Ganga svarup ganda books and stories free download online pdf in Gujarati

ગંગા સ્વરૂપ ગંગા

ગંગા સ્વરૂપ ગંગા

સમાધિસ્થ એવી વિદાય પામતા ચોમાસાના આખરી માસની શરદપૂનમની એ નીરવ રાત્રિને ક્વચિત્ ક્વચિત્ ખલેલ પહોંચી રહી છે, દૂર ગામમાંથી આવતા ભસતાં શ્વાનના અવાજો અને વગડાનાં શિયાળવાંની હૂકીહૂ એવી દીર્ઘ લાળી થકી. તો વળી ક્વચિત્ નિશાચર પક્ષીઓના ભેંકાર અવાજો વચ્ચે કોયલનો કર્ણપ્રિય મધુર ટુહૂ…ટુહૂ રવ ચહુદિશે પડઘાઈ જાય છે.

નિરભ્ર આકાશમાંથી વેરાતી ચાંદનીની રજતરજ થકી દેદીપ્યમાન લાગતી આજની આ ખુશનૂમા રાત્રિએ વિશાળ ખેતબંગલામાં સંયુક્ત કુટુંબનાં એ જમાનામાં એમ.એ. સુધીનું શિક્ષણ પામેલાં કૌટુંબિક વડાં સૂરજદાદી અને બી.એ. સુધી ભણેલી ડાહી અને સમજદાર સૌથી નાની પુત્રવધૂ ગં.સ્વ. ગંગા એમ બેઉ જણ જ હાજર છે અને બાકીનાં વીસેક જેટલી સંખ્યામાંનાં નાનાંમોટાં કુટુંબીજનો એસ્ટેટેની વોલ્વો લક્ઝરી બસમાં વહેલી સવારે અંબાજી જવા માટે નીકળી પડ્યાં છે. અંબાજીમાં પૂજાઅર્ચના, માતાજીના ગરબા અને પૂનમની આહ્લાદક રાત્રિની મજા લૂંટીને બીજા દિવસથી તેઓ માઉન્ટ આબુની સહેલગાહ પછી ઉત્તર ભારતની ટુર માટે નીકળી પડવાનાં છે. વહેલી સવારે છેક છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતના કારણે કે એવા બહાના હેઠળ સૂરજદાદીએ ટુરમાં ન જોડાવાની જાહેરાત સાથે ગંગાને પોતાની પાસે રાખી લેવાની સૌને જાણ કરી દીધી હોય છે. જો કે ગંગાનાં બંને સંતાનો તો પ્રવાસમાં સામેલ જ છે.

બંગલાની સામેના પણ થોડેક દૂર પ્રવેશ માટેના એ તોતિંગ મુખ્ય દરવાજા પાસેના જ ક્વાર્ટરની ઓસરીની ખુરશીમાં રાતપાળીની ચોકી સંભાળતો રિવોલ્વરધારી નિવૃત્ત સૈનિક બેઠેલો છે. બે બંદુકધારી ખેત-રખેવાળો ઘોડા ઉપર ખેતરોના આંતરિક શેઢાઓ અને કમ્પાઉન્ડ વોલને લગતી પેરામીટરની ચોતરફના રસ્તા ઉપર ચોકીપહેરો ભરી રહ્યા છે. પાંચસો વીઘા જેટલી બહોળી જમીનમાં કૃષિ અને બિનકૃષિ વિવિધ એકમો ધરાવતી કિલ્લેબંધ એવી આ એસ્ટેટના ખેતવિસ્તારમાં દિવસ દરમિયાન બસો જેટલાં માણસો અને બંગલામાં બાવીસેક જેટલાં કુટુંબીજનોની ચલપહલ રહેતી હોય છે, જ્યારે આજની આ રાત્રિએ બહારનાં અને અંદરનાં મળીને માત્ર પાંચ જ જણ આ એસ્ટેટમાં મોજૂદ છે.

સાંજનું વાળુ પતાવીને દિવાનખાનાની સામસામેની ખુરશીઓમાં બેઠેલાં સાસુવહુ વચ્ચે વાતચીત આરંભાય છે. સૂરજદાદી ‘બેટા ગંગા’ ના હૂલામણા સંબોધને વાતની શરૂઆત કરતાં લાગણીસભર અવાજે કહે છે, ‘તું ચકોર છે એટલે તને આછોપાતળો ખ્યાલ આવી જ ગયો હશે કે સવારે છેલ્લી ઘડીએ મેં આપણી ફેમિલી ટુરમાં ન જોડાવાની કરેલી જાહેરાત સાથે તને જ મારી સાથે કેમ રોકી પાડી હશે! બેટા, હું માત્ર તારી સાથે જ મારા મનથી એક મહત્ત્વની અંગત વાત કરવા માગું છું અને તેથી જ આજે મેં આ તક ઝડપી લીધી છે.’

‘પણ મોમ, હું તો મોટેરાંઓમાં તો સૌથી નાની છું અને એવી તે શી વાત છે કે જે તમે મને જ કહેવા માગો છો?’ અંગ્રેજી માધ્યમમાં ભણતા દીકરાનું તેને થતું ‘મોમ’ સંબોધન સહજ રીતે ગંગાના મોંમાંથી નીકળી જાય છે.

