Paisai sughand books and stories free download online pdf in Gujarati

પૈસા ની સુગંધ

પૈસા ની સુગંધ

ફૅટ મમ્માઆઆઆ..... ઓ ફૅટ મમ્માઆઆઆ ...બૂમો પાડતો સત્યાવીસ વર્ષ નો ડેશિંગ અને હેન્ડસમ ભૌતિક ઘર માં પ્રવેશ્યો . તેની બૂમો સાંભળી ને કાજલ એ.સી. રૂમ માંથી દોડતીક ને બહાર આવી,” શું છે , કેમ આવતાવેંત બૂમો પાડે છે ? શું થયું ?”. “ અરે, ફેટ મમ્મા , જીસકા તુઝે થા ઇન્તઝાર , વો ઘડી આ ગઈ આ ગઈ ... “ ભૌતિકે કંઈ કહેવાને બદલે ગીત લલકારવાનું ચાલુ કર્યું . કાજલે કહ્યું , “ પ્લીઝ, તારા રાગડા તાણવા ના બંદ કરીશ ને મને કંઈ કહીશ ?” ભૌતીકે કહ્યું , “ હવા રંગીન છે , ચારે દિશાઓ રંગીન છે , તારાઓ રંગીન છે ...” . ભાઈ, તું કહે છે એમાં થી એકેય ને કલર નથી . સરખી રીતે વાત કર ને ! “ફૅટ મમ્મા, યુ નો વ્હોટ , મને ધોળે દિવસે સ્વચ્છ આકાશ માં મેઘ ધનુષ દેખાઈ રહ્યું છે, ચારે બાજુ ફૂલો ની સુગંધ છે, ચારે કોર પક્ષીઓ નો કલરવ સુરાવલી રેલાવી રહયો છે, જીન્દગી હસીન થઇ રહી છે , અને મમ્મા , બ્લેન્ક ઇઝ ઇન ધ એર !! બોલ શું ? કાજલે કહ્યું “ ઓહ યસ ! રોમાંસ... ઇસ ઇન ધ એર... !!! તો શું આજે ઘંટડી વાગી કે ? “

એક અનોખું બોન્ડીંગ હતું માં-દીકરા વચ્ચે ! ભૌતિક ના મિત્રો એને પૂછતા કે મમ્મી ને ફૅટ કહી ને બોલાવાય ? એવું તો પોતાના ફ્રેન્ડસ ને જ કહેવાય અથવા તો નાના ભાઈ બહેન ને ! અને એ જવાબ માં હસતાં હસતાં કહેતો , મારી મોમ જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે .. મારા થી એને બધું કહેવાય !

કાજલ જયારે પરણી ને કરોડપતિ મિલનના ઘર માં આવી, ત્યારથી એને બધું સુખ હતું. બંગલો, ગાડી , નોકર-ચાકર, બધા જ એશોઆરામ હતા. માત્ર એટલું જ કે મિલન કામ માં જ ગળાડૂબ રહેતો. વર્ષ ના અડધા થી ઉપર ના દિવસો તો એ બિઝનેસ માટે ફોરેન જ હોય. કાજલ ને એકલતા સાલતી . જેવો ભૌતિક નો જન્મ થયો કે એને પોતાનું બધું જ ધ્યાન માત્ર એના ઉછેર પાછળ જ કેન્દ્રિત કરેલું. અને એટલે જ બંને માં-દીકરા ને ઘણું સારું ફાવતું.

ભૌતિક ભણતો હતો ત્યાર થી કહી રાખેલું કે તને જે ગમે એ છોકરી સાથે લગન કરાવશું, ખાલી એટલું યાદ રાખજે પસંદ કરતી વખતે કે પૈસા બી જીંદગી માં બહુ અગત્ય ના છે. અને ભૌતિક પૂછતો , “ કેમ , આપણી પાસે ઓછા પૈસા છે કંઈ, તે પૈસાવાળી છોકરી શોધવાની ? “. કાજલ કહેતી કે,” હા, તારા પપ્પા પાસે ઘણા છે એટલે તને ખ્યાલ નહિ આવે , પણ એટલું યાદ રાખ કે જીંદગી માં પૈસો જ સર્વસ્વ છે.પૈસા થકી જ જીંદગી સરસ થાય ને સરસ જાય,ઓકે ?”

