The first half - 1 books and stories free download online pdf in Gujarati

ધ ફર્સ્ટ હાફ - 1

“ધ ફર્સ્ટ હાફ”

(ભાગ – ૧)

વિરાજગીરી ગોસાઈ

પ્રસ્તાવના

કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કરતા કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા માંડે છે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાલ્ફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે? સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં.

***

વિગો ગ્રુપ ઓફ કંપનીઝ,

હેડ ઓફીસ,

મુંબઈ (ભારત)

“કામ પૂરું મિસ્ટર રિષી?” સાંજે સાડા પાંચ વાગ્યે રુચા મેડમ મારા ડેસ્ક પર આવ્યા અને બોલ્યા.

“ઓહ, હા મેડમ. બસ પી.સી. શટડાઉન કરું છું” મેં કહ્યું, “અને મારું નામ ઋષિ છે રિષી નહિ” મેં તેઓને મારા નામ વિશે ઘણીવાર કહ્યું હતું પરંતુ તે હમેશા મને ઋષિને બદલે રિષી કહીને જ બોલાવતા.

“તારું નામ જે હોય તે પણ મને રિષી અનુકુળ પડે છે એટલે હું રિષી કહીને જ બોલાવીશ, સમજ્યો?” તેઓએ ચહેરા પર સ્મિત ફરકાવતા કહ્યું, “બાય ધ વે તું આજે સાંજે શું કરે છે?”

“શું?” હું પૂછવા માંગતો હતો પણ ના પૂછ્યું. મને આશ્ચર્ય થયું એટલે હું ચુપ રહ્યો. આમ તો ઘણી વખત તેમના આવા અજીબ સવાલો મને મૂંઝવણમાં મૂકી દેતા પરંતુ થોડીવારના સસ્પેન્સ પછી તે જાતે જ મને તેમાંથી બહાર પણ કાઢી લેતા.

“ચિંતા ના કર, હું તને ‘ડેટ’ માટે નથી પૂછી રહી. આ તો હું જસ્ટ બીચ પર જવાની હતી એટલે તને પૂછ્યું” કહીને તેઓ મારી સાથે બહાર જવાના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યા.

“કાઈ વાંધો નહિ, આપણે જઈશું” મેં ટૂંકમાં કહ્યું.

“તું આટલો ફોર્મલ કેમ છે રિષી?” તે તેનું હાજરી કાર્ડ મશીન માં લગાવતા બોલ્યા.

“હું જે દેખાવ છું તે જ છું મેડમ” મેં સહજતાથી કહ્યું.

“ઓહ...રિષી ધ સાઇલેન્ટ મેન” તે બોલ્યા અને હસવા લાગ્યા. હું બિલકુલ ના હસ્યો અને અમે ગેટની બહાર નીકળી ગયા.

આમ તો હું પણ અવારનવાર બીચ પર જતો રહેતો. ક્યારેક દુઃખી હોઉ ત્યારે તો ક્યારેક ખૂશ હોઉ ત્યારે. ક્યારેક એકલતાથી દૂર ભીડ જોવા તો ક્યારેક ભીડમાં એકલતા શોધવા. આજે શનિવાર હોવાથી હું બીચ પર જવાનું વિચારી જ રહ્યો હતો પરંતુ તેઓએ મને તેની સાથે જવા કહ્યું જેથી હું એકલા જવાને બદલે તેઓની સાથે જવા નીકળ્યો.

“આજે કાંઈ ખાસ છે કે આપણે એમ જ ચાલવા માટે અહિયાં આવ્યા છીએ?” અમે દરિયા કિનારે ચાલી રહ્યા હતા ત્યારે મેં પૂછ્યું.

“એવું જરૂરી છે કે આપણે કોઈ ચોક્કસ કારણથી જ અહી આવવું જોઈએ?”

“ના, બિલકુલ નહી”

“બેસ અહિયાં” કહીને તે એકબાજુ રેતી પર બેસી ગયા. હું પણ તેઓની બાજુમાં બેઠો. થોડીવાર સુધી કોઈ કાંઈ ના બોલ્યું, બસ દરિયાના મોજાને નિહાળતા રહ્યા.

“તે આપણી સાથે આવું કેમ કરે છે રિષી?” તે અચાનક બોલ્યા. તેમનું ધ્યાન દરિયા તરફ જ હતું.