‘ચોંકી જઈશ નહિ, પણ હું તને ગંગાસ્વરૂપમાંથી અખંડ સૌભાગ્યવતી બનાવવા માગું છું!’ કોઈ પણ જાતની પૂર્વભૂમિકા વગર સૂરજદાદી ધડાકો કરી દે છે.

ગંગાના માથે જાણે વીજળી ત્રાટકી હોય તેમ આટલું સાંભળતાં જ ફાટી પડતા અવાજે તેણી બોલી ઊઠે છે, ‘માવડી, તમારું ભલું થાય, પણ તમે શું બોલી રહ્યાં છો તેનો તમને ખ્યાલ આવે છે? મારાં માતાપિતાએ મને આપેલા સંસ્કારમાં તમને કંઈ ઉણપ લાગે છે કે તમારે મારા વિષે આવું અમંગળ વિચારવું પડે! તમારા દીકરાની યાદીરૂપે પ્રભુએ દીધેલાં બે સંતાનો, માતા કરતાં પણ અધિક એવો તમારો પ્રેમ, મારા ત્રણત્રણ વડીલો અને ભાભીઓની હૂંફ, કિલ્લોલ કરતું આપણું કુટુંબ, બેશુમાર સાહ્યબી ધરાવતી આપણી આર્થિક સ્થિતિ, ખેતીવાડી અને તેને સંલગ્ન આપણું સમૃદ્ધ અને વિશાળ આર્થિક સામ્રાજ્ય, કાલે બંને છોકરાં મોટાં થઈ જશે તેવી આપણી આશાદોરી; આમ આટઆટલું હોવા છતાં મને એવી કઈ ખોટ હોવાનું તમે ધારી લઈને મારું કાળજું કપાઈ જાય એવી મને બીજીવાર અખંડ સૌભાગ્યવતી બનાવવાની તમે વાત કરી રહ્યાં છો! પહેલી વાર પણ હું અખંડ સૌભાગ્યવતી ક્યાં રહી, જુઓને કુબેર મારાથી પહેલા પરલોક સિધાવી ગયા!’ ગંગાના અશ્રુના બંધ છલકાઈ જાય છે.

‘ખોટ છે, ખોટ છે, બેટી; તને ખોટ છે મારા દીકરાની! માંડ ત્રીસેકની તારી વય અને પાછળ અણખૂટ્યું આયખું! હું તને સફેદ કપડાંમાં જોઈ શકતી નથી, મારી દીકરી! હું તને જોઉં છું અને દુ:ખીદુ:ખી થઈ જાઉં છું! ઘરમાં નાનાં છોકરાંની દાદી હોવાના કારણે તમે સૌ મને દાદી કહો છો, એ ભલે; પણ, હું તો મારા દીકરાઓ અને તમે સૌ વહુઓની મા છું! વળી કુબેરના અવસાન પછી તો તારી એકલીની જ મા હોઉં એવું હું માની રહી છું. શું તું તારી માનું કહ્યું નહિ માને, તેનું દુ:ખ હળવું નહિ કરે! તારું પુનર્લગ્ન એ જ મારા માટે સ્વર્ગથી પણ અધિક સુખ બની રહેશે, દીકરા!’ આટલું બોલતાં તો સૂરજદાદી ધ્રૂસકેધ્રૂસકે રડી પડે છે.

ખુરશીમાંથી સૂરજદાદી તરફ ધસી જઈને ગંગા તેના અંગુઠાઓ વડે તેમનાં અશ્રુ લૂછતાં ડૂમો ભરાએલા અવાજે કહે છે, ‘માડી, તમારા દીકરાના અવસાન વખતે તો તમે તમારી પાંપણો પણ ભીની થવા દીધી ન હતી અને આજે અચાનક આમ કેમ? વળી, તમે મને સફેદ વસ્ત્રોમાં જોઈ ન શકતાં હો, તો હું અબઘડી રંગીન કપડાં ધારણ કરી લઉં! હું તો તમારા દીકરાની યાદમાં બધાંની વચ્ચે રહીને તેમની અમાનતને ઊછેરીશ. હું પુનર્લગ્ન કરવાનું તો સ્વપ્નમાં પણ વિચારી ન શકું, માડી! તમે જાણો જ છો કે કુબેરના પહેલી વાર સરપંચ તરીકે ચૂંટાયા પછીની પ્રથમ ગ્રામસભામાં લોકોએ તમારાં સેવાકીય કાર્યોને બિરદાવતાં તમને ‘ગ્રામમાતા’નું બિરુદ આપ્યું હતું અને મને અમેરિકન ઢબે ગામની ‘ફર્સ્ટ લેડી’ તરીકે ઓળખાવી હતી. હું પેલા અમેરિકન પ્રમુખ કેનેડીની પત્ની જેક્વેલીન જેવી થોડી છું કે જેણે બુડ્ઢા ઓનાસિસ સાથે લોકલાગણીને ઠુકરાવીને પણ પુનર્લગ્ન કરી લીધાં હતાં!’ આટલું બોલતાં તો પવિત્રતાની મૂર્તિ સમી ગંગાની આંખોમાંથી ગંગાના પાણી જેવાં પવિત્ર આંસુ વહેવા માંડે છે.

