Prasangit Vartao books and stories free download online pdf in Gujarati

પ્રાસંગિક વાર્તાઓ

“ધ્યાન રાખજો, હવે આપણે ગુજરાતમાં નથી, યુ.પી.માં છીએ. અહીં મોટાભાગના લોકો ચોર છે.” વેપારના કામે અલાહાબાદ ગયેલા બે ગુજરાતીઓમાંનો એક, બીજાને કહી રહ્યો હતો.

રાતના નવ વાગ્યે રેલ્વેસ્ટેશન પર પગ મૂકી રહેલા બંને ગુજરાતીઓના દિલમાં થડકો હતો. અહીં આવવા નીકળ્યા ત્યારે બધાએ વારંવાર સતર્ક રહેવાની સૂચના આપી હતી. બંનેએ આજ સુધી ઉત્તરપ્રદેશ વિશે બધું ખરાબ જ સાંભળ્યું હતું.

“સા’બ! કહાં જાના હૈ? મૈ આપ કો લે ચલતા હું!” એક પંચાવન વર્ષના ખખડી ગયેલા ડોસાએ પૂછ્યું. તે ‘ટાંગાવાળો’ હતો. હાડપિંજરને ચામડીથી મઢી ઊભું કરી દીધું હોય એવા શરીરમાં પ્રાણ પરાણે પૂરાઈ રહ્યો હતો.

“કિતના લોગે?”

“આપસે જ્યાદા થોડી લેંગે?”

“ફિર ભી?”

“જાના કહાં હૈ?”

“કોઈ ગુજરાતી’કી હોટલ પર લે ચલો!” ગુજરાતી માણસ હિન્દીમાં બોલી રહ્યો હતો.

“ગુજરાતી લોગ ગુજરાત છોડકર યહાં કયું આયેંગે? મૈ આપકો એક અચ્છી ઔર સસ્તી હોટલ લે ચલતા હું... યહાં પાસ હી મેં હૈ, બીસ રુપૈ લગેંગે.”

“ગુજરાત સે આયે હૈ તો કુછ ભી માંગોગે? હમ પંદ્રહસે જ્યાદા નહીં દેંગે.” એક ગરીબ ક્યાંક અમીર ન બની જાય તેનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.

“ઠીક હૈ સા’બ, ચલીયે.”

ચાર ચાર મણના બે માણસો અને એકાદ મણનો બિસ્તરો ખેંચતો બુઝુર્ગ ટાંગાને પેન્ડલ મારવા લાગ્યો. રાજાની જેમ બેઠેલા ગુજરાતીઓ ઈર્ષ્યાપાત્ર અને સાઇકલ ખેંચતો વૃદ્ધ દયાપાત્ર લાગતો હતો. ફક્ત પંદર રૂપિયા માટે ટાંગાવાળો આશરે એક કિમી દૂર આવેલી એક હોટલમાં બંને ગુજરાતીઓને લઇ ગયો. હોટલના રૂમના પ્રમાણમાં ભાડું ખૂબ સસ્તું હતું.

“સામાન ઉઠા કે રીસેપ્શન તક લે લો!” પંદર રૂપિયાનો એક એક પૈસો વસુલ કરવાનો હતો.

“જી સા’બ.” ટાંગાવાળાએ સામાન ઊંચકી ઠેકાણે મૂકી દીધો.

પંદર રૂપિયા લેતી વખતે ટાંગાવાળાએ પૂછ્યું, “કલ કહાં જાના હૈ? કિતને બજે જાના હૈ? મુઝે બતા દીઝીએ, મૈ પહુંચ જાઉંગા.”

“અરે તુમ્હારા ફોન નંબર દે દો, હમ ફોન કર દેંગે...”

“મુજ ગરીબ કે પાસ ફોન કૈસા? સોને કે લિયે છત ભી નહીં હૈ... બસ યહ ટાંગા હૈ, ખુદ કા ગુજારા ચલ જાતા હૈ.” ગરીબ માણસે પોતાની મિલકતનું વર્ણન કર્યું.

