Saja books and stories free download online pdf in Gujarati

સજા - “સજા”

“સજા”
ધોમધખતો તાપ અને આખી ઑફિસ જાણે ગરમીના તાપે બેહાલ. સરકારી ઓફિસના મોટા મોટા ઓરડાઓમાં મોટા મોટા પંખાઓનો મોટો મોટો કિચૂડ કિચૂડ અવાજ જાણે પોકારી પોકારીને કશુંક કહેવા ના માંગતો હોય! એ અવાજ સિવાય ત્યાં અવાજ કહેવાય એવું બીજું કશું જ નહોતું. એકદમ નીરવ નહીં પણ જાણે ભયંકર શાંતિ જણાતી હતી. ફાઈલોમાંથી માથાં ઊંચકાતા, આમતેમ નજર દોડાવતાં ને પાછા ફાઇલમાં ઘૂસી જતાં. પેલો કાનન પણ આજે ચૂપ.....”સાલો કેવી લુચ્ચી નજરે જોઈ રહે છે.” મૃદુલા પરસેવો લૂછતાં લૂછતાં બબડી, “ક્યારની તરસ લાગી છે ને આ પટાવાળાય.....!

મૃદુલાએ આમતેમ જોયું ત્યાં તો એક વૃદ્ધ સામેની ખુરશીમાં આવીને ગોઠવાઈ ગયો.એ પાણી પીવા ઊભી થવા ગઈ ત્યાં તો પેલો સોની નોટ સામે ધરી બે હાથ ધરીને બોલી ઉઠ્યો, “મેડમ, આ જરાક કામ કરી દો. આમાં સહી ....” એણે ટેબલ પરની નોટ હાથમાં લીધી ને પાછી આપવા ગઈ, ત્યાં તો અજાણ્યા ચાર-પાંચ જણા ધસી આવ્યા ને તે લાંચ કેસમાં પકડાઈ ગઈ. આખું છટકું જાણે આગોતરું ગોઠવેલું હોય એમ એક પછી એક કિરદારો આવતા ગયા અને નાટક ભજવાઈ ગયું. એને એ લોકો એ જ સમયે પોતાની સાથે પોતાની ગાડીમાં બેસાડીને ગુનો બજાવીને સીધી કોર્ટમાં જ લઈ ગયા. એ વખતે પેલો કાનન કેવો મૂછમાં હસતો રહ્યો! કશોક બદલો વાળવાનો સ્વાર્થી આનંદ એના મોં પર છલકાતો હતો.

વાત વાયરે ચઢી ને ઘેર પહોંચી. મનહરલાલ દોડતો આવ્યો. પોલીસની અને કોર્ટની પૂછતાછ પુરાવા ઉપર જ ચાલે અને પુરાવાના આધારે મૃદુલા દોષી ઠરી. અને મનહરલાલ કે એના તરફેણમાં વકીલ કશું કરે એ પહેલાં તો પેલા એસીબી વાળા એને કોર્ટની બહાર દોરી ગયા હતા. સામેની મસ્જિદમાંથી બાંગ પોકારાઈ અને એને યાદ આવ્યું કે ઓહ આજે તો શુક્રવાર....બસ થઈ રહ્યું. હવે તો જે થાય તે સોમવારે. ત્રણ દિવસ કસ્ટડી .....ને તે ધ્રૂસકે ચઢી. ને મૃદુલા શુક્રવારે સાંજે જેલમાં ગઈ એ હવે એ સોમવાર પહેલા બહાર આવી શકે તેમ નહોતી.

છેલ્લા રવિવારની એ સવાર. પોતાની મોટી દીકરી તન્વીની દીકરી હીરને શનિવારે આખો દિવસ રમાડી અને સવારે વહેલી નીકળી તે ઘરે આવી. શનિવારે તન્વી જોડે મૃદુલાએ એવી રીતે વાતો કરેલી કે જાણે મૃદુલા જાણતી જ હતી કે કૈંક અનહોની થવાની છે. હીરને જે રીતે મૃદુલા રમાડી રહી હતી તન્વી કંઈ સમજી ના શકી કે પોતાની દીકરી અને પોતાની માં બેઉમાં બાળક કોણ છે? નિર્દોષતાની મૂર્તિ સમી મૃદુલા અને હીર જાણે એકબીજાનો પર્યાય હતા. નાની દીકરી તૃષા તન્વીના લગ્ન પછી મૃદુલા અને મનહરલાલનું બહુ જ ધ્યાન રાખતી. રવિવારે તૃષાનું મન પણ જાણે આવનારી આંધીનો સંકેત આપતું હોય એવું બેચેન હતું. સવારે તન્વીના ત્યાંથી પાછી આવેલી મૃદુલાનો ઊતરેલો ચહેરો જોઈ તૃષા અનાયાસ બોલી ગયેલી કે આ શું ચહેરો બનાવ્યો છે ? જાણે કોઈ મોટો ગુનો થઈ ગયો હોય ! મનહરલાલે તૃષાને ચૂપ કરાવી, “ કે શું તુંય બેટા ?, તારી મમ્મીને જરા કોફી તો આપ. પછી વાત કરજે કે શું થયું છે? “ ત્યાં તો બાજુના ઘરમાં રહેતાં મનહરલાલના માતાજી આવ્યાં. “તૃષા , જરા બા માટે પણ કોફી લાવજે”, મૃદુલાએ તૃષાને રસોડામાં સંભળાય એમ બૂમ પાડી.