‘તારા સસરાની બિનહયાતીમાં ઘરની વડીલ હોવાના કારણે હું આંસુ પી ગઈ હતી, એ ટાણે; કેમ કે હું જ ઢીલી પડી જાઉં, તો પછી ઘરનાં બધાંને કોણ સંભાળે અને તેમને આશ્વાસન પણ કોણ બંધાવે! તેત્રીસ વર્ષનો જુવાનજોધ દીકરો, નાનો હોવા છતાં ઘરનાં નાનાંમોટાંની ઝીણીઝીણી કાળજી લેનારો, નાની વયે ગામના સરપંચ તરીકે પ્રત્યેક ગ્રામજનના હૈયે વસેલો, સાઈઠ ગામોના ગોળનાં જ્ઞાતિજનોમાં એવી આબરૂવાળો કે કોઈ જેનો બોલ કદીય ન ઉથાપે, એવા મારા ડાહ્યા દીકરા પાછળ હું આંસુ કેમ ન સારું! પણ બેટા, એ વખતે મેં મારું કાળજું કઠણ કરી દીધું હતું! પણ આજે તો દીકરી, તું મને મોકળા મને રડી લેવા દે! મને કહેવા દે, દીકરી, કે મારાં રૂદનનાં આંસુને હર્ષનાં આંસુઓમાં તારે ફેરવી દેવાં હોય તો મને વચન આપ કે તું મારું કહ્યું માનશે! કુબેરના આત્માને તારા પુનર્લગ્નથી જ શાંતિ મળશે, કેમ કે હું અને મારો ઈશ્વર જ જાણીએ છીએ કે તેણે જ મારી પાસેથી તારું પુનર્લગ્ન કરાવી આપવાનું વચન લીધું હતું! યાદ કર ત્રણેક વર્ષ પહેલાંના આપણા જ્ઞાતિસંમેલનના એ દિવસના તેના ભાષણને, જ્યારે કે તેણે પોતાના સુધારાવાદી વિચારોમાં યુવાન વિધવાઓને પુનર્લગ્ન કરી લેવાની હિમાયત કરી હતી. મારો દીકરો તેના વેણનો પાકો હોઈ પોતે બોલે તેવું કરી બતાવવાના આશયે મારી પાસેથી તેણે આ વચન લીધું હતું. વળી તારી જેકીવાળી વાતનો પણ તને રદિયો આપી દઉં કે તારી જેમ તેને પણ એક દીકરો અને એક દીકરી હતાં. તે બિચારી ૩૯ વર્ષે તો વિધવા થઈ હતી. દુનિયાને તો શી ખબર હોય કે તેણે કઈ મજબુરીએ ઓનાસિસ સાથે લગ્ન કર્યાં હશે! વળી અફસોસ કે તેણીનું બીજું લગ્નજીવન પણ સાત જ વર્ષમાં સમેટાઈ ગયું હતું અને બિચારી ફરી પાછી વિધવા બની ગઈ હતી. એ ફર્સ્ટ લેડી તો મુક્ત એવી પશ્ચિમની સંસ્કૃતિમાં જીવતી હતી, તું તો ભારતીય છે! સ્વર્ગસ્થ પતિની ઈચ્છાઓને અનુસરવું એ જ તો ભારતીય નારીનું કર્તવ્ય ગણાય છે. લે, હવે આપણે મૂળ વાતનો તંતુ પકડીએ. કુબેર તો તેના દિલની વાત તને જ મોંઢામોંઢ કહેવાનો હતો, પણ તને એ ટાણે પારાવાર દુ:ખ થશે તેમ માનીને મેં જ તેને વાર્યો હતો. હવે બોલ, તારે મારા કુબેરના આત્માને કકળાવવો છે કે મારી વાતને માનવી છે?

‘અરેરે માતાજી, તમે તો મને ધર્મસંકટમાં મૂકી દીધી! હવે હું પૂછું છું કે ઘરમાં મારા વડીલો કે મારી ભાભીઓમાંથી કોઈ આ વાત જાણે છે?’

‘ના, ગંગા બેટા. કુબેરના અવસાનની પહેલી વરસી પછી જ મારે તને આ વાત કરવાની હતી અને તેથી જ તેની વસિયતને મેં મનમાં ધરબી દીધી હતી. વળી, આ વાત વિષેનું તારું મન કળ્યા વગર મારા દીકરાઓને જણાવવું પણ મને ઠીક લાગ્યું ન હતું. આમ કવેળાએ વસિયતની વાત જાહેર થવાથી વાતનો અનર્થ થઈ જવાની મને ભીતિ હતી. બોલ, હવે તું શું કહે છે?’

‘પણ બા, મારાં છોકરાં અને તમને બધાંને છોડીને જવાનું તો મારાથી કઈ રીતે બને?’

‘તારે કોઈનેય છોડવાં ન પડે અને અમારે પણ તને છોડવી ન પડે તેવો કોઈ માર્ગ નીકળે તો તને કોઈ વાંધો હોઈ શકે ખરો?’