“કોણ મેડમ?” જે પ્રશ્ન મારા મનમાં પહેલા આવ્યો એ મેં પૂછી નાખ્યો. તે ચૂપ રહ્યા.

હું તેણીનો ચહેરો જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર કોઈ જ પ્રકારના હાવભાવ નહતા. ના તો તેના ચહેરા પર દુઃખ દેખાતું હતું કે ના તો ખૂશી. સૂંદર સાંજની ઠંડી હવા જાણે તેના ચહેરા પર વાળ સાથે રમી રહી હતી. તેમનું ધ્યાન હજી દરિયા તરફ જ હતું. તે જાણે ક્યાંક ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા હતા. કદાચ તેના ભૂતકાળમાં.

“બધું બરાબર છે મેડમ?” મેં તેમને વિચારોમાંથી બહાર લાવવા પૂછ્યું.

“ઝિંદગી” તેઓએ એક જ શબ્દ માં જવાબ આપ્યો.

તેના હાવભાવ વગરના ચહેરાને જોઇને હું એટલું તો ચોક્કસ નક્કી કરી શક્યો કે તે બિલકૂલ મજાકના મૂડમાં ન હતા. મેં તેમને આટલી હદે ગંભીર ક્યારેય નો’તા જોયા. તે હંમેશા ખુશ રહેતા અને બીજાને પણ ખુશ રાખતા. હું તેમના આ એક શબ્દના જવાબથી ખુબ જ આશ્ચર્યમાં હતો કેમ કે તેઓ તેની ઝિંદગીથી ખુબ જ ખુશ હતા અને આજે તે ઝિંદગી પ્રત્યે ફરિયાદ કરી રહ્યા હતા !

“ઝિંદગી?” મેં મૂર્ખની જેમ ફરી એ જ પૂછ્યું.

“હા રિષી, ઝિંદગી. તે આપણી સાથે ગમે તે કરી શકે છે, ગમે ત્યારે અને ગમે ત્યાં. આપણે તેને એ બધું જ આપવું પડે છે જે એ માંગે છે અને આપણે એ બધું જ સ્વીકારવું પડે છે જે એ આપે છે. તે હમેશા આપણને વિવિધ પરિસ્થિતિઓમાં ફસાવી દે છે. પરિસ્થિતિ કે જે આપણાથી સંભાળી ના શકાય, પરિસ્થિતિ કે જેનો ભાર આપણાથી ઉઠાવી ના શકાય, પરિસ્થિતિ કે જે આપણને રોજ એક નવું મોત આપે” તે બોલ્યા અને મારી સામે જોયું. તેની આંખોમાં હજી આંસુ નહતા. હું કાંઈ જ સમજી નહતો શકતો કે તેઓ કહેવા શું માંગે છે?

“વાત શું છે મેડમ?” મેં કહ્યું અને તેમના ખંભા પર હાથ મુક્યો. મેં ગંભીરતાથી આવું ક્યારેય નહતું કર્યું પરંતુ મને લાગ્યું કે આજે તેઓ કઈક શેર કરવા માંગે છે. આજે તેમને કોઈની જરૂર છે જે તેમની વાત સાંભળે.

“ઘરે કોઈ પ્રોબ્લેમ છે?” મેં બીજો પ્રશ્ન કર્યો કેમ કે ઓફિસમાં તો તેમને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હોય એવું લાગતું નહતું. તે ફરી ચુપ રહ્યા.

“તે મરી કેમ ના ગયો રિષી?” તેને અચાનક અને અણધાર્યો જવાબ આપ્યો.

“શું? .....કોણ?”

“મારો પતિ” તે બોલ્યા અને મારી સામે જોઈ રહ્યા.

“તમારા પતિ?” હું ચોંકી ગયો. મેં ક્યારેય કોઈ સ્ત્રીને તેના પતિના મૃત્યુ માટે પ્રાર્થના કરતા નહતા જોયા.

“આર યૂ ઓકે મેડમ?” મેં તેનો ખંભો હાચમચાવ્યો.

“હું જાણું છું રિષી કે તું અત્યારે મારા વિશે શું વિચારી રહ્યો છે પણ હું ગાંડી નથી” તે બોલ્યા.

“હું જાણું છે મેડમ કે એવું કાંઈ નથી પરંતુ મને કાઈ સમજાતું નથી તમે જે કહો છે તે” મેં સ્પષ્ટ કર્યું.

