...Ane... off the Record - Part 18 books and stories free download online pdf in Gujarati

...અને.. ઓફ ધી રેકર્ડ - પ્રકરણ ૧૮

પ્રકરણ ૧૮

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૧૮

‘...અને...’

ઑફ ધી રેકર્ડ

...અને સફળતા તરફ દોટ લગાવતા વિબોધ જોશીની ખાસિયતો જ તેને માટે ખતરો બનતી ગઈ. દોસ્તોની સાથે દુશ્મની જોડાયેલી છે. વિબોધના દોસ્તો શત્રુ બની બિલાડીના ટોપની જેમ ફૂટયા. કારણ માત્ર વિબોધનું રાઈટિંગ જ નહીં વિબોધનો એટિટ્યુડ હતો. સફળતાની એક મોટી ખરાબી એ છે કે તે માણસનો મિજાજ બગાડી નાખે છે. અમીરી અહમ અને અલગાવની પોષકદાતા છે.

વિબોધનો દસકો જાણે એક દસક પહેલા જ ખતમ થવા આવ્યો.

સનસનીખેજ સમાચારની દુનિયામાં વિબોધનું ઈનવેસ્ટીકેશન રિપોટિંગ ભૂતકાળનો કિસ્સો બનતું ગયું. અખબારની સુરખીઓ વિબોધની વગર પણ વાંચકોને આકર્ષે છે એવું સાબિત થતું ગયું. શરાબનાં પહેલા પેગ પછી સર્જાતી બેખુદી વિબોધની આસપાસનાં વાતાવરણમાં ઘર કરી ગઈ. ખ્યાતનામ પત્રકાર વિબોધ જોશીની સ્ટોરીઝ રિજેક્ટ અને એડિટ થવા લાગી. વિબોધ આઉટ ઑફ ફોમ નહીં, આઉટ ઑફ ફિલ્ડ થઈ ગયો.

વિબોધ અંદરથી ખવાતો-કોતરાતો અને પોતાની દુનિયામાં પુસ્તકોનાં ઢગલા અને સિગારેટનાં ધુમાડા વચ્ચે ખોવાતો ગયો. એ પોતે બધાને આસાનીથી જાણીને સમજી લેતો પણ કોઈને કશું જણાવતો નહીં. કોઈ તેને સમજવાની કોશિશ કરવા માંગે તો પણ એ તેનાથી દૂર થઈ જતો. વિબોધનું મૌન ભલભલાને અકળાવનારું અને ડરાવનારું લાગતું હતું. સ્પર્ધા, સિદ્ધિ અને સત્તાની ચઢ-ઉતર એ જીવનમાં સ્થિરતા, સદભાવ અને સંબંધો પર ઊંડી અસર છોડી હતી.

એક તબક્કે થયું કે, પાછલા દિવસોનાં જીવનમાં વિબોધ સાથે જે થયું એ સારું થયું. વિબોધ આ લાઇનનો માણસ ન હતો. મારી દૃષ્ટિએ તેણે સત્તાનો થોડોઘણો દુરુપયોગ કર્યો છે. જોશમાં હોશ ગુમાવી સત્તાના નશામાં શાણપણ ગુમાવ્યું છે. હવે તે આ બધાથી દૂર થશે. જે તેના અને તેની આસપાસની વ્યક્તિ માટે ફાયદાકારક છે. પાછળથી થયું ના, વિબોધે જે કર્યું એ તેના કામનો એક ભાગ હતો. રોલ ઓફ વર્ક. સંજોગના સકંજામાં શું સારું અને શું ખરાબ એ નક્કી કરવાનો હક્ક ઈશ્વર સિવાય કોઈ પાસે નથી. દેશની કોઈ અદાલત, પંચ કે સંત માણસનાં સાચા-ખોટા હોવાનો હિસાબ ન કરી શકે.

સમાજની નજરોમાં વિબોધની સાથે ક્યાંક દૂરથી મારો નાતો જોડાયેલો હતો. તેથી વિબોધની દુશ્મનાવટનો ભોગ અને અન્યાય મારે પણ સહન કરવાનો સમય આવ્યો. અલબત્ત વિબોધ સાથે જોડાયલી તમામ નાની-મોટી વ્યક્તિઓને વિબોધના સાથી હોવાની સારી-ખરાબ અસર ભોગવવી પડતી. અખબારી અને સાહિત્યજગતનું એકપક્ષીય વલણ મે પણ ભોગવ્યું. બીજા માટે લડનાર, સમાજને ન્યાય અપાવનાર ખુદ અન્યાય અને નાઈન્સાફીના ભોગ બન્યા.