મનહરલાલના માતાજી કંકુમાંને મૃદુલાનાં રૂપનો ખૂબ ગર્વ કે એમની વહુ આખા સમાજમાં બહુ રૂપાળી છે અને વળી સરકારી નોકરી કરે છે . પણ અમુક સંજોગોમાં મનહરલાલનો ધંધો બરાબર ના ચાલતાં આજે મૃદુલા જ ઘર ચલાવી રહી અને કંકુમાંને પણ મદદ કરતી હતી. જોકે મૃદુલાની દેરાણી ભાવિકાને આ બધું જરા પણ પસંદ નહોતું. વળી પહેલા જ ખોળે દેવના દીકરા જેવો અર્પિત જન્મ્યો એટલે ભાવિકા તો સાસુ કંકુમાંની લાડલી થઈ ગઈ હતી. જોકે આ બધાંથી મૃદુલાને કોઈ ફેર પડતો નહોતો. પણ એના રૂપને કારણે એને દરેક જગ્યાએ વેઠવાનું તો આવતું જ.

મૃદુલાને સ્કૂલમાં પણ એના વર્ગશિક્ષક દ્વારા હેરાનગતિનો ભોગ બનવું પડેલું. ત્યારે એનું રૂપ જ જવાબદાર હતું. ને પછી તો કોલેજમાં , બસમાં, મેળામાં, કે થિયેટરમાં પિક્ચર જોવાનું હોય, મૃદુલા ત્રાસી ગઈ હતી એ બધી નજરો અને વાકપ્રહારોથી .આ તો એના ફોઈના કહેવાથી સમયસર મનહરલાલ જોડે પાકકું થઈ ગયું અને મૃદુલાને પ્રેમાળ પતિ મળી ગયો જે એના રૂપને નહીં, એના આત્માને ચાહતો હતો એટલે મૃદુલા હવે જીવવા લાગી હતી.

અચાનક તૃષાએ કોફીનો કપ આપ્યો ને એકઝાટકે મૃદુલા બહાર આવી ગઈ પોતાના ભૂતકાળમાંથી. ને કંકુમાંનો સીધો સવાલ ગરમાગરમ કોફી કરતાંય વધારે દઝાડી ગયો. “તે આ ધોયેલાં મૂળાં જેવો ચેહરો લઈને કેમ ફરે છે મૃદુલા? ઑફિસમાં બધું બરાબર તો છે ને?” “હા, બા ઑફિસમાં તો શું હોય? બધે બધું બરાબર જ છે . આ તો થાકી ગઈ છું એટલે એવું લાગતું હશે.” મૃદુલાએ બહુ મહેનત કરી કશુંક છુપાવવા માટે.

ઓફિસે જવાનો સમય થવા લાગ્યો હતો. મૃદુલા એકશ્વાસે ગરમ કોફી ઘટઘટાવી ગઈ. એના રૂપની આ તે કેવી સજા! મનમાં એના જાણે આખો વિચારોનો દાવાનળ પ્રગટી રહ્યો હતો. મૃદુલા લગ્ન પછી તરત નોકરીએ લાગી હતી. ઘરથી નજીકની સ્કૂલમાં એક સામાન્ય શિક્ષકની 200 રૂપિયા પગારની એ નોકરી ત્રીસ વરસ પહેલાં એની અને મનહરલાલ માટે બહુ જરૂરી હતી. મનહરલાલની નોકરી જ્યાં શહેરમાં હતી, એટલે મૃદુલા પણ મનહરલાલ સાથે રહેવા આવી ગઈ અને બંને જણા ખૂબ મહેનત કરતાં અને બચત કરી સારા એવા પૈસા ગામે કંકુમાં અને દિયર નરેશને મોકલવી આપતા. નરેશને એન્જિનીયર બનાવવામાં આ બેઉનો બહુ મોટો ફાળો હતો. પણ ભાવિકાના આગમને બેઉ હંમેશ માટે અલગ થઈ ગયા અને કંકુમાંને પણ ભાવિકાની સેવાનો લાભ લેવો’તો એટલે એય ત્યાં જ રહી ગયા. મૃદુલાએ મનહરલાલ સાથે રહી બહુ મહેનત કરી તન્વી અને તૃષાને મોટી કરી. ટ્યૂશનોય કર્યા અને સરકારી નોકરીની પરીક્ષાની પણ બરાબર તૈયારી કરી અને એક સપરમા દિવસે તેને સરકારી નોકરી, એ પણ વર્ગ-૨ની મોભાદાર નોકરી મળી ગઈ. મનહરલાલના પ્રયત્નો ચાલુ જ હતા કે તેઓ પણ ઘરમાં પોતાનું ખાસ યોગદાન આપી શકે, પણ સંજોગ જુઓ કે નસીબ તેઓને નોકરી સાથ આપતી નહોતી અને જે કઈ ધંધો શરૂ કરે એમાંય ખોટ જ જતી હતી. એટલે આખું ઘર મૃદુલા પર જ નભતું હતું.

