Aakrosh books and stories free download online pdf in Gujarati

આક્રોશ!

આક્રોશ!

યશવંત ઠક્કર

ફેસબુક પર ભર બપોરે ભડકો થયો. ભડકો થવાનું કારણ ફેસબુક પરની એક નોંધ હતી. એ નોંધમાં સમર્થ સમાજના એક આગેવાને પર લખ્યું હતું: ‘સમર્થ સમાજના ભાઈઓ, ધીરજગઢ ગામે આપણા સમર્થ સમાજની એક કન્યા પર શક્તિ સમાજના નરાધમો દ્વારા બળાત્કાર કરીને કન્યાને મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ બન્યો છે. આ ખૂબ જ ખોટું થયું છે. સમગ્ર સમર્થ સમાજે એક થવાની જરૂર છે. સમર્થ સમાજ પર શક્તિ સમાજ દ્વારા જુલમ થવાની આવી ઘટનાઓ વારવાર બનતી રહે છે. શું સમર્થ સમાજ કાયર છે? ક્યાં સુધી અન્યાય સહન કરશે? દુશાસનોને જવાબ દેવાનો સમય હજી નથી આવ્યો?’

સમર્થ સમજની કોઈ વ્યક્તિએ વળતો જવાબ આપ્યો: ‘સમર્થ સમાજ કાયર નથી. આપણા સમાજના કોઈ પણ પરિવાર પર જુલમ થાય એ ન ચલાવી લેવાય. આ ધીરજગઢ ક્યા આવ્યું? અપણા સમાજના લોકોને હાકલ કરો કે ધીરજગઢ મુકામે ભેગા થાય અને એ દુશાસનોને આપણા સમાજની એકતાનું ભાન કરાવે.’

‘હા. બરાબર છે. આપણે બંગડીઓ નથી પહેરી. આપણા પૂર્વજોનું લોહી આપણી નસોમાં વહે છે. અન્યાયનો સામનો કરવો જ જોઈએ. જય શ્રી સમર્થદેવ.’

‘જય શ્રી સમર્થદેવ.’

‘જય શ્રી સમર્થદેવ. જાગો સમર્થ સમાજના લોકો, જાગો જાગો.’

‘ટીવી જુઓ. ટીવી પર સમાચાર આવે છે.’

‘આ બનાવ માટે નમાલી સરકાર જ જવાબદાર છે. મુખ્યમંત્રી શું કરે છે?’

‘સરકાર કેટલે દોડે? પોલીસતંત્ર જ ફૂટેલું છે.’

‘સરકારને અપણા સમાજની પડી નથી. એને ઘરભેગી કરો. બીજો કોઈ રસ્તો નથી.’

‘સાચી વાત છે. આપણી વોટબેંક ઊભી થવી જ જોઈએ. તો જ આ સરકારના પેટનું પાણી હલશે.’

‘આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે.’

‘સરકારી ચમચાઓ ચૂપ રહો.’

‘ભાઈઓ, હું પણ સમર્થ સમાજનો જ સભ્ય છું. મારી વિનતી છે કે, આપણે શાંતિ રાખવી જોઈએ. આપણે જે કરવું હોય એ કાયદાને આધીન રહીને કરીએ. આપણાથી ઉશ્કેરાટમાં ખોટાં પગલાં ન લેવાઈ જાય એનું પણ ધ્યાન રાખીએ.’

‘શાંતિની વાતો કરનારા બાયલાઓ ચૂપ રહો. તમારી માબહેન સાથે આવું થયું હોત તો તમે શાંતિની વાતો કરત?’

જોતજોતમાં ફેસબુક પર જ સંદેશાનો ખડકલો થઈ ગયો. વોટ્સએપ્પ્ના નંબરો લેવાયા. સમર્થ સમાજના લોકોને મોટી સંખ્યામાં ધીરજગઢ ગામે પહોંચવાની હાકલો થઈ ગઈ.

ધીરજગઢ નાનકડું ગામ! માંડ ત્રણથી ચાર હજારની વસ્તી! એમાં બહારથી આવ્યા સમર્થ સમાજના પાંચથી છ હજાર લોક! નાનકડા ગામમાં ભારેલો અગ્નિ!

ટેલિવિઝન પર આ ભારેલા અગ્નિનું પ્રસારણ થવા લાગ્યું. જુદી જુદી ટેલિવિઝન ચેનલો પરથી સરકાર, નેતાઓ, શાસક પક્ષ, વિરોધ પક્ષો, પોલીસતંત્ર, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, એ બધાંને ઊછળી ઊછળીને સવાલો કરવામાં આવ્યા. ભારેલા અગ્નિમાં ઘી હોમાયું.

