મોઢું નીચે કરીને માત્ર વાઈસ પ્રેસીડેન્ટ નો ઠપકો સાંભળતા રહ્યા. વાઈસ પ્રેસીડેન્ટએ સેફટી માટે પૂરતા કદમ ઉઠાવવાનું સેફટી HOD ને જણાવ્યું. અંશુ માટે કદાચ આનાથી સારી વાત બની શકે એમ જ નહોતી. જે વ્યક્તિને જણાવવાનું જરૂરી હતું આજે એ વ્યક્તિ એના વિષે એને સામેથી બોલવાનો મોકો પણ આપે છે અને એના ઉપર પુરતી તકેદારી રાખીને ભવિષ્યમાં ફરી આવું ના થાય એ પણ કહે છે. એટલે અંશુ પણ એકદમ રીલેક્ષ થઇ ગયો.

વાઈસ પ્રેસીડેન્ટ પણ જમાનાના ખાધેલ હતા. આ વાત ને કઈ રીતે સાવચેતી પૂર્વક ઉકેલવી એમાં એમની માસ્ટરી હતી. જો કે આજે એ ફરી સાબિત થવાનું હતું. વાઈસ પ્રેસીડેન્ટ મિસ્ટર કુમાર એ અંશુ ને આટલી બાહેંધરી આપીને આ વાત ને અહિયાં જ સમેટવા જણાવ્યું. યોગ્ય વ્યક્તિ સુધી વાત પહોચાડવાનું કામ અંશુ કે અંશુ જેવા વર્કરોનું હતું જે આખી કંપનીના બધા વર્કરો વતી અંશુએ બખુબીપુર્વક નિભાવ્યું. હવે આગળનું કામ કંપનીની મેનેજમેન્ટ નું છે એમ વિચારીને અંશુ એ પણ આ વાત પોતે ભવિષ્યમાં કોઈ દિવસ નહિ ઉકેલે એની ખાતરી મિસ્ટર કુમાર ને આપી.

વાઈસ પ્રેસીડન્ટ મિસ્ટર કુમારના રેફેરન્સથી જ અંશુ MKC માં આવ્યો હતો એટલે મિસ્ટર કુમાર અંશુ ને સારી રીતે ઓળખતા હતા, આથી એમણે અંશુ ને જીન્દગીમાં ધ્યાન રખાય એવી એક વાત કહી. મિસ્ટર કુમારના કહેવા પ્રમાણે અંશુ એ જે કર્યું એ એકદમ બરાબર છે, ઉપરથી આ વાત કાબેલેતારીફ છે કે એણે કોઈની પણ બીક રાખ્યા વગર લડવાનું નક્કી કર્યું. પરંતુ દરેક લડાઈમાં માત્ર જોશ થી કામ ના ચાલે. અંશુ એ સૌથી પહેલા એની તકલીફ એના ડીપાર્ટમેન્ટ ના મેનેજર કે HOD સિંઘ સાહેબ ને જણાવવાની જરૂર હતી. કોઈ પણ જગ્યા એ સીધી વાત પહોચાડવી એ કારકિર્દી માટે ઘણી વાર ખતરારૂપ પુરવાર થાય. તો જયારે પણ આવો કોઈ પ્રોબ્લેમ આવે એને સ્ટેપ બાય સ્ટેપ સુલઝાવવાનો નહી કે સીધો વાઈસ પ્રેસીડન્ટ ને પત્ર લખવાનો.

મિસ્ટર કુમાર એ અંશુ ને પોતે ખુદ સેફટી વિષે જોશે અને સામે અંશુ ભવિષ્યમાં આ કંપનીમાં જ નહિ પરંતુ બીજી કંપનીમાં પણ આવી ભૂલ ના કરે એનું ધ્યાન રાખવાનું કહી આ ઘટનાને અહિયાં જ ભુલી જવા કહ્યું. અને બહાર બધા માટે હજી પત્ર કોણે લખ્યો છે એની તપાસ ચાલુ છે એ જ કહેવાનો નિર્ણય લઈને બધા ત્યાંથી છુટા પડ્યા.

