Sarprise books and stories free download online pdf in Gujarati

સરપ્રાઈઝ...

“અષાઢની મેઘલી રાત” વાર્તા

“સરપાઈઝ”.

રીના ડોક્ટર ચિંતનની પરણિતા. લગ્ન પછી ભણવાનું ચાલુ હતુ તેથી સામાન્ય રીતે ભણતરનો ભાર એટલો બધો કે ખાસ રીના તરફ ઘ્યાન ન આપી શકેલ ચિંતન એકાંતોમાં કદી પોતાની જાતને ઠપકારતો.. આ કેવું લગ્ન? પણ ડોક્ટરને શરીરનું અકર્ષણ ઓછુ અને રીના આખી જિંદગી સાથેજ રહેવાની છે ને? આ ભણવાનું પતે પછી તેને ફરિયાદ કરવાની તક જ નહીં આપું વાળી વાતો મનમાંને મનમાં કરતો.

સંયુક્ત કુટુંબમાં પોતાની જાતને ગોઠવતી રીના ચિંતનની સામે જોતી ત્યારે એની આંખોમાં લાગણીઓનો દરિયો ઘુઘવતો આ લાગણી ઓ જ તેને સાસરીઓના મેણા ટોણા સહીને લગ્ન જીવન ને ટકાવતી. એ સમજતી વેરા અને આંતરાનો વહેવાર. પણ હશે મારા તકદીરમાંથી કોઇ નહીં લઈ જાયને? અને પોતાનો ઉછેર ગામડાનો..પિયરીયે કોઇ જોનાર નહીં અને સાસરીયે મુંગો ધણી..જાણે એક વિના પગારની કામ વાળી.... મેડીકલનાં બે વર્ષ બાકી..પછી તો મારા દી’ ફરશેને?

“ભાભી? તમને ઉપમા બનાવતા નથી આવડતી?” હું મનોમન બોલતી અમારા ગામડા ગામમાં તો રોટલા ટીપતા આવડે એટલે ભયો ભયો..

“ભાભી તમને બનાવતા શું આવડે છે? પોતૈયા? “હું પાછી મનોમન બોલતી મને ચાર છ મહીના રહેવા દો અહીંનું બધુ શીખવા દો..પછી તમને બનાવતા આવડે તે બધું જ બનાવીશ

“ ભાભી તમે હવે ગામડામાં નથી રહેતા.. વડોદરા શહેરમાં રહો છો! જરા બધા સાથે હળો મળો. આ શું તમે અને તમારો રૂમ? સહેજ બની ઠની ને નીકળો તો લોકો પણ કહે મારા ભાઈને રૂપાળી અને કાબેલ છોકરી મળી છે” તે બબડતી કોને દેખાડવા સજુ? મારો પિયુ તો ગયો પરદેશ?

“ ધોળા તો ગધેડાં પણ હોય” એ હેબતાઇ જ ગઈ. અને દુઃખ પણ અનુભવતી. જે છે તે જોતા નથી અને જે નથી તે શોધ શોધ કર્યા કરો છો?

સાંજે પપ્પાએ નાની નણદીને બહુ ખખડાવી. નાના મોટાનું માન રાખવા વિશે ખાસુ એવું લેક્ચર આપી માફી મંગાવડાવી. ભાભી ની જગ્યા મા પછી હોય છે. પપ્પા વિશે માન તો હતું પણ આ પ્રસંગ પછી તે બેવડાઇ ગયું

નાની નણદીઓની છાસ વારે આવતી કટાક્ષવાણી પીતા ગુસ્સો આવતો અને ઘણી વાર તડ ફડ કરી નાખવાની ઈચ્છા થતી. પણ ચિંતન પ્રત્યેનો પ્રેમ તેને તેમ કરતા રોકતો.

એક મમ્મી અને તેમની સહાનુભૂતી ભરી માવજતે તે ગામડા અને શહેરનાં ઉછેરની ખાઈ પુરતા હતા. અને વહાલથી કહેતા.” મારી દિકરીઓને સાસરે જશે ત્યારે ખબર પડશે..અહીયા હીરોગીરી કરે છે પણ સાસરે જશે ત્યારે તેઓને પણ આવું બધું વેઠવું પડશે. એકડે એકથી નવું શીખવાનું હોય ત્યારે હીરો માંથી ઝિરો થવું પડે. તું તો સાસરે આવી છે અને નવું વાતાવરણ હોય તેમાં શીખવાની તૈયારી છે એ ઘણી ઉમદા વાત છે.