“હમેં સબ્જીમંડી જાના હૈ, સુબહ આઠ બજે...”

“વહ તો બહુત દૂર પડેગા! ટાંગા ઇતની દૂર તક નહીં ખીંચ પાયેંગે... આપ રીક્ષા સે ચાલે જાના. યહીં બહાર સે મિલ જાયેગી.” તે ચાલતો થયો.

બીજા દિવસે સવારે રોડ પરથી રીક્ષા મળી ગઈ.

“સબ્જીમંડી કા કિતના લોગે?”

“સા’બ, સબ્જી મંડી તો યહાં સે દસ કીલોમીટર કી દૂરી પર હૈ તો અસ્સી રુપૈ લેંગે...”

“ગુજરાત સે આયે હૈ તો કુછભી માંગોગે? હમ સાઠ સે જ્યાદા એક પૈસા નહીં દેંગે”

“અરે સા’બ, અબ ઇતના દૂર તક જાના હૈ તો પૈસા તો હોગા ના?”

“ઠીક હૈ, હમારે અલાવા કિસી ઔર કો મત બીઠાના...”

“જી સા’બ..”

આગળ જતા રીક્ષાવાળાએ એક વ્યક્તિને પોતાની જોડે બેસાડી લીધો. તેણે રીક્ષાવાળાને દસ રૂપિયા ચૂકવ્યા. ઉબડખાબડ રસ્તા પર દસ કિમીનું અંતર કાપતા ત્રીસ મિનીટ લાગી.

“યહ રહી સબ્જીમંડી...” રીક્ષા થોભાવતા ડ્રાઈવરે કહ્યું.

“યે લો તુમ્હારે સત્તર રૂપૈ...”

“લેકિન બાત તો અસ્સી કી હુઈ થી ન?”

“હમારે કહને કે બાવજૂદ તુમને કિસી ઓર કો કયું બિઠાયા? ઉસને જો દસ દિયે, વહ હમને કાટ લિયે હૈ!”

“યહ તો સહી બાત નહીં હૈ, સાહબ... મૈને ઉનકો પીછે થોડી બિઠાયા થા? મૈને તો ખુદ કે બગલ મેં બિઠાયા થા.”

“વહ હમ કુછ નહીં જાનતે...” કહી બંને ગુજરાતી ચાલતા થયા.

સબ્જીમંડીમાં જે તે વેપારીઓને મળીને જરૂરી વાત-ચીત કરવામાં આવી. જે વેપારી સૌથી વધારે વ્યવસ્થિત લાગ્યો તેની સાથે માલનો ભાવ-તાલ થયો. છેવટે માલ લેવાનું નક્કી કરવામાં આવ્યું. સોદો ઘણો ફાયદામાં થયો હતો.

“આપ પૈસે દે દીજીએ, હમ માલ ભરવા દેતે હૈ...” વેપારીએ કહ્યું.

“જી ઇતના સારા પેમેન્ટ લેકે થોડી કોઈ ઘુમેગા? આપ એક કામ કરીએ, આપ ગાડી લોડ કરવા દીજીએ, પૈસે કલ તક આપકે અકાઉન્ટ મેં જમા હો જાયેંગે... ઔર હા, હમ ખુદ ખડે રહેંગે, જો દીખાયા હૈ વહી માલ ભરના પડેગા....” છેતરાઈ ન જવાય એનું ધ્યાન રાખવાનું હતું.

“જી ઠીક હૈ. વૈસે તો હમ કિસીકો અપને ગોડાઉન પર લેકર નહીં જાતે, પર આપ હમારે મહેમાન હૈ, ગુજરાત સે જો આયે હૈ! વૈસે સારા માલ હમ ગોડાઉન સે ભરેંગે. ગોડાઉન હમને કુછ ઇસ તરહ સે બનવાયા હૈ કી સમજો ઉસમેં હમારી મોનોપોલી હૈ!!! ફિર ભી... વહાં તક હમ આપકો કારમેં છોડ દેંગે. આપ માલ દેખ લીજીયેગા, લેકિન પૈસા બેંકમેં ડીપોઝીટ હોનેકે બાદ હી ગાડી છુટેગી...”