સરકારી તંત્રનો જવાબ હતો : ‘કાયદો કાયદાનું કામ કરશે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમની પૂછપરછ ચાલુ છે. કોઈને અન્યાય નહિ થાય. લોકો શાંતિ જાળવે. ધીરજગઢ ગામે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવાની સૂચના અપાઈ ગઈ છે.’

ધીરજગઢ ગામમાં સમર્થ સમાજના લોકોની વધતી જતી સંખ્યા જોઈને શક્તિ સમાજના લોકોનું લોહી પણ ગરમ થવા લાગ્યું, પરંતુ વડીલો અને મહિલાઓની સમજાવટથી એ લોકોમાંથી ઘણાખરા લોકો ખેતરોમાં અને વાડીઓમાં જતા રહ્યા. જે ન સમજ્યા એમને એમનાં ઘરની મહિલાઓએ ઘરમાં પૂરી દીધાં.

ભોગ બનેલી કન્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના શહેરમાં લઈ જવાયો હતો. પોસ્ટમોર્ટમ થઈ ગયા પછી એ મૃતદેહ ગામમાં પાછો આવ્યો, પરંતુ સાથે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ન આવ્યો. રિપોર્ટને આવતાં વાર લાગે એમ હતું.

જે કન્યાનો ભોગ લેવાયો હતો એ કન્યાના પરિવારે ક્યારેય ન જોયું હોય એટલું માણસ પરિવારના આંગણે ઠલવાયું. રોકકળ, સલાહો, હાકલા, પડકારા, અપીલો, ફોટોગ્રાફર, રિપોર્ટર, સવાલો, જવાબો, ધક્કામુક્કી ... આ બધાંની સાક્ષીએ માંડ માંડ નનામી તૈયાર થઈ.

ને એક અવાજ આવ્યો: ‘જ્યાં સુધી ગુનેગારોની ધરપકડ ન થાય ત્યાં સુધી આ દીકરીનો અગ્નિસંસ્કાર ન કરવો જોઈએ. આપણે બધાં ભૂખ હડતાલ પર ઊતરીશું તો જ આપણને ન્યાય મળશે.’

બીજો અવાજ આવ્યો: ‘અગ્નિસંસ્કાર ગમના ચોરે થવો જોઈએ.’

‘ચોરે નહિ, ગુનેગારોના ઘર સામે થવો જોઈએ.’

‘આવી વાતો રહેવા દો. પરિવારનો વિચાર કરો. મૃત્યુનો મલાજો જાળવો.’ એક સજ્જને ઠપકો આપ્યો.

ઠપકાની અસર થઈ. સ્મશાનયાત્રા નીકળી. રસ્તામાં આરોપીના ઘર આવ્યાં ને સમર્થ સમાજના કેટલાક લોકોએ સંયમ ગુમાવ્યો. તેઓએ આરોપીનાં ઘર પર પથ્થરમારો ચાલુ કર્યો. અપશબ્દોનો મારો તો ખરો જ! કેટલાક લોકો દીવાલો કૂદીને આરોપીનાં ઘરના ફળિયાંમાં પ્રવેશી ગયા. એમણે જે હાથમાં આવ્યું એ સળગાવ્યું. તોફાને ચડેલાઓને શક્તિ સમાજની મહિલાઓએ રોક્યા તો એમની સાથે પણ વિવેક ન જળવાયો. એ મહિલાઓનો પણ સંયમ તૂટ્યો ને એમણે ઘરનાં બારણે ભીડેલી સાંકળો ખોલી નાંખી.

એ ઘરમાંથી હાથમાં તલવારો લઈને શક્તિ સમાજના બેત્રણ યુવાનો નીકળી પડ્યા અને સમર્થ સમાજના ટોળા પર તૂટી પડ્યા. અણધાર્યું ધીંગાણું થઈ ગયું. લોહીના ફૂવારા છૂટ્યા. હથિયાર વગરના સમર્થ સમાજના લોકો ટક્કર ઝીલી ન શક્યા. નાસભાગ થઈ. આ ધીંગાણામાં સમર્થ સમાજના બે લોકોનાં જીવ ગયાં. દસથી બાર લોકોને ગંભીર ઈજાઓ થઈ. એમને લઈને મોટરો શહેરનાં દવાખાનાં તરફ દોડી. એ ઈજા પામેલાઓમાંથી વધુ એકનું મરણ થયું. શક્તિ સમાજના બે યુવાનોને પણ ગંભીર ઈજાઓ થઈ.

