The first half - 4 books and stories free download online pdf in Gujarati

ધ ફર્સ્ટ હાફ - ૪

“ધ ફર્સ્ટ હાફ”

(ભાગ – ૪)

વિરાજગીરી ગોસાઈ

જોતજોતામાં ત્રણ મહિના વીતી ગયા હતા. દરેકની જેમ અમારી પણ એજ “નવથી છ” તેમજ “રૂમ પરથી ઓફીસ અને ઓફિસથી રૂમની” રોજીંદી સફર ચાલુ થઇ ગઈ હતી. અમૂક છોકરાઓ ટાઈમ ટૂ ટાઈમ જઈને પરત આવી જતા અને અમૂક નવી નવી ને પહેલી નોકરી હોવાથી પોતાની જગ્યા મજબૂત કરવા દિવસ રાત ઓફીસમાં ગાળવા લાગ્યા. ઓફિસમાં મતભેદમાં વધતા અંતર એ ‘અમૂક’ છોકરાઓના વ્યક્તિગત જીવનમાં પ્રવેશવા લાગ્યા હતા. પરિપકવતાના અભાવે અમૂક છોકરાઓ કામના કારણે થતી ઓફિસમાં તકરારને વ્યક્તિગત લેવા માંડ્યા હતા. કદાચ તેઓ ઓફીસ પોલીટીક્સનો ભોગ બનવા લાગ્યા હતા. “ઓફીસ પોલીટીક્સ” આ શબ્દ મને તે સમયે સમજાયો હતો.

આ જ ત્રણ મહિનામાં અમને અમારા રહેવાની વ્યવસ્થા ખૂદ કરવાની હતી. મેં, જય અને ઓમે મળીને જે ફ્લેટ ભાડે રાખ્યો હતો તે સોસાયટીનું નામ વિશ્વા રેસિડેન્સી હતું અને તે અડાજણમાં આવેલી સ્ટાર બજારથી લગભગ ૧૫ થી ૨૦ મિનીટ ચાલીને જવાય એટલું દૂર હતું. રવિવારની સાંજે છ વાગ્યે અમે ત્રણેય ત્યાં ફ્લેટ પર પહોચ્યા. સામાન બધો હોલમાં મૂક્યા પછી જય અને ઓમ બધી બારીઓ ખોલી રહ્યા હતા અને હું ફોનમાં વાત કરતો લોબીમાં આમતેમ ફરી રહ્યો હતો. અમારા ફ્લેટના મેઈન દરવાજાની સામે બીજા એક ફ્લેટની કિચનની બારી પડતી હતી અને ત્યાં એક આંટી કામ કરી રહ્યા હતા. મેં જેવો ફોન મૂક્યો એટલે તે તરત જ બહાર આવ્યા, જાણે મારા ફોન મૂકવાની રાહ જ જોતા હોય.

“તમે લોકો અહી રહેવા આવ્યા છો કે ફ્લેટ જોવા?” તે આન્ટીએ મને પૂછ્યું. જય અને ઓમ પણ તેનો અવાજ સાંભળીને બહાર આવ્યા.

“અમે અહી રહેવા જ આવ્યા છીએ” મેં કહ્યું.

“તમે સ્ટુડનટ્સ છો?”

“નાં આન્ટી, અમે જોબ કરીએ છીએ” જય બોલ્યો.

“ઓહ્હ...કઈ કંપનીમાં?”

“વિગો ગ્રૂપ” ઓમે ટૂંકમાં જવાબ આપ્યો.

“સારું કઈ કામ પડે તો બેફીકર દરવાજો ખખડાવજો હો” કહીને તે અંદર કિચન તરફ ચાલવા લાગ્યા કેમ કે તેના પ્રેશર કૂકરની સીટી વાગવાની ચાલુ થઇ ગઈ હતી અને તે બંધ ન’હતી થઈ રહી.

“થેન્ક્સ આંટી” અમે ત્રણેય બોલ્યા અને અમારા ફ્લેટમાં ઘૂસી ગયા. ખરેખર તો અમને આટલી ટૂંકી વાતચીતમાં આંટીની ‘કઈ કામ પડે તો દરવાજો ખખડાવજો’ એ ઓફર ઘણી અજીબ લાગી રહી હતી.

