Father day Special books and stories free download online pdf in Gujarati

ફાધર્સ ડે સ્પેશ્યલ

"Father 's ડે Special "

"પ્રેમને જતાવવો મુશ્કેલ છે કે આસાન એ વાત જો પુછવી હોય તો આપણા પપ્પાને પૂછવાની. શું કહેશો?? "માં" કરતા બાપનો પ્રેમ ચડિયાતો હોય એવું તો ના કહી શકાય પરંતુ "માં-બાપ" બંને પોતાના સંતાનો માટે જ જીવતા હોય છે અને એ જ એમનો પ્રેમ છે એ વાતમાં માલ છે સાહેબ.

"માં" લાગણી,સ્નેહ,પ્રેમનો દરિયો કહેવાય તો પિતા એ દરિયાના ઉછળતા મોજા સમાન છે. મોજા વગરનો દરિયો આપણને જોવો ગમશે? બસ એમ જ એ મોજા દરિયાના પાણીને શુદ્ધ કરે છે એમ પિતાનો પ્રેમ ભલે વાગે એવો હશે પરંતુ એ આપણા જીવનના મારગમાં મદદરૂપ જરૂર થશે. પિતા એ એક એવું વ્યક્તિત્વ છે જેના પ્રેમને સમજવા માટે પિતાની જેમ વિચારવું પડે અને એને સમજવા માટે જીવનની દરેક મુશ્કેલીઓથી પર રહીને એમની નજરોથી જોવું પડે કે પિતાનોપ્રેમ એટલે શું!

પિતા એક પુરુષ એટલે લાગણીઓને વહાવી ના શકે અને એ લાગણીઓને મનમાં ભરીને અંદર ને અંદર મન વલોવાયા કરે એ આપણે સમજી શકીએ છે. જીવનમાં બધું જ સમજી શકાય પરંતુ પિતાના પ્રેમના મૂળ બહુ ઊંડા હોય છે સાહેબ ત્યાં સુધી પહોંચવા માટે પિતા બનવું પડે અને એ જવાબદારી, ચિંતા, લાગણી બધાને પોતાના અંતરમનમાં છુપાવીને ચહેરા પર મીઠી મુસ્કાન રાખવી પડે અને એ જ સમયે આપણને અનુભૂતિ થાય કે પિતા એટલે શું!

સમય સાથે ડગ માંડી જીવનની દરેક પરિસ્થિતિમાં પરિવારની રક્ષા કરવાની જવાબદારી પોતાના મજબૂત ખભા પર લઈને બસ પરિવારની ખુશી માટે જીવવું અને એ જ પરિવારના ચહેરા પર એક મુસ્કાન માટે દુનિયા સામે જંગ લડી જવી આ બધું એક પિતા બસ એકલા હાથે જ કરે છે. એમ જોવા જઈએ તો એક એવો યોદ્ધા છે એ જીવનભર બસ એકલે હાથે લડે છે અને આમ છતાં એક પિતાને આપણે હરાવી ના શકીએ. જીવનમાં બધા જ દુઃખ દર્દ ને સહી શકે એ પિતા સિવાય એવા ૨ દર્દ છે જે કયારેય કોઈ પિતા સહી ના શકે,

* દીકરીની વિદાય

* જો દીકરો નામ વગોવે

કયારેય કોઈ માતા-પિતા સંતાનોને ખરાબ સંસ્કાર આપતા જ નથી બસ સમયના પ્રવાહમાં વહીને સંતાનો માં-બાપની સંસ્કારોની પૂંજી વહાવીને દુનિયાની ખરાબ આદતોને ગળે લગાવે છે અને એમાં નામ પિતાનું ખરાબ થાય છે એ વાતનું ભાન શાન ખોઈ દીધા પછી આવે છે અને એ સમયે પારાવાર પસ્તાવાનો સામનો કરવો પડે છે.