***

અંશુ જ્યારથી રૂમ પર પહોચ્યો ત્યારથી એ હાર્દિક ઉપર ખુબ જ ગુસ્સે હતો. એને ખબર નહોતી પડતી કે આ છ ફૂટ્યાના લાંબા શરીરમાં એક નાની વાત છુપી રહી કેમ ના શકી અને બધું બકી પડ્યો. જયારે હાર્દિક રૂમ પર આવ્યો ત્યારે પણ અંશુએ એને ઘણી ખરી-ખોટી સંભળાવી. હાર્દિકે પણ જવાબમાં કીધું કે એને નોકરી પરથી કાઢી મુકવાની ધમકી આપી એટલે એણે નાછુટકે નામ બોલવું પડ્યું, પરંતુ આ વખતે અંશુ એની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. અને ત્યારે જ હાર્દિકથી અલગ રહેવાની મગજમાં ગાંઠ બાંધી દીધી.

શરૂઆતમાં અંશુ અને હાર્દિક એકબીજા માટે જમવાનું કે ચા બનાવી લેતા, પરંતુ આ બનાવ બન્યા પછી એના પર પૂર્ણવિરામ જ મૂકી ગયું. બંને પોતાનું કામ ખુદ કરે, અને વાત પણ ખપ પુરતી જ કરવાની. શોર્ટમાં બન્ન્ને એક રૂમ માં બે અજાણ્યા વ્યક્તિ ની જેમ રહેવા લાગ્યા. અંશુ એ બહાર બીજી જગ્યાએ રહેવા માટેની શોધખોળ ચાલુ કરી દીધી હતી જેથી હાર્દિકથી બને એટલું દુર પણ રહેવાય.

આ બાજુ સમય વીતવા લાગ્યો, અંશુ મહારાજના હાથ નીચે એક સારા લીડર તરીકે અને એક સારા વર્કર તરીકે ઘડાવા લાગ્યો હતો. હાર્દિક પણ મેનેજર નો પાક્કો પીઠ્ઠું બની ગયો હતો. મેનેજરને હાર્દિક ઉપર બહુ ભરોસો પણ હતો અને એટલે જ બીજા કોઈ પાસે નહિ પણ મેનેજર ના લોકરની ચાવી હાર્દિક પાસે રહેતી.

એક મંગળવારે જયારે p1 પ્લાન્ટમાંથી કોઈ પ્રોબ્લેમ નો ફોન આવ્યો તો મહારાજ એ અંશુ ને મોકલ્યો. અંશુ પાસે બધા ટૂલ્સ હતા પરંતુ ઇલેકટ્રીક ટેપ ખલાસ થવા આવી હતી એટલે એણે મેનેજર ને નવી ટેપ આપવા કહ્યું, પરંતુ મેનેજરએ પોતે કામમાં હોઈ હાર્દિક પાસેથી લઇ લેવા કહ્યું, એમ પણ હાર્દિક પાસે મેનેજરના લોકરની ચાવી રહેતી જ હતી. પરંતુ હાર્દિક પાસે ટેપ માંગવા જવી એ અંશુના અભિમાનને ઠેસ પહોચાડે એમ હતું એટલે અંશુ ટેપ લીધા વગર જ જતો રહ્યો. જયારે મેનેજર ટૂલ્સનું લિસ્ટ લઈને બેઠા ત્યારે એમણે અંશુ એક ટેપ હાર્દિક પાસેથી લઇ ગયો એમ એન્ટ્રી કરી જે હાર્દિકના ધ્યાનમાં આવી. હાર્દિક પાસે અંશુ ટેપ લેવા આવ્યો ના હોવા છતાં એન્ટ્રી પડી એટલે હાર્દિકે એ ટેપ પોતે જ અંશુ ને આપી દેશે એમ વિચારીને પોતાના ખીસામાં સરકાવી દીધી.

