Kedi No. 420 - 11 books and stories free download online pdf in Gujarati

કેદી નં ૪૨૦ - 11

કલ્પના કોફી પીતા પીતા આદિત્ય ને જ જોઇ રહી હતી. અને આદિત્ય હલવા નો સ્વાદ માણી રહ્યો હતો, જયારે ડબ્બો ખાલી થઈ ગયો ત્યારે બોલ્યો, ”સરસ, મજા આવી ગઇ. જ્યારે હલવો આટલો સ્વાદિષ્ટ છે તો કાલ સાંજ ના ડિનર માં તો મજા આવી જશે. અને હવે તો મારી ભુખ ય ઉઘડી ગઇ છે. હવે તો તારે ય ય આન્ટીના જેવું કંઇક સ્વાદિષ્ટ બનાવીને ખવડાવવું પડશે. ”

કલ્પના નું ધ્યાન આદિત્ય ના વિચારો માંથી જ બહાર નહોતું આવ્યું. એટલે એણે આદિત્ય ની વાત જ સાંભળી નહિ.

“ કલ્પના, ભુખ લાગી છે. સાંભળ્યું કે નહિ ? જલ્દીથી કંઇક બનાવીને આપ. ”આદિત્ય એ જોરથી કહ્યું. આદિત્ય ના બોલવાથી કલ્પના વિચારોમાંથી બહાર આવીને બોલી, ”હા હા, કેમ નહિ? તું મને કિચન બતાવ. હું પંદર મિનિટમાં તારા માટે કંઇક બનાવીને લાવું છું. ”

“આ સાઇડ થી જમણી બાજુ. ”આદિત્ય એ રસ્તો બતાવ્યો.

“ઓકે’ કહીને કલ્પના કિચન માં ગઇ. આદિત્ય ટીવી ચાલુ કરીને જોવામાં બિઝિ થઈ ગયો. થોડી વાર પછી આદિત્ય ને લાગ્યું કે કલ્પના એને બોલાવી રહી છે. થોડી વાર પછી કલ્પના ગુસ્સો કરતી બહાર આવી, ” આદિત્ય તારા કિચન માં કંઇ બનાવવા જેવું છે જ નહિ. કંઈ જ શાકભાજી નહિ, લોટ નહિ. હું શું બનાવું ધુળ? ”

આદિત્ય ટીવી ઓફ કરીને કિચન માં ગયો અને બધા ડબ્બા ને ફ્રિજ ખોલીને જોયું તો અંદર સાચે જ કંઈ બનાવવા જેવું નહોતુ. આદિત્ય બોલ્યો, ”ઓહ, સાચે કંઇ નથી. એક્ચ્યુલી આપણે જે દિવસે પહેલી વાર મળ્યા ને એના પહેલાં બહાર ફરવા ગયો હતો. બે ત્રણ વીક માટે. તો બગડી ના જાય એ માટે મે બધું ખાલી જ કરાવી દીધું હતુ. અને પછી પાછો આવ્યો ત્યારે તો સીધો ઓફિસે જ આવ્યો હતો. ને એ જ દિવસે મારા હોસ્પિટલ ભેગા થવું પડ્યુ. ત્યા હોસ્પિટલમાં મે શાંતા કાકીને ના પાડી દીધી હતી કે બે ત્રણ દિવસ આવે નહિ. એટલે આ બધું તો ના જ હોય. આમ તો એ ય ચેક કરીને ખરીદી કરી આવત. ”

“એ બધી કથા છોડ ને મને કહે કે હવે હું શું બનાવું ? ” કલ્પના એ કહ્યું. એટલે આદિત્ય એ એક ડબ્બા માંથી મેગીના પેકેટ બહાર કાઢ્યાને બોલ્યો, ”કંઇ જ ના હોય તો આ મેગી નુડલ્સ હંમેશા આપણો સાથ આપે. વધારે મહેનત ય નહિ ને પેટ ય ભરાઇ જાય. ”

“અરે, બહુ સરસ હવે તું જો હું કેવો કમાલ કરીને બતાવું છું. ”એમ કહીને ફ્રિજમાથી ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો સોસ ની બોટલો બહાર કાઢી.

“હવે મેગી બનાવવામાં આનું શું કામ છે? તું સિમ્પલ વાળું બનાવી દે ને એટલે જલ્દીથી પતે. મને ભુખ લાગી છે. ”

“આદિત્ય, ધીરજ ના ફળ મીઠા હોય છે. સાંભળ્યું છે કે નહિ. તું બસ થોડી જ રાહ જો. એમ કહીને કલ્પના મેગી બનાવી એમાં ત્રણેય સોસ મિક્સ કરીને અંદર બીજા મસાલા નાખ્યા. અંદર પાણી નાખીને રાહ જોવા લાગી. કિચનમાં મજાની સુગંધ ફેલાઇ ગઇ.