આપણે મમ્મી સાથે જેટલા ઝડપથી નજીક આવી જઈએ છે ને એટલે ઝડપથી પિતા સાથે નજીક આવતા થોડી વાર લાગી જાય છે અને એમાં સમય વહી જાય છે પછી આપણે પણ આપણા પ્રેમને જતાવી નથી શકતા.

મમ્મીને " I LOVE YOU " ૧૦૦૦ વખત કહી શકીએ પરંતુ પિતા સાથે થોડી મર્યાદા એ જાય એટલે દરેક સંતાનો એમના પિતા માટે આવું જ કાંઈક વિચારતા હોય છે પરંતુ કહી ના શકે એ વાત આપણે આજે Father 's ડે પર બધા સંતાનો વતી દરેક પિતા સુધી પહોચાડીશુ.

હું કેમ કરી ભૂલું?

પપ્પા, તમારી સાથેનો એ પહેલી વારનો આંખોનો વહેવાર,

પ્રેમ અને આંસુઓથી છલકાથી એ આંખોમાં ખુશીની ઝલક,

હું કેમ કરી ભૂલું?

મારુ એ તમારી આંગળી પકડીને ચાલતા શીખવું,

રડતા-રડતા શાળાએ જવું, પછી તમારું મને એ રોજ શાળાથી લેવા આવવું,

હું કેમ કરી ભૂલું?

મારા ભણતરમાં તમારું એ સૌથી મોટું યોગદાન,

તમારા સપનાઓને સૂતાં મૂકીને મારા સપનાઓની દુનિયાને સજાવવું,

હું કેમ કરી ભૂલું?

પ્રેમ સાથે એ મીઠો છણકો ને થોડા ઠપકાઓ,

શ્રીફળ જેવો તમારો સ્વાભાવ, ઉપરથી કડક ને ભીતરથી પ્રેમાળ,

હું કેમ કરી ભૂલું?

ભણતર સાથે એ દરેક સંસ્કારોનું સિંચન અને જીવનના એ દરેક મહત્વના પાઠનું પઠન,

તમારું મારા જીવન માટે અનંત સુધી બધું જ કરી છૂટવાનું વચન પોતાની જાતને એકલા આપવું,

હું કેમ કરી ભૂલું?

કયારેય કહી ના શક્યા હોઈએ અમે બધા જ સંતાનો, પરંતુ આ "થડ વગર વેલા કઈ કામના નથી",

એમ તમારા વગર અમારું અસ્તિત્વ ખોરવાઈ જાય છે એ વાત સમજવા છતાં બોલી ના શકનાર તમારું સંતાન છું,

એ હું હું કેમ કરી ભૂલું?

"ખુબ પ્રેમ અને આદર છે આપના માટે અને રહશે જ, આ વાત લખી શકીશ હું પરંતુ કહી નહિ શકું એ વાતની મને ખાતરી છે, એ બોલતા મારી જીભ મને સાથ નથી આપી રહી, મારો પ્રેમ તો અપાર છે આપના માટે પરંતુ એ પ્રેમને જતાવતા નથી આવડતું એ વાતનો વસવસો છે એટલે જ આજે દિલ ખોલીને લખી લેવું છે જેથી લખવામાં મારા શબ્દો આપના દિલના દરવાજા સુધી પહોંચશે એટલે આ શબ્દોને વાચા મળી જશે.

દરેક પિતા પોતાના સંતાનોને કહેવા માંગતા હોય છે પરંતુ કહી નહિ શકતા હોય એ વાત કદાચ આ હોઈ શકે,આ જ વાતનો સામો જવાબ પિતા પણ પોતાની લાગણીઓને વહાવી દેવા આજે મથી રહ્યા છે એ જ પિતાના શબ્દોને આપણે વાચા આપી છે, એ પિતા પોતાના સંતાનને જવાબમાં ઘણું કેહવા માંગે છે જેમ કે,

હું કેમ કરી ભૂલું?

