From the Earth to the Moon (Sequel) - 2 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 2

પ્રકરણ ૨

પહેલો અડધો કલાક

શું થયું? એ ડરામણા ધક્કાને લીધે શું થયું? શું કૌશલ્યથી બનાવેલા ગોળાએ ધાર્યું પરિણામ મેળવ્યું? શું ધક્કાને સ્પ્રિંગ, ચાર પ્લગ, પાણીના તકિયા અને ભાગલા પાડેલી બ્રેકને લીધે ઓછો કરી શકાયો? શરૂઆતની સ્પીડ જે અગિયાર હજાર યાર્ડથી પણ વધુ હતી, જે એક જ સેકન્ડમાં પેરિસ કે ન્યૂયોર્ક પહોંચાડવા જેટલી સક્ષમ હતી તેના ગભરાવી દેવા દબાણને તાબે થઇ? આ દ્રશ્યને જોનારા હજારો દર્શકોના મનમાં આ સવાલ જરૂર થયો હતો. તેઓ મુસાફરીનું લક્ષ્ય ભૂલી જઈને માત્ર મુસાફરો વિષે જ વિચારી રહ્યા હતા. અને તેમાંથી એક – ઉદાહરણ તરીકે જોસેફ ટી મેટ્સન – તેણે ગોળાની એક ઝલક જોઈ હોત તો તેણે શું જોયું હોત?

તો કોઈએ કશુંજ જોયું નહીં. અંધકાર ગાઢ હતો. પરંતુ તેના સીલીન્ડ્રો કોનિકલ વિભાગોએ સારી રીતે કાર્ય કર્યું. તેના પર કોઇપણ પ્રકારની તોડફોડ જોવા ન મળી. તે અદભુત ગોળો પાવડરના અત્યંત જ્વલનશીલ હોવા છતાં બિલકુલ ગરમ ન થયો, કે પછી તે ઓગળ્યો પણ નહીં, જેનો એલ્યુમિનિયમની હાજરી હોવાને લીધે અગાઉ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.

અંદરની બાજુએ પણ ખૂબ ઓછી અવ્યવસ્થા જોવા મળી, ફક્ત કેટલાક પદાર્થો જ છત તરફ હિંસક રીતે ઉછળ્યા હતા, પરંતુ મોટાભાગે ધક્કાની ખાસ અસર થઇ ન હતી; ફર્નિચર સલામત હતું.

ફરતો ગોળાકાર ભાગ પાડવામાં આવેલી બ્રેકને લીધે અને પાણીના છૂટી જવાને લીધે છેક નીચે જતો રહ્યો હતો, ત્રણ શરીરો તેના પર મૃતપ્રાય અવસ્થામાં પડી રહ્યા હતા. બાર્બીકેન, નિકોલ અને માઈકલ આરડન – શું તેઓ હજીપણ શ્વાસ લઇ રહ્યા છે? કે પછી હવે ગોળો ધાતુનું કોફીન બની ગયું હતું જે આ ત્રણ લાશને અવકાશમાં લઇ જઈ રહ્યું હતું?

ગોળાના છૂટવાના થોડા સમય બાદ આ ત્રણમાંથી એક શરીર હલ્યું, તેણે પોતાના હાથ હલાવ્યા અને છેવટે પોતાના ઘૂંટણભેર ઉભા થવામાં તેને સફળતા મળી. તે માઈકલ આરડન હતો. તેણે પોતાની જાતને સલામત માની અને એક મનોહર ચિત્કાર કરીને કહ્યું;

“માઈકલ આરડન તો સંપૂર્ણ છે. બીજાઓની શી હાલત છે?”

શૂરવીર ફ્રેન્ચમેને ઉભા થવાની કોશિશ કરી, પરંતુ તે ઉભો થઇ શક્યો નહીં. લોહી ધસી જવાને લીધે તેનું માથું ભમવા લાગ્યું, તેની નજર સમક્ષ અંધકાર છવાઈ ગયો, તે શરાબીની માફક બની ગયો હતો.

“બર્ર...!” એ બોલ્યો. “બે બોટલ કોર્ટનની પીધા પછી આવી હાલત થાય, પરંતુ તે પીવાનું કદાચ જ મન થાય.” ત્યારબાદ થોડો સમય કપાળ પર પોતાનો હાથ ઘસીને અને લમણાં દબાવીને તેણે કડક અવાજમાં કહ્યું:

“નિકોલ! બાર્બીકેન!”

તેણે આતુરતાથી રાહ જોઈએ. કોઈજ જવાબ ન આવ્યો; એવો કોઈ અવાજ પણ નહીં જે તેને કહી શકે કે તેના સાથીદારોના હ્રદય હજી ધબકી રહ્યા છે. તેણે ફરીથી અવાજ કર્યો. ફરીથી એ જ શાંતિ.

“હે શેતાન!” તેણે ચિત્કાર કર્યો. “એવું લાગે છે કે એ લોકો પાંચમાં માળેથી નીચે પડ્યા છે. ઓહ!” તેણે અવિશ્વસનીય વિશ્વાસ સાથે કહ્યું જે કોઇપણ પરિણામ લાવી શકે તેમ નહતો, “જો એક ફ્રેન્ચમેન પોતાના ઘૂંટણ પર બેસી શકતો હોય તો બે અમેરિકનોતો તેમના પગ પર ઉભા થઇ જવા જોઈએ. ચાલો પ્રકાશ ચાલુ કરીએ.”

