Feni na Friend books and stories free download online pdf in Gujarati

ફેનીનાં ફ્રેન્ડ

#MDG

ફેની નાં ફ્રેન્ડ-બાલ ગણેશા

એક ગામ હતું શિવપુર.. શિવ પુર માં એક ભવ્ય શિવ મંદિર આવેલું હોવાથી આ ગામ નું નામ શિવપુર પડ્યું હશે એવી ત્યાંની લોકવાયકા છે. શિવપુર એક સુખી સંપન્ન ગામ તરીકે સમગ્ર પંથક માં જાણીતું હતું. આજુબાજુનાં ગામમાંથી પણ ત્યાં વર્ષે હજારો લોકો ભગવાન શિવ નાં દર્શનાર્થે આવતાં. ધીરે ધીરે મંદિર નો વિકાસ સારો એવો થઈ ગયો હતો અને મંદિરની આગળનાં ખુલ્લાં મેદાનમાં નાના મોટા મંદિરો તથા બગીચો બનાવાયો હતો.

આ મંદિરોમાં હનુમાન દાદા,માં દુર્ગા, નાગદેવતા અને વિઘ્નહર્તા ગણપતિ ભગવાનનાં મંદિર નો સમાવેશ થતો.. આ મંદિરો બન્યાં પછી ભગવાન શિવનાં મંદિર ની શોભામાં પણ ચાર ચાંદ લાગી ગયાં હતાં. શિવ મંદિર નાં પૂજારી હતાં જાનકીનાથ મહારાજ. જે વર્ષોથી પોતાની જીંદગી ભગવાન શિવ ને સમર્પિત કરી ચૂક્યાં હતાં. પોતાની પત્ની શારદા નાં અવસાન પછી એમનું બસ એક જ લક્ષ હતું શિવ ની ભક્તિ અને આરાધના.

જાનકીનાથ ને એક દીકરો હતો દશરથ.. દશરથ નાં લગ્ન એક ખૂબ જ સંસ્કારી એવી કૈલાશ સાથે થયાં હતાં. દશરથ નું અહીં શિવપુરમાં ઉજ્જવળ ભવિષ્ય નથી એવું જાનકીનાથ ને ખબર હતી એટલે એમને આગ્રહ કરી પોતાનાં પુત્ર અને પુત્રવધુ ને શહેરમાં રહેવા જઈ ત્યાં પોતાનું સોનેરી ભવિષ્ય ઘડવા માટે મોકલી દીધાં હતાં.

દશરથ અને કૈલાશે જવાની ઘણી આનાકાની કરી અને જાનકીનાથ ની સેવા કોણ કરશે એ બહાનું પણ આગળ ધર્યું પણ વયોવૃદ્ધ જાનકીનાથે પુત્ર અને પુત્રવધુ ની કોઈ વાત સાંભળી નહીં અને એમને શહેરમાં જવા મનાવી લીધાં.. જાનકીનાથ નાં આશીર્વાદ લઈ કૈલાશ અને દશરથ શહેરમાં જવા માટે નીકળી ગયાં હતાં.

આજે એ વાત ને દસ વર્ષ જેટલો સમય વીતી ગયો.. દશરથ શહેરનાં રંગે ધીરે ધીરે રંગાઈ ગયો. પ્લાસ્ટીક મટીરીયલ ટ્રેડર તરીકે દશરથ ટૂંક સમયમાં નામ અને દામ બંને કમાયો હતો. પિતાજી એ કેમ એને શિવપુર મૂકી શહેરમાં જવા મોકલી દીધો હતો એ એને સમજાઈ રહ્યું હતું. આજે એનાં પિતાજીએ ભારે હૈયે લીધેલો નિર્ણય અત્યારે એને આટલી ઊંચાઈ સુધી લાવ્યો હતો એ બદલ એમની દુરદ્રષ્ટિ પર દશરથ ને માન હતું.

