Chakravyuh - 2 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યૂહ 2

ચક્રવ્યૂહ - 2

કોલેજના ક્લાસમાં એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’ (Deceit, Deception and Trust)ની ચર્ચા કરતા કરતા પોતાના ભૂતકાળમાં સરી પડેલી જેનીફરની દ્રષ્ટિ સમક્ષ તેના અને પ્રો.યશપાલ વચ્ચેનો પરિણય દ્રશ્યમાન થાય છે. બંને વચ્ચે વીસ વર્ષ ઉંમરનો તફાવત અને એક વીડો હોવા છતા જેનીફર પ્રો.યશપાલ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે, પરંતુ તેને પોતાના વકીલ પિતા આ બાબત મંજૂરી આપતા નથી. બીજી તરફ કોઇ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ અને કોલેજની એન્યુઅલ એક્ઝામના પેપેર્સ લીક કરવાના ગુનામાં જેલમાં ગયેલા પ્રો.યશપાલનો કેસ જેનીફરના વકીલ પિતા લડે છે, પરંતુ પ્રોસીક્યુશનના મજબૂત પુરાવાથી તે જીવનનો પહેલો કેસ હારી જાય છે. પ્રો.યશપાલને 7 વર્ષ જેલ થાય છે. જેનીફરને પણ ખ્યાલ આવી જાય છે કે પ્રો.યશપાલ એક હલકી વ્યક્તિ છે..! જેનીફર તેના પિતાના કહેવાથી યુ.એસ.માં રહેતા જોન્સન સાથે લગ્ન કરી યુ.એસ. સેટલ્ડ થાય છે. એકવાર અચાનક તે જોન્સનને મળવા તેની ઓફિસે જતા જોન્સનને તેની સેક્રેટરી સાથે કઢંગી અવસ્થામાં જોઇ જેનીફર તેને થપ્પડ મારી ઘરે જતી રહે છે, જ્યાં જોન્સનના કપબોર્ડમાંથી તેને જૂના કપડાની વચ્ચે છૂપાવેલા કેટલાક કાગળ અને સાથે પડેલો એક મોબાઇલ મળ્યો, જેમાં કંઇક જોતા તેને સખત આઘાત લાગ્યો..!

જેનીફરે એવું તો શું જોયું તે જાણીએ આ ભાગમાં...

જેનીફરે તે મોબાઇલમાં કેટલીક ક્લિપ્સ જોઇ જે તેના ઘરની જ હતી. તેના પિતા કોઇ વ્યક્તિને પૈસા ભરેલી બેગ આપી પ્રો.યશપાલનો ફોટો આપતા જણાયા, તેમની સાથે તેની મમ્મી અને જોન્સન પણ હતો. જેનીફરને તો તે જ જણાવવામાં આવ્યું હતું કે જોન્સન પહેલા ક્યારેય ઇન્ડિયા આવ્યો જ નથી..! સાથે કેટલાક ડોક્યુમેન્ટ્સ અને આ ક્લિપ પરથી તેને તરત ખ્યાલ આવી ગયો કે પ્રો.યશપાલને ખોટી રીતે ફસાવનાર બીજા કોઇ નહીં પણ તેની પોતાના મા-બાપ અને જોન્સન જ હતા..! તે શોકથી સ્તબ્ધ થઈ ગઈ..! તેણે આ બધા પ્રૂફ લઈ ઇન્ડિયા આવવા નક્કી કર્યું, પણ ખૂબ શોધવા છતાંયે તેને પોતાનો પાસપોર્ટ મળ્યો નહી. “મારો પાસપોર્ટ...?” પોતાના વોર્ડરોબમાં પાસપોર્ટ શોધતા તે મનોમન બોલી.

“ડોન્ટ વેસ્ટ યોર ટાઇમ ડીયર.... તને પાસપોર્ટ નહીં મળે, તે મારી પાસે છે.!” પાછળ દરવાજેથી આવેલા જોન્સનની અવાજની દિશામાં તે વળી. જોન્સને ખીસામાંથી પાસપોર્ટ નીકાળી બતાવ્યો.

“તો આ બધું તમારું કાવતરું હતુ...” ગુસ્સામાં જેનીફર જોન્સન તરફ ધસી જઈ બોલી.

