From the Earth to the Moon (Sequel) - 5 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 5

પ્રકરણ ૫

અવકાશની ઠંડી

આ ખુલાસો માથે વિજળી તૂટી પડી હોય એ રીતે સામે આવ્યો. ગણતરીમાં આવી ભૂલ થશે એવી તો આશા પણ કોણે રાખી હોય? બાર્બીકેન તો માની જ શકતા ન હતા. નિકોલે આંકડાઓને ફરીથી તપાસ્યા હતા અને તે બરોબર હતા. આંકડાઓને નિશ્ચિત કરનાર દાખલા પર શંકા કરવાનો કોઈજ મતલબ ન હતો; એ સત્ય હતું કે તટસ્થ બિંદુ પર પહોંચવા માટે ગોળો છૂટે ત્યારે તેની પહેલી સેકન્ડે જ તેની ગતિ સત્તર હજાર યાર્ડ્ઝની હોવી જરૂરી હતી.

ત્રણેય મિત્રોએ એકબીજા તરફ મૂંગા મોઢે જોયું. નાસ્તાનો કોઈજ વિચાર આવી રહ્યો ન હતો. ભીડાયેલા દાંત સાથે, ભેગી કરેલી ભ્રમરો સાથે અને બંને હાથની આંગળીઓ એકબીજામાં ભેરવીને બાર્બીકેન બારીની બહાર જોઈ રહ્યા હતા. નિકોલ અદબ વાળીને પોતાના આંકડાઓ તપાસી રહ્યો હતો. માઈકલ આરડન ગણગણી રહ્યો હતો:

“તમે આ બધું વૈજ્ઞાનિકો જેવું જ કરી રહ્યા છો; તે લોકો બીજું કશુંજ ન કરે. મારો દાવો છે કે જો કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના આંકડાઓમાં બાળકો જેવી ભૂલો ન મળે તો હું વીસ પિસ્તોલને મારા પગ નીચે કચડી નાખવા માટે તૈયાર છું.”

અચાનક જ કેપ્ટનના મનમાં એક વિચાર આવ્યો જે તેણે બાર્બીકેનને જણાવ્યો.

“આહ!” તેણે કહ્યું, “અત્યારે સવારના સાત વાગ્યા છે અને આપણે છેલ્લા બત્રીસ કલાકમાં આપણું અડધું અંતર કાપી ચૂક્યા છીએ અને જ્યાં સુધી મને લાગે છે આપણે બિલકુલ મોડા નથી.”

બાર્બીકેને જવાબ ન આપ્યો, પરંતુ તેમણે તરતજ કેપ્ટન તરફ જોયું અને પૃથ્વીથી કોણીય અંતર માપવા માટે હોકાયંત્રોની એક જોડી હાથમાં લીધી અને પછી નીચેની બારીએથી યોગ્ય માપ લીધું અને નોંધ્યું કે ગોળો સ્થિર હોય એવું લાગી રહ્યું છે. પછી ઉભા થયા અને પોતાના કપાળ પર રહેલા મોટા મોટા પ્રસ્વેદ બિંદુઓને હાથથી સાફ કર્યા, અને કાગળ પર કેટલાક આંકડાઓ લખ્યા. નિકોલને ખ્યાલ આવી ગયો કે પ્રમુખે પૃથ્વીના વ્યાસમાંથી ગોળા અને પૃથ્વી વચ્ચેના અંતરની બાદબાકી કરી છે. તે તેમને બેચેનીથી જોવા લાગ્યો.

“ના,” અમુક મિનિટો બાદ બાર્બીકેને જાહેર કર્યું, “ના આપણે પાછળ નથી રહી ગયા, આપણે પૃથ્વીથી પચાસ હજાર લિગ્સ જેટલું અંતર કાપી ચૂક્યા છીએ. આપણે એ બિંદુને પણ પસાર કરી ચૂક્યા છીએ જ્યાં ગોળો કદાચ રોકાઈ જાત જો શરૂઆતની ગતિ માત્ર બાર હજાર યાર્ડ્ઝની હોત. આપણે હજીપણ આગળ વધી રહ્યા છીએ.”