દશરથે ઘણીવાર પોતાનાં પિતાજીને પોતાની સાથે શહેરમાં આવી ને રહેવા માટે સમજાવ્યા હતાં પણ એ પવિત્ર આત્મા પોતાનું જીવન હવે પ્રભુ શિવ ને સમર્પિત કરી ચૂકી હતી. દશરથ ને સ્પષ્ટપણે જાનકીનાથે કહી દીધું હતું કે હવે એ પોતાનો જીવ શિવ ની શરણમાં જ પસાર કરશે અને છેલ્લો શ્વાસ પણ ત્યાં જ શિવ મંદિરમાં જ મુકશે.

પોતાની પિતાની વાત સાંભળી દશરથ નિરુત્તર થઈ જતો.. કામ ધંધામાં વ્યસ્ત દશરથ તો શિવપુર નહોતો આવી શકતો પણ એ પોતાની છ વર્ષ ની દીકરી ફેની ને વેકેશનમાં એનાં દાદા જાનકીનાથ જોડે રહેવા માટે મોકલતો હતો. ફેની પણ પોતાનાં દાદા જોડે રહેવા માટે ઉતાવળી રહેતી.. એને પણ દાદા જોડે શિવપુર માં રહેવું ખૂબ પસંદ હતું.

આ વખતે પણ ઉનાળાનું વેકેશન આવતાં ની સાથે જ ફેની એ પોતાનાં પિતાજી ને કહી દીધું કે હું દાદા જોડે જવા માંગુ છું. દશરથ અને એની પત્ની શિવપુર જઈને ફેની ને એનાં દાદા જોડે મુકતાં આવ્યાં.. !!

ફેની સવારે દાદા ની સાથે જ જાગી જતી અને નાહી-ધોઈ મંદિરે પહોંચી જતી. દાદા શિવ મંદિર માં જતાં પૂજા અર્ચના માટે તો ફેની શિવ મંદિર ની ફરતે બનેલાં નાના મોટાં મંદિરો માં જઈને એમની સાફ સફાઈ કરતી. દાદા પણ પોતાની પૌત્રીમાં રહેલાં સંસ્કારો જોઈ આનંદ થી રડી પડતાં. !

***

ફેની ને બધાં ભગવાન ની મૂર્તિ માં ગણપતિ ભગવાન ની મૂર્તિ જોઈને ભારે કુતુહલ થતું હતું.. એ રોજ મનોમન એવું વિચારતી કે કેમ ગણપતિ ભગવાન ને સૂંઢ છે અને કેમ એ ઉંદર પર જ બેસે છે. આ બધું નાનકડી ફેની ને ખૂબ નવાઈ ઉપજાવતું હતું એટલે એ હવે મોટાં ભાગ નો સમય ગણપતિ મંદિર માં જઈને એમની પોતાની રીતે કાલીઘેલી ભાષામાં વંદના કરતી રહેતી.

જાનકીનાથ રોજ રાતે ફેની ને કોઈ પૌરાણિક વાર્તા કહેતાં. ફેની એ એક દિવસ એમને કહ્યું.

"દાદા,ગણપતિ ભગવાન નો ચહેરો કેમ આવો છે.. ?એમને કેમ હાથી ની જેવી સૂંઢ છે. ?"

"ગણેશજીનો ચહેરો મનુષ્ય નો ના હોતાં કેમ એક ગજરાજ નો છે એ પાછળ એક પૌરાણિક કથા છે. તારે એ કથા સાંભળવી છે.. ?"પૌત્રી ફેની ને વ્હાલ પૂર્વક જાનકીનાથે પૂછ્યું.

દાદા નાં ખોળામાં બેસતાં ફેની ખુશ થઈને બોલી.

"હા દાદા કહો ને મારે સાંભળવી છે ગણપતિની કથા. "

ફેની નાં માથે હાથ ફેરવતાં ફેરવતાં જાનકીનાથે ગણપતિ મહારાજ ની ઉત્તપત્તિ ની કથા કહેવાનું શરૂ કર્યું.