“આ ફરક છે એક સ્ટુડનટ તરીકે બેચલર રહેવામાં અને એક મલ્ટી નેશનલ કંપનીના એમ્પ્લોય તરીકે બેચલર રહેવામાં” ઓમ દરવાજો બંધ કરતા બોલ્યો.

“તને એવું લાગે છે કે આંટીને ખબર છે કે આપણે અહી બેચલર રહેવાના છીએ?” જયે ઓમને પૂછ્યું.

“અફકોર્સ મેન, બધાને ખબર હોય કે એક ૨ બી.એચ.કે ના ફ્લેટમાં કોઈ દિવસ ત્રણ કપલ એકસાથે ના રહે” ઓમે કહ્યું.

“અરે છોડ ને ભાઈ, ઈ ખાલી કન્ફર્મ કરતી’તી કે આપણે અહી બેચલર રહેવાના છીએ કે ફેમીલી સાથે” મેં વાત ટૂંકાવવા પ્રયાસ કર્યો.

“પણ આન્ટીએ આપણને એ નથી પૂછ્યું કે આપણે સિંગલ છીએ કે મેરીડ” ઓમ બોલ્યો.

“પોઈન્ટ છે...” જય વાતને ખેંચવા માંગતો હોય તેમ બોલ્યો. તેને આમ પણ આવી લવારીમાં વધારે ઈન્ટરેસ્ટ હતો.

“ગમે તે હોય પણ કોઈ પણ અંકલ કે આંટી કે જેમને છોકરી હોય તેઓ એટલું જાણવાનો અવશ્ય પ્રયન્ત કરશે કે તેમના આવનારા પાડોશી ફેમીલી સાથે રહેવાના છે કે બેચલર” મેં કહ્યું.

“હોઈ શકે, પણ આપણા કેસમાં આવું નથી” જય બોલ્યો.

“કેમ?” મેં પૂછ્યું.

“આપણા કેસમાં એવુ છે કે ત્યાં સામેના ઘરમાં કોઈ છોકરી નથી અને તેથી આંટીને એ જાણવામાં બિલકૂલ રસ નથી કે આપણે ફેમીલી સાથે રહેવાના છીએ કે બેચલર” જય જાણે ફાઈનલ સ્ટેટમેન્ટ આપતો હોય તેમ બોલ્યો.

“પણ મેં તો ઉપર ચડતી વખતે ત્યાં ઘરમાં એક છોકરી જોઈ હતી” ઓમ શાંતિથી બોલ્યો અને જાણે જયની તપાસ પર પાણી ફરી ગયું હોય તેમ તેને સામે જોયું અને બોલ્યો, “ઈમ્પોસીબલ, જયની નજરથી કોઈ બચી જ ના શકે”

“હશે ભાઈ, તું સાચો બસ? હવે આપણે જમવા જઈએ?” મેં જયને આગળ બોલતા રોક્યો.

અમારો ફ્લેટ ચોથા માળ પર હતો અને અમે લોકો પહેલા માળે રહેતા એક અંકલ આંટીને ત્યાં એક ટાઈમનું જમવાનું ફિક્સ કર્યું હતું એટલે કે બપોરે કેન્ટીનમાં અને રાત્રે ત્યાં.

“કેમ છો આંટી? અંકલ ક્યા?” અમે ફ્લેટમાં પ્રવેશ્યાં ત્યારે ઓમે પૂછ્યું. જ્યાં અમે જમવા જતા હતા તે આન્ટીનું નામ લતાબેન હતું. અમારી આ ત્રીજી મુલાકાત હોવાથી હવે તે ઓળખતા હતા.

“આવો, એ કઈક બહાર જાઉં છું એમ કહીને ગયા છે” લતા આંટી બોલ્યા.

“અચ્છા, શું બનાવ્યું છે આંટી આજે?” જયે પૂછ્યું.