“મારો પતિ ગાયબ છે રિષી” તે બોલ્યા.

“શું ?” મને આશ્ચર્ય થયું એટલે મેં તેના જવાબની રાહ જોયા વગર જ બીજા બે પ્રશ્નો કરી નાખ્યા, “ ક્યારે અને કેવી રીતે?”

“મને નથી ખબર તે ક્યાં રિષી. તેને લગભગ રોજ દારુ પીવાની ખરાબ આદત હતી અને પીધા પછી તો......” તે બોલતા બોલતા અટકી ગયા. હું હજી મારા જ વિચારો માં ખોવાયેલો હતો કે આ બધું તે મને કેમ કહી રહી છે અને આજે જ શા માટે?

“એક દિવસ તે ઓફીસ ગયો અને અડધી રાત સૂધી ઘરે પાછો ના આવ્યો. મેં તેના મોબાઈલ પર ઘણા ફોન કર્યા પરંતુ તે સ્વિચઓફ્ હતો. મેં તેની ઓફિસે ફોન કર્યો, તે ત્યાં પણ નહતો. મેં તેના અમૂક મિત્રોને પણ ફોન કર્યા પરંતુ કોઈ નહતું જાણતું કે તે ક્યાં છે. બીજા દિવસે મેં તેની પોલીસ સ્ટેશનમાં મિસિંગ રિપોર્ટ નોંધાવી. દિવસે ને દિવસે મારી ધીરજ ખૂટી રહી હતી. દરરોજ હું બે કામ ચોક્કસ કરતી, એક તો તેના પાછા ફરવા માટે ભગવાન પાસે પ્રાર્થના અને બીજું તેની પાછા આવવાની રાહ. બીજું હું કરી પણ શું શકતી હતી? બે દિવસ સૂધી હું ખૂબ રડી પરંતુ મને બહુ જલ્દી જ સમજાઈ ગયું કે મુંબઈમાં કોઈ પાસે તમને સાંભળવાનો સમય નથી. અહી બધા પોતપોતાને સર્વાઈવ રાખવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે” તેણીએ આટલું બોલીને મારી સામે જોયું. શું બોલવું એ મને સમજાયું નહિ એટલે મેં ચૂપ રહેવાનું જ મુનાસિફ રાખ્યું.

“હું એ સમયે પ્રેગ્નન્ટ હતી રિષી અને એ મારો સાતમો મહિનો હતો. તૂ કલ્પના કરી શકે કે કેવા અઘરા દિવસો હશે તે?”

“આઈ અન્ડરસ્ટેન્ડ મેડમ” હું વધુ કઈ ના બોલી શક્યો.

“મને ખબર છે કે તૂ એવું વિચારી રહ્યો છે કે હું આ બધું તને શું કામ કહી રહી છું અને આજે જ શા માટે?” તે બોલ્યા.

“ઇટ્સ ઓકે મેડમ. તમે તે મારી સાથે શેર કરી શકો છો” મેં સાંત્વના આપતા કહ્યું.

“હું આજે એટલા માટે કહું છું કેમ કે આજે એ જ તારીખ છે જયારે મારી સાથે આ બધું થયું હતું”

“ઓહ્હ... આઈ એમ સોરી” શું બોલવું એ મને સમજ માં જ નહતું આવતું એટલે હું શક્ય એટલા ટૂંકા જવાબો આપી રહ્યો હતો.

“ડોન્ટ બી સોરી રિષી”

“એકચૂલી મારે પૂછવું ના જોઈએ છતાં તમે કહો તો એક વાત પૂછું?” મેં અચકાતા અચકાતા પૂછ્યું.

“શું રિષી. એજ ને કે મેં બીજા લગ્ન કેમ ના કર્યા?” તેણીના આ જવાબથી હું ચોંકી જ ગયો. મને એ સમજતા વાર ના લાગી કે હું જે પ્રશ્ન કરવા જઈ રહ્યો હતો તે પ્રશ્ન ખબર નહિ કેટલા લોકોએ અત્યાર સૂધી તેમને પૂછી નાખ્યો હશે અને કેટલા લોકોને તેણીએ તેનો જવાબ આપ્યો હશે એટલે હવે તો તે એમ જ જાણી જાય છે કે લોકો નો આગલો પ્રશ્ન શું હશે?