"એક વખત શંકર ભગવાન બધાં જ સેવકો અને નંદી મહારાજ સાથે બહાર ગયાં હતાં.. કૈલાસ પર્વત પર માં પાર્વતી અને બીજી સ્ત્રીઓ સિવાય કોઈ પુરુષ હાજર નહોતો. માં પાર્વતી ને સ્નાન કરવા જવું હતું પણ એમને એ વાત ની ચિંતા હતી કે મહાદેવ ની ગેરહાજરીમાં અંદર કોઈ ના આવે એનું ધ્યાન કોણ રાખશે. ?"

પોતાની આ ચિંતાનાં નિવારણ માટે એમને માટી વડે એક નાનકડી મૂર્તિ બનાવી. ત્યારબાદ પોતાની શક્તિ વડે મહાદેવ શંકર નું નામ લઈ એમાં જીવ પ્રવેશ કરાવ્યો.. અને એ માટીમાંથી એક સુંદર તેજસ્વી બાળક ઉત્તપન્ન થયું. એ બાળક એટલે શ્રી ગણેશ.

માં પાર્વતી એ કહ્યું કે "બેટા અત્યારે સમગ્ર કૈલાસ પર કોઈ પુરુષ હાજર નથી માટે તારે બારણે ઉભાં રહેવાનું છે અને હું સ્નાન ના કરું ત્યાં સુધી કોઈને અંદર પ્રવેશતાં રોકવાનું છે. "

માં ની આજ્ઞા સાંભળી એમનો ચરણ સ્પર્શ કરી ગણેશજી બારણે જઈ ઉભાં રહી ગયાં. થોડીવારમાં ત્યાં ભગવાન શંકર આવ્યાં અને અંદર પ્રવેશ કરવા માટે જતાં હતાં. ભગવાન શંકર જ પોતાનાં પિતા છે એ વાત થી બેખબર ગણેશજી એ ભગવાન શંકર ને અંદર પ્રવેશતાં રોકયાં.

એક નાનું બાળક પોતાને પોતાનાં ઘરમાં પ્રવેશતાં રોકી રહ્યું હતું એ વાતથી ગુસ્સે ભરાયેલ ભગવાન શિવ એ પોતાનાં ત્રિશૂળ વડે ગણેશજી નું માથું ધડ થી અલગ કરી દીધું.

બહાર ઉંચા અવાજે થઈ રહેલો વાર્તાલાપ સાંભળી માં પાર્વતી બહાર આવ્યા.. ત્યાં આવીને એમને જોયું તો પોતાનાં પુત્ર ગણેશ નો શીશ વિનાનો મૃતદેહ ત્યાં જમીન પર પડ્યો હતો અને એનું માથું ધડ થી થોડે દુર.. જોડે મહાદેવ ક્રોધાયમાન ઉભાં હતાં.. ત્યાં શું બન્યું હતું એ સમજતાં પાર્વતી ને વાર ના થઈ. માં પાર્વતી જોરજોરથી વિલોપાત કરવા લાગ્યાં.

રડતાં રડતાં એમને ભગવાન શિવ તરફ જોઈને કહ્યું.

"મહાદેવ તમે આ શું કરી દીધું.. આ બાળક તમારું અને મારું સંતાન હતું.. તમારી અને અન્ય નંદીગણ ની ગેરહાજરીમાં મેં તમારું આહવાન કરી ગણેશ નું સર્જન કર્યું હતું અને તમે ક્રોધમાં આવી પોતાનાં જ પુત્ર ની હત્યાનું પાપ કરી દીધું. "

માં પાર્વતી ની વાત સાંભળી ભગવાન શિવ ને પોતે જાણે અજાણે પુત્ર હત્યાનું પાપ કરી બેઠાં હોવાનું જાણી અફસોસ થઈ રહ્યો હતો.. હવે થઈ ગયું એને સુધારવા માટે કંઈક કરવું જરૂરી સમજી ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુ ને ત્યાં આવવા કહ્યું.

ભગવાન વિષ્ણુ ની સલાહ થી મહાદેવે પોતાનાં ગણ નાં સેવકો ને કહ્યું.