“એ તો લાગે જ છે,” નિકોલે જવાબ આપતા કહ્યું, “અને આપણે હવે એ માની લેવું જોઈએ કે ચાર લાખ પાઉન્ડનું વજન ધરાવતા ગન કોટનની શક્તિ હેઠળ આપણે જરૂરી બાર હજાર યાર્ડ્ઝની ગતિથી પણ વધારાની ગતિ મેળવી હશે. હવે મને જ્યાં સુધી ખબર છે, તેર મિનીટ બાદ જ આપણે બીજા ઉપગ્રહને મળીશું જે પૃથ્વીની આસપાસ બે હજાર લિગ્સના અંતરે ચક્કર મારે છે.”

“અને આ વર્ણન વધારે શક્યતાઓ ધરાવે છે,” બાર્બીકેને ઉમેર્યું, “કારણકે પોતાના જુદાજુદા ભાગમાં રાખવામાં આવેલા પાણીથી મુક્તિ મેળવ્યા બાદ ગોળાએ સારાએવા વજનથી મુક્તિ મેળવી હશે.”

“એકદમ બરોબર,” નિકોલે કહ્યું.

“વાહ, મારા શૂરવીર નિકોલ, આપણે બચી ગયા!”

“તો પછી,” માઈકલ આરડને શાંતિથી કહ્યું; “હવે જ્યારે આપણે સુરક્ષિત છીએ, ચાલો નાસ્તો કરી લઈએ?”

નિકોલની કોઈજ ભૂલ ન હતી. સદભાગ્યે કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરી દ્વારા અંદાજીત ગતિ કરતા ગોળાની પ્રાથમિક ગતિ ઘણી વધારે હતી; પણ તેમ છતાં કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીએ ભૂલ તો કરી જ છે એમ જરૂરથી કહી શકાય.

મુસાફરો આ ખોટી ચેતવણીના ભયમાંથી મુક્ત થયા અને આનંદથી નાસ્તો કર્યો. તેમણે જેટલું વધારે ખાધું, એટલીજ માત્રામાં તેમણે વાતો પણ કરી. ‘બીજગણિતની ઘટના’ બાદ તેમનો આત્મવિશ્વાસ ઘણો બધો વધી ગયો હતો.

“આપણે શા માટે સફળ નહીં થઈએ?” માઈકલ આરડને કહ્યું; “શા માટે આપણે સુરક્ષિત નહીં પહોંચી શકીએ? આપણને અવકાશમાં મુક્ત કરવામાં આવ્યા છે, આપણી સમક્ષ કોઈજ વિઘ્ન નથી, કોઈજ પથ્થર નથી; માર્ગ ખુલ્લો છે, એટલો બધો ખુલ્લો કે સમુદ્રમાં જહાજ જેટલી તકલીફ વેઠે છે કે પછી પવન સાથે એક ફુગ્ગો સંઘર્ષ કરે છે; તેમ છતાં જહાજ જો તેના ગંતવ્ય સુધી પહોંચી શકતું હોય કે પછી ફુગ્ગો તેના નિશ્ચિત સ્થળે પહોંચી જતો હોય તો પછી આપણો ગોળો તેના લક્ષ્યને કેમ પ્રાપ્ત ન કરી શકે?”

“એ જરૂરથી લક્ષ્ય પ્રાપ્ત કરશે,” બાર્બીકેન બોલ્યા.

“માત્ર અમેરિકનોનું સન્માન કરવા માટે,” માઈકલ આરડને ઉમેર્યું, “એ એકમાત્ર એવી પ્રજા છે જે આ પ્રકારના સાહસને સુખાંત આપી શકે છે અને પ્રમુખ બાર્બીકેન જેવી વ્યક્તિને જન્મ આપી શકે છે. તો હવે જ્યારે આપણે ચિંતામુક્ત થયા છીએ, મને વિચાર આવે છે કે, હવે આપણું શું થશે? આપણી પાસે કંટાળો કરવાનો રાજકીય હક્ક છે.”

બાર્બીકેન અને નિકોલે નકારમાં ડોકાં ધુણાવ્યા.

“પરંતુ મેં કટોકટીના સમયનો ઉપાય સાથે રાખ્યો છે મારા મિત્રો,” માઈકલે જવાબ આપતા કહ્યું; “તમારે ફક્ત હુકમ કરવાનો છે અને હું તમારી સમક્ષ ચેસ, ડ્રાઉટ્સ, પત્તાં અને ડોમિનોઝ જેવી રમતો હાજર કરી દઈશ; અને જો આમાંથી કશું પણ નહીં ઈચ્છતા હોવ તો બિલિયર્ડ ટેબલ પણ તૈયાર છે.”

