Darshan do Ghanshyam nath books and stories free download online pdf in Gujarati

દર્શન દો ઘનશ્યામ નાથ

દર્શન દો ઘનશ્યામ નાથ....!

હવે તો હદ થાય છે ઘનશ્યામ હંઅઅઅ...કે.? પાંચ પાંચ હજાર વરસના વહાણા વાઈ ગયાં. શું હજી પણ ખાલી પારણા હલાવીને જ “ નંદ ઘેર આનદ ભયો, જય કનૈયા લાલકી “ બોલવાનું ? માત્ર પંજરીના ફાંકા મારીને જ વિલુપ્ત મોંઢે ઘરે આવવાનું..? જન્માષ્ટમીએ અડધી-અડધી રાત સુધી ઢોલ-નગારાં-ત્રાંસા-પખાજ-ને મંજીરા વગાડી ગળા ફાડી-ફાડીને તૂટી મરીએ, તેની પણ તને દયા નહિ આવે..? તું તો અમારા નેતાઓને પણ બગાડવા બેઠો રે....! એ પણ બધું તારી પાસેથી જ શીખ્યા લાગે. તું જન્માષ્ટમીએ ઢોલ નગારા સાથે જનમના બહાને ભભકા કરાવે, ને નેતાઓ ચૂંટણી આવે ત્યારે કરે...! નેતાઓને સાંભળવા અઢાર લાખનો ખર્ચ કરીએ ત્યારે અઢાર મીનીટનું ભાષણ મળે. જો કે, અઢાર તો અઢાર, પણ તારાં કરતાં નેતા સારા, આવીને સાક્ષાત દર્શન તો આપે..! તું તો દર્શન આપ્યા વગર અમારી કેડ બેવડ વાળી દે. આવું જ કરવું હતું તો, મોટાં ઉપાડે ગીતામાં વચન શું કામ આપેલું, કે, “ યદા યદા હી ધર્મસ્ય...! ચાલ જવા દે, નાના મોંઢે મોટી વાત કરીશ તો પાછો સુદર્શન બતાવશે. પણ ગીતા ઉપરથી અમારો વિશ્વાસ ઉઠી જાય, તે પહેલાં એકાદ જન્માષ્ટમીએ તું સાચેસાચ જનમ લે દીનાનાથ..!

કોઈના હાથમાં આવે તો તું કનૈયો શાને..? કોના હાથમાં આવેલો કે અમારા હાથમાં આવવાનો ? ગોપીઓને નહિ ગાંઠેલો,ટોપીઓને ગાંઠે ખરો..? જેણે રાધા અને મીરાને તડપાવ્યા હોય, તો અમે કયા ખેતરની મુળી..? એ તો સારું છે કે, તને કોઈ કહેવા વાળું નથી. બાકી રૂક્ષ્મણી ની જગ્યાએ અમારા જેવી મળી હોત તો ખબર પડી જાત, કે વ્યવહારમાં કેમ રહેવાય ?

જેમણે જેમણે આપને છંછેડ્યા, એને જ તમે સામે ચાલીને દર્શન આપ્યાની વાતનો ઈતિહાસ સાક્ષી છે. દર્શન માટે અમારે શું દુર્યોધનવેડા કરવાના ? શિશુપાલની જેમ ગાળો બોલવાની કે પૂતનાની માફક પ્રસ્તુત થવાનું ? કે પછી કંસ જેવું ચારિત્ર્ય ઘડવાનું...? જરાક તો દયા કરો સુદર્શન..? શંખ ફૂંકી ફૂંકીને અમારા ગાલ પણ હવે તો ફોફરાં થઇ ચાલ્યાં, અમે તારી ભક્તિભાવમાં સાવ ઘસાઈ ચાલ્યા, શું જન્માષ્ટમીએ અમારે પંજરીના ફાંકા મારવાના..? એવું તો નથી નક્કી કર્યું ને, કે ‘ નો દર્શન વિધાઉટ કમીશન..! આ તો અમારાં મંદિરોમાં એવું ચાલે છે એટલે..! ારો હિસાબ પણ પેલી કહેવત જેવો થઇ ગયો છે, ક્રિશ્ના..! ‘ રાત ગઈ સો બાત ગઈ..! ‘એ વિના તું આવું કરે જ નહિ. તારી મતિ પણ હવે ભ્રમ થવા માંડી. અમે ક્યાં નથી જાણતા કે, મીરાંએ પણ તને મેળવવા માટે ઝેરનો કટોરો પીવો પડેલો. યાદ આવે છે કે..?

