Gunegaar Kon books and stories free download online pdf in Gujarati

ગુનેગાર કોણ

ગુનેગાર કોણ ?

આશાબેન પોતાના દુખતા પગ પર આયોડેક્સ ઘસી રહ્યાં હતાં. ત્યાં પ્રવિણ ભાઇ ને રુમ માં આવતા જોયા. આજે એમના ચહેરા પર ફરી પાછો એ જ ગુસ્સો અને ધુંધવાટ દેખાતા હતા. એ એ કંઇક બબડાટ કરતા કરતા આવતા હતા. પ્રવિણભાઇના ગુસ્સાના કારણ ની આશા બેન ને ખબર જ હતી.. તો ય એ રુમ માં આવ્યા એટલે પુછી જ લીધું.

“શું છે કેમ આટલા ગુસ્સે થાઓ છો ?અને કોના ઉપર?“

“તને ખબર તો છે રોજ ની એ વાત ની. પછીના સવ પુછીને શું કામ ગુસ્સો વધારે છે મારો. ”

“શું એ પાછી આવી હતી ?”

“સાવ નાક વગરની છે. જરાય શરમ જેવું છે જ નહિ. કેટલી વાર એને ધમકાવી ,અપમાનિત કરીને કાઢી મુકી તોય રોજ સાંજ પડે આવી જાય છે. તમે સિક્યુરિટી ગાર્ડને જ કહી દો ને એ આવે તો એને અંદર ઘુસવા જ ના દે. બહારથી જ કાઢી મુકે. “આશાબેને બામ ની ડબ્બીને પાછા ટેબલના ખાનામાં મુકતા કહ્યું.

“મે નહિ કહ્યું હોય. સિક્યુરિટી ગાર્ડ ને ય કહ્યું. અને આજે તો એને ઘુસવા ય ના દીધી. તો બહાર દરવાજે રાહ જોઇને બેસી રહી. હું સાંજ ના મંદિરે જવા નીકળ્યો એટલે મારા પગે પડી ગઇ. અને મને અને તને બંન્ને ને ઘરે પાછા લઇ જવા માટે કાકલુદી કરવા લાગી. બધા ય ની સામે મારો તમાશો બનાવી દીધો. માંડ માંડ એનાથી પીછો છોડાવીને આવ્યો છું. ”

“હદ થાય છે. આની તો. કેમ હવે આટલા સમય પછી પ્રેમ ઉભરાઇ આવ્યો. ત્યારે એ પ્રેમ ક્યાં હતો જ્યારે કાવતરા કરીને એ બે ય જણાએ આપણું ઘર પડાવીને અમને વ્રૃદ્ધાશ્રમ માં ધકેલી દીધા હતા. મારો પ્રીત તો લગ્ન પહેલા કેટલો સારો હતો. દરેક વાતે એના હોઠ પર એક જ શબ્દ હતો મા. કંઇ પણ કામ હોય. મા વગર એ તો એ થતુ જ નહિ. ને લગ્ન પછી એણે કેવો કાળો જાદુ કરી દીધો કે મારા જ દીકરાએ એના કેવાથી આપણું ઘર લઇ લીધું અને આપને આ ઘરડાઘરમા “ બોલતા બોલતા તો આશાબેન ના ગળામાં ડુમો ભરાઇ ગયો ને આગળનું વાક્ય બોલી જ ના શક્યા.

પ્રવિણ ભાઇએ ય ગળગળા થઈ ગયાને એમની આંખો ભરાઇ આવી તો ય પોતાનું ગળું ખંખેરી આશાબેન ના હાથ પર હાથ રાખી ને બોલ્યા, “ કેટલી વાર કહ્યું કે એ બધી જુની વાતો ને યાદ કર. પોતે તો દુખી થાય જ છે. મને ય રડતો કરી નાખે છે. ”

“હું ય બધું ભુલીને જિવવા માગું છું. પણ પેલી ક્યાં ભુલવા દે છે. ?રોજ સાંજ પડે ને આવી જાય છે બધું યાદ દેવડાવવા માટે. એના લીધે રાતે સરખું ઉંઘી ય શકાતુ નથી. કેમ કે એ બધું યાદ દેવડાવતી જાય છે એથી રાત આખી દિકરા ની જ યાદ માંજાય છે ને હું પડખા ઘસતી રહી જઉં છું. ”