ચિંતન ઉપર પણ ગુસ્સો આવતો..પરણ્યા પછી પણ જુદાઇનું તપ? મને પણ લંડન સાથે લઈ જાને? દિવસે તું તારે ભણજે અને હું તારું બધું સાચવીશ. મને રાત્રે તો તું જોવા મળે...તારો વિરહ તો ના નડે ..પણ હાય રે ગામડું મને નડી ગયું.. ઉછેર જુદો છે પણ મને ટકોર ટકોર ના કરશો હું બધોજ વ્યવહાર ઝડપથી શીખી જઈશ..

મને ઈંગ્લીશ ના આવડે. ગુજરાતી મિશ્રીત અંગ્રેજી ના ચાલે. ત્યાં.જુદુ એપાર્ટ્મેંટ લેવું પડે..તેનો ખર્ચો વધારે આવે અને તેનાથી પણ વધુ ચિંતનને ભણવામાં ખલેલ પડેને?

ચિંતન પણ મૌની બાબા.. સાંભળે સૌનું પણ મારો પ્રશ્ન અને મને જ ના પુછે. હૂં મોટે મોટેથી બુમો પાડીને કહું તમે મને પુછો તો ખરા? હું તેમની સાર સંભાળ લઈશ..પણ ના. તેમ કરે તો આ મુંગી કામવાળી જતી રહેને?

ક્યારેક ફોન આવે પણ મારા ભાગે “કેમ છે?” અને “સારું છે” તેથી વધુ વાત નહીં સંયુક્ત કુટૂંબ એટલે સૌની સાથે વાત કરવાની અને મારો વારો આવે ત્યારે ફોન મોંઘો થઈ જાય. પાઉંડની મિનિટ છે... હું કહું પણ ખરી કે મને થાય છે તેટલા વાત કરવાનાં કોડ તને નથી થતા? પણ આવું એકાંત ભરેલા ઘરમાં ક્યાં મળે? એક વખત ફોન પર પહેલા હું મળી ગઈ ત્યારે કહે તું તો મારો કાચો હીરો છે.. તારા ઉપર ઘડતરનાં પાસ પડવાનાં જરુરી છે.

ત્યારથી હું કેળવાતી ગઈ. અંગ્રેજી બોલતા શીખતી ગઈ.પાસ્તા, પીઝા અને લઝાનીયા બનાવતા આવડી ગયું..હેલો અને હાવ આર યુ કહેતા આવડી ગયું જુદા જુદા કપડા પહેરતા અને ઉંચી એડીનાં સેંડલ પહેરીને ચાલતા આવડી ગયું. કોંપ્યુટર અને ગાડી ચલાવતા શીખી ગઈ.ઓફીસ મેનેજ્મેંટનો કોર્સ અને પાંચસો થી વધુ દવાનાં નામ કડ્કડાટ થઇ ગયા.મમ્મીને લાગતું કે હવે તેના છોકરાને લાયક તે થઈ ગઈ હતી પણ મનેતો એવું લાગતું કે જિંદગીનાં રોમાંટીક પાંચ વર્ષ નકામા રાહ જોવામાં નીકળી ગયા.

ચિંતન એફ આર સી એસ થઈ ગયો હતો.

તે અષાઢની મેઘલી રાતે ફોન આવ્યો. ઘરમાં કોઇજ નહોંતુ અને ચિંતન બોલ્યો “ હાય રીના કેમ છે?”

તેનું હૈયું ક્ષણ ભર માટે તો થંભી ગયું.

“ચિંતન..!”

“ હા. આજે બહું જ ખુશ છું અને તારી સાથે જ વાત કરવા અત્યારે ૫૦ પાઉંડ નું કાર્ડ ખરીદ્યું છે.”

“મારા તો ભાગ્ય ખુલી ગયા હા બોલ મારા મૌનીબાબા!”

“ મેં મૌન અકારણ નહોંતુ સ્વિકાર્યુ..પણ ભણવામાં તારી લાગણીઓ મને સ્પર્શે અને હું લક્ષ્યમાંથી ચળી જઉં એ મને નહોંતુ જોઇતું પણ તેનો અર્થ એ નહીં કે હું તારા તરફ બેદરકાર છું. મને ત્યાંની બધી જ વાતોનો રજે રજ અહેવાલ મમ્મી મોકલતા હતા. અને તારી માવજત અને ઓફીસ યોગ્ય બનાવવાનાં મારા સુઝાવો પ્રમાણે તને ભણાવતી હતી.”

“ હં લુચ્ચા..તે બધા કારસ્તાન તારા હતા?”