સાંજે જયારે હાર્દિક રૂમ પર આવ્યો ત્યારે અંશુ બહાર ગયો હોઈ એણે અંશુ ના બેગ પર ટેપ મૂકી દીધી અને સીધો રસોડામાં જઈને ચા બનાવા લાગ્યો. પાંચેક મિનીટ પછી અંશુ રૂમ પર આવ્યો ત્યારે બેગ ઉપર ટેપ જોઇ એને બહુ ગુસ્સો આવ્યો. એણે ટેપ સીધી હાર્દિક તરફ થ્રો કરીને કીધું “મારે કોઈ દાન નથી જોઈતું. હું ટેપ જાતે લઇ આવીશ.” હાર્દિક પણ આવા સમયે શાંત રહેવાને બદલે ગુસ્સે થઇ ગયો અને કીધું “જા લેતો આવજે, અને હવે પછી એક પણ વાર મેનેજર પાસે પણ કોઈ વસ્તુ માંગવા ના આવતો અને જો મેનેજર હા પડશે તો પણ તારે લેવા તો મારી પાસે જ આવવું પડશે અને હું તને કઈ આપું જ નહિ.” ગુસ્સામાં ને ગુસ્સામાં વળી અંશુએ હાર્દિક ને ‘મેનેજર નો ચમચો’ એમ કહીને બોલાવ્યો એટલે બંને વચ્ચે વાત વધારે વણસી.

હવે બંને વચ્ચેનો અણબનાવ બહુ જ વધી ગયો હતો. અને વાત ધીમે ધીમે ડીપાર્ટમેન્ટ સુધી પહોંચી ગઈ હતી. એમ પણ મહારાજ અને મેનેજર વચ્ચે તો લડાઈ હતી જ એમાં અંશુ અને હાર્દિક પણ જોડતા મહારાજ-અંશુ અને મેનેજર-હાર્દિકની ટીમ બની ગઈ અને માણસોના સ્વભાવ પ્રમાણે ડીપાર્ટમેન્ટના બાકીના તમાશો જોઇને મઝા લેતા હતા અને પોતાના સ્વાદ અનુસાર મીઠું પણ ભભરાવતા.

***

મહારજ દર વર્ષે હોળી પર એક અઠવાડિયાની રજા લેતા અને એ રજા માં પોતે ક્યાં જાય છે, શું કરે છે એ કોઈ દિવસ કોઈને કહેતા નહિ. કોઈ પૂછે તો કહેતા કે, એકલો છુ, વર્ષમાં બે વાર લાંબી રજા લઈને શરીર અને મન બંને હળવાફૂલ પરંતુ એકદમ સ્વસ્થ કરવા જાવ છુ અને પાછો આવીશ ત્યારે બમણી સ્ફૂર્તિથી કામ કરીશ. દર વખતની જેમ આ વખતે પણ મહારાજ એક અઠવાડિયાની રજા મુકીને ગયા. હવે મેનેજમેન્ટ સામે એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે મહારાજની શિફ્ટ કોને સોંપવી. અત્યાર સુધી જયારે પણ મહારાજ રજા ઉપર જતા ત્યારે એમની શિફ્ટ કેયુર સંભાળતો હતો પરંતુ બે મહિના પહેલા જ કેયુર પણ MKC છોડીને બીજી કંપનીમાં લાગ્યો હતો, એટલે અનુભવ પ્રમાણે બીજું કોઈ ના રહેતા છેલ્લે આ જવાબદારી અંશુને જ સોંપવાનો ફેસલો કર્યો.

અંશુ ને આવ્યાને હજી આઠ મહિના જ થયા હતા અને અત્યારથી જ શિફ્ટ ઇન-ચાર્જ બનીને એક અઠવાડિયું ચલાવવું એ લોઢા ના ચણા ચાવવા જેવી વાત હતી, પરંતુ મેનેજર એ ખાસ ભાર દઈને અંશુ ને જ આ જવાબદરી મળે એની તરફદારી કરી હતી. મેનેજરનો આ માસ્ટર સ્ટ્રોક હતો અંશુ ને નીચું જોવડાવાનો. ઇલેકટ્રીકલ ડીપાર્ટમેન્ટ ના એમના ડીપાર્ટમેન્ટ રૂલ પ્રમાણે શિફ્ટ ઇન્ચાર્જ બનવા માટે ઓછા માં ઓછો 3 વર્ષ નો અનુભવ જોઈએ, જયારે અંશુ માત્ર આઠ જ મહિનામાં બન્યો હતો. મહારાજને ખબર પડતા એમણે અંશુ ને લડી લેવાનું કીધું, પણ કોઈ દિવસ એમની(મેનેજર) મદદ નહી માંગવા જવાનું.