જોન્સનના એક જોરદાર ધક્કાથી નીચે પડી ગયેલી જેનીફરના કપાળે ટેબલની ધાર વાગતા લોહીની ધાર વહેવા લાગી. ટેબલ પરથી નીચે પડેલી બીયરની બોટલના તૂટેલા કાચ જેનીફરની હથેળીમાં વાગ્યા.

કપાળ પરના વાગ્યાના નિશાન પર અમસ્તી જ કાચના ઘા વાળી હથેળી ફેરવતા જેનીફર ક્લાસમાં એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’ આગળની લીટી ફરી વાંચી રહી હતી.

“You don’t know who to trust, everyone’s a target

The things they’ll do so hard to forget..!”

કપાળ પર લોહીની વહેતી ધારને કારણે જેનીફર નીચે ફસડાઇ પડી. તેના હાથમાં રાખેલા કપબોર્ડ માંથી મળેલા કાગળ અને મોબાઇલ પાસે પડી ગયા. તે પોતાના હાથમાં લઇ તેની સામે સોફા પર પગ પર પગ ચડાવી બેઠેલા જોન્સને સ્પષ્ટતા કરી, “હવે તો તને ખબર પડી જ ગઈ હશે કે પ્રો.યશપાલની આ હાલત માટે રીસ્પોન્સીબલ કોણ છે...આ પ્લાન તારા મમ્મી પપ્પાનો હતો.”

“પ્લાન..!” કપાળ પરથી વહેતા લોહીના ટીપા અને આંખના આંસુને હાથથી લૂંછતા જેનીફરે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“યસ પ્લાન...પ્રો.યશપાલને પેલી કોઇ લેડી સાથે ફસાવવા....એક્ઝામ પેપેર્સ લીકની બાબત....તેમને અરેસ્ટ કરવા....અને તારા પપ્પાએ તેમનો જ કેસ લેવો આ બધું જ એક પ્લાન હતો.!”

“તો શું પપ્પા આ કેસ જાણી જોઇને હાર્યા..?”

“આ બધો કેસ એક ફિક્સ ડ્રામા જ હતો. તેનો મેઇન એઇમ હતો પેલા પ્રો.યશપાલને જેલ ભેગો કરવાનો..! જેનીફર, આ એક ચક્રવ્યૂહ હતું, જેમાં તુ અને તારો પ્રો.યશપાલ ફસાઇ ગયા..!” મોંમાં સિગારને સળગાવતા જોન્સને વાત કરી.

“તો શું હું હવે તમને બધાને છોડીશ..? આ બધા જ પ્રુફ્સ હું કોર્ટમાં રજૂ કરીશ..!” મક્કમ મને જેનીફરે જણાવ્યુ.

સિગાર સળગાવ્યા પછી હાથમાં રાખેલા ડોક્યુમેન્ટ્સની ફાઇલને લાઇટરથી સળગાવતા જોન્સન બોલ્યો, “કયા પ્રુફ્સ..?” સળગતી ફાઇલ ઠારવા ઉભી થઈ જવા કરતી જેનીફર જોન્સનની એક જોરદાર લાતથી દિવાલને અથડાઇ પડી. જોન્સને પેલી ક્લિપ્સવાળો મોબાઇલ જમીન પર પછડતા જ તેના ટૂકડે ટૂકડા થઈ ગયા..!

“હવે આ કોઇ પ્રુફ્સ બચ્યા નહી, અને આ બધું કોના માટે કરવું છે તારે..?”

“પ્રો.યશપાલને બચાવવા..” જેનીફરના શબ્દો સાંભળતા એક મોટા અટ્ટહાસ્ય સાથે મોંમાં સિગારની કશ ખેંચી તેનો ધુમાડો જેનીફરના મોં પર છોડી જોન્સન બોલ્યો, “પ્રો. યશપાલ હવે પાસ્ટ થઈ ગયો...આટલી બદનામી અને પોલીસના ટોર્ચરથી તે બિચારાએ બે મહિના પહેલા જેલામાં જ સૂસાઇડ કરી લીધું..!”

જોન્સનની વાત સાંભળતા જ મોટી ચીસ પાડી જેનીફર સાવ ફસડાઇ પડી. “ના....પ્રો.યશપાલ આમ સાવ...!”