મૃદુલા પહેલેથી જ મહેનતુ અને ઈમાનદાર વ્યક્તિત્વ એટલે સરકારી કામકાજમાં તેના ઉપરીઓની પ્રિય થઈ ગયેલી. ઘરની જવાબદારી અને ઑફિસનું કામ તે બંને સરસ રીતે સાચવી રહી હતી. બંને દીકરીઓને સારામાં સારું શિક્ષણ અને જીવન ઘડતર આપ્યું. તન્વીના યોગ્ય સમયે લગ્ન પણ કરાવ્યા અને જોતજોતામાં તો તન્વીએ પણ લગ્નના પાંચમા વર્ષે હીર જેવી નાનકડી પરીની ભેટ આપી. જમાઈ તરીકે અનિકેત પણ મૃદુલાને ખૂબ જ આદર આપતો. મૃદુલા માટે આ લીલીછમ વાડી જોવી એક આહ્લાદક અનુભવ રહેતો. કંકુમાં પણ ક્યારેક આવી જતાં અને મન ભરીને આ વાડીની મજા માણતાં. નરેશ અને ભાવિકા પણ હવે ઠીક ઠીક વ્યવહારુ બન્યાં હતાં. તૃષા પણ માંના પગલે સરકારી નોકરીની તૈયારી કરતી હતી. મૃદુલાનો ભર્યોભાદર્યો સંસાર કોઈને પણ ઈર્ષ્યા કરાવે એવો હતો. અને કેમ નહીં? એ માટે એ બેઉ જણે, ખાસ તો મૃદુલાએ બહુ મહેનત કરી હતી. આજુબાજુના લોકો કે સગાંસંબંધીઓને જેટલાં મોઢા એટલી વાતો રહેતી, “ મૃદુલાને તો એના રૂપને કારણે જ આ નોકરી મળી છે. મોટા મોટા સરકારી અધિકારીઓને આવાં જ બૈરાં ગમે ,ને પાછો મનહરલાલ કંઈ બોલતો નથી એટલે મૃદુલા આ બધાનો ફાયદો ઉઠાવે છે.” ગામને મોઢે ગરણું દેવાય? એ ન્યાયે મનહરલાલ અને મૃદુલા ચૂપ જ રહેતાં.

જો કે આ પૃથ્વી પર ક્યારેય એકધાર્યો કોઈ પ્રવાહ વહી શકે ખરો? કે અહીં પણ એવો પ્રવાહ વહે?!!! મૃદુલાની એના જ વિભાગમાં પણ બીજા જિલ્લામાં બદલી થઈ. બદલીઓનો દોર હંમેશ પ્રમાણે જ ચાલતો, પણ દર વખતે મૃદુલા બાળકોના અભ્યાસના નામે એ જ શહેરમાં રહી શકી હતી. પણ હવે આ એકધાર્યો પ્રવાહ જાણે સામો પ્રવાહ બન્યો હતો. મૃદુલાને બીજા શનિવારની રજા છતાં ફોન પર જ ખાસ સૂચના અપાઈ હતી કે આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો છે. સરકારી હુકમનો ક્યારેય અનાદર ના કરનારી મૃદુલાને આ હુકમ પણ માનવો જ પડે ને ! તાબડતોબ મૃદુલાએ હુકમની અમલવારી કરી અને સોમવારે તો પોતાના નવા જિલ્લામાં પોતાની નવી જગ્યાએ હાજર થઈ ગઈ. આજ સુધી જે રીતે તેણે એક જ જગ્યાએ આટલા વર્ષો કામ કર્યું હતું, એ રીતે નવા જિલ્લામાં તેની માટે આ થોડું અઘરું તો ખરું!

નવા લોકો ને નવી જગ્યા સાથે એકલા મેળ પાડવાનો અને પાછું ઘરથી દૂરનો જિલ્લો એટલે સરકારી બંગલે એકલું રહેવાનું. આમ તો ઘર, ગાડી ને સત્તા –બધું સુખમય જ ભાસે પણ અંદરથી મૃદુલા થોડી એકલી પડી ગઈ હતી. ચારેબાજુ નવા લોકો તમને અજાણી નજરે જોયા કરે ને પાછો હાથ નીચેનો સ્ટાફ પણ તરત થોડો ગાંઠે ! ઉપરી અધિકારીને તો તોયે કદાચ સંભાળી લેવાય પણ આ હાથ નીચેના લોકો અને ત્યાં ચાલતું ગંદુ રાજકારણ .....! મૃદુલાને સરકારી ગાડીનો ડ્રાઈવર બધું સાનમાં કહી ગયો. હવે કેવી રીતે રહેવાનું એ મૃદુલાનાં હાથમાં હતું. દરબારોનું ગામ ને એમાંય પાછા દરબારોનો પૂરી પંચાયતમાં દબદબો.. એક પણ નિર્ણય સરકારી ચોપડે લખાય એ પહેલાં આ પંચાયતની સહમતી જરૂરી. કેટલાંક કામો નિયમ વિરુદ્ધના પણ એમાં જ ખપી જતાં. મૃદુલાને અહીં માત્ર એક કઠપૂતળીની જેમ જ રહેવાનું હતું.ને વળી પેલા સરકારી એન્જિનીયર કાનનની દખલગીરીયે સહેવાની હતી. નાની નાની વાતોમાંય કાનન મૃદુલાની કેબિનમાં આવી જતો અને નાહક બેસી રહેતો. મૃદુલા શરૂશરૂમાં તો ચૂપચાપ આ બધું જોયા કરતી કે આખરે આ શું થઈ રહ્યું છે? ધીમે ધીમે લગભગ પંદર દિવસે એને અંદાજો આવ્યો કે અહીં સરકારી યોજનાઓના અમલમાં ભયંકર બેદરકારી અને ગેરરીતિ ચાલી રહી છે. કાનન અને તેના મળતિયાઓ એકદમ ખુલ્લેઆમ સરકારની યોજનાઓના પૈસાને ચાઉં કરી રહ્યા હતાં અને પેલા કહેવાતા દરબારોની પંચાયત આ બધું જોયા કરતી હતી. જાણે એ લોકોના કાનન પર ચાર હાથ હતાં.

