Kaalratri - 21 books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-21

(આગળના પ્રકરણમાં આપણે વાંચ્યું કે, લેખક અને તેમના પિતા ઈંટોની ફેકટરીના પડી ગયેલા છાપરા નીચે આરામ કરીને ગ્લેવિચના કેમ્પમાં પહોંચ્યા. કેદીઓને બેરેકની ફાળવણી કરવામાં આવતા થાકેલા અને મૃતપ્રાય કેદીઓએ બેરેકમાં પહોંચવા ધસારો કર્યો. આ ધસારાને કારણે લેખક અને તેમના પિતા શરીરોના ઢગલા વચ્ચે દબાયા. હવે, આગળ વાંચો...)

એ અંધારી અને ગંધાતી બેરેકમાં હું મારા પર પડેલા શરીરોના ઢગલા વચ્ચેથી બહાર નીકળવામાં સફળ થયો હતો. મારામાં જેવી બોલવાની શક્તિ આવી કે તરત મેં મારા પિતાને શોધવા બૂમ પાડી. હું મારા પિતાને બોલાવી રહ્યો હતો. મને સામો જવાબ નહોતો મળી રહ્યો. વીતી રહેલી પળો મારા અસ્તિત્વને અમંગળની આશંકાથી ભરી રહી હતી. થોડી ક્ષણો પછી તેમનો અવાજ સંભળાયો, "હું અહીંયા છું."

હું તરત જ તેમની પાસે પહોંચ્યો. તે પણ મારી જેમ તેમના પર ખડકાયેલા શરીરો વચ્ચેથી બહાર નીકળવામાં સફળ થયા હતા.

"મને સુવા દે. હું થાક્યો છું." તેઓ મહાપ્રયત્ને બોલ્યા.

સૂવું એટલે મોતને આમંત્રણ દેવું. હું તેમને જાગતા રહેવાનું કહેવાંનું વિચારી જ રહ્યો હતો ત્યાં મારા કાને વાયોલિનનો અવાજ સંભળાયો. એક અંધકારમય બેરેકમાં મૃત્યુ પામેલા અને મરી રહેલા કેદીઓના ઢગલા વચ્ચે કોઈ વાયોલિન વગાડી રહ્યું હતું. એ કોણ પાગલ વ્યક્તિ હતો કે જે પોતાની કબર પાસે બેસીને વાયોલિન વગાડી રહ્યો હતો?

એ ઝુલેક જ હતો. તે પણ કોઈ રીતે મારી જેમ શરીરોના ઢગલા વચ્ચેથી નીકળવામાં સફળ રહ્યો હતો.

બેરેકમાં સંપૂર્ણ અંધકાર છવાયેલો હતો. કેદીઓના શરીરો બધે વિખરાયેલા પડ્યા હતા. કોણ સૂતું છે અને કોણ મૃત્યુ પામ્યું છે એ કહેવું મુશ્કેલ હતું. તે શાંત વાતાવરણને માત્ર એક વાયોલિનનો અવાજ જ ચીરી રહ્યો હતો. ઝુલેકની આત્મા જાણે વાયોલિન સાથે એકાકાર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. તે પોતાની આશાઓ, પોતાનો ભૂતકાળ, પોતે જીવેલા જીવનની તમામ ક્ષણો, પોતાની યાતનાઓ...આ બધું જ તે ધૂનમાં રેડી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. તે સાચે જ એક અલૌકિક અનુભવ હતો. તે જાણે ફરી ક્યારેય વગાડવાનો ન હોય તેમ તેનો જીવ એ ધૂનમાં રેડી રહ્યો હતો.

હું તે પળ કેવી રીતે ભૂલી શકું? એક સંગીતકારે મરી રહેલા અને મરી ગયેલા લોકોની સામે કરેલી એ પ્રસ્તુતિ સાચે જ અદભુત હતી. હું આજે પણ જયારે એ ધૂન સાંભળું છું ત્યારે પેલી બેરેકનો અંધકાર મને ઘેરી વળે છે. મને મરી રહેલા માણસોને, વાયોલિન વગાડીને, વિદાય આપી રહેલા સંગીતકારનો ફિક્કો પડી ગયેલો ચહેરો દેખાય છે.

મને ખબર નથી કે તેણે કેટલો સમય વગાડ્યું. મને ઊંઘે ઘેરી લીધો. હું જયારે પરોઢિયે ઉઠ્યો ત્યારે ઝુલેકનું મૃત શરીર મારી સામે હતું. તે બેઠેલી અવસ્થામાં જ મૃત્યુ પામ્યો હતો. તેનું વાયોલિન તેની પાસે જ પડ્યું હતું.