“પણ મને મનમાં એક પ્રશ્ન થાય છે કે આ આટલા સમય પછી હવે કેમ ઘરે પાછા લઇ જવા માગે છે. શું પ્રીતે તો આને નહિ મોકલી હોય ?હોઇ શકે કે એને પોતાને અહિં આવવા ની હિંમ્મત ના ચાલતી હોય એટલે નવ્યા ને અહિં આપણ ને લેવા મોકલતો હોય. જો એવું હોય તો આપણે ઘરે પાછા જવું જોઇએ. ગમે તેમ તોય એ આખરે આપણું લોહી જ છે ને. લોહી જ લોહી ને પોકારે. ક્યાંક એ આપણી યાદ માં હિજરાતો ના હોય બિચારો. નહિ તો આ આટલી બધી વિનંતીઓ શું કામ કરે?ક્યારેક એના આપને પાછા ઘરે લઇ જવાના પ્રયત્નો જોઇને મારુ મન ય પીગળી જાય છે. ”

“તમે બહુ ભોળા છો. આ નવ્યા ને પુરી ઓળખી નથી. જો એવું જ હોય ને તો પ્રીત પોતે કેમ એકવાર ય મોઢું બતાડતો નથી. ને આ નવ્યાને મોકલી દે છે. આમાં જરુર એની કોઇક ચાલ હશે. અથવા તો કંઇક એનો સ્વાર્થ છુપાયેલો હશે. એટલે જ આવા નાટક કરતી હશે. તમે એના નાટકમાં એ જ રીતે ભોળવાઓ છો જે રીતે પ્રીત ભોળવાઇ ગયો છે. હવે ચાલો નીચે હોલના મંદિરમાં સંધ્યઆરતીનો સમય થઇ ગયો છે. નીચે મોડુ થશે. ”

“ તું સાચું જ કહે છે. એમ જ હશે. મને તો મનમાં એક આશા ય બંધાઇ ગઈ હતીકે પ્રીત એકદિવસ આપણ ને લેવા આવશે. ”એમ કહીને બંન્ને વ્રૃદ્ધ દંપતિ રુમ માં થી આશ્રમ માં બનાવેલા મંદિર માં સંધ્યા આરતી માટે નીચે ચાલ્યા.

ત્રણ વર્ષ પહેલા આશાબેન અને પ્રવિણ ભાઇ ના પુત્ર પ્રીત ના વિવાહ નવ્યા સાથે થયા હતા. સાત આઠ વર્ષ સુધી તો બધુ સારુ જ ચાલ્યુ પણ પછી ધીમે ધીમે બંન્ને સાસુ વહુ વચ્ચે નાની વાતો માં ઝગડા થવા લાગ્યા. અને પછી તો વાત ત્યાં સુધી પહોંચઇ ગઈ કે જ્યારે પ્રીત ઘરે આવે ત્યારે કોઇ ને કોઈ વાતે ઝગડો થયેલો જ હોય. એક દિવસ નવ્યા અને આશા બેન વચ્ચે ના ઝગડાએ બહુ મોટુ સ્વરુપ ધારણ કરી લીધું અને એ રાતે કોઇ એ ખાધુ ય નહિ કે કોઇ ને નિંદર ય ના આવી. આશાબેન આખી રાત નવ્યા અને પ્રીત ના રુમ માં થતીિ ચણભણ ના અવાજો સાંભળતા રહ્યાં. બીજા દિવસે ડાઇનિંગ ટેબલ પર પ્રીતે મોટો ધડાકો કર્યો કે,”તમારા રોજ રોજના ઝગડા થી હું કંટાળી ગયો છું. તમારા બંન્ને નું નામ હું ‘ વિસામો’ માં લખાવી દીધું છે.. આજે તમારો સામાન પેક કરીલો કાલે તમને હું ત્યાં મુકી આવીશ. ”

પ્રવિણ ભાઇ એ એકદમ ગુસ્સે થઈ ગયા. અને ઉંચા અવાજે બોલ્યા,”કેવી વાત કરે છે તુ ?તું અમને ઘરડા ઘરમાં મુકવાની વાત કરે છે?અને તમને જો ના ફાવતુ હોય તો તમે બંન્ને તમારુ ઠેકાણું ગોતી લો કેમ કે આ ઘર હજુ મારુ છે. ને તુ અમને જ ઘર છોડી દેવાનું કહે છે. ”

