Kako, Bhatrijo ane whatsapp books and stories free download online pdf in Gujarati

કાકો, ભત્રીજો અને વોટ્સએપ્પ

કાકો, ભત્રીજો અને વોટ્સએપ્પ!

યશવંત ઠક્કર

મધુભાઈના વોટ્સએપ્પ પર એના ભત્રીજા રસિકે બારોબાર રવાના કરેલો એક લાંબો વિડીયો આવ્યો. વિડીયોમાં એક વક્તાનું લાંબુ ભાષણ કર્યું હતું. આ ભાષણ દ્વારા વક્તાએ લોકોને વોટ્સએપ્પના ગેરફાયદા જણાવ્યા હતા અને લોકોને એ સમજાવવાના ધમપછાડા કર્યા હતા કે: ‘વોટ્સએપ્પ તમારા મગજ માટે હાનિકારક છે. એ કેન્સરની બીમારીથી પણ વધારે ખતરનાક છે. આપણા સમાજ માટે એ એક મોટું દૂષણ છે. આ દૂષણને તમારા મોબાઇલમાંથી વહેલી તકે વિદાય આપજો. નહિ આપો તો તમારા જીવનમાં મોટો અનર્થ થઈ જશે. મારો આ વિડીયો તમારા મિત્રોને અને સગાંવહાલાંઓને મોકલજો અને એનો જેટલો બને એટલો પ્રચાર કરશો જેથી સમાજને આ બીમારીથી બચાવી શકાય.’

વિડીયો પૂરો થયો ન થયો ત્યાં તો મધુભાઈના મોઢામાંથી રાડ નીકળી: ‘તું મોટી તોપ હોય એમ અમને વોટ્સએપ્પથી બચવાની શિખામણ આપવા નીકળી પડ્યો છો, પણ તને ભાન નથી કે તારો વિડીયો વોટ્સએપ્પના લીધે જ અમારા સુધી પહોંચ્યો છે. વોટ્સએપ્પ વગર તારી વાતનો પ્રચાર કોણ તારો કાકો કરવાનો છે? હાલી નીકળ્યો છો મગજ ફેરવવા.’

‘શું થયું?’ કહેતાં ભારતીબહેન રસોડામાંથી બેઠકખંડમા આવી પહોંચ્યાં.

‘કાંઈ નહિ. આ તો રસિકે મગજ ફેરવે એવો કોઈનો વિડીયો મોકલ્યો છે એટલે મને ગુસ્સો આવ્યો.’

‘તમે ગુસ્સા પર કાબુ રાખો. વોટ્સએપ્પ તો રોજનું થયું. વિડીયોમા એવું તો શું છે કે તમે એટલા ગુસ્સે થઈ ગયા.’

‘એક દોઢડાહ્યો મંડી જ પડ્યો છે કે વોટ્સએપ્પથી તમારું મગજ ખરાબ થાય છે એટલે તમારા મોબાઇલમાંથી વોટ્સએપ્પ કાઢી નાખો.’

‘તે એની વાત સાચી જ છેને? તમારા મોબાઇલમાં વોટ્સએપ્પ ન હોત તો તમે અત્યારે ગુસ્સામાં હોત? મજાના મને લસણ ફોલવા લાગ્યા હોત. લાગ્યા હોત કે નહિ?’

‘અરે પણ જેનું ખાવું એનું જ ખોદવું? આ મોટો સમાજસુધારક વોટ્સએપ્પ પર વોટ્સએપ્પનું જ વાટે છે. આવું કાંઈ ચાલે?’

‘ભલે વાટે. તમે શાંતિ જાળવો અને બને તો ચટણી વાટો. કાલે ફેસબુક જોઈને કોઈના પર ગુસ્સે થઈ ગયા હતા. આજે વોટ્સએપ્પ જોઈને. આના કરતાં ટીવી જોતા હો તો. ટીવી પર કેવી કેવી કેવી ધાર્મિક વાતો આવે છે.’

‘હવે એ બધા મહારાજાઓ ઉપદેશ આપવાનો ધંધો લઈને બેઠા છે.’

