Kaalratri - 23 books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-23

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યું કે, કેવી રીતે લેખક અને તેમના પિતા, ટ્રેનની લાંબી અને યાતનાપૂર્ણ યાત્રામાંથી મહામહેનતે બચીને, બુચેનવાલ્ડના કેમ્પમાં પહોંચે છે. હવે, આગળ વાંચો...)

બુચેનવાલ્ડના કેમ્પની બહાર એસ.એસ.ના સૈનિકો અમારી રાહ જોઈને ઉભા હતા. તેમણે અમારી ગણતરી કરી. અમને ફરી કતારમાં ગોઠવવામાં આવ્યા. મેં ફરી મારા પિતાનો હાથ પકડ્યો. એ જ જૂની મારા પિતાથી છુટા નહીં પડવાની લાગણી મને ઘેરી વળી.

અમારી જમણી તરફ ભઠ્ઠીની ચીમની દેખાઈ રહી હતી. હવે અમારા પર તેની કોઈ અસર નહોતી પડી રહી. અમે અલગ અલગ કેમ્પમાં ચીમનીઓનું દ્રશ્ય જોઈને ટેવાઈ ગયા હતા.

એક જુના કેદીએ અમને જણાવ્યું કે અમારે દરેક કેમ્પની જેમ અહીં પણ પહેલા શુદ્ધિકરણની પ્રક્રિયામાં પસાર થવું પડશે. ગરમ પાણીએ નહાવાનો વિચાર મને સારો લાગ્યો. મેં મારા પિતા તરફ જોયું. તે ખરાબ રીતે હાંફી રહ્યા હતા.

"આપણને નવડાવીને આપણા બ્લોકમાં મોકલવામાં આવશે. તમેં ત્યાં આરામ કરી શકશો. થોડી હિંમત રાખો." મેં તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.

તેમણે મને કોઈ જવાબ ન આપ્યો. મને થોડો ગુસ્સો આવ્યો. મારે જેમ બને તેમ જલ્દી નહાઈને બ્લોકમાં જઈને પથારીમાં પડવું હતું.

બાથરૂમ સુધી પહોંચવું અશક્ય થઇ રહ્યું હતું. સેંકડો કેદીઓ ત્યાં લાઈન લગાવીને ઉભા હતા. ગાર્ડસ વ્યવસ્થા જાળવી શકે તેમ ન હતા. તેમણે કેદીઓને ફટકારવાનું શરૂ કર્યું. ઘણા કેદીઓ ઉભા રહી શકે તેમ ન હતા. તેઓ જમીન પર જામેલા બરફ પર બેસી ગયા. મારા પિતા પણ તેમ જ કરવા માંગતા હતા. તેઓ નિસાસા નાખી રહ્યા હતા.

"હવે, મારાથી નથી સહન થતું. મને લાગે છે, હું અહીંયા જ મરી જઈશ. હું થાકી ચુક્યો છું."

તેઓ મને એક બરફના ઢગલા તરફ ખેંચીને લઇ જવા લાગ્યા. તેના પર કેદીઓ સુતા હતા.

"મને અહીંયા છોડીને તું નહાવા જા. મારા પર દયા ખા. તું પાછો આવ ત્યાં સુધી હું અહીંયા સુઈશ."

મને તેમના શબ્દો યાદ આવ્યા, "બરફમાં સૂવું એટલે મોતને આમંત્રણ આપવું."

મને ગુસ્સો આવ્યો. આટલી આટલી યાતનાઓ સહન કર્યા પછી તેઓ હારી ચુક્યા હતા. એ પણ ક્યાં સમયે? અમને ગરમ પાણી અને સુવાની જગ્યા મળી રહી હતી ત્યારે.

"પિતાજી, ત્યાં તમારે નથી સુવાનું...ચાલો ઉભા થાવ, થોડી વાર સહન કરી લો." મેં ગુસ્સામાં કહ્યું.

"મારા ઉપર દયા ખા. મને સુવા દે. મારામાં હિંમત નથી રહી."

તેઓ નાના છોકરા જેવું વર્તન કરી રહ્યા હતા. તેઓ અશક્ત, ડરેલા અને નિર્બળ લાગી રહ્યા હતા.

"પિતાજી, તમેં ત્યાં ન સુતા, તેઓ પણ તમારી જેમ જ સુવા માંગતા હતા." મેં બરફ પર પડેલા મડદાંઓ તરફ આંગળી ચીંધી.