“હું કેવી રીતે કરું બીજા લગ્ન રિષી, જયારે મને એજ ખબર નથી કે તે જીવે પણ છે કે નહિ?” આ સાંભળીને હું ચૂપ થઇ ગયો. મને તેમના પ્રત્યે જેમ કોઈ સામાન્ય માણસને થાય એવી સહાનુભૂતિની લાગણી થઇ રહી હતી. તેઓ જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા તે ખરેખર ભયાનક હતી. શું થાય જયારે તમને એજ ખબર ન હોય કે તમારો પાર્ટનર જીવે છે કે મૃત્યુ પામ્યો છે. આવી પરિસ્થિતિ માં તમે બીજા લગ્ન પણ ના કરી શકો કેમ કે જો તમે એવું કરો અને તે પાછો ફરે તો? હું મનોમન વિચાર કરી રહ્યો હતો કે તેનો પતિ ખરેખર કોઈ મૂસીબત હશે કે પછી તેને જાણી જોઇને તેની સાથે આવું કર્યું હશે? જો મારી બીજી ધારણા સાચી હતી તો તેને આવું શા માટે કર્યું કેમ કે તેણી દેખાવમાં તો સારી લગતી જ હતી સાથે સાથે તેના ચરિત્ર વિશે ઓફિસમાં કોઈના મંતવ્ય નકારાત્મક નહતા. તો પછી તકલીફ ક્યાં હતી? શા માટે તેને આવું કર્યું? મારા મનમાં વિચારોનું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું.

“હું જાણું છું કે તારા મનમાં અત્યારે હજારો પ્રશ્નો આવતા હશે મારા પ્રત્યે પણ મારી પાસે તેના જવાબ નથી રિષી” તે બોલ્યા. હું તેના ચહેરાને જોઈ રહ્યો હતો. તેણીનું ધ્યાન હજી સમુદ્ર તરફ હતું અને હજી તેના આંખમાં આંસુ નહતા. હું ફરી ચુપ રહ્યો.

“પણ મારી પાસે તારા બે પ્રશ્નોના જવાબ છે” તે મને ચુપ જોઇને બોલ્યા.

“ક્યાં બે પ્રશ્નો?” કેમ કે મને પણ ખબર નહતી કે મારા મનમાં કેટલા પ્રશ્નો એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા.

“પહેલો એ કે હું તને જ શા માટે આ બધું કહી રહી છું અને બીજો એ કે ફક્ત આજે જ શા માટે?” તેના ચહેરા પર થોડીઘણી હળવાસની રેખાઓ મને દેખાઈ.

“એક્ચુલી તમારા બીજા પ્રશ્નનો જવાબ તો મને પણ ખબર છે” મેં કહ્યું.

“અચ્છા ? કયો ?” તે મારી સામે જોઇને બોલ્યા.

“એ જ કે આ બધું તમે મને આજે જ શા માટે કહો છો. કોઈપણ માણસ તેના જીવનના બે દિવસો ક્યારેય નથી ભૂલી શકતો. એક તો એ દિવસ કે જયારે તેના જીવનનો સૌથી અગત્યનો અને પ્રેમાળ વ્યક્તિ તેના જીવનમાં પ્રવેશે અને બીજો એ દિવસ કે જયારે તે જ વ્યક્તિ તેના જીવનમાંથી જતો રહે” મેં કહ્યું અને તેની આંખમાં જોયું. તે હજી કોરી હતી.

“ઓહ્હો... તને ઝિંદગી વિશે જાણે ઘણું ખબર છે હે... કદાચ મારા કરતા પણ વધારે” તે બોલ્યા અને ચહેરા પર સ્મિત ફરકાવ્યું.

“ના ના મેડમ...એવું કઈ નથી. અને તમારા પહેલા પ્રશ્નનો જવાબ?” મેં કહ્યું.

“હા, હું આ બધું તને એટલા માટે કહું છું કેમ કે.....” તે બોલ્યા અને જાણે થોડીવાર માટે અટકી ગયા.

“કેમ કે.....?” મેં તેમની બ્રેક લાગેલી ગાડીને વેગ આપવાનો પ્રયત્ન કર્યો.