સીનીયર સીટીઝન સુદામા જેવાં તારા સહાધ્યાયીને રખડતાં રઝળતા તારા મહેલ સુધી આવવું પડેલું.. અંતર્યામી હોય તો એટલી ખબર નહિ પડેલી કે ‘ લાવ બિચારા સુદામાને લેવા માટે રાજમહેલનો એકાદ રથ મોકલું..? તારાં કરતાં તો અમારા નેતા સારા, કે પરિવારને ફેરવવા માટે પણ સરકારી ગાડીની સવલત આપે..! ને સુદામા મહેલ ઉપર આવ્યા ત્યારે તારા દરવાને એની દશા શું કરી..? બોર્ડ કરતાં પણ અઘરા સવાલો પૂછીને બિચારાને ઢીલ્લોઢસ કરી નાંખેલો. મોટાં ઉપાડે તું ધજાગરા તો બહુ કરે કે, મારો ભક્ત મને સૌથી વધારે પ્રિય છે..! ‘ તારી પાડોશના ભાવનગરના નાઝીર સાહેબ મોડા જન્મ્યા એટલે, જો સુદામાના સમકાલીન હોત તો સુદામાએ પણ કહી નાખ્યું હોત કે, “

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી, હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

માંડ માંડ તો સુદામાને મહેલમાં પ્રવેશ કરવાના વિઝા મળેલા..! બાકી તારા મહેલ સુધી આવ્યા પહેલાં, ક્યારેય તેં એની ભાળ પણ કાઢવાની ફુરસદ લીધેલી કે..? આઈ મીન..! સુદામાની જો આવી હાલત થતી હોય તો, અમારે તો પંજરી ખાઈને જ પેટ ભરવાના ને..? હતાશા આવી ગઈ છે પ્રભુ...! આ કોઈ અમારી બળતરા નથી, બળાપો છે પ્રભુ..! જન્માષ્ટમીનાં દિવસે પારણામાંથી ચૂપચાપ પલાયન થઇ જવાની તારી રીત, જગતના નાથને શોભા દેતી નથી સુદર્શન..!