“શું!” બાર્બીકેન આશ્ચર્ય સાથે બોલ્યા; “તું તારી સાથે આ બધી નકામી ચીજો લાવ્યો છે?”

“બિલકુલ,” માઈકલે જવાબ આપ્યો, “આપણું ધ્યાન બીજે ખેંચાય તેના માટે જ નહીં પરંતુ પ્લાસ્ટર ઓફ પેરીસ ફૂંકતા દિવાનો સાથેની આપણી બેઠકનો અંત આણવાના મહાન હેતુ માટે પણ.”

“મારા મિત્ર,” બાર્બીકેને કહ્યું, “જો ચન્દ્ર પર વસ્તી છે, તો ત્યાંના લોકો પૃથ્વીવાસીઓના જન્મના હજારો વર્ષો અગાઉ ત્યાં રહેતા હશે આથી આપણે એ બાબતે શંકા ન કરવી જોઈએ કે એમનો ગ્રહ આપણા ગ્રહ કરતા ઘણો જૂનો છે. તો પછી હજારો વર્ષો અગાઉથી આ પ્રકારનું પ્લાસ્ટર ઓફ પેરીસ ત્યાં અસ્તિત્વ ધરાવતું હશે અને જો એમનું મગજ, માનવીય મગજ જેટલુંજ વ્યવસ્થિત હશે તો તેમણે એ બધીજ વસ્તુઓની શોધ કરી લીધી હશે જેટલી આપણે કરી છે એટલુંજ નહીં એ વસ્તુઓની પણ એમણે શોધ કરી લીધી હશે જેની શોધ આપણે ભવિષ્યમાં કરવાના છીએ. એમણે આપણી પાસેથી કશુંજ શિખવાનું નથી પરંતુ આપણે તેમની પાસેથી ઘણુંબધું શિખવાનું છે.”

“શું!” માઈકલે સવાલ કર્યો; “તમને એવો વિશ્વાસ છે કે તેમની પાસે ફિડીયાસ, માઈકલ એન્જેલો કે પછી રફેલ જેવા કલાકારો હશે?”

“બિલકુલ.”

“વર્જીલ, મિલ્ટન, લામાર્ટીન અને હ્યુગો જેવા કવિઓ હશે?”

“મને એ અંગે પૂરો વિશ્વાસ છે.”

“પ્લેટો, એરીસ્ટૉટલ અને ડિસ્કાર્ટ્સ જેવા ફિલસૂફો હશે?”

“શંકાને કોઈ સ્થાન જ નથી.”

“આર્કિમીડીઝ, યુસીડ, પાસ્કલ, ન્યૂટન જેવા વિજ્ઞાનીઓ?”

“હું શપથ લઈને સ્વીકારવા તૈયાર છું.”

“અર્નાલ જેવા હાસ્યકારો અને નાદાર જેવા ફોટોગ્રાફર્સ?”

“ચોક્કસ.”

“તો પછી મારા મિત્ર બાર્બીકેન, જો તેઓ આપણા જેટલાજ મજબૂત હોય કે પછી આપણા કરતા પણ વધારે શક્તિશાળી હોય તો એ પવિત્ર આત્માઓએ અત્યારસુધીમાં પૃથ્વી સાથે સંપર્ક કરવાની કોશિશ કેમ ન કરી? કેમ તેઓએ આપણી પવિત્ર પૃથ્વી પર કોઈ આવો ચન્દ્રયાન રૂપી ગોળો ન મોકલ્યો?”

“તને કોણે કહ્યું કે તેમણે એવું ક્યારેય કર્યું નથી?” બાર્બીકેને ગંભીરતાથી જવાબ આપ્યો.

“તમે એકદમ સાચું કહ્યું,” નિકોલે ઉમેર્યું, “તેમના માટે તો આપણા કરતા પણ એમ કરવું વધારે સરળ છે જેની પાછળ બે કારણો છે. એક તો ચન્દ્રની સપાટી પરનું આકર્ષણ પૃથ્વી કરતા છ ગણું ઓછું છે, જે ગોળાને સરળતાથી ઉંચે ઉડાડી શકે છે; અને બીજું કારણકે તેમના માટે એંશી હજાર લિગ્સની જગ્યાએ માત્ર આઠ હજાર લિગ્સની ગતિએ ગોળો મોકલવાનું શક્ય હોવાને લીધે તેમને દસ ગણી ઓછી ગતિએ ગોળો મોકલવાનું શક્ય બની શકે છે.