“કેમ કે તું “સાઈલેંટ” માણસ છે સ્ટુપીડ અને તેવા લોકો ક્યારેય કોઈની વાત બીજાને ના કરે. તે બોલ્યા અને લગભગ હસવા લાગ્યા. મેં હવે નિરાંતનો શ્વાસ લીધો કેમ કે તે ફરીથી હસવા લાગ્યા હતા. મને તેઓના બીજા પ્રશ્નના જવાબમાં કોઈ જ રસ નહતો. તેઓના ચહેરા પર સ્મિત આવી ગયું એ મારા માટે મહત્વનું હતું.

“ના ખરેખર રિષી, આ વાત મેં ક્યારેય કોઈને નથી કરી. કોઈ લેડી એમ્પ્લોયને પણ નહિ પરંતુ ખબર નહિ કેમ તને કહેવાનું સેફ લાગ્યું” તે સહજતાથી બોલ્યા.

“મને ખબર છે કે તમે આ વાત કોઈ લેડી એમ્પ્લોયને કેમ નથી કરી” મેં હસતા હસતા કહ્યું.

“કેમ?”

“કેમ કે દુનિયાની કોઈપણ સ્ત્રી તેના પેટમાં કોઈ વાત રાખી શકે જ નહિ” મેં કહ્યું અને હસવા લાગ્યો.

“વેરી ફની” કહીને તેઓએ નાના બાળક જેવું મોં બનાવ્યુ અને મને ખંભા પર એક મૂક્કો માર્યો, “પણ મારી પાસે તારા માટે એક પ્રશ્ન છે”

“કેવો પ્રશ્ન?”

“તૂં આટલો સાઇલેન્ટ કેમ છે? તું ઓફિસની કોઈ છોકરી જોડે ક્લોઝ કેમ નથી? તું તેઓ પાસે ત્યારે જ જાય છે જયારે તારે કોઈ ઓફિસીયલી કામ હોય. આઈ મીન મુંબઈ જેવા મેટ્રો સીટીમાં પણ તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. તું આટલો ફોર્મલ કેમ છે?” તેઓએ ભાર દઈને પૂછ્યું.

“આ તમારો એક જ પ્રશ્ન હતો?” મેં ચહેરા પર સ્મિત સાથે કહ્યું, “બાય ધ વે મેં તમને આનો જવાબ આપી જ દીધો છે”

“હા પણ ‘હું જેવો દેખાવ છું તેવો જ છું’ એ મારો જવાબ નથી” તે બોલ્યા.

“તો? શું જાણવા માંગો છો મારા વિશે?” મેં કહ્યું.

“દરેક નો એક ભૂતકાળ હોય છે રિષી”

“ઓહ્હ...ખરેખર? તો?” મેં કહ્યું. થોડી અકળામણ મારામાં પ્રવેશવા લાગી હતી.

“કાઈ નહિ. ચલ આપણે જઈએ” કહીને તેઓ ઉભા થઈને ચાલવા લાગ્યા. હું પણ તેની સાથે ચાલવા લાગ્યો. થોડીવાર માટે બેમાંથી એકેય કઈ બોલ્યા નહિ. માણસોની ભીડના ઘોંઘાટ વચ્ચે પણ દરિયાના મોજાનો અવાજ અમારા કાન પર અથડાવા લાગ્યો હતો. ફ્રી માં મળી રહેલી ઠંડી હવા લોકોના મૂડ બદલી રહી હતી. સૂરજ પણ એટલી જલ્દી આથમી રહ્યો હતો કે જાણે તેને પણ ઓફિસેથી છૂટીને ઘરે જવાની જલ્દી હોય.

“આજનું ડિનર મારા ઘરે રાખ” આશરે પાંચેક મીનીટના સન્નાટા પછી તેઓ અચાનક બોલ્યા.

“તમારા ઘરે?” મેં આશ્ચર્યથી પૂછ્યું.

“કેમ? હું કઈ ભૂત છું?”

“ના મેડમ, મારા કહેવાનો અર્થ એ નહતો” મેં વાત સંભાળવાનો પ્રયન્ત કર્યો.

“તારી ફેવરીટ ડીશ કઈ છે?” તેઓએ મારી આગળની વાત જાણે સાંભળી જ ના હોય તેમ બોલ્યા.

“કેમ...? તમે તે મારા માટે બનાવશો?” મેં મજાક કરતા કહ્યું.