"જાઓ અને જે પણ જીવ તમને પહેલો મળે એનું શીશ લેતાં આવો.. "

ગણ નાં લોકો ત્યાંથી કોઈ અન્ય જીવ નાં શીશ નાં શોધ માં નીકળી પડ્યાં.. જ્યાં એમની નજર એક ગજરાજ પર પડી અને એ એક હાથી નું શીશ લઈને ત્યાં હાજર થઈ ગયાં.

ભગવાન વિષ્ણુ એ એ ગજરાજ નું શીશ ગણેશનાં ધડ પર પોતાની શક્તિ વડે લગાવીને એને જીવીત કરી દીધો.. પોતાનાં પુત્ર નો ચહેરો હવે કદરૂપો થઈ ચૂક્યો હોવાનું લાગતાં માં પાર્વતી એ એ વાત ની મહાદેવ ને ફરિયાદ કરી એટલે મહાદેવે પાર્વતી માં ને કહ્યું.

"દેવી,તમારાં આ પુત્ર ને હું વરદાન આપું છું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનું નવું કામ આરંભશે તો ગણેશ ની સ્તુતિ કરીને કરશે કેમકે એવું કરવાથી એનું ધારેલું કામ થઈ જશે.. આપણાં પુત્ર ગણેશ નું નામ માત્ર જ મોટામાં મોટું વિઘ્ન હરી લેશે.. લોકો એને વિઘ્નહર્તા તરીકે ઓળખશે.. "

"તો બેટા આ હતી ભગવાન ગણેશજી નાં જન્મ અને એમનાં ચહેરાનો દેખાવ એક ગજરાજ જેવો હોવાની ગાથા.. "

"દાદા બહુ મસ્ત વાર્તા હતી.. હું આ વખતે ગણેશ ચતુર્થી માં જરૂર આવીશ.. "આટલું કહી ફેની દાદાના ખોળામાં માથું રાખી હસતી હસતી સુઈ ગઈ.

***

આ વાત ને ત્રણેક મહિના જેટલો સમય વીતી ગયો અને ભાદરવો મહિનો બેસતાં જ માં પાર્વતી અને મહાદેવનાં લાડકવાયા પુત્ર ગણેશનાં આગમન ની તૈયારી શિવપુરનાં શિવ મંદિરમાં થઈ ચૂકી.

જાનકીનાથે નક્કી કરી દીધું હતું કે ગણેશજી ની પૂજા નો આરંભ એમની પૌત્રી ફેની દ્વારા એમની આરતી ઉતારી કરવામાં આવશે અને એ માટે એમને પોતાનાં પુત્ર દશરથ ને કહી ફેની ને ગણેશ ચતુર્થીનાં બે દિવસ પહેલાં જ શિવપુર મૂકી જવા માટે કહી દીધું.

ગણેશ ચતુર્થી નાં બે દિવસ પહેલાં જ દશરથ જાતે આવીને ફેની ને શિવપુર જાનકીનાથ પાસે મૂકી ને પાછો શહેરમાં જતો રહ્યો. ફેની પણ ત્યાં આવવની વાત સાંભળી ત્યારથી જ ખૂબ ખુશ હતી. એમાં પણ જ્યારે શિવપુર પહોંચી એને ખબર પડી કે ગણેશજીની મોટી મૂર્તિ લાવી એમની પૂજા કરવાની છે ત્યારે તો એનો ઉત્સાહ બમણો થઈ ગયો.

જ્યારથી એને સાંભળ્યું હતું કે ગણેશજી ની મંદિરની અંદર છે એથી પણ વધુ મોટી પ્રતિમા લાવવાની છે ત્યારથી એ વારંવાર દાદા જાનકીનાથ ને એક જ સવાલ કરતી "ક્યારે આવશે ગણપતિ.. ?"

પોતાની પૌત્રી ની કાલીઘેલી ભાષામાં પુછાયેલો સવાલ સાંભળી દાદા હસી પડતાં અને કહેતાં.

"બેટા બહુ જલ્દી આવશે તારાં લાડકવાયા ગણપતિ.. અને એમનું સ્થાપન થાય પછી તારે જ એમની સૌથી પહેલી આરતી ઉતારવાની છે.. "

"વાહ વાહ.. મજા પડી જશે.. પછી મને લાડુ ખાવા મળશે પ્રસાદીમાં.. "દાદાની વાત સાંભળી ફેની ખુશીથી નાચી ઉઠતી.