આરડનને લાગ્યું કે તેનું જીવન મોટાભાગે પરત ફર્યું છે. તેનું રક્ત શાંત પડ્યું, અને તે પોતાના જાણીતા વાતાવરણમાં પરત ફર્યો છે. એક અન્ય પ્રયાસે તેનું સંતુલન પરત મેળવ્યું. તેને ઉભા થવામાં સફળતા મળી, પોતાના ખિસ્સામાંથી માચીસ કાઢી અને બર્નરને સળગાવવા આગળ વધ્યો. રિસીવરને કોઈજ તકલીફ પડી ન હતી. ગેસ જળવાઈ રહ્યો હતો, નહીં તો તેની ગંધ આવતી ન હોત અને એ રીતે માઈકલ આરડને હાઇડ્રોજન ભરેલી જગ્યામાં માચીસ લઇ જવાની મુક્તિ પામી શક્યો ન હોત. હવામાં ગેસ જો ભળ્યો હોત તો તે ધડાકાનું મિશ્રણ બન્યું અને એ ધડાકો એવો હોત જે ગોળો છૂટવા સમયે મળેલા ધક્કાને શાંત કરી દેત. જ્યારે બર્નર સળગ્યું ત્યારે આરડન પોતાના સાથીદારોના શરીરો તરફ વળ્યો, તેઓ એકબીજા પર ઢળેલા હતા, એક નિષ્ક્રિય ઢગલાની જેમ, નિકોલ ઉપર અને બાર્બીકેન તેની નીચે.

આરડને કેપ્ટનને ઉંચક્યો અને તેને દિવાન સામે સુવાડ્યો અને તેને ઝડપભેર ઘસવા લાગ્યો. આમ કરવાને લીધે નિકોલ ભાનમાં આવ્યો, જેણે પોતાની આંખો ખોલી અને તેની માનસિક પરિસ્થિતિ તરતજ સ્થિર થવા લાગી, તેણે આરડનનો હાથ પકડ્યો અને તેની આસપાસ જોયું.

“અને બાર્બીકેન?” તેણે પૂછ્યું.

“એનો વારો હવે આવશે,” માઈકલ આરડને જવાબ આપ્યો. “મેં તારાથી શરુ કર્યું, નિકોલ કારણકે તું ઉપર હતો. ચાલો હવે બાર્બીકેનને જોઈએ.” આમ કહીને આરડન અને નિકોલે ગન ક્લબના પ્રમુખને ઉંચક્યા અને તેમને દિવાન પર સુવાડ્યા. તેઓ પોતાના બંને સાથીદારો કરતા વધારે સહન કરી ચુક્યા હતા, તેમને લોહી નીકળી રહ્યું હતું, પરંતુ નિકોલને ખાતરી હતી કે આ લોહી તેમના ખભા પર પડેલા એક નાનકડા ઘા માંથી આવી રહ્યું હતું, એક સામાન્ય ઘસરકો જેને તેણે સંભાળપૂર્વક બાંધી લીધો.

તેમ છતાં બાર્બીકેનને ભાનમાં આવતા સમય લાગી રહ્યો હતો, જેણે તેના એ મિત્રોને ડરાવી દીધા હતા જેમની સાથે ક્યારેક તેઓ ઘર્ષણમાં ઉતર્યા હતા.

“એ શ્વાસ લઇ રહ્યા છે,” નિકોલે કહ્યું જેણે એ ઘાયલ વ્યક્તિની છાતી પર પોતાનો કાન રાખ્યો હતો.

“હા,” આરડને જવાબ આપ્યો, “તે એવા વ્યક્તિની જેમ શ્વાસ લઇ રહ્યો છે જેને રોજીંદા ઓપરેશનની કલ્પના હોય. ઘસ નિકોલ; ચાલો આપણે જોરથી ઘસીએ.” અને બંનેએ તેમને એટલા જોરથી ઘસ્યા કે બાર્બીકેન ભાનમાં આવ્યા. તેમણે પોતાની આંખો ખોલી, બેઠા, બંને મિત્રોના હાથ પકડ્યા, અને તેમના પ્રથમ શબ્દો હતા –

“નિકોલ,શું આપણે ઉપર જઈ રહ્યા છીએ?”

નિકોલ અને આરડને એકબીજા સામે જોયું; તેમણે હજીસુધી ગોળા વિષે તકલીફ આપી નથી, તેમની પહેલી ચિંતા સાથી પ્રવાસીની હતી, વાહનની નહીં.

“શું આપણે ખરેખર ઉપર જઈ રહ્યા છીએ?” માઈકલ આરડને દોહરાવ્યું

“કે પછી ફ્લોરિડાની ધરતી પર શાંતિથી બેઠા છીએ?” નિકોલે પૂછ્યું.

“કે પછી મેક્સિકોના અખાતને તળીયે છીએ?” માઈકલ આરડને ઉમેર્યું

“શું આઈડિયા છે!” પ્રમુખે કહ્યું.

પોતાના બંને સાથીદારોની આ પૂર્વધારણાઓએ તેમને સંપૂર્ણપણે ભાનમાં આવવા મદદ કરી. કોઇપણ રીતે તેઓ ગોળાની પરિસ્થિતિ નક્કી કરી શકતા ન હતા. તેની સ્પષ્ટ સ્થિરતા અને બહાર સંપર્ક સાધવાની જરૂરિયાતે તેમને આ પ્રશ્નનો ઉકેલ લાવતા રોક્યા. કદાચ ગોળો અવકાશમાં પોતાના રસ્તે ચાલી રહ્યો હોય. કદાચ થોડે ઉંચે જઈને તે પૃથ્વી પર પડી ગયો હોય, કે પછી મેક્સિકોના અખાતમાં પણ – ફ્લોરિડાના દ્વિપકલ્પની સંકડાશએ અશક્ય ન હોવાની હકીકત પ્રસ્તુત કરતી હતી.