મહારાજ ને ગયા ના ત્રીજા દિવસે અંશુ, બે ટેકનીસીયન અને આનંદભાઈ ડીપાર્ટમેન્ટ માં બેઠા હતા. ખાસ કઈ કામ નહોતું એટલે એ લોકો ટોળ-ટપ્પા કરતા હતા. ત્યાં અચાનક મેનેજર આવી ગયા અને આખી શિફ્ટ ને ટાઈમપાસ કરતી જોઇને તાડૂક્યા અને એનું પરિણામ ખરાબ આવશે એમ ધમકાવીને એમની કેબીનમાં સુવા જતા રહ્યા. અંશુ અને આખી શિફ્ટને પણ ખબર હતી કે આ માત્ર એમને હેરાન કરવા માટે જ છે, પરંતુ હમણાં બાજી મેનેજર ના હાથ માં હતી એટલે એ જે કરે જોવાનું અને પછી એમાંથી બચવાનો રસ્તો શોધવાનો.

અંશુ એ ત્યારથી જ એની શિફ્ટ ના કોઈ પણ વ્યક્તિને ડીપાર્ટમેન્ટમાં ના બેસવાની સુચના આપી. અંશુ જયારે પ્લાન્ટ માં નવો જ હતો અને એને પ્લાન્ટ જોવા માટે એક અઠવાડિયા નો સમય આપ્યો હતો ત્યારે એણે પ્લાન્ટ માં બે-ત્રણ એવી જગ્યા શોધી લીધી હતી કે એને કંટાળો આવે કે થાકી જવાય ત્યારે ત્યાં જઈને શાંતિ થી બેસી જતો. એ જગ્યા એવી હતી કે ત્યાંથી અંશુ ને પ્લાન્ટ દેખાય પણ કોઈ બીજું એને ત્યાં બેઠેલું જોઈ ના શકે, એટલે અંશુ એ એ જગ્યાઓ ને “ખોપચું” એવું નામ આપ્યું હતું. હાર્દિક એક સમયે બહુ સારો મિત્ર હતો એટલે અંશુ એ હાર્દિક ને બધી જગ્યાઓ બતાવી હતી.

હવે આ બે-ત્રણ જગ્યામાંથી ડીપાર્ટમેન્ટ ની નજીક હોય એવી, ચાર થી પાંચ વ્યક્તિ બેસી શકે એવી જગ્યા શોધવાની હતી. ડીપાર્ટમેન્ટ ની નજીક એટલા માટે કે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ટૂલ્સ લેવા તરત જ જઈ શકાય. અંશુએ એમનું “ખોપચુ” શોધવા માટે અને તૈયાર કરવાની બધી જ જવાબદારી કંપની ના એકદમ જુના કહી શકાય તેવા હેલ્પર આનંદભાઈ ને સોંપ્યું. અંશુ એ આનંદભાઈ ને પોતે વિચારેલી જગ્યાઓ બતાવી દીધી, હવે કયું સારું છે એનો નિર્ણય આનંદભાઈ ઉપર હતો. કારણ કે આનંદભાઈ બખૂબી જાણતા હતા કે પ્લાન્ટના કયા વિસ્તારમાં કોણ, ક્યારે, શું કામ આવે છે.

