Modas oprendi books and stories free download online pdf in Gujarati

મોડસ ઓપરેન્ડી

મોડસ ઓપરેન્ડી

ગ્રેટર મુંબઈ હોટલ એસોસિએશનની વાર્ષિક સભામાં એજન્ડા મુજબની લગભગ સઘળી કાર્યવાહી પૂર્ણ થયા પછી છેલ્લે પ્રમુખશ્રીની મંજૂરીથી જે કંઈ રજૂ થાય તેમુદ્દા હેઠળ એક નાના કદની ઝીરો/નો-સ્ટાર (બિન તારક) હોટલના માલિક અબ્દુલ્લા પટેલે સ્પીચ ટેબલે આવીને તેમના અણઘડ અને દેશી શબ્દોમાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. તેના સારરૂપ શબ્દો આ પ્રમાણે હતા :

પ્રમુખશ્રી કડાઈવાલા સાહેબ, સભાસદ ભાઈઓ અને બહેનો,

મને સ્ટાર હોટલવાળા શેઠિયાઓ કે તેમના મેનેજરો જેવું ભાષણ આપતાં આવડશે નહિ અને એવું કોઈ લાંબુંપહોળું મારે કંઈ કહેવાનું પણ નથી. અહીં હું અમારો સાતેક વર્ષો પહેલાંનો એક ઠગ ગ્રાહક સાથેનો કડવો અનુભવ કહેવા માગું છું કે જેથી તે અથવા તેના જેવો અન્ય કોઈ ગ્રાહક તમારી હોટલમાં આવી ચઢે, તો તેની છેતરપિંડીથી તમે બચી શકો. અમારા કાઉન્ટર ઉપરના કેશિયર અને પેલા ગ્રાહક વચ્ચે આ મુજબ રકઝક થઈ હતી :

અરે શેઠ સાહેબ, જૂઓ બરાબર જૂઓ; તમારો ગલ્લો ચકાસી જૂઓ, મેં સોની નોટ આપી છે.

એ ભાઈ, આ ગલ્લા ઉપર બેસીને દાઢી અને માથાના બાલ ધોળા કર્યા છે; કંઈ તડકામાં નથી થયા ! તમે કાઉન્ટર ઉપર થએલી ભીડનો લાભ લઈને છેતરપિંડી કરવા માગો છો, પોલિસને બોલાવું ?’

જૂઓ શેઠ, અમે ગરીબ માણસો છીએ. અમારા હાથમાં જવલ્લે જ સોની નોટ આવે. મારી તો ખાસ આદત છે કે એ નોટનો નંબર હું મારી હિસાબની ડાયરીના છેલ્લા પાને લખી લઉં છું.

જૂઓ ભાઈ, તમે જરા સાઈડ થઈ જાઓ અને આ બધા ઊભેલા ગ્રાહકોના પૈસા લઈ લેવા દો.

ભલે.

હંઅ, તો બોલો તમારી સોની નોટનો નંબર બોલો.અમારા મેનેજરે એમ પૂછતાં ગલ્લામાંની બધી જ સોની નોટોને ભેગી કરવા માંડી હતી.

પેલાએ સોની નોટનો નંબર કહી સંભળાવ્યો અને સાચે જ એ નંબરની નોટ મળી આવતાં મારા મેનેજરે કહ્યું, ’ભઈલા, તારી વાત સાચી છે. લે આ બાણું રૂપિયા.પેલો ચાલતો થયો હતો.

પરંતુ અમારા મેનેજરને વહેમ તો હતો જ કે તેમનાથી આવી ભૂલ થાય નહિ અને તેથી જ તેના ગયા પછી તેમણે ઝડપથી ગલ્લામાંની કેશ ગણી લીધી અને નવા માળકા (ટોચા) ઉપર ત્યાર પછી આવનારી ચિઠ્ઠીઓને ભરાવવા માંડી. જૂના માળકાની ચિઠ્ઠીઓના સરવાળા સાથે પેલી સિલક મેળવી લેતાં બરાબર નેવું રૂપિયાની ઘટ પડી હતી.

સભાપ્રમુખ પ્રેમજી કડાઈવાલા મરકમરક મલકી પડ્યા.

આ તો રહસ્યમય ઘટના બની કહેવાય !સભાસંચાલકે કહ્યું.

આમાં કોઈ રહસ્ય કે જાદુ હોવાની સંભાવના અંગે કોઈ પોતાના મગજને ખોટી તસ્દી ન આપે તેવી આપ સૌને મારી વિનંતી છે. આને એક બુદ્ધિપૂર્વકની ઠગાઈ જ ગણવી પડે. પેલો ઠગ પોતાના કોઈ મળતિયા ગ્રાહકને એ નોટ આપીને તેની પહેલાં તેના બિલની ચૂકવણી થવા દે અને પછી નોટનો એ નંબર કહી સંભળાવે એમ જ બન્યું હોય, સમજ્યા ?’ એસોસિએશનના સેક્રેટરીએ રદિયો આપ્યો.