મામલો ગંભીર હતો, તકલીફ રસપ્રદ હતી અને એવી તકલીફ જેનો ઉકેલ બને તેટલો ઝડપથી લાવવાની જરૂર હતી. આમ, અત્યંત ઉત્તેજિત એવા બાર્બીકેનની નૈતિક ઉર્જાએ તેમની શારીરિક નબળાઈ પર વિજય મેળવ્યો અને તેઓ તેમના પગ પર ઉભા થયા. તેમણે સાંભળવાની કોશિશ કરી. બહાર એકદમ શાંતિ હતી, પરંતુ જાડું પેડીંગ પૃથ્વીમાંથી આવતા તમામ અવાજોને પકડી શકવા માટે સમર્થ હતા. પરંતુ એક બાબત બર્બીકેનના ધ્યાનમાં આવી, કે ગોળાનું તાપમાન વિલક્ષણરીતે ઉંચું હતું. પ્રમુખે તેમની પેટીમાંથી થર્મોમીટર બહાર કાઢ્યું અને તપાસ્યું. એ ૮૧ ડિગ્રી ફેરનહીટ દર્શાવતું હતું.

“હા,” તેઓ બોલ્યા, “હા આપણે આગળ વધી રહ્યા છીએ! આ ભેજવાળી ગરમી, જે ગોળાના ભાગોમાંથી આવી રહી છે તે તેના વાતાવરણના વિવિધ સ્તર સાથેના ઘર્ષણને લીધે આવી રહી છે. તે બહુ જલ્દીથી ઓછી થઇ જશે, કારણકે આપણે પહેલેથી જ અવકાશમાં તરી રહ્યા છીએ અને થોડીક તકલીફો બાદ આપણે અસહ્ય ઠંડી સહન કરીશું.”

“શું!” માઈકલ આરડન બોલ્યો. “તમારી ગણતરી અનુસાર, બાર્બીકેન, આપણે પૃથ્વીના વાતાવરણની બહાર નીકળી ગયા છીએ?”

“મને કોઈજ શંકા નથી માઈકલ. હવે મને સાંભળ. અત્યારે દસને પંચાવન થઇ છે, આપણને આઠ મિનીટ થઇ ગઈ છે અને જો આપણી શરૂઆતની ગતિ ઘર્ષણ દ્વારા ઘટી ન હોય, તો પૃથ્વીની આસપાસના વાતાવરણથી ચાલીસ માઈલ દૂર જવા માટે આપણા માટે છ સેકન્ડ્સ પૂરતી છે.”

“બસ?,” નિકોલે જવાબ આપ્યો; “પરંતુ ઘર્ષણને લીધે ગતિમાં થતા ઘટાડાનું કયુ પ્રમાણ તમે અંદાજયું છે?”

“એક તૃત્યાંશનું પ્રમાણ નિકોલ. આ ઘટાડો નોંધપાત્ર છે પરંતુ મારી ગણતરી મુજબ તે લગભગ સાચું છે. જો એવું હોય તો આપણી બાર હજાર યાર્ડ્સની પ્રાથમિક ગતિ હતી જે પૃથ્વીનું વાતાવરણ છોડવા સાથે નવ હજાર એકસો પાંસઠ યાર્ડ્સની થઇ જાય. ગમેતે હોય પરંતુ આપણે આ સમયાંતરથી ક્યારનાય આગળ વધી ગયા છીએ, અને—“

“તો પછી,” માઈકલ આરડને કહ્યું, “મિત્ર નિકોલ બે શરત હારી ગયો છે, ચાર હજાર ડોલર્સ કારણકે કોલમ્બિયાડ ફાટી નહીં; પાંચ હજાર ડોલર્સ કારણકે ગોળો છ માઈલ કરતા વધારે ઉંચે ચડ્યો છે. નિકોલ હવે શરતના ડોલર્સ ચૂકવી આપ.”

“ચાલો પહેલા આપણે એ સાબિત કરીએ,” કેપ્ટને કહ્યું, “અને પછી હું ચૂકવણી કરીશ. એ શક્ય છે કે બાર્બીકેનના કારણો સહ હોય અને હું મારા નવ હજાર ડોલર્સ હારી ગયો હોઉં, પરંતુ મારા મનમાં એક નવી પૂર્વધારણા આવી છે અને તે શરતને રદ્દ કરે છે.”

“એ શું છે?” બાર્બીકેને તરતજ પૂછ્યું.

“એ પૂર્વધારણા એવી છે કે કોઈ કારણોસર જો પાઉડરમાં આગ લાગી જ ન હોય અને હજી આપણી સફર શરુ જ ન થઇ હોય તો?”

“હે ભગવાન, કેપ્ટન,” માઈકલ આરડન ચિત્કારી ઉઠ્યો. “આ પૂર્વધારણા સાવ મૂર્ખતાપૂર્ણ છે. તું આ અંગે ગંભીર નથી. શું આપણે બધા એ ધક્કાને લીધે બેભાન નહોતા થઇ ગયા? શું હું તને ભાનમાં નહોતો લાવ્યો? શું પ્રમુખના ખભા પર પડેલો ઘાવ તેને વાગવાને લીધે નહોતો પડ્યો?”