ગણેશ ચતુર્થીનાં દિવસે રંગે ચંગે ગામલોકો દ્વારા ગણપતિ ની વિશાળ પ્રતિમા લાવીને એનું શિવ મંદિર નાં પટાંગણ માં સ્થાપન કરવામાં આવ્યું.. બધી વ્યવસ્થા જાળવવાની જવાબદારી જાનકીનાથ નાં માથે હતી એટલે એ સવારથી જ ખૂબ વ્યસ્ત હતાં.. આ વ્યસ્તતા નાં લીધે એમનું ધ્યાન ફેની ઉપરથી હટી ગયું.

ફેની પણ પોતાની મસ્તી માં મંદિર માં રમતી હતી.. ત્યાં અચાનક કોઈએ એને આવીને સ્પ્રે મારી બેહોશ કરી દીધી.. અને મંદિરની અંદર ઉભરાયેલ માનવ મહેરામણ ની આડમાં ફેની નું અપહરણ પણ કરી લીધું.

અપહરણકર્તા જે કોઈપણ હતાં એ જાણતાં હતાં કે ફેની નાં પિતા ખૂબ તવંગર છે અને ફેની નાં બદલામાં બહુ મોટી રકમ આપવા સરળતાથી માની જશે એટલે બહુ મોટું આયોજન કરી ફેની ને ત્યાં મંદિરમાંથી કિડનેપ કરી ગામમાં જ રહેલાં એક ખેતરની ઓરડી માં લઈ જઈને છુપાવી દીધી.

ફેની ને જ્યારે હોશ આવ્યો અને એને આંખો ખોલી તો પોતાની જાત ને દોરડાં વડે કસકસાવીને બાંધેલી મેળવી.. અત્યારે પોતે બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે એવું એ સમજી ગઈ હતી એટલે જોરજોરથી બુમો પાડી મદદ માટે અવાજ લગાવવા લાગી પણ ત્યાં એની મદદ કરવા વાળું કોઈ નહોતું.. એ માસુમ ત્યાં ભૂખી તરસી રડી રહી હતી.

કિડનેપરો ફેની ને ત્યાં મૂકી ને નીકળી ગયાં હતાં કેમકે એ લોકો નહોતાં ઇચ્છતાં કે એમનાં પર કોઈ ને શક જાય.. એટલે અત્યારે બધાંની વચ્ચે હાજર રહેવું જરૂરી હતું.. રાતે આવીને ફેની નાં પિતાને ફોન કરી એક કરોડ રૂપિયા માંગશે એવું એમનું આયોજન હતું.

ફેની બિચારી રડીરડીને થાકી ગઈ.. કોઈ એની મદદ માટે ના આવ્યું એટલે એને મદદ માટે બુમો પાડવાનું પણ બંધ કરી દીધું.. રાતે ગણપતિ ની આરતી ઉતારવાની વાત થી એ કેટલી ખુશ હતી અને અત્યારે આ હાલતમાં છે એ વિશે વિચારી એ એક ડૂસકું પણ લઈ લેતી.

અચાનક ફેની ને દાદા એ કહેલી ગણેશજી ની વાત માં મહાદેવ દ્વારા ગણેશજી ને આપવામાં આવેલાં વરદાન ની વાત યાદ આવી.. ગણેશજીની વંદના કરવાથી આ વિઘ્ન ચોક્કસ પોતાનાં માથેથી ટળી જશે એમ વિચારી ફેની એ પોતાની આંખો બંધ કરી લીધી અને ગણેશનું આહવાન કરવાનું શરૂ કરી દીધું.