એક વાર તો ભૌતિકે ચિડાઈ ને કહી દીધેલું કે મોમ,આવું વિચાર્યું હોત ને તો પપ્પા એ પણ તારી સાથે લગન ના કર્યા હોત. તારી પાસે વળી ક્યાં પૈસા હતા? જે સાંભળી ને કાજલ ને દુ:ખતા ઘા પર કોઈ એ મીઠું ભભરાવ્યા જેવું લાગેલું. અને પરાણે ભૂલાવવા માંગતી હતી તો ય જે કદી દૂર ના થઇ શક્યો, એ ભૂતકાળ એની નજર સામે તરવરી રહ્યો. કોલેજ માં એડમિશન થયું , ને પહેલાં જ મહિના માં કાજલ નો ડંકો વાગી ગયેલો. ટેલન્ટેડ કાજલે પહેલાં જ મહીને કોલેજ ની ટેલેન્ટ ઇવનિંગ માં ડાન્સ, ગીત અને ડ્રામા માં ભાગ લીધેલો. અને ત્રણે માં ઇનામો જીતેલા. ખૂબ જ સ્વરૂપવાન કાજલ ને જોતા વેંત કેટલાય છોકરા એની પાછળ લાઇન મારવા લાગ્યા. પણ કાજલ ને ડ્રામા માં એની સાથે હીરો બનેલો થર્ડ યર નો સ્ટુડટ મિતેષ જ આંખો માં વસી ગયેલો. વર્ષ દરમ્યાન બંને ની દોસ્તી આખા કોલેજ માં બધા નો ચર્ચા નો વિષય બનેલી. મિતેષ બી. કોમ. પતાવી ને એમ.બી.એ. માં એડમિશન લીધું , પણ બંને ના મળવાનું ચાલુ જ રહ્યું. કોઈ એકરાર નહોતો , પણ એ બંને જ નહિ ,આખી કોલેજ જાણતી હતી કે આ બંને પ્રેમી-પંખીડા છે અને બંને ના લગન થશે. પણ વિધિ ના લેખ કૈંક જુદા જ હતા..... !

છેલ્લા બે વર્ષ થી કાજલ ભૌતિક ને કહેતી કે હવે તારી ઉંમર થઇ ગઈ છે, તું જલ્દી લગન કરી ને સેટ થઇ જા. તને કોઈ હજી સુધી નથી ગમતી ? પણ ભૌતિક માનતો નહિ. હંમેશા આર્ગ્યુમેન્ટ કરતો કે એક તો મને કોઈ છોકરી હજી ગમી નથી અને બીજું કે તમે બતાડો , તો કઈ રીતે સમજ પડે કે આ મારા ટાઇપ ની છે ?કોઈ છોકરી ને અડધો કલાક કે કલાક માં કેવી રીતે પસંદ કરી શકાય ? કાજલ કહેતી કે “ અરે, જેને જોઈ ને તારા હૃદય ના તાર ઝણઝણી ઉઠે , એ જ તારી જીવન સંગિની બનશે . એને જોઈ ને તારા હૃદય માં ઘંટડી વાગશે .. એટલે તને ચપટી માં જ સમજાઈ જશે કે આના વગર તારી જીન્દગી અધૂરી ...”