“માની લીધું,” નિકોલે જવાબ આપ્યો; “પરંતુ એક સવાલ.”

“પૂછો કેપ્ટન?”

“શું તે ધડાકો સાંભળ્યો હતો, જે અત્યંત તીવ્ર હોવાનો હતો?”

“ના,” આશ્ચર્ય સાથે આરડને જવાબ આપ્યો, “ખરેખર મેં ધડાકો નથી સાંભળ્યો.”

“અને તમે, બાર્બીકેન?”

“મેં પણ નહીં.”

“બસ તો” નિકોલે કહ્યું.

“તો પછી,” પ્રમુખે ધીમે અવાજે કહ્યું “શા માટે આપણે ધડાકો ન સાંભળ્યો?”

ત્રણેય મિત્રો એકબીજા સામે ગભરાયેલી નજરે જોવા લાગ્યા.

આ એક સમજાવી ન શકાય એવી પરિસ્થિતિ હતી. ગોળો જરૂર છૂટ્યો હતો અને તેના પરિણામસ્વરૂપે ધડાકો થવો જોઈતો હતો.

“ચાલો આપણે પહેલા એ જોઈએ કે આપણે ક્યાં છીએ,” બાર્બીકેને કહ્યું, “અને આ પેનલને નીચી કરીએ.”

આ નાનકડું ઓપરેશન બહુ જલ્દીથી પૂરું થઇ ગયું.

જમણી તરફના ઢાંકણને બાંધી રાખનારા નટ્સ અને બોલ્ટ્સ અંગ્રેજી પક્કડમાંથી છૂટા પડી ગયા હતા. આ બોલ્ટ્સ બહારની તરફ ધસી ગયા હતા અને તેમના બફર જે ભારતના રબરથી બનાવવામાં આવ્યા હતા તેમાં કાણા પડી જવાથી તેમને બહાર ધસી જવામાં સરળતા રહી હતી. તરતજ બહારની પ્લેટ તેના મિજાગરા સાથે તૂટી પડી અને ત્યાં જાણેકે કાણું પડી ગયું હોય એવું લાગવા લાગ્યું અને મસૂર આકારનો કાચ જેણે ઢાંકણને આવરી લીધું હતું તે દેખાવા લાગ્યો હતો. ગોળાની વિરુદ્ધ દિશામાં જાડા ભાગને પણ એવી જ અસર થઇ હતી, એવી જ રીતે ઉપરના ઘુમ્મટને અને જમીનના મધ્યભાગને પણ આ જ અસર થયેલી જોવા મળી હતી. આમ તેઓ ચાર જુદીજુદી દિશાઓમાં અવલોકન કરી શકતા હતા, ગોળાની બાજુની દિશાએથી તેમજ લગભગ તમામ બારીઓમાંથી અવકાશનું અને ઉપર અને નીચેની જગ્યાઓમાંથી પૃથ્વી અને ચન્દ્રનું.

બાર્બીકેન અને તેના બે સાથીદારો તરતજ ન ઢંકાયેલી બારી તરફ દોડ્યા. પરંતુ તેના પર પ્રકાશનું એક પણ કિરણ ન હતું. તેમને ગહન અંધકારે ઘેરી લીધા, જેણે, જોકે પ્રમુખને એમ કહેતા ન રોક્યા કે:

“ના મારા મિત્રો; આપણે પૃથ્વી પર પછડાયા નથી, ના આપણે મેક્સિકોના અખાતમાં પણ ડૂબ્યા નથી. હા! આપણે અવકાશમાં જઈ રહ્યા છીએ. જુઓ પેલા તારા જુઓ અને પેલો અભેદ્ય અંધકાર જે આપણા અને પૃથ્વી વચ્ચેની જગ્યા ભરી દીધી છે!”

“હુર્રા! હુર્રા!” માઈકલ આરડન અને નિકોલે એક અવાજમાં બૂમ પાડી.

બિલકુલ, આ ગહન અંધકારે એ સાબિત કરી દીધું હતું કે ગોળાએ પૃથ્વીને અલવિદા કરી દીધી છે અને જો મુસાફરો તેની છત પર સુતા હોત તો તેમને ધરતીને અદભુત રીતે શણગારી રહેલા ચન્દ્રકિરણો જરૂર દેખાઈ રહ્યા હોત. અંધકારે એ જણાવી દીધું હતું કે ગોળો વાતાવરણના સ્તરથી આગળ વધી ગયો છે, હવામાં ફેલાયેલો પ્રકાશ ધાતુની દીવાલો પર ચમકતો હોત, જે અત્યારે ગેરહાજર હતો. એ પ્રકાશે બારીને પ્રકાશિત કરી હોત પરંતુ બારી એકદમ અંધકારમય હતી. શંકાને હવે કોઈજ સ્થાન ન હતું; મુસાફરો પૃથ્વી છોડી ચૂક્યા હતા.

“હું હારી ગયો,” નિકોલ બોલ્યો.

“મારા અભિનંદન સ્વીકારો,” આરડને જવાબ આપ્યો.

“આ રહ્યા નવ હજાર ડોલર્સ,” કહેતા કેપ્ટને પોતાના ખિસ્સામાંથી ગોળ વાળી દીધેલા કાગળના ડોલર્સ બહાર કાઢ્યા.

“શું તમને આની રસીદ જોઇશે?” બાર્બીકેને રકમ હાથમાં લેતા પૂછ્યું.

“જો તમને વાંધો ન હોય તો,” નિકોલે જવાબ આપ્યો; “આ જરા ધંધાકીય બાબત છે.”