“સુવાસ તો સરસ આવે છે. આના થી તો મારી ભુખ ય બેકાબુ બનવા લાગી છે. હવે જો તું મને બે ત્રણ મિનિટમાં આ ખાવા નહિ આપેને તો હું કદાચ ફર્નિચર ખાવાનું ચાલુ કરી દઇશ. ”

કલ્પના હસી પડીને બોલી, “ઓહો, એટલી બધી ઉતાવળ. પણ તારે હવે વધારે રાહ નહિ જોવી પડે બસ. એક જ મિનિટ. ”કહીને કલ્પનાએ મેગીને ડિશમાં કાઢીને આદિત્ય ને આપી. બંન્ને જણા ડાઇનિંગ ટેબલ પર બેસી મેગી નુડલ્સ ખાવા લાગ્યા.

“મજા આવી. આજ સુધી તો હું પાણી ઉકાળીને એની અંદર મસાલો નાખીને મેગી ને બાફી દેતો.. પણ આજ ખબર પડીકે કોઈક છે જે મેગી નેય આટલી સરસ બનાવી દે છે. એનો મતલબ કે આન્ટીનો વારસો તારામા છે ખરો. સાચે જ એ બહુ ભાગ્યશાળી હશે જેના નસીબ માં તું હોઇશ. ”આદિત્ય કલ્પના તરફ જ જોઇ રહ્યો.

પણ આ સાંભળીને કલ્પના નો ચહેરો ઉતરી ગયો. એણે કહ્યું, ”મારે હવે જવું પડશે. મોડું થાય છે. ”એમ કહીને એ ઉભી થવા જાય છે પણ આદિત્ય એ હાથ પકડીને રોકી લીધી ને બોલ્યો, “કેમ, આટલી જલ્દી. હજુ તો તને આવ્યે કલાક ય નથી થયો. રોકાઇ જાને. આમે ય આજ તો તારે રજા જ છે ને. કે પછી તને મારી પર ભરોસો નથી. ”

“એવું નથી. મે મમ્મીને કહ્યું હતુ કે હું જલ્દી થી આવી જઇશ. અત્યારે એક વાગ્યો છે. ઘરે પહોંચતા બે તો વાગશે જ ને. એટલે કહું છું કે મારે નીકળવું પડશે. ઘરે જઇને હું ય આરામ કરી લઉં ને. ”

“ઓકે, જેવી તારી મરજી. પણ એક જ શરતે જવા દઇશ તને. ”

“કઇ શરત? કલ્પના એ આશ્ચર્યથી પુછ્યું.

“એ જ કે કાલ થી ઓફિસ અને ઘર તું મારી સાથે જઇશ. ઓફિસે થી છુટ્યા પછી ય હું જ તને ઘરે ડ્રોપ કરીશ. ”

“પણ આદિત્ય તારા ઘર થી મારું ઘર કેટલું દુર છે. તું ક્યારે મારા ઘરે આવીશ અને ક્યારે આપણે ઓફિસ પહોંચશું. સાંજે ય મને જો ડ્રોપ કરવા આવીશ તો તું ક્યારે ઘરે પહોંચીશ ? ”

“એ બધું તું મારા પર છોડી દે. તું મને માત્ર એટલું પ્રોમિસ આપ કે તું મારી સાથે જ આવી ને જઇશ. ક્યારેય તને જો ઓફિસ માં મોડુ થઈ જાય અને જો તું મારી સાથે હોય તો આન્ટીને ય ધરપત રહે. અને મને શાંતિ રહે કે તું ઘરે પહોંચી ગઇ છે. અને જો તારે હજુ ય નથી માનવું તો પછી જા પણ.

“ઓકે બાબા, તું જીત્યો ને હું હારી. હું તારી સાથે જ ઓફિસ જઇશ અને તારી સાથે જ ઘરે જઇશ. હવે તો હું જઇ શકું કે નહિ ? ”

“હા, ચાલ હું તને મુકી જઉં. ”

“આજે તું આરામ કર. હું જતી રહીશ. ”

“પણ કલ્પના તને ખબર નથી કોઈક મહાનુભાવે કહ્યું છે કે, ’કલ કરે સો આજ કર, આજ કરે સો અબ ‘આદિત્ય એ કલ્પના ની એકદમ નજીક જઇ ધીમે થી કહ્યું.

“ઓહો, તમે તો પાછા બધા મહાનુભાવોનું કહ્યું કરવાવાળા ખરા ને નહિ !, ચુપચાપ ઘરમાં આરામ કર. હું જતી રહીશ. ” કલ્પના એ કડક અવાજે કહ્યું.