ન ધારેલું થઈ ગયું. સમર્થ સમાજના લોકોએ ભારે હૈયે સમશાનયાત્રા પૂરી કરી. ભોગ લેવાયેલી કન્યાનાં અગ્નિસંસ્કાર થયાં, પછી સ્મશાનમાં જ પ્રાર્થના થઈ અને ન્યાયની માંગણી કરતાં ભાષણો પણ થયાં. ધીરે ધીરે બધા વિખેરાયા. ગામ આકરી કિંમત ચૂકવીને શાંત થઈ ગયું.

ટેલિવિઝન પરથી ધીરજગઢ ગામેં થયેલા ધીંગાણાના સમાચાર વહેતા થયા. પોલીસતંત્રની બેદરકારીની તસવીરો સાથેની એવી વાતો પણ બહાર આવી કે, ધીરજગઢ ગામે પોલીસ બંદોબસ્તના નામે માત્ર પાંચ પોલીસો હતા અને એમના હાથમાં માત્ર દંડા હતા. એ લોકો પરિસ્થિતિને કાબુમાં લેવા માટે આજીજી સિવાય બીજું કશું કરી શક્યા નહોતા.

ધીરજગઢ ગામે એ ગોઝારો દિવસ પૂરો થયો. બીજા દિવસે પણ ગામમાં મોટા ભાગનાં ઘર બંધ રહ્યાં. ગામમાં જે ચહલપહલ હતી એ માત્ર પોલીસો અને ખબરપત્રીઓના લીધે હતી.

બીજે દિવસે બપોરે ટેલિવિઝનની ચેનલો પરથી, કોઈ શ્રોતાએ કલ્પના પણ ન કરી હોય એવા સમાચાર વહેવા લાગ્યા કે, ‘દુર્ઘટનાનો ભોગ બનેલી કન્યાના મૃતદેહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બહાર પડી ગયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કન્યાનું મૃત્યુ એનું ગળું દબાવાથી થયું હતું અને કન્યા પર બળાત્કાર થયો હોવાનું માલુમ પડ્યું નથી. જો આ રિપોર્ટ એક દિવસ વહેલો બહાર પડ્યો હોત તો કદાચ ધીરજગઢ ગામે તોફાનો ન થાત.’

આ સમાચાર હજી વાસી થાય તે પહેલાં ટેલિવિઝનની ચેનલો પરથી બીજા તાજા સમાચાર વહેવા લાગ્યા કે, ‘ધીરજગઢ ગામે કન્યાને મોતને ઘાટ ઉતારનાર લોકો શક્તિ સમાજના નહોતા, પરંતુ કન્યાનો ભાઈ પોતે જ હતો. કન્યાના ભાઈએ પોતે જ આવી કબૂલાત કરી છે. હકીકતમાં સમગ્ર મામલો પ્રેમ સંબંધનો હોવાનું બહાર આવી રહ્યું છે. ભોગ લેવાયેલી કન્યાને શક્તિ સમાજના એક આરોપી યુવાન સાથે પ્રેમ સંબંધ હતો, એવી વાત બહાર આવી છે. પોલીસે તપાસ માટે કબજામાં લીધેલા મોબાઇલોના મેસેજ પણ એ વાતને સાબિત કરે છે કે, કન્યા અને આરોપી યુવાન વચ્ચે ઘણા સમયથી મેસેજની આપલેનો વ્યવહાર હતો. કન્યાએ પોતે પણ ઘણી વખત આરોપીને મળવા માટે બોલાવતી હતી. કન્યાના ભાઈને આ બધું મંજૂર નહોતું. એણે પોતાની બહેનને સમજાવી હતી, પણ બહેન માની નહિ એટલે ભાઈએ જ એને મોતને ઘટ ઉતારી દીધી છે. કન્યાના ભાઈએ કોઈની ચડવણીથી ખોટી ફરિયાદ કરીને નિર્દોષ યુવાનોની ધરપકડ કરાવી છે. આ બધા બનાવો પાછળ મોબાઇલનું દૂષણ છે. આ દૂષણ નાનાં નાનાં ગામડાં સુધી પહોંચ્યું છે. આ કિસ્સો સમાજની આંખો ખોલનારો છે...’

પછી તો ટેલિવિઝનની ચેનલો પર સામાજિક ચિંતા વ્યક્ત કરતી ચર્ચાઓ થવા લાગી. સરકાર, કથાકારો, સંતો, સાહિત્યકારો, સામાજિક આગેવાનો, મહિલા આગેવાનો, વગેરે પોતપોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ કેમ નીવડ્યા એ વિશે સવાલો થવા લાગ્યા.