તારો એ પહેલો સ્પર્શ, આંખોથી આંખોનો આપણો એ પહેલો વાર્તાલાપ,

શબ્દ વગર ભાવનાઓમાં વહી જતા આંસુ, જીવનભરની એ અમૂલ્ય ભેટ સોગાદ,

હું કેમ કરી ભૂલું?

તારું ધીમે-ધીમે મારી જિંદગીમાં, મારા દિલમાં સમાઈ જવું,

મને પિતા બન્યાની ખુશી સાથે તારું મારા અંતરમનમાં કાયમ માટે વસી જવું,

હું કેમ કરી ભૂલું?

તને નીરખ્યા કરું બસ, મારો જ અંશ તું એ વિચારી મલકાયા કરું હું,

તારું ધીમે-ધીમે એ ચાલવાનું ને પછી દોડવાનું, પડી ગયા પછી રડવાનું,

હું કેમ કરી ભૂલું?

તારી સાથે સ્કૂલનો પહેલો દિવસ ને પછી તો તારું બહુ જલ્દી મોટા થઇ જવું,

તારા એ બધા જ રિઝલ્ટ અને મારા એ ઠપકાઓ, તારું અમુક અંશે મારાથી ડરવું,

હું કેમ કરી ભૂલું?

તારો એ કોલેજનો પહેલો દિવસ અને મારુ તને એ દોસ્ત બનીને સમજાવવું,

તારી એ બધી જ નાદાની અને તોફાની વાતોથી તારી મમ્મીનું ચિડાઈ જવું,

હું કેમ કરી ભૂલું?

"આ તમે જ એને બગડ્યો છે." તારી મમ્મીના એ શબ્દો પર આપણા બંનેનું એકલામાં હસવું,

તારો દોસ્ત બની તને જીવનના દરેક પાઠ સરળતાથી શીખવવા તારા ભવિષ્યની ચિંતામાં મારુ રાતનું જાગરણ,

હું કેમ કરી ભૂલું?

તું મારી દીકરી કે દીકરો એ મહત્વનું નથી, તું મારુ સંતાન છે એ મહત્વનું છે એ વાતનું મારુ માનવું,

દીકરીની વિદાયની વાતથી જ દિવસનું ચેન અને રાતની ઊંઘનું ઉડી જવું,

હું કેમ કરી ભૂલું?

સંતાનોના જીવનની ડગરમાં કાંટાઓને કોતરીને પુષ્પની સુગંધ ભરવામાં મારુ જીવન વિતાવવું,

સંતાનોની ખુશીમાં ખુશ થઇ જીવનના દરેક સંઘર્ષમાં પાર ઉતરવું,

હું કેમ કરી ભૂલું?

આ બધા પ્રસંગો સાથે, "હું તને ખુબ જ પ્રેમ કરું છું." આ વાક્ય કયારેય ના બોલી શકતો એક પિતા છું,

પ્રેમને વરસાવવા માટેની લાગણીની ભાષા મને નથી આવડતી એ વાતનો વસવસો,

હું કેમ કરી ભૂલું?

કેહવું છે ઘણું બધું તને મારા વ્હલા સંતાનો, પરંતુ આ કયારેક શબ્દ સાથે છોડે તો કયારેક સમય,

શબ્દ બોલી ના શકાય તો કાંઈક લખીને મારુ એ પ્રેમ વરસાવવું, અરે! લખ્યા પછી પણ તને એ કાગળને છુપાવવું,

હું કેમ કરી ભૂલું?

માં-બાપનો પ્રેમ એટલે નિઃસ્વાર્થ પ્રેમ. એ જ પ્રેમ અનંત સુધી સાથે જ હોય છે એ પ્રેમને જીવનભર કાયમ રાખવા કોઈ જ મેહનત કરવી પડતી નથી બસ એ પ્રેમ અનંતકાળ સુધી સંતાનો પર વરસ્યા જ કરે છે. માતા-પિતાનો હાથ સંતાનોના માથે હંમેશને માટે રહે જ છે ભલે એમની હયાતી હોય કે ના હોય, પ્રેમ, સ્નેહ, લાગણી અને આશિષ એ એમના અંતરમાંથી વરસ્યા જ કરે છે.