‘ધંધો લઈને બેઠા હોય તોય શું? વાતો તો સારી કરે છેને? તમને તો બધા સાથે વાંધો પડે છે.’ ભારતીબહેન રસોડામાં ચાલ્યાં ગયાં. મધુભાઈ વોટ્સએપ્પ પર કામે લાગ્યા. એમણે રસિકને સંદેશો મોકલ્યો: ‘આ તેં મને કેવો મેસેજ મોકલ્યો છે? મગજ ફેરવે એવો.’

સામેથી રસિકે લખ્યું: ‘તમને કામનો હશે એમ માનીને મોકલ્યો હશે. કામનો ન હોય તો ડિલીટ કરી દેવાનો. બહુ ટેન્શન નહિ લેવાનું.’

‘પણ તારે જોવું તો જોઈએને કે એક દોઢડાહ્યો વોટ્સએપ્પ પર વોટ્સએપ્પનું જ વાટે છે.’

‘કાકા, મારા પર ઢગલો મેસેજ આવે છે. જેવો મેસેજ આવે એવો જ હું તમને મોકલું છું. સારું કે નરસું એ તમારે જોવાનું. હું એવું બધું જોવા નવરો નથી.’

‘એટલે હું જ નવરો છું એમ?’

‘હું ક્યા એવું કહું છું?’

‘તારા કહેવાનો મતલબ તો એ જ છે. જે મેસેજ તું નથી વાંચતો એ મને મોકલે છે.’

‘તો એમાં ખોટું શું છે? તમને કામના લગતા હોય એ રાખવાના. બીજા કાઢી નાખવાના.’

‘પણ હું કેટલા કાઢું? થાકી જવાય છે.’

‘તો વોટ્સએપ્પ કાઢી નાખવાનું. તમને બધી વાતે વાંધો પડે છે. આ પહેલાં તમે મોરારિબાપુના મેસેજ માટે વાંધો ઉઠાવ્યો હતો. તમે જ કહો કે મોરારિબાપુ કાંઈ ખોટું તો નહિ કહેતાં હોયને?’ ‘અરે પણ મોરારિબાપુની વાતો તો મને બીજી ઘણી જગ્યાએથી મળી જાય છે. વોટ્સએપ્પ પર એ વધારાની હોય છે.’

‘હું એક કામ કરું છું. હવેથી તમને વોટ્સએપ્પ પર મેસેજ આપવાનું જ બંધ કરું છું.’

‘મહેરબાની તારી.’

આ રીતે કાકા અને ભત્રીજા વચ્ચેનો વોટ્સએપ્પ વ્યવહાર બંધ થઈ ગયો.

થોડા મહિના પછી એવું બન્યું કે મધુભાઈના એક સગા બટુકભાઈ મરચાંવાળાનું અવસાન થઈ ગયું. એમનું બેસણું પણ પતી ગયું. મધુભાઈને જાણ જ ન થઈ. જાણ થઈ ત્યારે બારમું પણ પતી ગયું હતું. બટુકભાઈનું ઘર રસિકના ઘરથી બહુ દૂર નહોતું. વળી, બટુકભાઈ અને રસિક વચ્ચે ઘર જેવો જ સંબંધ હતો. મધુભાઈથી રસિકને ફોન કર્યા વગર ન રહેવાયું. કર્યો.

‘રસિક, હું મધુકાકા બોલું છું.’

‘બોલો કાકા.’

‘હું એમ કહું છું કે બટુકભાઈ મરચાંવાળા ગુજરી ગયા?’

‘જૂની વાત થઈ ગઈ. આખી દુનિયાને ખબર છે.’

‘મને નથી ખબર. તારે કહેવું જોઈએને. મારે આવવાનું રહી ગયું.’

‘મેં તો વોટ્સએપ્પથી જેને મેસેજ કરવા જેવા હતા એ બધાને કર્યા હતા.’

‘મને તારો મેસેજ મળ્યો નથી.’

‘મેં તમને મેસેજ કર્યો જ નથી. હું તમને વોટ્સએપ્પ પર મેસેજ મોકલું એ તમને ગમતું નથી એટલે તમને મેસેજ મોકલવાના બંધ કર્યા છે.’

‘અરે પણ આવા કામના મેસેજ તો મોકલવા જોઈએને.’