“આજે પાલક પનીર છે”

“વાહ વાહ” ઓમ બોલ્યો.

“જમાવટ” મેં જયને કહ્યું.

“તમે લોકો બેસી જાવ જમવા એટલે હું રોટલી ઉતારવા લાગુ ગરમ ગરમ” આંટી બોલ્યા.

“હા આંટી આમ પણ બહુ ભૂખ લાગી છે આજે” જય બોલ્યો. અમે પહેલા પણ બે-ત્રણ વખત ફ્લેટ જોવા આવ્યા ત્યારે લતાબેનને ત્યાં જમી ચુક્યા હતા. ત્યારે તો મહિનાનું ફિક્સ નહતું પરંતુ અમારે ત્યાં રહેવાનું નક્કી થયું પછી અહી જમવાનું ફિક્સ કર્યું.

“આંટી જેવી થાળી પીરસીને રસોડામાં ગયા એટલે જયે તેનો ફોન કાઢ્યો અને થાળીનો ફોટો પાડ્યો. જાણે કોઈને મોકલી રહ્યો હોય તેવું લાગ્યું.

“ડેઈલી રિપોર્ટીંગ ટૂ ગર્લફ્રેન્ડ, હહહ?” ઓમે પૂછ્યું.

“તને નહિ સમજાય ઓમ, આ બધું મેનેજ કરવું પડે. આ નવી જનરેશનની રીલેશન મેઈનટેઈન રાખવા માટેની સ્ટાન્ડરડ ઓપરેટીંગ પ્રોસીઝર છે” જય એકદમ ગંભીરતાથી બોલ્યો, જાણે તે ‘સબંધ કેમ સાચવવા?’ વિષય પર લેકચર આપતો હોય.

“તો તારો કહેવાનો મતલબ એવો છે કે હું ઓગણીસમી સદીમાં જીવું છું એમ?” ઓમને થોડો ગુસ્સો આવ્યો હોય તે બોલ્યો કેમ કે તેને પણ ગર્લફ્રેન્ડ હતી પણ તે કોઈ દિવસ આવું ન’હતો કરતો.

“ના ભાઈ, એવું નઈ” જય બોલ્યો, તેનું ધ્યાન મોબાઈલમાં જ હતું.

“હું પણ એજ કહું છું ઓમ. તે તો ક્યારેય આવું નથી કર્યું” મેં પણ જંપલાવ્યું.

“ઈટ યોર ફૂડ ઋષિ” જય જયારે જયારે પણ અકળાતો ત્યારે ઈંગ્લીશમાં જ ખીજાતો. “અને આમ પણ તને આ બધું નહિ સમજાય કેમ કે તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી”

આ સાંભળીને હું અને ઓમ મોં માં કોળીયો મૂકતા અટકી ગયા. હાથ હવામાં જ રહી ગયો, અને એકબીજાની સામે જોવા લાગ્યા. ઓમે મને ઈશારો કર્યો અને મેં બોલવાનું ચાલુ કરી દિધું.

“હા ભાઈ, લોકોની વાત સાચી છે. અમારે ગર્લફ્રેન્ડ નથી પણ...”હું આગળ બોલું એ પહેલા જ ઓમ બોલ્યો, “પણ લોકોના હાથમાં હોય તો પણ તેઓ કોઈની મદદ ના કરે”

“હમમ...કળયુગ ઓમ કળયુગ” મેં કહ્યું અને જમવા લાગ્યો.

“અરે આ શું માંડી છે?” જયે ફોન બાજુમાં મૂક્યો અને બોલ્યો.

“પણ ઋષિ, એ લોકોની જગ્યાએ જો હું હોવને તો આંખ બંધ કરીને તારી મદદ કરી દઉં. તું ભાઈબંધ છે મારો યાર, મને વિશ્વાસ છે તારા પર” ઓમ ફક્ત મારી સામે જોઇને બોલ્યો અને જમવા લાગ્યો.

“ઓમ શું છે આ બધું?” જય બોલ્યો.

“ઠેન્ક્સ દોસ્ત, મને આ જ આશા હતી” હું પણ ફક્ત ઓમ સામે જ જોઇને બોલ્યો.