ઠોકરો માણસને કઠોર અને કર્કશ બનાવી નાંખે છે. મારે પણ મારી જાતનું આત્મપરીક્ષણ, નિરીક્ષણ અને પરિવર્તન કરવું પડ્યું. સત્યને છંછેડવું સારું નહીં. મારી અંદર રોષ અને બદલો લેવાની ભાવના ભડકી ઉઠી. બગાવત સામે બદલો જ અંતિમ લક્ષ્ય એવા બ્યુગલ વાગી ચૂક્યા હતા.

વિખવાદ હિતેચ્છુ માટે સમસ્યા હોય છે અને હરીફો માટે હથિયાર. વિબોધ મારા માટે દોસ્તથી વિશેષ હતો. એના કપરા સમયે સાથ આપવાની મારી ફરજ મે કોઈ પ્રકારનાં સંશય કે સમાધાન વિના અદા કરવાનું વિચાર્યું. હું અને વિબોધ અમારા બંને વચ્ચે રહેલી-ઉપજેલી તમામ સમજણ-અસમજણ બાજુ પર મૂકી વિરોધીઓને મુહતોડ જવાબ આપવા કાળા શબ્દોની સ્યાહીવાળી અંધારી આલમમાં બધુ ભૂલી વ્યાવસાયિક ધોરણે એક થયા.

સુદર્શન અખબારની સ્થાપના કરી. હું માલિક અને વિબોધ તંત્રી બન્યો. જોતજોતામાં સૌરાષ્ટ્રનાં નામી અખબારોમાં સુદર્શન અખબારની ગણના થવા લાગી. અખબારી માધ્યમ વડે વિબોધે પોતાની તેજ-તર્રાંર તેજાબી કલમની ધારે ભલભલાને વીંધી, ચીરી અને કૂચા કાઢી નાખ્યા. પછી તો વિબોધના એક ખિસ્સામાં પેન અને બીજા ખિસ્સામાં પિસ્તોલ રહેવા લાગી. શું પોલિટીસ્યન્શ, શું ડોન, અને શું પોલીસ કે શું પૈસાદારો.. વિબોધની પેન અને સુદર્શન અખબારની પોલિસી સમાજનો પડછાયો બની ગયો. સુદર્શન અખબારમાં ઉઠતાં સામાજિક અવાજનાં પ્રશ્નો અને સમસ્યાથી લોકોની ચાહના અને અપેક્ષા વધી.

મૈત્રી સિવાય સફળતા પણ શત્રુઓની સેના ઊભી કરે છે. સુદર્શન અખબાર અને વિબોધનાં દુશ્મનોની સંખ્યા સાથે કદ વધ્યું. નવા વિરોધીઓ કોઈ ગલીના ગુંડા-મવાલી ન હતા, વ્હાઈટ કોલર કિલર્સ હતા. હવે વિબોધ પર હુમલાઓ થવાનો ખતરો રહેવા લાગ્યો. સમારંભમાં જવાનું કે જાહેર સ્થળો પર ટહેલવાનું તેણે ઓછું કરી નાંખ્યું. વિબોધ સાથે તેનો મિત્ર મોહન પડછાયો બની રહેવા લાગ્યો. મોહન વિબોધનું સુરક્ષાકવચ ગણાતો હતો.

‘સૉરી. હું તમને અહી રોકીશ. એક સવાલ કરી શકું?’

સત્યાએ નતાશાને પ્રશ્ન પૂછવાની હા પાડી.

‘જો મોહન વિબોધનું સુરક્ષાકવચ હતો તો વિબોધ પર ફાયરિંગ થયું ત્યારે મોહન ક્યાં હતો?’

સત્યાએ દુ:ખદ રીતે કહ્યું, ‘ખબર નથી. હું એટલું જાણું છું કે, મોહન જ્યાં પણ હશે વિબોધ જોડે હશે. સુરક્ષિત હશે. મોહન વિબોધમાં પોતાના જાન પૂરી જીવાડે પણ વિબોધના જાન ઉડવા નહીં દે. આઇ અમ શ્યોર.’

સત્યાની વિશ્વાસપૂર્ણ લાગણીનાં પ્રવાહોની અભિવ્યક્તિ પ્રકાશના પ્રતિબિંબ જેવી વાસ્તવિક હતી.

‘એ મોહન જ હતો જેને સૌ પ્રથમ વખત વિબોધે અમારા વિશે વાત કરી હતી.’

‘બધું ફરીથી ઓકે થઈ ગયું. વેલ સેટ. આટલો લવ હતો, ઈટ મીન્સ મને તો હજુ તમારી આંખો અને અક્ષરોમાંથી વિબોધજી માટે પ્રેમ છલકતો દેખાય છે તો પછી વિબોધજીનું મર્ડર કેમ કર્યું?’

‘મેં મર્ડર નથી કર્યું’

‘સૉરી... સૉરી... ફાયરિંગનું કારણ?’