અમેં ગ્લેવિચમાં ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા રહ્યા. અમને એક ટીપું પણ પાણી આપવામાં ન આવ્યું. ઠંડી અને ભૂખના કારણે અમારી હાલત ખરાબ હતી. અમારા કપડાં ગંદા અને શરીરો સુકાઈ ગયેલા હતા.

યુદ્ધ મોરચો ફરી એકવાર અમારી નજીક આવી ગયો હતો. અમને ફરી તોપોના અવાજો સંભળાવા લાગ્યા. અમને હવે એવી આશા પણ નહોતી કે રશિયન સેના અમને અહીંથી છોડાવી લેશે. અમારામાં વિચારવાની શક્તિ જ રહી નહોતી.

અમને એવું જાણવા મળ્યું કે જર્મનો અમને દેશના અંદરના ભાગમાં લઇ જઈ રહ્યા છે.

ત્રીજા દિવસે વહેલી સવારે અમને બેરેકની બહાર કાઢવામાં આવ્યા. દરેક કેદીને એક ધાબળો આપવામાં આવ્યો. અમારી યાત્રા ફરી શરૂ થવાની હતી. અમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. અશકત કેદીઓને ડાબી તરફ અને જે ચાલી શકે તેમ હતા તેવા તમામ જમણી તરફ. અમને સમજાઈ ગયું કે આ પસંદગીની પ્રક્રિયા હતી. મારા પિતાને ડાબી તરફ રાખવામાં આવ્યા. હું ગભરાઈ ગયો. હું મારા પિતાથી અલગ થવા નહોતો માંગતો. હું તેમના તરફ દોડ્યો. કેટલાક એસ.એસ.ના ઓફિસર પણ મને રોકવા દોડ્યા.

આ અફરાતફરીમાં ઘણા કેદીઓએ પોતાની જગ્યા બદલી લીધી. સદભાગ્યે મારા પિતા પણ તેમાંના એક હતા. ડાબી તરફ વધેલા કેદીઓને ગોળીબારથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અમેં અમારી નજર સામે અમારા સાથીઓને મરતા જોઈ રહ્યા.

બાકી બચેલા બધાને કેમ્પની બહાર કાઢવામાં આવ્યા. અમારી કૂચ ફરી શરૂ થઇ. અમારા પર ભારે બરફવર્ષા થઇ રહી હતી. અમે ઓઢેલા ધાબળા પર બરફ જમાં થવા લાગ્યો હતો. અડધી કલાક ચાલ્યા પછી અમને એક ખેતરમાં ઉભા રહેવાનું કહેવામાં આવ્યું. ખેતર વચ્ચેથી રેલમાર્ગ પસાર થતો હતો. અમારે ત્યાં ટ્રેનની રાહ જોવાની હતી. અમને જમીન પર બેસવાની મનાઈ ફરમાવામાં આવી હતી. અમને ભોજન માટે એક એક બ્રેડ આપવામાં આવી. ત્રણ દિવસથી ભૂખ્યા હોવાના કારણે અમે તેના પર તૂટી પડ્યા.

ભૂખ તો થોડી ઓછી થઇ પણ તરસ અસહ્ય થઇ પડી હતી. હજું અમને પાણી આપવામાં નહોતું આવ્યું. તરસ સહન ન થતા કેટલાક કેદીઓએ બરફ ખાવાનું શરૂ કર્યું.

બેસવાની મનાઈ હોવાથી અમેં એક બીજાના ધાબળા પર જમાં થયેલો બરફ, સાથે લાવેલી ચમચીઓ વડે ખાવા લાગ્યા. એસ.એસ.ના ઓફિસરો આ વિચિત્ર દ્રશ્ય જોઈને હસવા લાગ્યા.

કલાકો પસાર થતા ગયા અને અમે ટ્રેનની રાહ જોઈને થાક્યા. ઉભા રહેવાને કારણે અમારા પગ પણ થાક્યા હતા. ટ્રેન છેક મોડી સાંજે આવી. આખી ટ્રેન છાપરા વગરના ઢોર ભરવાના ડબ્બાઓની હતી. અમને તેમાં પશુઓની જેમ પુરવામાં આવ્યા. એક એક ડબ્બામાં સો સો માણસો. અમારા સુકલકડી શરીરોને કારણે, જર્મનોને એક ડબ્બામાં સો કેદીઓ ભરવામાં સહેજ પણ તકલીફ ન પડી. અંતે અમારી આ બીજી કષ્ટદાયક યાત્રા શરૂ થઇ.

(ક્રમશ:)