Chavvani bank@2035 books and stories free download online pdf in Gujarati

ચવ્વની બેંક@૨૦૩૫

ચવ્વની બેંક@૨૦૩૫

સાલ :૨૦૩૫ તારીખ: ૧૮ જાન્યુઆરી સમય : સવારે ૮.૩૦

“કેશ લઇ લ્યો ... કેશ જમા કરાવો.., ડ્રાફ્ટ કઢાવો... લોન લઇ લો... એટીએમ કાર્ડ કઢાવો... એટીએમ મશીન લઇ લો ... “ મોટે થી

બૂમો પાડતો રેવાંશ ચવ્વની બેંક ની લારી લઇ ને સોસાયટી માં જેવો દાખલ થયો કે તરત બંગલા ના ઉપર ના માળે થી લક્ષ્મી એ

બૂમ પાડી “એ .. ઉભા રહેજો ભાઈ...”

રેવાંશ તરત જ કહ્યું “ આવો ને મેડમ, તમને અમારી બેંક ની કઈ સેવાઓ જોઈએ ? “

લક્ષ્મી : પહેલા એ કહો કે પાછળ ની લારી ની બેંક કરતા તમારી બેંક વધુ સારી છે ?

રેવાંશ : અરે હા, પાછળ ની લારી ની બેંક કરતા મારી બેંક ની લારી માં જ તમને વધુ સગવડો મળશે .

લક્ષ્મી : હા તો બોલો, શું સગવડ છે ?

રેવાંશ : જુઓ, અમારી બેંક ની સેવા લેવા માટે તમારે સૌ પ્રથમ ખાતું ખોલાવવું પડશે,જેના માટે એક ફોર્મ સહી કરી ને આપવું પડશે.

લક્ષ્મી : ભાઈ, મને તો સહી કરતા જ નથી આવડતી ! હું તો અભણ છું.

રેવાંશ : કઈ વાંધો નહીં . તમારા અંગૂઠા ની છાપ ચાલે. અમારે ત્યાં તો તમારા પગ ના અંગૂઠા ની છાપ પણ ચાલશે. માત્ર તમારું ખાતું

“નિરાધાર “ ખાતા ને લીંક હોવું જરૂરી છે.

લક્ષ્મી : હા, તો કઈ સુવિધા છે ?

રેવાંશ : જો અમારી બેંક માં તમે ડીપોઝીટ મૂકો તો બીજી બધી જ બેંકો કરતાં તમને સૌથી વધુ દર વર્ષ નું સવા ટકા લેખે વ્યાજ મળશે.

લક્ષ્મી : અને ડ્રાફ્ટ કઢાવીયે તો કેટલું ડિસ્કાઉન્ટ છે ?

રેવાંશ : અત્યારે ૧૦% છે .

લક્ષ્મી : લોન કઈ કઈ મળે ?

રેવાંશ : તમે જાતે કઈ કમાઓ છો કે માત્ર તમારા ઘરવાળા જ કમાય છે ?

લક્ષ્મી : મારા ધણી ૭ ઘર ના કામ કરે છે ને હું ૫ ઘર ના !

રેવાંશ : (માન પૂર્વક ) ઓહોહો !! તમે તો ખૂબ ધનિક પરિવાર ના છો તો તમારે મને થોડો બિઝનેસ આપવો જ પડશે .

બોલો, તમને કઈ લોન જોઈએ ? ચવ્વની બેન્ક વિવિધ પ્રકાર ની લોન પણ આપે છે જેમ કે મિલ્ક લોન, શાકભાજી લોન, ગ્રોસરી લોન, પેટ્રોલ લોંન વગેરે.

લક્ષ્મી : આ બધી નાની નાની લોન માં મને કંઈ રસ નથી. મોટી કઈ લોન છે ?

રેવાંશ : અરે, હાઉસીંગ લોન, વેહીકલ લોન, કન્ઝયુમર લોન,એજ્યુકેશન લોન બધું મળે ને !

લક્ષ્મી : એમાં કોઈ સ્કીમ છે ખરી ?

રેવાંશ : કાર લોન માં સુપર્બ સ્કીમ છે . જો તમે કાર લો તો બેંક તરફ થી કાર ના ટાયર, હોર્ન અને સ્ટેરીંગ મફત મળશે.

લક્ષ્મી : અને, કન્ઝયુમર લોન માં ?

રેવાંશ: જો તમે નિયમિત હપ્તા ભરશો તો વર્ષ ના ૩ હપ્તા બેંક ભરશે .

લક્ષ્મી : હાઉસીંગ લોન માં શું ફાયદો છે ?

રેવાંશ : જો તમે ત્રણ કરોડ ઉપર ની લોન લો તો બેંક લેપટોપ, આઈપેડ,મોબાઈલ, સોના નો સેટ, હોટેલ ડીનર ના ૧૦ વાઉચર

વગેરે ફ્રી માં આપશે .

લક્ષ્મી : અને એજ્યુકેશન લોન માં ?

રેવાંશ : જો તેમાં તમારા હપ્તા નિયમિત હશે, તો અમારી બેંક તમને ચંદ્ર પર ની ટ્રીપ સ્પોન્સર કરશે.