‘ઈલાક્ષી.’

‘વ્હોટ?’ નતાશા ચમકી ગઈ.

‘હા. વિબોધને એક ફાઇલ મળી હતી. ઈન્ટેલિજન્સ બ્યૂરોની ફાઇલ.’

‘શું હતું એ ફાઇલમાં?’

‘એ ફાઇલ અત્યાચારીઓના અન્યાયનો બદલો લેવાનું હથિયાર હતું. એ ફાઇલ ભ્રષ્ટાચારી રાક્ષસોનો સંહાર કરવાનું સુદર્શન ચક્ર હતું. ઑફ ધી રેકર્ડ. ફાઇલની અંદર તમામ નાના-મોટા સરકારી-બિન સરકારી, ખાનગી હોદ્દેદારોનાં કાળા કારનામાઓના પુરાવા હતા. બ્લેક મની અને સ્વિસ બેંક એકાઉન્ટ વિશેની ડિટેઈલ્સ હતી.’

‘આઈ સી.’

‘મિશન ઑફ ધી રેકર્ડ. જે ફાઇલ વિબોધ પાસે છે એ વાતની જાણ ઈલાક્ષીને થઈ ગઈ. અને વિબોધ ઈલાક્ષી પર ભરોસો મૂકી બેઠો. એ ઈલાક્ષીની વાતોમાં આવી ગયો અને..’ સત્યાએ બોલવાનું બંધ કર્યું.

નતાશાએ તત્પરતાથી પૂછ્યું? ‘આ ઈલાક્ષી કોણ છે? હું ખોટી ના હોઉ તો કદાચ એ હાલમાં તમારા ન્યૂસ પેપરની ચીફ એડિટર છે. વિબોધજીની જગ્યા પર.’

‘ઈલાક્ષી સુદર્શન અખબારની રિપોર્ટર હતી. એ જ્યારથી અમારા અખબાર સાથે જોડાઈ ત્યારથી વિબોધની નજીક આવવાની, વિબોધ જેવુ બનવાની અને વિબોધ જે કરે એ બધુ કરવાની કોશિશ કરતી રહેતી હતી. હું વિબોધને આ અંગે વારંવાર ચેતવતી રહેતી પણ વિબોધ મારી વાતને હસી મજાકમાં ઉડાવી નાખતો હતો. જ્યારે વિબોધ પાસે મિશન ઑફ ધી રેકર્ડ ફાઇલ આવી ત્યા સુધીમાં ઈલાક્ષી સુદર્શન અખબારની સબ એડિટર બની ગઈ હતી. એટલે અખબારી પોલિસી મુજબ વિબોધે ઈલાક્ષી પાસે મિશન ઑફ ધી રેકર્ડ ઓપન કરી નાખ્યું.’

‘પછી?’

‘અને પછી એ દિવસે હું ખૂબ જ ગુસ્સામાં હતી. સાંજના સમયે હું વિબોધને મળી, પાછલા દસ વર્ષોથી મારી અંદર ઘૂટાતી, ઘૂઘવાતી, અને ફદફદતી તમામ વેદના-વહાલ અને વલોપાતને મે વિબોધ પાસે બહાર કાઢી નાખ્યો. વિબોધને ઘણું કહ્યું, ઑફ ધી રેકર્ડ એ આપણા અન્યાયનો બદલો લેવાનું સાધન છે. આપણે જ એ હથિયારનો ઉપયોગ કરીશું. મે ઘણા સમય સુધી તેને સમજાવ્યું પણ વિબોધ ટસનો મસ ન થયો. મારી એકપણ વાત પર ધ્યાન ન આપતા તેણે ફાઈનલી જણાવી આપ્યું કે, આવતીકાલે એ ફાઇલ ઈલાક્ષીને આપશે. અને ઈલાક્ષી જ મિશન ઑફ ધી રેકર્ડ સ્ટોરી સુદર્શન અખબારમાં સિરીઝ તરીકે ચલાવશે. તેની વાત પર મે નારાજગી દર્શાવી, અસહમતી દાખવી તો તેણે મને તંત્રીપદેથી રાજીનામુ આપવાની ધમકી આપી. મે તેને ધમકી સામે ચેતવણી આપી, તું ફાઇલ ઈલાક્ષીને આપે એ પહેલા હું તને મારી નાખીશ પણ ઈલાક્ષીને એ ફાઇલ નહીં આપવા દઉં. આટલું કહી મે તેના પર બંધૂક તાકી. વિબોધ નીડરતાથી મુસ્યુરાયો. એણે બેફિકરાઈથી સિગારેટ જલાવી પીધી. મે ગોળીઓ ચલાવી. ધડામ... ધડામ... ધડામ... અને..’

ક્રમશ: