Pandit Jawaharlal Nehruthi thayeli bhulo books and stories free download online pdf in Gujarati

પંડિત જવાહરલાલ નેહરુથી થયેલી ભૂલો

“પંડિત જવાહરલાલ નેહરુ”. નામ સંભાળતા જ માથે સફેદ ટોપી, બ્લેક જોધપુરી સ્ટાઈલ શૂટ અને હૃદયની બિલકુલ લગોલગ લગાવાયેલા ગુલાબથી સુશોભિત એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ આંખો સામે આવી જાય એ સ્વાભાવિક છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ એવા પંડિત જવાહરલાલ નેહરુનું જીવન એક રાજાશાહી ઢબે વીત્યું, પણ એમણે જીવનના નવ વર્ષ જેલવાસ પણ ભોગવ્યો છે. એમની જેટલી પ્રશંસા થઇ છે એટલી જ વ્યાજબી ટીકા પણ કરવામાં આવી છે. તેઓ જીવનના દરેક પાસાના બંને અંતિમોના સાક્ષી છે.

તમે અને મેં, આપણે બધાએ એમના સત્તાલોભ અને એમને બેજવાબદાર કહેતા ઘણા લોકોને સાંભળ્યા હશે. પણ એમાંથી ગણ્યાગાંઠ્યાને બાદ કરતાં કોઈનેય એમની ભૂલોનું કોઈ વાસ્તવિક જ્ઞાન નથી.

આ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ આર્ટીકલ ધ્વારા જવાહરલાલ નેહરુ દ્વારા થયેલી મોટામાં મોટી ભૂલો કે જેને કારણે પાકિસ્તાન મુદ્દો, કાશ્મીર મુદ્દો, ચીનનો મુદ્દો, ભ્રષ્ટાચાર વગેરેની ચક્કીમાં આપણે અને આપણો દેશ અત્યારે પીસાઈ રહ્યા છીએ. આ ભૂલો જ કદાચ આપણો દેશ હાલમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસશીલની કેટેગરીમાં આવે છે.

આપણે મનુષ્યો ભૂલને પાત્ર છીએ પણ ભૂલ કે જે અવોઇડ કરી શકાયી હોત એ ભૂલ નહિ મુર્ખામી જ લેખાય, અને ખાસ તો ત્યારે જ્યારે ભૂલ કરનાર કોઈ બીજું નહિ પણ સ્વતંત્ર ભારતના પ્રથમ વાળા પ્રધાન હોય.

(૧) એમની પ્રથમ અને મોટી ભૂલ : “ભારતના ભાગલા” :

જયારે બ્રિટીશરો ભારતને એક દેશ તરીકે આઝાદી આપવા માંગતા હતા ત્યારે મોહમ્મદ અલી ઝીણા કે જે મુસ્લિમ લીગના પ્રમુખ હતા એમણે ભારતમાં હિંદુઓની તાદાત વધારે હોવાથી મુસ્લિમોની સિક્યોરીટી અને સ્વાયતતા માટે અલગ મુસ્લિમ દેશની માંગણી કરી. તેઓ પોતે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવા માંગતા હતા પણ નેહરુના હોવા પર્યંત એ શક્ય નહતું. કેબીનેટ મિશને અને સરદાર પટેલે આ વાતનો સખત વિરોધ કર્યો. જવાબમાં ઝીણાએ સશસ્ત્ર આંદોલનો કરાવ્યા અને ભયંકર હિંસા ફાટી નીકળી. આ હિંસાનો બ્રિટીશ અફસરોએ ફાયદો ઉઠાવ્યો અને પોતાની વર્ષો જૂની નીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ મુજબ ભારતના ભાગલાની વાત મૂકી. પોતાનો પક્ષ અને પોતાની સત્તા બચાવવા ખાતર ઝીણાને સાનથી સમજાવવાનું રહેવા દઈ ગાંધીજી અને સરદારની વિરુધ્દ જઈને મોહમ્મદ અલી ઝીણાની માગણી સ્વીકારીને નેહરુએ અલગ પાકિસ્તાન આપવા માટે પરવાનગી આપી દીધી. તેઓ આ ભુલ ટાળી શકતા જો એમણે પોતાની જવાબદારી સમજીને ઝીણાને એ સમજાવ્યું હોત કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ હતો છે અને રહેશે. અને આમ કરવું એ એમની નૈતિક ફરજ પણ હતી. છતાં ચુપકીદી સેવીને તરત ઝીણા સાથે સંમત થયા અને એનું પરિણામ ભારતના અસંખ્ય લોકોએ ભોગવ્યું.