બપોરે વેપારીએ મહેમાનોને ગોડાઉન પર જ જમાડી દીધા. સાંજ થતા ટ્રક લોડ થઇ ગયો. ગુજરાતમાં ફોન કરી બીજા દિવસે સવારે વેપારીના ખાતામાં પૈસા જમા કરી દેવાની સુચના અપાઈ ગઈ. વેપારીની ગાડી મહેમાનોને પાછી હોટેલ સુધી મૂકી ગઈ. બીજા દિવસે સવારે એ જ કાર ફરી મહેમાનોને લઇ ગઈ અને ગોડાઉન પર પહોંચતા મસ્કાબન અને ચાનો નાસ્તો કરાવવામાં આવ્યો.

બંને ગુજરાતીઓએ ગઈકાલે લોડ કરેલા કટ્ટા ફરી ગણી લીધા. ‘રાત્રે કટ્ટા ખોલીને માલ કાઢી લીધો નથી ને?’ એ ચેક કરવા ટ્રકનો વજન કરાવડાવ્યો. અમુક કટ્ટા ખોલી ફરી ચેક કર્યું કે રાતોરાત માલ બદલાઈ ગયો નથી ને? છેતરાઈ ન જવાય એનું ધ્યાન રાખવાનું હતું...

પૈસા જમા થઇ ગયા છે એવા મેસેજ મળતા જ ટ્રકને તાડપત્રીથી ઢાંકી રવાના કરી દેવામાં આવ્યો. બપોરનું ભોજન કરાવીને મહેમાનોને ફરી હોટેલ પર પહોંચાડી દેવાયા.

પેલા બંને ગુજરાતીઓને તો દોઢ દિવસમાં કામ થઇ જશે એવી ગણતરી હતી જ નહીં. રીટર્ન ટીકીટ પણ કરાવી ન્હોતી. હવે તો ટાઇમ જ ટાઇમ હતો. એકાદ કિમી દૂર આવેલા રેલ્વેસ્ટેશને ચાલતા જઈને જોયું તો સામે જ એજન્ટની ઓફીસ હતી. ત્યાં જઈ તેમણે અમદાવાદની બે સ્લીપર ટીકીટ કન્ફર્મ કરાવવા કહ્યું..

“સા’બ પર્સોંહ સુબહ કી કર સકુંગા... ઔર કન્ફર્મ તો ચોબીસ ઘંટે પહલે હી હોગા. કલ સુબહ પક્કા પતા ચલ જાયેગા. આપ મુજે પાંચસો રૂપૈ દેકર જાઈએ. આપકા કામ હો જાયેગા.”

“નહીં હમ આપકો દોસૌ રૂપૈ દેંગે. પાંચસો તો જ્યાદા હૈ..”ક્યાંક ટીકીટ પણ બુક ન થાય અને પૈસા પણ પાછા ન આપે તો?

“અરે સા’બ! સોલાસો કા દો ટીકટ હોગા, મેરા દોસો કમીશન અલગ... લેકિન મૈને બુક કરવાયા ઔર આપ નહીં આયે તો મેરા તો સોલાસો કા નુકસાન હો જાયેગાના?”

“હમ કયું નહીં આયેંગે? હમકો ઇધર થોડી રહના હૈ? ઓર દોસો તો દે રહે હૈ ના? હમ નહીં આયેંગે તો હમારા ભી દોસો કા નુકશાન હોગા ના?”

“ઠીક હૈ, ચલીયે લાઈએ દોસો. પર સુબહ જ્યાદા સે જ્યાદા દસ બજે આ જાના, વરના મજબુરન મૈ દોનો ટીકટ બેચ દુંગા. આપકા મોબાઈલ નંબર દેતે જાઈએ.”