‘તો પછી તમારી વાતનો મતલબ એમ થાય છે કે મારા મોટા ભાઈઓ સમા મારા કોઈ જેઠ સાથે મારે જેઠવટું કરવું! આપણા સમાજમાં દિયરવટું તો થતું હોય છે, પણ જેઠવટું તો કેવું વિચિત્ર લાગે? જૂઓ મા, આ બધું તમને પૂછતાં હું અપરાધભાવ અનુભવું જ છું, પણ મરનારના આત્માની શાંતિનો વિચાર કરતાં હું તમારી વાત સાંભળવા મજબુર બની જાઉં છું!’ ગંગા વળી પાછી હીબકે ચઢે છે.

સૂરજદાદી ગંગાના માથે હાથ પસવારીને તેને સમજાવતાં કહે છે, ‘પણ, તેં એમ શી રીતે માની લીધું કે હું તારી પાસે જેઠવટું કરાવવા માગું છું! ગાંડી, તારી જેઠાણીઓ પણ મારી દીકરીઓ જ છે અને તેમના ઉપર તને શોક્ય તરીકે બેસાડું ખરી!’

‘તો પછી એવો તો તમારી પાસે કયો રસ્તો છે કે જેનાથી આપણે બધાં છૂટાં પણ ન પડીએ અને મારું ઘર બંધાય! વળી જેઠવટું પણ ન હોય તો તેનો મતલબ એ થાય કે સામેવાળો માણસ આપણા ઘર બહારનો જ હોય અને આમ આંગળીએ લઈ જવાતાં છોકરાં તો કદાચ મારી સાથે રહી શકે, પણ આપણું ઘર તો મારે છોડવું જ પડે ને! આમ તમારા કહેવા મુજબ બંને વાનાં તો એકસાથે શી રીતે સધાય? મા, તમે તો ગજબનાં લાગો છો! પહેલી બુઝાવ્યા વગર મને કહો તો ખરાં કે તમારા મનમાં શી વાત છે? શું સામેવાળાને તમે ઘરજમાઈ રાખવાનું તો નથી વિચારતાં?’

‘અહીં ઘરજમાઈની વાત ક્યાંથી આવે! ભલે તું મારી દીકરી બરાબર હોય, પણ એ ન ભૂલ કે હું તારી સાસુ છું. તું પુનર્લગ્ન કરીને તારા પતિ સાથે તારાં માબાપના ઘરે રહેવા જાય તો પેલો ઘરજમાઈ થયો ગણાય! પરંતુ અમારે તારો પગ જ ઘર બહાર મૂકવા દેવાનો ન હોય, તો પછી આપણા વિશિષ્ટ કિસ્સામાં શબ્દકોશમાં ઘરજમાઈના બદલે ઘર-પુત્રવધૂવર-જમાઈ જેવો લાંબોલચક નવો શબ્દ દાખલ કરવો પડે!’ સૂરજદાદી મરકમરક હસી પડે છે.

શિક્ષિત એવાં સૂરજદાદીએ ઘરજમાઈના વિકલ્પે શોધી કાઢેલા નવા શબ્દને સાંભળીને ગંગા પણ ઘડીભર ગંભીર વાતાવરણમાંથી બહાર નીકળીને મલકી પડતાં બોલી ઊઠે છે, ‘દાદી, તમારી બૌદ્ધિક શક્તિને તો ધન્ય છે! હવે આપણે બંને થોડાંક હળવાં જ થયાં છીએ તો અખંડ સૌભાગ્યવતીનો મર્મ પણ પામી લઈએ. કન્યાને જ્યારે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપવામાં આવે છે, ત્યારે તેનો મતલબ એ જ થાય કે એ કન્યાનું સૌભાગ્ય મૃત્યુ પર્યંત અખંડ જ રહે, અર્થાત્ તે પતિ કરતાં વહેલી અવસાન પામે! તો પછી બા, આ તો શ્રાપ થયો ન ગણાય?’

‘જો બેટા, આને શ્રાપ નહિ; કન્યાવિદાય વખતનો આશીર્વાદ જ ગણવો પડે. જો પતિ પહેલો અવસાન પામે તો એ દીકરી તારી જેમ વિધવા થાય અને માબાપને દીકરીનું વૈધવ્ય અસહ્ય લાગે! ગળામાં મંગળસૂત્ર, કપાળે ચાંદલો અને સેંથીએ સિંદૂર એ સૌભાગ્યની નિશાનીઓ છે અને પતિ કરતાં વહેલી અવસાન પામનારી સ્ત્રી આમ મરતાં દમ સુધી આ નિશાનીઓ સાથે જોડાએલી જ રહેતી હોઈ તે ભાગ્યવાન ગણાય! આ ઉમદા ખ્યાલ એ આપણી ભારતીય નારીને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલી દેન જ સમજવી પડે, દીકરા.’