અને શાંતિથી અને ગંભીરતાથી, જાણેકે પોતે પોતાનો કબાટ ખોલતા હોય તેમ, પ્રમુખે એક કાળા પાકીટમાંથી પોતાની નોટબુક બહાર કાઢી, પેન્સિલથી વ્યવસ્થિત રસીદ લખી, જેના પર તારીખ લખી અને કાયમની ઝડપથી સહી કરી. [૧] અને તેને સંભાળપૂર્વક કેપ્ટનને આપી જેણે તેને પોતાની પોકેટબુકમાં મૂકી દીધી. માઈકલ આરડને કશું પણ બોલ્યા વગર પોતાની હેટ ઉતારીને આ બંને સજ્જનો તરફ ઝૂક્યો. આવી પરિસ્થિતિમાં પણ આટલી બધી ઔપચારિકતાએ તેને મૂંગો કરી દીધો હતો. તેણે અગાઉ આવા પ્રકારનો ‘અમેરિકન સ્વભાવ’ ક્યારેય જોયો ન હતો.

[૧] આ સંપૂર્ણતયા ફ્રેન્ચ આદત છે.

આ ચર્ચા પૂર્ણ થયા બાદ બાર્બીકેન અને નિકોલ બારી તરફ પરત થયા અને તેઓ તારામંડળો જોઈ રહ્યા હતા. કાળા આકાશમાં તારાઓ ચમકતા બિંદુઓ જેવા લાગી રહ્યા હતા. પરંતુ એ બાજુએથી એમને ચન્દ્ર દેખાઈ રહ્યો ન હતો, જે પૂર્વમાંથી પશ્ચિમ તરફ સફર કરતો હોય છે અને તે પોતાના શિર્ષબીંદુથી અમુક કોણ ઉંચો હોવો જોઈતો હતો. આમ ન હોવાથી તેણે આરડન તરફથી આ ટીપ્પણી મેળવી:

“અને ચન્દ્ર; શું તે આપણને મળવાથી ચૂકી જશે?”

“તું અત્યારથી ચિંતા ન કર,” બાર્બીકેન બોલ્યા; “આપણે ભવિષ્યમાં જે ગોળા પર રહેવાના છીએ તે પોતાની જગ્યાએ જ છે, પણ આપણે આ બાજુથી તેને જોઈ નથી શકતા; ચાલો આપણે બીજી બારી ખોલીએ.”

બાર્બીકેન જ્યારે એક બારીને છોડીને સામેની બારી ખોલવા જઈ રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન એક આકર્ષક પદાર્થે ખેંચ્યું. તે એક વિશાળ ડિસ્ક હતી જેના રાક્ષસી માપનો અંદાજ લગાવી શકાય એમ ન હતો. તેનો ચહેરો જે પ્રુથ્વી તરફ રાખવામાં આવ્યો હતો તે અત્યંત ચળકતો હતો. કોઈને કદાચ એમ પણ લાગે કે એક નાનકડો ચન્દ્ર મોટા ચન્દ્રના પ્રકાશનું પરાવર્તન દ્વારા ચમકી રહ્યો છે. તે અત્યંત ઝડપથી આગળ વધી, તેણે પૃથ્વીની આસપાસ તારામંડલ હોય એવો આકાર બનાવ્યો. આ પદાર્થ પોતાની ધરી પર ફર્યો અને તેણે તમામ પાર્થિવ શરીરોને અવકાશમાં છોડી દીધા હોય એવી એક અસાધારણ ઘટના ઉભી કરી.

“આહ!” માઈકલ આરડને ઉદગાર કર્યો, “આ શું છે? બીજો ગોળો?”

બાર્બીકેને જવાબ ન આપ્યો. એ વિશાળ કાયા ધરાવતા પદાર્થે તેમને આશ્ચર્યચકિત કર્યા અને તેમને તકલીફ આપી. ટકરાવ શક્ય હતો અને તેનાથી કદાચ ખેદજનક પરિણામો આવવાની શક્યતા પણ હતી, કાં તો ગોળો તેના રસ્તાથી ભટકી જાય, અથવાતો જે ધક્કો વાગે તેનાથી તેના તમામ ભાગ તૂટીને છૂટા પડી જાય અને તેને પૃથ્વી પર પરત લઇ જાય, અથવાતો અંતિમ શક્યતા તરીકે તે આ શક્તિશાળી તારાના ધક્કાથી દૂર સુધી ખેંચાઈ જાય. પ્રમુખને એક જ વિચારમાં આ ત્રણેય શક્યતાઓના પરિણામો પોતાની નજર સમક્ષ દેખાઈ ગયા, જેમાંથી એક પણ પરિણામ એક અસફળ અને જીવલેણ અંત લાવવા સક્ષમ હતું. તેમના સાથીદારો શાંતિથી ઉભા રહીને આકાશ તરફ જોઈ રહ્યા હતા.જેમ જેમ એ પદાર્થ તેમની નજીક આવવા લાગ્યો તે બહુ ઝડપથી મોટો થવા લાગ્યો અને તેમને એવો દ્રષ્ટિભ્રમ થયો કે ગોળો પોતાની જાતને તેમના તરફ ફેંકશે.

“હે ભગવાન!” માઈકલ આરડન બોલ્યો, “આપણે એકબીજા સાથે ટકરાઈ જઈશું!”