ઓકે , તો આજે ઘંટડી વાગી ? ભૌતિકે કહ્યું , અરે, ઘંટ વાગ્યો , મોટો ઘંટ !! કહેતાં ભૌતિકે ઉભા થઇ મમ્મી નો હાથ ઝાલી ગોળ ગોળ ફુદરડી કરવા માંડી. ફૅટ મમ્મા,મને તો એ ખુબ જ ગમી ગઈ છે. “ અરે , ભાઈ છોડ તું પહેલાં મને , બેસવા દે જરા. કોણ છે , ક્યાં મળી એ બધું કહે તો ખરો! “ અરે ફેટી ! સાંભળ, મારા ફ્રેન્ડ દીપેશ ના લગન હતા ને ગયા અઠવાડિયે , ત્યાં દીપેશ ની વાઈફ સલોની ની એ કઝીન મને મળી અને જોતાવેંત જ ગમી ગઈ છે.આખું વીક લગન માં ડાન્સ, ગરબા, ધમાલ, મસ્તી કરવાની ખૂબ મજા પડી પણ મારી તો રાતો ની ઊંઘ જ ઉડી ગઈ ! કાજલે આનંદિત થઇ ને કહ્યું “અરે વાહ !! નામ શું છે એ તો કહે ! કોણ છે ? શું પૈસાવાળા ઘર ની તો છે ને ? “ હા , બધી જ રીતે તને ગમે એવી જ છોકરી શોધી છે . નામ છે મોહક ! એકદમ નામ મુજબ જ મોહક છે, રૂપ રૂપ નો અંબાર, એન્જીનીયર થયેલી છે ને તેના પપ્પા જાણીતા ઉદ્યોગપતિ છે, મી. શાહ એન્ડ શાહ કંપની ના માલિક ! અબજોપતિ છે .. આપણા થી પણ વધુ લખલૂટ પૈસા છે .

અરે તો વાર શેની , જલ્દી જલ્દી બોલાવ ઘરે મળવા ફેમીલી સાથેસ્તો ! “લે, તને થોડો પૂછવા રહ્યો હોઈશ . કાલે સાંજે એ આવે જ છે આપણા ઘરે એના મોમ –ડેડ સાથે ડીનર પર .. “ કાજલ આનંદિત થઇ ને એની તૈયારીઓ માં પડી ગઈ . કાલે જીવન નો સૌથી મોટો અવસર .. વાહ ભગવાન ! તેં તો મહેરબાની કરી દીધી ને તેમાંય છોકરી પાછી અબજોપતિ !!