દસ મિનિટ સુધી ફેની પુરી શ્રદ્ધા સાથે ગણેશજી નાં નામ નું રટણ કરતી રહી.. ફેની ને થોડીવારમાં કંઈક અવાજ આવવાનું મહેસુસ થતાં એને પોતાની આંખો ખોલી.. આંખો ખોલતાં જ ફેની એ જોયું કે બે સફેદ રંગ નાં ઉંદર એનાં પગ ની દોરી કોતરી રહ્યાં હતાં.. થોડીવારમાં ફેની નાં પગ ખુલી ગયાં.. ફેની સમજી ચુકી હતી કે ગણેશજી એ આ ઉંદર એની મદદ માટે મોકલ્યાં હતાં.. ફેની એ પોતાનાં હાથ પણ એ બે ઉંદરો આગળ ધરી દીધાં તો એ ઉંદરો એ ફટાફટ એનાં હાથ પરનું બંધન પણ છોડી ને એને મુક્ત કરી દીધી.

"Thankyou મૂષકરાજ.. "એ બંને શ્વેત ઉંદરો નો આભાર માની ફેની ઉભી થઈ અને બહાર જવા આગળ વધી.. દરવાજો ખોલી જેવી ફેની આગળ વધવા ગઈ તો એને પોતાની જાતને કોઈ અજાણી જગ્યાએ મહેસુસ કરી. અહીંથી ઘરે પાછા જવાનો રસ્તો પોતે કઈ રીતે શોધશે એમ વિચારી ત્યાં જ ચિંતાતુર થઈને ઉભી હતી.. ત્યાં અચાનક ફેની નો હાથ કોઈએ પકડ્યો હોય એવું લાગતાં એને ચમકીને એ તરફ જોયું તો ત્યાં એક દસેક વર્ષ નો છોકરો ઉભેલો જોયો.

"તું કોણ છે.. અને કેમ અહીં આવ્યો.. . ?"ફેની એ એ અજાણ્યાં છોકરાને સવાલ કર્યો.

"ફેની હું તારો ફ્રેન્ડ ગણેશ છું.. અને હું તારી મદદ કરવા આવ્યો છું.. "એ છોકરાએ કહ્યું.

"મારો ફ્રેન્ડ.. ?? અને તું મારી શું મદદ કરીશ.. ?" ફેની નાં સવાલ હજુ ચાલુ હતાં.

"અરે હું તો તને મારી ફ્રેન્ડ માનુ છું.. તું પણ મને થોડીવારમાં તારો ફ્રેન્ડ માનવા લાગીશ.. અને હું તને અહીંથી તારાં ઘરે પહોંચાડવા માટે આવ્યો છું. "ગણેશે કહ્યું.

"મને ઘરે લઈ જઈશ તું.. ?" ખુશી અને આશ્ચર્યનાં ભાવ સાથે ફેની બોલી.

"હા તું મારો હાથ પકડી રાખ અને આંખો બંધ કરી દે.. પછી એક બે ત્રણ બોલજે એટલે આપણે તારાં ઘરે.. "ગણેશે કહ્યું.

ગણેશની વાત સાંભળી ફેની એ ગણેશનો હાથ પકડી લીધો અને આંખો બંધ કરી લીધી.. ગણેશ ની સાથે સાથે એને એક.. બે.. ત્રણ કહ્યું અને પછી પોતાની આંખો ખોલી તો એ અત્યારે શિવ મંદિરમાં પહોંચી ગઈ હતી. ફેની એ ગણેશનો આભાર માનતાં બાજુમાં નજર કરી તો બાજુમાં કોઈ નહોતું.

ગણેશ ક્યાં ગયો હશે.. ? એ વિશે ફેની વિચારતી હતી ત્યાં જાનકીનાથ ફેની ને શોધતાં શોધતાં અંદર આવ્યાં અને ફેની ને આરતી માટે નો સમય થઈ ગયો છે એવું કહી એને તેડીને ગણપતિ ની મૂર્તિ નું સ્થાપન થયું હતું એ મંડપમાં લઈ ગયાં.. ફેની નાં હાથે જ આરતી ઉતારી ગણેશજીની પૂજા નાં દસ દિવસ ચાલનારા કાર્યક્રમ નો આરંભ કરવામાં આવ્યો.. લોકો એ પણ ગણેશ ઉત્સવ નાં કાર્યક્રમ ની ગણેશજીનાં જય જયકાર સાથે ઉત્સાહપૂર્વક શરૂવાત કરી.