સહજભાવે મુસાફરો પાછળ ડગલા માંડવા લાગ્યા. તેમનો ડર ખૂબ વિશાળ હતો પરંતુ તે વધુ સેકન્ડો સુધી ટક્યો નહીં. એ તારો અસંખ્ય યાર્ડસના અંતરેથી ગોળાની બાજુએથી પસાર થઇ ગયો અને અદ્રશ્ય થઇ ગયો, એની ઝડપને લીધે નહીં પરંતુ તેનું મુખ જે ચન્દ્રની વિરુદ્ધ દિશામાં હતું તેનાથી તેના અવકાશના અંધકારમાં સમાઈ જવાને લીધે.

“તારી મુસાફરી આનંદદાયક રહે,” હાશકારા સાથે માઈકલ આરડને શુભેચ્છાઓ પાઠવી. “અવકાશની અમર્યાદિતતા પાસે એક નાના ગોળાને ડર્યા વગર મુસાફરી કરવા માટે સારીએવી જગ્યા મળી જાય છે. પરંતુ આ ગંભીર ગોળો કોણ હતો જે આપણને અથડાતા રહી ગયો?”

“મને ખબર છે,” બાર્બીકેને જવાબ આપ્યો.

“ખરેખર! તમને બધીજ બાબતોનું જ્ઞાન છે.”

“તે એક,” બાર્બીકેને કહ્યું, “એક સામાન્ય ઉલ્કા હતી પણ અત્યંત વિશાળ, જે પૃથ્વીના આકર્ષણને લીધે એક ગ્રહ જેવી લગતી હતી.”

“શક્ય છે!” માઈકલ આરડને હકારમાં કહ્યુ; “તો પછી પૃથ્વી પાસે નેપ્ચ્યુનની જેમ બે ચન્દ્ર છે?”

“હા મારા મિત્રો, બે ચન્દ્ર પરંતુ તેને એટલીજ ખબર છે કે તેની પાસે એક જ છે, પરંતુ આ બીજો ચન્દ્ર એટલો નાનો છે અને તેની ગતિ એટલી ઝડપી છે કે પૃથ્વીવાસીઓ તેને જોઈ શકતા નથી. અવકાશમાં ચાલતી ગતિવિધિઓને નોંધીને ફ્રેન્ચ અવકાશશાસ્ત્રી એમ પેતીત આ બીજા ઉપગ્રહની હાજરીને નક્કી કરી શક્યો હતો અને તેના ગુણધર્મોની ગણતરી પણ કરી શક્યો હતો. તેના અવલોકનો અનુસાર આ ઉલ્કા પૃથ્વીની આસપાસ એક ચક્કર ત્રણ કલાક અને વીસ મિનિટમાં લગાવે છે જે ગતિનો અદભુત દર નક્કી કરે છે.”

“શું તમામ અવકાશશાસ્ત્રીઓ આ ઉપગ્રહની હાજરી સ્વીકારે છે?” નિકોલે પૂછ્યું.

“ના,” બાર્બીકેને જવાબ આપ્યો; “પરંતુ જો આપણી જેમ તેમની મુલાકાત પણ તેની સાથે થઇ હોત તો તેમના મનમાં બિલકુલ શંકા ન હોત. મને ખાતરી છે કે આ ઉલ્કા જો તે ગોળા સાથે ટકરાઈ હોત તો તેણે આપણને ક્ષોભ અપાવ્યો હોત અને અવકાશમાં આપણી હેસિયત શું છે તેનો નિર્ણય આપણે લેવો પડ્યો હોત.”

“કેવી રીતે?” આરડન બોલ્યો.

“કારણકે તેનું અંતર જાણીતું છે અને જ્યારે આપણે તેને મળ્યા ત્યારે આપણે પવિત્ર પૃથ્વીની સપાટીથી ચાર હજાર છસ્સો પચાસ માઈલ દૂર હતા.”

“બે હજાર ફ્રેન્ચ લિગ્સથી પણ વધુ,” માઈકલ આરડને જણાવ્યું. “તે આ દયાજનક ગોળો જેને પૃથ્વી કહે છે તેની એક્સપ્રેસ ટ્રેનને પણ હરાવી દે છે.”

“મને પણ એવું લાગે છે,” પોતાનું ક્રોનોમીટર જોતા નિકોલે જવાબ આપ્યો; “અત્યારે અગિયાર વાગ્યા છે અને આપણને અમેરિકન ખંડ છોડે ફક્ત તેર મિનીટ થઇ છે.”

“માત્ર તેર મિનીટ?” બાર્બીકેન બોલ્યા.

“હા,” નિકોલ બોલ્યો; “અને જો આપણી શરૂઆતની બાર હજાર યાર્ડ્સની ગતિ જળવાઈ રહી હશે તો આપણે એક કલાકમાં લગભગ વીસ હજાર માઈલ દૂર પહોંચી ગયા હોઈશું.”

“એ બધું જ સાચું છે મારા મિત્રો,” બાર્બીકેન બોલ્યા, “પરંતુ હજીસુધી જેનો ખુલાસો નથી થઇ શક્યો તે સવાલ એ છે કે આપણે કોલમ્બિયાડનો ધડાકો કેમ ન સાંભળ્યો?”

પ્રશ્નનો જવાબ મેળવવા ચર્ચા બંધ થઇ, અને બાર્બીકેને વિચાર કરતા બીજી બારીનું શટર પાડી દીધું. તેમાં તેમને સફળતા મળી અને વણઢંકાયેલા કાચથી સમગ્ર ગોળામાં ચન્દ્રનો તેજોમય પ્રકાશ ફેલાઈ ગયો. નિકોલ જે એક કંજૂસ વ્યક્તિ હતો તેણે ગેસ બંધ કરી દીધો જે અત્યારે જરૂરી ન હતો અને તેની આ હોંશિયારીએ આંતરગ્રહીય અવલોકનો થતા રોક્યા.