બસ્સો આપી બેય ગુજરાતી ચાલતા થયા. હોટેલવાળાને પૂછી બપોર પછી જવાહરલાલ નહેરુ મેમોરીયલ હોલ જોવા ગયા. એ કેટલું દૂર છે, ત્યાં પહોંચવાનું કેટલું ભાડું થશે એ બધું જ પૂછીને ગયા. છેતરાઈ ન જવાય એનું ધ્યાન રાખવાનું હતું...

બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે પેલા એજન્ટનો ફોન આવી ગયો. કોઈક કારણવશાત્ ટ્રેન બરોડા સુધી જ જવાની હતી. બંને ગુજરાતીઓ સહમત થયા. દસેક વાગતા એજન્ટની ઓફિસે પહોંચી તેને દબડાવ્યો. ટ્રેન જ અમદાવાદ ન જવાની હોય તો પોતે શું કરી શકે એવી રજુઆતો કરતા એજન્ટના કમીશનના પચાસ રૂપિયા કાપી લીધા. એજન્ટે થોડી ધડ કરી રૂપિયા લઇ લીધા.

હજી આગલી સવાર સુધીનો સમય ફ્રી જ હતા. ત્રિવેણી સંગમ જઈ આવવાનું નક્કી થયું. ‘લોકો અહીં ત્રિવેણીમાં ડૂબકી મારવા સ્પેશ્યલ આવે છે, તો આપણે પણ ત્યાં જવું જ જોઈએ,’ એવું બંનેએ વિચાર્યું. બધી જ બાબતમાં નફાનો વિચાર કરતા ગુજરાતીઓને, ત્રિવેણીમાં ડૂબકી લગાવી પાપ ધોઈ નાખવા હતા. રીક્ષાવાળા સાથે ભાવતાલ કરાવી બંને ત્રિવેણી પહોંચ્યા.

કિનારે ખૂબ ગંદકી હતી. આથી, હોડીમાં બેસી વચ્ચે જવાનું નક્કી કર્યું. એક હોડીવાળાએ સામે ચાલીને પૂછ્યું, “સા’બ નાવ મેં ચલેંગે?”

“હમ ક્રાઈમબ્રાંચ સે હૈ. એક ખાસ કામ સે આયે હૈ... થોડી દેર બાદ ચલેંગે..” કહી બેમાંથી એક પોતાની પાસેનો કેમેરો કાઢી એક્ટિંગ કરતા કરતા આજુબાજુના ફોટા પાડવા લાગ્યો.

થોડીવાર પછી પેલા હોડીવાળાને બોલાવી કેટલા રૂપિયા થશે એ અંગે પૂછપરછ કરતા તેણે કહ્યું, “અબ આપશે ક્યા લેના?”

“કયું કોઈ ગલત કામ કરતે હો ક્યા?” ગુજરાતીએ કડકાઈથી પૂછ્યું.

“અરે નહીં સા’બ. ઐસા નહીં હૈ. પર આપ જૈસે લોગ ઈશ દેશકી સેવા કરતે હૈ તભી તો હમ ચૈન સે રહ પાતે હૈ...” ગરીબે સાચા દિલથી કહ્યું.

“ઐસે મુફ્ત મેં નહીં જાયેંગે. વૈસે તુમ કિતના લેતે હો, એક બંદે કા?” ગુજરાતીએ રોફથી પૂછ્યું.

“જી પેંતીસ રુપયા...”

“ઠીક હૈ હમ દોનો કા મિલા કે પચાસ લે લેના.”

“કોઈ હરકત નહીં હૈ. આપ નહીં ભી દેંગે, ચલેગા.”

પછી નદીની વચ્ચે પહોંચી હોડીવાળાએ પાણી કેટલું ઊંડું છે તેની માહિતી આપી. પાણીનું વહેણ વધારે હોવાથી, ડૂબકી મારતી વખતે બાંધેલું દોરડું પકડી રાખવાની સલાહ પણ આપી. ગમે તેવો વેપાર કરવાનું સાહસ કરી જાણતા ગુજરાતીઓ આટલા ઊંડા પાણીમાં ડૂબકી મારવાનું સાહસ કરી શક્યા નહીં. પછી બંનેએ ત્રિવેણીના કિનારે આવેલા અમુક મંદિરો જોયા. તેમાં ખાસ વખણાતા “સૂતેલા હનુમાન” પણ હતા. મોડેથી થાકી બંને હોટલ પર પાછા ફર્યા.

