From the Earth to the Moon (Sequel) - 1 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 1

પ્રકરણ ૧

રાત્રે દસને વીસથી દસને સુડતાલીસ સુધી

બરાબર દસ વાગ્યે, માઈકલ આરડન, બાર્બીકેન અને નિકોલે પૃથ્વી પરથી વિદાય લેતા અગાઉ અસંખ્ય મિત્રોની વિદાય લીધી. બે કુતરાઓ, જેઓ ચન્દ્ર પર કેનીન વંશને આગળ વધારવાના હેતુસર સાથે જઈ રહ્યા હતા તેમને પણ ગોળાની અંદર પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ત્રણેય મુસાફરોએ વિશાળ કદની કાસ્ટ આયર્નની ટ્યુબ તરફ ડગ માંડ્યા અને એક ક્રેન દ્વારા તેમને ગોળાના શંકુઆકારના મુખ પર મૂકી દીધા. મુસાફરોને એલ્યુમિનિયમના વાહન સુધી પહોંચવા માટે આ ખાસ મુખ બનાવવામાં આવ્યું હતું. ક્રેન સાથેનું દોરડું બહારથી ખેંચવામાં આવ્યું હતું અને કોલમ્બિયાડનું મુખ તેના અંતિમ ટેકાઓથી તરતજ મુક્ત થઇ ગયું હતું.

નિકોલ જ્યારે પોતાના સાથીદારો સાથે ગોળાની અંદર પહોંચ્યો ત્યારે તેણે તેનું મુખ એક મજબૂત પ્લેટ વડે બંધ કર્યું જે કાર્ય શક્તિશાળી સ્ક્રુ દ્વારા જ શક્ય હતું. અન્ય પ્લેટો જે નજીક નજીક રાખવામાં આવી હતી તેણે મસૂરની દાળના આકારના કાચને જોડતી હતી અને મુસાફરો પોતાના આ લોખંડી પાંજરામાં સંપૂર્ણપણે બંધ થઇ ગયા હતા અને ગહન અંધકારમાં ઘેરાઈ ગયા હતા.

“તો હવે મારા સહપ્રવાસીઓ,” માઈકલ આરડન બોલ્યો, “ચાલો આપણે આને જ આપણું ઘર બનાવી દઈએ; હું એક ઘરરખ્ખુ વ્યક્તિ છું અને કોઇપણ ઘરને ખૂબ સારી રીતે સાચવી શકું છું. આપણે આપણા નવા ઘરને શ્રેષ્ઠ બનાવીએ અને આપણી જાતને આરામદાયક બનાવીએ. તો સહુથી પહેલા આપણે થોડું જોવાની કોશિશ કરીએ. ગેસ જાસૂસો માટે નહોતો શોધવામાં આવ્યો.”

આમ કહીને એ વિચારવિહીન વ્યક્તિએ પોતાના બૂટના સોલ પર માચીસ ઘસીને તેને સળગાવી; અને એક પાત્ર સાથે જોડાયેલા બર્નર તરફ ગયો, જે કાર્બોનાઈઝ્ડ હાઈડ્રોજન હતો અને તેને ઉંચા દબાણ પર સંઘરવામાં આવ્યો હતો અને તે એકસોને અડતાલીસ કલાક અથવાતો છ દિવસ અને છ રાત્રી માટે ગોળાને ગરમ રાખી શકવા માટે સક્ષમ હતો. ગેસ પ્રજવલિત થયો અને આથી સમગ્ર ગોળામાં પ્રકાશ ફેલાયો જે એક આરામદાયક ઓરડા જેવો લાગી રહ્યો હતો અને જેની ચારે તરફ જાડી દીવાલો હતી અને એક ગોળાકાર દિવાન હતો અને તેની છત ગુંબજ જેવી લાગી રહી હતી.

માઈકલ આરડને બધીજ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ પોતાની જાતને સંતોષ થયો હોવાનું તેણે જાહેર કર્યું.