કાનન જ્યારે પણ એની કેબિનમાં આવીને બેસતો એક ગંદી નજરથી જ જાણે એ મૃદુલાને જોતો. મૃદુલાનું રૂપ અહીં પણ તેને કનડી રહ્યું હતું. કાનન પણ સરખી જ ઉંમરનો કહેવાય. એટલે એણે મૃદુલા સાથે બોલવામાં તો ઘણી જ છૂટછાટ લીધેલી, પણ એ દિવસે કાનન નશામાં હતો. ઑફિસના એક કર્મચારીની દીકરીના લગ્ન નિમિત્તે લગભગ આખો સ્ટાફ બપોરે ત્યાં જમવા ગયો હતો અને મૃદુલા એકલી જ ઑફિસમાં હતી. કાનન જાણે કેટલાયે સમયથી આ જ મોકાની તલાશમાં હતો. અને આજે એણે પોતાના મનસૂબા પાર પાડવાનું જાણે નક્કી જ કરી લીધું હતું. મૃદુલા આમ તો સાવધ જ રહેતી હતી પણ એ દિવસે રસ્તાઓની ગ્રાંટના ચેકોમાં સહી કરવાની હતી એટલે એનું બધું ધ્યાન એમાં જ હતું. એ કઈ ક્ષણે કાનન એમ સાવ જ અચાનક એની ખુરશી તરફ ધસી આવ્યો એને ખબર જ ન પડી! કાનને લગભગ એને પોતાની બાથમાં પકડવાની પૂરેપૂરી કોશિશ કરેલી,પણ મૃદુલા તરત એણે હડસેલી કેબિન બહાર નીકળી ગઈ અને કાનન પણ હાંફળોફાંફળો ગુસ્સામાં લાલઘૂમ એના વિખરાયેલા વાળ સરખા કરતો કરતો ગાડીમાં બેસી બહાર નીકળી ગયો. મૃદુલા સ્તબ્ધ હતી પણ હવે એ વધારે સાવધ પણ હતી. કાનનના ગયા પછી પણ એ લગભગ દસેક મિનિટ સુધી બહાર જ આંટા મારતી રહી અને પ્રાંગણમાં જ આવેલી સામેની ઑફિસમાં પાણી ભરતી બાઈને જોતી રહી. એ બાઈએ પણ જાણે મોઘમ ઈશારામાં બધું સમજી લીધું હતું એમ ચૂપચાપ પોતાનું કામ કરતી રહી. થોડી વારે એક પછી એક સ્ટાફના લોકો આવવા લાગ્યા, મૃદુલા હવે ઑફિસમાં રાખેલા સોફામાં જાણે ફસડાઇ પડી હતી. ફાઈલોનો એક મોટો થપ્પો પટાવાળો ટેબલ પર મૂકીને ચૂપચાપ જતો રહ્યો. મૃદુલાને હવે સ્વસ્થ થઈ જવાની જરૂર હતી. કેબિનમાં જ આવેલા વોશરૂમમાં બેઝિન પાસે જઈ એણે એકઝાટકે નળ ખોલ્યો અને નળમાંથી વહેતા પાણીની ધાર સાથે એણે પોતાની વેદનાના અશ્રુઓને પણ વહેવડાવી દીધા ને બીજી જ મિનિટે સ્વસ્થ થઈ અરીસામાં જોઈ ચહેરો સાફ કરી, બાજુમાં લટકાવેલા નેપકિનથી તેણે પોતાનો ચહેરો અને એની પાછળની વિકરાળ વિહવળતાને લૂછી નાંખી. બહાર આવી પોતાની ખુરશીમાં એકદમ સ્વસ્થતાથી બેસી ગઈ અને ફાઈલોના ઢગલામાં જાણે પોતાને સંતાડવા લાગી!!!

અહીં આવ્યાંને હજી તો જાણે મહિનો જ થયો હતો. શનિરવિની રજામાં મૃદુલા જ બે વાર ઘરે જઈ આવી હતી એટલે હજી સુધી ત્યાંથી કોઈ અહીં આવ્યું જ નહોતું. આજે મૃદુલાને એકદમ દોડીને પોતાના ઘરે જતું રહેવું હતું. પણ સરકારી નોકરીના ફાયદાઓની સાથે જ જવાબદારીઓ પણ એટલી જ ભાગે મળે કે તમે સરકારના ચોવીસ કલાકના બંધાયેલા જ રહો અને આમ ભાગી ના શકો. એટલે મૃદુલા એકાદ કલાક જ બેસીને પોતાના પી.એ.ને “તબિયત ખરાબ છે, કશું ખાસ અગત્યનું હોય તો ઘરે મોકલજો” એમ કહી અગાઉથી કહીને તૈયાર રખાવેલી ગાડીમાં બેસી બંગલે જતી રહી. એના ધ્રૂસકાંએ હવે તો જાણે આખું ઘર માથે લીધું. એ ખૂબ જ રડી અને છેવટે જાતે જ એણે પોતાને સંભાળી. સ્વસ્થ થઈ એણે પોતાની માટે કોફી પણ બનાવી અને કોફીનો કપ લઈ ટી.વી. ચાલુ કર્યું. એજ રોજની સાસુવહુની ભરમારવાળી સિરિયલો અને એના એ જ જૂના સમાચાર.....ક્યાંય કશું નવું નહીં...જૂનું જ તો બધું એના માનસપટમાં પણ ચાલી રહ્યું હતું. સ્કૂલના સમયથી કોલેજ સુધી આ જાતને સાચવવા કંઈ કેટલીયે નજરોનો સામનો કર્યો હતો અને આ આટલા વર્ષે ફરીથી હજુ......સાલો કાનન ...ને એની આટલી હિમ્મત...અને પોતે કેટલી નિ:સહાય ? આવું તે કાંઈ ચાલતું હશે? પણ હવે આ ઉંમરે કોઈને કહું તો કોઈ સાચું મને ખરું???!! પોતાનું રૂપ જ તેને સૌથી વધુ હેરાનગતિ આપતું હતું. કાશ આ રૂપ જ ના હોતું......!