પ્રીત એકદમ ઠંડા કલેજે બોલ્યો,” તમારુ ઘર હતુ પપ્પા હવે એ મારુ છે. તમને યાદ છે્ તમે વીમો પાકવાના પેલા કાગળો પર સહિ કરી હતી. એ કાગળ વીમા ના નહોતા એ ઘર ના કાગળ હતા અને એમાં તમે આ ઘર મારા નામે કરી દીધું છે. નવ્યા અને મમ્મીના ઝગડા જોઇ મને હતુ કે આ દિવસ આવશે એટલે મે પેલાથી જ તૈયારી કરી દીધી હતી. આમે ય તમારે હવે જિંદગી કેટલી બચી છે. શાંતિ થી ત્યાં જઇ રહો. જીવો અને અમને ય જીવવા દો. ”

પ્રવિણ ભાઇ અને આશાબેન ને મોટો આઘાત લાગ્યો. પ્રવિણ ભાઇ પ્રીત ઉપર બરાડતા બોલ્યા, “નાલાયક, મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત ? આ માટે તને મોટો કર્યો હતો અમે?”

“ઓહ,પ્લીઝ પપ્પા હવે લેક્ચર ના ચાલુ કરી દેતા. મારે ઓફિસે જવાનું મોડુ થાય છે. ”એમ કહીને ઓફિસ જવા નીકળી ગયો. નવ્યા પોતાના રુમ માં જતી રહી. માત્ર આશાબેન અને પ્રવિણ ભાઇ જ બેઠા રહ્યાં. આશાબેને રડતા રડતા પ્રવિણ ભાઇને સમજાવ્યા કે આપણે તો હવે ખરતુ પાન. અહિં રહેવામાટે હવે ઝગડો કરશું તો એમા આપણું સન્માન ના જળવાય. અને જો તમે ઘર માટે કોર્ટ માં કેસ કરશો તો સમાજ માં બધા વાતો કરશે. એના કરતા’ વિસામો ‘માં જતા રહીએ. પ્રવિણ ભાઇએ એમની એ વાતે સહમત થઈ ગયા. બે ય જણાએ દુખી મને પોતાનો સામાન પેક કર્યો. એ આખી રાત આશાબેને છાનું છાનું રડવામાં કાઢી. ઓશિકુ આંસુ થી ભીંજાઇ ગયેલુ અને આંખો સુજીને લાલ થઈ ગયેલી. મળસ્કે જરા આંખ મળી તો ઉઠતા આઠ વાગી ગયા. અને નવેક વાગે જ્યારે નાહી ધોઇને તૈયાર થઈ ને ડાઇનિંગ ટેબલ પર આવ્યા ત્યારે નવ્યા વરસી પડી,”તમારે વહેલા ના ઊઠી જવાય. એમને મોડુ થતુ હતુ તો એ જતા રહ્યાં. હવે તમે બેસો નાસ્તો કરીલો હું તમને મુકવા આવું છું. ”

“ચાલશે. અમે જતા રહીશું”એમ કહીને બંન્ને પોતાના રુમ માંથી સામાન લઈને બહાર નીકળી ગયા. નવ્યા એ એમને કહ્યું ,”કે નાસ્તો તો કરતાં જાઓ. ”પણ પ્રવિણ ભાઇએ કહી દીધું કે “અમે ત્યા પહોંચી ને કરી લેશું”

“એ પછી ડોઢ વર્ષ સુધી બેમાંથી કોઇ એકેય મળવા ય ના આવ્યું આશાબેન ખાસા બિમાર થઈ ગયા હતા તે માંડ સાજા થયા. એની ખબર ય કરી તો પ્રીતે ફોન પર જવાબ આપ્યો કે,”હમણા થી હું ખુબજ વ્યસ્ત છું સમય મળશે તો જોઇશ”. કહીને ફોન કાપી નાખ્યો

પણ એક દિવસ નવ્યા આવી ને ખુબ રડીને માફી માગી. અને બંન્ને ને ઘરે આવવા કહ્યું. પણ બંન્ને ટસના મસ થયા. બંન્ને એ એક જ જીદ પકડી રાખી કે પ્રીત જ્યાં સુધી પોતે લેવા ના આવે ત્યાં સુધી બંન્ને ઘરે નહિ જાય. એટલે નવ્યા નિરાશ થઈ ને જતી રહી.