પ્રેમજી કડાઈવાલા ફરીવાર મલકી પડ્યા.

સેક્રેટરીનું કથન પૂરું થતાંની સાથે જ સભામાંના સંખ્યાબંધ સભ્યોએ પોતાની બેઠકો ઉપરથી ઊભા થઈને કોલાહલમય અવાજે પેલા હોટલમાલિક પટેલ શેઠની વાતને સમર્થન આપતાં જણાવ્યું કે એ બધા પણ પેલી ઠગાઈના ભોગ બની ચૂક્યા હતા. એ બધા પરાવિસ્તારની નાનીનાની હોટલોવાળા હતા કે જ્યાં એવી પ્રથા પ્રચલિત હતી કે ટેબલવાળો (ઓર્ડર લેવાવાળો વેઈટર) નાનકડી કાપલીમાં બિલનો આંકડો લખી આપે અને તે પ્રમાણે કાઉન્ટર ઉપર નાણાંની વસુલાત થતી જાય. લગભગ તમામની વાતનો સૂર એ જ હતો કે એ પ્રકારની ઠગાઈ પોતપોતાની હોટલોમાં ભૂતકાળમાં એક જ વાર બની હોઈ એ ઘટનાની તેમના દ્વારા કોઈ ગંભીર નોંધ લેવામાં આવી ન હતી.

ચહેરા ઉપર રમતા હાસ્ય સાથે સભાસમાપ્તિ પૂર્વેનું પ્રમુખશ્રી કડાઈવાળાનું વક્તવ્ય શરૂ થયું. તેમણે હોટલ એસોસિએશન તરફથી હોટલના કારોબારને ઉદ્યોગનો દરજ્જો આપવા માટેની સરકારમાં કરવામાં આવેલી રજૂઆત અને કરેલી કાર્યવાહી વિષેની માહિતી આપી. પછી ધીમેથી પેલી સોની નોટવાળી ઠગાઈના મુદ્દા ઉપર આવતાં તેમણે બધાને ચોંકાવનારી એ માહિતી આપતાં જણાવ્યું કે, ‘ઠગાઈની વાતને રજૂ કરનારા વક્તા ભાઈશ્રી પટેલના મતે એ ઘટના સાતેક વર્ષો પહેલાંની છે. મારી ધારણા મુજબ તેઓશ્રી આપણા એસોસિએશનના નવીન સભ્ય બન્યા હોઈ આ સભામાં કંઈક બોલવું એમ વિચારીને અહીં તેમણે તેમના અનુભવની ખૂબ જ જૂની વાત કહી સંભળાવી છે. પરંતુ મારું ચોક્કસપણે માનવું છે કે એ ઘટના સાત નહિ, પણ પાંચેક વર્ષો પહેલાંની જ હોવી જોઈએ. વળી એ પણ એટલું જ સાચું કે એ મોડસ ઓપરેન્ડીવાળી એવી કોઈ ઠગાઈ છેલ્લાં પાંચ વર્ષોમાં ફરીવાર થઈ પણ નહિ હોય ! મારું તો એટલા સુધીનું માનવું છે કે એ ભાઈની હોટલમાં જે ઠગાઈ થઈ હશે તે પ્રકારની એ મુંબઈની આખરી ઠગાઈ જ હોવી જોઈએ. વળી આ પ્રકારની ઠગાઈનો ભોગ બનેલા સર્વેએ એ પણ જણાવ્યું કે તેમની પોતપોતાની હોટલોમાં એક જ વખત ઠગાઈ થઈ હોઈ તેમણે એ વાતને ગંભીરતાથી ધ્યાનમાં લીધી પણ ન હતી. વળી એ પણ શક્ય છે કે કેટલાક હોટલવાળાઓ એવા હશે કે જેમણે આવી સામાન્ય બાબતને ઠગાઈ ગણી પણ નહિ હોય ! છેલ્લે બધા મારી એક વાત ધ્યાનથી સાંભળી લે કે ઠગાઈ કરનારી એ જોડી પૈકીના કોઈ એકને પણ ઠગાઈનો ભોગ બનેલા કોઈ હોટલવાળા આટલાં વર્ષો બાદ ઓળખી ન શકે તે પણ સ્વાભાવિક છે. આવડા મોટા મુંબઈ શહેરમાં હોટલોમાં આવતા હજારો ગ્રાહકોના ચહેરા કોઈને પણ કઈ રીતે યાદ રહી શકે ! વળી એ પણ હકીકત છે કે પેલા ઠગો પૈકી કોઈ એકને પણ ઓળખવા ન ઓળખવાનો પ્રશ્ન એ હોટલોના કાઉન્ટરવાળાઓને જ લાગુ પડે, નહિ કે અહીં આ સભામાં ઉપસ્થિત એવા શેઠિયાઓ કે મેનેજરોને ! વળી માનો કે એ ઠગોને અહીં રજૂ કરવામાં આવે તો તમારામાંનો કોઈ તેમને ઓળખી પણ ન શકે ! મેં અગાઉ કહ્યું તેમ પાંચેક વર્ષોથી એ પ્રકારની ઠગાઈ થઈ ન હોઈ એ વાત હવે તો જૂની થઈ ગઈ ગણાય. મારા વક્તવ્યને પૂર્ણ કરવા પહેલાં સભામાંના કોઈને આટલા સુધીની મારી વાત અંગે કંઈ પૂછવાની ઈચ્છા હોય તો પૂછી શકે છે અને ત્યાર પછી જ હું મારા વક્તવ્યને સમાપ્ત કરીશ.