“બાપ રે, આવી રીતે તો મારી મમ્મીએ ય મને ક્યારેય ઓર્ડર નહોતો કર્યો. આદિત્ય થી બોલતા તો બોલાઇ ગયું. પણ મમ્મી નું નામ આવતા જ ગંભીર થઈ ગયો. કલ્પના ને ય થયું કે મે નકામું એને યાદ દેવડાવી દીધું. પણ પછી બોલી, ” અરે ડોઢ વાગી ગયો. આદિત્ય, જલ્દીથી જઇને ટીવી ચાલુ કર. સ્ટાર પ્લસ પર મારી ફેવરિટ સિરિયલનો રિપિટ ટેલિકાસ્ટ મિસ થઈ જશે. કાલ રાતે ય ચુકી ગઇ હતી. ”આ સાંભળીને આદિત્ય હસી પડ્યોને બોલ્યો, ”. હે ભગવાન, આ સ્ત્રી ઓ સિરિયલ ફીવરમાંથી ક્યારે બહાર આવશે. ”

“હા હા, તમને છોકરાઓ ને ક્રિકેટ ફીવર નથી હોતો શું? ” કલ્પના એ કહ્યું.

“સારુ, બાબા કરી આપું છું “એમ કહીને આદિત્ય એ હોલમાં જઇને ટીવી ચાલુ કરી આપ્યું. અને બંન્ને સિરિયલ જોવા લાગ્યા. બ્રેક પડી એટલે આદિત્ય ક્રિકેટ ચાલુ કરીને એ જોવા લાગ્યો. પણ કલ્પના આદિત્ય સામે જોઇને વિચારવા લાગી, ” આ સિરિયલ તો મે ક્યારેય જોઇ જ નથી. સિરિયલ તો માત્ર બહાનુ હતુ તને તારી ઉદાસીનતામાં થી બહાર લાવવાનું. તારા માટે આ હથોડા છાપ સિરિયલ નો એપિસોડ ઝેલવો પડે તો ભલે પણ તને આ ઉદાસીનતા માં મુકીને જઉ તો મને ઘરે જઇને ય શાંતિ ના મળત. ”

થોડી વાર પછી કલ્પના એ ઘરે જવાની રજા માગી. અને કહ્યું, ”બહુ ક્રિકેટ ના જોતો આરામ કરજે. મને અહિં થી રિક્ષા મળી જશે. ”તોય આદિત્ય રિક્ષા સુધી મુકી ગયો ને ઘરે પહોંચીને ફોન કરવા જણાવ્યુ.

ઘરે જઇને કલ્પના એ આદિત્ય ને ફોન કર્યો પણ એણે ઉપાડ્યો નહિ. કલ્પના ને થયું કે કદાચ સુઇ ગયો હોય તો એને ડિસ્ટર્બ નથી કરવો. પોતેય બાથરુમ માં જઇને ફ્રેશ થઈ ને આડી પડી. પણ પડખા બદલતી રહી તો ય ઉંઘ જ ના આવી. અને મનમાં બોલી, ”આ આદિત્ય ના વિચારો મારો પીછો છોડે તો ઉંઘ આવે ને. પહેલા તો કેવી બપોરે ય ઉંઘ આવી જતી. “

પછી ઉભી થઈ ને ટેબલ ના ખાનાંમાંથી ડાયરી કાઢીને લખવાનં ચાલુ કરી દીધું. લખતાં લખતાં ય વચ્ચે ક્યારેક શરમાઇને હસી પડતી. પાંચેક વાગે રુમ માંથી બહાર નીકળી ને ચા નાસ્તો કર્યો. પછી રુમ માં જઇને આદિત્ય ને ફોન કર્યો. આદિત્ય એ ફોન ઉપાડતાં કહ્યું, ”હંઅ, તો હવે છેક મારી યાદ આવી મેડમ ને. કીધું નહોતું કે ઘરે જઇને ફોન કરજે. ”

“તું તારો ફોન જોઇ લે કેટલાય મિસ્ડ કોલ પડ્યાં હશે. તું ફોન ના ઉપાડે તો હું શું કરું.

આદિત્ય એ ફોન ચેક કરીને કહ્યું, ”સો સોરી, હું ય સુઇ જ ગયો હતો એટલે રિંગ જ ના સંભળાઇ. ”

“સુઇ જગયો હતો ને કે પછી ક્રિકેટમેચ ના લાઉડ વોલ્યુમ માં રિંગ ના સંભળાઇ. ”

“અરે તું ઓર્ડર કરે પછી હું કંઇ ગુસ્તાખી કરી શકું કે તારા હુકમ નું પાલન ના કરું. બોલ અત્યારે શું કરીશ. ? ”

“કંઇ નહિ. ચા નાસ્તો કરી લીધા છે. હવે મમ્મીને સાંજ ના ડિનર માટે કિચન માં જઇને હેલ્પ કરીશ. પછી પપ્પા ના આવ્યા પછી ડિનર કરશું. ફ્રી થઈ ને એકાદ કલાક વાતો કરીશું ને પછી જઇને સુઇ જઇશું. ”

“આ તમારો રોજ નો કાર્યક્રમ છે? ”

“હા, કેમ એવું પુછે છે? ”

“તો પછી તારી ફેવરિટ સિરિયલ કોણ જુએ છે ? હું ? ”

કલ્પના એ જીભ થોડી દાંત વચ્ચે દબાવીને મનમાં જ બોલી, ”હે ભગવાન, શું નીકળી ગયું મોંઢામાંથી. હવે શું જવાબ આપું ? પછી અચકાતા અચકાતા બોલી, ”એ તો એવું છે ને કે મમ્મી ક્યારેક ક્યારેક.

“હવે બહાના ના બનાવ. મને ખબર પડી ગઇ છે કે તે ત્યારે માત્ર બહાનું બનાવ્યું હતુ. મારું ધ્યાન ભટકાવી મને ચિઅર અપ કરવા. સાચી વાત ને. અને જો તું મને સાચુ નહિ કહે તો હું કાલે ઘરે આવી ને આન્ટીને જ પુછી લઇશ. એટલે બધીજ ખબર પડી જશે. ”

“ના ના એવું ના કરતો. તું સાચું જ વિચારે છે. ”

“તને મારી એટલી બધી પરવા છે કે મારા માટે હથોડાછાપ સિરિયલ ય જોવા તૈયાર થઈ ગઇ. ”

“હવે આપણે ફ્રેન્ડ્સ છીએ તો એટલી પરવા તો કરવી જ પડેને. ”

“હંઅ, બિલકુલ સાચી વાત છે તારી “

કલ્પના એ આ વાત કહ્યા પછી મનમાં જ હાશકારો લીધો કે વાત ને વાળી દીધીને એને જાણ ય ના થઈ. ”સારું હું જઉં છું મને લાગે છે કે મમ્મી મને બોલાવે છે. બાય “

“બાય”કહીને આદિત્ય એ ફોન કટ કર્યો ને પછી કલ્પના વિશે વિચારીને મનમાં હસ્યો. ને ફોન ચાર્જ કરવા મુકીને ટીવી જોવામાં બિઝી થઈ ગયો. કલ્પના પોતાના રોજ ના કામ માં વ્યસ્ત થઈ ગઇ.

બીજા દિવસે કલ્પના આદિત્ય ની સાથે ઓફિસમાં પહોંચી. બંન્ને એ જેવો ઓફિસ માં પગ મુક્યો કે ઉપર થી પુષ્પ વર્ષા થઈ. ને એની ઓફિસ નો સ્ટાફ એકીસાથે બોલ્યો, ”વેલકમ બેક આદિત્ય. ” બંન્ને એ જોયું તો અજયસર ની સાથે આખો સ્ટાફ આદિત્ય અને કલ્પના નું સ્વાગત કરવા ઉભો હતો. બંન્ને ને તો વિશ્વાસ જ નહોતો આવતો કે એમના સ્ટાફે એમના સ્વાગતની આવી તૈયારી કરી છે. આદિત્ય અંદર આવીને પહેલા અજય સર ને ભેટ્યો, ”આટલુબધું કરવાની શું જરુર હતી. ”

“અરે એમ હોય ખરું ! તમે બંન્ને ઓફિસ ના કામકાજ માટે ગયા હતા ને બે ય જણાં મોટા સંકટમાં થી ઉગર્યા છો. તમારી બંન્ને ની મહેનત નું જ ફળ છે કે આજે આપણી ચેનલ ટીઆરપી માં ટોપ ૩ પર પહોંચી ગઇ છે. ”પછી બધા સ્ટાફ તરફ ફરીને બોલ્યા, ”આમ તો તમને આજ ના સેલિબ્રેશન નું કારણ ખબર જ હશે. તો ય કહી દઉં છું કે થોડા દિવસ પહેલા આદિત્ય અને કલ્પના એ એક ઓપરેશન એવી સફળતા પુર્વક પાર પાડ્યું છે કે એ મિશન ની સફળતા થી આપણી ચેનલ ટોપ ૩ પર પહોંચી ગઇ છે. અને બીજા એક ન્યુઝ જે મે તમને આપ્યા નથી તે એ છે કે આદિત્ય હવે રિપોર્ટર નથી રહ્યો. ”આ વાક્ય સાંભળતા જ ઓફિસ માં સન્નાટો છવાઇ ગયો.

“એ સિનિયર રિપોર્ટર બની ગયો છે”અજયસર એ જોર થી કહ્યું. એટલે ઓફિસ તાળીઓ ના ગડગડાટ થી ભરાઇ ગયો. “ફ્રેન્ડ્સ, બીજી એક વાત. કલ્પના ને પરમેનન્ટ કરવા માટે ય મે ભલામણ કરી છે. કદાચ એ પણ બે ત્રણ મહિનામાં પરમેનન્ટ થઈ જશે. સો લેટ્સ સેલિબ્રેટ ધીસ સક્સેસ &પ્લીઝ એન્જોય ધીસ લંચ” અજય સર ની જાહેરાત થી આદિત્ય અને કલ્પના સહિત બધા જ ખુશ થઈ ગયા. સિવાય કે સાનિયા એ આ જાહેરાત થી ખુશ હોવાનો દેખાવ જ કરતી હતી. પુરો સ્ટાફ આદિત્ય અને કલ્પના ને અભિનંદન આપવા લાગ્યો. સાનિયા એ આદિત્ય ને અભિનંદન વિશ કર્યું સાથે કલ્પના ને પણ કર્યું પણ મજબુરીથી.

“કોન્ગ્રેચ્યુલેશન કલ્પના, હવે તો તું ય પરમેનન્ટ થઈ જઇશ. ”આદિત્ય એ કલ્પના ને વિશ કરતા હાથ મિલાવી કહ્યું. ”કોન્ગ્રેચ્યુલેશન યુ ટૂ. હું તો પરમેનન્ટ થવાની છું પણ તું તો સિનિયર રિપોર્ટર બની ગયો. કલ્પના એ પણ આદિત્ય ના અભિનંદન નો જવાબ આપતા કહ્યું.

“બધું જ તારા કારણે. જો તુ વિડિયો કેમેરા અને જે શુટિંગ કર્યું હતું એને બચાવીને ના લાવી હોત તો કદાચ પેલા લોકો ને રિટેક માટે રિકવેસ્ટ કરવા જવું પડત. ”

“બધાએ લંચ સ્ટાર્ટ કરી દીધું છે આપણે ય કરીએ. નહિ તો વખાણ કરવાના ચક્કર માં ક્યાંક આપણે ભુખ્યા ના રહી જઇએ. અને તારાથી ભુખ સહન થતી નથી ને મને ખબર છે”

“યુ આર રાઇટ. ”કહીને બંન્ને લંચ ટેબલ તરફ જઇ ને જમવા લાગ્યા

જમીને બંન્ને જણા સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી ગયા. ત્યાં ઇન્સપેક્ટર કામતે એમને અડધા કલાક રાહ કોન્ફરન્સ્રુમ માં જોવાનું કહ્યું. થોડી વાર પછી મ્રૃણાલમા ત્યા આવ્યા. આ વખતે પેલા ના કરતાં કંઇક કમજોર અને અશક્ત થઈ ગયા હતા. આવીને બોલ્યા, ”તમે બે ત્રણ દિવસ થી ના આવ્યા તે મને થયું કે ક્યાંક મને ભુલી તો નથી ગયાને? એમ કહેતા કહેતા એમને જોરથી ખાંસી આવવા લાગી. કલ્પના એ ઉઠી ને એમણે પાણી પાયું ત્યારે થોડી વાર પછી ખાંસી બંધ થઈ. એટલે જોર થી શ્વાસ લઇ બોલ્યા, ”જો કે સારુ જ થયું કે તમે ના આવ્યા મારી હાલત પણ ઈન્ટરવ્યુ આપવા જેવી નહોતી. તાવ આવી ગયો હતો બે ત્રણ દિવસ પણ આજે થોડી સારી છે. ”

તમારી તબિયત તો આજે ય સારી નથી લાગતી. તમે આરામ કરો. અમે ફરી ક્યારેક આવી જશું. ”

“ના ના તમે મારી ચિંતા ના કરો. હું આજ બરાબર છું. આપણે ચાલુ કરીએ. ”

આદિત્ય એ વિડિયો કેમેરા નું સેટિંગ કરીને શુટિંગ ચાલુ કર્યું.

“તમે એવું કયું ષડયંત્ર કર્યું હતું કે જેનાથી તમારા મિત્ર પંકજ ની જીંદગી બરબાદ થઈ ગઇ હતી?

અને જવાબ માં મ્રૃણાલ માએ કેવી રીતે પંકજ ને પોતાના પર બળાત્કાર ના પ્રયત્ન નો આરોપ મુકીને એને કોલેજમાંથી કઢાવી મુક્યો. કેવી રીતે એનું માનસિક સંતુલન બગડ્યુ ને પંકજના માતાપિતા એને લઇને શહેર છોડી ને જતા રહ્યાં. એની બે ત્રણ દિવસની ખંડાલા ટુર, એના માતાપિતા નું કંચન ની જિંદગી માં પાછું આવવું ને એ પછી કંચન માં આવતા માનસિક ફેરફાર જે એના ગર્ભવતી હોવા તરફ ઇશારો કરતા હતા તે બધાનું વિગતવાર વર્ણન કર્યું.

“એ દિવસે હું અને સવિતા બંન્ને ને ડર હતો કે ક્યાક મારા ગર્ભવતી હોવાની આશંકા સાચી તો નથી ને. સવિતા મને બહુ જ વઢી હતી કે એ દિવસે કે એ વાત મે એને એ વાત પહેલાં કેમ ના કરી. હું અને સવિતા બીજા દિવસે કોલેજમાં બંક મારી ને એક મહિલા ડોક્ટર પાસે ચેક અપ માટે ગયા. એ આખો દિવસ મે કેમ વિતાવ્યો મને જ ખબર છે. કેમકે ટેસ્ટ નું પરીણામ બીજા દિવસે મળવાનું હતુ. જ્યારે બીજા દિવસે અમે રિપોર્ટ જોયો તો મારા અને સવિતાના પગ નીચે થી જમીન સરકી ગઇ. અને હું રીતસર ની બહાર નીકળીને રડવા લાગી. સવિતા એ મને સાંત્વના. આપી. સમજદારીનું કામ કર્યું હતું સવિતા એ કે ડોક્ટરને ગર્ભ પડાવવા માટે મનાવી લીધી. ડોક્ટર મારું ફરીથી ચેકઅપ કર્યું ને મને બીજા દિવસે બોલાવી. પણ જ્યારે ડોક્ટરે કહ્યું કે ત્રણ મહિના ઉપર થવા આવ્યા છે એટલે ગર્ભ પડાવવા નું ઓપરેશન મારા માટે જોખમી બની જશે. કેમ કે મારું શરીર ય એ ઓપરેશન સહન કરી શકવા માટે સક્ષમ નહોતુ. અમે વીલા મોંએ પાછા આવ્યા. સવિતા એ મને સાંત્વના તો આપી કે કંઇક રસ્તો નીકળશે પણ અંદરથી તો એને ય મારા ભવિષ્યની ચિંતા કોરી ખાતી હતી. મારા માટે ઘરમાં હવે બધાને વાત કરવી જરુરી હતી કેમ કે હવે એ જ હતા જે મારી સમસ્યા નું સમાધાન કરી શકતા હતા. મે જ્યારે એમને વાત કરી તો ઘરમાં ય રોક્કળ ચાલુ થઈ ગઇ પણ મારા કાકી હતા એ ખુબજ સમજદાર હતા. એમને બધાને શાંતિ થી આ સમસ્યા નું સમાધાન કરવા કહ્યું. અમે બધાજ વિચારવા લાગ્યાં. પછી મારી કાકીએ જ એમાંથી બચવા માટે એક અફલાતુન માર્ગ કાઢ્યો. અને થોડા જ દિવસ માં અમે એ માર્ગ પર ચાલવાનું શરુ કરી દીધું.

મે થોડા દિવસ ઘર ની બહાર નીકળવાનું બંધ કર્યું. મારા પરસોત્તમ કાકાએ અઠવાડિયા ની અંદર જ અમારા મુળ વતનમાં જ્યાં અમે પહેલા રહેતા હતા ત્યાં મારા જ મા બાપ ની જમીન જે હતી અને જેના કાગળો કાકા એ સાચવી રાખ્યા હતાતે જમીન વેચી આવ્યા. અને જે દિવસે એ જમીન વેચીને પાછા આવ્યા. એ રાત મારા કાકી ને મારી મા કોઇક ઉંઘ્યા નહિબધાને દુખ હતું છુટા પડવાનું કેમ કે બીજા દિવસે અમે એ રીતે છુટા પડી જવાનું હતુ ક્યારેય નહિ મળવા માટે. એમની એ યોજનાથી મારા માતાપિતા, કાકા કાકીની આબરુ ય રહી જવાની હતી સાથે મારું જીવન બરબાદ થવામાથી બચી જવાનું હતું. એટલે એવું કરવું જરુરી હતું.

બીજા દિવસે મારા કાકી બુમો પાડીને રડવાનું ચાલુ કરી દીધું અને એ જોર જોર થી મારી મા ને કહેવા લાગ્યા, ”ચોરટા ઓ, મારા ઘરેણાં ચોરી લીધા. અમે તારા પર વિશ્વાસ કરીને તમને અહિં રહેવા દીધા ને તમે અમારી સાથે જ વિશ્વાસઘાત કર્યો. મારા ઘરેણા પાછા આપો, નહિ તો હું પોલીસ બોલાવીશ. ”

મારી મા કરગરવા લાગી, ”મહેરબાની કરીને અમારા પર ચોરીનો આળ ના મુકો. અમે તમારા ઘરેણાં નથી લીધા. તમને વિશ્વાસ ના આવતો હોય તો અમારો સામાન તપાસી જુઓ. ”એમ કહીને મારી માએ પોતાના કપડાની પેટી ખોલીને બતાવી.

“એ તો તમે રાતો રાત ક્યાંક છુપાવી દીધા હશે. ચોરી કરીને છુપાવી દેવાની તો તમારા સરસ કળા હોય છે મને બધીજ ખબર છે. એના માટે તો જેલ ભોગવીને આવ્યા છો ને તમે બંન્ને “આ સાંભળીને પડોશીઓ ના મોઢા માં થી હાય હાય નીકળી ગયું.

“જ્યારે મારી માએ સામાન ય ખોલીને બતાવી દીધો તો બીજું તમને શું જોઇએ છે? સાચે એમણે નહિ લીધા હોય તમારા થી ક્યાંક મુકાઇ ગયા હશે અને તમે ભુલી ગયા હશો. ”મે મારી મા નો પક્ષ લીધો એ જોઇ ઉકળી ઉઠ્યા ને બોલ્યા, ”હા, હવે તો તું તારા મા બાપ નો જ પક્ષ લેવા ની ને. તું ય એમના માં ભળી ગઇ છો. આટલા વર્ષ તને પાળી પોષી ને મોટી કરી એનું કંઈ નહિ ને તારા માબાપ અમારાથી ય મોટા થઈ ગયા. આખરે તો તુ એમનું જ લોહી ને. એટલે અમારું તો ક્યાંથી બળે. ? હાલ ને હાલ તમે ત્રણેય જણ ઘર છોડી ને ચાલ્યા જાવ અહિંથી ને ફરી ક્યારેય મોઢું ના બતાવતા મને. અને જો તમે નહિ જાઓ તો હું પોલિસ ને બોલાવી લઇશ. ”

અમે દુખી હ્રદયે બધો સામાન પેક કર્યો અને ઘર ત્રણ ય જણ ઘર ની બહાર ચાલી નીકળ્યાં. કાકી ને પણ ખુબજ દુખ હતુ એમનું ચાલત તો અમને જવા જ નાદેત પણ અમારી યોજના મુજબ આ કરવું જરુરી હતુ. ”

“તમે રવિન્દ્ર ને ક્યારેય તમારી પરિસ્થિતી ની વાત ના કરી ? કદાચ એ તમને સ્વીકારવા તૈયાર થઇ જાત તો તમારે છુટા ના પડવું પડત. કલ્પનાએ પુછ્યું.

“કરી જ હતી ઘરમાં વાત કરતા પહેલા એને જ વાત કરી હતી ને એને લગ્ન કરવા માટે કહ્યું હતુ. પણ જેવું મે તમને પહેલા કહ્યું હતુ તેમ એને માત્ર મારા શરીર માં જ રસ હતો. એણે તો મને કહી દીધું કે હું છોકરી છું એ હિસાબે મારે જ એ બધી વાત નું ધ્યાન રાખવું પડે. એમા એ કોઇ જ જાત ની જવાબદારી નહિ લે. મે એને કહ્યું કે જો એ મારી સાથે લગ્ન નહિ કરે તો હું બધા ને કહી દઇશ કે તે મારી સાથે દગો કર્યો છે. તો એ નફ્ફટાઇ થી હસીને બોલ્યો કે દગો તો તે પંકજ સાથે કર્યો હતો ને એનું જ આ ફળ છે કે તારી સાથે પણ દગો થયો.. હું બધાને કહી દઇશ કે તે પંકજ ને ફસાવ્યો હતો અને હવે મને ખોટી વાત માં ફસાવી રહી છે. અને લોકો પહેલા મારી જ વાત માનશે કે પંકજ એકદમ સીધો હતો એ આખી કોલેજ ને ખબર હતી અને તું કેવી છો એ ય આખા કોલેજ ને ખબર છે. આમાં મારું કંઈ નહિ બગડે કદાચ પંકજ ને ખોટી રીતે ફસાવવા માં તને જ કોલેજમાંથી બહાર કાઢી મુકશે અને ક્યાંય મોઢું બતાવવા લાયક નહિ રહે એ અલગ. એમ ધમકી આપી એટલે હું ચુપ થઈ ગઇ. અને થોડા જ દિવસ માં કોલેજ જવાનું પણ બંદ કરી દીધું. એ પછી રવિન્દ્ર એ કદાચ કોઇ નવી છોકરી ને પકડી હશે. અને કાકી ના આ નાટક પછી મે ય મારા માતાપિતા સાથે શહર છોડી દીધું. એના થી મારા માતાપિતા પર ચોરી નો આરોપ લાગ્યો પણ એ એમના માટે કોઇ નવી વાત નહોતી. મોટી વાત એ હતી કે કાકા અને કાકીની બધા માં ઇજ્જત સચવાઇ ગઇ. અમે ત્રણેય એ પછી ગુજરાતમાં રાજકોટમાં આવી ગયા. મારા માતાપિતા એ શહર થી દુર એક ઘર ભાડે લઇ લીધુંજ્યાં મે મારી સગર્ભાવસ્થા દિવસો કાઢ્યા. ત્યાં વધારે વસ્તી હતી નહિ જેટલા છુટા છવાયા ઘરો હતા એ ખાલી પડ્યા હતા. જેમાં હજુ કોઇ રહેવા આવ્યું નહોતુ એટલે અમને કોઇજ જાતની ચિંતા નહોતી. મારા માતાપિતા એ મારી ખુબ કાળજી રાખી. ધીમે ધિમે સમય જતો ગયો તેમ તેમ મારી અંદર ઉછરી રહેલા એ બાળક સાથે મારી લાગણીઓ પણ ગાઢ થવા લાગી હતી. હું બાળક ને જન્મ આપી એને ગમે તે ભોગે મોટું કરવા ના સ્વપ્ન જોવા લાગી. હું મારા નિર્ણય માં મક્કમ હતી ને એકવાર એ વાત મારી મા ને પણ કરી માએ એ સમયે તો કોઇ જવાબ ના આપ્યો. એટલે મને એમ કે મા મારી વાત સાથે સંમત છે અને એકદાચ પિતાજીને ય સમજાવી દેશે. એ વિચારીહું વધારે ખુશ રહેવા લાગી. નવ મહિના પુરા થ થયે જ્યારે મને પ્રસુતિ ની પીડા થવા લાગી ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી. જ્યાં મારું નવું જ નામ લખાવવા માં આવ્યુ. માલતી મિશ્રા. એ સમયે કોઇ ખાસ પુરાવા માગતુ નહોતું એટલે મારું નવું નામકરણ થવામાં મુશ્કેલીઓનો ના પડી. ”

“ચાર કલાક ની અસહ્ય વેદના સહીને મે બાળક ને જન્મ તો આપ્યો પણ હું થાકી ગઈહતી એટલે બેભાન થઈ ગઇ. અને જ્યારે હું ભાન માં આવી ત્યારે મારા સપના ટુટીને ચકનાચુર થઈ ગયા હતા. કેમ કે મારા પિતાજી મારા બાળક ને એક અનાથાશ્રમ માં મુકી આવ્યા હતા. હું એ માટે ખુબ રડી. કંઇ ખાધુ ય નહિ. હું જિદ લઇને બેસીગઇ કે એ અનાથાશશ્રમ નું નામ જાણવું જરુરી હતું. આખરે મારા પિતાજી મારી જીદ સામે હારી ગયા ને બીજા દિવસે એમણે મને સાંત્વના આપીકે એ થોડા દિવસો માં મને અનાથાશ્રમ માં લઇ જશે ને મારા બાળક ને પાછું લઇ આવશે. ત્યારે મે ખાધું. “

“પણ ત્રીજા દિવસે જ્યારે અમે અનાથાશ્રમ માં ગયા ત્યારે પુછતાછ કરતા ખબર પડી કે નવા આગમન થયેલા એ બાળક ને કોઇ અમીર દંપતિ એ દત્તક લઇ લીધું હતુ. અનાથાશ્રમ ના સંચાલકો એ દંપતિ નું નામ, સરનામું કંઇ પણ આપવા ની ના પાડી દીધી. એટલે અમે નિરાશ થઈ ને ઘરે પાછા આવ્યા. હું મારા માતાપિતા થી ફરી થી નારાજ થઈ ગઇ કે એમણે મને મારા બાળક થી દુર કરી દીધી. મારા પિતાજી એ મને મારા બાળક વિશે થોડી વાત કરી જેમ કે મે છોકરા ને જન્મ આપ્યો હતો. અને એમણે એક વિશિષ્ટ લોકેટ મને આપ્યું. જેના ગોળકાર હતું ઓમ ની નીશાની સાથે એમાં એક સાપ અને એક હાથી નું ચિત્ર અંકિત કરેલું હતું. જેમાં સાપ એ શિવજી ના પ્રતિક રુપે અને હાથી ગણેશજી ના પ્રતિક સ્વરૂપે હતું. એમણે મને કહ્યું કે આવું જ એક બીજું લોકેટ એમણે મારા બાળક ના ગળામાં ય પહેરાવ્યું હતું. આટલી જાણકારી આપ્યા પછી ય મારી નારાજગી તો દુર ન જ થઈ. હું ઉદાસ અને ગુમસુમ રહેવા લાગી. એટલે મારા માતાપિતા એ ઘર ખાલી કરીને મને લઇને શહેર માં રહેવા આવી ગયા. એમ વિચારીને કે વસ્તી વચ્ચે રહેવા થી કદાચ મને સારું લાગે. અમે રાજકોટ શહેરમાં જ નાનકડું મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા. અને એ સમય દરમ્યાન મારી જિંદગી માં કમલેશ આવ્યો. એ કમલેશ કે જેનો મારા મ્રૃણાલમા બનવામાં અગત્ય નો ફાળો હતો. અને એજ કમલેશ કે જેનો પુરેપુરો ઉપયોગ કરી લીધા પછી એને મારા રસ્તા માં થી હટાવવા માટે મે એની હત્યા કરી દીધી. ”એટલું બોલીને મ્રૃણાલ માને જોર થી ખાંસી આવવા લાગી. કલ્પના એ પાણી આપ્યું ને એ પીધું ત્યારે થોડી રાહત થઈ.

“હત્યા? શું તમે હત્યા પણ કરી છે? ”એમ કલ્પના બોલી. એટલામાં જ ઇન્સપેક્ટર કામત આવ્યા ને બંન્ને ને સમય પુરો થવા નો ઇશારો કર્યો એટલે આદિત્ય રેકોર્ડિંગ પુરુ કરીને સેવ કરી દીધું. ને બંન્ને જણ જેલ ની બહાર જવા માટે નીકળી ગયા. ને મ્રૃણાલમા આંખોમાં આંસુ સાથે પોતા ના ગુના ઓ ને યાદ કરતા રડી પડ્યા.

***