“ઓમ?” જય ઘુઘવાયો.

“એટલે એમ જ કે મારી ગર્લફ્રેન્ડની કોઈ નાની કે મોટી બહેન હોત તો હું જરૂર ઋષિ સાથે સેટીંગ કરાવેત એમ” ઓમ બોલ્યો. તેનું ધ્યાન મારા તરફ જ હતું.

“પણ તારી ગર્લફ્રેન્ડની કોઈ બહેન નથી ને ઓમ અને જેને છે તેને...” હું આટલું બોલીને અટકી ગયો અને હું અને ઓમ નીચું જોઇને જમવા લાગ્યા.

“ઋષિ, ઓમ. આપણે ઓલરેડી આ ટોપિક પર વાત થઇ ગઈ છે. યાર ઋષિ તે છોકરીને તું હેન્ડલ નઈ કરી શકે” જય બોલ્યો.

જ્યારથી મને અને ઓમને ખબર પડી હતી કે જયની ગર્લફ્રેન્ડની એક નાની બહેન છે ત્યારથી જયને ખીજવવાનો અમારો એવરગ્રીન આઈડીયા હતો. અમે એક મોકો ન’હતા છોડતા.

“ઓ પ્લીસ જય. હવે આવા બહાના નઈ બનાવ” ઓમ બોલ્યો.

“અરે તમે લોકો સમજતા કેમ નથી?” જયને વધુ ગુસ્સો આવ્યો. અમે થોડીવાર સુધી કાઈ ન બોલ્યા અને ઓમે જયને કહ્યું કે અમે ફક્ત મજાક કરી રહ્યા હતા અને તેને શાંત પાડ્યો.

“અરે આજકાલ તો કોઈ કોઈની મદદ કરે એવો સમય જ નથી રહ્યો” લતાબેન રસોડામાંથી બહાર આવતી વખતે ફોનમાં બોલ્યા. મેં અને ઓમે એકબીજા સામે જોયું અને પછી જયની સામે જોયું. અમારાથી કંટ્રોલ ન થયો અને અમે જોર જોરથી હસવા લાગ્યા.

*****

રાત્રે આશરે દશેક વાગ્યે અમે ત્રણેય નીચે સોસાયટી કમ્પાઉન્ડમાં સિક્યુરીટી કેબીન પાસે બેઠા હતા. પેલા સામેવાળા આંટી કે જેઓએ અમારી ‘પૂછપરછ’ કરી હતી તેઓ કોઈ છોકરી સાથે બેડમિન્ટન રમી રહ્યા હતા. આ જોઇને હું અને ઓમ જયની સામે જોવા લાગ્યા.

“ઓ હેલો, આનો મતલબ એવો બિલકુલ નથી કે તે છોકરી તેની જ દિકરી છે” જય હજી પોતાની વાત પર જ અડગ હતો અને હું અને ઓમ અમારા મોબાઈલમાં વ્યસ્ત હતા.

“મમ્મી, તારો ફોન ક્યારનો વાગે છે જો ને” તે છોકરીએ આંટીને કહ્યું અને આ વાત અમને ત્રણેય ને પણ સંભળાઈ. હું અને ઓમ ફરીથી જય સામે જોવા લાગ્યા અને જોર જોરથી હસવા લાગ્યા.

“મળી ગયું પ્રૂફ?” ઓમ બોલ્યો.

“હમમ... હા હવે” જયે કહ્યું.

“ચલ એ ખૂશીમાં સોડા થઇ જાય” ઓમ બોલ્યો.

“અત્યારે?” મેં કહ્યું.

“ચાલીને?” જય બોલ્યો.

“ના ના, તારા બાપાનું હેલીકોપ્ટર છે ને! આવે જ છે” ઓમ બોલ્યો અને મારો હાથ ખેંચીને ચાલવા લાગ્યો. જય પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તે પણ સાથે ચાલવા લાગ્યો.