“ના... તું મારા માટે બનાવીશ અને હું તે એન્જોય કરીશ” તેઓ તેમના નેણ ઉછાળતા બોલ્યા અને બંને હસવા લાગ્યા. અમે ત્યાંથી ટેક્ષી પકડીને તેમના ઘરે ગયા. તેઓ સાન્તાક્રુઝ ઇસ્ટ માં રહેતા હતા. ટેક્ષીમાંથી ઉતરીને અમે તેમના ફ્લેટ પર પહોચ્યા. તેમનું ઘર ૨BHK ટાઇપનો ફ્લેટ હતો તેવું તેઓએ મને એકવાર કહ્યું હતું.

“હોપ કે તને મારૂં ઘર ગમશે” તેઓએ તેના બેગમાંથી ચાવીઓ કાઢીને મુખ્ય દરવાજો ખોલતા બોલ્યા.

“નાઈસ” મેં તેમનું ઘર નિહાળતા કહ્યું.

“વ્હોટ ડૂ યૂ મીન બાય નાઈસ હે? ઇટ.… ઇસ. .વેરી.… નાઈસ સમજ્યો?” તેઓએ ભાર દઈને કહ્યું અને હસવા લાગ્યા. હું પણ હાથ જોડીને બોલ્યો, “ઈટ ઇસ વેરી નાઈસ” અને હસવા લાગ્યો.

“લે આ રીમોટ. તૂ ટીવી જો એન્ડ લેટ મી અરેન્જ સમ ચાઈ-પાની ફોર યૂ” તેઓએ મને ટીવીનું રીમોટ હાથમાં પકડાવ્યું અને કિચનમાં ચાલ્યા ગયા.

“તો તમે અહી એકલા રહો છો?” મેં થોડા ઊંચા સ્વરે કહ્યું જેથી તેઓ કિચનમાં રહીને સાંભળી શકે. મારું ધ્યાન ટીવી ચાલુ કરવા હતું.

“ના. મારી પ્રિન્સેસ, મારી દીકરી રહે છે મારી સાથે. મેં તને તેના વિશે કીધેલું રિષી” તેઓ રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવતા બોલ્યા.

“અરે હા. તમે કીધેલું તેના વિશે. યાદ આવ્યું. બાય ધ વે ક્યાં છે તે? મારે મળવું છે તેને” મેં પાણીનો ગ્લાસ હાથ લેતા કહ્યું.

“તે તેની નાનીના ઘરે ગઈ છે”

“નામ શું છે તેણીનું?” મેં પાણીનો ગ્લાસ પતાવીને સહી સલામત તેમના હાથમાં પરત કર્યો.

“સાર્વરી. તૂં ભૂલકણો છે રિષી. તૂં તેનું નામ પણ ભૂલી ગયો?” તેમણે ટેબલના ખાનામાંથી એક ફોટો કાઢીને મને હાથમાં આપ્યો.

“તમને તો ખબર જ છે મેડમ કે નામ ભૂલી જવાની બહૂ ખરાબ આદત છે મને” મેં કહ્યું અને ફોટો જોઇને બોલ્યો, “સો ક્યૂટ. ઢીંગલી લાગે છે એકદમ”

“યસ...આખરે દીકરી કોની છે?” તેઓ ચહેરા પર એક મોટું સ્મિત ફરકાવતા બોલ્યા, “તારો વારો પડી જાત જો તે ક્યૂટ ના કીધું હોત તો”

“થેંક ગોડ” મેં કહ્યું અને હસવા લાગ્યો.

“ચલ બોલ હવે, ડિનરમાં શું ફાવશે?”

“રેહવા દો મેડમ, તમે થાક્યા હશો. આપણે બહાર જામી આવીએ” મેં કહ્યું.

“ઓહ્હો... પેહલી જ વિઝીટમાં ઇન્વીટેશન ફોર ‘ડેટ’ હેં?” જાણે તે મને ઈરીટેટ કરવા માંગતા હોય તેમ બોલ્યા. મેં કઈ કહ્યા વગર આશ્ચર્યજનક હાવભાવ વ્યક્ત કર્યા.

“અને તને કોણે કહ્યું કે હું બધું બનાવીશ? આપણે મળીને બનાવીશું” તે બોલ્યા અને કિચન તરફ ચાલવા લાગ્યા, “આવ, મારૂ કિચન જો” તે બોલ્યા અને કિચન તરફ ચાલવા લાગ્યા. હું પણ સાથે ચાલવા લાગ્યો.