“આ એક જેલ છે,” તેણે કહ્યું, “પરંતુ સફર કરતી જેલ છે અને જો હું બારીમાં મારું નાક ખોંસી શકું તો હું સો વર્ષની જિંદગી અહીં જ વિતાવી શકું છું. બાર્બીકેન તમે સ્મિત કરી શકો છો. શું તમને કોઈ બીજો વિચાર આવે છે? શું તમે પોતાની જાતને એમ કહી રહ્યા છો કે આ જેલ આપણી સમાધી બની જશે? સમાધી? કદાચ; પરંતુ તેમ છતાં હું તેને મોહમ્મદ માટે પણ બદલી ન શકું જે અવકાશમાં આમતેમ તરશે પણ એક ઇંચ પણ આગળ નહીં વધે!”

જ્યારે માઈકલ આરડન બોલી રહ્યો હતો, બાર્બીકેન અને નિકોલ તેમની અંતિમ તૈયારીઓ કરી રહ્યા હતા.

નિકોલનું ક્રોનોમીટર સાંજના દસને વીસ દર્શાવી રહ્યું હતું જ્યારે ત્રણેય મુસાફરો છેવટે ગોળામાં બંધ થયા. કોર્નોમીટરને બાર્બીકેનની સલાહથી ઇન્જિનીયર મર્ચીસનની ગણતરી કરતા દસમા ભાગે ગોઠવવામાં આવ્યું હતું.

“મારા મિત્રો,” તે બોલ્યા, “અત્યારે દસને વીસ થઇ છે, દસને સુડતાલીસે મર્ચીસન કોલમ્બિયાડ સાથે જોડાયેલા વાયરમાં સ્પાર્ક મુકશે. એ જ સમયે આપણે આ ગોળાની વિદાય લઈશું. આથી આપણી પાસે પૃથ્વી પર રહેવા માટે હજી પણ સત્યાવીસ મિનીટ છે.”

“છવ્વીસ મિનીટ અને તેર સેકન્ડ્સ,” પદ્ધતિસરનું જીવન જીવતો નિકોલ બોલ્યો.

“જોકે!!” માઈકલ આરડને રમુજી સૂરમાં કહ્યું, “છવ્વીસ મિનીટમાં ઘણીબધી ચર્ચાઓ થઇ શકે છે. નૈતિકતા અને રાજકારણ જેવા અતિશય ગંભીર પ્રશ્નો પર ચર્ચા કરી શકાય છે અને તેનો ઉકેલ પણ લાવી શકાય છે. જે કામ છવ્વીસ વર્ષમાં ક્યારેય નથી થઇ શક્યું તે કામ આ છવ્વીસ મિનિટોના યોગ્ય ઉપયોગ દ્વારા કરી શકાય છે. મૂર્ખાઓના ટોળાઓના અસ્તિત્વ કરતા પાસ્કલ અથવાતો ન્યૂટનની અમુક સેકન્ડો વધુ કિમતી હોય છે.”

“તમારી વાત પતી કે પછી તમે ક્યારેય બોલવાનું બંધ કરતા જ નથી?” બાર્બીકેને પૂછ્યું.

“હવે આપણી પાસે છવ્વીસ મિનીટ બાકી છે એમ કહીને હું વિરમું છું.” આરડને જવાબ આપ્યો.

‘હવે માત્ર ચોવીસ જ બચી છે.” નિકોલ બોલ્યો.

“ચોવીસ, ભલે એમ રાખો મારા ઉમદા કેપ્ટન,” આરડન બોલ્યો; “આ ચોવીસ મિનિટમાં આપણે એ શોધવાનું છે કે---“

“માઈકલ,” બાર્બીકેન બોલ્યા,”આપણી સફર દરમ્યાન આપણી પાસે દુનિયાના અતિશય કઠીન સવાલોના જવાબો શોધવા માટે ખૂબ સમય હશે. અત્યારે આપણે આપણી વિદાય પર ધ્યાન આપીએ તો કેવું રહેશે?”

“શું આપણે તે માટે તૈયાર નથી?”

“બિલકુલ તૈયાર છીએ, એમાં કોઈજ શંકા નથી; પરંતુ પ્રથમ ધક્કાને બને તેટલો સરળ બનાવવા માટે આપણે કેટલીક સાવચેતી લેવાની બાકી છે.”