પરવારી ને સોફા માં બેઠી ત્યાં ખબર નહીં કેમ એનો જીવ ચુન્થાવા લાગ્યો. અણગમતો ભૂતકાળ વણમાંગે એની નજર સામે દેખાવા લાગ્યો. એ ગ્રેજ્યુએટ થઇ એટલા માં તો મિતેશ પણ એમ.બી.એ. થઇ ગયો પણ હજી એને નોકરી મળી નહોતી. એક દિવસ રોજ સાંજે મળતા ,એ જગ્યા એ કાજલે મિતેષ ને અરજન્ટ મળવા બોલાવ્યો. મિતેષ થોડો મોડો પડ્યો એટલે એણે રિસાઈ ને કહ્યું “બસ, મારે કામ હોય ત્યારે તું મોડો જ હોય!” “અરે , સોરી ડીયર, બોલ ને શું કામ પડ્યું ? કેમ અરજન્ટ બોલાવ્યો ? “ “એક એવા સમાચાર આપવા કે જે મારી જીન્દગી માં સૌથી ઈમ્પોર્ટન્ટ છે. મારી સગાઇ નક્કી થઇ છે, મિલન ની સાથે. બહુ જ સરળ છોકરો છે , એકદમ સરસ , હોશિયાર, માયાળુ ને કરોડપતિ ! યુ નો વ્હોટ, આઈ એમ સો હેપ્પી ! ને મારે સૌથી પહેલા આ ન્યુઝ તારી સાથે જ શેર કરવા હતા !” “ વ્હોટ ? શું વાત કરે છે કાજલ ? મને મજાક જરાય પસંદ નથી ! “ “મિતેષ , તને કેમ લાગે છે કે આવી વસ્તુ ની હું મજાક બી કરી શકું ? “ અવાચક મિતેષ એને જોઈ રહ્યો. “અરે ,કંઇક તો બોલ ! મને લાગ્યું કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે તો તું સૌથી વધુ ખુશ થઈશ , એને બદલે બબૂચક ની જેમ શું ઉભો છે ? કોન્ગ્રચ્યુલેટ મી , યાર ! “ આઘાત થી મિતેષ એને કહ્યું કે ,”કાજલ, કોઈ બીજા સાથે તું લગ્ન નું કઈ રીતે વિચારી શકે છે ? આપણે લગન કરવાના છીએ ને ! હું તો જીવનસાથી તરીકે તારા સિવાય કોઈને વિચારી જ નથી શકતો ! તું મારી સાથે આવું ક્યાં થી કરી શકે ? “ કાજલે કહ્યું “કેમ, આપણે કોઈ દિવસ વાત થઇ છે એવી ? તેં પ્રેમ નો એકરાર કર્યો છે કદી ? ને મેં કદી તને પ્રોમિસ આપ્યું છે ? “ “માય ગોડ, કાજલ ! ઈટ ગોઝ વિધાઉટ સેયિંગ ! હું ને તું જ નહિ, આખી દુનિયા આપણો પ્રેમ જાણે છે . મને છોડી ને કોઈ બીજા સાથે તને કેમ વિચાર આવ્યો ? કાજલે શબ્દો નો ઘા કરતાં કહ્યું “ અરે , તને તો હજી નોકરી પણ નથી મળી, તું કઈ રીતે મને સારી રીતે રાખવાનો ? તને એટલી ખબર હોવી જ જોઈએ કે હું એકદમ શોખીન જીવ છું.”. મિતેષએ જરા ઝંખવાઈ ને કહ્યું કે “ હા, મેં એટલે જ હજી સુધી તને પ્રપોસ નથી કર્યું કારણ કે મને હજી નોકરી નથી મળી ! પણ હું નોકરી શોધી જ રહ્યો છું ને ! અને તને ખબર છે કે ભવિષ્ય માં મારે મોટો ધંધો નાખવાના પ્લાન છે .” “તારો પ્લાન સફળ થાય કે ના થાય, મારે ત્યાં સુધી રાહ જોવાની ? હું તારી સાથે શું કામ સંઘર્ષ વેઠું ? અને હું તો છે ને પૈસા ની સુગંધ પારખી શકું છું , સમજ્યો.. દૂર દૂર સુધી મને ક્યાંય તારી આસપાસ પૈસા ની સુગંધ નો અણસાર બી દેખાતો નથી. “ મિતેષે પૂછ્યું , “ શું પૈસો જ તારા માટે સર્વસ્વ ? મારા પ્રેમ ની કોઈ કિંમત નહિ ? “ “ના ! પૈસા ની સુગંધ કશા ની તોલે ના આવે ! પૈસો મારો પ્રેમ , પૈસો મારો પરમેશ્વર ! “ અને આઘાત થી દિગ્મૂઢ થયેલા મિતેષ ને ત્યાં જ રસ્તા પર છોડી, ગૂડ બાય કહી ને કાજલે એની સાથે હંમેશ માટે છેડો ફાડી નાખેલો.

ભૂતકાળ નજર સામે તાદૃશ થતાં કાજલ ની આંખો માં આંસુ તગતગી રહ્યાં. મિલન સાથે પૈસા સભર જીવન હતું, પણ મિલને ક્યારેય એને સમય નહોતો આપ્યો. પૈસા આવ્યા ત્યારે જ એને સમજાયું કે માત્ર પૈસા જ નહીં, જીંદગી જીવવા માટે પ્રેમ પણ અગત્ય નો છે. મિતેષ જેટલો પ્રેમ કરતો ને લાડ કરતો ,એ લાડ લગન પછી મિલન પાસે થી ક્યારેય ના મળ્યા ..એ પૈસા થી જ શોધવા પડ્યા. ઘણી વાર મિતેષ ની યાદ આવતી કે એ તો કેટલા અછોવાનાં કરી ને મને રાખતો , પણ મિલને આગળ તો એનું સ્વમાન પણ કદી સચવાયું નહોતું, પ્રેમ ની ક્યાં વાત કરવી ! પણ મિયાં પડે ને તંગડી ઊંચી .. એમ અભિમાની કાજલ પોતે ખોટું કરી બેઠી , એ સ્વીકારવા તૈયાર નહોતી. અને ભૌતિક ને પણ પૈસા જ જીંદગી માં સર્વોત્તમ છે , એમ શીખવાડતી રહી.