“તું આ ડુંગળી ટામેટાનું સલાડ બનાવ હું ડ્રેસ ચેંજ કરીને આવું છું” તે બોલ્યા અને બેડરૂમ માં જતા રહ્યા.

“સારું” મેં કહ્યું અને મને આપવામાં આવેલું કામ ચાલુ કર્યું. તેણીનું કિચન સારી રીતે સાચવેલું હતું. તે એકદમ ચોખું અને કોરું હતું. બધી જ બરણીઓ વ્યવસ્થિત લેબલ સાથે ગોઠવેલી હતી. હું મનોમન આ કિચનની સરખામણી મારા કોલેજવાળા મિત્રો કે જેઓ ભાડેથી ફ્લેટમાં રહેતા હતા તેમના કિચન સાથે કરવા લાગ્યો. પ્લેટફોર્મ પર સામાન વિખેરાયેલો પડ્યો હોય. બરણીઓના તો નામોનિશાન ના હોય. ગેસ સ્ટવ પર હમેશા થોડી ઢોળાયેલી ચા ના નિશાન હોય જ અને એ જેનાથી સાફ કરેલું હોય તે ભિનું ગંધાતું કપડું ત્યાં પ્લેટફોર્મ પર જ પડેલું હોય. બે ત્રણ દિવસ ના વાસણ ધોવાના કાયમ બાકી હોય.

“અરે તું રડે છે કેમ?” તે આવ્યા અને મને વિચારોમાંથી બહાર ધકેલ્યો. મને ખબર જ ના રહી કે તિવ્ર ડુંગળીને કારણે મારી આંખમાંથી પાણી નીકળવા લાગ્યું હતું.

“તમે જ જવાબદાર છો” મેં કહ્યું અને તે હસવા લાગ્યા. લાવ મને આપ અને તારું મોં ધોઈ લે. તેને મારા હાથમાંથી છરી લઇ લીધી.

“બાથરૂમ ક્યાં છે?” મેં કિચનના દરવાજા પાસે પહોચીને પૂછ્યું એટલે અંદરથી અવાજ આવ્યો, “ત્યાંથી ડાબી બાજુએ જતો રહે”

***

“રાત્રે ૧૦ વાગ્યે અમે ડીનર પતાવ્યું. હું મારા રૂમે જવા માંગતો હતો કેમકે મારે હજી ઘરે ફોન કરવાનો બાકી હતો. અત્યારે ત્યાંથી નીકળું તો પણ મારે રૂમ પર પહોચતા વાર લાગે એમ હતું એટલે મેં બાલ્કનીમાં જઈને ઘરનો ફોન પતાવ્યો.

“જો સાર્વરી આવી” હું બાલ્કનીમાંથી રૂમમાં આવી રહ્યો હતો ત્યારે તે બોલ્યા. સાર્વરી મૂખ્ય દરવાજા પાસેથી અંદર આવી રહી હતી.

“તે કેવી રીતે આવી?”

“તે મારા ભાઈ સાથે આવી. તે મારી સાથે વાત નથી કરતો કેમ કે.....” તે થોડીવાર માટે અટકી ગઈ અને પછી બોલી, “કેમ કે મેં તેમની વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા છે”

મારે ફરી ચુપ રહેવાનું હતું એટલે મેં એમ જ કર્યું.

“અંકલને હાઈ બોલો બેટા” તેણીએ સાર્વરીને કહ્યું.

“હાઈ અંકલ. હાવ આર યૂ?” તે ઢીંગલીએ તેના મધુર અવાજમાં મને પૂછ્યું.

“આઈ એમ ફાઈન બેટા. તને કેમ છે?”

“આઈ એમ ઓલ્સો ફાઈન અંકલ. મમ્મીએ તમારા વિશે મને ઘણીવાર કીધું હતું. તમારું નામ રિષી અંકલ છે ને?” તે બોલી અને મારી સાથે હાથ મિલાવ્યો, “ના... ના...મારું નામ રિષી નથી ઋષિ છે” હું તેને જોરથી કહેવા માંગતો હતો. હું હાથ મિલાવતા મિલાવતા મેડમની સાથે કતરાઈને જોઈ રહ્યો હતો કેમ કે તેમણે તેમની છોકરીને પણ મારું નામ ઋષિ ને બદલે રિષી જ કહ્યું હતું. બદલામાં તે મારી સામે જોઇને જાણી જોઇને હસી રહ્યા હતા.