ચન્દ્રની ધરી શુધ્ધતાથી ચમકી રહી હતી. તેના કિરણો હવે પવિત્ર પૃથ્વીના ધુમાડાવાળા વાતાવરણમાંથી આવી રહ્યા ન હતા, કાચમાંથી પસાર થઇ, તે ગોળના અંદરના ભાગ સુધી ચાંદીનો પ્રકાશ પાથરી રહ્યા હતા. અવકાશનો કાળો પડદો ચન્દ્રના ચળકાટને વધારી રહ્યો હતો જે બાજુના તારાઓને આ પ્રતિકુળ પ્રસારને અવગણીને પણ ઢાંકતો ન હતો. આમ અવકાશ, જે રીતે તેને જોવામાં આવી રહ્યું હતું તેણે એક નવો આયામ બતાવ્યો હતો જેની એક માનવીય દ્રષ્ટિ ક્યારેય સ્વપ્ન જોઈ શકે તેમ ન હતી. કોઈ એમ કહી શકે છે કે જે રીતે આ લોકો તેને રસપૂર્વક જોઈ રહ્યા હતા તે તેમની મુસાફરીના મહાન લક્ષ્યને પૂર્ણ કરવા માટે જરૂરી હતું.

તેની આ ગતી દ્વારા પૃથ્વીનો ઉપગ્રહ નિસ્તેજતાથી તેની પરાકાષ્ઠા તરફ આગળ વધી રહ્યો હતો, ગાણિતિક મુદ્દો છન્નું કલાક બાદ હાથમાં લેવામાં આવનાર હતો. તેના પર્વતો, તેના મેદાનો તેની દરેક બાબતો તેમની આંખ સમક્ષ એ રીતે દ્રષ્ટિગોચર થઇ રહી હતી જાણેકે તેઓ તેને પૃથ્વીની કોઈ જગ્યાએથી નિહાળી રહ્યા હોય. ચન્દ્ર પ્લેટીનમના અરીસાની જેમ ચળકી રહ્યો હતો. પૃથ્વી તેમના પગ નીચે હોવાને લીધે, મુસાફરોને સ્મૃતિભ્રંશ થઇ ગયો હતો.

એ કેપ્ટન નિકોલ હતા જેમણે દૂર જઈ રહેલા ગોળા પ્રત્યે તેમનું ધ્યાન દોર્યું.

“હા,” માઈકલ આરડને કહ્યું, “આપણે તેના પ્રત્યે કૃતઘ્ન ન બનવું જોઈએ. જ્યારે આપણે આપણો દેશ છોડી જ રહ્યા છીએ ત્યારે આપણે તેના પર આપણી અંતિમ દ્રષ્ટિ પાડીએ. મારી તો એવી ઈચ્છા છે કે હું મારી દ્રષ્ટિથી અદ્રશ્ય થાય તે પહેલા હું પૃથ્વીને એકવાર જોઈ લઉં.”

પોતાના સાથીદારોના સંતોષ માટે, બાર્બીકેન ગોળાના તળીએ આવેલી બારી પરનું આવરણ હટાવવા લાગ્યા જે તેમને પૃથ્વીને સીધી જોવા માટે મદદ કરવાની હતી. એ ડિસ્ક જે ધક્કાને કારણે તૂટી ગઈ હતી તેને કોઇપણ પ્રકારની તકલીફ વગર હટાવવામાં આવી. ત્યારબાદ એક ગોળાકાર જગ્યા જોવા મળી જેનો ડાયામીટર ઓગણીસ ઈંચનો હતો અને તે ગોળાના નીચલા ભાગમાંથી બનાવવામાં આવ્યો હતો. કાચનું એક આવરણ હતું જે છ ઇંચ જાદુ અને બંધનો દ્વારા તેને મજબૂત બનાવવામાં આવ્યું હતું અને મજબુતાઈથી બંધ કરવામાં આવ્યું હતું. તેની નીચે એલ્યુમિનિયમની પ્લેટ હતી જેને બોલ્ટ દ્વારા બાંધવામાં આવી હતી. સ્ક્રૂ કાઢવામાં આવ્યા અને બોલ્ટ પણ, પ્લેટ નીચે પડી અને બહાર અને અંદરના વાતાવરણ વચ્ચેનો સંપર્ક દ્રષ્ટિગોચર થયો.

માઈકલ આરડન ઘૂંટણીએ પડ્યો અને કાચમાંથી જોવા લાગ્યો. બહાર તેને વાદળછાયું અને અસ્પષ્ટ દ્રશ્ય જોવા મળ્યું.

“ઓહો!” તે બોલ્યો, “પરંતુ પૃથ્વી?”

“પૃથ્વી?” બાર્બીકેન બોલ્યા, “પેલી રહી.”

“શું? પેલો નાનકડો દોરો?; પેલો ચાંદીનો અર્ધચંદ્રાકાર?”

“શંકાને કોઈ સ્થાન નથી માઈકલ. ચાર દિવસમાં જ્યારે પૂર્ણ ચન્દ્ર થશે અને એજ સમયે આપણે પહોંચીશું, પૃથ્વી નવી દેખાશે અને આપણને એ અર્ધચંદ્રાકાર જેવી જ પાતળી દેખાશે અને ઝડપથી અદ્રશ્ય થઇ જશે અને થોડા દિવસો માટે તે સંપૂર્ણ અંધકારમાં છુપાઈ જશે.”