(૨) સળગતો મુદ્દો : કાશ્મીર

ભારતની આઝાદી વખતે કાશ્મીરમાં ડોગરા વંશના રાજા શ્રી હરિસિંહનું રાજ્ય હતું. જેમણે ભારત કે પાકિસ્તાન સાથે ન જોડાઈને પોતે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ પાકિસ્તાન આર્મી અને આઝાદ કાશ્મીરની ફોજ કે જે પાકિસ્તાન સમર્થિત હતી એ બંનેએ પાકિસ્તાનનો વિસ્તાર વધારવા માટે ત્યાં કબજો જમાવવાના પ્રયાસો ચાલુ કર્યા. એ વખતે રાજા હરિસિંહ પાસે ન તો તાલીમ પામેલું લશ્કર હતું કે ન તો આધુનિક યુદ્ધશસ્ત્રો કે જેનાથી પ્રતિકાર કરી શકે. એટલે તેઓ જવાહરલાલ નેહરુ પાસે ગયા અને ભારત સાથે જોડાવાની ઈચ્છા દર્શાવી. પણ નેહરુએ કહ્યું કે ‘કાશ્મીર એક મુસ્લિમ પ્રધાન રાજ્ય છે અને જેથી કરીને કાશ્મીર પાકિસ્તાન સાથે કે ભારત સાથે જોડાય એનો નિર્ણય શેખ અબ્દુલ્લાહ લેશે’. શેખ અબ્દુલ્લાહ કાશ્મીરને તો જ ભારત સાથે જોડવા પરવાનગી આપે એમ હતા જો નેહરુ અને અન્ય કાશ્મીરીઓ કાશ્મીર ખીણમાં એની પોતાની હકુમત નીચે આવે. આથી રાજા હરિસિંહ માઉન્ટબેટન પાસે મદદ માટે ગયા. માઉન્ટબેટને ભારતને પોતાની મિલીટરી ફોર્સ કાશ્મીરમાં પરિસ્થિતિ સમીસુતરી કરવા માટે ખડક્વાનો આદેશ આપ્યો. ભારતની તાલીમ પામેલી ફોર્સ દ્વારા આ કામ બખૂબી નિભાવાયું. તેમની સામે પાકીસ્તાન આમી હાર માનવાની અણી પર જ હતી ત્યાં નેહરુએ આ ઘટનાને રાજકીય વળાંક આપ્યો. તેઓ આ મુદ્દો યુનાઈટેડ નેશન્સ (UN)માં લઇ ગયા. જેની સરદાર પટેલ સહીત તમામને ભારે અચરજ લાગી. યુએનએ ભારત અને પાકિસ્તાનને સીઝફાયર જાળવી રાખવા કહ્યું. આથી ભારતની આર્મીએ એનું પાલન કર્યું પણ પાકિસ્તાન આર્મીએ ન તો ત્યારે કે ન તો આજ સુધી સીઝફાયરની મર્યાદા જાળવી છે કે ભવિષ્યમાં જાળવશે.

(૩) મૂડીવાદની જગ્યાએ સમાજવાદની ફિલસુફી:

નેહરુ પોતે સમાજવાદમાં માનતા હતા અથવા પોતે સમાજવાદી પદ્ધતિના પ્રખર હિમાયતી હતા. મુડીવાદી પદ્ધતિ એટલે જેતે રાજ્યની સંપત્તિ અને સ્ત્રોતોને ત્યાના માર્કેટના પોતાના આર્થિક લાભ માટે ઉપલબ્ધ કરાવી દેવા. જેથી જે તે સમયને અનુરૂપ એ સ્ત્રોતોનો દેશની સારી આર્થિક પરિસ્થિતિ માટે ઉપયોગ માર્કેટ પોતે જ સ્થિતિ પારખીને ઉપયોગ કરવા સક્ષમ હોય. પણ નેહરુ એ મતના હતા કે દેશની તમામ સંપત્તિ દેશની સરકારને આધીન હોવી જોઈએ અને એમની પરવાનગી વગર એનો કોઈ પણ નાગરિક ઉપયોગ કરી શકે તેમ ન હોવો જોઈએ. દેશના અર્થતંત્ર માટે આ સમાજવાદી પદ્ધતિ પસંદ કરવાના નેહરુના સ્વચ્છંદી નિર્ણયે સરકારમાં જ ભ્રષ્ટાચારના બીજ વાવી દીધા. મૂડીવાદથી દેશના અમુક નાગરિકો કદાચ ભ્રષ્ટાચાર કરતા પણ સમાજવાદી પદ્ધતિના લીધે આખી સરકાર ભ્રષ્ટ થઇ શકે એ દુરંદેશી વિચાર નેહરુને આવ્યો જ નહિ.