બીજા દિવસે રોજની જેમ જ ડ્રાઈવર બંગલે આવીને ઊભો. ગાડીનો અવાજ આવ્યો ત્યારે તો મૃદુલા હજી ઊંઘમાંથી જાગી. મૃદુલાએ એને ફોન કરીને જ કહી દીધું કે એ બોલાવે ત્યારે આવે . અત્યારે હજી એણે વાર થશે ઓફિસે આવતાં. ડ્રાઇવરને ગઇકાલથી જ કશુંક અજુગતું થયાની ગંધ આવી ગયેલી. એની અનુભવી આંખોને એક અણસાર મળી ગયો હતો. પણ સ્ત્રી માણસને કોણ કશું પૂછી શકે એ ન્યાયે એ પાછો ઓફિસે આવી ગયો ને મૃદુલાનાં સમાચાર એના પી.એ.ને પણ આપ્યાં કે આજે મેડમ મોડાં આવવાના લાગે છે. આમ પણ આજે બુધવાર એટલે જાહેર જનતાને તો આજે મળવાનું હોતું નથી એટલે ખાસ કોઈ વાંધો નહીં આવે એ વિચારે એના પી.એ.એ પણ ખાસ કશું કહ્યું નહીં. અને બપોરે લગભગ એકાદ વાગ્યે કાનન આવ્યો. આવીને સીધો મૃદુલાની કેબિનમાં..... કેબિન ખાલી જોઈ સીધો બહાર આવીને સ્ટાફમાં પૂછવા માંડ્યો કે મેડમ ક્યાં છે? એના અવળચંડા સ્વભાવથી સ્ટાફ પરિચિત જ હતો , પણ આજે એની આ બેચેની તો સ્ટાફવાળાય પહેલી જ વાર જોઈ રહ્યા હતાં. જોકે કોઈ કશું કહે એ પહેલાં જ મૃદુલાની ગાડી આવી અને એજ ઠસ્સાથી મૃદુલા ગાડીમાંથી ઊતરી અને રૂઆબભેર પોતાની કેબિનમાં જતી રહી, જાણે એ પોતાની જાતને એમ સમજાવવા માંગતી હતી કે કાલે કશું થયું જ નહોતું. કાનન પણ એ રૂપગર્વિતાને જોઈ જ રહ્યો. પણ પછી તરત જ ભાન થતાં સીધો મૃદુલાની કેબિનમાં ધસી આવ્યો. મૃદુલાએ આજે પહેલી વાર હિમ્મત કરી એને થોડી વાર બહાર બેસવા કહ્યું. ધૂંઆંપૂંઆં કાનન માટે આ એક સબક જ કાફી હતો , એ ગુસ્સાથી બહાર નીકળી ઑફિસમાંથી જ જતો રહ્યો. મૃદુલા એકદમ સ્વસ્થ અને સતર્ક રહી ફાઈલો વાંચીને એક પછી એક ફાઈલોમાં સહી કરી એનો નિકાલ કરતી ગઈ.....જેમ એણે કાનનનો નિકાલ કર્યો હોય જાણે!!!!

એ દિવસે તો કાનન દેખાયો જ નહીં એટલે મૃદુલાને શાંતિ થઈ ગઈ. પણ એને અંદાજો નહોતો કે આગળ જતાં હજી બીજું શું શું થવાનું છે??? ગુરુવાર તો કોઈ અંદેશાની દહેશતમાં નીકળી ગયો ને એ ગોઝારો શુક્રવાર આવી પહોંચ્યો...મૃદુલા પૂરેપૂરી સ્વસ્થતાથી ઑફિસ આવી હતી અને કામે લાગી હતી. જોકે આવતાંવેંત જ એણે કાનનનો મલકાતો ચહેરો જોયેલો ને એને મનમાં કોઈ આશંકા સળવળી હતી.સાલો આ કાનન કેટલો બેશરમ અને નાલાયક છે... કોઈ શરમ હયા જેવુ એને છે જ નહીં. વૈશાખની બળબળતી બપોરે મૃદુલા એક આંટો કેબિન બહાર સ્ટાફ બાજુ મારી આવી અને ખાતરી કરી આવી કે બધા ઓફિસમાં જ છે ને! કારણ કે આજે કાનન આવ્યો હતો. પેલા દિવસના અનુભવ પછી એ હવે વધારે સાવધ રહેવા માંગતી હતી. જરાક ધ્યાન હટે ને પેલો રાક્ષસ આવી જાય તો!

ફાઈલોના ઢગલામાંથી માંડ માથું ઊંચકી એણે પટાવાળાને બૂમ પાડી...પણ પેલો હોય તો આવે ને....તરસના માર્યા ગળું સૂકાઈ રહ્યું હતું.આમ તો ટેબલ પર એકદમ આરપાર દેખાય એવા ને તોયે જાડા કાચના ગ્લાસમાં ઢાંકણ ઢાંકીને એને પીવાનું પાણી મૂકેલું જ હોય. પણ એય આજે ખાલી હતું. સોફાની બાજુમાં કાયમ પેલો મિલ્ટનનો જગ ઠંડા પાણીથી ભરેલો રહેતો.એની બાજુમાંય પેલા ગ્લાસ જેવા બે ગ્લાસ રહેતા. મૃદુલાએ વિચાર્યું કે ઊભી થઈ પાણી પી લે. ને ત્યાં તો અચાનક ......... પેલો વૃદ્ધ આવીને સીધો તેના ટેબલની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયો. અને પછી જે થયું તે તો બસ.........