“અરે, તે બિચારો તો તે દિવસે કોર્ટ બહાર તારી એક થપ્પડથી જ સાવ મરી પરવાર્યો હતો. બાકી રહ્યું સહ્યું બધું તારા મમ્મી પપ્પાએ પોલીસને પૈસા આપી પૂરુ કરાવ્યુ..!” જોન્સને ઉમેર્યું.

જેનીફર ચોધાર આંસુએ રડતા નીચે માથુ રાખી ઢળી પડી. સિગારના ધુમાડા છોડતો જોન્સન વિન્ડો ગ્લાસ બહાર ક્રિસમસની લાઇટીંગ જોતા હસી રહ્યો હતો.

જેનીફરે જોયુ કે તેની પાસેના તમામ પ્રુફ્સ ડીસ્ટ્રોય થઈ ગયા હતા, પણ તેનો ગુસ્સો નહીં..! વિન્ડો બહાર જોતા જોન્સને કોઇ મોટા અવાજ સાથે માથા પર કંઇક વાગતુ અનુભવ્યું. એક મોટા ફટકાર સાથે અસહ્ય પીડા થઈ રહી, ચહેરા પર લોહીની ધાર વહેવા લાગી અને આંખ આગળ અંધારુ છવાવા લાગ્યું. પાછળ ફરી જોયુ તો જેનીફરના હાથમાં તૂટેલી બીઅરની બોટલ હતી, જેના કાચના કેટલાક ટૂકડા તેની આસપાસ હતા અને થોડા માથામાં પણ હતા. જોન્સન નીચે ફસડાઇ પડ્યો. વાસ્તવમાં જેનીફરે ગુસ્સામાં આવી અને જોન્સનને પીઠ ફરેલો જોઇ મોકો મળતા પાસે પડેલી બીઅરની તૂટેલી બોટલ પૂરા જોશથી તેના માથા પર ફટકારી મારી. જોન્સન તરફડિયા મારતો હતો. તેના પડી ગયેલા મોબાઇલને ઉઠાવી જેનીફરે જોન્સનની સેક્રેટરીને મેસેજ કર્યો, “ક્મ અરજન્ટલી એટ માય હોમ.”

જોન્સનનો આખો ચહેરો લોહીથી નીતરવા લાગ્યો. જેનીફરે પાસે આવી તેના મોં પર એક જોરદાર લાત મારી તેના ખીસામાંથી પોતાનો પાસપોર્ટ નીકાળી લીધો. “પ્રો.યશપાલ સાથે કરેલી દરેક બાબતનો બદલો હવે હું લઈશ.” છૂટા વાળ સાથે જેનીફર જાણે આજે ચંડીકા બની હોય તેમ જોન્સન પર એક-એક પ્રહાર કરતી રહી. જોન્સન અધમૂઓ થઈ પડી રહ્યો. તેના શ્વાસ ધીમા પડતા જતા હતા, તેની આંખ આગળ અંધકાર વધતો જતો હતો. જેનીફરે પાણીના ગ્લાસથી જોન્સનના મોં પર પાણી મારી તેને જગાડ્યો, “આઇ વોન્ટ લેટ યુ ડાઇ સો ઇઝીલી..!” મોં પર પાણીની છલક વાગતા જોન્સન જરા હોશમાં આવ્યો. તે ઊભો થઈ શકવા અસમર્થ હતો. તે આછુ જોઇ શકતો હતો. તેની સામે સોફા પર હવે જેનીફર પગ પર પગ ચઢાવી બેસી કોઇ કપડાથી બીઅરની તૂટેલી બોટલનો હાથ લૂછી રહી હતી.

“શું જોઇ રહ્યો છે..? આ હું શું કરુ છુ તે..? હવે આ બીજું ચક્રવ્યૂહ છે. વેઇટ એન્ડ વૉચ..!” કપડાથી નવી બીઅરની બોટલ હાથમાં પકડતા જેનીફર બોલી.

જેનીફર શું કરવા વિચારી રહી છે..?

જોન્સનનું શું થશે..?

શું છે જેનીફરે વિચારેલ આ બીજું ચક્રવ્યૂહ..?

આ સવાલના જવાબ મેળવવા જરા રાહ જોઇએ.… ટૂંક સમયમાં આવે છે… ચક્રવ્યૂહ 3

***