આનંદભાઈ એ બીજા જ દિવસે એવી જ એક જગ્યા શોધી પણ નાખી. જ્યાં પ્લાન્ટનો અવાજ પણ એકદમ ઓછો આવતો હતો અને કોઈ ખાસ કામ વગર ત્યાં આવતું પણ નહોતું. પરંતુ ત્યાં બેસી શકાય એવી જગ્યા નહોતી. અંશુ એ તરત જ કંપનીના કોન્ટ્રાક્ટવાળા બે વ્યક્તિને બોલાવીને જગ્યા સાફ કરાવી. આનંદભાઈ ત્યાં સુધી પ્લાન્ટ માં બધે ફરીને બીજી થોડી વસ્તુઓ લેતા આવ્યા. થોડી જ વાર માં બધા એ ભેગા મળીને એક તૂટેલી ખુરસી, બે લોખંડના એંગલ અને એની ઉપર લાકડાનું પાટિયું, પ્લાસ્ટીક ની ઉંધી ડોલ અને એના ઉપર પૂઠું, એમ કરીને પાંચ જણ બેસી સકે એવી વ્યવસ્થા ઉભી કરી દીધી. અને સાથોસાથ અંશુ એ પણ બધાને યાદ કરાવ્યું કે આ જગ્યા વિષે આપણા પાંચ સિવાય બીજા કોઈને ખબર ના પડવી જોઈએ. હવે આ જ એમનો અડ્ડો હતો, ડીપાર્ટમેન્ટ થી નજીક પણ અને બધાની નજરોથી દુર.

મેનેજર, અંશુ અને એની ટીમને હેરાન કરવાનો એક પણ મોકો છોડતા નહોતા. અને અંશુ નો અનુભવ ઓછો હોવાથી મેનેજર નું રાજકારણ સમજી નહોતો સકતો અને દર વખતે એમાં થાપ ખાતો. બંને વચ્ચે અત્યારે બીજા વિશ્વયુધ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે “cold war” જેવી પરિસ્થિતિ અહિયાં પણ રચાઈ હતી. પરંતુ બાજી સંપૂર્ણપણે અત્યારે મેનેજર ના હાથ માં હતી.

હજી, મેનેજર એ એજ અઠવાડિયામાં ફરી એકવાર માસ્ટર સ્ટ્રોક માર્યો, પછીના મહિનાનું શિફ્ટ ટાઇમ-ટેબલ ચાલુ મહિનાના આખરી દિવસે લાગતું અને કોઈની મોટી રજા ના હોય તો શિફ્ટ ટીમ બદલાતી નહી, પરંતુ મહારાજ ની ગેરહાજરીનો ફાયદો મેનેજર એ ફરી ઉઠાવ્યો અને અંશુ ની શિફ્ટ બદલી નાખી. અંશુ ને કિશોરભાઈ સાથે શિફ્ટ માં મુકી દીધો અને બીજા એક ટેક્નીસિયનને ત્રીજી શિફ્ટમાં. આમ મહારાજની શિફ્ટ ને ત્રણ અલગ અલગ શિફ્ટમાં મુકીને મેનેજર એ યુદ્ધ નો જૂનામાં જુનો પરંતુ આજે પણ એટલો જ અક્સર “ભાગલા પાડો અને રાજ કરો” નો દાવપેચ રમી ગયા.

અંશુ શિફ્ટ ટાઇમ-ટેબલ જોઇને ખુબ ગુસ્સે ભરાયો પરંતુ અત્યારે એ બધું વ્યર્થ હતું. હાર્દિક ખુબ ખુશ હતો, એણે અંશુને મહારાજની ટીમ છોડીને મેનેજરની ટીમમાં જોડાવાની ઓફર પણ આપી પરંતુ અંશુ ગુસ્સા પર કાબુ રાખીને કશું બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.

(ફરી મેનેજર નો માસ્ટર સ્ટ્રોક, અને ફરી એકવાર અંશુ ઢેર. પરંતુ ક્યાં સુધી? અંશુ એની ટીમ ને બચાવવા કંઇક કરશે કે મહારાજના આવવાની રાહ જોશે? આ માટે કરો ઇંતેજાર “દોસ્ત સાથે દુશ્મનીના” પછીના ભાગનો. )

***