"હાં, જો તે બધા કેટલા શાંતિથી સુતા છે. તેઓ પણ મારી જેમ થાકી ગયા હશે. મને પણ સુવા દે."

"એ બધા મરી ગયા છે. એ બધા ફરી ક્યારેય નથી ઉઠવાના..." મેં ગુસ્સામાં કહ્યું.

અમારી ચર્ચા થોડીવાર ચાલી. મને ખબર હતી કે હું મારા પિતા સાથે દલીલ નહોતો કરી રહ્યો પણ મોત સાથે દલીલ કરી રહ્યો હતો. મારે ફરજીયાત એ દલીલમાં જીતવું પડે તેમ હતું. હું મોતને જીતવા દેવા નહોતો માંગતો. એવું મોત કે જેની પસંદગી તેઓ કરી ચુક્યા હતા.

અચાનક સાયરન વાગવાના ચાલુ થયા. આખા કેમ્પની લાઈટ ચાલી ગઈ. ગાર્ડસ અચાનક બધાને બ્લોક તરફ તગેડવા લાગ્યા. કેદીઓ મળે તે જગ્યાએ ઘુસી ગયા. થોડીવારમાં બહાર કોઈ જ ન બચ્યું. બધા કાતિલ ઠંડીમાં અંદર સુઈ ગયા.

સવારે હું ઉઠ્યો ત્યારે અચાનક યાદ આવ્યું કે રાત્રે થયેલી ભાગદોડમાં હું મારા પિતાનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો હતો. તેઓ ક્યાં હતા તે મને ખ્યાલ નહોતો રહ્યો. હું તેમને કેમ્પમાં આમતેમ શોધવા લાગ્યો. કલાકો સુધી તેઓ મને ન મળ્યા. મને વિચાર આવ્યો કે હું કાયમ માટે તેમની જવાબદારી માંથી મુક્ત થઈ જાવ તો? હું મારી પોતાની જાતને બચાવવા વિચાર પણ કરી શકીશ. મને મારી જાત પર આવો વિચાર કરવા માટે ઘૃણા ઉપજી.

હું જ્યાં કેદીઓને કોફી આપવામાં આવી રહી હતી ત્યાં પહોંચ્યો. કેદીઓ ત્યાં લાઈન લગાવીને ઉભા હતા.

"એલિઝાર, બેટા, મારા માટે કોફી લાવી દે ને." મારી પાછળથી અવાજ આવ્યો.

"પિતાજી, તમેં ક્યાં હતા? રાત્રે ક્યાં સુતા હતા? હું તમને સવારનો શોધી રહ્યો છું. તમને કેમ છે હવે?" મેં તેમને જોઈને રાજી થતા પૂછ્યું.

તેમને સખત તાવ હતો. હું કેદીઓ વચ્ચે રસ્તો કરીને કોફી લઇ આવ્યો. મેં એક ઘૂંટડો ભરીને કોફી તેમને આપી દીધી.

કોફી પીતી વખતે તેમની આંખોમાં આવેલી આભારની લાગણી હું ક્યારેય નહીં ભૂલું. મેં તેમને કદાચ મારી આખી જિંદગીમાં એટલી ખુશી ક્યારેય નહીં આપી હોય.

તેઓ એક લાકડાના ટુકડા પર બેઠેલા હતા. તેમની આંખો કાળી પડી ગઈ હતી. તેમના હોઠ ફિક્કા અને સુકાઈ ગયેલા હતા. તેઓ તાવથી ધ્રુજી રહ્યા હતા.

અમને અમારા બ્લોક સાફ કરવાનો હુકમ આપવામાં આવ્યો. મારે મારા પિતાને ત્યાં બેસાડીને બ્લોક સાફ કરવા જવું પડ્યું. અમને બ્લોક સાફ કર્યા પછી જ તેમાં જવા મળ્યું. અમેં પાંચ કલાક બહાર બેસી રહ્યા. સાંજે અમને સૂપ આપવામાં આવ્યું. હું મારા પિતા પાસે ગયો.

"તમેં કંઈ જમ્યા?" મેં પૂછ્યું.

"ના, તેમણે બીમાર લોકોને સૂપ આપવાનું બંધ કરી દીધું છે. તેઓ કહે છે જે લોકો બચી શકે તેમ નથી તેમના પર ભોજન થોડું ખર્ચાય." મારા પિતા બોલ્યા.

મેં મારુ બચેલું સૂપ અનિચ્છાએ તેમને આપી દીધું.

હું પણ પેલા પાદરીના દીકરાની જેમ પરીક્ષામાં નપાસ થયો હતો.

દિવસે દિવસે મારા પિતાની હાલત ખરાબ થઈ રહી હતી. તેમનો ચહેરો ફિક્કો પડી રહ્યો હતો. તેઓ હિંમત હારી ચુક્યા હતા. અમારા કેમ્પમાં આવવાના ત્રીજા દિવસે બધાને શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર કરવાનો આદેશ આવ્યો. જેમાં બીમાર કેદીઓનો પણ સમાવેશ થતો હતો. બીમાર કેદીઓને છેલ્લે જવાનું હતું.

હું નહાઈને બહાર આવ્યો ત્યારે અમારા બ્લોકમાં સફાઈ ચાલતી હોવાથી બહાર ઉભો રહ્યો. મેં દૂરથી મારા પિતાને જોયા. હું તેમની પાસે દોડી ગયો. તેઓ દોડતા દોડતા ક્યાંક જઈ રહ્યા હતા. મેં તેમને રોક્યા, "પિતાજી, તમે ક્યાં જઈ રહ્યા છો?"

તેમણે મને ન ઓળખ્યો. તેમની આંખો દૂર ક્ષિતિજ પર ખોડાયેલી હતી. તેઓ જાણે કોઈ અજાણ્યા માણસને જોઈ રહ્યા હોય તેમ મને જોઈ રહ્યા. પછી તેઓ આગળ વધી ગયા.

મારા પિતાને મરડો થવાના કારણે તેઓ પથારીમાં મળત્યાગ કરી દેતા હતા. એક દિવસ હું તેમની પાસે બેસીને તેમની મદદ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. મારા પિતા મોતને હરાવી દેશે એવી મારી ભ્રમણા હવે ભાંગી ચુકી હતી. હું તેમને આશા બંધાવી રહ્યો હતો.

અચાનક તેઓ ઉભા થયા અને મારા કાનમાં બોલવા લાગ્યા,"એલિઝાર, તને ખબર છે મેં બધું સોનું અને ચાંદી ક્યાં દાટ્યું છે?"

આગળ તેઓ ઝડપથી બબડાટ કરવા લાગ્યા. મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હજુ બધું પૂરું નથી થયું પણ તેઓ મારી વાત સાંભળવા તૈયાર નહોતા. અંતે તેઓ થાક્યા. તેમના મોં માંથી લોહી અને થૂંક નીકળી રહ્યું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

મેં તે દિવસે તેમને એકલા નહીં છોડવાનો નિર્ણય કર્યો.

એક ટાઈમની બ્રેડ અને સૂપના બદલામાં મને મારા પિતાની બાજુની પથારી મળી ગઈ. એક દિવસ જયારે ડોકટર આવ્યો ત્યારે હું તેમને ડોક્ટર પાસે લઇ ગયો.

"શું તકલીફ છે?" ડોકટરે પૂછ્યું.

"તેમને મરડો થઇ ગયો છે."

"હું સર્જન છું. હું તેમાં કંઈ કરી શકું તેમ નથી. ચાલ, બીજાનો વારો આવવા દે." ડોકટરે ગુસ્સામાં કહ્યું.

મેં વિરોધ નોંધાવવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો.

"બેટા, મને મારા પલંગ પર પાછો લઇ જા, મારાથી નથી ચલાતુ." મારા પિતા થાકીને બોલ્યા.

હું તેમને પાછો લઇ આવ્યો. મને મારી લાચારી પર ગુસ્સો આવ્યો. થોડા દિવસ પછી એક બીજો ડોક્ટર પણ આવ્યો. પણ તે દર્દીઓને તપાસવાનો બદલે તેમને ધમકાવીને ચાલ્યો ગયો. મને તે ડોક્ટર પર ગુસ્સો આવ્યો. મને તેનું ગળું દબાવી દેવાની ઈચ્છા પણ થઇ આવી. દુર્ભાગ્યે હું વિવશ હતો. આ બધા જ મારા પિતાના હત્યારાઓ હતા અને હું તેમની સામે કંઈ કરી શકું તેમ નહોતો.

મારા પિતાને બચાવવાના મારા તમામ પ્રયાસો નિષ્ફ્ળ જઈ રહ્યા હતા.

(ક્રમશ:)

(આવતા સપ્તાહે સમાપ્ત.)