“તો પછી,” માઈકલે બોલવાનું ચાલુ રાખ્યું, “હું ફરીથી પૂછી રહ્યો છું, તેમણે એમ કેમ ન કર્યું?”

“અને હું પણ ફરીથી કહી રહ્યો છું,” બાર્બીકેને કહ્યું, “તને કોણે કહ્યું કે તેમણે એમ નથી કર્યું?”

“ક્યારે કર્યું હતું?”

“હજારો વર્ષો અગાઉ જ્યારે માનવી પૃથ્વી પર જન્મ્યો ન હતો.”

“અને ગોળો? ક્યાં છે એ ગોળો? હું એ ગોળાને જોવાની માંગણી કરું છું.”

“મારા મિત્ર,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું, “સમુદ્રો આપણી પૃથ્વીનો પોણો હિસ્સો રોકી લે છે. આ હકીકત પરથી આપણે કારણો શોધી શકીએ કે જો ચન્દ્ર પરથી કોઈ ગોળો આવ્યો હશે તો તે અત્યારે એટલાન્ટીક કે પછી પેસેફિકના તળીયે હશે, અથવાતો તે કોઈ ઉંડી ખાઈમાં જઈ પડ્યો હશે કારણકે તે સમયે આપણી પૃથ્વીની જમીન એટલી બધી મજબૂત ન હતી.

“મહાન બાર્બીકેન,” માઈકલે કહ્યું, “તમારી પાસે બધા જ પ્રશ્નોના જવાબ છે, અને હું તમારી હોંશિયારીને નમન કરું છું, પરંતુ મારું એક અનુમાન મને અન્યો કરતા વધારે શ્રેષ્ઠ બનાવે છે અને તે છે આ જીપ્સમ, જે આપણા કરતા પણ જૂના છે અને ડાહ્યા છે પરંતુ તે સમયે ગન પાઉડરની શોધ નહોતી થઇ.”

આ સમયે ડાયના તેમની ચર્ચામાં મધુરતાથી ભસીને સામેલ થઇ. તે નાસ્તો માંગી રહી હતી.

“ઓહ!,” માઈકલ આરડન બોલ્યો, “આપણી ચર્ચામાં આપણે ડાયના અને સેટેલાઈટને તો ભૂલી જ ગયા.”

તરતજ એક મોટી માત્રાની પાઈ શ્વાનને પીરસવામાં આવી જેણે તેને તરતજ ખાવાનું શરુ કરી દીધું.

“તમે જોયું બાર્બીકેન?,” માઈકલે કહ્યું, “આપણે આ ગોળામાંથી બીજો નોઆહઝ આર્ક બનાવી શક્યા હોત જેમાં આપણે ચન્દ્ર પર બીજા તમામ જાતના પ્રાણીઓ લઇ જઈ શક્યા હોત.”

“મને વાંધો નથી પરંતુ, એટલી જગ્યા ન હોત.”

“ઓહ!” માઈકલે કહ્યું, “કદાચ આપણે થોડી વધારે જગ્યા ઉભી કરી શક્યા હોત.”

“હકીકત એવી છે કે,” નિકોલે જવાબ આપ્યો, “ગાયો, બળદો અને ઘોડાઓ આ બધા વાગોળી શકતા પશુઓ છે અને તે આપણને ચન્દ્ર પર ઘણા કામ આવી શકતા હતા પરંતુ બદનસીબે આપણે ગોળાને તબેલો કે પછી ઝુંપડી બનાવી શકીએ તેમ ન હતા.”

“કદાચ, આપણે એક ગધેડો સાથે લાવી શક્યા હોત, એક નાનકડો ગધેડો; એક એવું હિંમતવાન પ્રાણી જેના પર એક શરાબી પણ સવારી કરવાની ઈચ્છા ધરાવે છે. મને પેલા વૃદ્ધ ગધેડાઓ ખૂબ ગમે છે, તેઓ કુદરતના તમામ પ્રાણીઓમાંથી સહુથી ઓછા પસંદ કરવામાં આવે છે, તેઓ જીવતા હોય ત્યારેજ નથી પરંતુ મર્યા બાદ પણ તેમને માર મારવામાં આવતો હોય છે.”