‘બા, ખરે જ મને અ.સૌ. પાછળનો છૂપો ભેદ આજે જ સમજાયો. વળી અ.સૌ. કે ગં.સ્વ. એવાં સ્ત્રીના નામ પૂર્વે બોલાતાં સંબોધનોથી તેણી સધવા કે વિધવા હોવાનો ખ્યાલ પણ આવી શકે, ખરું કે નહિ?’

‘એ વાત રહેવા દે. હાલ સુધીની આપણી વાતચીતમાંથી મેં એક વાતની નોંધ લીધી છે. તેં મને હમણાં પહેલી જ વાર ‘દાદી’નું સંબોધન કર્યું છે. એ પહેલાં તો તું મોમ, માવડી, માડી, માતાજી, મા, બા, એવાં કોણ જાણે કેટલાંય સંબોધનો કરી ચૂકી છે! તું એકદમ લાગણીમય થઈ ગઈ છે, નહિ? દાદી એ મા કરતાં એક પગથિયું દૂરનું સગું પડે, ખરું? તને સમજાવું કે આપણે મામા- કાકા-ફોઈ-માસીનો દીકરો એમ બોલીએ છીએ; કંઈ મામીનો-કાકીનો-ફુઆનો-માસાનો દીકરો બોલતાં નથી હોતાં. એ સગાંઓની જોડીઓમાં જે નિકટનું હોય તેની ઓળખ અપાય! બોલચાલમાં પણ વણલખ્યા કેવા નિયમો કામ કરતા હોય છે, હેં! ખેર, હવે એ વાત રહેવા દઉં છું અને મૂળ મુદ્દે આવું છું કે કોઈ સ્વમાની માણસ ઘરજમાઈ કે ઘર-પુત્રવધૂવર-જમાઈ બને જ નહિ. વળી આવો કોઈ મુરતિયો તૈયાર થાય તો પણ હું મારી દીકરી માટે એવા જમાઈને નાપસંદ જ કરું! મારી દીકરી માટે તો મારે ખુદ્દાર વર જ જોઈએ, સમજી? આ બધું તારાં સૂરજદાદી બોલતાં નથી, પણ તેમનું વર્ષો પુરાણું પોસ્ટગ્રેજ્યુએશન અને જીવનભરનો અનુભવ બોલે છે.

‘દાદી, મૂળ વાત ઉપર આવો ને, પ્લીઝ! હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. તમારા ફળદ્રુપ ભેજામાં મારા પુનર્લગ્ન માટેનો એવો તે કેવા પ્રકારનો માનવીડો રમી રહ્યો છે કે જેનાથી આપણી બધી જ અપેક્ષાઓ સંતોષાય અને આપણું ધાર્યું જ થાય!’

‘એ હું હાલ નહિ કહું. તું પાકો વિચાર કરીને રાજીખુશીથી મારી વાત સ્વીકારે તે પછી જ હું તને તે કેવા પ્રકારનો માનવીડો હશે એટલું જ નહિ, તે કયો માનવીડો હશે એ પણ કહીશ. હજુ આપણાં ઘરવાળાં અઠવાડિયે આવશે. આપણી પાસે હજુ છ દિવસો બાકી છે.’

‘પણ, તમે તો દાદી મારી ઊંઘ હરામ કરી નાખી! ખેર, તમારી વાત માથે ચઢાવું છું; બાકી મારી તાલાવેલી તો માત્ર તમે મૂકેલી તમારી પહેલીનો ઉકેલ જાણવાની જ છે! હજુસુધી હું કોઈ નિષ્કર્ષ ઉપર આવી નથી અને મને ખાતરી છે કે એમ કરવું એ મારા એકલાથી બનશે પણ નહિ. મારો નિર્ણય લેવામાં પણ તમારે જ મને મદદ કરવી પડશે. આપણે સાથે જ રહી શકીશું તે રીતે તમારા દીકરા સાથેના તમારા વચનનું પાલન થતું હશે તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર જ છું. આ તકે બીજું તો શું કહું, પણ તમારા દીકરાના મહાન આત્માને હું વંદન કરું છું અને તમને પણ એથીય અધિક એટલા માટે કે …’ આગળ બોલી શકવા અસમર્થ એવી ગંગા સૂરજદાદીને બાઝી પડતાં હૈયાફાટ રડી લે છે.

ગંગાના માથે હાથ ફેરવીને તેના કપાળે ચુંબન કરતાં સૂરજદાદી કરૂણાસભર અવાજે અને અશ્રુ ઊભરતી આંખોએ તેને બાહુપાશમાં દબાવી લેતાં બોલી પડે છે ‘રડી લે, દીકરી રડી લે; તારે રડવું હોય તેટલું રડી લે, હાલ હું તને નહિ રોકું! પણ, હવે પછીથી તારે મારા કુબેરની યાદને તારા અંતરના ઊંડાણમાં ધરબાવી દેવાની છે; નહિ તો તું તારા નવીન દાંપત્યજીવનને ન્યાય નહિ આપી શકે! હવે તને વધારે ટટળાવ્યા વગર તારી સંમતિ મળી જ ગઈ છે તેમ માનીને તું કહેતી હોય તો મારી પહેલીનો ઉકેલ તને સમજાવવા માંડું?’

