Ochinti Mulakat - 11 books and stories free download online pdf in Gujarati

ઓચિંતી મુલાકાત... - 11

ભાગ – ૧૧

મોહ માયાના કંઇક બોલવા માટે રાહ જોઇને ઉભો રહ્યો.માયાએ સૌથી પહેલા તો માફી માંગી કે તે મોહને જણાવ્યા વિના સત્યમને મળવા ગઈ અને વળી પાછી બંસરીને પણ મલાવી આવી. મોહ કોઈ પણ બહાનું સાંભળવાના મુડમાં લાગતો નહોતો તે જાણી માયા સીધા પોઈન્ટ પર આવી. તે પણ જાણતી હતી કે મોહને માત્ર એ જ જાણવું હતું કે એવું શું કારણ હતું કે તેણે મોહને કહ્યા વિના જવાનું નક્કી કર્યું? શું તેને એવું લાગતું હતું કે મોહ તેને સત્યમને મળવા નહિ જવાદે? કે પછી કોઈ બીજું કારણ હતું? મોહ હજી પણ તેના સામે અદબ વાળીને ઈંતેજારીમાં ઉભો હતો. માયાએ તેને બેડરૂમમાં આવા કહ્યું. મોહ તેને બેડરૂમ સુધી અનુસર્યો. દરવાજો બંધ કરતા વેંત માયા મોહને વળગી પડી પરંતુ મોહે તેને આઘી કરી અને કોઈ પણ હાવભાવ વગર માયાના બોલવાની રાહ જોવા લાગ્યો. માયા માટે મોહનું આ વર્તન આઘાતથી ઓછુ નહોતું કેમકે તેને એમ હતું કે મોહ તેને ટેકો આપશે પોતાના આ કાર્ય માટે પરંતુ તે ભૂલી ગઈ કે આખરે મોહ પણ એક પુરુષ જ છે અને કોઈ પણ પત્નીવ્રતા પુરુષ પોતાની પત્ની તરફથી આવું વર્તન અપેક્ષિત ન કરે. ભૂલ મારી જ હતી, મનોમન માયા બોલી.

થોડી ક્ષણો બાદ માયાએ અત થી ઇતિ મોહને વિસ્તારમાં કહ્યું અને એ પણ જણાવ્યું કે સત્યમે પોતાની બધી મિલકત બંસરીના નામે કરી દીધી છે અને પેલી પ્લાસ્ટીક બેગમાં એ જ બધા કાગળિયાં છે. મોહ સ્તબ્ધ થઇ ગયો કે માયા કેવી રીતે એ બધુ સ્વીકારી શકે? તે પણ મારા સાથે લગ્ન કર્યા બાદ? શું તેને મારા પર ભરોસો નથી કે હું બસંરીને બધી સગવડો પૂરી પાડી શકીશ? શું મારામાં એટલી ક્ષમતા નથી કે હું તમને બંને સારું જીવન આપી શકીશ? માયા મોહનું મન વાંચી શકી અને તેના કપાળ પર નાની ચૂમી ભરીને બોલી કે તમે વિચારો છો તેવું કશું જ નથી મોહ. મારા પર વિશ્વાસ કરો, મેં બહુ પ્રયત્ન કર્યો કે હું આ બધું ના સ્વીકારું પણ સાચું કહું તો બંસરીનો તે બધા પર હક છે, હું એક પિતાનો તેની દીકરી પરથી આ હક ના છીનવી શકું. પ્લીઝ, મને સમજવાનો પ્રયત્ન કરો મોહ. અને આજે બંસરીને સત્યમ જોડે મળાવાનો ઉદ્દેશ એ જ હતો કે આજ પછી બંસરી ક્યારેય પણ સત્યમને નહિ મળે, તે હું લેખિતમાં લેવાની છું સત્યમ જોડેથી. થોડીક સેકંડ માટે તો મોહ બધું પોતાના મગજમાં ગોઠવી કરી રહ્યો કે માયા શું બોલી રહી છે અને એની શું ગેરંટી કે થોડા વર્ષો બાદ સત્યમ તેમની જિંદગીમાં પાછો નહિ જ આવે.? શું થશે જયારે તે ભવિષ્યમાં આવીને બંસરી પર પોતાનો હક જતાવશે? મોહનું મન વ્યાકુળ થઇ ગયું અને તે પોતાની ગાડી લઈને નીકળી ગયો. માયાને પોતાના આજના પગલા માટે ભારે દુખ થયું કેમકે ભૂતકાળને પાછળ છોડવામાં આજે તેણે પોતાનું વર્તમાન દુખી કર્યું હતું. થોડા સમય બાદ બંસરી પૂછતી પૂછતી આવી કે પપ્પા ક્યાં છે? માયા તેના સામે જોઈ રહી કેમકે તેને પોતાને જાણ નહોતી કે મોહ ક્યાં ગયો હશે. તેણે બંસરીને બીજી વાતમાં પુરોવી દીધી. બાળકો નાના હોય ત્યાં સુધી એક વાતની શાંતિ, તેમનું મન વાળો તે દિશામાં વળી જાય, માયા વિચારી રહી.