લક્ષ્મી : પણ પૈસા ઉપાડવા ની શી સગવડ છે ?

રેવાંશ: જો તમારી સોસાયટી ના મિનિમમ ૫ સભ્યો મળી ને એપ્લાય કરે તો ATM મશીન તમારી સોસાયટી માં ઇન્સ્ટોલ કરી જઈશું.

જો તમને મશીન તમારા ઘર માં જોઈતું હોય તો એના વધારા ના ૧૫૦૦૦ ભરવા પડે.

લક્ષ્મી : આ બધું ઓનલાઈન કરવાનું હોય ને ?

રેવાંશ : હાસ્તો મેડમ ! ૨૦૧૬ થી નોટબંદી થઇ ત્યાર થી બધું ઓન લાઈન જ છે . અને અમે ઓન ટોઝ !! અમારા પિતાશ્રી બેંક માં હતા, ત્યારે બેંકોમાં એ.સી.વાળા મકાનો માં બેસતા અને પબ્લિક ને બેંક માં પોતાના કામ માટે જવું પડતું. પણ હવે અમારે તો રોજ રોજ ફરી ને બિઝનેસ લાવવો પડે છે. પગ ના તળિયા ઘસાઈ જાય છે ને ચપ્પલ ટૂટી જાય છે.

લક્ષ્મી : ભાઈ, મેં જરાક શું પૂછ્યું, તમે તો તમારા દુ:ખડા જ રોવા બેસી ગયા !!

રેવાંશ : ના મેડમ, સારા સમાચાર છે અમારા બેન્કર્સ માટે !! આ પેલો પથારીવશ વિજય માલ્યા જો ઉપર જતા પહેલા બેંક માં પૈસા પરત કરશે,તો અમને નવા સેટલમેન્ટ માં દરેક ને એક નવી નક્કોર ચપ્પલ બેંક આપશે. પણ તમે અત્યારે મને શું બિઝનેસ આપશો ?

લક્ષ્મી : ભાઈ અમને તો દરેક લારી એ થી છૂટક મસાલો મફત માં જોઈએ ! વર્ષો ની ટેવ છે. તમે કઈ આપી શકશો ?

રેવાંશ : અરે હા, એ તો હોય જ ને ! તમારા ઘર ના દરેક મેમ્બર દીઠ ૩ ATM કાર્ડ અને ૩ ક્રેડીટ કાર્ડ આ બધા પર મફત મળશે !

અને તમે મારા ખાસ ગ્રાહક છો એટલે તમને એમ હોય તો ૪ અપાવી દઈશ બસ !

લક્ષ્મી : સારું ભાઈ, અત્યારે તમે જાવ. તમારા મોબાઈલ પર હું કાલે રીંગ કરીશ.

રેવાંશ: પણ અત્યારે કઈ ટોકન તો આપી દો, એટલે હું તમારું ખાતું સાઈડ માં બ્લોક કરી ને રાખું.

લક્ષ્મી : અરે, જાવ ને ભાઈ ! માથું ના ખાવ ! કહ્યું ને કે જરૂર હશે તો ફોન કરીશ .

રેવાંશ : ઓહ .. મેડમ મેડમ પ્લીઝ !! આમ શું કરો છો ? મારે મારો ટાર્ગેટ પૂરો કરવાનો છે . તમારે મને

થોડો બિઝનેસ તો આપવો જ પડશે .

લક્ષ્મી : અરે ભાઈ, એમનેમ થોડું આપી દેવાય ? હું બી પાછળ ની લારી ની અઠ્ઠની બેંક સાથે બધું કમ્પેર કરીશ ને !

રેવાંશ : (મન માં ને મન માં...”મારો કેટલો ટાઈમ ખોટી કર્યો ને એક પૈસા નો બિઝનેસ નહી !! પણ આ ઊંચા ઘર ના પૈસા વાળા

લોકો આવું જ કરે છે.”) અમારા જેવી સુવિધા તમને કોઈ બીજી બેંક નહિ આપે ...કોઈ પણ લોન માત્ર કલાક માં જ મળી જશે ..

લક્ષ્મી : મને જો યોગ્ય લાગે તો કાલે બોલાવીશ ( મન માં ...”કોઈ દિવસ મારા છોકરાવ ને ભણાવું નહિ ને ભણાવું તો ય

બેંક માં નોકરી તો ના જ કરાવું !”)

રેવાંશ: સારું, પણ મને એક મોકો ચોક્કસ આપજો. (મન માં ... “હે ભગવાન ! આ એમબીએ થઇ ને નોકરી ના ટાર્ગેટ પૂરા કરવા આટલા ઘર

ગણવા કરતાં આ બેન ની જેમ ઘર કામ કરી ૫ ઘર પકડવા સારાં ! )

અને એક નિ:સાસો નાખી, પગ માં તૂટેલી ચપ્પલ સાથે, બેંક લારી લઇ ને રેવાંશે નવા ગ્રાહક ની શોધ માં બીજી સોસાયટી

તરફ પ્રયાણ કર્યું.

***