આજે Father 's ડે પર કેહવું તો ઘણું બધું છે પરંતુ સમયને ધ્યાનમાં રાખીને એટલું કહીશ એ પણ બધા જ સંતાનો વતી કે જીવનમાં પિતાનું મહત્વ અમને બધા ને એટલું જ સારી રીતે ખબર છે પરંતુ આ જમાનો ૨૧મી સદીનો અને પાછો કળિયુગ એટલે કદાચ આપણા વચ્ચે મતભેદ થઇ શકે છે પરંતુ મનભેદ ક્યારેય નહિ થવા દઈએ એ વાતનું ચોક્કસપણે ધ્યાન રાખીશુ, આપના દરેક પડેલા બોલ અમે ઝીલી શકીશુ કે કેમ એ તો નથી કહી શકતા પરંતુ એક વાતની બાંહેધરી આપીએ છે કે તમારા નામને અને શાનને અમે ક્યારેય નીચી નહિ થવા દઈએ, આમ તો આ Father 's ડે પશ્ચિમી તહેવાર કહી શકાય પરંતુ મારી દ્રષ્ટિએ આવું હોવા દિવસનું આયોજન હોવું જોઈએ જેથી કરીને ક્યાંક કોઈક સંતાનો અને માતા-પિતા વચ્ચે થયેલા મનભેદ દૂર થઇ શકે અને એ સમયે કરાવેલ મનભેદ દૂર કરવા માટેનો આ બેસ્ટ રસ્તો કહી શકાય.

પિતાને ક્યારેય એવી આશા હોતી જ નથી કે સંતાનો ગિફ્ટના ઢગલા કરે બસ એમને ગિફ્ટમાં એક જ વસ્તુ જોઈએ છે જે છે પ્રેમ, આદર, મન-સમ્માન અને સંતોષ. બની શકે આપણે ક્યારેક આપણી ફરજ ચુકી ગયા હોઈએ, કશુક બોલી ગયા હોઈએ, ચકમક થઇ ગઈ હોય આપના સંબંધમાં, એ બધું જ સ્વાભાવિક છે પરંતુ એ ચક્મકને દૂર કરવા આવા દિવસનો ફાયદો ઉઠાવી લેવાય એમાં કઈ ખોટું નથી.

દરેક સંતાનો વતી આજે દરેક પિતાને શતશત વંદન છે અને સાથે અમારા ભુલકાંઓથી થઇ ગયેલી જૂની બધી જ ભૂલો માટે અંતરમાંથી માફી. બસ આજે આ જ ગિફ્ટ આપવાનું મન થાય છે, આશા છે આ ગિફ્ટ તમને ગમશે, જરાક વધારે મીઠી લાગશે.

હવે મારી વાતને અહીંયા અલ્પવિરામ આપતા બસ એટલું જ કહીશ કે,

"વડલાની માયા મને લાગી એવી!!!!!!"

"વડીલની છત્રછાયા વડલા જેવી મીઠી,

દીવા જેવા એમના કામ, દુઃખ સહી આપે સુખ સદાય,

દુઃખમાં માથે હાથ સદાય, સુખમાં સાથે આશિષ,

નજીક રહી દિલમાં વાસ તમારો, દૂર રહી તારોમાં વાસ તમારો,

યાદ આવે આપની તો આંખે વહે ઝરણાં, શોધે એ હાથ તમારો, રોકી લે એ ઝરણાં,

વડીલની છત્રછાયા વડલા જેવી મીઠી, વડલાની મને માયા લાગી.

-બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