“શું એ પૃથ્વી છે?” માઈકલ આરડન ફરીથી બોલ્યો, તે પોતાના વતન એવા ગ્રહની પાતળી રેખાને પોતાની આંખોથી જોઈ રહ્યો હતો.

બર્બીકેન દ્વારા આપવામાં આવેલો ખુલાસો યોગ્ય હતો. પૃથ્વી જો ગોળાની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી હતી. તે અત્યારે પોતાના આઠમાં ભાગ જેટલી જ દેખાઈ રહી હતી અને તેનો અર્ધચંદ્રાકાર આકાશની પશ્ચાદભૂમાં સારી રીતે જોઈ શકાતો હતો. તેનું અજવાળું જે વાતાવરણના સ્તરને લીધે નિસ્તેજ ભાસી રહ્યું હતું તે બીજના ચન્દ્ર કરતા ઓછું ઉત્કટ હતું, પરંતુ તેનું માપ નોંધપાત્ર હતું અને તે નભમંડળમાં જાણેકે એક વિશાળ ધનુષ્યરૂપે ભાસી રહ્યું હતું. કેટલાક ભાગોમાં ઉજ્જવળ પ્રકાશ હતો, ખાસકરીને અંતર્ગોળ ભાગમાં, ઊંચા પહાડોની હાજરી દેખાતી હતી જે જાડા સ્થળોની પાછળ છુપાઈ જતી હતી જે ક્યારેય ચન્દ્ર પર જોવા નહોતી મળતી. એ પવિત્ર ગોળાની બરોબર વચ્ચે ચક્રાકાર વાદળો પણ જોવા મળી રહ્યા હતા.

એકતરફ જ્યારે પ્રવાસીઓ ગાઢ અંધકારને છેદવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ખરતા તારાઓનું એક અદ્ભુત ઝુંડ તેમની આંખો સમક્ષ આવી ગયું. અસંખ્ય ઉલ્કાઓ જેને વાતાવરણમાં પ્રવેશ કરવાને લીધે સળગવું પડ્યું હતું તેણે આ ચમકતી ટ્રેનના પડછાયાને પ્રકાશિત કર્યો અને ચન્દ્રના વાદળછાયા ભાગને તેમની અગ્નિથી પ્રજવલિત કર્યા. આ સમયે પૃથ્વી સૂર્યની સહુથી નજીક હતી અને ડિસેમ્બરનો મહિનો આ ખરતા તારાઓ માટે અત્યંત સાનુકુળ હોય છે, કે અવકાશશાસ્ત્રીઓ એક સાથે ચોવીસ હજાર ખરતા તારાઓ ગણી શકે છે. પરંતુ માઈકલ આરડને વૈજ્ઞાનિક કારણો પ્રત્યે અણગમો વ્યક્ત કરતા એમ વિચારવાનું યોગ્ય માન્યું કે અત્યારે આ રીતે પૃથ્વી તેના ત્રણ બાળકોના ગમનને જોરદાર ફટાકડાઓ ફોડીને સલામ કરી રહી છે.

ખરેખર એમણે આ જ રીતે પૃથ્વીને સૂર્યમંડળમાં ખોવાઈ જતા, ઉગતા અને સામાન્ય સવારના અને રાત્રીના તારા જેવા મહાન ગ્રહો સાથે સંબંધ બનાવતા જોઈ હતી. એ ગોળો, જ્યાં તેઓએ પોતાની દરેક લાગણીઓ છોડી દીધી હતી તે એક ભાગેડુ બીજના ચન્દ્ર સિવાય કશું જ હતો!

જેટલો સમય આ ત્રણ મિત્રોએ એક હ્રદયથી એકબીજા સાથે વાતો કર્યા વગર એકબીજા સામે જોયું ગોળાની ગતિ સતત ઘટતી રહી. તેમના મનમાં અવગણી ન શકાય તેવી સુસ્તી આવવા લાગી. શું તે તન અને મનનો થાક હતો? કોઈજ શંકા ન હતી, પૃથ્વી પર છેલ્લા કલાકો દરમ્યાન રહેલા અતિઉત્સાહને લીધે આ પ્રકારનું પરિણામ આવવું અનિવાર્ય હતું.

“તો,” નિકોલ બોલ્યો, “આપણે ઉંઘી જવું જરૂરી છે એટલે ચાલો આપણે ઉંઘી જઈએ.”

પોતપોતાના સોફાઓ પર લંબાવવાની સાથેજ ત્રણેય જણા ગાઢ નિંદ્રામાં સરી પડ્યા.

પરંતુ માત્ર પંદર જ મિનિટમાં તેમણે જાગી જવું પડ્યું જ્યારે બાર્બીકેન અચાનક જ ઉભા થઇ ગયા અને એક મોટા અવાજ સાથે તેમણે પોતાના સાથીદારોને જગાડ્યા, અને કહ્યું --

“મને મળી ગયું!”

“શું મળી ગયું?” પોતાની પથારીમાંથી કુદકો મારતા માઈકલ આરડને પૂછ્યું

“કે શા માટે આપણે કોલમ્બિયાડમાંથી ધડાકો ન સાંભળ્યો.”

“અને એ કારણ છે...?” નિકોલે પૂછ્યું.

“કારણકે આપણો ગોળો અવાજની ગતિથી પણ તેજ ગતિથી છૂટ્યો હતો!”

***