‘હવે મને થોડી ખબર પડે છે કે તમને ક્યા મેસેજ કામના લાગે છે અને ક્યા નકામા.’

‘આવા મેસેજ તો કામના જ કહેવાયને.’

‘હવે એક કામ કરું છું. હું ફરીથી તમને વોટ્સએપ્પથી મેસેજ મોકલવાની ચાલુ કરું છું. કામના અકે નકામા એ તમારે જોવાનું. કચકચ નહિ કરવાની. નકામાં લાગે એને તરત ડિલીટ મારી દેવાના.’

‘એ ભલે.’

રસિક અને મધુભાઈ વચ્ચે વોટ્સએપ્પ વ્યવહાર ફરી શરૂ થયો. વ્યવહાર મોટા ભાગે રસિકથી મધુભાઈ તરફનો રહેતો. એક તરફી! મધુભાઈને રસિકે મોકલેલા મોટા ભાગના સંદેશા અરસિક લાગતા હતા. પરંતુ આ વખતે એમણે નક્કી કરી લીધું હતું કે રસિક તરફથી જેવો મેસેજ આવે એવો ઉડાડી દેવાનો. એમાં દયાભાવ રાખવાનો નહિ.

અને એક દિવસે રસિકનો ફોન આવ્યો.

‘કાકા, રસિક બોલું છું.’

‘હા રસિક, જય શ્રીકૃષ્ણ. બોલ.’

‘તમારે મારી હારે વહેવાર નથી રાખવો?’

‘રાખવો છેને. કેમ આવું પૂછે છે?’

‘તો પછી ઉદ્ઘાટનમાં કેમ ન આવ્યા?’

‘ઉદ્ઘાટન? કોનું?’

‘મારી નવી દુકાનનું. બીજા કોનું?’

‘તારી દુકાનનું ઉદ્ધાટન હોય ને હું ન આવે એવું બને? અરે તું તારી દુકાનનું બોર્ડ બદલાવે કે દુકાનમાં એકાદ વધારાની ખુરશી મુકાવે એ પ્રસંગમાંય હું આવું છું. અને તારી નવી દુકાનના ઉદ્ધાટનમાં ન આવું? અસંભવ. દીકરા, તારે મને મેસેજ મોકલવો જોઈએ.’

‘મોકલ્યો’તો. બધાને મોકલ્યા’તા. બધાય આવ્યા, તમારા સિવાય!’

હવે મધુભાઈને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળમાં રસિકની દુકાનના ઉદ્ધાટનનો મેસેજ ઉડાડી દીધો છે. ‘રસિક, કોઈ કારણસર મને મેસેજ નહિ મળ્યો હોય. ખોટું ન લગાડતો. હું તારી નવી દુકાને એક આંટો મારી જઈશ.’ એમણે રસિકને આશ્વાસન આપ્યું.

‘કાકા, પ્રસંગે હાજરી આપવી એ અલગ વાત છે અને આંટો મારવો એ અલગ વાત છે. લગનનાં ગીત લગન વખતે જ સારાં લાગે. સમજ્યા?’

‘સમજ્યો. પણ હવે ભૂલ નહિ થાય. તારા બધાં મેસેજ ધ્યાનથી વાંચીશ.’ મધુકાકાથી બફાઈ ગયું.

‘એટલે તમે શું કહેવા માંગો છો? મારા મેસેજ ધ્યાનથી નથી વાંચતા? જોયા ભેગા જ ઉડાડી દો છો? ઘણી મોટી તોપો એવું કરતી હોય છે.’

‘ના ના. હું એવું તો નથી કરતો. પણ...’

‘પણ ગયું તેલ લેવા. હવેથી મારા મેસેજની આશા ન રાખતા. આપણો સંબંધ પૂરો. તમે વોટ્સએપ્પને લાયક જ નથી.

એ દિવસે મધુભાઈ અને રસિક વચ્ચેનો વોટ્સએપ્પ વ્યવહાર ફરી બંધ થઈ ગયો.

હવે, મધુભાઈની આંખો રસિકના મેસેજ માટે તડપે છે. એ જ રસિક કે જે નાનો હતો ત્યારે મધુભાઈએ એને તેડી તેડીને રમાડ્યો હતો.

[સમાપ્ત]