“તને આ કેમ ખબર પડી?” બાર્બીકેને પૂછ્યું. “કેમ?” માઈકલે જવાબ આપતા કહ્યું, “તેમની ચામડીને ડ્રમ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છેને?”

બાર્બીકેન અને નિકોલ આ હાસ્યાસ્પદ દલીલ સાંભળીને પોતાનું હસવું રોકી શક્યા નહીં. પરંતુ તેમના સાથીદારના રુદને તેમનું હાસ્ય અટકાવ્યું. તેમનો સાથીદાર એ જગ્યાએ વાંકો વળ્યો હતો જ્યાં સેટેલાઈટને સુવાડવામાં આવ્યો હતો. તે ઉભો થયો અને બોલ્યો:

“સરસ, સેટેલાઈટ હવે માંદો નથી.”

“વાહ!” નિકોલે કહ્યું.

“ના એમ નહીં,” માઈકલે જવાબ આપ્યો, “એ મૃત્યુ પામ્યો છે! જુઓ?” તેણે દયાજનક અવાજમાં ઉમેર્યું. “આ અત્યંત ક્ષોભજનક છે. મારી બિચારી ડાયના, તું હવે ચન્દ્રના રાજ્યમાં તારી સંતતિ પેદા નહીં કરી શકે!”

એ સત્ય હતું કે સેટેલાઈટ એ ઘાવને સહન ન કરી શક્યો તે બદનસીબી હતી. તે મૃત્યુ પામ્યો હતો. માઈકલ આરડને તેના મિત્રો સામે રડમસ ચહેરે જોયું.

“એક પ્રશ્ન ઉભો થયો છે,” બાર્બીકેને કહ્યું. “આપણે આ શ્વાનના મૃતશરીરને આવતા અડતાલીસ કલાકથી વધુ રાખી ન શકીએ.

“હા બિલકુલ ન રાખી શકાય,” નિકોલે કહ્યું, “પરંતુ આપણા દરવાજાઓ બંધ છે અને તેને ખોલી શકાય તેમ નથી. જો આપણે એક દરવાજો પણ ખોલીશું તો આપણા શરીરો અવકાશમાં ફેંકાઈ જશે.”

પ્રમુખે થોડો સમય વિચાર કર્યો અને કહ્યું:

“પણ તેમ છતાં આપણે એમ કરવું પડશે પરંતુ અત્યંત સંભાળપૂર્વક.”

“કેમ?” માઈકલે પૂછ્યું.

“તું સમજી શકે એવા બે કારણો છે મારી પાસે,” બાર્બીકેને જવાબ આપ્યો.” પહેલું કારણ ગોળામાં બંધ કરવામાં આવેલી હવા જેને આપણે બને તેટલી ઓછી ગુમાવવી પડે.”

“પણ આપણે હવા ઉભી તો કરી શકીએને?”

“પણ થોડી માત્રાઓમાં જ. આપણે માત્ર ઓક્સિજન ઉત્પન્ન કરી શકીએ, મારા પ્રિય મિત્ર માઈકલ અને તેના માટે આપણે એ સમજવું જોઈએ કે આપણા સાધનો મોટી માત્રામાં ઓક્સિજન પૂરો પાડી શકશે નહીં; અને જો વધારે પડતો પ્રાણવાયુ બની જાય તો આપણને ખૂબ મોટી માનસિક તકલીફ પડી શકે તેમ છે. પરંતુ જો આપણે ઓક્સિજન બનાવીએ તો આપણે નાઈટ્રોજન નથી બનાવી શકતા જેને આપણા ફેફસા સહન કરી શકે નહીં, અને તેમની સ્વસ્થતા જરૂરી છે; અને નાઈટ્રોજન ખુલ્લા દરવાજામાંથી તરતજ જતો રહેશે.”

“અને એજ સમયે આપણે આપણા બિચારા સેટેલાઈટને ફેંકી દેવો પડશે?” માઈકલે પૂછ્યું.

“સહમત, પરંતુ આપણે બહુ જલ્દીથી કાર્ય કરવું પડશે.”

“અને બીજું કારણ?” માઈકલે પૂછ્યું.