ભૂતકાળ ની યાદો એ ખાલી ખોટું મન ડહોળી નાખ્યું. હું પણ શું આ બધું યાદ કરવા માં પડી ? કાલે તો ભૌતિક નું નક્કી થઇ જશે ને પછી બસ નવેસર થી માત્ર ખુશાલીઓ નો જ દોર !

બીજા દિવસે સુંદર લાલ કલર ની સાડી માં સજ્જ કાજલ મિલન સાથે મહેમાનો નું સ્વાગત કરવા અધીર હતી. વર્ષો પછી આજેય એટલી જ રૂપવાન લાગતી હતી. સાત ના ટકોરે મોહક એના મોમ-ડેડ ને લઇ ને ઘર માં પ્રવેશી. નજર સામે મોહક ના ડેડ –મિતેષ ને જોઈ ને એની આંખો ફાટી જ રહી ગઈ. સૂન્ન મગજે કાજલ ઝાઝું કઈ જ બોલી ના શકી .બધા ની વચ્ચે કોઈ ઓળખાણ બતાવ્યા વગર ચૂપચાપ બેઠી રહી. છોકરા-છોકરી એક બીજા ને જોવાનું, મળવાનું , વાતો કરવાનું વગેરે પતી ગયું.. વિદાય વખતે એ લોકો કહેતાં ગયા કે કાલે તમને નિર્ણય જણાવશું.

એમના ગયા પછી મિલન ને ભૌતિક આગળ ઔપચારિક વાતો કરી જલ્દી પોતાની રૂમ માં દોડી ગઈ. આખી રાત રડી રડી ને કાજલ ની આંખો સૂઝી ગઈ. હે ભગવાન , મેં કરેલા પાપ નું ફળ મારા દીકરા એ ભોગવવું પડશે , કોઈ દિવસ મેં વિચાર્યું નહોતું. જે ગ્રાઉન્ડ પર મેં મિતેષ ને ના કહેલી, એ જ ગ્રાઉન્ડ વાપરી ને આજે એ મારા છોકરા ને ના કહેશે , ને મારી સાથે બદલો પૂરો કરશે. મારી બહુ જ મોટી ભૂલ થઇ ગઈ, હું મિતેષ ની માફી માગી લઈશ. ભગવાન,મને માફ કરજે , પણ મારી છોકરા ની જીંદગી બચાવી લેજે.

વહેલી સવારે હિંમત કરી ને એણે મિતેષ ને ધ્રુજતા હાથે ફોન જોડ્યો ,” હેલો,મિતેષ ! વર્ષો પહેલાં મેં જે કર્યું, એ બદલ આજે દિલ થી માફી માંગું છું. આપનો નિર્ણય જાણી શકું?”સામે થી મિતેષે કહ્યું , “ જીવન ના કોઈ પણ પાસા માં ‘પૈસા ની સુગંધ’ મારો માપદંડ ક્યારે ય નથી રહ્યો. હું અને મારું આખું કુટુંબ ‘સંસ્કાર ની સુગંધ’ ના મોહતાજ છીયે અને એટલે અમારા તરફ થી ‘હા ‘ છે .”

ફોન બાજુ માં મૂકી ને, બે હાથ જોડી , ભગવાન નો અભાર માનતી કાજલ છુટ્ટા મને રડી ઉઠી.