ગંગા શરમથી પોતાની પાંપણો નીચે ઝૂકાવી દઈને ‘હા’ ભણ્યા પછી ચકળવકળ નયનોએ આડી નજરે દાદી સામે જોયે જતી તેમના મનમાંના માનવીડાનું નામ જાણવા માટે ઉત્સુક બની રહે છે. કુટુંબ છોડવું પડે નહિ, જેઠવટું થાય નહિ અને બીજો પતિ ઘર-પુત્રવધૂવર-જમાઈ પણ ગણાય નહિ એવા ત્રિવિધ હેતુઓને જાળવી રાખતી ફોર્મ્યુલામાં બંધબેસતું સામેનું એવું તે કયું પાત્ર દાદીના દિમાગમાં હશે તે જાણવાની પળ નજીક આવતી જાય છે અને ગંગા પોતાના તનબદનમાં આછી કંપારી અનુભવે છે.

સૂરજ દાદી હળવો ખોંખારો ખાતાં મલકતા ચહેરે ગંગાને કહે છે, ‘હવે શરમાયા વગર મારી સામે જો અને મને સાંભળ. એ જુવાન આપણા ઘર બહારનો હશે, એટલે જેઠવટાનો તો સવાલ જ ઊભો થતો નથી. વળી એ આપણી સાથે, આપણા કુટુંબના સભ્ય તરીકે જ રહેવાનો હોઈ તારે કે તારાં છોકરાંએ આપણું ઘર છોડવાનું પણ રહેશે નહિ! હવે પેલો ગુજરાતી શબ્દકોશમાં ભવિષ્યે કદાચ ઉમેરાય એ શબ્દ ‘ઘર-પુત્રવધૂવર-જમાઈ’નો ખુલાસો સમજી લઈએ! એ યુવકને સર્વ પ્રથમ તો હું કોર્ટકચેરીની કાનૂની વિધિથી દત્તક લઈને તેને મારા પાંચમા દીકરા તરીકે પ્રસ્થાપિત કર્યા પછી જ તેની સાથે તારું દિયરવટું કરાવીશ. હું તેને મારો પાંચમો દીકરો એટલા માટે ગણાવું છું કે તે મારા કુબેરનું સ્થાન તો કઈ રીતે લઈ શકે, બેટા, કેમ કે મારો કુબેર તો કુબેર જ હતો! આ તો સમજવા પૂરતો તેને પાંચમો ગણાવું છું; પણ મારો ચોથો દીકરો કુબેર તો તું જ છે, મારા દીકરા! આમ મારાં વારસદાર તો તમે ચાર કુટુંબ જ ગણાશો, સમજવામાં આવે છે મારી વાત?’

‘મા મારી, તમારી ઉપર વારી જાઉં! તમારી બુદ્ધિમત્તા, વાક્ચાતુર્ય, ઠરેલપણા અને દૂરંદેશીપણાનો કોઈ જવાબ નથી! તમને જાણ્યા પછી કોણ કહી શકશે કે સ્ત્રી પુરુષસમોવડી ન ગણાય! પણ મા, સાચું કહું તો તમે મને હજુ પણ લબડાવો છો! હજુ પણ તમે મગનું નામ મરી પાડતાં નથી! તમે પેલી પહેલીનો ઉકેલ પહેલો બતાવી દીધો એટલે બધું સ્પષ્ટ તો થઈ જ ગયું; પણ, હવે મારે તમને એ જ પૂછવાનું રહે છે કે તમારી અપેક્ષાઓ મુજબનો તમારો પાંચમો દીકરો શોધાઈ ગયો છે કે શોધવો બાકી છે?’

અહીં સાસુવહુનો સંબંધ મટી જઈને સૂરજદાદી અને ગંગા વચ્ચે બહેનપણીઓનો સંબંધ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. બંને વચ્ચે મર્યાદાના કોઈ પડદા વગર મુક્ત મને વાર્તાલાપ થઈ રહ્યો છે.

‘મારો શોધી કાઢેલો વર તને પસંદ પડે તો બરાબર છે, નહિ તો આકાશપાતાળ એક કરીને પણ મારી અપેક્ષાઓ મુજબનો તને ગમે એવો બીજો શોધી કાઢીશ!’ સૂરજદાદી જવાબ વાળે છે..

‘તમારે બીજો વર શોધવાની કોઈ જરૂર પડશે નહિ, કેમ કે તેને વગર જોયે અને જાણ્યે મેં સ્વીકારી જ લીધો છે. હવે જરા નામઠામ આપશો કે પછી તમારે સવાર પાડવાની છે!’