“ચલો બેટા અંકલને ગૂડ નાઈટ કહી દો. ઇટ્સ ટાઈમ ટૂ સ્લીપ” તેમને સાર્વરીને કહ્યું અને તેને રૂમ તરફ લઇ જવા લાગી.

“મારે નીકળવું જોઈએ હવે. સાડા દશ થયા” મેં કહ્યું અને જવાની તૈયારી બતાવી.

“કાલે રવિવાર છે રિષી. ઉભો રહે હું આવી હમણાં” તેમને કહ્યું. સાર્વરીએ જતા જતા મને હાથ હવામાં હલાવીને ગૂડ નાઈટ કહ્યું અને મેં પણ તેને સામે ગૂડ નાઈટ કર્યૂ.

“કાલે પણ તારે ઓફીસ જવાનું છે શું?” આશરે દશેક મિનીટ પછી તે બેડરૂમ માંથી આવ્યા અને બોલ્યા.

“અરે ના ના. કાલે શું છે? એક દિવસ તો શાંતિ હોય ને?” મેં કહ્યું.

“હા તો પછી બેસને. તારે રૂમ પર શું કામ છે? આમય તારે કોઈ ગર્લફ્રેન્ડ તો છે નહિ” તે બોલ્યા અને હસવા લાગ્યા.

“કામ તો કઈ નથી બસ મારી ડાયરી...” હું બોલતા અટકી ગયો અને વાત ફેરવવા પ્રયાસ કર્યો, “ તમારે કઈ કામ હોય તો રહું નહિ તો રૂમ પર જઈને સૂઈ જાઉં એમ”

“કામ તો તારું છે મારે”

“હા બોલો શું કામ છે?

“તે હજુ મને કીધું નહિ તારા વિશે”

“તમે મારા વિશે જાણો છો મેડમ. હું તમારી સાથે કામ કરું છું” મેં કહ્યું.

“ના. હું તારા ભૂતકાળ વિશે નથી જાણતી”

“કેમ? તમે મારા ભૂતકાળ વિશે જાણીને મારા પર બૂક લખવાના છો?” મેં હસીને કહ્યું પરંતુ તે ના હસ્યા. તે ગંભીરતાથી મારી સામે જોઈ રહ્યા.

“કેમ કે મેં તારી ડાયરી વાચી છે”

“શું?...કેવી રીતે?.....ક્યારે?” મેં એકીસાથે ત્રણ પ્રશ્નો પૂછી નાખ્યા.

“તે એક દિવસ તારું બેગ મને સાચવવા આપ્યું હતું યાદ છે?”

“તમે આ બરોબર નથી કર્યું મેડમ” મને ગુસ્સો આવી રહ્યો હતો.

“ગુસ્સે ના થા રિષી” તે મારા ગુસ્સાને શાંત કરવા પ્રયાસ કરવા લાગ્યા.

“ઋષિ” મેં જોરથી બૂમ પાડી. આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ઘડિયાળના કાંટાનો આવાજ પણ સંભળાવા લાગ્યો. ઘણીવાર સુધી શાંતિ છવાઈ રહી. બેમાંથી એકેય કઈં ના બોલ્યું. અંતે તે ઉભા થઈને તેના રૂમ તરફ ચાલવા લાગ્યા. તે રૂમમાં પ્રવેશ્યા અને દરવાજો બંધ કરતા હતા ત્યારે મેં કહ્યું, “ક્યાંથી સાંભળવું છે તમારે?” પરંતુ એટલામાં દરવાજો બંધ થઇ ગયો હતો. હું પણ ઉભો થયો અને મેઈન ડોર તરફ ચાલવા લાગ્યો. અચાનક તેમના બેડરૂમનો દરવાજો ખૂલ્યો અને તે બહાર આવ્યા. હું તેની પાસે જઈને ઉભો રહ્યો.

“જયારે તને લાગ્યું હોય કે તારું જીવન બદલાવા જઈ રહ્યું છે” તે બોલ્યા અને બેડ પર બેસી ગયા. હું સામે ખુરશી પર ગોઠવાયો.

ક્રમશ: ભાગ ૨ માં...