“ જો તને લંડનમાં લાવતા પહેલા લંડન યોગ્ય બનાવવી જરુરી હતી..સાથે સાથે મને નોકરી મળે અને હું અહીં સારું કમાતો થઉં તોજ તને લાવી શકુંને? આજે પરિણામ આવી ગયું છે. મને એલ્ફિંસ્ટન હોસ્પીટલમાં સારા પગારની નોકરી અને રહેવાનું એપાર્ટમેંટ મળી ગયું છે. હવે આપણું ખરું લગ્ન જીવન શરુ થશે.. જ્યાં હું અને તું બે જ હશે..અને હશે આપણું ઝંખેલ “નાનકડું આકાશ”.

“ તને ક્યારે ખબર પડી કે હું “નાનકડું આકાશ” ઝંખું છું?”

“એ કંઇ કહેવાની વાત છે? તું એકલીજ ત્યાં ઝુરતી હતી તેવું થોડું હતું? હું પણ તને ચાહતો હતો..ઉન્માદનું તારું ઝરણ બોલકું હતું જ્યારે તેમાં હું ભીંજાતો અને ભચડાતો તારો ભરથાર મૌન હતો...

એ મૌન હવે મિલનની ઘડીઓને માણવા તેટલાજ ઉન્માદથી અને ઉત્કટતાથી તને ચાહે છે.”

“ બોલ રાજા બોલ.. મારા પાંચ વર્ષની આ તપસ્યાનું ફળ છે.”

“હું આવતી કાલે નીકળી તને લેવા આવું છું.. આપણે હનીમૂન માટે માલીદ્વીપમાં જઈએ છીયે અને ત્યાંથી ૧૫ દિવસમાં પાછા લંડન આવીશું.”

ચિંતન હવે ખરેખર લાગે છે કે “રાજાકી આયેગી બારાત રંગીલી હોગી રાત મગન મેં નાચુંગી... અહી વરસાદ પડે છે. અષાઢી વરસાદ.. મારું મન ઢેલ બની તારા આગમનની પ્રતિક્ષા કરે છે.. ખબર નહીં તું આવીશ ત્યારે મારા શું હાલ હશે પણ આવ રાજા આવ.. ચાતકનો ચાંદ બનીને મારી તડપન સમાવ..રાજા આવ અને મને લઈજા મને ગમતું નથી. મારું ચાલે તો ઉડીને તારી પાસે આવી જઉં.”

“હજી એકાદ કલાક મને શોપીંગ માટે મળશે. તારી ગમતી કેડબરીઝ ચોકલેટ, રાતા બાર ગુલાબ અને મેક અપ સૅટ લેવાનો વિચાર છે પણ તું તો એવી સરસ હસતી મને અત્યારે દેખાય છે કે તને મેકઅપની જરૂર જ નથી. બોલ રીના રાની બોલ તારે માટે શું લાવું?”

“તું જલ્દી આવ મને કંઈ જ નથી જોઈતુ. તારા ચહેરાને વહાલથી નિહાળવો છે. પ્રેમે તને ભેટવું છે. બસ તું જલ્દી આવ..આવ અને બસ આવ.”

ફોન પર વાત ચાલુ હતી ત્યાં ડોર બેલ વાગે છે..

ડોર ખોલતા ચિંતન ને બારણે ઉભેલો જોઈ રીના સ્તબ્ધ થઇ ગઈ. ફોન પડી ગયો અને ગમતીલો હસતો ચહેરો આંસુઓથી ભરાઇ ગયો અને તે ભેટી પડી. તે બોલી “મને તૈયાર તો થવા દેવી હતી!”

“તો આ સરપાઈઝની મજા મરી ન જાત?”

પાછળ રેડીઓ ઉપર ગીત વાગતુ હતુ

પ્રિયતમની પ્રીત્યું પિછાણીસૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

વરસોનાં વરસો તો વીતી ગયાં નેતોયે પહેલાનાં જેવો ઉમંગઋતુઓનાં રંગોનાં રંગ રંગ માણ્યાપ્રિયતમની પ્રીતિને સંગમારા વ્હાલમની ભાવ ભરી વાણીએના એક એક બોલમાં ભીંજાણીપ્રિયતમની પ્રીત્યું પિછાણીસૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

જિવનભર ગમતીલો વૈભવ મળ્યોને તેમાંયે સ્નેહભરી પ્રીતકહેવાનું કેટલુંયે ભીતર ભર્યું છેપણ આંસુમાં અટવાયું ગીતપ્રભુ ! તારી કૃપાને મેં જાણીમારા વ્હાલમે મુજને પ્રમાણીપ્રિયતમની પ્રીત્યું પિછાણીસૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

– મેઘબિંદુ