‘અધીરી ન થા, દીકરી. હજુ એ યુવકનું નામ જાણવા પહેલાં તેના વિષે થોડુંક જાણી તો લે. તે ખૂબ જ ભણેલો, આપણી જ્ઞાતિનો પણ મૂળ વતની બહારગામનો, રૂપમાં અને બાંધામાં તારી સાથે શોભે તેવો, ગુણિયલ, સંસ્કારી, કુટુંબમાં પંડોપંડ એકલો, ઘરબાર અને જમીનજાગીર વગરનો, દૂધમાં સાકર ભળી જાય તેવો મળતાવડો, માત્ર તું જ નહિ પણ તારાં જેઠજેઠાણી અને તારાં માબાપ સુદ્ધાં પણ તેને જોતાંની સાથે જ એકી અવાજે ‘કરો કંકુના’ બોલી ઊઠે તેવો, સઘળી વાતે સંપૂર્ણ, વિધુર, સંતાન વગરનો, નસીબદાર, પ્રેમાળ; ટૂંકમાં કહું તો, દીકરી, તેને વખાણવા માટે શબ્દો ખૂટી પડે!’ તે કુબેરથી બે વર્ષ નાનો છે, એટલે તેને દત્તક લેવાથી થોડા દિવસ પૂરતો તો તે તારો દિયર જ બનશે!

‘પણ બા, તેમનું નામઠામ તો આપો; નહિ તો તમારા સાથે કટ્ટા કરીને હું તો સૂઈ જાઉં છું!’

‘હજુ ધીરજ રાખ, દીકરી. તેના ચારિત્ર્યને ઉજાગર કરતી તેની એક દાસ્તાન તને સંભળાવ્યા સિવાય હું રહી નહિ શકું, કેમ કે તેનાથી જ તને ખ્યાલ આવશે કે તારી દાદીએ એક એવા યુવકને પસંદ કર્યો છે કે જે તને એકલીને જ નહિ, આપણને બધાંયને સુખ આપશે અને આપણા કરોડોના કારોબારને નિષ્ઠાપૂર્વક સાચવવામાં બધા ભાઈઓને મદદરૂપ થશે.’

‘તો તો એ વાત પહેલાં કહી સંભળાવો, હવે તેમનું નામ જાણવાની મને જરાય ઉતાવળ નથી. વળી એ રીતે તો તેમને સારી રીતે જાણી અને સમજી લેવાનું મારા માટે સરળ બની રહેશે.’

‘તો સાંભળ. એ બિચારાના લગ્નને આઠેક વર્ષ થયાં હશે અને તેની પત્નીને એક સાથે શરીરમાં કેટલીય જગ્યાએ કેન્સરની ગાંઠો નીકળી હતી. તેનું ઓપરેશન મુંબઈની ટાટા હોસ્પિટલમાં થવાનું હતું. ઝડપથી વધ્યે જતું કેન્સર છેલ્લા તબક્કામાં હોઈ વારાફરતી ઓપરેશનો કરવા જતાં સમય લંબાઈ જવા ઉપરાંત જોખમ પણ વધી જવાની શક્યતા હતી. આમ બધી જ ગાંઠોનાં ઓપરેશન એક સાથે જ કરવાં જરૂરી હતાં. હોસ્પિટલના કેન્સ્રરના ડોક્ટરોની ટીમે મેનેજમેન્ટ પાસે આ ઓપરેશન માટે અમેરિકાના બે વિખ્યાત સર્જનોની મદદ માટેની માગણી કરી હતી. ઓપરેશનના ખર્ચની રકમ કરોડ રૂપિયા જેટલી થાય તેમ હતી. હોસ્પિટલના ટ્રસ્ટ તરફની દસ લાખની સહાય પછી તેને નેવું લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની હતી. અધધ એવી બાકીની રકમ માટે સરકારી સહાય કદાચ મળી રહે, પણ તેની જટિલ કાર્યવાહીમાં સમય વેડફાય તે પોષાય તેમ ન હતું. કોઈકે તેને આપણા ફેમિલીના ચેરીટેબલ ટ્રસ્ટની જાણ કરી હશે અને તેથી તેણે આપણો સંપર્ક સાધ્યો હતો. આપણી સ્થાપિત પ્રણાલી મુજબ તેને પૂછવામાં આવ્યું હતું કે તે પોતાની પાસેથી કેટલી વ્યવસ્થા કરી શકશે તે જણાવે, ત્યાર પછી બાકીની પૂરી રકમ આપણું ટ્રસ્ટ આપશે તેવી તેને હૈયાધારણ આપવામાં આવી હતી.

ઈશ્વરકૃપાએ આપણા ટ્રસ્ટ પાસે ભંડોળની કોઈ તૂટ રહેતી નથી હોતી. જરૂરિયાતમંદોને પ્રતિવર્ષ શૈક્ષણિક અને તબીબી અઢળક સહાય આપવામાં આવતી હોવા છતાં આપણા કારોબારના નફામાંથી વાર્ષિક નિશ્ચિત ટકાવારીએ ફંડ ઉમેરાયે જતું હોય છે. તેણે તેની પાસેની નાણાકીય સગવડનો આંકડો બીજા દિવસે જણાવવાનું કહ્યું હતું. તેને બિચારાને એમ થયું હશે કે તેની નેવું લાખ રૂપિયા જેટલી પોતાની માતબર જરૂરિયાત સામે તેણે વધુમાં વધુ પોતાના તરફની સગવડ બતાવવી જોઈએ. તેણે વતનમાંનું પોતીકુ રહેવાનું ઘર અને ખેતરોના વેચાણનો સોદો કરી નાખીને પચીસ લાખ રૂપિયાની પોતાની સગવડ બતાવી હતી. આપણા ટ્રસ્ટે બાકીની પાંસઠ લાખની રકમનો ટાટા ઉપરનો ડ્રાફ્ટ તેને આપી દીધો હતો.