એ દિવસ થી એ બંન્ને ને ઘરે લઇ જવા મનાવે છે પણ બેમાંથી એકેય પ્રીત વગર ઘરે જવા તૈયાર નથી થતા.

એકદિવસ આશાબેન અને પ્રવિણ ભાઇ બંન્ને કંઇક કામ થી બહાર નીકળ્યા. ને ખરી બપોર નાસમયે પ્રવિણ ભાઇને ગભરામણ જેવુ થવા લાગ્યુ. એમને ચક્કર આવ્યા ને રસ્તામાં જ બેભાન થઈ ને પડી ગયા. રસ્તો એકદમ સુનો હતો અને કોઇ દેખાતુ નહોતુ. આશાબેને અમુક ગાડીઓ ને ઉભી રાખવા પ્રયત્ન કર્યો પણ કોઇ ગાડી ઉભીજ નહોતી રહેતી. અચાનક એક ટેક્સી આવીને એમાંથી નવ્યા ઉતરી. એણે પીળા રંગના ડ્રેસ પર ગુલાબી રંગનો સ્કાર્ફ ગળા પર વીંટી રાખ્યો હતો. અને એ મદદ કરવા આવી. આશાબેન પાસે એની મદદ લીધા વિના છુટકો નહતો.

એ બંન્ને ને ઘરે લઇ ગઇ. અને બાજુમાંથી એક ડોક્ટર ને બોલાવીને ચેકઅપ કરીને એક ઇંજેક્શન આપીને કહ્યું ,”બી. પી લો થઈ જવાને લીધે ચક્કર આવ્યાહતા. ભાન માં આવતા થોડો સમય લાગશે. ”એમ કહીને જતા રહ્યાં.

થોડી વારમાં નવ્યા શરબત લઇને આવી. એટલે આશા બેને નવ્યાને પુછ્યું ,”તું ક્યાં લઇ આવી છે અમને ?આ કોનું ઘર છે?”

“આ મારું જ ઘર છે. અને હું અહિં જ રહું છું. ”

“કેમ અમારું ઘર કયાં છે ?જે તમે બંન્ને એ છળ કરીને પડાવી લીધું હતું. વેચી દીધું કે શું?અને પ્રીત ક્યાં છે?”

“એ તો મજામાં જ હશે. ”

“કેમ એવું બોલે છે?

“કેમ કે અમે હવે સાથે નથી રહેતા. એટલે. ”

“કેમ ?અમને અમારા દિકરા થી દુર તો કરી દીધો એ પછી એની સાથે ય ના પોસાયુ તને?અમારી જેમ એને ય એકલો કરી દીધો તે?

“મે એને નથી છોડયો નથી એકલો કર્યો. પણ છોડી તો મને દીધી અને મને એકલી કરી દીધી. ”નવ્યા થી ઉંચા અવાજમાં બોલી જવાયુ. એના અવાજમાં પ્રીત પ્રત્યે નો ગુસ્સો સાફ દેખાતો હતો.

આશાબેને જિજ્ઞાસાથી પુછ્યું ,”કેમ એવું શું થયુ કે જેના માટે એણે અમને છોડી દીધા એને જ છોડી દીધી ?”

નવ્યા એ પોતાના ગળા પર વીંટેલો સ્કાર્ફ ઉતારીને બતાવતા કહ્યુ કે,”આ થયું છે મારી સાથે જેના લીધે એણે મને છોડી દીધી. ”

આશાબેને એ જોયું તો એ દ્રશ્ય જોઇ હલી ગયા. નવ્યા ના ગળાથી કરી ને છાતી સુધીની ચામડી બળેલી હતી. અને બળેલી ચામડી ના નિશાન પડી જવાને લીધે એ ભાગ વિક્રૃત લાગતો હતો. આશાબેન ને થોડી વાર તો શું બોલવું એની કંઇ સમજ જ ના પડી. પછી માંડ સ્વસ્થતા ધારણ કરીને બોલી શક્યા.

“આ કેવી રીતે અને ક્યારે બની ગયુ?”

“તમને લોકો ને ઘરમાંથી કાઢી મુક્યા પછી અમે બંન્ને જલસાની જીંદગી જીવી રહ્યાં હતા. એક દિવસ પ્રીતે એના પ્રમોશન ની ખુશીમાં ઘરે પાર્ટી રાખી. પણ એ દિવસે નોકરાણી કામ પર ના આવતા બધું જ કામ મારે એકલી એ કરવું પડ્યું. મે ક્યારેય એટલું બધું સંભાળેલું નહિ. એટલે હું રઘવાઇ થઈ ગઈ હતી. ત્યાં સ્ટાર્ટર માટે ના સમોસા તળતા મારી સરતચુક થી ગરમાગરમ તેલ મારી પર પડ્યું. મારો ચહેરો તો બળી જતાં બચી ગયો પણ બધું તેલ મારી ગરદન પર પડતા મારા ગળાની ચામડી અને છાતીના ભાગ ની ચામડી સખત દાઝી ગઇ. પ્રીતે મને તરત હોસ્પિટલમાં તો દાખલ કરી દીધી. પણ જ્યારે મને ભાન આવ્યું ત્યારે મને એના પુછ્યું કે તને હવે કેમ છે. પરંતુ મારી બેદરકારી બદલ મને ઠપકો આપવા લાગ્યો અને મને કહ્યુંખે મારા લીધે એને પોતાની પાર્ટી કેન્સલ કરવી પડી. ”એમ બોલતા નવ્યા રડી પડી.

આશાબેન ને હવે નવ્યા પ્રત્યે સહાનુભૂતિ થવા લાગી. એમણે પાણી નો ગ્લાસ નવ્યાને આપ્યો. નવ્યાએ એમાંથી પાણી પીને વાત આગળ વધારી. ”હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી એ મારાથી દુર રહેતો હોય એવું મને લાગ્યા કરતું. મારી સાથે ટુંકમાં વાત પતાવવી,અથવા ટાળી દેવી જેવું એ રોજ કરવા લાગ્યો. એકદિવસ પોતાની સાથે એક સ્ત્રી ને લઇ આવ્યો અને મને કહ્યું હવે થી આ આપણી સાથે રહેશે. મે વિરોધ કર્યો તો મને કહેવા લાગ્યો કે તારે રહેવું હોય તો આની સાથે રહેવું પડશે નહિ તો તું જઇ શકે છે. પહેલા તો હું એના વિરુદ્ધ માં કેસ જ કરવાની હતી. પરંતુ એ દુખ માંય મને તમારી યાદ આવી ગઇ. મને થયું કે જેની સાથે હું માત્ર બે થી ત્રણ વરસ રહી છું એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો તો મને આટલું દુખ થાય છે તો જ્યારે તમે તો પાળી પોષીને મોટો કરેલો એ તો તમારુ જ લોહી હતું જ્યારે એણે તમારી સાથે દગો કર્યો હતો અને એ ય મારા લીધે તો તમને કેટલું દુખ થયું હશે. ત્યારે મને એવું લાગ્યું કે મને મારા જ કર્મો ની સજા મળી રહી છે. અને એ પાપ નું બસ એક જ પ્રાયશ્ચિત હતું કે હું તમારા બંન્ને ની માફી માગું અને આખી જિંદગી તમારી વહુ નહિ પણ દિકરી બનીને સેવા કરું. તમારી એ વહુ જેણે તમને ઘર ની બહાર કઢાવી મુક્યા હતા એ તો ત્યારે જ મરી ગઈ હતી જ્યારે તમારા દિકરા એ એને સત્ય નું ભાન કરાવ્યું. અત્યારે તમારી સામે જે ઉભી છે એ માત્ર તમારી દિકરી બનીને જ તમારી સાથે રહેવા માગે છે. તમે મારા પર ભરોસો કરો અને મને બસ એક તક આપો હું તમારી દરેક મુશ્કેલીઓનો ભાર ઉપાડી લઇશ. તમને ક્યારેય કોઇ દુખ નહિ પડવા દઉં. બસ મને એક તક આપો. ”

“અમે એ બાબતે વિચાર કરીને પછી કહીશું એકવાર જેનાથી દગો મળ્યો હોય એના પર જ ફરીથી વિશ્વાસ કરવો આસાન વાત તો નથી જને”ત્યાંપ્રવિણભાઈ ને ભાન આવ્યું હોય એવું લાગ્યું એટલે આશા બેને કહ્યું ,”લાગે છે આમને ભાન આવ્યું છે. અમારે હવે જવું જોઇએ. તું અમારા પાછા જવાની વ્યવસ્થા કરી શકતી હોય તો “આશાબેને વાક્ય પુરુ ના કર્યું એ બીકે કે કદાચ ના પાડી દે તો.

“ હા,જરુર. થી “એમ કહીને નવ્યા રિક્ષા બોલાવી લાવીને ભાડુ ય ચુકવી દીધું.

એ પછીના બે ત્રણ દિવસ આશાબેન વિચાર માં પડી ગયા કે પ્રવિણ ભાઇને એ વાત કહે કે નહિ. રખેને નવ્યા કે પ્રીત ની વાત નીકળતા ગુસ્સે થઈ જાય. એમ વિચારતા એમણે પ્રવિણ ભાઇને કંઇ કહ્યું નહિ. પણ થોડા દિવસ પછી નવ્યા આવી ત્યારે પ્રવિણભાઇ આશ્રમ ના મેનેજર સાથે મળીને કંઇક પેપર વર્ક કરી રહ્યાં હતા. નવ્યા ને જોઇને આશાબેન ને ફાળ પડીકે ક્યાંક પ્રવિણભાઇએનું અપમાન કરીને બિચારીને કાઢી ના મુકે.

કામ પતાવીને પ્રવિણ ભાઇ આશાબેન પાસે આવ્યા. એ આજે ખુશ દેખાતા હતા. આશાબેન પાસે આવીને કહ્યુ ,”ઉભી ઉભી જોઇ શું રહી છે સામાન પેક કર આપણો. મે બધુંજ કાગળિયા કામ પુરું કરી દીધું છે. નવ્યા દિકરી ને ઘેર નથી જવું. ? એ આપણી રાહ જુએ છે.

આ સાંભળીને આશાબેન આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રવિણ ભાઇને જોઇ જ રહ્યાં. એટલે પ્રવિણ ભાઇ એ કહ્યું ,”તને એમ થાય છે ને કે મને કેમ ખબર પડી. પણ પેલા દિવસે જ્યારે તું મને નવ્યા ના ઘરે લઇ ગઇ હતી ત્યારે મે તમારી બધી જ વાતો સાંભળી હતી. અને આપણા દિકરા એ એની સાથે કેવી નાલાયકી કરી એ વાત પણ. આશા તને એ વાત કહું તો કદાચ તને ખોટું લાગશે પણ ક્યાંક ને ક્યાંક આપણા થી જ પ્રીતને ઉછેરવામાં અને એને સંસ્કાર આપવામાં કંઇક ઉણપ રહી ગઇ છે. આપણે પ્રીત ની દરેક માગણી ઓ સંતોષી. સાચી ખોટી દરેક ઇચ્છાઓ પુરી કરી. અને એટલે એ પુરેપુરો સ્વકેન્દ્રી બની ગયો છે. એને દરેક વાત માં હવે પોતાનો ફાયદો દેખાય એ જ કામ કરેછે. ને પોતાની ફરજ એ ભુલી ગયો છે. હું એમ નથી કહેતો કે જે થયું એમાં નવ્યા ની કંઇ ભુલ નહોતી. પણજ્યાં આપણું લોહી જ આપણું ના થઇ શકે તો બીજા કોને દોષ દેવાય?અને નવ્યા ને તો પોતાની ભુલ નો અહેસાસ થઈ ગયો છે. અને એ આપણી દિકરી બનીને આપણી સાથે રહેવા માગતી હોય તો આપણે એની સાથે જ રહેવું જોઇએ. આમે ય હવે તો આપણી પાસે કંઇ બચ્યું ય ક્યાં છે જે કોઇ પડાવી લેશે. જે કંઈ છે એ માત્ર પ્રેમ જ તો છેતો ભલે ને એમાં ભાગ પડાવતી. એમ વિચારીને મે એને હા પાડી દીધી હતી. અને મને ખબર હતીકે તું ય પિગળી જ ગઈ હતી પણ મને એવાત કહેવી કે ના કહેવી એની અસમંજસમાં હતી એટલે મે એને હાએ પાડી દીધી અને બધું કામ ય પુરું કરી દીધું. ”

“ સાચી વાત છે છો દીકરો તો આપણો ના થયો પણ ઇશ્વરે આપણ ને હવે એક દિકરી આપી છે તો દિકરી સાથે જ રહીએ ને. ચાલો હવે સામાન પેક કરાવો મોડું થાય છે. નવ્યા રાહ જુએ છે. ”

એમ કહીને વ્રૃદ્વ દંપતિએ સામન પેક કર્યો. અને નવજીવન તરફ પ્રયાણ કર્યું.