અમારી સોસાયટીની પાછળના રસ્તેથી અમે ત્રણેય સ્ટાર બઝાર જવા માટે નિકળ્યા. તે રસ્તા પર રાત્રે બહુ અવર જવર ન રહેતી કેમ કે ત્યાં હજુ સ્ટ્રીટ લાઈટ નહતી. અલબત પ્રેમી પંખીડા માટે મનપસંદ સ્થળ હતું.

“એની માને...” જય અચાનક ઉભો રહી ગયો અને બોલ્યો. તે સામે કોઈ બિલ્ડીંગ તરફ જોવા લાગ્યો.

“શું થયું લા...?” ઓમે પૂછ્યું અને અમે બને પણ સાથે ઉભા રહી ગયા.

“સામે જો” જયે સામે બિલ્ડીંગ તરફ આંગળી ચીંધી. ત્યાં એક જોડો તેના બેડરૂમમાં એકબીજાને બાથ ભરીને ઉભું હતું. કદાચ એકબીજાને સાથે ઝઘડા પછીના સમાધાન થયું હોય તેવી રીતે, જાણે એકબીજાને માફી માંગતા હોય અને માફી આપતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા હતા. તેઓના રૂમની લાઈટ ચાલુ હતી અને પડદા પણ ખૂલાં હતા જેથી રોડ પરથી તો ત્યાં બધું દેખાતું હતું પરંતુ ત્યાંથી રોડ પર કઈ નહતું દેખાતું કેમ કે રોડ પર અંધારું હતું. તેઓ થોડા આગળ વધ્યાં અને એકબીજાને કિસ કરવા લાગ્યા.

“શું સીન છે યાર” ઓમ બોલ્યો.

“છે તો જબરદસ્ત પણ..... એનો પર્સનલ ટાઈમ છે હરામખોરો” મેં કહ્યું.

“વેઇટ ઋષિ, આવા દ્રશ્યો આપણને એવરી ડે જોવા નઈ મળે” ઓમ બોલ્યો.

“એવરી નાઈટ” જયે સુધાર્યું.

“ટાઈમ જોવો ગધેડાવ, સાડા દશ થયા” મેં કહ્યું અને અચાનક તે રૂમ ની લાઈટ બંધ થઇ ગયી. અમને બધું દેખાતું બંધ થઇ ગયું.

“ખુશ?” જયે મને સંભળાવતા કહ્યું.

“મેં લાઈટ બંધ નથી કરી” મેં કહ્યું અને ચાલવા લાગ્યો. જય અને ઓમ પણ સાથે ચાલવા લાગ્યા.

***

“ત્રણ લીંબુ સોડા” ઓમે સોડાવાળાણે ઓર્ડર આપ્યો.

“તું આ રવિવારે ઘરે જવાનો છે ઓમ?”જયે ઓમને પૂછ્યું.

“હા, કેમ?”

“હું દમણ જવાનો પ્લાન કરતો હતો” જય બોલ્યો.

“કેમ દમણ?” મેં પૂછ્યું.

“એની માને...,તને ઈ નથી ખબર કે લોકો દમણ શું કરવા જાય?” ઓમ બોલ્યો.

“શું કરવા?” મેં કહ્યું.

“દારુ માટે” જય બોલ્યો અને સોડાનો ગ્લાસ મને હાથમાં આપ્યો.

“એટલે પીધરાવ એમને?” મેં કહ્યું.

“તારી ગાં......” જયે મને સૂરતી ગાળ દિધી.

“આ વિકનો ઘરે જવાનો પ્લાન કેન્સલ” ઓમ બોલ્યો.

“અને વ્હોટ ડૂ યૂ મીન બાય પીધરાવ હેં?” ઓમે ઉમેર્યું.

“મીન્સ તમે બંને, તું અને જય”

“તું નથી આવવાનો એમ?” ઓમે પૂછ્યું.

“ના, મારે આ રવિવારે થોડું કામ છે એટલે હું નઈ આવું”

“જો ઋષિ, કામની પત્તર નો ઠોકતો. આપણે આ રવિવારે દમણ જઈએ છીએ. ધેટ્સ ઈટ” જય બોલ્યો અને સોડાનો ગ્લાસ પૂરો કર્યો.