(૪) UNSC (યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલ)ના સભ્યપદની અવહેલના:

ભારત એક અહિંસાવાદી અને શાંતિભિમુખ દેશ હોવાથી તે વખતની બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા ધ્વારા ભારતને યુએનએસસીનું સભ્યપદ સામેથી ઓફર કરવામાં આવ્યું. પણ નેહરુએ “આ સભ્યપદ ભારત કરતા શક્તિશાળી દેશને મળવું જોઈએ” એમ કહીને આ મહત્વના સભ્યપદ ચીનને ભેટ સ્વરૂપે આપી દીધું. એ પછી પણ બે મહાસત્તાઓએ ભારતને યુએનએસસીમાં જોડાવા માટે કહ્યું પણ ગદ્દાર ચીને જ એનો વિરોધ કર્યો હતો.

(૫) ચીન સાથે શત્રુતા :

દલાઈ લામાને ચીને જ્યારે પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા ત્યારે ચીને આસપાસના તમામ દેશોને એમને રેફ્યુજી તરીકે ન રાખવાનું ફરમાન જારી કર્યું હતું. સાથે એમ પણ ઉમેર્યું હતું કે જો કોઈ દેશ આમ કરશે તો એ દેશ માટે ચીન સારું વલણ નહિ દાખવે. આવા ઢંઢેરા છતાં નેહરુએ ‘ભારતને એક શાંતિપ્રધાન અને બિનસાંપ્રદાયિક દેશ’ ગણાવીને દલાઈ લામાને આવકાર આપ્યો. આ મુદ્દે ચીન લાલઘુમ હતું. પણ ચીન ભારત પર હુમલો કરવાથી ડરતું હતું. આ ડરનું મુખ્ય કારણ ભારતની રજવાડી તાલીમ પામેલી સૈન્યશક્તિ હતું. ચીન જાણતું હતું કે જો અત્યારે ભારત પર હુમલો કરવામાં આવે તો પોતે જ હારવું પડે એમ હતું.

આવા વખતે નેહરુએ મોટી ભૂલ કરી ચીનના પ્રધાનમંત્રીને ભારતમાં મેહમાન તરીકે બોલાવીને! ભારતના દોરા પર આવેલા ચીની પ્રધાનમંત્રીએ સુંઘી લીધું કે નેહરુ યુદ્ધને લઈને બિલકુલ ગંભીર નહતા અને આર્મી પણ એમની અન્ડરમાં હતી. જેથી આર્મી પણ યુદ્ધ માટે પુરતી તૈયાર નહતી. આ મોકાનો લાભ ઉઠાવવા માટે પણ ચીન સામે એક ડર હતો, અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાનું ભારત પ્રત્યે કુણું વલણ! પણ દરેક વખતે ભગવાન સાથ ન આપે. બરાબર આ જ વખતે ક્યુબા કટોકટીના સંજોગો સામે આવ્યા. અમેરિકા અને રશિયા વચ્ચે ન્યુક્લિયર યુદ્ધ ફાટી નીકળે એવા સંજોગો ઉભા થયા એટલે ચીને એનો ફાયદો ઉઠાવીને ભારત પર આક્રમણ કર્યું. યુદ્ધ થયું અને તૈયારીના અભાવે ભારત એ યુદ્ધ હારી ગયું. અંતે અસ્કાઈ ચીન કહેવાતો ભારતનો પ્રદેશ ચીને પચાવી પાડ્યો.

આ ઉપરાંત પણ નેહરુ પોતાના કાર્યકાળમાં ઘણી ભૂલો કરી ચુકેલા છે જેવી કે સામેથી આવતા નેપાળને ભારત સાથે જોડવાની વાત પ્રત્યે બેદરકારી, બલોચિસ્તાનના રાજા ધ્વારા બલોચિસ્તાનને ભારત સંઘમાં જોડવાની તજવીજ પ્રત્યે બેદરકારી, ખેતીપ્રધાન ભારત દેશની ખેતી પ્રત્યે જરૂરી સભાનતા ન દાખવવાની ભૂલ, શ્રીલંકાની વિરુદ્ધમાં ચાલતા એલટીટીઈ આતંકવાદી સંગઠનના ગ્રોથ પરત્વે બેદરકારી દાખવી જે પાછળથી નાકમાં દમ કરી મુકતી આતંકવાદીઓની મુખ્ય સંસ્થા બની.

આ બધી ભૂલો છતાંય એમનું નામ આજે જે આદરથી લેવાય છે એ જોતા એમણે કરેલા કે કરાવેલા સારા કામોની સૂચી આનાથી ક્યાંક વધારે ચોક્કસ હશે જ. આથી જ મારા માટે શ્રી જવાહરલાલ નેહરુ “બે અંતિમો વચ્ચેના નેતા” છે જેમણે જેટલા પ્રશંસકો મેળવ્યા છે એટલા જ વિરોધીઓ.