સવારના ત્રણ થયાં હતા અને એ કાચા કામના કેદીઓની મહિલા જેલની ખૂણાની એક ઓરડીમાં મૃદુલા બસ જાગતી ને વિચારતી, યાદ કરતી બેસી રહી હતી. જેલમાં રોજ સવારે ત્રણ વાગ્યે ઉઠવાનો નિયમ હોય એટ્લે પાંચ મિનિટમાં તો એ બધી ઓરડીઓમાંથી જાણે અવાજો આવવા લાગ્યા.....ઊઠીને સીધું બ્રશ કરીને નાહી લેવાનું. બધાએ સમૂહમાં જ રહેવાનું. ને પેલી જેલની હવાલદારો બેશરમની જેમ આ બધું જોઈ રહેતી. મૃદુલાને આ બધું જાણે કોઈ શ્રાપ જેવું લાગી રહ્યું હતું. કદાચ શકુંતલાને તો દુષ્યંતના વિચારોમાં મગ્ન હોવાને કારણે શ્રાપ મળેલો. પણ પોતે તો ..આ કયા શ્રાપની પીડા ભોગવી રહી હતી? કાચા કામની કેટલીક કેદીઓ તો અહીં એવી ટેવાઇ ગયેલી કે જાણે આ જ એમનું જીવનભરનું ઘર હોય! નિત્યક્રમથી પરવારીને મૃદુલા કોટડીના પગથિયે બેઠી વિચારી રહી હતી. કોટડીની બહાર મસ્ત મજાનું ચોગાન અને એનાથી થોડે દૂર સરસ મજાનો બગીચો. એની જ બીજી બાજુએ રસોડું. કડવા લીમડાની મીઠી છાયા અને એમાં ઓળઘોળ થઈને આવતો પવન ગ્રીષ્મના દહદને શાતા આપી રહેતો જાણે! પણ મૃદુલના મનમાં એ આગ ઠાલવી રહ્યો હતો. ખૂનની, પાસાની, દહેજના દૂષણની, ચોરીની ને બીજા કંઈ જાતભાતના ગુનાઓની સજા કાપતી સ્ત્રીઓ અને બીજી બાજુ ભ્રષ્ટાચારનાં ગુનામાં સંડોવાયેલી મૃદુલા.......અહીં જાણે બધી બહેનો સરખી જ હતી.

આખી જિંદગી જેણે જાત મહેનત કરી હોય, કેટકેટલાયે પ્રસંગોએ તેની પરીક્ષા કરી હોય ને છતાંય હિંમત ના હારેલી મૃદુલા હજી તો અડીખમ જ ઊભેલી , કંઈ કેટલાયે તોફાનો હ્રદયમાં સંઘરી ઊછળતાં પ્રશ્નો સાથે સામે કાંઠે પાર પડવા મૃદુલા આજે મધદરિયે આવીને અટવાઈ પડી હતી. એકવાર તે હવે અહીં આવી તો ગઈ હતી , પણ ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તેને દેખાતો નહોતો. જામીન પર છૂટવાની આશાએ તો ત્યાં કોટડીમાં રહેતી બધી જ બહેનો જીવતી હતી. મૃદુલા પણ એ જ રાહમાં હતી. પણ વિધિની વક્રતા કે એ અહીં આવી એ દિવસ શુક્ર્વારની સાંજ. બીજા દિવસે ત્રીજો શનિવાર પણ જાહેર રજા હોવાથી એ શનિવારની રજા અને પછી રવિવાર......મનહરલાલ કે વકીલ ગમે તેટલી દોડાદોડી કરે તોયે સોમવાર તો થવાનો જ મૃદુલાને બહાર આવતાં.

બીજા અને ચોથા શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસે તો જેલમાંય રજા હોય મળવા જવાની.એટ્લે મૃદુલાએ આ બેઉ દિવસો તો પાછાં એકલાં જ વિતાવાના હતાં. તૃષાએ તન્વીને જાણ કરતાં તન્વી હીરને લઈને સીધી ઘરે આવી ગયેલી. સદભાગ્યે જમાઈ અનિકેત વિદેશની ટૂરમાં હોવાથી તન્વીને વાત છુપાવામાં આસાની થઈ પડી.તન્વી આજે અચાનક એ ઘરની મોભી બની ગયેલી. મનહરલાલ અને તૃષા બેઉ સખત ભાંગી પડેલા હતા. નાનકડી હીરને કારણે એ બેઉ થોડાં સ્વસ્થ થઈ શક્યાં. તન્વીએ કમને ખિચડી બનાવી. પણ કોને ગળે એક કોળિયો પણ ઊતરે? પાછું બાજુમાં જ રહેતાં કંકુમાંથી અને નરેશ-ભાવિકાથી આ બધું છુપાવી રાખવું એ ત્રણેય માટે ઘણું કપરું હતું. આવી વાત ને તો વાયરાની જેમ ફેલાતા વાર ના લાગે. બે દિવસ આ બધું કેમ કરી સંગોપી રાખવું એ પણ બહુ મોટી દ્વિધા હતી એ લોકો માટે. રજા હોય એટ્લે મૃદુલા ઘરે આવતી જ. વળી શનિવારની જાહેર રજા હતી, તો મૃદુલા કયા કામે રોકાઈ ગઈ?કંકુમાંના પ્રશ્નો માટે હવે જવાબો શોધવાના હતા. ને બીજી તરફ વકીલ પાસે જઈ બીજા મોટા વકીલની સલાહ લેવી અને સોમવારે યેનકેન પ્રકારે મૃદુલાને જામીન પર પણ બહાર લઈ આવવી એ મનહરલાલ માટે સૌથી અગત્યનું કામ હતું. તૃષા પણ જોડે ગઈ. તન્વીનું આમ અચાનક આવી જવું પણ કંકુમાંના શકી મગજમાં ખૂંચે જ એ સ્વાભાવિક હતું. પણ તન્વી તો કોઈ ને કોઈ બહાને કંકુમાંને હીર સોંપી દઈ છૂટ્ટી થઈ ગઈ. હીરને રમાડવામાં મશગૂલ કંકુમાં તો ખાવાનુંય ભૂલી જતાં તો બીજું તો શું યાદ રાખે? હા, ભાવિકાને થોડી શંકા થઈ હતી.પણ એણે પણ પછી આ બાબતે કંઈ વિચાર્યું નહીં. તન્વી તો અનિકેતનો ફોન છે કહી ફોન લઈ એના રૂમમાં જતી રહી. માં માટે તન્વી આજે બહુ જ રડી. જે માંએ અનિકેતના ઘરવાળાઓને દહેજ આપવાની બાબતેય ચોખ્ખી ના પાડી હોય અને જ્યારે એ માં પોતે સરકારી નોકરીની પરીક્ષા વખતે લાંચ આપીને પાસ થવા કરતાં નાપાસ થવું પસંદ કરતી હોય એવી મૃદુલા માત્ર સો રૂપિયા માટે આવું કરે?!!!