આટલું બોલીને ચકળવકળ આંખો પટપટાવતા શ્રીમાન કડાઈવાલા ખામોશ ઊભા રહ્યા.

આપે સાતેક વર્ષો પહેલાંના બદલે પાંચેક વર્ષો પહેલાંની ઠગાઈની એ ઘટનાઓ હોવાની ખાત્રીબંધ વાત કરી છે. વળી આપે ઠોસ રીતે એ પણ જણાવ્યું છે કે છેલ્લાં પાંચેક વર્ષોથી એ પ્રકારની ઠગાઈ થઈ હોવી જોઈએ નહિ. આપની આ બધી વાતો ઉપરથી એમ લાગે છે કે આપ એ ઠગોને ઓળખતા હશો જ. આપને વિનંતી કે મારા આ મુદ્દાઓનો આપ ખુલાસો આપશો તો આપણી સભાને અનહદ સંતોષ થશે.એક હોટલમાલિકે કહ્યું.

શ્રી કડાઈવાલા શેઠ પોતાના ચહેરા ઉપરના સ્મિતને જરાય અળગું કર્યા સિવાય બોલ્યા, ‘ભાઈશ્રીની વાત સાચી છે અને તેનો મારો જવાબ એ છે કે એ ઠગોને હું સારી રીતે ઓળખું છું. આપણી સભાના વિસર્જન પછી સૌ સભ્યો પોતપોતાનાં વાહનોમાં પાછા ફરતા હશો, ત્યારે જ દરેકને એ બે પૈકીના એક અથવા બંને ઠગનાં નામ Bulk Mail દ્વારા મોકલી આપવામાં આવશે. આપણા એસોસિએશનના તમામ સભ્યોનાં ઈ-મેઈલ Id આપણા રેકર્ડ ઉપર છે જ. હવે મારા વક્તવ્યને અહીં સમાપ્ત કરતાં આપણી આ સભામાં આપ સૌએ હાજરી આપી એ બદલ આપ સૌનો આભાર માનું છું અને આજની સભાના વિસર્જનની જાહેરાત કરું છું.

પણ Mailના બદલે હાલ નામ આપી દેવામાં આવે તો એ સારું નહિ ગણા?’

ના, સૌને Mail થી જ જાણ કરવામાં આવશે. આપ સૌએ અડધાએક કલાકની ધીરજ રાખવી પડશે.

હોટલ એસોસિએશનના સભ્યો પોતપોતાનાં વાહનોમાં રસ્તામાં જ હતા અને ઈ-મેઈલની સુવિધાવાળાઓના મોબાઈલ ઉપર અંગ્રેજી લિપિમાં ગુજરાતી ભાષાનો આ મતલબનો સંદેશો પહોંચી ચૂક્યો હતો :