પછીના દિવસે સવારે તૈયાર થઈ બંને રેલ્વેસ્ટેશન પહોંચી ગયા. આઠ વાગ્યાની ટ્રેન હોવા છતાં સાડા સાત વાગ્યે બંને જણા પ્લેટફોર્મ પર ઊભા હતા. ટ્રેન આવી અને બંને પોતપોતાની જગ્યા પર બેસી ગયા. હવે ચિંતાનું કારણ હતું જ નહીં. આટલા દિવસોમાં એક પણ જગ્યાએ છેતરાયા ન હોવા છતાં ‘ચોર યુ.પી.’ને છોડીને જવાનો આનંદ બંનેના ચહેરા પર રેલાતો હતો.

ટ્રેન ઉપડ્યાના બીજા દિવસે સવારે પાંચ વાગ્યે ટ્રેન વડોદરા પહોંચી ગઈ. એક ગુજરાતીનો મિત્ર આ સિટીમાં હમણાં જ શિફ્ટ થયો હતો. ‘તેને મળી, ચા-નાસ્તો કરી અમદાવાદ જતા રહીશું,’ એવું તેમણે વિચાર્યું. પણ, આટલો વહેલો ફોન કરી તેને ઉઠાડવા કરતા સીધા જ તેના ઘરે પહોંચી જવાનું બંનેને વધારે યોગ્ય લાગ્યું. વળી, પોતાના ઘરે પધારવાનો આગ્રહ કરતો મેસેજ પેલા મિત્રએ દસેક દિવસ પહેલા જ કરેલો જેમાં તેના ઘરનું સરનામું પણ હતું. આમેય હવે તો ગુજરાતમાં આવી ચુક્યા હતા, છેતરાવાની કોઈ બીક હતી જ નહીં. રીક્ષાવાળાને એડ્રેસ બતાવતા તેણે ત્યાં જવાની તૈયારી બતાવી. જો કે આ સરનામું દૂર હોવાથી ભાડું સો રૂપિયા થશે એવું કહ્યું.

વીસેક મિનીટ પછી રીક્ષા એક સોસાયટીના ગેટની બહાર ઊભી રહી, બંને પેસેન્જરને ઉતારી પોતાનું ભાડું લઈ રીક્ષાવાળો રવાના થયો. બેલ માર્યાના થોડા જ સમયમાં ઘરનો દરવાજો ખુલ્યો. આગંતુકને જોઇ ખુશ થતા ઘરધણી બોલ્યો, “અરે, મને ફોન કરી દેવાય ને! હું તમને લઇ જાત...”

“ખાલી સો રૂપિયા ભાડું બચાવવા તને છેક રેલ્વે સ્ટેશન લાંબો કરાતો હશે?’

“કેટલું?” યજમાનની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.

“સો.....”

“બનાવી ગયો... તમને ઉલ્લુ બનાવી ગયો! રેલ્વેસ્ટેશન તો નજીકમાં જ છે, નક્કી તમને ફેરવી ફેરવીને લાવ્યો હશે! વીસના સો આપ્યા તમે તો!!!!”

મારો ઉદ્દેશ ગુજરાત કે ગુજરાતીઓની છબી બગાડવાનો નથી, પણ એવું કહેવાનો છે કે.... કોઈ પણ જાતના પૂર્વગ્રહથી કરવામાં આવેલા વ્યવહારમાં માણસાઈ હોઈ શકે નહીં. માટે, કોઈની પણ પ્રત્યે અભિપ્રાય કે પૂર્વગ્રહ રાખવો જ ન જોઈએ. કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે પ્રદેશમાં સારા માણસો પણ હોય છે અને ખરાબ માણસો પણ.... કોઈ એક આખો દેશ, પ્રદેશ કે ધર્મ સંપૂર્ણ સારો કે ખરાબ હોઈ શકે નહીં.