તેની પત્નીનું ઓપરેશન તો સફળ રહ્યું હતું, પણ પાછળથી ફિઝિશિઅનોની સારવાર હેઠળની કોઈક તકલીફો ઊભી થઈ હોવાના કારણે એ બિચારી દસમા દિવસે હોસ્પિટલમાં જ અવસાન પામી હતી અને આમ તેના સઘળા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આને વિધિની વક્ર્તા જ ગણવી પડે. સાંભળી લીધી ગંગાબેટા, એ માણસના દુર્ભાગ્યની દાસ્તાન? હવે તું આટલી વાતમાંથી જ એ માણસના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું મુલ્યાંકન કરી લે’

‘બા, તેમની સાથે મારો સંબંધ જોડવાની વાત તેમની સાથે થઈ ગઈ છે ખરી?’

‘હા, બેટા. તેની સાથે માત્ર વાત જ થઈ નથી, તેના પક્ષે વાત પાકી પણ થઈ ગઈ છે.’

‘પણ, મને જોયા વગર જ?’

‘તેણે તને જોએલી જ છે.’

‘પણ મારી સાથેની મુલાકાત વગર તેમણે શી રીતે હા પાડી દીધી હશે?’

‘તારી જ જેમ, મારા ઉપરના વિશ્વાસથી જ તો!’

‘આપણા ટ્રસ્ટની મદદના અહેસાન હેઠળ તો તેમણે શરમ નહિ ભરી હોય!’

‘બિલકુલ નહિ. મેં ઊલટાવી ઊલટાવીને ખાતરી કરી લીધી છે.’

‘આટલું બધું પાકું તમે ક્યારનું કરી લીધું છે?’

‘ત્રણ મહિના પહેલાં જ. વળી, તેની પત્નીનું અવસાન થયે ત્રણ મહિના વીતી ચૂક્યા હતા.’

‘પત્નીના અવસાનનો તાજો આઘાત હોવા છતાં એ શી રીતે બન્યું?’

‘મારી સમજાવટથી જ તો! વળી, મેં મારા પક્ષે ઉતાવળ એટલા માટે કરી હતી કે તારા માટેનો આવો લાયક મુરતિયો હાથમાંથી જાય નહિ! તે અને આપણે જુદાંજુદાં ગામડે અને આપણી જાણ બહાર તેનું ક્યાંક ગોઠવાઈ જાય તો!’

‘હવે, કહો તો તમારા પગે લાગું; પણ, હવે મને વધારે તાવો નહિ, માડી મારી! મારા ઉપર દયા કરો અને હવે તો તેમને ઓળખાવો!’

‘ના, બિલકુલ નહિ. તું દંડવત્ પ્રણામ કરે તો પણ નહિ! કાલે સાંજે તેને ડિનર પર બોલાવું છું. તું તારે મારા દીકરાને તારે જે રીતે ઓળખવો હોય તેવી રીતે ઓળખી લેજે અને તારે તેનો જેવો ઈન્ટરવ્યુ લેવો હોય તેવો લઈ લેજે. તેં મારી દરખાસ્તની ‘હા’ ભણી લીધી હોવા છતાં મારી સ્વેચ્છાએ હું તને આઝાદ કરી દઉં છું. તારે હવે નવેસરથી તેની આગળ જ ‘હા’ પાડીને પછી જ મને જાણ કરવાની છે, સમજી?’

***

બીજા દિવસે સાંજે સાત વાગ્યાથી સૂરજદાદી અને ગંગા ઓસરીમાંની ખુરશીઓમાં બેઠાંબેઠાં ગેટ તરફ મીટ માંડીને કાગડોળે આગંતુકની રાહ જોઈ રહ્યાં છે. બરાબર ૭-૩૦ના ભીંતઘડિયાળના એક ટકોરે ગેટકીપર ફૌજીની મિલિટરી સલામ ઝીલતો એ જુવાન ગેટમાંના નાના દરવાજા વચ્ચે દેખા દે છે. દૂરથી જ તેને ઓળખી લેતાં ગંગા સૂરજદાદીના ગાલે ચીમટી ભરતાં બોલી ઊઠે છે, ‘લુચ્ચાં! આ તો આપણા બિનકૃષિ ઉત્પાદનોના ઉદ્યોગ વિભાગના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (C.E.O.) મિ. રાઓલજી છે! તમે મને આઝાદ કરી દીધી હોવા છતાં હું ફરીવાર તમારા આગળ ‘હા’ પાડી દઉં છું. હવે તમારે મારી વતી તમારા દીકરાને ‘હા’ પાડવી હોય તો પાડજો., તમે જાણો અને તમારા રામ જાણે!’

આમ બોલતી ગંગા શરમની મારી ઝડપભેર રસોડા તરફ દોડી જાય છે અને સૂરજદાદીની આંખો હર્ષનાં આંસુઓથી નિચો વાઈ જાય છે.

-વલીભાઈ મુસા