“વિભાગો અને બ્રેક વચ્ચે શું પૂરતા પ્રમાણમાં પાણીનું બફર નથી મુકવામાં આવ્યું? જેની સ્થિતિસ્થાપકતા આપણને યોગ્ય રીતે રક્ષણ આપવાની છે?”

“મને આશા તો છે, માઈકલ,” બાર્બીકેને હળવેકથી જવાબ આપ્યો, “પરંતુ હું એ અંગે નિશ્ચિત નથી.”

“ઓહ, મુર્ખ! માઈકલ આરડન બોલ્યો, “આમને આશા છે! એ નિશ્ચિત નથી – અને તેઓ એ પળની રાહ જોવા માંગે છે જ્યારે આપણે તેમની આ ખેદજનક કબૂલાતમાં બંધાઈ જઈએ! મને બહાર નીકળી જવાની મંજૂરી આપો!”

“કેવી રીતે?” બાર્બીકેને પૂછ્યું.

“ઓહ!” માઈકલ આરડન બોલ્યો, “એ એટલું સરળ નથી; આપણે ટ્રેનમાં છીએ અને ચોવીસ મિનીટ પતે તે પહેલા ગાર્ડ સીટી મારશે.”

“વીસ,” નિકોલ બોલ્યો.

અમુક પળ સુધી ત્રણેય મુસાફરો એકબીજાને જોઈ રહ્યા. ત્યારબાદ તેઓ પોતાની સાથે આ ગોળામાં બંધ થયેલી વસ્તુઓ તપાસવા લાગ્યા.

“દરેક વસ્તુઓ પોતપોતાની જગ્યાએ છે,” બાર્બીકેને કહ્યું. “આપણે હવે ધક્કાને સહન કરી શકાય તેવી એક જગ્યા આપણા બધા માટે નક્કી કરી લેવી જોઈએ. આપણું સ્થાન અલગ ન હોવું જોઈએ, અને આપણે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોહી આપણા માથામાં ન ધસી જાય તેનું ધ્યાન રાખવાનું સુનિશ્ચિત કરવું જોઇશે.”

“હા બસ,” નિકોલે કહ્યું.

“તો પછી,” દરેક કાર્ય માટે જેની પાસે શબ્દો તૈયારજ હોય છે તેવા માઈકલ આરડને જવાબ આપ્યો, “આપણે આપણું માથું જમીન પર અને પગ હવામાં લટકાવી દેવા જોઈએ, જેમ ગ્રાન્ડ સર્કસમાં જોકરો કરતા હોય છે તેમ.”

“ના,” બાર્બીકેને કહ્યું, “આપણે આપણા પડખાંભેર સુઈ જઈએ; આપણે આ રીતે ધક્કાનો વધુ સારીરીતે સામનો કરી શકીશું. યાદ રાખો જ્યારે પણ ગોળો છૂટશે ત્યારે આપણે તેની બહાર હોઈએ કે અંદર એ બાબત એક સરખું મહત્ત્વ ધરાવે છે.”

“જો આટલુંજ હોય તો મારે ખુશ થઇ જવું જોઈએ,” માઈકલ આરડન બોલ્યો.

“નિકોલ, શું તું મારી સાથે સહમત છે?” બાર્બીકેને પૂછ્યું

“સંપૂર્ણપણે,” કેપ્ટને જવાબ આપ્યો. “આપણી પાસે હજી પણ સાડાતેર મિનીટ બાકી છે.”

“આ નિકોલ કોઈ મનુષ્ય નથી,” માઈકલ બોલ્યો, “તે એક ખાંચો અને આઠ કાણા સાથેનું ક્રોનોમીટર છે, જે સેંકડ પણ ગણે છે.”

પરંતુ તેના સાથીદારો આ બધું સાંભળી રહ્યા ન હતા; તેઓ પોતાની અંતિમ જગ્યા અત્યંત શાંતિપૂર્ણ રીતે લઇ રહ્યા હતા. તેઓ બંને પદ્ધતિસરના બે મુસાફરો હતા જેઓ પોતાની જગ્યા શક્ય હોય તેટલા આરામથી લેવા માંગતા હતા.