“ટ્રાય તૂ અન્ડરસ્ટેન્ડ યાર, મારે નથી આવવું“ મેં કહ્યું.

“આપણે જઈએ છીએ મીન્સ આપણે જઈએ છીએ, કાઈ મગજમારી નો જોય” જયે પ્લાન કન્ફર્મ કર્યો.

“ઓકે. બાય ધ વે આપણે નીકળવું જોઈએ, સાડા અગિયાર થયા” મેં કહ્યું.

“હા, નહિ તો સવારે મોડું થશે” ઓમે કહ્યું.

“અને હા, આપણે દમણ જઈશું કેવી રીતે?” જયે પૂછ્યું અને અમે રૂમ તરફ ચાલતા થયા.

“ઓફકોર્સ મારી ધન્નો પર” ઓમ બોલ્યો. જયના લાલ કલરના બાઈકનું નામ અમે ધન્નો રાખ્યું હતું.

“હે?” મેં અને જયે એકસાથે કહ્યું.

આખા રસ્તે અમે ત્રણેય અમારા શરૂઆતથી લઇને અત્યાર સુધી પસાર થયેલા દિવસોની વાતો કરી રહ્યા હતા. કોના જીવનમાં આ નોકરીને કારણે કેવા પરિવર્તન આવ્યા, સોસાયટીમાં લોકો પહેલા કેવી નઝરે જોતા હતા અને હવે કેવી નઝરે જોવે છે વગેરે વગેરે...

“સખત ગરમી છે યાર” ઓમે મેઈન ડોર ખોલતા કહ્યું.

“હા, ગરમીની સીઝન છે અને એટલીસ્ટ એ નોકરી ઈમાનદારીથી કરે છે” જય બોલ્યો.

“બફારો વધારે છે” મેં કહ્યું.

“જોવું ટીવી પર કઈ આવતું હોય તો” ઓમે ટીવી ચાલુ કર્યું. ટીવી પર “એસા દેશ હે મેરા” ગીત આવી રહ્યું હતું

“યાર, હું યશ ચોપડા નો ફેન છું. સ્પેશ્યલી આફ્ટર ધીસ ફિલ્મ. સી ધ કેમેરાવર્ક, ગજબ” મેં કહ્યું.

“માનવું પડે હો. તું આવું બધું પણ ચેક કરે છે ફિલ્મમાં. અમારા માટે તો ફિલ્મ એટલે બે-ત્રણ કલાક નો ટાઈમ પાસ” જય બોલ્યો.

“હા યાર, ફિલ્મ બનાવવી એ મારું સપનું છે” મેં કહ્યું.

“જોજે ભાઈ, મને કોઈ સારો લીડ રોલ અપાવી દેજે. હિરોનો રોલ કરી લઈશ, ફકત તારા માટે” જય બોલ્યો અને હસવા લાગ્યો.

“અને હા, જો તારે એકસન ફિલ્મ બનાવવી હોય અને એક ડેશિંગ હિરોની જરૂર હોય તો તારી પાસે મારો નંબર છે જ” ઓમ બોલ્યો.

“એજ પ્રોબ્લમ છે એક્ચુલી. બધા હિરો બનવા માંગે છે અને એકસન કરવા માંગે છે પણ કોઈ એકસન બોલવા નથી માંગતું” મેં કહ્યું અને રૂમ તરફ ચાલવા લાગ્યો.

“ગૂડ નાઈટ, જો સવારે બસ નહિ પકડાય તો આપણી સાથે એકશન સીન થઇ જશે, ગબ્બર ડેસ્ક પાસે ઉભો રહીને તરત એની કાંડા ઘડિયાળમાં જોશે.” જય બોલ્યો અને ત્રણેય હસવા લાગ્યા.

ક્રમશ ભાગ ૫ માં....અને હા આપને “ધ ફર્સ્ટ હાફ” અત્યાર સુધી કેવી લાગી એ જરૂર જણાવશો.

વિરાજ – ૯૨૨૮૫ ૯૫૨૯૦