બાર મહિનામાં, અમારે તો શ્રાવણની જન્માષ્ટમીએ જ તારા આગમનની આશા રાખવાની ને..? શ્રાવણ જેવો બેસે એટલે, આંખ ફરકવા માંડે. ઘરની ટોચ પર કાગડો કેકારવ કરવા માંડે. ને મરી પરવારેલી આશામાં પણ કુંપણ ફૂટવા માંડે કે, ‘ નક્કી આ જન્માષ્ટમીએ તો મારો શ્યામ જરૂર આવશે જ..! જગતનો નાથ જનમવાનો હોય, ત્યારે તો આળસઘેલો પણ, “ ઘેલો-ઘેલો “ થઇ જાય. આ વખતે તો બંડ પોકારીને કહી દઉં છું કે, પ્રસાદની પોટલી પકડાવીને છેતરી નહિ જવાનું. અમે જ્યારે ગામને ગોકુળ બનાવીને બેઠાં હોય, અમારી દેવયાની દેવકી બનીને પાલવ પસારી તારી રાહ જોતી હોય એની સહજ તો કદર કર વ્હાલા..? બોંબ.પિસ્તોલ, તલવાર, ચપ્પા ને કટારી છોડીને બધાં ત્રાજાં, વાજાં, ઢોલ નગારા ને મંજીરા ઠોકતા હોય, ને તું, ચૂંટણી પતે એટલે નેતા છૂઉઉઉ’ થઇ જાય,, એમ પારણામાંથી પલાયન થઇ જાય એવું બધું અઠંગ રાજકારણીને શોભે. તારા જેવાં રાજઘરાનાના માધવને નહિ..! આ વખતે તો તું જન્મે એટલે તારો આધારકાર્ડ જ કઢાવી દેવાના છે હા...! આ તો તેં ગીતામાં કહેલું કે હું આવીશ, એટલે દાદાગીરી કરીએ. બાકી તું પણ જો અભી બોલા અભી ફોક જેવું કરતો હોય, તો અમે વિશ્વાસ કોના ઉપર કરીશું..? તારી રાહ જોવામાં ૫૦૦૦ વર્ષમાં કેટલા તો ઉકલી પણ ગયાં. ને હવે અમારી તબિયત પણ ક્યાં સુધી સાથ આપવાની..? કોઈ નેતા ગાંધીનગરમાં દર્શન આપે, ને ગામમાં આવીને દર્શન આપે એનો ફરક તો કંઈ સમજ..? ક્યાંક તું એવું તો નથી ઈચ્છતો ને કે, ‘ જેમણે મારા દર્શન કરવા હોય, એ બધાં ઉપર આવી જાવ.! અમારા નેતાઓ ગાંધીનગર કે દિલ્હી જ બોલાવે એટલે..! ‘ કહેવાનું એટલું જ કે, રાતે બાર બાર વાગ્યા સુધીનો ઉજાગરો કરીને તારા જનમવાની રાહ જોઈએ. એ માટે અમે ઉપવાસ કરીએ. આખો મહોલ્લો ગજવી નાંખીને ગાઈએ કે, ‘ હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી..! ‘ એની સહેજ તો કદર કર વ્હાલા..?

દરિયો ખેડવા ગયેલાં બધાના પતિદેવો ઘરે આવી જાય. પણ એક ખારવાની પત્નીનો પતિદેવ ઘરે નહિ આવતાં, રોજ દરિયા કિનારે જાય, અને એના પતિની રાહ જુએ, એમ અમે તારી રાહ જોઈએ છે કિશન..! બાકી, જન્માષ્ટમીની વર્ષગાંઠ ટાણે, શુભ-શુભ બોલવું જોઈએ એ તો અમે પણ જાણીએ. પણ અમારાથી બોલાઈ જાય પ્રભુ..! કારણ અમારી દશા પણ પેલી ખારવાની પત્ની જેવી જ તેં કરી નાંખી છે. નથી તું જનમ લેતો, કે નથી તું જા નથી આવવાનો ‘ એવું જાહેરમાં આવીને કહેતો. ત્યારે અમારે સમજવું શું..? ગીતામાં લખેલું બધું જ પેલા ચૂંટણીના વચન જેવું ફોક સમજવાનું..?

દર્શન દો ઘનશ્યામ નાથ મોરી, અખિયાં પ્યાસી રેજલ્દી જનમ લો પ્રભુ..! તારી ગાયો એના પરિવાર સાથે, જાહેર રસ્તા ઉપર તારા દર્શન માટે ઉપવાસ ઊપર ઉતરી છે. ગલી ગલીએ એ તને શોધે છે. ઢોલ-ઢોલક ત્રાંસા ને પખાજ એનો નાદ ગુમાવવા લાગ્યા છે. મંજીરા બેસૂરા થવા માંડ્યા છે. અમારી ધીરજ પણ ખૂટવા આવી છે. જગત ઉપરથી તો અમારો વિશ્વાસ તુટવા જ આવ્યો છે. પણ જગતના નાથ ઉપરથી વિશ્વાસ ડગી જાય તે પહેલાં તું એકાદ વિઝીટ કરી જા વિશ્વનાથ..!

હેપ્પી બર્થ ડે ક્રિશ્ના...!!

-------------------------------------------------------------------------------------------------------------------------------------