મોહ મોડી રાત સુધી ઘરે આવ્યો નહિ, માયાને ચિંતા કોરી ખાતી હતી કે ખબર નહિ ક્યાં હશે મોહ અને તેના મનમાં શું ચાલી રહ્યું હશે. તેણે એક પળ માટે મોહને ફોન કરવાનું વિચાર્યું પછી થયું મોહ વધારે દુખી થશે એટલે તેણે તે વિચાર માંડી વાળ્યો. માયા મોહની રાહ જોતા જોતા ક્યારે ઊંઘી ગઈ તેને પોતાને ખ્યાલ ના રહ્યો. મોહ આખી રાત ઘરે ના આવ્યો. સવારે છેક માયા બંસરીને તૈયાર કરીને સ્કુલે મુકવા જઈ રહી હતી ત્યારે દુરથી તેણે મોહની કાર જોઈ પરંતુ મોડું થતું હોવાને કારણે તે રોકાઈ નહિ. થયું કે બંસરીને મુકીને આવીને પછી નિરાંતે વાત કરીશ. આ બાજુ મોહને વધારે દુઃખ થયું કે પોતાની કાર આવતી જોવા છતા માયા જતી રહી. ગુસ્સામાં ને ગુસ્સામાં પોતે તૈયાર થઈને ઓફીસ જતો રહ્યો અને વિચાર્યું કે રાતે મોડા સુધી ઘરે નહિ આવે કે આખો દિવસ માયાના કોઈ પણ ફોન રીસીવ નહિ કરે. જયારે માયા ઘરે આવી ત્યારે જાણ થઇ કે મોહ તો ઓફીસ ચાલ્યો ગયો છે. તેણે મોહનું મનપસંદ જમવાનું બનાવાનું નક્કી કર્યું અને પોતે જાતે ઓફીસ તેને લંચ આપવા જશે તે વિચારે પોતે રસોડામાં ઓતપ્રોત થઇ ગઈ. મોહની પસંદની બધી વાનગીઓ તેણે મન ભરીને બનાવી અને તે પણ તેને ગમે તેવી થોડી તીખી. મોહને પહેલાથી ગળ્યી વસ્તુઓ ઓછી પસંદ આવતી તે વાત માયાને તેઓ કેફેમાં મળતા ત્યારની જાણ હતી. કોફી પણ તો તે કડક અને ઓછી ખાંડ વાળી લેતો, વિચારીને માયા મલકાઈ. ફટાફટ ટીફીન તૈયાર કરીને તે મોહની ઓફીસ માટે રવાના થઇ. સેક્યુરીટી ગાર્ડએ તેને અંદર ના જવા દીધી તે જાણી માયાને ભારે આઘાત લાગ્યો. કેમકે મોહે પોતાને મળવા કોઈ પણ આવે તે માટે ના પાડી હતી. પછી તે પોતાની પત્ની કેમ ના હોય. તેણે ધરાર ના પાડી હતી કે કોઈને પણ તેને મળવા નથી. માયા આંખમાં આંસુ સાથે ટીફીન આપીને નીકળી ગઈ.

ઘરે જઈને જયારે તેણે સોશિયલ મીડિયા પર જોયું તો મોહ પોતાના ઓફીસ સ્ટાફ જોડે કોઈ હોટેલમાં આરામથી લંચ લઇ રહ્યો હતો. પણ તે અજાણ હતી કે મોહે જાણીજોઈને તે પોસ્ટ મૂકી હતી જયારે પોતે તો જમ્યો સુદ્ધા નહતો. માયાને અત્યંત દુઃખ થયું કે પોતે શું કરી નાખ્યું આ.? સત્યમને દુર ધકેલવાની આડમાં પોતે મોહને પોતાનાથી દુર કરી નાખ્યો કે શું? તેનું મન શું નું શું વિચારવા લાગ્યું. તે દિવસે પહેલી વાર મોહ સાથે લગ્ન કર્યા બાદ પોક મુકીને રડી. કારણકે મોહને દુઃખી કરી તે પોતે બહુ દુઃખી હતી. તે દિવસે પણ મોહ રાતે મોડા આવ્યો. ભલે બંસરી નાની હતી પણ મમ્મી-પપ્પા વચ્ચેનું અંતર સમજી શકતી હતી અને તે જાણતી હતી કે આ બધું પોતે સત્યમ પપ્પાને મળી એ પછી થયુ છે. ઘણી વાર આપણે બાળકને બાળક સમજતા હોઈએ છીએ પરંતુ તેમનું નાનું મન ઘણું સમજતું હોય છે તે આપણે ભૂલી જઈએ છીએ.

વધુ આવતા અંકે.

પ્રિતુ રાણા