સવાલો તો શક્તિ સમાજના લોકોએ પણ કર્યા. શક્તિ સમાજના આગેવાનોએ એમના સમાજના હજારો લોકોને જિલ્લા મથકે ભેગા કરીને ભાષણો કર્યાં: ‘જે સત્ય હતું એ આખરે બહાર આવ્યું છે, . પણ વગર વાંકે અમારા સમાજની બદનામી થઈ એ માટે જવાબદાર કોણ? ટેલિવિઝન ચેનલોએ પણ અમારા સમાજની બદનામી કરવામાં બહુ ભાગ ભજવ્યો છે. એમણે ઉશ્કેરાટ શાંત પાડવાના બદલે બળતાંમાં ઘી હોમવાનું કામ કર્યું છે. સમાચાર માધ્યમોએ અને સમર્થ સમાજના લોકોએ જો વિવેક જાળવ્યો હોત તો ધીરજગઢ ગામે આટલા ખૂનખરાબા ન થાત. બળાત્કારની અને ખૂનની ખોટી ફરિયાદના આધારે પોલીસે અમારા સમાજના નિર્દોષ યુવાનોની ધરપકડ કરીને એમને ઢોરમાર માર્યો છે, એ ક્યાંનો ન્યાય છે? સરકાર એ પોલીસો પર પગલાં નહિ ભરે તો અમારો સમાજ ચૂપ નહિ રહે. સમર્થ સમાજના જે આગેવાનોએ એમના સમાજના લોકોને ઉશ્કેરીને અમારા સમાજના લોકો પર હુમલો કરાવ્યો છે, એ આગેવાનોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. બે સમાજ વચ્ચે દુશ્મનાવટ કરાવનાર એ તત્ત્વો સામે પગલાં નહિ ભરવામાં આવે તો અમે આખા રાજ્યમાં અંદોલન ચલાવીશું. એવું ન માનશો કે, અમારું લોહી ઠરી ગયું છે. સમયને માન આપીને અમે ઘણું ઘણું જતું કર્યું છે, હવે હદ થઈ ગઈ છે. અમારી સહનશક્તિની વધારે કસોટી કરનારાઓ સમજી જાય તો સારું છે. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. જય શક્તિદેવ.’

જોતજોતામાં ચિત્ર બદલાઈ ગયું. ભોગ બનનારી કન્યાના ભાઈની ધરપકડ થઈ. બળાત્કારના અને ખૂનના ગુના માટેના શક્તિ સમાજના આરોપી યુવાનો છૂટી ગયા. દંગા ફસાદ કરવાના આરોપસર સમર્થ સમાજના અને શક્તિ સમાજના કેટલાક લોકો વિરુદ્ધ ગુના નોંધાયાં.

થોડા દિવસો પછી સમાચાર માધ્યમો આ બનાવ અંગે ચૂપ થઈ ગયાં. એમને સંસનાટીથી ભરપૂર બીજા બનાવો મળી ગયા.

સમર્થ સમાજના આગેવાનો થોડા ઝાંખા પડ્યા, છતાંય એમણે પણ સરકાર પાસે ફરીથી ન્યાયની માંગણી કરી: ‘અમને સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા વિષે શંકાઓ થાય છે. કન્યાના પરિવાર પર ખૂબ જ દબાણ આવ્યું હોય એવું લાગે છે. એ દબાણ હેઠળ જ કન્યાના ભાઈએ ખોટી રીતે ગુનાની કબૂલાત કરી હોવાની પૂરી સંભાવના છે. સમગ્ર બનાવની તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ અને જે ખરેખર ગુનેગારો હોય એમને આકરામાં આકરી સજા થવી જોઈએ. આ કૃત્ય માટે જો કન્યાનો ભાઈ જ જવાબદાર હોય તો એ પણ ઘણું જ ખોટું થયું કહેવાય. એને પણ આકરી સજા થવી જોઈએ. એને લીધે આજે અમારો સમર્થ સમાજ બદનામ થઈ ગયો છે. જે સત્ય હોય એ બહાર આવવું જ જોઈએ.’

‘સત્ય બહાર આવવું જ જોઈએ’ એમ કહેનારા ઘણા છે, પરંતુ સત્ય એમ બહાર આવે છે ખરું? અને આવે તો એને સત્ય તરીકે સ્વીકારનારા કેટલા? બિચારું સત્ય!