“બીજું કારણ એ છે કે આપણે બહારની ઠંડી જે ખૂબ હશે તેને ગોળાની અંદર ન આવવા દેવી જોઈએ નહીં તો આપણે બધાજ થીજી જઈને મૃત્યુ પામીશું.”

“તો પછી સૂર્ય?”

“સૂર્ય ગોળાને ગરમી આપે છે કારણકે તે તેના કિરણોને ગ્રહણ કરે છે; પણ તે આ શૂન્યતાને ગરમ નહીં કરી શકે જેમાં આપણે અત્યારે તરી રહ્યા છીએ. જ્યારે કોઇપણ પ્રકારની હવા નહીં હોય, જ્યારે વિસ્તૃત પ્રકાશ જેટલી પણ ગરમી નહીં હોય, રાત્રી જેટલીજ ગરમી હશે; ત્યારે ઠંડી હશે અને સૂર્યના કિરણો સીધી અસર નહીં કરે. આ તાપમાન એ તારાઓના કિરણોત્સર્ગથી ઉત્પન્ન થયેલું તાપમાન હશે; એટલે એમ વિચાર કે જો એક દિવસ પણ સૂર્ય ન ઉગે તો આપણી પૃથ્વીની શી હાલત થાય એવું વાતાવરણ હશે.”

“તેનાથી ડરવાની જરૂર નથી,” નિકોલે જવાબ આપ્યો.

“કોને ખબર?” માઈકલ આરડને કહ્યું. “પરંતુ, જો સૂર્ય ક્યાંય જતો ન રહે તો કદાચ પૃથ્વી તેનાથી દૂર જતી રહે એવી પણ શક્યતાઓ છે કે નહીં?”

“બસ આ જ!” બાર્બીકેને કહ્યું, “આ માઈકલ અને આ તેના વિચારો.”

“અને,” માઈકલે બોલવાનું ચાલુ રાખ્યું, “શું આપણને ખબર નથી કે ૧૮૬૧માં પૃથ્વી એક ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થઇ ગઈ હતી? કે પછી ચાલો કલ્પના કરીએ કે ધૂમકેતુનું આકર્ષણબળ સૂર્ય કરતા વધુ હોય. પવિત્ર ભ્રમણકક્ષા એ ફરતા સિતારા તરફ વળે અને પૃથ્વી તેનો ઉપગ્રહ બની જાય અને એટલા દૂરના અંતરે જતી રહે કે તેની સપાટી પર પૃથ્વીના કિરણોની કોઈ અસર જ થાય.”

“એવું બનવું ખરેખર શક્ય છે,” બાર્બીકેને જવાબ આપ્યો, “પરંતુ આ ફેરફારના પ્રત્યાઘાતો એટલા બધા પ્રચંડ નહીં હોય જેટલા તું વિચારે છે.”

“અને એવું કેમ નહીં બને?”

“કારણકે ગરમી અને ઠંડી આપણી પૃથ્વી પર સમાન થઇ જશે, એવી ગણતરી કરવામાં આવી હતી કે જો આપણી પૃથ્વી ૧૯૬૧ના ધૂમકેતુના રસ્તામાં આવી હોત તો તેની એ ધરી જે સૂર્યની સહુથી નજીક હતી તેના પર ઉનાળા કરતા પણ અઠ્યાવીસ હજારગણી ગરમી પડી હોત. પરંતુ આ ગરમી જે પાણીનું બાષ્પીભવન કરવા માટે સક્ષમ હતી તેણે વાદળોનું જાડું વર્તુળ બનાવી દીધું હોત અને તેણે વધારાના તાપમાનને વ્યવસ્થિત કરી દીધું હોત અને આથી સર્વોચ્ચ બિંદુની ઠંડી અને સૂર્યની નજીક ગયેલી પૃથ્વીની ધરીની ગરમી સરખી થઇ જાત.”

“કેટલી ડિગ્રી?” નિકોલે પૂછ્યું, “શું ગ્રહોના અવકાશના તાપમાનનો અંદાજ બાંધવામાં આવ્યો હતો ખરો?”

“પહેલા કરવામાં આવ્યું હતું,” બાર્બીકેને જવાબ આપ્યો, “પરંતુ તે ઘણું વધારે પડતું હતું પરંતુ હવે ફ્રેન્ચ એકેડમી ઓફ સાયન્સ ફોર્ટીયરની ગણતરી બાદ એ શૂન્ય કરતા સાઈઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નીચેથી વધુ જઈ શકતી નથી.”