જેલની એ કોટડીમાં મૃદુલનો જીવ અથડાયા કરતો હતો. દરેક જીવની ત્યાં અલગ વ્યથા હતી. પાસામાં પકડાયેલી દરેક જણી તો પતિનો ધંધો ચાલે અને છોકરા સચવાઈ જાય એટ્લે જ બધો ગુનો માથે લઈને અહીં આવી હતી. તો દહેજના દૂષણમાં આવેલીયે શું કરે? પતિ કમાતો ના હોય ને ઘર આખાયના ઢસરડાં કરવાના ; પછી પેલી નવી આવેલીને સંભાળવાની...તે પછી એવીએને જ કહેવાનું ને! તો દારૂડિયા પતિનો માર ખાઈ ખાઈને ત્રાસી ગયેલી સ્ત્રી આખરે એનું ખૂન જ કરે ને! પણ આ બધાયમાં મૃદુલાનો તો વાંક જ શો?

બધે જ ગોઠવાઈ જતી સરળ સ્વભાવની મૃદુલા બે દિવસે હવે અહીં આ કોટડીમાંય ગોઠવાઈ ગઈ. જુદી જુદી સ્ત્રીઓ ને એ લોકોના અનુભવો સાંભળીને મૃદુલાને આજે પોતાનું દુ:ખ ઓછું લાગ્યું. જોકે એના માનસપટ પર એ ભયાનક ક્ષણની તીવ્રતા વર્તાતી જ હતી. એકદમ વ્યવસ્થિત રીતે સફેદ સુતરાઉ સાડી પહેરીને એ અહીં પણ બીજી બધી સ્ત્રીઓ કરતાં જુદી તરી આવતી હતી. લાંબા, કાળા ભમ્મર ગુંઘરાળા વાળને એક ચોટલામાં ગૂંથીને મૃદુલા એકદમ ગભરુ હરણી જેવી લાગતી હતી. આજે તો સોમવાર હતો. સવારથી જ બધી બૂમો પાડીપાડીને કહેતી હતી કે આજે ઘરવાળાં મળવા આવશે. બપોરે ૨ થી ૪ એ મળવાનો સમય. મૃદુલાનેય આજે ઘરવાળાં મળવા આવશે , એ વિચારે જાણે નવું જોમ આપ્યું. ને એય રાહ જોવા લાગી બપોરના બે વાગવાની.

મનહરલાલે અને તૃષાએ પોતાનાથી બનતાં સઘળાં પ્રયત્નો કર્યા હતાં અને એના પરિણામે એક સારા વકીલે તેમનો કેસ હાથ પર લીધો. આમ પણ મૃદુલાને અપીલ કરવા માટે આજનો દિવસ ફાળવાયો હતો. એટ્લે એક તરફ અપીલ અને બીજી તરફ જામીન મેળવવાની બધી જ તૈયારી લગભગ એ લોકોએ કરી લીધી હતી. કોર્ટ શરૂ થતાં જ લગભગ એકાદ કલાકે મૃદુલાનો કેસ શરૂ થયો. સરકારી વકીલે પૂરતા પુરાવા અને દલીલો રજૂ કરી. સામે બચાવ પક્ષે પણ પુરાવા ને દલીલો રજૂ થઈ.અડધા કલાકની કોર્ટ સ્થગિત થતાં તૃષા લગભગ તૂટી પડી. મનહરલાલે એને શાંત રહેવા કહ્યું, પણ અંદરથી તો એમનીએ આશાઓ તૂટી રહી હતી. બચાવપક્ષના વકીલે સારી એવી રકમની માંગણી કરી હતી. તન્વીએ એ બધી વ્યવસ્થા અનિકેતથી છુપાવીને કરી લીધી હતી.એટ્લે એ બાબતે તો તરત જ વકીલે કામ શરૂ કર્યું. એ અડધા કલાકનો બ્રેક આ માટે જ હતો જાણે! ને જ્યારે ફરી કોર્ટ શરૂ થઈ, મૃદુલાના જામીન મંજૂર થઈ ગયા. ખેલ હવે શરૂ થયો. જામીન મંજૂર થાય અને કોર્ટ એનો ઓર્ડર કરે ત્યારે એ ઓર્ડર લઈને મૃદુલાને છોડાવી શકાય. આ ઓર્ડર હાથમાં ના આવે ત્યાં સુધી બાજી કઈ બાજુ રમાય છે એ કહી ના શકાય! તન્વી પણ હીરને લઈને કોર્ટમાં આવી ગઈ હતી. ત્રણેય જો ઘરેથી ભેગાં નીકળે તો કંકુમાં તો પૂછ્યા વિના રહે જ નહીં. એટ્લે તૃષા લાઇબ્રેરીના બહાને અને મનહરલાલ ધંધે જવાના બહાને ઘરેથી નીકળ્યા હતા. તન્વી પણ બહેનપણી ના ઘરે જવાનું કહી નીકળી આવી હતી.