એ બંને ઠગો પૈકીનો એક ઠગ હું પોતે જ એટલે કે આપણા એસોસિએશનનો અને આજની આપણી વાર્ષિક સભાનો પ્રમુખ પ્રેમજી કડાઈવાલા છું. નવાઈની વાત તો એ છે કે ગયા વર્ષે પાંચ વર્ષની મુદ્દત માટે એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાએલા એવા આ ઠગને એટલે કે મને અત્યાર સુધી આપ લોકોમાંથી કોઈ ઓળખી ન શક્યા. વળી એટલું જ નહિ, પણ તમે લોકોએ મને આપણા એસોસિએશનના મોટા હોદ્દા ઉપર પણ બેસાડી દીધો ! એ મારો મોડસ ઓપરેન્ડીવાળો ગુનાહિત ભૂતકાળ હતો. ભાગ્યપલટાએ આજે હું અહીં મુંબઈની પંચતારક હોટલ વાઈસરોયનો ૮૨% શેરનો હિસ્સો ધરાવતો માલિક છું. હવે સાથેસાથે બીજા મારા એ વખતના જોડીદાર ઠગને પણ ઓળખાવી દઉં તો એ મારો સગો નાનો ભાઈ લવજી જ હતો. એ પણ મારી જ જેમ સાઉથ ઈન્ડીઆની વિખ્યાત એવી તેના કુટુંબના જ શેરહોલ્ડરવાળી તેની પ્રાઈવેટ લિમિટેડ કંપની હસ્તકની પંચતારક હોટલ લહેરીનો માલિક છે. અખબારો કે ટીવીમાધ્યમે આ હકીકતની જાહેરાત થાય તો પણ મને કે મારા ભાઈને કોઈ અફસોસ નહિ થાય, કેમ કે હકીકત એ હકીકત છે અને તેને કોઈ કાળે જુઠલાવી શકાય નહિ.

અમારા બંને ભાઈઓના ભાગ્યપલટાની ટૂંકમાં હકીકત એ છે કે અમારા વતનના ગામડાની બિનઉપજાઉ એવી સોએક વીઘા જેટલી વડીલોપાર્જિત જમીન સૂકી નદીના પટમાં આવેલી હતી, જેમાં કુદરતી રીતે જ બાવળનાં ઝાડ ઊગી ગએલાં હતાં. સરકારના લીલાં ઝાડ ન વાઢી શકવાના કાયદા મુજબ ન તો અમે એ બાવળ દૂર કરી શકતા હતા કે ન તો તેમાં કોઈ વાવેતર કરી શકતા હતા. વળી એ કાળે પાણી પણ એટલાં ઊંડાં ઊતરી ગયાં હતાં કે અમારાથી કોઈ બોરવેલ પણ થઈ શકે તેમ ન હતો, તેમજ અમારી પાસે બોરવેલ બનાવવાનાં નાણાં પણ ન હતાં. કામધંધા વગરના અમે પાંચેક વર્ષો પહેલાં રોજીરોટી રળવા માટે વતનથી મુંબઈ આવી ગયા હતા. અહીં પણ અમને કોઈ કામ ન મળતાં અમે બેકાર રખડતા હતા. એવામાં અમને એક ભેજેબાજ ટપોરીનો ભેટો થઈ ગયો, જેણે અમને પરા વિસ્તારની નાનીનાની હોટલોમાં સોની નોટવાળી ઠગાઈ કરવાનું શીખવ્યું. અમે બદલાતી જતી અને દૂરદૂરના વિસ્તારની દરેક હોટલમાં એક જ વાર આવો ઠગાઈનો ખેલ પાડતા હતા. અમે આવી પચીસત્રીસ હોટલોમાં ઠગાઈ કરી ચૂક્યા હોઈશું અને વતનથી સમાચાર જાણવા મળ્યા કે અમારાં એ પડતર ખેતરોને કોઈક ઉદ્યોગપતિ મોંમાગી કિંમત આપીને ખરીદવા માગે છે. આમ અમે રાતોરાત કરોડપતિ થઈ ગયા. પછી તો અમે મુંબઈમાં જ હોટલોના ધંધામાં ઝંપલાવ્યું અને આજે અમે બંને ભાઈઓ પંચતારક હોટલોના માલિક છીએ.

હવે મુદ્દાની વાત એ કે અમે બંને ભાઈઓએ ભૂતકાળમાં જે કોઈ હોટલો સાથે ઠગાઈ કરી હતી તેના પશ્ચાત્તાપરૂપે આપણા એસોસિએશનની સભ્ય હોટલોમાં કામ કરતા કર્મચારીઓના કલ્યાણ માટેનું એક સ્થાયી ફંડ ઊભું થાય તેમ અમે ઈચ્છીએ છીએ. આ ફંડમાં અમારા બંને ભાઈઓ તરફથી દસદસ કરોડ રૂપિયા આપવાની હું ઓફર કરું છું. અમે આશા રાખીએ છીએ કે અમારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેવા નજીવા આ ફાળાને આપ સૌ સ્વીકારીને અમને આભારી કરશો. ધન્યવાદ.

બીજા દિવસે દેશભરનાં અગ્રગણ્ય અખબારોમાં આ સમાચાર હેડલાઈન બની ગયા હતા અને હોટલજગતમાં પ્રેમજી અને લવજી કડાઈવાલા બંધુઓની વાહવાહ થઈ ગઈ હતી !

-વલીભાઈ મુસા