“પૂહ!” માઈકલે કહ્યું, “એ તો કશું જ ન કહેવાય!”

“અરે આ તો ઘણું કહેવાય,” બાર્બીકેને જવાબ આપ્યો; “બંને ધ્રુવો પર નોંધવામાં આવેલું તાપમાન ખાસ કરીને મેવિલ આયલેંડ અને ફોર્ટ રિલાયન્સ ખાતે તે શૂન્યથી છોત્તેર ડિગ્રી ફેરનહીટ નીચે હતું.”

“જો હું ભૂલ ન કરતો હોઉં તો,” નિકોલે કહ્યું, “એમ પોલેત, એક અન્ય સેવકે અવકાશનું તાપમાન શૂન્યથી નીચે અઢીસો ડિગ્રી ફેરનહીટ જેટલું અંદાજયું હતું. પરંતુ આપણે, જો કે, આ તમામ ગણતરીઓ આપણી રીતે ચકાસી શકીશું.”

‘અત્યારે નહીં; કારણકે સૂર્યકિરણો જે અત્યારે થર્મોમીટર પર સીધા જ પડશે તે માન્યતાથી વિરુદ્ધ ઉંચું તાપમાન દર્શાવશે. પરંતુ જ્યારે આપણે ચન્દ્ર પર પહોંચીશું, તેની પંદર રાત્રીઓના દિવસો બંને તરફ દરમ્યાન, આપણી પાસે આ સંશોધન કરવાનો પૂરતો સમય હશે કારણકે આપણો ઉપગ્રહ શૂન્યાવકાશમાં હશે.”

“શૂન્યાવકાશથી તમારો શો મતલબ છે?” માઈકલે પૂછ્યું. “શું એ એટલું ચોક્કસ હોય છે?”

“ત્યાં બિલકુલ હવા નથી હોતી.”

“અને હવાની જગ્યા કોઇપણ અન્ય વસ્તુ ભરતી નથી?”

“માત્ર આકાશ જ,” બાર્બીકેને જવાબ આપ્યો.

“અને આ આકાશ શું છે મને જણાવશો?”

“આકાશ, મારા મિત્ર, અસ્થિર અણુઓનો સમૂહ, જે તેના આકારમાં હોય છે, અને એકબીજાથી એટલા દૂર હોય છે જેટલા અવકાશમાં ગ્રહો. આ એ જ અણુઓ છે જે ધ્રુજતા ધ્રુજતા ચાલે છે અને બ્રહ્માંડમાં પ્રકાશ અને ગરમી બંને ઉત્પન્ન કરે છે.”

હવે તેઓ સેટેલાઈટની દફનવિધિ માટે આગળ વધ્યા. તેમણે જે રીતે ખલાસીઓ દરિયામાં કોઈ શબને પધરાવી દેતા હોય છે એવી જ રીતે તેને અવકાશમાં પધરાવવાનો હતો. પરંતુ પ્રમુખ બાર્બીકેનના સૂચન અનુસાર તેમણે એ કાર્ય ઝડપથી પતાવવાનું હતું જેથી તેઓ ઓછામાં ઓછી હવા અને તેની સ્થિતિસ્થાપકતા અવકાશમાં ગુમાવે. જમણી તરફની બારીના બોલ્ટ જેનું માપ બાર ઇંચ જેટલું હતું તેને સંભાળપૂર્વક કાઢવામાં આવ્યા, જ્યારે માઈકલ, જે ઘણો દુઃખી હતો તે અવકાશમાં શ્વાનને ફેંકવા માટે તૈયાર હતો. એક શક્તિશાળી લિવર દ્વારા ઉંચો કરવામાં આવેલો કાચ જે ગોળાની અંદર હવાનું દબાણ બનાવી રાખતો હતો, તેને તરતજ ફેરવવામાં આવ્યો અને સેટેલાઈટને અવકાશમાં ફેંકી દેવામાં આવ્યો. હવાનો એક કણ પણ બહાર ન નીકળી શક્યો અને ઓપરેશન એટલું સફળ રહ્યું કે બાદમાં બાર્બીકેને ગોળાનું વજન વધારતો કેટલોક કચરો પણ બહાર ફેંકી દીધો.

***