બધાં લોકોનાં ચહેરા અત્યારે ખૂબ ખુશ હતાં પણ એ બે લોકો અત્યારે ફેની ને ત્યાં જોઈ બઘવાઈ ગયાં હતાં.. પોતાનું આટલું સુંદર આયોજન અસફળ જતાં એ બંને નો ગુસ્સો સાતમા આસમાને હતો પણ અત્યારે કંઈપણ કરવું એમનાં હાથમાં નહોતું.

અચાનક ફેની ની નજર એ વ્યક્તિનાં હાથ પર પડી જેને એને બેહોશ કરી હતી.. એનાં હાથમાં પાંચ ની જગ્યાએ છ આંગળીઓ છે એવું ફેની એ બેહોશ થતાં પહેલાં જોયું હતું એટલે એ ચિલ્લાઈને બોલી.

"દાદા આ માણસ મને કિડનેપ કરીને ક્યાંક લઈ ગયો હતો.. "

ફેની ની વાત સાંભળી ત્યાં હાજર જાનકીનાથ ની સાથે સેંકડો લોકોનું ધ્યાન એ તરફ ગયું.. પોતાનો ભાંડો ફૂટી ગયો હોવાનું લાગતાં એ વ્યક્તિ દોડી ને ભાગવા જતો હતો પણ એટલી બધી વસ્તીમાં એનું ભાગવું અશક્ય હતું અને એ ભીડ નાં હાથે ચડી ગયો.. ભીડ દ્વારા બરાબર નો મેથીપાક આપતાં એને પોતાનો ગુનો કબૂલી પોતાનાં અન્ય સથીદારનું પણ નામ જણાવી દીધું.

જાનકીનાથે પોલીસ ને કોલ કરી ત્યાં બોલાવી ને એ વ્યક્તિ ને પોલીસ ને સોંપી દીધી.. મુખ્ય પોલીસ અધિકારી એ ફેની ની પ્રશંશા કરી અને એ કઈ રીતે આ લોકોની ચુંગાલમાંથી છૂટી એ વિશે પૂછ્યું તો ફેની એ સમગ્ર હકીકત જણાવી દીધી.

ફેની ની વાત સાંભળી ત્યાં હાજર સર્વ નાં અચરજ નો પાર ના રહ્યો.. આટલી નાનકડી છોકરી ઝુઠું તો ના બોલે એટલે એની મદદ કરનાર છોકરો કોઈ નહીં પણ ગણપતિ ભગવાન સાક્ષાત હતાં એ બધાં ને સમજાઈ ગયું.

પોતાની નાની એવી ભક્ત ફેની નાં ફ્રેન્ડ બની બાળ ગણેશ સ્વયં પધાર્યા હતાં અને કેમ ગણેશજી ને વિધ્નહર્તા કહેવામાં આવે છે એ આ કળયુગમાં પણ પુરવાર કરી ગયાં હતાં એ વિચારી પોલીસ અધિકારી,જાનકીનાથ અને ગામલોકો બધાં નું મસ્તક ગણપતિ ની પ્રતિમા સામે અનાયાસે જ ઝૂકી ગયું.

જાનકીનાથે ફેની ને તેડી લીધી અને પોતાની પૌત્રી ની રક્ષા કરવા માટે મનોમન ગણેશજીનો આભાર માની જોરથી કહ્યું.. "ગણપતિ બાપ્પા મોરિયા.. "

"ગણપતિ બાપ્પા મોરિયા.. ગણપતિ બાપ્પા મોરિયા.. "નાં ઉદઘોષ સાથે મંદિરનું પટાંગણ ગુંજી ઉઠ્યું.

પોતાની ભક્ત માટે મિત્ર બનીને આવેલ ગણેશજી હજુ પણ હાજરાહજૂર પોતાનાં ભક્તોનાં વિઘ્ન હરે છે એની સાબિતી લોકો ને મળી ગઈ.. !!

"એક દો તીન ચાર.. ગણપતિ નો જય જયકાર"

જતીન. આર. પટેલ. (શિવાય)