“કોર્ટમાંથી ઓર્ડર આવતાં લગભગ પાંચ તો થશે જ” વકીલની એવી વાતે તો જાણે ત્રણેય જણાના પેટમાં ફાળ પડી. મનહરલાલના પ્રયત્નોથી એ લોકોને આજે મૃદુલાને મળવાનો મોકો તો મળી જ ગયો હતો. એટ્લે ત્રણેય હીરને લઈ સીધા જેલ ભણી ભાગ્યાં. અહીં પહોંચ્યા તો પેલી સળિયાવાળી બારી હકડેઠઠ ભીડ હતી. કેમે કરીને એ લોકો અંદર પહોંચ્યાં ને બીજી બાજુથી ગભરુ હરણી જેવી મૃદુલાને ધીમે પગલે આવતી જોઈ.તૃષા તો ત્યાં જ રડી પડી. હીરને ઊંચકીને ઊભેલી તન્વી આજે મક્કમ હતી. “કેવું છે?” આ જ પ્રશ્ન પૂછવાનો ને! કોઈ કશું બોલી જ ના શક્યું. ત્યારે હીરે મૃદુલા પાસે જવાની જીદ પકડી એટ્લે સંવાદ ચાલુ થયો. મનહરલાલે હીરને કહ્યું કે “બેટા, હમણાં થોડીવારમાં તને ઊંચકશે”. ને પછી મનહરલાલે આખી વાત મૃદુલાને સમજાવી. મૃદુલાના ચહેરા પર શંકા ને શાંતિ બેઉ સાથે જોવા મળ્યાં. એટલી વારમાં તો એ લોકોનો વારો પૂરો થઈ ગયો અને મૃદુલા અંદર ચાલી ગઈ. આ તે કેવી મુલાકાત? બે જ મિનિટની?!!! તન્વી હવે બરાબર અકળાઇ હતી.

હવે સીધા કોર્ટ ભણી ભાગવાનું હતું. મૃદુલાને આશ્વાસન તો આપ્યું હતું કે સાંજે આપણે બધાં સાથે હોઈશું.પણ જ્યાં સુધી પેલો ઓર્ડર હાથમાં ના આવે ત્યાં સુધી તો બસ ઉભડક મને પ્રતિક્ષા જ કરવાની ને!

આમતેમ આંટાફેરા મારતાં મનહરલાલ અને તૃષા લગભગ જાણે હારી રહ્યાં હતા. તન્વી એ બંનેને આશ્વાસન આપ્યું કે હમણાં આપણે મમ્મીને લઈ આવીશું. જોતજોતામાં પાંચ વાગ્યા ને વકીલ ઓર્ડર લઈ આવ્યા. હવે આ ઓર્ડર સાંજ થઈ જાય એ પહેલાં જેલમાં જમા કરાવવો જરૂરી હતો. તો અને તો જ મૃદુલા આજે ઘરે આવી શકે. ને આખરે એ ત્રણેય વકીલની સાથે ઓર્ડર લઈ સમયસર પહોંચી ગયા મૃદુલાને લેવા. બધી કાયદાકીય વિધિ થયા બાદ મૃદુલા બહાર આવી. અહીં હવે એક પણ મિનિટ રહેવું પોષાય એમ નહોતું એટલે વકીલનો આભાર માની તરત બધાં જ ગાડીમાં બેસી ગયા. કોઈ કશું બોલતું નહોતું. આખા દિવસની થાકેલી હીર મૃદુલાના ખોળામાં તરત જ સૂઈ ગઈ.

સાંજના આછા અજવાળાં-અંધારાંએ ખરેખર બધાંને સાચવી લીધાં.કોણ હસ્યું ને કોણ રડ્યું એ આછેરા ઓછાયામાં છુપાઈ ગયુંને મૃદુલા આખરે ઘરે આવી ગઈ. સાંજની આરતીનો સમય હતો એટ્લે કંકુમાં આરતી લઈને સામે જ મળ્યાં. “મૃદુલા આજે આવી?” કહી એમણે બધાંને આરતી ધરી અને ચાંલ્લો કરી પ્રસાદ આપ્યો. સહુએ મૂંગા મોઢે ઘરમાં પ્રવેશ કર્યો. મૃદુલા સીધી એના રૂમમાં જ જતી રહી અને નહાવાના બહાને બાથરૂમમાં જઈ રડવા લાગી. બધાં આ જાણતાં જ હતાં. કોઈ કશું ના બોલ્યું. હીર જાગી એટ્લે રડવા લાગી. મનહરલાલ એણે શાંત કરવા લાગ્યા ને તન્વી જમવાનું બનાવમાં લાગી. જાણે બહુ વરસો પછી આ ઘર આજે ઘર ના લાગી રહ્યું હોય એમ તન્વીને અહેસાસ થયો. આજુબાજુ જાણે હજી કોઈને જાણ નહોતી અને જાણ ના જ થાય એ રીતે સહુએ ચૂપચાપ જામી લીધું અને સૂઈ જવાની કોશિશ કરી. બહુ દિવસનો થાક વર્તાતો હતો અને કંકુમાંના પ્રશ્નનો જવાબ હજી અધૂરો હતો. પણ એ બાબતે સવારે જોયું જશે એ વિચારે છેવટે બધાં સૂઈ જ ગયાં.

સવાર તો પડી જ બધાં માટે .પણ આ સજા ભોગવેલી મૃદુલા જાણે સાવ બદલાઈ ગઈ હતી. એના રૂપની આ તે કેવી સજા! જોકે હજી ઘરના અન્ય સભ્યો, સગાં સંબંધીઓ અને ઓળખીતા પારખીતાઓને આ વાતની જ્યારે જાણ થશે ત્યારે એ દહેશતે હજી એ કંપી રહી હતી. ને સવારમાં જ એને સરકારી હુકમ આવ્યો કે અમુક કારણોસર મૃદુલાને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે!

-જિગીષા રાજ