આપણને આપણી જાતને એ પૂછવાનું મન જરૂર થાય કે આ અમેરિકનોના હ્રદય કઈ વસ્તુથી બનેલા હશે, જેઓ સહુથી ડરામણા ભયનો સામનો એકપણ ધબકારો ચૂક્યા વગર કરવા જઈ રહ્યા છે.

ગોળામાં ત્રણ મજબુતાઈથી બનાવવામાં આવેલા સોફા મુકવામાં આવ્યા હતા. નિકોલ અને બાર્બીકેને ભોંયના કેન્દ્રમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. પોતાની વિદાયની અમુક પળ અગાઉ ત્રણેય મુસાફરોએ થોડી કસરત કરવાની બાકી હતી.

આ સમગ્ર સમય દરમ્યાન આરડન પોતાની જાતને સ્થિર રાખી શકતો ન હતો, અને તેણે આ સાંકડા પિજરામાં પુરાયેલા એક વિશાળ કદના જાનવર જેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી હતી, તે પોતાના મિત્રો અને સાથે સાથે ડાયના અને સેટેલાઈટ નામના કુતરાઓ વાતો કરી રહ્યો હતો, જેમને જોતા લાગી રહ્યું હતું કે તેમને યોગ્ય નામો જ આપવામાં આવ્યા છે.

“હે ડાયના! હે સેટેલાઈટ!” એણે એમને ચીડવતા કહ્યું, “તો તમે ચન્દ્ર પરના કુતરાઓને પૃથ્વી પરના કુતરાઓની સારી આદતો શીખવાડશો! એમ થવાથી કુતરાઓની દોડનું સન્માન પ્રાપ્ત થશે! જો આપણે ધરતી પર પરત થઈશું તો હું મિશ્ર જાતિના ચન્દ્ર કુતરાઓને સાથે લઇ આવીશ જે અહીં સારીએવી હલચલ મચાવી દેશે!”

“જો ચન્દ્ર પર કુતરાઓ હશે તો,” બાર્બીકેન બોલ્યા.

“છે જ,” માઈકલ આરડને કહ્યું, “એવી જ રીતે જેવી રીતે ત્યાં ઘોડાઓ, ગાયો, ગધેડાઓ અને મરઘી ઓ છે. હું શરત મારીને કહું છું કે આપણને ત્યાં મરઘીઓ પણ મળી આવશે.”

“એક પણ મરઘી નહીં મળે, સો ડોલરની શરત!” નિકોલ બોલ્યો.

“મંજૂર છે મારા કેપ્ટન!” નિકોલનો હાથ પકડતા આરડને જવાબ આપ્યો, “પરંતુ અહીંથી નીકળવા અગાઉ તમે અમારા પ્રમુખ સામે ત્રણ શરતો હારી ગયા છો, જરૂરી ભંડોળ ભેગું કરી લેવામાં આવ્યું, કાસ્ટિંગનું કાર્ય સફળ રહ્યું અને છેલ્લે, કોલમ્બિયાડમાં ગોળો કોઇપણ અનિચ્છનીય બનાવ વગર લોડ કરી દેવામાં આવ્યો, છસ્સો ડોલર્સ!”

“હા,” નિકોલે જવાબ આપ્યો. “દસ વાગીને સાડત્રીસ મિનીટ અને છ સેકન્ડ.”

“સમજાઈ ગયું કેપ્ટન. હજી પા કલાક પૂરો થાય તે પહેલા તમારે પ્રમુખને નવ હજાર ડોલર ગણી આપવા પડશે; ચાર હજાર કારણકે કોલમ્બિયાડ ફાટી નહીં પડે એટલે અને પાંચ હજાર કારણકે ગોળો હવામાં છ માઈલથી પણ ઉંચે જશે.”

“મારી પાસે ડોલર્સ છે,” નિકોલે પોતાના કોટના ખિસ્સા પર થાપ મારતા કહ્યું. “મેં ફક્ત આપી શકાય કે નહીં એટલુંજ પૂછ્યું હતું.”

“એ નિકોલ, મને તું હંમેશા વ્યવસ્થિત વ્યક્તિ લાગ્યો છે જે હું ક્યારેય બની શક્યો નહીં, પણ તે સળંગ શરતો મારી છે જેનો તને નહીવત લાભ થયો છે, એમ પણ મારે તને કહેવું છે.”

“શા માટે?” નિકોલે પ્રશ્ન પૂછ્યો

“કારણકે જો તારો ફાયદો પહેલો થાય તો કોલમ્બિયાડ ગોળાની સાથેજ ફાટી જાય અને આથી બાર્બીકેન તને શરતના ડોલર્સ આપવા માટે જીવિત ન રહે.”

“મારા બધા જ નાણા બાલ્ટીમોરની બેન્કમાં પડ્યા છે,” બાર્બીકેને શાંતિથી જવાબ આપ્યો; “અને જો નિકોલ જીવિત ન રહે તો તે તેના વારસદારોને જશે.”

“ઓહ! તમે એક વ્યવહારુ વ્યક્તિ છો!” માઈકલ આરડને કહ્યું; “હું તમારો જેટલો આદર કરું છું તેટલો તમને સમજી શકતો નથી.”

“દસ વાગીને બેતાલીસ મિનીટ!” નિકોલે કહ્યું.

“બસ ફક્ત પાંચ મિનીટ વધારે!” બાર્બીકેને જવાબ આપ્યો.

“હા ફક્ત પાંચ નાની મીનીટો!” માઈકલ આરડને જવાબ આપ્યો; “અને આપણે આ ગોળામાં બંધ, નવસો ફૂટ લાંબી તોપના પેટાળમાં બેસેલા! અને આ ગોળાની નીચે ૪૦૦,૦૦૦ પાઉન્ડ જેટલું ગન કોટન છે, જે સામાન્ય પાઉડરની સરખામણીએ ૧,૬૦૦,૦૦૦ પાઉન્ડ જેટલું થાય છે! અને મિત્ર મર્ચીસન, જેના હાથમાં ક્રોનોમીટર છે, જેની આંખો તેની સોય તરફ તંકાયેલી છે, જેની આંગળી એ ઇલેક્ટ્રિક ઉપકરણ પર છે, એ આપણને આંતરગ્રહીય અવકાશમાં મોકલવા માટેની તૈયારી કરતી સેકન્ડો ગણી રહ્યો છે.

“બસ, માઈકલ, બસ!” બાર્બીકેને ગંભીર અવાજમાં કહ્યું; “ચાલો આપણે તૈયારી કરીએ. થોડા મહત્ત્વપૂર્ણ સમય બાદ આપણે અવકાશમાં છૂટા પડીશું. ચાલો ગળે મળીએ મારા મિત્રો.”

“હા!” માઈકલ આરડને જવાબ આપ્યો જે તેની ઈચ્છા કરતા વધારે ભાવનાશીલ બન્યો હતો; અને ત્રણેય ટાલવાળા મિત્રો છેલ્લા આલિંગનમાં એક થયા.

“ભગવાન આપણું રક્ષણ કરે!” ધાર્મિક બાર્બીકેન બોલ્યા.

માઈકલ આરડન અને નિકોલ કેન્દ્રમાં મુકેલા સોફાઓ પર બેઠા.

“દસને સુડતાલીસ મિનીટ!” કેપ્ટન બબડ્યો

“હજી બીજી વીસ સેકન્ડ્સ!” બાર્બીકેને ઝડપથી ઉચ્છવાસ બહાર કાઢ્યો અને પોતાના સાથીદારોની બાજુમાં સુતા અને ગૂઢ શાંતિને માત્ર ક્રોનોમીટરની સેકન્ડ્સ ગણવાના અવાજે જ તોડી.

અચાનક એક ભયાનક ધક્કો અનુભવાયો અને ગોળો, જે છ બિલીયન ગેસની શક્તિ હેઠળ અને પેરોક્સાઈલના દહનથી વિકસિત થયો હતો તે અવકાશ તરફ ધસ્યો.

***